સરસ્વતીચંદ્ર ભાગ ૪/પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સિદ્ધલોકમાં યાત્રા ને સિદ્ધાંગનાનો પ્રસાદ અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન. સરસ્વતીચંદ્ર ભાગ ૪
પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ અને મણિમય સામગ્રીના સંપ્રસાદ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
યજમાન કે અતિથિ ? અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા. →


પ્રકરણ ૩૧.
[૧]પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ,

અને

પ્રીતિની મણિમય સામગ્રીના સંપ્રસાદ.
And on her lover's arm she leant,
And round her waist she felt it fold,
And far across the hill they went
In that mew world which is the old.
Tennyson’s Day-Dream.
I sate beside a sage's bed
And the lamp was burning red
Near the book where he had fed;
When a Dream with plumes of flame
To his pillow hovering came
And I knew it was the same
Which had kindled long ago
Pity, eloquence, and woe;
And the world a while below
Wore the shade the lustre made,
It has borne me here as fleet
As Desire's lightning feet ; .
I must ride it back ere morrow,
Or the sage will wake in sorrow.
“A spirit of the mind ”–“ Shelley's Prometheus Unbound.”


વ્હાલા ચંદ્ર ! આ શું છે ?”

“પિતામહપુરનો આ કોટ છે.”

“તમારું મ્હારું દ્વૈત છુટ્યે કેટલો કાળ થયો ?”

“જાગૃતમાંથી સ્વપ્નમાં જતાં થાય તેટલો તેને કેાઈક પળ ક્‌હે છે, કોઈક યુગ ક્‌હે છે."


 1. ૧. પ્રકરણ ૧૧ ઉ૫૨થી "પિતામહ” એટલે ભીષ્મ પિતામહનું રૂ૫ક સમજાશે.

“આજ તમારા સર્વ શરીરનો ગાઢ સંસર્ગ કરી ઉભી છું, છતાં શાન્તિ ભોગવું છું ને કાલ ચરણસ્પર્શથી જ મદનજ્વાલામાં હું બળતી હતી તેનું કારણ શું ?”

“એ જ્વાલા ત્હારા સ્થૂલ શરીરમાં જન્મી હતી. આજનો સમાગમ સૂક્ષ્મ શરીરથી જ છે, અને એ શરીર પણ સિદ્ધલોકના પ્રદેશમાં તેમના ઘ્રાણગ્રાહી શુદ્ધ પવનથી પોષિત છે.”

“તમને એવી જ્વાલાનો અનુભવ છે ?”

“ત્હારા મંગલસૂત્રને એ પુછજે, એ જ્વાલાનો અને એની શાન્તિ માટેના આપણા કષ્ટ તપનો સાક્ષી આપણા હૃદયને સાંધનાર અને સૌભાગ્યદેવીએ પ્રત્યક્ષ કરાવેલો આ પટ છે અને આપણી વાસનાનો iતિહાસ એ પટને લીધે તું દેખે છે.”

"હા.”

“અને આ મંગલસૂત્રમાં એ મન્થનનું માખણ તું દેખે છે.”

"હા.”

આટલું બે જણ બોલે છે ત્યાં પાસેના કોટના ગોપુરમાં પચાશેક કુતરાઓનું ભસવું સંભળાયું. થોડીવારમાં મ્હોટા મ્હોટા કુતરાઓ પગના નખવડે પૃથ્વીનાં પડ ખણતા ખણતા અને નાકવતે તેનો અંતર્ભાગને સુંઘતા સુંઘતા આ બે જણની આશપાશ ફરી વળ્યા. તો પણ બે જણે ચાલ્યાં કર્યું. અને મ્હોટામાં મ્હોટો કુતરો સરસ્વતીચંદ્રની સામે આવી મનુષ્યની વાણીથી બેાલવા લાગ્યો.

“મૃત્યુલોકનાં માનવી ! તમે અહી શા કારણથી આવો છો ને કોણ છો ?”

બે જણ ઉભાં રહ્યાં ને સરસ્વતીચંદ્ર બોલ્યો.

“અમર સિદ્ધાંગનાઓએ અમારા ચરણને આણીપાસ પ્રેર્યા છે ને અમે તેમનાં બાળક છીયે. પણ તમે કોણ છે અને આ સ્થાને શા અધિકારમાં છો ?”

શ્વાન.– પાણ્ડવોએ સ્વર્ગને માટે મહાપ્રસ્થાન કર્યું ત્યારે અમારા પૂર્વજ ધર્મરાજાની સાથે સ્વર્ગમાં સ્વદેહથી ગયા હતા. તે પછી સિદ્ધલોકનાં ઘણાંક ગોપુરમાં અમે દ્વારપાળનું કામ કરીયે છીયે. ધર્મરાજાના કાળથી અમે તેમના ધર્મસંગ્રહનું અધર્મીઓથી રક્ષણ કરીએ છીયે.

સર૦- કેવી રીતે રક્ષણ કરો છો ? શ્વાન૦– સિદ્ધજનો તો આ પુરમાં પોતાની સ્વગતિથી આવે છે પણ કોઈ કોઈ કાળે તમારી પેઠે મનુષ્યો પણ આવે છે. મનુષ્ય પૃથ્વી ઉપરથી અંહી જેમ જેમ પાસે આવે તેમ તેમ અમને તેમનો ગંધ નીચેથી આવે છે. એ મનુષ્યમાં કેવા ગુણ છે તે તેને સુંઘીને અને જોઈને અમે જાણી જઈએ છીયે. જો તેની દૃષ્ટિ સાત્વિક હોય છે તો અમે તેને ગોપુરમાં અક્ષત જવા દેઈએ છીયે. જો તેની દૃષ્ટિ રાજસી હોય છે તો અમે તેના શરીરને ન્યૂનાધિક બચકાં ભરી પછી જવા દઈએ છીએ. જો તેની દૃષ્ટિ તામસી હોય તો તેના સર્વ શરીરનું ભક્ષણ કરીએ છીએ ને તેના હાડકાં ગોપુરની પાસેના કુંડમાં નાંખીએ છીએ. આટલો અમારે માટે આહાર નિર્મેલો છે ને આટલો અમારો ધર્મ અને અધિકાર નિર્મેલો છે.

સર૦– આ વ્યવસ્થાનું પ્રયોજન શું ને ફળ શું?

શ્વાન૦– ભીષ્મપિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને જ પોતાની પાસેથી ઉપદેશ લેવા યોગ્ય ગણ્યા હતા અને યુધિષ્ઠિર મહારાજ જેવા સાત્ત્વિક દૃષ્ટિવાળાઓને જ પિતામહપુરનું રહસ્ય દેખાડવાનું છે. રાજસી દૃષ્ટિવાળા જનો રાગદ્વેષની અને મમતા તથા અહંકારની દષ્ટિએ જ જુએ છે. પિતામહપુરનાં રહસ્ય તેમને દેખાય છે પણ રાગદ્વેષને લીધે તેમને માત્ર એકદેશીય અથવા વક્રીભૂત દર્શન જ થાય છે. અહીંથી આવા જન્તુ પાછા જઈ જગતને છેતરે નહીં અને તેમના રાગદ્વેષ જગતમાં ઉઘાડા પડે એવું કરવાને અમે તેમને કરડીયે છીયે એટલે આ પુરમાં તેમ જગતમાં એ લોક જ્યાં ફરે છે ત્યાં તેમને હડકવા હાલે છે ને તેમની દૃષ્ટિથી અને તેમના સ્પર્શથી જડ મનુષ્યોને એવોને એવો હડકવા હાલે છે; પણ એ દૃષ્ટિવાળાઓને જોઈ પ્રાજ્ઞ મનુષ્યો તેમને વર્જ્ય ગણે છે અને આ પુરવિષયે તેમણે કરેલી કથાઓને સત્ય ગણતા નથી. તામસી દૃષ્ટિવાળાનો તો નાશ જ ઘટે છે.

સર૦- તમારું નગર જોવામાં રાગદ્વેષ શાનો થાય?

શ્વાન.- હૃદયના રાગદ્વેષ વ્યવહારમાં હોય છે તેમ દૃષ્ટિના રાગદ્વેષ આવે સ્થાને આવિર્ભૂત થાય છે. અમારો શ્વાનવર્ગ તમારા સંસારીયોમાં અપવિત્ર ગણાય છે ને યુરોપના સંસારીયોમાં ગૃહ્ય ગણાય છે ત્યારે ધર્મરાજે તેને પોતાની સાથે સ્વર્ગમાં જીવતો લીધો તે સાત્ત્વિક દૃષ્ટિ. વ્યાસમુનિયે નિયોગ સ્વીકાર્યો, પિતામહે કૌમારવ્રત પાળ્યું, રામચંદ્ર શબરીના કરડેલાં બદરીફલ ખાધાં, ભીમસેને રાક્ષસી જોડે વિવાહ કર્યો, ઇત્યાદિ પ્રવૃત્તિઓ સાત્ત્વિક દૃષ્ટિમાંથી થઈ હતી. તમારા સંસારીયોમાં મનુષ્યની એક જાત બીજીનાં સુખદુ:ખ ન ગણતાં પોતાની જ જાતનો પક્ષપાત કરે છે, વિવાહમાં, ભોજનમાં, આચારમાં, ને વિચારમાં અમુક વસ્તુ પોતાની જાતની કે પોતાની ગણે છે ને અન્યને પારકી ગણે છે, પોતાની ક્રિયાને મિથ્યાદમ્ભથી શિષ્ટ ગણે છે ને અન્ય ક્રિયાઓને અધર્મ ગણે છે, અમુક વાણી સત્ય હોવા છતાં ન બોલવા જેવી ગણે છે અને ગમે તો તે બોલવાને કાળે લજજાદિ નિમિત્તોથી બોલતા નથી ને સત્યને સંતાડે છે અથવા અસત્ય બોલે છે અથવા જાતે જ પોતાના સંપ્રત્યયોનાં સત્યાસત્ય વિચારવામાં ઉપેક્ષા રાખે છે ને તે છતાં તે સંપ્રત્યયોને વળગી ર્‌હે છે – ઇત્યાદિ અનેક પ્રકારોથી રાગદ્વેષની દૃષ્ટિની સૃષ્ટિ પ્રત્યક્ષ થાય છે, રાગદ્વેષ વિના, મમતા વિના, અધ્યાત્મ દૃષ્ટિથી, જે દર્શન થાય તે જ સાત્ત્વિક.

સર૦– દેશવત્સલતામાં મમતા આવે.

શ્વાન.– ધર્મબુદ્ધિથી દેશપ્રીતિ થાય તે સાત્ત્વિક ને મમતાદિથી થાય તે રાજસી પ્રીતિ સ્વદેશની કે પરદેશની પ્રજાઓની પ્રલયકારિણી થાય છે.

સર૦– સર્વ પોતાના ધર્મની બુદ્ધિથી જ દેશ ઉપર પ્રીતિ રચે છે.

શ્વાન.– પણ જે ધર્મ સાત્ત્વિક દૃષ્ટિથી દૃષ્ટ નથી તે રાજસ છે. સૂર્યના પ્રકાશની પેઠે સનાતન મનુષ્યધર્મનો ત્યાગ કરી પોતાની ભૂમિના ધર્મનો હઠ-ગ્રાહ કરનાર પુરુષ રાગદ્વેષી છે ને સત્ય અને ઋત ઉભયથી દૂર જાય છે. સનાતન ધર્મને પાળી, જન્મભૂમિના ધર્મને સત્યપૂત કરી, પછી તે બે ઉપર દૃષ્ટિ કરનારની દૃષ્ટિ સાત્ત્વિક છે. મનુષ્યોને માટે આટલી ભેદબુદ્ધિની ક્ષમા છે; બાકી સિદ્ધજનોને તો ભેદબુદ્ધિ વિનાના સાત્ત્વિક સનાતન ધર્મ જ સર્વદા પ્રત્યક્ષ ર્‌હે છે. પોતાની અપરમાતા માદ્રીને જોઈ પોતાને થયેલી અને ધર્મવિચારથી અટકાવેલી વિષયવાસનાને ધર્મરાજા બળિરાજા પાસે સ્વીકારતાં લજવાયા નહી કે ડર્યા નહી કે અટક્યા નહી ત્યારે જ એમની દૃષ્ટિ સાત્ત્વિક ગણાઈને બળિરાજાએ તેમને દર્શન આપ્યું. તમે બે જણ તો પૃથ્વી ઉપર જઈ તમારો આ સંબંધ સ્વીકારતાં શરમાશો - એ દૃષ્ટિ સાત્ત્વિક નહી.

સર૦– જો એમ હોય તે તમે અમને કેમ તરત બચકાં ભરતા નથી ? અમે યોગ્ય શિક્ષા લેવા તત્પર છીયે.

શ્વાન.– આવો પ્રશ્ન પુછીને તમે અમારો તેમ કરવાનો અધિકાર બંધ કર્યો.

સર૦– શી રીતે ?

શ્વાન.– મનુષ્ય આમ શિક્ષા જાતે માગી શકે છે તે સાત્ત્વિક દૃષ્ટિને બળે જ. અમારે તો બીજું કારણ પણ હતું ને તે એ કે જે ચિન્તામણિ ને સ્પર્શમણિ : તમે મુદ્રામાં ને મંગળસૂત્રમાં ધારો છે તે તમને આ ધામમાં સાત્ત્વિક દૃષ્ટિ જ આપશે એવું તમારું ભવિષ્ય મ્હેં સુંઘી ક્‌હાડ્યું હતું, અને તે ભવિષ્ય કાળનો તમારા પ્રશ્ને વર્તમાન આરમ્ભ કર્યો. હવે તમારી યાત્રામાં તમે શીઘ્ર પ્રવૃત્ત થાવ અને આ ગોપુરમાં થઈ ચા૯યાં જાવ.

સર૦– શ્વરાજ ! આ ધામમાં છેલ્લામાં છેલું મનુષ્ય ક્યારે કોણ ગતિ પામી શકયું હતું ?

શ્વાન.– રત્નનગરીના મહારાજ મલ્લરાજ હાલ સિદ્ધ છે તે એકકાળે તમારીપેઠે આવ્યા હતા. તેમણે પૃથ્વીમાં ભીષ્મભવન[૧] આ ધામ જોઈને જ કરેલું છે.

સર૦– શ્વરાજ ! મ્હેં તે જોયું છે. અમને કંઈ સૂચના કે ઉપદેશ આપના ભણીથી દેશો ?

શ્વાન.– અમે શ્વલોક વસ્ત્રાદિ દમ્ભને ધારતા નથી પણ મનુષ્યો તો વાણીમાં, વિચારમાં, વૃત્તિયોમાં ને આચારમાં અનેક રીતે ઓપ્યાગોપ્યભેદ રાખી અસત્ય-પ્રપઞ્ચના ખેલની સૃષ્ટિ ઉભી કરે છે. એવા ભેદને માટેના સર્વ દમ્ભનો ત્યાગ તમને પ્રાપ્ત થાવ એટલો હું તમને ઉપદેશ અને આશીર્વાદ આપું છું. એટલી સિદ્ધિ પ્રાપ્ત થયેથી તમારા સંસારીયોનાં સુખદુ:ખનું શુદ્ધ દર્શન કરી શકશો ને તેમ થશે ત્યારે તમે તેમનું કલ્યાણ કરવાની તમારી સૂક્ષ્મ વાસનાને તૃપ્ત કરી શકશો. આ સિદ્ધલોકના દ્વીપ સમસ્ત પૃથ્વી ઉપર તરે છે, ને તમે હાલ આર્યદેશ ઉપર છો તેનાં પ્રતિબિમ્બ પિતામહના કુણ્ડમાં આ દ્વીપો ઉપરથી જોજો, પિતામહના ઉપર બંધાયલા રાફડાઓને સાત્ત્વિક દૃષ્ટિથી જોજો, ને પછી ગંગામૈયાના ખેાળામાં સુતેલા પિતામહનાં દર્શન કરી એ માતા પાસેથી ને પુત્ર પાસેથી તમારા દેશના કલ્યાણ માર્ગનો ઉપદેશ લેજો. મલ્લરાજની યોજનાનાં પાંડુકુરુભવનો જોનારને આ ઉપદેશ સુગમ પડશે.

આટલું બોલી કુતરાઓ વેરાઈ ગયા ને સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી, હિમ ઉપર સરવાની ચક્રવાળી પાદુકાઓ[૨] પ્હેરી સરતાં હોય તેમ, ગોપુરની તળે સરી ગયાં ને ત્યાંથી વેગભર્યાં સર્યાં તે અંદર પિતામહકુંડના આરા ઉપરના સોનારુપાના સળીયાના કઠેરા આગળ અટક્યાં.


 1. ૧. પૃષ્ઠ ર૪૬-ર૪૭.
 2. ૨. ઈંગ્રેજો Skating ની કસરત કરે છે, ત્યારે બરફ ઉપર પઈડાંવાળી પાવડીઓ પ્હેરી ખસે છે, આપણાં બાળકની ભાષામાં બાલીયે તો “ખસુરીયાં ખાય છે.”
આ કુંડ એકાદ ગાઉ લાંબો પ્હોળો હશે અને તેમાં ચારે પાસ પાણીના

જેવું તેજ ચળકતું ભરેલું હતું અને એ તેજમાં મ્હોટા મ્હોટા બેટ હતા. પોતાને મળેલી મુદ્રા જોતો જોતો સરરવતીચંદ્ર બોલવા લાગ્યો.

“કુમુદ, આ મહાકુંડમાં આપણા દેશનું પ્રાચીન તેજ ભરેલું છે તે પૃથ્વી ઉપરથી દેખાતું નથી. એની વચ્ચે આ મ્હોટા મ્હોટા બેટ છે તેમાં જવાને આ તેજમાં તરવું પડે છે. જે લોકને આ કુતરાઓ બચકાં ભરે છે તે આ તેજ ઉપર પડતું મુકે છે, ને પારદર્શક પવન જેવા તેજમાં થઈ એ લોક નીચે પૃથ્વી પર પડે છે. આ તેજનો જરીક ચમકારો તેમને થતાં તેમનું વધારે ભાન બંધ થાય છે ને એ ચમકારાથી લાગેલો હડકવા લેઈને આ લોક આપણા દેશમાં ફરે છે, પણ તેમનો અનુભવ એ ચમકારાથી વધારે વાતનો નથી અને એ દગ્ધજ્ઞાનવાળાં પૃથ્વી પર પડેલાં માણસ ભયંકર થાય છે - તેનું પ્રતિબિમ્બ પણે જો !”

તેજમાં જોતી જોતી કુમુદ બોલી: “આહા ! શાં યુદ્ધ ? એક હાથીને અનેક સ્થાને વળગેલા આંધળાઓ પોતપોતાની વાત પ્રતિપાદન કરવા લ્હડી મરે તે અન્ધહસ્તિન્યાયનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત !-પણ ઉદાત્ત સ્વામી ! આ લોક પણ ઉપકારક છે. જુવો ! આ તેજની નીચે આખા દેશમાં અન્ધકારનો મહાસાગર ભરેલો છે તે પણ દેશની વર્ત્તમાન દશાનું પ્રતિબિમ્બ જ છે ને તેમાં દીવાઓ પેઠે આ શ્વરાજના કરડેલા જીવો તરે છે, દીવાસળી સળગાવી ન હોય પણ જરીક ઘસી હોય તો તેથી પણ પ્રકાશનો તારા જેવો ચમકાર જણાય છે તેવો આ લોકનો પ્રકાશ અંધકારમાં ઉપયોગી થાય છે. પ્રાણનાથ ! તેમનો તિરસ્કાર ન કરશો. તેઓ પણ પ્રીતિપાત્ર છે.”

સરસ્વતીચંદ્ર એના મંગળસૂત્ર આગળ આલિંગન દેઈ બોલ્યો; “સત્ય કહ્યું – સુન્દર કહ્યું ! એ સુન્દરતાના મૂળને જ હું આ આલિંગન દેઉં છું.”

કુમુદ આ ક્રિયાનો સત્કાર કરતી કરતી બોલી; “એ તેજ પેલા રાફડાઓ નીચેથી ફુવારા પેઠે ફુટી નીકળતું દેખાય છે.”

સરસ્વતીચંદ્ર એનો આ સંસર્ગ મુકી એ ફુવારા જોવા લાગ્યો.

“ભારતયુદ્ધ પછી પિતામહ શરશય્યામાં પ્હોડ્યા હતા ને ધર્મરાજ સ્વર્ગમાં ગયા તેવામાં જ આ દેશના એ પિતામહે ચિરંજીવ ગંગામાં પ્રવેશ કર્યો છે. તેમનો દેહ જડ વસ્તુમાં ભળી નષ્ટ થયો નથી. કુમુદ, આ રાફડાએાવાળા બેટમાં રાફડાઓ બાઝ્યા છે તે પિતામહના ગંગાને ખોળે સમાધિસ્થ થયલા શરીર ઉપર બાઝ્યા છે ને આ તેજના ફુવારા એમના એ શરીરમાંથી છુટે છે”. કુમુદ૦- આપણે તે જોવા ત્યાં જઈશું ?

સર૦– આપણું અદ્વૈત એવું છે કે ત્હારી બુદ્ધિ તે મ્હારી ને મ્હારી તે ત્હારી ! મ્હારી વાસના તે ત્હારી ને ત્હારી તે મ્હારી ! જો ! જો ! આ વાસના થતાં જ આપણી પાંખો આપણને ઉપાડે છે ને આપણે આ પવિત્ર તેજોરાશિ ઉપર ઉડીયે છીયે !

કુમુદ૦– શા ગમ્ભીર અને કલ્યાણ તેજનો મહાસાગર ! આર્યોના પુરાણ વિસ્તીર્ણ મહાસાગર ! તને અમારા પ્રણામ છે ને તું ત્હારી નીચેના અન્ધકારને નષ્ટ કરી અમારા દેશને પ્રકાશિત કર.

સ૨૦– મ્હારી પણ એ જ વાસના છે – એ, કાળે કરીને, તૃપ્ત થશે, પણ તે કાળ, આપણે આ સિદ્ધલોકમાં સિદ્ધરૂપ થઈશું ત્યારે, પરિપાક પામી પ્રત્યક્ષ થશે. યોગ્ય કાળની વાટ જોવી એ પણ ધર્મ છે. કુમુદ ! આ સાગર ઉપર કેવો મધુર દિવ્ય પવન વાય છે ? પૃથ્વી ઉપર તેવો પવન સ્વપ્નમાં પણ દેખાતો નથી.

કુમુદ૦– એ પવનમાં તરાવી આ પાંખોએ આપણને કયાં આણ્યાં ?

સર૦– આપણે આ પ્રથમ રાફડાના શિખરભાગ ઉપર આવી પહોચ્યાં, અને તેમાં થઈ એને તળીયે ઉતરીશું ત્યારે પિતામહનાં અને ગંગામૈયાનાં દર્શન થશે.

બેટ ઉપર એક મ્હોટો ટેકરો હતો તેના ઉપર કંઈ સ્થિર ભૂમિ હતી ત્યાં આમને એમની પાંખોએ ઉભાં રાખ્યાં.

સર૦– આ ટેકરીનો આટલો ભાગ નક્કર છે ને બાકીનો ઘણો ખરો ભાગ પોલો છે તેમાં પગ પડશે તો નીચે માટીમાં કળી જવાય એમ છે.

કુમુદ૦– આ ટેકરી શાથી થઈ હશે ?

સર૦- પિતામહે ગંગાવાસ કર્યો તે પછી એમની બુદ્ધિના આશ્રય વિનાના દેશમાં મનુષ્યોની બુદ્ધિઓ ક્ષય પામી તે ક્ષીણ બુદ્ધિથી આ સર્વ માટીના પોલા ઢગ રચાયા છે.

કુમુદ૦– આ માટી એકલી નથી. માટીમાં વચ્ચે વચ્ચે પોપડા દેખાય છે ત્યાં અનેક કીડીયો ઓ ચાલે ! – વચ્ચે વચ્ચે કશાકના પ્રકાશ પણ દેખાય છે.

સર૦- હા. આ કીડીયો જેવું દેખાય છે તે આપણા દેશની અર્વાચીન મનુષ્યસૃષ્ટિનાં પ્રતિબિમ્બ છે – આશરે વીશથી ત્રીશ કોટિ જન્તુ આ સર્વ રાફડાઓમાં થઈને જીવે છે આ રાફડાઓ તેમની ઘણા યુગની પ્રવૃત્તિનું પરિણામ છે. આના ઉપર પણ કીડાઓથી નવા બેટ બંધાતા જાય છે તે તમને દેખાતું હશે.

કુમુદ૦- વચ્ચે પ્રકાશ શાના છે?

સર૦– આમાં કેટલેક સ્થાને શાન્ત શ્વેત પ્રકાશ છે ને કેટલેક સ્થાને રંગીન પ્રકાશ છે, શાંત સાત્વિક જ્ઞાની મહાત્માઓએ આ જન્તુઓને માટે જે માર્ગ રચેલા છે તેમાં શ્વેત પ્રકાશ છે, રજોગુણી અથવા અર્ધજ્ઞાની પણ તીવ્ર બુદ્ધિવાળાઓએ એવા જ હેતુથી જે માર્ગ રચેલા છે તેમાં રંગીન પ્રકાશ છે. બાકીની રાફડાની માટી તમોબુદ્ધિવાળા જન્તુઓએ પાડેલાં દરથી, નળીયોથી, ને ઉધાઈ તથા કરોળીયાના જેવી જાળોથી ભરાયેલી છે.

કુમુદ૦– આપણે એના અંતર્ભાગમાં શી રીતે જઈ શકીશું ?

સરસ્વતીચંદ્ર ઉત્તર દેવાને સટે પાંખ ઉપર ઉડ્યો, પાછળ કુમુદ ઉડી, ને એક શ્વેત પ્રકાશવાળા કોતરમાં જઈ અદ્ધર લટક્યાં. ત્યાં નિસરણિ એમના પગ આગળ આવી ઉભી રહી તે ઉપર બે જણ ઉતરવા લાગ્યાં. જેમ જેમ નીચે ઉતર્યા તેમ તેમ નિસરણિ નીચે આવતી ગઈ. ચારે પાસે ચંદ્રના જેવો શ્વેત પ્રકાશ, તેની આશપાશ નદીએાના પુલના ભુંગળાં જેવી ભીંતો, અને દૂર ઉપર આકાશ ને નીચે તેનું પ્રતિબિમ્બ – એ સૃષ્ટિની વચ્ચે નિસરણિ આમને ઉતારવા લાગી.

સર૦– આ ભીંતો પારદર્શક કાચ જેવી છે તેમાંથી બ્હારની સૃષ્ટિ જુવો. હવે આ જન્તુઓ કદમાં ન્હાનાં પણ મનુષ્યોને આકારે દેખાય છે. ઉન્હાળામાં ખારની જમીન જેમ તરડાઈ જાય છે ને કડકા કડકા થઈ જાય છે તેમ આ ચારે પાસની માટીમાં થયું છે – એ માટી જીવતી છે. જીવતાં જન્તુઓ આમ છુટાં પડ્યાથી, ક્ષુદ્ર ગતિવાળાં થઈ જવાથી, માટી જેવાં થઈ ગયાં છે ને પોતપોતાના કડકામાં, દરમાં, જાળામાં, ને નેળેામાં સર્વ વ્યવહાર રચે છે તે જોવા જેવા છે.

કુમુદ૦– જ્યારે એક કડકો બીજા સાથે એકઠો રહી શકતો નથી ને એક બીજાના ઉપર પડી બે કડકા સાથે અથડાવા જેવા થાય છે ને ચારે પાસથી માટીના ઢગ થવાના થાય છે ત્યારે કોઈક પરસ્પર સામાન્ય જ્ઞાતિસત્વને બળે અનેક જન્તુઓ જ્ઞાતિના અકેકા થાંભલાને રૂપે ઉભા રહેલા છે, ને સર્વ થાંભલાઓ છેક નીચેથી સંધાયા છે. સર૦- જો, આ દેશબ્હારથી પવનના ઝપાટા આવે છે એટલે આ સર્વ થાંભલાઓ કમ્પે છે ને એક બીજા સાથે અથડાઈ ભાગી જવા માંડે છે. સર્વ એકરૂપ થશે ત્યારે પવનનું બળ નહી ચાલે.

કુમુદ૦- તે તો કોણ જાણે – આ છેટે બીજા દેશના રાફડાઓ છે તેમાં તમે ક્‌હો છે તેમ છે. છતાં મોટી ગરે છે ને ઢગલા થાય છે ને પશ્ચિમના પવન તે સર્વેને કંપાવે છે.- કોઈ મોડા – કોઈ વ્હેલા - એટલા જ ફેર છે.

સ૨૦- આ થાંભલાઓમાં જન્તુઓનો શો કચ્ચર ઘાણ વળે છે ? કુમુદ, જો તો ખરી !

કુમુદ૦- એણી પાસ જ મ્હારી દૃષ્ટિ છે.

સર૦- કીડીયોના જેવા કણસંગ્રહ જેવા ધનસંગ્રહ આ થાંભલાઓમાં ઠેકાણે ઠેકાણે, ચોમાસાની માટીમાંથી ઉત્પન્ન થતા જીવ પેઠે, સજીવ થઈ દોડે છે ને એક પાસથી પવન તેમને ઉરાડી લેઈ જાય છે તો બીજી પાસથી આ જન્તુઓ જ તે સંગ્રહને માટી ભેગા ભેળવી પોતાની લાળથી બાળી નાંખે છે, ને કણ લાવનાર જન્તુઓ તો અભોક્તા રહી શ્રમજીવન જ ગાળે છે ને શ્રમજીવી જન ક્ષીણ થતાં એ તારનાર તેમ ડુબનાર એમ બંને વર્ગ ડુબે છે.

કુમુદ૦- એ તો જ્ઞાતિયજ્ઞ થાય છે ને આ કણની ને લાળની ચીકાશથી થાંભલાઓના પણ કડકા થઈ જતા નથી. બાકી પવન તો બધેથી વાય છે.

સર૦- આ જ્ઞાતિયજ્ઞનો અધર્મ તો જો ! અતિથિ જાતે જ યજમાન પાસે યજ્ઞ કરાવે છે ! આ ભડકાઓમાં કેટલાં જન્તુ જાતે ઘસડાઈ આવી ભસ્મ થાય છે ? દ્રવ્ય અને બુદ્ધિ ઉભયના નાશનું આ જાતે વસાવેલું સાધન !

કુમુદ૦- બુદ્ધિના નાશનો પ્રતીકાર તો ઘટે, પણ દ્રવ્ય તો યોગ્ય હસ્તમાં ન હોય તો ગયું જ સારું.

સર૦- અહા ! કુમુદ ! ત્હારા મંગલસૂત્રે ભયંકર પણ સુન્દર સત્ય કહ્યું. આ દેશ બુદ્ધિના નાશથી અત્યંત દરિદ્ર થશે તો તે ઈશ્વરની ઈચ્છાથી જ ! આ દેશને દરિદ્ર થવાના માર્ગ આ જન્તુઓ જાતે જ રચે છે તેના ચીલા ઉધાઈના દર જેવા જો તો ખરી - કેટલા બધા ચારે પાસે ઘાડા જંગલ જેવા દેખાય છે ? પિતાઓ પુત્રપુત્રીની તૃપ્તિ માટે યજ્ઞ ન આરંભતાં, પોતાની તૃપ્તિ માટે તેમને જ એ યજ્ઞોમાં હોમે છે. હરિ ! હરિ ! આ કન્યાવિક્રય કરનાર અને પોતાના લોભને માટે વર્ત્તનાર પિતાઓ પશુપક્ષીનું માંસ ખાવામાં અધર્મ ગણે છે પણ પુત્રીનું જીવતું માંસ ખાતાં ડરતા નથી. આ શું ? માતાઓ પુત્રવધૂની વચ્ચે ઘુસી જઈ તેમને છુટાં પાડે છે ને પ્રીતિયજ્ઞના કાળ પ્હેલાં તે તેની સ્થૂલ વેદીઓ માટે ખાડાઓ ખોદી માબાપ તેમાં બાળકોને ફેંકી દેછે ! જો ! જો ! પેલાં જન્તુઓ સ્ત્રીઓને માબાપના મુખમાં હોમે છે તો પેલાં જન્તુ માબાપને સ્ત્રીના મુખમાં હોમે છે ને પેલાં દુષ્તો તો જો ! એમની સ્ત્રીઓ એમના પોતાના ચરણ તળે ચંપાય છે ને તેના શરીર ઉપર બેસી એ જન્તુઓ નીરાંતે એકલપેટાં પેટ ભરેછે ને કેવળ સ્વાર્થી વ્યવહાર ચલવે છે ! શા અધર્મ ?

કુમુદ૦– જેવી સ્ત્રીઓ છે તેવા પુરુષો છે. પુરુષને સુન્દર શુદ્ધ કરવો એ સ્ત્રીની ચતુરતાનું કામ.

સર૦– કુમુદ જેવી ચતુર ઉદાર સ્ત્રીયો બધાંને ક્યાંથી મળે ? કુમુદ આ દર્શન જેવું ભયંકર છે તેવું જ દયાપાત્ર છે. તેઓ જાતે શરીરને, સંતતિને, ધનને, ને ધર્મને નષ્ટ કરે છે, જાતે વ્યાધિયો વ્હોરી લે છે, જાતે આધિથી બળે છે, ને જાતે ઉપાધિઓ તળે ચગદાય છે. આમાંથી તેમને શી રીતે મુક્ત કરીયે ?

કુમુદ૦- તેમને દૃષ્ટિ જ નથી તે આપો.

આટલો પ્રસંગ થતા થતામાં તે બે જણ બહુ જ નીચે ઉતરી પડ્યાં હતાં. પોતાના ભુંગળાને તળીયું આવ્યું લાગ્યું, ચારે પાસ હવે ચોગાન હતું અને ચાર માર્ગ નીકળતા હતા. એ ચારે માર્ગના મધ્ય ભાગમાં બે જણ ઉભાં. પોતાના ભુગળાવાળો શ્વેત પ્રકાશ આ ચોગાનમાંના ને માર્ગો ઉપરના પ્રકાશ સાથે ભળી જતો હતો. માથા ઉપર આકાશને ઠેકાણે મ્હોટી કાળી શિલાઓની છત હતી અને તેમાં સ્થાને સ્થાને મ્હોટાં મ્હોટાં છિદ્રે હતાં તેમાંથી પોતે પ્રથમ જોયેલી રંગીન પ્રકાશવાળી નળીયોનાં મૂળ વડવાઈઓ પેઠે લટકતાં હતાં અને વડવાઈએ વડવાઈએ અનેક ન્હાનામ્હોટા નાગ અને અજગરો બાઝી હીંચકા ખાતા હતા.

સર૦– કુમુદ ! વર્તમાન કાળના રાફડાઓમાંથી ઉતરી આપણે હવે અશોક મહારાજના પ્રાચીન આકાશમાર્ગમાં આવ્યાં છીયે. આપણા દેશનો દેશી, મ્હોટામાં મ્હોટો, સમર્થમાં સમર્થ અને સાધુમાં સાધુ મહારાજ એ અશોક હતેા.[૧] આ દેશનો ઉગ્ર મધ્યાન્હકાળ


 1. The dominions of Asoka extended from Kandahar, Ghazna, and the Hindu Kush, as far as the mouth of the Ganges, from Kashmere down
આ મહારાજના રાજ્યમાં હતો. ભગવાન ગૌતમ બુદ્ધના અવતારે

પ્રકટેલો દયાધર્મ સંસારમાં ચાલ્યો ત્યારથી હજાર બારસો વર્ષ પર્યંત એ ધર્મ આ દેશમાં વધ્યો, રહ્યો, ઘટ્યો, અને ક્ષીણ થઈ પરદેશમાં રેલાતો ચાલ્યો ગયો. બૌદ્ધ યુગના મધ્યાન્હકાળમાં ચંદ્રગુપ્ત મહારાજના પૌત્ર અને બિન્દુસાર મહારાજના પુત્ર પ્રતાપી ચક્રવર્ત્તી આ મહારાજ પ્રિયદર્શી અશોકે રાજ્ય કર્યું, જાતે બૌદ્ધ હોવા છતાં બૌદ્ધ અને બ્રાહ્મણ ઉભય ધર્મોનું પ્રતિપાલન તેમણે કર્યું. આ સાત્ત્વિક દૃષ્ટિવાળા મહારાજના રાજ્યના સાત્ત્વિક પ્રકાશનાં પ્રતિબિમ્બના પુણ્ય પ્રવાહ વચ્ચે આપણે ઉભાં છીયે.

કુમુદ૦- આ વડવાઈઓ શી ? આ સર્પ શા ?

સર૦– આ ચારે પાસનો શ્વેત પ્રકાશ ઘણા વિસ્તારવાળા દેશકાળમાં અનેક મહાત્માઓની સાત્ત્વિક દૃષ્ટિએ પ્રસારેલે છે, ત્યારે


to the upper and lower course of the Godavari. . . . According to his inscriptions, the influence of Asoka extended even beyond these limits. At the boundaries of the earth, so we are told, were to be found the two cures established by him, the cure for men, and the cure for animals. Wherever healing herbs, roots, and fruit trees were not in existence, they were brought and planted by his order, and wells were dug by the wayside. This was done among the Cholas and Pidas, in the Kingdom of the Keralaputra, and on Tamraparni (Ceylon). . . . The Cholas and Pidas Iay to the Bouth of the Deccan, the former on the upper Krishna, the latter on the Palaru. Keralaputra, i.e., the son of Kerala, is the ruler of the State founded by Brahmana on the Southern half of the Malabar Coast, It is clear from this, no less than from the conqest of Kalinga by Asoka, how successful in the times of the earliest rulers of the house of the Mauryas, was the power of Aryan India collected in that Kingdom in forcing its way to the South, both on the coasts and in the interior of the Deccan; and at the same time that these inscriptions confirm the statement of Singhalese tradition about the connection in which Asoka stood with this island (Ceylon), they also show that Asoka not only maintained, but extended the relations into which his grandfather had entered with Seleucidæ, and his father with the kingdom of the Ptolemies, Asoka is not only in connection with . . .his neighbour Antiochus who sat on the throne from 262 to 247 B C., and with . . . Ptolemy Philadelphus of Egypt ( 285-218 B.C.) but also with Antigonus Gonnates of Macedonia ( 278-258 B. C. ), with . . . Alexander of Epirus (272-23S B. C.), and even with Maga, King of Cyrene, . . . .

Chandragupta succeeded not only in breaking down the rule of the foreigner over the Indus, but in uniting the territory of India, from the Indus to the Gulf of Bengal, from the Himalaya to the Vindhyas, into one mighty Kingdom. His grandson (Asoka) cxtended his kingdom × × and આ બલિષ્ઠ નાગલોકે ઉપરના સર્વ રાફડાઓના રંગીન પ્રકાશની સૃષ્ટિને રચી છે અને વડવાઈઓએ લટકી રહી એ સૃષ્ટિને અનેક યુગથી ધરી રાખી છે. કુમુદ ! પોતાનું નામ સાંભળતાં આ તૈજસ નાગલોક ફણા માંડવા મંડી ગયા છે તે જો ! થોડી વારમાં તેમની વિષજ્વાલાઓની શકિતને આપણે જોઈશું.

થોડી વારમાં મ્હોટા મ્હોટા રાતા, પીળા, લીલા, કાળા, ને ધોળા નાગ એ બે જણની આશપાસ વેગથી કુંડાળાં રચી ફરી વળવા લાગ્યા. પણ પાસે જઈ જઈને તેમના દિવ્ય લેપની શક્તિથી પાછા ફરી પોતાની સભા ભરી કંઈ અવ્યકત ચર્ચા કરવા લાગ્યા. અંતે એક સઉથી મ્હોટો જાડો વૃદ્ધ નાગ પોતાનું પેટ કષ્ટથી પણ વેગથી ઘસડતો ઘસડતે આમની સામે આવી ઉભો અને એમના શરીર જેટલી ઉંચી ફણા કરી એમની સામે વિષની જ્વાલા ફુંકવા લાગ્યો. બીજા નાગનાં પણ વિષ ચારે પાસ ઉડવા લાગ્યાં અને ચારે પાસના પ્રકાશમાં ભયંકર કાળાશ વ્યાપી ગઈ. ન્હાનાં બાળક સર્પની શક્તિ ન સમજતાં ગમે તો તેને ઝાલવા જાય ને ગમે તો તેની સાથે રમવા જાય તેમ આ બે જણ આ વિષવૃષ્ટિને શાન્તિથી અને કૌતુકથી ઝીલવા લાગ્યાં. અંતે ધીમે ધીમે તે વૃષ્ટિ શાન્ત થઈ, તેજ અને પવન શુદ્ધ થયાં, અને સામે ઉભેલો વૃદ્ધ નાગ દિવ્ય વાણી વડે બોલવા લાગ્યો.

“પૃથ્વી ઉપરનાં કોમળ બાળકો અમારી ભયંકર સૃષ્ટિમાં તમે કેવી વાસનાથી આવ્યાં છો ને અમારી વિષજ્વાલાઓને કઈ શક્તિથી સહી જાવ છો? ”


proclaimed his (Buddha's) rules as the law of the State. This seemed to be the dawn of a happy day for India.The combination of all the tribes could not but secure the independence of the country ; the oppression of the hereditary despotism seemed to be softened by the prescripts of a rational morality ; a brisk trade with the West appeared to give the last blow to the exclusiveness and rigidity of Brahmanism, and the religion of equality and brotherly love seemed to assure the rise of a new social order and the free movement of the intellectual powers of the people.

A sterner fate overtook the Indians × × × × × It was not attacks from without, but the dissensions of the grandsons of Asoka that rent asunder the great Indian Empire ; the dynasty of the Mauryas fell. × × × Neither the power of the Sungas nor that of the Guptas was sufficient to maintain the national unity and protect the regions of the West from the foreigner. × × × But the land of the Ganges maintained its independence The civilization of the Deccan was not interrupted, and the national forces still sufficed to remove at length the power of the foreigner even in the West.- Ancient History of India : by Prof Max Duncker, translated from: the Germam by Abbott. સર૦– શુદ્ધ સિદ્ધાંગનાઓએ કરેલી પ્રેરણાથી અને તેમણે જ આપેલી શક્તિથી અમારાં ગમન અને સહન બને છે. અમને અમારી કોઈ પણ વાસનાને બળે અંહી આવ્યાનું ભાન નથી.

નાગ– તમે સાત્ત્વિક સત્ત્વોની શક્તિથી સુરક્ષિત હો નહી તો અમારા વિષશ્વાસને બળે ઉપરના રાફડાઓમાં પ્હોચી ગયાં હત. તમને વાસના હત તો અમારા વિષદંશ તમને લાગી ગયા હત. તેમ થયું નથી માટે તમારા વાક્યમાં સત્ય હોવું જોઈએ.

સર૦– અમને વાસનાઓ નથી એમ નથી પણ તે વાસનાએાએ અમને આ સ્થાનમાં પ્રેર્યાં નથી.

નાગ૦– તો તમારી વાસનાએાને દર્શાવી દ્યો.

સર૦– અમારી વાસના આ પ્રદેશમાં જે જે જાણવા યોગ્ય હોય તે જાણવા - જોવા – ની છે અને તેમાં તમારી અવસ્થા, તમારી શક્તિ, ને તમારાં કારણકાર્ય જાણવાની વાસના છે.

નાગલેાક ખળભળી ઉઠ્યો.

“ શા માટે ? શા માટે ? ” એમ સર્વત્ર ધ્વનિ સંભળાયો.

સર૦– ઉપરથી અંહી નીચે સુધી શુદ્ધ તેજના ભુંગળામાં થઈને આવતાં આ મહાન્ દ્વીપમાં અનેક ચીરાઓ ને ફાટો પડેલી અમે જોઈ એ દીપના હજાતો કટકા થઈ બંધાયલા ઉંચા સ્તમ્ભ જોયા, અને તેમાંના જન્તુઓના અધર્મ પણ જોયા. આ સર્વ તમારે શિર દેખીયે છીયે અને એ અધર્મનાં મૂળને તમે બાઝી રહ્યા છો તો તમને એળખવા એ મ્હારો ધર્મ છે.

આટલું વચન નીકળતાં ફરી સર્પમાત્રના મુખમાંથી સુસવાટા અને ઝેરી ફુંકો નીકળવા લાગ્યાં અને આખા ભોંયરામાં ચારે પાસ ઉભરાતા દોડતા સર્પો સળવળવા લાગ્યા. સામે ઉભેલો નાગ તો ઉભો હતો તેમ જ રહ્યો – માત્ર તેની બે જીભો મુખબ્હાર નીકળી પોતાના ઓઠ ચાટવા લાગી, મુછના વાળ ઉંચા ઉભા થયા, ને તેમાંથી અગ્નિના તનખા ઝરવા લાગ્યા. ચારે પાસ લીલાંપીળાં ઝેર વધી રહ્યાં તેની મધ્યે ઉભેલાં અા પ્રાણીને મહાનાગ ક્‌હેવા લાગ્યો.

નાગ૦- અમ નાગલોકના દોષ જાણવાની છાતી ચલાવનાર માનવી ! અમે ત્હારા દેશના શાસ્ત્રકારો, સ્મૃતિકારો ને પુરાણકારોનાં પ્રતિબિમ્બ છીયે. લોકચર્ચાના પંડિતો, ત્રિકાળના વિચારથી લોકવ્યવસ્થાની રૂઢિઓની ઉત્પત્તિ, સ્થિતિ, અને પ્રસંગ પડ્યે નિર્ઋતિ[૧] પણ રચે છે; તે સમર્થ પંડિતોનાં અને વ્યવસ્થાકરોનાં પ્રતિબિમ્બ અમે છીયે, ને આ સર્વ સંસારભારમાં વ્યવસ્થાનો જે અનન્ત અશ્વત્ત્થ[૨] ચારે પાસ અસંખ્ય શાખાઓ પ્રસારી ઉભો છે ને પૃથ્વીના મૃત્યુ લોકને વિસ્મય પમાડે છે તે વૃક્ષરાજનાં આ સર્વે મૂળનું જે કારણથી અમે ઉત્પાદન કર્યું તે જ કારણથી હજી તેનું રક્ષણ અને વર્ધન કરીયે છીયે અને કરીશું ! સાત્ત્વિક દૃષ્ટિને પ્રત્યક્ષ થતા ધર્માધર્મ નામના દમ્ભનું અમે પવનાશન લોક ભક્ષણ કરતા નથી.

ચારે પાસના પ્રકાશની શ્યામતા વધવા લાગી.

સર૦- તમે સાત્ત્વિક ધર્મને વર્જ્ય ગણો છો તો શાને ભક્ષ્ય ગણો છે ? કીયા પવનનું ભક્ષણ કરો છો ?

નાગ– સાંભળ, રે મુગ્ધ માનવી ! અમારો આહાર સત્ય વિના બીજો નથી અને એ આહાર મળે તો અમે ધર્મને પણ ઇચ્છતા નથી; કારણ ધર્મ સત્યની પાછળ દોડે છે, સત્ય ધર્મ પાછળ દોડતું નથી. ત્રિગુણાત્મક સૃષ્ટિ કેવળ સાત્ત્વિક દૃષ્ટિએ જોવી એ સત્યના મ્હોટા અંશને ઢાંકી ન્હાના અંશને જોવા જેવું છે. તમારા સંસારમાં કે મનુષ્યલોકમાં રાજસી અને તામસી વૃત્તિ સંસારના ગળા સુધી ભરેલી છે ને સાત્ત્વિક વૃત્તિ તો માત્ર ત્હારા જેવા મુગ્ધ જનના મનોરાજ્યની જ સૃષ્ટિ છે. જેમ ક્ષાર સમુદ્રમાં કોઈસ્થાને મિષ્ટ જલનું ઝરણું નીકળે તો તેના ઉપર ક્ષાર સમુદ્રના તરંગ ફરી વળે તેમ તમ લોકના સંસારમાં સાત્ત્વિક ગુણના વિરલ ઝરાઓ ક્ષાર જળનાં વહન નીચે ચંપાઈ ગયલા જ ર્‌હે છે. જેમ તામસી દૃષ્ટિ તે સર્વત્ર અદૃષ્ટિ જ છે તેમ સાત્વિક દૃષ્ટિમાં રજોગુણ અને તમોગુણનાં જે જે કાર્ય ભણી ક્ષમાદૃષ્ટિ ર્‌હે છે તે તે દિશા ભણીની તેની અદૃષ્ટિ જ છે. સ્ત્રીપુરુષની પ્રીતિને તું શુદ્ધ સાત્ત્વિક ગણતો હોઈશ તો વધારે અનુભવથી ત્હારી ભુલ ભાંગશે. તમે બે જણ કોઈ પુણ્ય સિદ્ધિથી સર્વદા સાત્ત્વિક રહી શકશો તો તેથી કાંઈ બાકીનું જગત સાત્ત્વિક થઈ જવાનું નથી, પ્રાણીઓ પરસ્પરનું ભક્ષણ કરતાં મટવાનાં નથી, કુટુમ્બોના અંતઃકોલાહલ મટવાના નથી, પાપી જનોની સંખ્યા એક ધર્મમાં પ્રવર્તશે તો એથી અધિક પાપીઓ તેની પાછળ પલટણ પેઠે ઉભા થતા અટકવાના નથી, રાજાઓના રાજ્યલોભ અને અધર્મવિગ્રહ ઘટવાના નથી, અને અન્ય પ્રાણીયો પેઠે મનુષ્યોમાં ને રાજાઓમાં પણ મ્હોટું ન્હાનાને ખાય એ નિયમ લુપ્ત થવાનો


 1. ૧. નાશ.
 2. ર. વડનું ઝાડ.
નથી. આ સર્વ મલિન વસ્તુઓને દૃષ્ટિબ્હાર રાખી કરેલું ધર્મના ને ન્યાયના

પાયાનું ચણતર રેતીમાં થયા જેવું ગણવાનું છે, ને એ મલિન માર્ગના કોયલાની વ્યવસ્થા રાખવી ને કોયલાથી કાળાં ન જ થવું એ અભિલાષા દમ્ભનો અને મમતાને પરિણામ છે. અમે એ અભિલાષને ના નથી ક્‌હેતા પણ તેનો ત્યાગ કરવાનું આવશ્યક લાગે તો તેમ પણ કરવા તત્પર રહીયે છીયે. અમે તો માત્ર આ દેશની ત્રિગુણાત્મક સૃષ્ટિના સર્વે અંશપર પૂર્ણ દૃષ્ટિ રાખી અમારી રચના કરી છે, ને તમે જુવો છો કે જ્યારે બુદ્ધ ભગવાનની ને અશોક મહારાજની સાત્ત્વિક સૃષ્ટિ ધુળના કોટ પેઠે બંધાઈ ઉડી ગઈ છે ત્યારે અમારી ત્રિગુણાત્મક દૃષ્ટિની સૃષ્ટિ હજી વર્તમાન છે ને પરદેશી પવનના ઝપાટા સામી હિમાચલ પેઠે સ્તંભ ધારી ઉભી રહી છે. તમારા વિહારમઠના જેવાં લગ્નનો અમે નાશ કર્યો છે, બાળકીમાત્રને પરણાવીયે છીયે ને વિધવા માત્રને અપરિણીત રાખીયે છીયે, કુટુમ્બોના માળા એક જ વૃક્ષ ઉપર બાંધીએ છીયે, જ્ઞાતિઓના રોપાને ક્ષેત્ર બ્હાર શાખાવાન્ થવા દેતા નથી ને ક્ષેત્ર બ્હારનાં પ્રાણીને આ ક્ષેત્રમાં આવવા દેતા નથી, સ્ત્રીપુરુષની સ્વચ્છન્દ પ્રીતિને સટે કુટુમ્બજનોની પરસ્પર એકલોહીની પ્રીતિ રચીયે છીએ, આવી અનેક વ્યવસ્થાઓના પ્રકાશના રસોને આ વડની વડવાઈએનાંજ નલિકા-જાળેામાં થઈને તેના ઉપરના સ્તમ્ભોમાં વ્હેવા દઈએ છીયે, અને એ સૃષ્ટિનું પોષણ પણ આ વડવાઈઓને આમ બાઝી રહીને જ કરીયે છીયે. એ વડવાઈઓથી અમને છુટા પડનારને માટે અમારી વિષજ્વાલાઓ છે, એ વડવાઈના વિસ્તાર ઉપર વધ્યાં જાય તેને પ્રતિકૂળ થનારને માટે પણ એ જ જ્વાલાઓ છે, અને તમારા દેશને માટે ત્રિગુણાત્મક દૃષ્ટિથી રચેલી વ્યવસ્થાને, મનન કે વાણીના કે કર્મના રજોગુણથી કે તમોગુણથી, ભંગ કરનારને માટે અમારી જ્વાલાઓ આ નીચેથી છેક ઉંચે સુધી ચ્હડી પ્હોચી જવાને સમર્થ છે. અનેક જાતના વિકારોમાંથી, દુઃખોમાંથી, અને ભયમાંથી ઉદ્ધાર કરી રાખવાને અમે તમારા દેશની વ્યવસ્થાને ધરી રાખી છે ને તેના અંતઃશત્રુઓ તેમ બાહ્ય શત્રુએ સર્વને માટે અમારી વિષાજ્વાલાઓ વરાળ પેઠે સર્વદા ઉંચે ચ્હડ્યાં કરે છે.

સર૦– તમે તે આ દેશની વ્યવસ્થાને સુધારી છે કે બગાડી છે ? તમે તે આ દેશની આશાઓમાં વિષ નાંખ્યું છે કે અમૃત નાંખ્યું છે ?

વિષવૃષ્ટિ વધારે ભયંકર થઈ સામેનો નાગ ઉત્તર દીધા વિના આમની ચારે પાસ વીંટાવા લાગ્યો અને તેનું મ્હોં કોઈ કાળા કોતર પેઠે પ્હોળું થઈ અંદરનાં ક્રૂર દાંતને અને ઠગારી જીભને દેખાડવા લાગ્યું - એટલામાં કુમુદસુંદરી તેના સ્પર્શથી ઉછળી અને સરસ્વતીચંદ્રને બાઝી પડી બોલી ઉઠી.

"જુવો, પ્રાણનાથ, આ સર્વ નાગરાજનાં મસ્તક મુકુટધર છે ને એ મુકુટોમાં શાં તેજસ્વી રત્ન છે ?”

સર૦– પ્રિયા, સીતાની દૃષ્ટિ સુવર્ણમૃગ ઉપર પડી હતી તેમ તો તને નથી થયું ? તું આ વિષદૃષ્ટિમાં તેજ અને રત્નો ક્યાં જુવે છે !

નાગ, બળવાળી ચુડ ભરવી, આ બે જણની આશપાશ વીંટાયો અને તેઓ સામાસામી આલિંગન દેતાં હોય તેમ સજડ ભીંડાયાં. ભીંડાયાં તેની સાથે કુમુદનું મંગળસૂત્ર સરસ્વતીચંદ્રના હૃદયમાં ચંપાયું ને તેની સાથે જ તે બોલી ઉઠ્યો.

“કુમુદ ! કુમુદ ! તું સત્ય ક્‌હે છે ! આર્યદેશના ખરા અને સનાતન મુકુટધર રાજાઓ તો આ નાગલોક જ છે ! આપણે જેમને રાજાઓ અને ચક્રવર્ત્તીઓ કહીયે છીયે તે તો નામના ! તેમનો મુકુટમણિ ખેાટા ! શુદ્ધ મણિ તો આ રાજાઓના જ મુકુટમાં છે તે હું હવે ત્હારી પેઠે દેખું છું ! હા ! શું સુન્દર દર્શન છે?”

આ વચન નીકળતાં નાગની ચુડ છુટી, તેણે તેમને છોડી દીધાં, વિષવૃષ્ટિ શાંત થવા લાગી, નાગલોક વડવાઈઓ ઉપર ચ્હડવા લાગ્યા, અને સ્વપ્નનાં દમ્પતી આગળ ઉભેલા નાગરાજને સ્થાને મ્હોટો રત્નનો ઢગલો – અન્નકૂટ જેવો – ઉભો થયલો દેખાયો. એ ઢગલાના તેજ આગળ આ દમ્પતીનાં નયનમાં કંઈક ઝાંઝવાં વળવા લાગ્યાં. પળ પછી પળ જવા લાગી તેમ તેમ ચારે પાસની સૃષ્ટિમાં અદ્ભુત ફેરફાર થઈ જવા લાગ્યો. ઉપરની કાળી છતને સ્થાને સુન્દર રંગોથી રંગીન પણ પારદર્શક બીલોરની છત થઈ ગઈ ને વડવાઈઓ પણુ બીલોરના ઝાડ પેઠે લટકવા લાગી, એ ઝાડમાં કાચના પ્યાલા, કાચના ઘડા, ને કાચની ત્રાસકો, ઝુલવા લાગી, ને તે સર્વેમાં અમૂલ્ય સુન્દર રત્નો દીવાની ઉભી જ્યોતો પેઠે પ્રકાશી રહ્યાં. ઉપલી છત ને નીચલી ભૂમિકા વચ્ચે કોઈ વિશાળ સુન્દર વાડીઓ ખીલી રહી ને તેમાં સ્થાને સ્થાને સ્વર્ગના જેવા વૃક્ષો, કુણ્ડો, ફુવારા, ન્હાના ઝરા, ચિત્ર વિચિત્ર રંગોના ફુલથી લચી રહેલી વેલીઓ, ને ન્હાના કોમળ છોડવાઓ ઉપર બેઠેલાં ફુલના ફાલ : એમ રમણીય સૃષ્ટિ દૃષ્ટિમાં અનેકધા અમૃત ભરવા લાગી.

કુમુદ૦- પ્રિય હૃદય ! પેલી નાગલોકની ભયંકર સૃષ્ટિ કયાં જતી રહી અને આ શું થઈ ગયું ? પ્રદેશ એ ને એ છે ને તેમાંની સામગ્રી આટલી પલટાઈ ગઈ એ તે શો ચમત્કાર ?

સર૦- જે નાગલોક વિષજ્વાલાઓને ઉરાડે છે તે જ નાગલોક આ મણિસંગ્રહને ધરે છે, જેની દૃષ્ટિમાં વિષ છે તેના દૃષ્ટિવિષની સામે નાગલોક વધારે બલવાન વિષ ઉરાડે છે ને વિષથી વિષનો નાશ કરે છે. જેની દ્રષ્ટિમાં રત્નમય પ્રકાશ દીપે છે તેને નાગલોક આવાં મણિદર્શન આપે છે. સાત્વિક દ્રષ્ટિને વિષ અને રત્ન ઉભયનાં દર્શન સાથે લાગાં થાય છે. આપણી માનુષ દૃષ્ટિએ પ્રથમ આ વિષનું દર્શન કરાવ્યું ને વિષાધરના અસહ્ય બળનું સહન કરવામાં આપણાં હૃદય અદ્વૈત પામ્યાં. એ અદ્વૈતને બળે ત્હારાં પવિત્ર મંગળસૂત્રમાંના સ્પર્શમણિનો આપણે ગાઢ સ્પર્શ કર્યો, એ સ્પર્શમાં આપણું અદ્વૈત થયું, અને એ મણિને અને અદ્વૈતને પ્રતાપે અત્યારે આ પૂજનીય રત્નરાશિનાં દર્શન કરીયે છીયે.

કુમુદ૦– આ ઉપરના બીલોરમાંથી નીચેનાં રત્નો ઉપર ને વનસ્પતિઓ ઉપર સુંદર રંગનાં ચિત્ર પડે છે ને તેમની વચ્ચે સપ્તરંગી કિરણનાં જાળ ગુંથાય છે.

સર૦– મ્હારો ચિન્તામણિ તને આ દર્શન આપે છે.

કુમુદ૦– ચારે પાસના પ્રકાશ વધારે વધારે સુન્દર થાય છે.

સર૦– પ્રિયદર્શી મહારાજની તેજસ્વિની છાયા સહસ્ત્ર વર્ષ સુધી પ્હોચી છે. આપણે દીઠા તે સર્વે નાગલોક આ છાયામાં જ પરિપાક પામેલા છે. ઉપર જો. આ સુન્દર છતની ઉપર આ તેજની છાયા જતી નથી ત્યાં નાગલોકના પ્રકાશનાં કિરણ, વૃક્ષની શાખાઓ પેઠે, ઉંચાં ફુટે છે, અને ઉપરથી જે જે રાફડાઓ ઉપર આપણે દ્રષ્ટિ નાંખતાં આવ્યાં છીયે તે રાફડાએના મૂળમાં આ કિરણ સ્ફુરે છે.

કુમુદ૦– એ મૂળ અસંખ્ય છે, મૂળે મૂળે મહાયજ્ઞોની વેદીયો દેખું છું, વેદીયે વેદીયે પવિત્ર અગ્નિજવાળાઓ છે ને અગ્નિમાં – આ- શું હોમાય છે ?

સર૦- યાજકનાં જ સૂક્ષ્મ શરીરો હોમાયાં છે ને અનેક પુસ્તકોને અને અનેક વ્યવસ્થાઓને રૂપે તેમ એ યજ્ઞદેવની પ્રસાદી રૂપે ઉપર ભસ્મ ઉડે છે ને ચારે પાસની પ્રજા તેમાં ન્હાય છે. અનેક ઋષિજીવનના સુક્ષ્મ હોમ આ સંત્રાયણમાં થયા છે.

કુમુદ૦- આ નીચે જે ઉત્તમ શ્વેત પ્રકાશ છે તે ઉપર કેમ નથી જતો? સર૦– બુદ્ધ ભગવાનનો પ્રકાશ આ વાડીમાંથી ધીરે ધીરે બ્હાર આકર્ષાય છે, ને આપણા પ્રદેશની નીચે પિતામહના મન્દિરના શિખરના સુવર્ણકલશ છે તેમાંથી કોઈ નવા પવન ને નવા પ્રકાશ આ શ્વેતપ્રકાશમાં થઈને છત ઉપર ચ્હડે છે. ઉપર જે દેખીએ છીએ તે આ બે પ્રકાશનું મિશ્રણ છે. આ નવા પ્રકાશના વેગથી આ શ્વેત પ્રકાશ મિશ્રરૂપે કેટલોક ઉપર ચ્હડે છે ને બાકીનો ચારે પાસ ઢોળાઈ જાય છે.

કુમુદ૦– આ આપણી પાસેના રત્નરાશિમાં પણ અનેક પ્રતિબિમ્બ દેખાય છે.

કુમુદ૦- એ રાશિમાંથી પોતાના બે હાથ ભરી રત્ન લીધાં અને અંજલિમાં ઝાલી રાખી તેમાં ને ઊપરની છતમાં વારાફરતી જોવા લાગી.

સર૦– કુમુદ, એમાં જોજે ને જોતી જોતી ક્‌હેજે. આજ યુરોપમાં જેવાં સંવનન અને પ્રીતિલગ્ન રચાય છે તેવાં જ આ આશપાશના આપણા દેશમાં થતાં નથી? ઉપર જે જ્ઞાતિયોના અનેક સ્તમ્ભ ને ચીર જણાતા હતા તેને સ્થાને અંહી ચારેપાસ માત્ર એક જ પૃથ્વી જણાતી નથી? ત્યાગ, ઉદારતા, સાધુતા, દયા આદિ રંગની જ વૃષ્ટિ આ એકાકાર થયલી ધર્મભૂમિમાં થતી નથી? એ વૃષ્ટિનાં કલ્યાણફળથી લોક સમૃદ્ધ, તેજસ્વી વીર્યવાન્ ને યશસ્વી થતા નથી ?[૧] કુમુદ, સૂક્ષ્મદૃષ્ટિથી રત્નાંજલિ જોઈ લે અને ત્હારા પ્રેમાળ હૃદયના ઉદ્ગારથી વર્ણવ.


 1. ૧. This was the time of internal reform and foreigner's contact, Afeeling of nation and national unity began to grow and culminated in theEmpire of Asoka. We had Vikrama and Silivahana at a later stage of thisage, and the presence of the foreigner served to weld India into onenation, one empire, and one aspiration. The tribal feeling had disappearod, political circumstances developed a national feeling, and Buddha'sreligion created a cosmopolitan feeling, shook the foundations of the growthof the old four orders or classes, and called upon the Brahamana andthe Sudra, the Aryan and the non-Aryan, man and woman, to join hands inone common creed and faith. The caste which had reached an inchoate orembryonic condition seemed crushed. He himself had set the example ofdiverging from tradition and heredity by giving up his kingdom and asserted the independence of the human soul against the conventional controlsof patriarchs and horedity in professions and privileges. In their placeshe substituted the precept of love and rationalistic salvation. × × ×The disintegration of family brought on the independence of the individual,and sons and wives began to work towards higher ideals for the emancipation of the individual soul from the stultifying influences of patriarchalcontrol in matters intellectual and sentimental. If man thus rose in the sphere of his importance to the nation, woman also rose in the sphere of her rule. She began to be adored with scientific anti artistic chivalry by men, and we have precepts and applications of the science of refined love and courtship it this age in our country. (Veirate Notes).

કુમુદ-હૃદયવલ્લભ સર્વ ભારતવર્ષમાં એક જ - નહી મન્દ, નહી ઉગ્ર, એવો – રમણીય પ્રકાશ દેખું છું. ન્હાનાં ગામડાંમાં ને મ્હોટાં નગરોમાં આનન્દનાં ગીત સાંભળું છું – સર્વત્ર સાંભળું છું, અરણ્યોમાં, પર્વત ઉપર, નદીતીરે ને સમુદ્રતીરે, સાધુજનોની નિર્ભય નિરંકુશ કલ્યાણ ચર્યા, જ્યાં જોઉં છું ત્યાં, હૃદયને પ્રફુલ્લ કરે છે. મનુષ્યસૃષ્ટિના સ્થૂલ દેહમાં આરોગ્ય, વીર્ય, સુન્દરતા, ને સુઘડતા જોઉં છું. આજના આપણા જાગૃત લોક તે પ્રમાણમાં વામન, ક્ષીણ, ને રોગી છે; બાળક જેવા ઉપરના રાફડાઓમાં દેખાય છે; બુદ્ધિમાં, વિદ્યામાં, સાધુતામાં, પ્રીતિમાં અને સર્વ સદ્વસ્તુમાં પણ આ નીચેના પ્રતિબિમ્બિત લોકમાં ને આપણા હાલના લોકમાં એવાજ ફેર છે. સ્વામિનાથ ! ખરી મહાયાત્રાઓ તો આ લોક જ કરે છે. દક્ષિણમાં લંકા, જાવા, ને સુમાત્રા; ઉત્તરમાં ત્રિવિષ્ટપ (તીબેટ), ચીન, કન્દહાર, તાતાર, ને રોમ; પશ્ચિમમાં મિસરદેશ, પૂર્વમાં બ્રહ્મદેશ ને સીયામ, એ સર્વ દેશો સુધી પૃથ્વી ઉપર ને સમુદ્ર ઉપર ભારતવર્ષના પંડિતો ને વ્યાપારીયો દોડાદોડ કરી રહ્યા છે ને એમના રથ ને એમનાં વ્હાણ હું અંહીથી સંખ્યાબંધ જતાં આવતાં જોઉં છું ! ઓ મ્હારા વ્હાલા ! આ લોકની છાતીઓ કેવી ચાલે છે ? અને એમને ઘેર તો કંઈક જુદી જ સૃષ્ટિ દેખાય છે, ચાંદીના હીંદોળા ઉપર સંવનનથી પરણેલાં દંપતી ગામે ગામ ને દેશે દેશ દેખાય છે કામદેવના બાણુનો ટંકાર, કામદેવના જય અને પરાજય, વૈભવ, સુખ, સમૃદ્ધિ, ભોગ, અને ત્યાગ : સર્વે દર્શન આ પ્રદેશમાં મનભર મનહર થાય છે. માતાપિતાની સેવા કરવામાં પરિશીલિત દમ્પતીઓ સ્થાને સ્થાને અદ્વૈતાભિલાષથી પ્રવૃત્ત થાય છે; ને માતાપિતા એ દમ્પતીઓની સેવાથી તૃપ્ત થાય છે પણ એ તૃપ્તિના કરતાં, પુત્રવધૂના અર્થ, કામ, ને સ્નેહ જોવામાં ને વધારવામાં ને પોતાનાથી સ્વતંત્ર થતાં જોવામાં વધારે આનન્દ માને છે. કોઈ કુટુમ્બમાં ક્લેશ દેખાતો નથી, સ્થાને સ્થાને અનાથ લોકની સેવા થાય છે. આ લોક દ્રવ્ય કમાતાં થાકે છે પણ તેને પરમાર્થમાં વ્યય કરતાં થાકતા નથી. સ્થળે સ્થળે લોકનાં ટોળાં લોકની ચિન્તા કરી રાજાને સ્વસ્થ રાખે છે ને રાજાઓ પ્રજાનાં અનુરગંઞ્જનમાં જ તૃપ્તિ માને છે. ઋષિલોક અનેક વિધાએ સાધે છે, અનેક શાસ્ત્રાનાં લક્ષ્ય ઉપર દૃષ્ટિ કરી રહ્યા છે, શાસ્ત્રોની પ્રવૃત્તિ લોકસંઘના ઐહિક ને આમુત્રિક કલ્યાણ ભણી જ થાય છે. બાળક, તરુણ, ને વૃદ્ધ સર્વે અંહી પ્રફુલ્લ થાય છે. સ્ત્રી, પુરુષ, કુટુમ્બ, જનપદ, રાજા, અને રાજ્ય : સર્વેમાં રસના, જ્ઞાનના, દ્રવ્યના, સાત્ત્વિક દૃષ્ટિના, અને સનાતન તેમ આર્ય ઉભય ધર્મોના, ઉત્કર્ષની જ્વાળાઓના કુણ્ડ સ્થાને સ્થાને દેખું છું સર્વ સ્થૂલ સૂક્ષ્મ સૃષ્ટિ વીર્યવતી, સુન્દર, અને વર્ધમાન છે, કાલિદાસ અને ભવભૂતિ, વિશ્રામ અને શાલિવાહન – અને એવી અનેક તેજસ્વિની છાયાઓ,ને હું અંહી સ્વતંત્ર ચાલતી દેખું છું. ઓ મ્હારા વ્હાલા ! આ પ્રિય–દર્શનથી જે તૃપ્તિ થાય છે તેથી જ અાજની યાત્રા સફળ થાય છે.

સર૦– તું જુવે છે તે સર્વ હું પણ જોઉં છું ને ત્હારી તૃપ્તિમાં સમભાગી થાઉં છું.

કુમુદ૦– હવે આ મ્હારા હાથમાંનાં રત્નો ઉપર તમે દૃષ્ટિ કરો - મ્હારા સ્પર્શમણિનો સ્પર્શ કરીને જુવો ને તમારા ચિન્તામણિની ચિન્તાનો તેને સમાગમ પમાડો. પૌરુષ અને ત્રણ હૃદયના ગાઢ સર્વાંગી આશ્લેષ વિના એ સમાગમ દુર્લભ છે.

સરસ્વતીચંદ્ર તેમ કરી ઉભો ને કુમુદના કરપલ્લવને પોતાના લોચન સુધી લેઈ તેમાંનાં રત્નોને જોવા લાગ્યો.

સર૦– કુમુદ ! ઉપર પૃથ્વીના જે અનેક સ્તમ્ભ ને અનેક ચીરા છે તેને સ્થાને આપણી નીચે સ્વસ્તિક[૧] ના આકારના ચાર ચીરા છે ને તેમની વચ્ચે પૃથ્વીના ચાર વર્ણ વાળા ચાર ભાગ છે, એક ભાગમાં શ્વેત વર્ણ છે, ' બીજામાં લોહિત વર્ણ છે, ત્રીજામાં સુવર્ણ છે, ને ચેાથામાં શ્યામ વર્ણ છે. એ ચાતુર્વર્ણ્યના ચાર પ્રદેશ વચ્ચે ચીરા પડવા માંડ્યા છે; પણ તે વચ્ચે સ્થળે સ્થળે, ઝુલતા સુવર્ણરંગી પુલ બંધાતા જાય છે ને એ ચીરા પર કુદી જાય તેને તે પણ અનુકૂળ છે. આ પૂર્વ ભણીના પ્રદેશથી બુદ્ધ ભગવાનનો પ્રકાશ આવવા લાગે છે ને ચારે વર્ણની ધાતુઓને હિમની પેઠે ઓગાળવા લાગે છે. આશપાશની ભેખડો ચીરાએામાં ધસી પડતી દેખું છું. અને અંતે આપણી નીચે એ પૃથ્વી એકાકાર થઈ ગઈ દેખાય છે.

કુમુદ૦– તે ઉપર આપણે પાછા ચીરા ને કડડા શાથી દીઠા ?

સર૦– આ છતની ઉપર થોડે સુધી જેવું સુન્દર દર્શન છે તેવું જ


 1. ૧ સાથીયો.

બીભત્સ ચિત્ર તેથી ઉપર છે.[૧] પ્રીતિયજ્ઞને નામે ભ્રષ્ટ દમ્પતીઓ પિતૃયજ્ઞની વેદીઓને તોડી પાડે છે, ને સ્થૂલ શરીરની તામસી વૃત્તિઓમાં લીન થઈ જાય છે તે – ઓ – પેલા મ્હેં પ્રથમ બતાવેલા સત્રાયણના ભસ્મના ગોટાની પાછળ આ રથૂલ પ્રીતિવાળાં પશુઓનાં ટોળાં મસ્તી કરી રહ્યાં છે. જેવાં તે તેવાં માતાપિતા થતાં દેખાય છે ને આ સર્વ ભ્રષ્ટાચારને અટકાવવા, નાગલોક ચારે પાસે દોડાદોડ કરી રહ્યા છે![૨] ક્ષુદ્ર મનુષ્યની વાસનાઓને શાંત કરવા ને શાંત ન થાય તો નષ્ટ કરવા સુધીની ધારણા કરી, નાગલોક એ મનુષ્યોની દૃષ્ટિએ અને વાસનાઓ ભણી પોતાના વિષની વૃષ્ટિ કરી રહ્યા છે ! આહા ! એ વૃષ્ટિબલ ભયંકર થાય છે. રસમાત્ર અને સ્ત્રી માત્રનાં મનોરાજ્યના પાયા


 1. *Buddhism failed just where it succeeded. It destroyed tradition, had no tradition of its own, had no positive side beyond the cure of evils, and its missionaries found that the popular warmth was cooling with the lapse of time. At the same time, its social reconstruction led to freethinking in Social and domestic matters. The earlier literature of the Reconstruction period shows the passing of the people into conditions where realism and materialism preponderated . . . . . . . Prostitution became a popular institution without any feeling of repugnance. Nay, prostitutes were frequented as repositaries of art and learning. Gallantry becomes rampant at wells and tanks, and at inns and places of recreation frequented by private ladies and travelling lovers. The times go down until they reach the age of open grossness, libidinous sensualism and hard drinking. (Private Notes)
 2. ૧ The wiser and cooler heads in the country longed for a remedy, and the age of reconstruction was followed by the age of reaction . . . .Child-marriages, seclusion of women, perpetual widowhood, and a lot of other things now known to us were accepted by this age to cure itself of the loathsome moral diseases which the methods of the age of reconstruction had brought into our Indian world as their latest results. The reactionary leaders attempted to stem the tide of moral debasement at its very source: They destroyed the temptations to man and woman in the name of love and courtship by ordering the disposal of girls before the age that would victimise them to the grossness and licenses of the age of libertines who shock our sense in the latest Sanskrit literature.. . The reactionary leaders introduced these and other drastic measures, to rid the land of the moral debasement that had become rampant in the land as the result of the riches, luxuries, free-thought and free-living, which the growth and prosperity of the Indian Empire had introduced among the people – among whom the individual had been asserting himself over the family as the family had asserted itself over the tribe. Similar circumstances transformed the Romans of sterner virtues into Romans of imperial luxuries when they fell into the abyss of vices which made the empire fall, The Moghals of Babar and Akbar fell under similar transformation in the time of Alamgir. The national life of a great people which was so crushed out at Rome and among the Romans by the want of the moral physician and physic, was also threatened by a similar plague at the close of our reconstruction period. But the physicians were ready in India, and the leaders of the reactionary period took upon themselves the cure of the country by utilizing the socialistic forces which were never extinct among their nation. The self-isolated higher castes with their gorgeous equipments of new marriage law and new social adjustments were made to crop up in the land to rid it of the new plague. Their physic subordinated the individual to the family, and the family to the caste, and the power of individual intellect and will to do mischief to the system was nipped in the bud with a set purpose.-(Private Notes).

આ વિષની તીવ્રતાથી ઢળી પડે છે ને તેમની પ્રીતિની સૃષ્ટિ વરાળ જેવી થઈ કંઈક ઉઠી જતી હું દેખું છું. સટે પ્રીતિનાં અનભિજ્ઞ બાળકોને પરણાવવા માતાપિતાઓનાં હૃદય કુદકારા મારે છે. અહો ! વિષ અનેકધા લીલું છમ જેવું થાય છે ને સંસારના શરીરને આટલી હાનિ પ્હોચાડે છે અને તે જ વિષ પેલા સ્થૂલ થઈ જતા સંસારના દેહની ભ્રષ્ટ થઈ જતી પ્રીતિની અનાચાર ભરેલી નસોમાં વ્યાપી જાય છે ને એ શરીરનો સમૂળો નાશ કરે છે! આહા! ધૈર્ય, સ્થૈર્ય, ચાતુર્ય, અને વીર્યવાળા વૈદ્યોનું કામ કરવા મંડી જતા નાગલોક ચારે પાસના સંસારને ઝાપટે છે, જેને તેને દંશ દેછે, અને એ સંસારની નસોમાં વ્હેતું, માંસરુધિરમાં ભરાયલું, અને વાત-પિત્ત-કફને દુષ્ટ કરનારું સર્વ રોગ - વિષ પોતાના લીલા વિષવડે નષ્ટ કરી દે છે ને આ રોગી દેશના રોગી લોકમાં નવી જાતનું આરોગ્ય ને નવું બળ આપે છે. કુમુદ ! ત્હારા સ્પર્શમણિની શક્તિથી નાગલોકના વિષમાં પણ આવું સુન્દર ફળ દેખાય છે.

કુમુદ૦– સ્વામિનાથ ! આપણામાં પણ કંઈક એવા જ રોગ દેખીને જ નાગલોકે આ વિષવૃષ્ટિ આપણા ભણી કરી દેખાય છે !

સર૦– એમજ !

બે જણના હૃદયમાંથી આ ઉદ્ગાર થયા તેની સાથે જ રત્નરાશિમાંથી મધુર અને ગમ્ભીર સ્વર નીકળવા લાગ્યો, અને કુમુદના હાથમાંનાં રત્ન પણ દિવ્ય વાણી વડે તેમાં ભળવા લાગ્યાં.

“સાત્વિક દૃષ્ટિનાં અધિકારી માનવીઓ ! જે માનવી પારકા ગુણ અને પોતાના દોષ દેખી શકે છે તે આવી દૃષ્ટિનાં અધિકારી છે. તમે તેવો અધિકાર પ્રાપ્ત કરેલો છે તે અમ રત્નલોકની દીન વાણી શુણો ! ઉપરના યજ્ઞોના ભસ્મરાશિ ને ધુમાડાના ગોટા ઉપર નાગલોકના વિષથી સર્વત્ર આરોગ્ય થતું તમે દીઠું – એ આરોગ્ય વિષ અને રત્નના, એક શિરમાં, સમાગમથી થયેલું છે. એ આરોગ્યકાળનો પ્રકાશ પેલા ભસ્મથી અને ધુમાડાથી પણ ઉંચે બંધાયલો છે. અમારા કિરણથી એ પ્રકાશ વીર્યવાન હતો અને મણિધર વિષધરોના વિષની કૃપાથી એ પ્રકાશના શત્રુ ધ્વસ્ત હતા. એ પ્રકાશના કાળ ઉપર તમે બીજાં મલિન મૃત્તિકાનાં પડ જોશો. એ પડ તમોગુણના ઉજ્જૃભણથી બંધાયાં છે ને ભરેલાં છે. આ સ્થાનના વિષધરોનું વિષ એટલે દૂર સંપૂર્ણતાથી પ્હોચી શકતું નથી અને અમારો પ્રકાશ પણ ત્યાં પૂર્ણ શક્તિથી જઈ શકતો નથી. વિષજ્વાળાઓ જે અન્ધકારને અને તમોગુણને ભસ્મસાત કરતી હતી તે અન્ધકાર અને તમોગુણ આ પડમાં નિરંકુશપણે નિષ્કંટક વધ્યાં જાય છે ને તેના રાફડા બંધાયલા તે જ તમે ઉપર પ્રત્યક્ષ કર્યા છે. આ તમોગુણના ઘસારાથી પ્રાચીન ચાર ખડકોની વચ્ચેના ઝુલતા પુલ તુટી જાય છે, ખડકો કમ્પે છે, એક બીજા સાથે અથડાય છે ને પછડાઈ તે સર્વના કડકા પડે છે. જ્ઞાતિઓના કડકા ને તેમની વચ્ચેના ચીરા આમ એ જ તામસી શક્તિથી થયા છે ને વધ્યાં ગયા છે. અમ વિષધર – મણિધર - લોકની દૃષ્ટિ તો છેક ઉપર સુધી આકાશસુધી પ્હોચે છે અને આ યુગના લોક અમારો તિરસ્કાર કરે છે, વિડમ્બના કરે છે, ને અમને ગાળો દે છે તે સર્વે અમે આ સ્થાનથી જોઈ શકીયે છીએ. પણ તેમનો પ્રતીકાર આટલે દૂરથી કરવા અમે સમર્થ નથી. જો તમે તે લોકનાં માનવી હો ને એ લોકમાં પાછાં જાવ તો અમારાં વિષનું અને રત્નનું સમર્થન કરજો. જો કોઈ યુક્તિયોથી અમારી બાંધેલી રંગીન પ્રકાશવાળી પ્રનાલિકાઓના રંગ દેખો તો તેમને અમારા મણિપ્રકાશનો સમાગમ કરાવજો. જે પ્રનાલિકાઓમાં ફરતાં અમારા વંશનાં પણ અધોગતિ પામેલાં અળશીયાં દેખો તો તેમને અમારા મણિનું અને વિષનું પ્રતિભાન આપજો ને અમારી પ્રણાલિકાએનું સત્વ ક્‌હાડતાં શીખવજો. એ તામસી દૃષ્ટિના દેશના અન્ય જીવો એ રાફડાઓની માટીમાં ડબાઈ ચંપાઈને અને એ માટી ખાઈ ને અંતે નષ્ટ થઈ જાતે માટી થાય છે; તે જન્તુઓને અમારી પ્રણાલિકામાંથી અમારા પ્રકાશનું ને અમારા વિષનું સત્ત્વ ધીમે ધીમે થોડું થોડું કે ટીપે ટીપે પાજો. જ્યાં સુધી આ સર્વ સ્થાનમાં અમારી દૃષ્ટિ પ્હોચે છે ને અમારાં નામની કીર્તિ સમજી કે અણસમજી થાય છે ત્યાં સુધી અમારા સામર્થ્યનાં અંકુર સફળ કરવાની અમે કંઈક આશા રાખીએ છીયે અને જ્યાં સુધી એવી એવી આશા રાખીયે છીયે ત્યાં સુધી આ વડવાઈઓને અમે નાગલોક વળગી રહીશું ને ઊર્ધ્વદષ્ટિ રહી અમારાં વિષની ને પ્રકાશની જ્વાલાઓ ઊર્ધ્વગામિની કરી રાખીશું ને ફુવારાની પેઠે ઉંચી ફેંક્યાં કરીશું. સહસ્ત્ર વર્ષોથી અમે માત્ર પવનનું – સંસારને જીવન આપનાર અદૃશ્ય વિદ્યાપવનનું – ભક્ષણ કરી આ વડવાઈઓને બાઝી રહ્યા છીએ તે આરંભેલા કામનો ત્યાગ ભયથી કે અસભ્યદૃષ્ટિથી કરવાના નથી. ગમે તો રાફડાઓની માટીના કાચા પથરા થઈ જશે એટલે તે પરહસ્તથી ભાંગશે પછી અમારી દૃષ્ટિ બંધ થઈ જશે, અને ગમે તો એ રાફડાઓને કોઈ નવા યુગનાં મનુષ્ય ઓગાળશે ને અમારી પ્રણાલિકાઓ કરતાં વધારે વીર્યવતી પ્રણાલિકાઓને બાંધશે ત્યાં સુધી અમે નાગલોક આવું જ ત૫ કર્યા કરીશું ને તે પછી જે મહાન્ વડમાંથી આ વડવાઈએ નીકળી છે તેના ઉપર થઈને એ વડના થડ ઉપર જઈશું ને ત્યાંથી તેના મૂળમાં આ નીચેની ભૂમિકામાં અમારા પિતૃલોકના અધિષ્ઠતા શેષનાગમાં લીન થઈ જઈશું; ત્યાં સુધી અમે અમારા તપનું અને મહાયજ્ઞનું સમાવર્તન નહી કરીયે. માનવીઓ ! આ ઉપરની તામસી સૃષ્ટિના મળથી ને વિષથી લિપ્ત થવાનું ભય તમને ન હોય તો પિતામહનાં દર્શન કરવા પ્હેલાં એ સૃષ્ટિમાં પણ તમે જઈ આવો, ને જો એ ભય તમને હોય તો આ મણિરાશિ ઉપર છતમાં અમારા પ્રકાશનો સ્તમ્ભ ઉંચો ચ્હડે છે તેમાં દૃષ્ટિ કરશો તો પણ થોડું ઘણું જોઈ શકશો.”

રત્નરાશિની વાણી શાંત થઈને બે જણની પાસે રત્નરાશિમાંથી ચ્હડતો પ્રકાશસ્તમ્ભ રહ્યો. સમુદ્રમાંથી વાદળીયો પાણી પીતી ક્‌હેવાય છે ને પાણી ઉંચું ચ્હડે છે તેના જળસ્તમ્ભ થાય છે તેવા આ પ્રકાશસ્તમ્ભમાં થઈને રત્નાકર જેવા રત્નનિધિનો પ્રકાશ ઉંચે ચ્હડતો હતો. તેની વચ્ચે બે જણ ઉંચું જોતાં જોતાં ઉભાં રહ્યાં ને તેની સાથે જ એ પ્રકાશના ઊર્ધ્વ વેગથી ધક્કેલાઈ ઉપર ઉડ્યાં ને પાંખો કામ લાગી.

રાફડાઓને મથાળે જે સ્થાનથી પોતે પ્રથમ અંતર્ભાગમાં આવ્યાં હતાં તે સ્થાન ઉપર આ તેજના ધક્કાથી બે જણ આવીને ઉભાં ને ઉઘાડા આકાશના પ્રકાશ અને પવનથી સ્વસ્થ થયાં. રાફડાના દ્વીપની આશપાશ પિતામહના તેજોનિધિનાં મોજાં ઉછળતાં હતાં ને તેની લ્હેરોથી નવીન શાંતિ વળવા લાગી. બે જણ સાથે સાથે બેાલ્યા ચાલ્યા વિના લ્હેરો ભોગવતાં બેઠાં, થોડીક વાર પછી સરસ્વતીચંદ્રે કુમુદને ખભે હાથ મુકી કહ્યું.

“કુમુદ, આ આપણી પાસેની માટી હાલે છે ?”

“હા.”

બે જણ ઉભાં થયાં, થોડી વારમાં હાલતી માટીમાં પાવડે હાલતો જણાયો, ને એક મ્હોટા કોતર જેવું છિદ્ર પડ્યું. તેમાં કેટલાક જન્તુઓ દેખાયા. તેમની આશપાશ નાગલોકવાળા પ્રકાશસ્તમ્ભનો અમ્બાર જળહળી રહ્યો ને જન્તુઓમાંથી કેટલાંકની છબીઓ તો કેટલાંકનાં સ્વરૂપ સરસ્વતીચંદ્રને ઓળખીતાં લાગ્યાં.

“કુમુદા કુમુદ ! આ તો આપણા સુધારાવાળા મિત્રોનું પ્રતિબિમ્બ છે. જો ! જો ! આ માટીને શુદ્ધ કરવાને, આ માટીમાંના કૃમિગણને સચેતન કરવાને, આ ચેતન જન્તુઓ કેવો સુન્દર પ્રયત્ન કરે છે ? – અરે પણ માટી તો છે ત્યાંની ત્યાં ને તેવી ને તેવી જ રહે છે.... આ જન્તુઓનો પ્રયત્નો નિષ્ફળ થાય છે, તમોગુણનો વિકાસ ઘટતો નથી, ને કંઈક વિચિત્ર કોલાહલ કાને આવે છે.”

કુમુદ૦- જુવો, જુવો, તેમનાં આયુષ્ય પાણીના રેલા પેઠે માટીમાં લીન થાય છે ને માટીથી અચેતન રત્નો લીંપાઈ જાય તેવી આમની દશા થાય છે. આપણે એમને માટે શું કરીયે ?

સર૦– આ તો આપણે માત્ર પ્રતિબિમ્બ જોઈએ છીએ. પ્રતિબિમ્બ ઉપર દયા નિરર્થક છે, પણ પેલો કોલાહલ વધે છે. આ રત્ન જેવા જન્તુઓની આશપાશ કોઈક સ્થાને માટી તો કોઈક સ્થાને વિષજ્વાલાઓ ફરી વળે છે.

કુમુદ૦– એ તો સમજાયું. આ જન્તુઓને જરાક સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ. તેમને મુખ ને જિવ્હા પૂર્ણ છે પણ કાકદૃષ્ટિ પેઠે બે આંખો વચ્ચે કીકી[૧] એકજ છે. આ રાફડા ઉપરના આકાશમાં કપિલેાક દિવ્યઐાષધિયો લેઈ વાદળાં પેઠે આવજા કરે છે તેમાંથી સરી આવતાં પરાગ એ કીકીયોમાં ભરાય છે ને તે પરાગનાં પડ આ જન્તુઓની એકની એક કીકીયો ઉપર બંધાય છે એટલે એમને દૃષ્ટિવિકાર થાય છે. ઓ મ્હારા વ્હાલા ! આ રત્ન જેવાં જન્તુઓની આંખોનાં પડ દૂર કરો ને એમને બીજી કીકીયે પણ પ્રાપ્ત કરાવો.


 1. *एकैव दृष्टि: काकस्य એવો પ્રાચીન મત છે. તે પ્રમાણે કાગડાની એકજ કીકી ઘડીકમાં એક આંખમાં જાય ને ઘડીકમાં બીજીમાં આવે.

સર૦– જેવી રીતે કપિલોકની પાસેથી પડેલો પરાગ તેમની આંખોમાં પડે છે તેવી જ રીતે અને પરાગની સાથેજ નાગલોકનો મણિપ્રકાશ તેમની આંખોમાં પડશે ત્યારે આમની અકેકી કીકીની દૃષ્ટિ શુદ્ધ થશે, ને એથી વધારે દુર્લભ સાત્ત્વિક પ્રકાશની પ્રાપ્તિ વિના બીજી કીકીયો આવવી તે અશકય છે.

કુમુદ૦– આ કોલાહલ શો છે ?

સર૦- આ જન્તુઓને અકેકી આંખ છે ને બીજાં જન્તુઓ તો કેવળ અન્ધ જ છે ને થોડાંક જન્તુઓની કીકીયો ઉંધી પુતળીની અવળી છે; તે સઉની ભીંડાભીંડમાં એક બીજા સાથે અથડાય છે, લ્હડી મરે છે, ને કોલાહલ કરે છે.

કુમુદ૦– અવળી કીકીયાવાળાં કોણ છે ને અન્ધ કોણ છે ?

સર૦– નાગલોકની રચેલી રંગીન પ્રણાલિકાઓમાં જતાં આવતાં જન્તુઓની કીકીઓ વસ્તુઓની સ્થિતિનો વ્યુત્ક્રમ દેખે છે અને એ સાંકડી પ્રણાલિકાઓનાં પ્રતિબિમ્બ વિનાનાં અન્ય સત્ત્વનું એમની કીકીયોમાં પ્રતિફલન થતું નથી. બાકીના જન્તુઓ તો તામસી વૃત્તિના રચેલા અજ્ઞાનથી જ અંધ છે. તેમની ગતિથી માટીમાં ચીલા જેવી રેખાઓ પડે છે ને તેમાં થઈ અન્ય એવાં જંતુઓ, કીડીયો પાછળ કીડીયો જાય તેમ, ચાલે છે. તેમને તે માટીનું જ ભક્ષણ છે ને માટીમાં જ જીવન છે. તેમાંના કોઈક જીવે આ અવળી કીકીવાળા જીવને સુંધી સુંધી તેમની પાછળ પાછળ જાય છે અને કોઈક જીવો પેલા એક કીકીવાળા જીવોની પાછળ ચાલ્યા જાય છે, ને નાગલોકનું વિષ આમનાથી જીરવાતું નથી ને જીભ ઉપર પણ લેવાતું નથી એટલે એ સર્વે જીવો ગમે તો આયુષ્ય ખુટતા સુધી વિષદંશથી દુ:ખી રોગી થાય છે ને ગમે તો એ વિષની દુ:સહતાથી એમનાં સ્થૂલ સૂક્ષ્મ શરીર આ માટીને પણ ભ્રષ્ટ કરનાર સ્વરૂપમાં પરિણત થાય છે.

કુમુદ૦– આ દેખાવ અતિકરુણ છે.

સર૦– તો પણ તેમાં એ સાત્ત્વિક તેજની પ્રણાલિકાઓ જણાય છે ને ભાગ્યબળે તેમાં આવી જતાં જંતુ એટલી વાર સુખી અને શાંત થાય છે.

કુમુદ૦– પેલી પ્રણાલિકા સામે ચળકે છે તે શ્વેત છે.

સર૦- હા, પણ એની ચારે પાસ પેલી માટીનો ધસારો થાય છે. કુમુદ૦– અરે ! એ શ્વેત પ્રકાશ ચંપાઈ જશે, સ્વામિનાથ ! એ ભયમાંથી એને ઉગારો.

સરસ્વતીચંદ્ર સ્મિત કરી બોલ્યો: “શ્વેત પ્રકાશ એમ ચંપાતો નથી- એ પ્રકાશ તો આ માટી નીચેથી ઉપસીને ઉપર આવે છે ને એ પ્રકાશને માર્ગ આપવા તેના ઉપરથી ખસી જઈ માટી આશપાશ વેરાઈ જાયછે. જો, જો, કુમુદ ! બે સ્થાનેથી આ પ્રકાશના અંકુર ફુટે છે – જો- જો !!”

કુમુદ એકદમ ચમકી ઉભી થઈ.

“ઓ મ્હારા વ્હાલા ! એ તો મ્હારી ગુણીયલની અને મ્હારા પિતાની છાયાઓ ! એ અંહી ક્યાંથી ? ”

સર૦– ને તેની પાછળના કોતરમાંથી બુદ્ધિધનભાઈની છાયા ઉંચી આવે છે ! આ સઉ પેલા પાવડાની શક્તિથી પ્રત્યક્ષ થાય છે. આ પવિત્ર પૂજ્ય મૂર્ત્તિઓને પ્રણામ કરી ઉભી ર્‌હે – એ છાયાઓ આપણા ભણી આવે છે.

પ્રથમ છાયા ગુણસુન્દરી અને વિદ્યાચતુરની આવી. વિદ્યાચતુરના હાથમાં એક મ્હોટો ગોળો હતો તેમાં રત્નનગરીનું રાજ્યતંત્ર નકશાના ચિત્ર પેઠે ઉપસેલું હતું અને તેના ભણી અચુક દૃષ્ટિ રાખી એ ચાલતા હતો. ગુણસુન્દરી ઘડીક એની પાછળ ચાલતી હતી, ઘડીક જોડે ચાલતી હતી, ને ઘડીક આગળ ચાલતી હતી. પણ એની દૃષ્ટિ વિદ્યાચતુરના ઉપર જ ર્‌હેતી, એના હાથમાંનો ગોળો પડી જાય નહી અથવા એ પોતે એના ભારથી કે શ્રમથી પડી જાય નહી એટલી એની – એ સ્વામીની – વ્યવસ્થા રાખતી હતી. એ બે જણની આગળ એમની બીજી ન્હાની છાયા, વૃક્ષની છાયા પેઠે, લંબાતી હતી અને તેમાં એક સુન્દર ચિત્ર ચાલતું હતું એ ચિત્રમાં ગુણસુન્દરીનું કુટુમ્બજળ રાફડાના જન્તુઓની પેઠે તરવરતું હતું ને સર્વની વચ્ચે એક વેદી ઉપર ગુણસુન્દરી બેસીને સતીની પેઠે બળતી હતી. એના બળતા શરીરમાંથી ઉકળતી અમૃતધારાઓ ઉડતી હતી ને પેલાં કૃમિગણના મુખમાં તે જાય એવો પ્રયત્ન ગુણસુન્દરી કરતી હતી. તે ધારાના અમૃતધાવણના અતિલોભથી એ ધારાને ન સ્વીકારી ગુણ સુન્દરીના શરીરને જ એ કૃમિગણ વળગી જતા હતા ને અમૃત ચુસવા ચટકા ભરતા હતા. એ સર્વ તપની તપસ્વિની ઉપર અગ્નિની જવાળાઓ ઉંચી અને લાલ થઈ સળગતી હતી ને આકાશ સુધી એ પ્રતિબિમ્બનું પ્રતિબિમ્બ પડતું હતું. આવી છાયાને આગળ ચલવતી વિદ્યાચતુર અને ગુણુસુન્દરીની છાયાઓ કુમુદની પાસે આવી. કુમુદ તેમને હાથ જોડી શિરવડે પ્રણામ કરી ઉભી રહી ને છાયાઓ ચાલી ગઈ. તેમની પાછળ માત્ર ગુણસુન્દરીના સ્વરના ભણકારા રહી ગયા તેમાં “કુમુદ ! મ્હારી કુમુદ !”. એટલા અક્ષર લંબાતા હતા. આ ચિત્ર જોઈને અને સ્વર સાંભળીને કુમુદ ગળગળી થઈ ગઈ. સરસ્વતીચંદ્રને કંઈક ક્‌હેવા જાય છે એટલામાં બુદ્ધિધનની છાયા આવી. પ્રથમ તે મ્હોટા ન્હાના કૃમિયાનું જાળ બાઝયું. હતું, તેમાં જડસિંહના દરબારનું, શઠરાયનું, ભૂપસિહનું, અને બુદ્ધિધનનું પોતાનું મંડળ, સર્વ-કૃમિરૂપે, તીડોના વાદળારૂપે, તરવરવા લાગ્યું અને તેની વચ્ચેથી સર્વેના શિરપર ચ્હડી બુદ્ધિધનની છાયા, કોડીયામાંના દીવાની જ્યોત પેઠે, ઉભી થઈ પ્રકાશવા લાગી. એના એક હાથમાં, એક જંતુ હતો તે સ્પષ્ટ જોતાં પ્રમાદધન દેખાતો હતો. બુદ્ધિધને પોતાના હાથમાં લઈ દૂર–તેજની નીચેના અંધકારમાં – તેને ફેંકી દીધો ને પોતે પોતાના મુખથી માત્ર “કુમુદસુન્દરી ! તમારા શત્રુને આ શિક્ષા !” એવો ઉચ્ચાર કરતો હતો. એની પાછળ સૌભાગ્યદેવી સિદ્ધાંગનારૂપે આકર્ષાતી ખેંચાતી ચાલતી હતી અને બેની વચ્ચેનાં તેજના પટમાં હાથવડે કંઈક દિવ્ય ચિત્ર વણતી હતી.

આ છાયાઓ આમ ચાલતી ચાલતી સરસ્વતીચંદ્ર અને કુમુદની પાસે થઈને ગઈ અને પિતામહકુંડની વચ્ચેના તેજનાં મોજાં ઉપર ચાલવા લાગી. થોડી વારે રાફડામાંથી ઉંચી ચ્હડી બીજી પણ એવી અનેક છાયાઓ આવી ચાલી ગઈ મેનારાણીની છાયા કાળાં વસ્ત્ર પ્હેરી શોકભરી આકાશમાર્ગે ચાલી ને તેની પાછળ પાછળ સિદ્ધસ્વરૂપે મલ્લરાજ મહારાજ એક કમળ હાથમાં રાખી એને મેનાના હૃદયકમળમાં અરકાડતા હતા અને કમળના અગ્ર ભાગમાંથી ગાન નીકળતું હતું કે–

“શંખ ધરે રિપુ-હૃદય-વિદારણ જે ત્રિભુવનનો નાથ,
“ભક્તહૃદયના સાન્તવન કાજે પદ્મ ધરે તે હાથ !
“મેના ! ત્હારી પ્રીતિ છે જ સનાથ !”

વળી થોડે છેટે ચન્દ્રલક્ષ્મીની સિદ્ધ મૂત્તિ પોતાના હાથમાં લક્ષ્મીનન્દનની શીર્ણ છાયાને સુતેલી લઈને ચાલતી હતી અને પોતાના મુખમાંનો જૈવાતૃક ઉચ્છવાસ એ છાયાને જીવ આપવા તેના મુખમાં ધીમે ધીમે ફુંકતી હતી. આ વિના પણ બીજી અનેક છાયાઓ રાફડાઓમાંથી નીકળવા લાગી અને તેમની પાછળ રાફડામાંની નલિકાઓમાં થઈને ભેરીનાદ નીકળતો હતો કે – “રાફડાઓને તોડી પાડવા ઇચ્છનારાં મનુષ્ય ! આવી આવી સાત્વિક છાયાની રત્નમૂર્તિઓ નાગલોકના મણિપ્રકાશથી અમારા હૃદયમાં ભરેલી છે ને રાફડાઓને કે અમને તોડી પાડતાં તે પણ ચગદાઈ ચંપાઈ જશે ! માટે જે કરો તે વિચારજો ! આવી મૂર્તિઓ તમે જાતે ઉભી કરો તે પછી જ અમારો ધ્વંસ ધારજો ! રાફડાઓ છે તો અમે છીયે ને એમનો નાશ કરવામાં પણ સાત્વિક દૃષ્ટિ નહીં રાખો તો હાથે ખેાયેલાં રત્ન તમે ફરી પામવાના નથી ને નાગલોકની શકિત તમારામાં આવવાની નથી !” આ સ્વર બંધ થયો ત્યાં રાફડાઓ ખડખડ હસી પડતા હોય તેવો નાદ થયો ને તેની સાથે તેમાંથી રેતી ને પથરો ઉછળવા લાગ્યા ને અંતે સ્વર થયો કે–

“રત્નનલિકાઓ! તમે સ્ત્રીજાતિ છો તેથી આ મિથ્યા ભયથી કંપો છો ! તમને ને અમને તોડનારાની શકિત જોવી હોય તો જુવો આ કાણા કૃમિલોકની દશા ! ”

આ સ્વર પણ બંધ પડ્યો ને તેની સાથે અનેક મનુષ્યો લોહના કુહાડા લેઈ રાફડાઓ ઉપર તીવ્ર પ્રહાર કરતાં જણાયાં. પણ જ્યાં તેઓ કુહાડાથી ખાડો પાડે ત્યાં તેની સાથે ચારપાસથી માટી ધસી પડતી હતી, એ માટી ખાડામાં પુરાઈ જતી હતી, અને ખોદનાર મૂર્તિઓ પણ એ માટીમાં ખસી પડી કળી જતી હતી અને માટી બ્હાર તો માત્ર કોઈક કુહાડાની ધાર તો કોઈક કુહાડાનો હાથો, કોઈક મનુષ્યના વાળ તે કોઈના હાથ ને કોઈના પગ, એવો હૃદયવેધક દેખાવ દેખાતો હતો. આ જન્તુઓની પાછળ આકાશવાણી થતી હતી–

“Martyrs of Truth, Righteousness, and Purity ! It is resultless and needlessly dangerous to delve these hollow crumbling all-absorbing hillocks. Follow rather the lights that have created them ; and the hands, that have evolved them by some stern decree of fate, will help you right loyally in transforming them into such purer, sounder, and beneficent shapes as all will hail. Bring but the rich chemicals that will melt and not destroy these sandy piles. Bring but the patience, the perseverance, the skill, the art, and the science, that will melt these ancient sands and earthworks which a seeming maniac has laboured to build up for ages, and out of them this nation will find avast auriferous yield, and the Sandy alloy will evaporate.”

આ સ્વર સરસ્વતીચન્દ્રે સાંભળ્યો તેની સાથે સાથે એનું હૃદય ધડકવા લાગ્યું ને ત્યાં હાથ મુકતી કુમુદનું હૃદય પણ ધડકવા લાગ્યું, બે જણ ઉઠયાં ત્યાં સર્વ સ્વર શાંત થઈ ગયા અને છાયાઓ એક પછી એક અદૃશ્ય થઈ જવા લાગી. સર્વને અંતે લક્ષ્મીનંદનની છાયા, તેની પાછળ બુદ્ધિધનની છાયા, ને તેની પાછળ વિદ્યાચતુરની અને ગુણસુન્દરીની છાયાઓ એકલી પોતપોતાની સિદ્ધ સહચારિણીઓ સાથે તેજના કુણ્ડ ઉપર અટકી ઉભી. અટકતાં અટકતાં વિદ્યાચતુરની છાયા, ગુણસુન્દરીની છાયાને ઉઠાડી ગાવા લાગી, સરસ્વતીચન્દ્ર ને કુમુદ હાથ જોડી પ્રણામ કરી સાંભળતાં ઉભાં.

તપ્યાં તપ ત્હોય હરિ ક્યાંથી ?
જપ્યા જ૫ ત્હોય હરિ ક્યાંથી ?
ન પૂજાથી, ન તીર્થોથી,
મળે એ ! વ્હાલી, લે શોધી.
ખમી ત્હેં કષ્ટ, દીધ સુખો !
હણ્યાં સર્વે તણાં દુ:ખો !
ન યશ એમાં જરી લીધો,
હૃદયનો ઘા ખમી લીઘો.
મુક્યો સઉ સ્વાર્થને આઘો,
જુવાનીનો ત્યજ્યો લ્હાવો !
લડાવી ન રંક પુત્રીને,
ન સંભારી જ જનનીને.
તપ્યું તપ એ અહોનિશ,
જપ્યો જ૫ કર્મ - જગદીશ !
મનસ્વિની ! યોગિની! બાલા !
મને તુજ યોગ આ વ્હાલા!
હરિ ! ત્હારા હૃદયમાં એ !
સદા તું પૂજજે એને !
બીજાનો ઈશ છે બ્હાર,
ગુણીયલ ઈશમાં માય.
ખમી દુ:ખ, સુખ દેવાની
સદા જે હોંસ ર્‌હેવાની,
પ્રભુ તુજથી નહી ન્યારો
કદીયે, વ્હાલી, ર્‌હેવાનો.
નથી એથી બીજો ધર્મ.
પ્રભુનો નહી બીજો મર્મ.
બીજો ના મોક્ષ આથી કો,
મને યે તું વ્હાલી આથી હોં !
ભવોભવ આપણે એક;
ગુણીયલ ! જાળવે ટેક !
વસે તુજ કાળજે નાથ !
હું યે ત્યાં ને તું યે ત્યાં જ ! ”

આ ગાન આરંભાયું તે કાળે ગુણસુન્દરી ઘરનાં વાસણ સાજતી ને ઝાડુ ક્‌હાડતી દેખાઈને તેનાં પુસ્તક દૂર પડી ફાટી જતાં જણાયાં, વિદ્યાચતુરની છાયા બેસી પડી ને, એ પુસ્તક એકઠાં કરી હાથમાં લેઈ ગુણસુન્દરીની છાયાની દાસી પેઠે ઉભી ત્યાં ધર્મલક્ષ્મીની સિદ્ધ મૂર્તિ દેખાઈ એના દૃષ્ટિપાતથી ગુણસુન્દરીની પાસેનાં વાસણ સુવર્ણમય થઈ ગયાં, ઝાડુ પુસ્તકમય થઈ ગયું, વાસણને ચોપડેલી રાખ રત્નમય થઈ ગઈ ને ઝાડુતળેનો કચરો અક્ષરમય થઈ ગયો. વિદ્યાચતુરના હાથમાંનાં પુસ્તક ત્યાંથી ઉડી ગુણસુન્દરીનાં હૃદય ઉપર મોતીની માળા થઈ ગયાં. ધર્મલક્ષ્મી અંતે સ્વસ્થ થઈ કુમુદને ક્‌હેવા લાગી.

“બેટા ! મ્હારા કરતાં ત્હારી માતાનું તપ વધારે ઉગ્ર છે ને મ્હેં જે દેવોની પૂજા કરી છે તેના કરતાં ત્હારી માતાએ કરેલી પૂજાનો ઈશ્વરે અનેકધા વધારે સૂક્ષ્મ ને શાશ્વત સત્કાર કરેલો છે તેનો પ્રભાવ તું જુવે છે. એણે માત્ર મ્હારા જેવાનાં આશીર્વાદ-કૃપણ ચિત્તોને તૃપ્ત કરવાના, અને પતિનાં માતાપિતાની મૂર્ખ વાસનાઓને પતિની પેઠે જ તૃપ્ત કરવાના, કર્મમાં ઈશ્વરને પ્રત્યક્ષ કરેલો છે અને ઈશ્વરની પૂજા ગણી છે. તે મહાપૂજાનું કલ્યાણફળ તે આજ ભોગવે છે ને ભોગવશે. મ્હારા પુત્રે આરંભેલા પિતૃયજ્ઞમાં ત્હારી માતા અતિ રસથી જોડાઈને પતિનો ભાર પોતાને માથે લીધો, પોતાની નિન્દા કરનારના ઉપર ક્રોધે ભરાઈ નથી, સ્તુતિથી પ્રફુલ્લ થઈ નથી, દુ:ખકાળે શોકમાં કળી ગઈ નથી, વિદ્યાથી કે સંપત્તિથી ગર્વિત થઈ નથી, ને જે સાત્વિક પ્રકાશમાં તમે બે જણે સહચાર કર્યો તેવો જ સાત્વિક પ્રકાશ એ મહાપતિવ્રતાનાં નિષ્કામ પ્રીતિયજ્ઞ ઉપર સળગ્યો છે ને સળગે છે. બેટા, આ પવિત્ર દર્શનથી તું બોધ ને શાન્તિ પામજે. હું સિદ્ધ સ્વરૂપે પણ ત્હારી માતાની છાયાની દાસી થવાને જ યોગ્ય છું. ત્હારા દાદા એ વાત પ્રથમથી સમજ્યા હતા. ને એ સમજણથી જ એમણે ત્હારી માતાની ભક્તિ કરેલી છે અને તેના પુણ્યથી એમનાં સર્વ પાપ પૃથ્વી ઉપર જ ધોવાઈ ગયાં છે. એ પુણ્ય થયેલો જીવ આ ભક્તિથી સિદ્ધ થઈ અંહી આવશે. એ પ્રથમથી સમજ્યા તે વાત હું સિદ્ધ થયા પછી સમજી. ત્હારી માતા જેવી મહાતપસ્વિની સાત્વિક મહાપતિવ્રતાની પાસે હું એના ચરણની રજ જેવી છું, અને ત્હારા પિતાને પણ એની સેવા કરવા પામવાના પ્રસંગથી જ પુણ્યશાલી થયો સમજજે. ”

આ સ્વર બંધ થયો ત્યાં એ સ્વર પાસેની છાયાએ કંઈક ઝાંખી થવા લાગી ને સટે બુદ્ધિધનની છાયા વધારે ચળકવા લાગી. થોડી વારમાં એ છાયાને શરીરે સન્યાસીનાં ભગવાં વસ્ત્ર દેખાયાં ને તેની પાસે ઉભી ઉભી અલકકિશોરી, “ભાભી ! આવો ! ભાભી ! આવો ! દેવી ગઈ પણ તમે આવો !” કરી, મ્હોટેથી હૈયાફાટ આક્રન્દ કરતી દેખાઈ.

આની સાથે જ ચન્દ્રલક્ષ્મીના હાથમાંની લક્ષ્મીનંદનની છાયાના આખા મુખ ઉપર આંસુ રેલાતાં દેખાયાં ને પર્વત ઉપર રાત્રે તારા ચળકે તેનાં જેવો પ્રકાશ ધારણ કરીને ચળકવા લાગ્યાં ને ત્યાં આગળથી અનેક ખરતા તારાઓના તેજસ્વી લંબાતા તાર પેઠે એના શરીર પરથી નીચેનાં કુણ્ડમાં ટ૫કવા ને પ્રતિબિમ્બ નાંખવા લાગ્યાં. એટલામાં એના હૃદયમાંથી ઉછળતા હોય એવા સ્વર એના મુખમાંથી આકાશ ભણી જવા લાગ્યાં; “ભાઈ ભાઈ મહીનામાં નહી આવો તો હું જીવવાનો નથી ! હોં !”

થોડી વારમાં સર્વ સ્વર બંધ થઈ ગયા અને મોજાના ખળભળાટ ને પવનના વધતા સુસવાટા વિના બીજું કાંઈ સંભળાવું બંધ થઈ ગયું. આકાશમાં વીજળી ચમકારા કરવા લાગી ને પિતામહકુણ્ડમાં ભયંકર પ્રતિબિમ્બ નાંખવા લાગી. ચંદ્રમા અસ્ત થયો ને એની પાછળના પ્રકાશની પીઠ ઉપર બેસી અંધકારે ચન્દ્રને અને ચન્દ્રપ્રકાશને ચગદી ચાંપી ભોંયભેગા કરી નાંખ્યા, વીજળીના ચમકારા થતાં જગત જેટલું ભયંકર થતું તેથી વધારે ભયંકર, ચમકારો શાંત થતાં, થતું અને, વળી ચમકારો થતાં, વધારે ભયંકર થતું. પવનના સુસવાટા વધ્યા ને ઉપર આકાશમાં પછડાવા લાગ્યા તેમ કુંડનાં મોજાંને પણ ઉછાળવા ને ગજાવવા લાગ્યા. અંધકાર અને ગર્જનાઓ દશે દિશાએ વ્યાપી ગયાં ને સરસ્વતીચન્દ્ર અને કુમુદ એક બીજાનાં શરીર દેખતાં બંધ થઈ ગયાં. માત્ર દિવ્ય હૃદયબન્ધથી સ્વામીને ઓળખી ભયભીત કુમુદ એને ગાઢ આલિંગન દેઈ ઉભી ત્યાં પ્રથમ વીજળીનો કડકો, હજાર તોપો સાથે લાગી છુટે તેના જેવો, થયો ને તે સાથે, આંખ ઉઘડી મીંચાય એટલો પલકારા જેટલી પળમાં, એનો ચમકારો થઈ શાંત થઈ ગયો ને અંધકાર એના ઉપર ચ્હડી બેઠો. એ પ્રકાશની પળમાં આ બે જણે પોતાના સર્વ વડીલવર્ગને તેજકુંડનાં મોજાંમાં ડુબી જતાં દીઠાં ને ચારે પાસની ગર્જના વચ્ચે–

“કુમુદ ! કુમુદ” “ભાઈ ! ભાઈ, !” “ભાભી ! ઓ ભાભી !” એવી દુ:ખભરી કારમી ચીસો સંભળાઈ

વીજળીનો બીજો ચમકારો થતાં આ સ્વપ્નના સરસ્વતીચન્દ્રે સ્વપ્નની કુમુદને છળેલી આંસુભરી અને પોતાને વળગી પડેલી જોઈ લીધી, ને ચમકરો બંધ પડે તે પ્હેલાં તો તેમની પાંખોએ તેમને ઉંચક્યાં અને જે દિશામાંથી સ્નેહી જનોના દુઃખની ચીસો સંભળાતી હતી તે દિશામાં વીજળીના કરતાં વધારે વેગથી લીધાં પળવારમાં એ બે શરીર આ કુંડમાં આ અંધકાર, ગર્જનાઓ, મોજાં, અને ચીસો વચ્ચે ઉડી પડ્યાં; પડી કુંડને તળીયે ડુબ્યાં; ને ડુબ્યાં તેની સાથે તેમનું આ મહાસ્વપ્ન વિરામ પામ્યું, ને સમનસ્યગુફાના ઓટલા ઉપર સરસ્વતીચન્દ્રના ચરણને પોતાના ખોળામાં લેઈ છાતી સાથે ચાંપી રાખી, બેઠી બેઠી, અંચળાને ઉશીકે ઉંઘતી કુમુદસુંદરીના સ્થૂલ શરીરને જ જોવાનું બાકી રહ્યું, પણ એવામાં જ આકાશનો ચન્દ્ર અસ્તાચળની પાછળ કુદી પડ્યો ને એ શરીરનું દર્શન કરાવનાર ચન્દ્રપ્રકાશના ઉપર પણ અંધકારનો પડદો પડી ગયો. હવે તો આ બે જીવ જાગે ત્યારે તેમનો પોતાનો અંતઃપ્રકાશ કેવી સૃષ્ટિ રચે છે તે જોવાના કાળની વાટ જોવી બાકી રહી.