લખાણ પર જાઓ

સરસ્વતીચંદ્ર ભાગ ૪/હૃદયચિકિત્સા અને ઔષધ.

વિકિસ્રોતમાંથી
← સખીકૃત્ય. સરસ્વતીચંદ્ર ભાગ ૪
હૃદયચિકિત્સા અને ઔષધ.
ગોવર્ધનરામ ત્રિપાઠી
સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મકામ. →


પ્રકરણ ૨૧.
હૃદયચિકિત્સા અને ઔષધ.
दया वा स्नेहो वा भगवति निजेऽस्मिन शिशुजने
भवत्याः संसाराद्विरतमपि चित्तं द्रवयति ।
अतश्च प्रव्रज्यासमयसुलभाचारविमुखः
प्रसक्तस्ते यत्नः प्रभवति पुनर्दैवमपरम् ॥

(હે ભગવતી ! આ શિશુજનપ્રતિ તમારી દયા ક્‌હો કે પ્રીતિ ક્‌હો - જે ક્‌હો તે સંસારથી વિરકત થયેલા તમારા ચિત્તને ઓગાળે છે; અને આથીજ સંસાર છોડતાં તમે કરેલી પ્રતિજ્ઞાઓને જે આચાર સુલભ હોવો જોઈએ તેથી વિમુખ અને અવિચ્છિન્ન આ પ્રયત્ન તમે માંડ્યો છે તે સફળ થવો જોઈએ ! પછી દૈવ તો છેજ – માલતીમાધવ.)

રિવ્રાજિકામઠમાં કન્યાઓ, વિધવાઓ, અને પરિવ્રાજિકાઓ સર્વનો વાસ હતો અને કન્યાને કામતંત્રના શાસ્ત્રીય બોધ એમાં કરવા દેવામાં આવતા હતા. પણ કન્યાને પુરુષનો યોગ કરવાની કથા આવે તેના વિચાર આચાર આ મઠની બ્હાર અને વિહારમઠની બ્હાર રાખવામાં આવતા. વિહારમઠમાં પણ માત્ર વિવાહિત દમ્પતીઓનાં જ વાસ હતા. પરિવ્રાજિકા મઠની અધિષ્ઠાત્રીના પદઉપર કોઈ વિધવાને જ રાખવામાં આવતી. અવિવાહિત, વિવાહિત, અને પરિવ્રાજક ત્રણે જીવનના અનુભવવાળી કાર્યગ્રાહિણી વિદુષીને આ મઠની અધિષ્ઠાત્રી નીમવામાં આવતી. વિહારમઠમાં વિવાહિત, સુશિક્ષિત, ઉદાર, રસજ્ઞ, શાસ્ત્રસંપન્ન દમ્પતી અધિષ્ઠાતા અને અધિષ્ઠાત્રી નીમાતાં. ચંદ્રાવલી એક કાળે વિહારપુરી સાથે વિવાહિત હતી ત્યારે એ દમ્પતીની પાસે વિહારમઠનું આધષ્ઠાનપદ હતું. તે ઉભય પરિવ્રજિત થયાં એટલે વિહારપુરી વિષ્ણુદાસજીના મઠમાં ગયો અને ચન્દ્રાવલી પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રી થઈ. તે પછી ચન્દ્રાવલી સુન્દરગિરિનો ત્યાગ કરી બેટમાં ગઈ અને તેને સ્થાને મોહની એ મઠની અધિષ્ઠાત્રી થઈ હતી. એ મઠમાં કોઈ કન્યા મદનોન્મુખ થાય તો તેની વિવાહપર્યન્ત સંભાળ લેવી, તેનું ઉપદેશક સખીકૃત્ય કરવા સખી નીમવી, અને આવશ્યકતા હોય તે કન્યાને દૂતીનો યોગ કરી આપવો એ પણ અધિષ્ઠાત્રીનું કર્તવ્ય હતું. સખી અને દૂતી સ્થૂલ અને સૂક્ષ્મ ઉભય કામ અને પ્રીતિની અભિજ્ઞ હોય તે જ યોગ્ય ગણાતી. કામતન્ત્રકારો એ કેવળ સ્થૂલ પ્રીતિનું શાસ્ત્ર બાંધેલું છે ત્યારે આ મઠમાં એ શાસ્ત્રને સુધારી તેમાં સૂક્ષ્મ પ્રીતિનું શાસ્ત્ર ઉમેરેલું હતું. સ્થૂલ એટલે લખ પ્રીતિમાંથી સૂક્ષ્મ એટલે અલખ પ્રીતિનું ઉદ્બોધન કરાવવું આવશ્યક ગણવું એ અલખના કામશાસ્ત્રને વ્યાવર્ત્તક હતો.

ચન્દ્રાવલી આ સર્વ વિષયમાં પ્રવીણ હતી અને એક કાળે રસિક હતી. વિષ્ણુદાસ ત્રણે અલખમઠના ગુરુ થયા અને અલખમાર્ગને અને મઠોને તેમણે નવી પ્રતિષ્ઠા આપી તે પછી પોતાની પાછળ યોગ્ય અધિકારીને અનુયાયી કરવો એટલી તેમની વાસના હતી, પણ ગૃહસ્થ સાધુનો તેને માટે ઉત્તમ અધિકાર ગણાતો ન હતો, અને કેવળ૫રિવ્રાજકો તેમના આશ્રય નીચે હતા તેમાં કોઈ એ પદને માટે યોગ્ય બુદ્ધિવાળું ન હતું. વિહારપુરી ઉપર તેમની દૃષ્ટિ હતી પણ તે વિવાહિત હતો. આ વાત ચન્દ્રાવલીને કાને આવતાં ગુરુજીની વાસના તૃપ્ત કરવા, પોતાના સ્વામીનું પારમાર્થિક કલ્યાણ કરવા, સર્વ સાધુજનનું અને અલખમઠનું વ્યવસ્થાતંત્ર કલ્યાણકારક રહે એવી બુદ્ધિથી, અને તે દ્વારા સંસારમાં અલખ-બોધની ગર્જના સફળ થાય એવી વાસનાથી, ચન્દ્રાવલીએ વિહારપુરીને અભિલાષ દર્શાવ્યો કે તેણે ગુરુજી પાસે ર્‌હેવું અને તેણે તથા પોતે પ્રવ્રજ્યા સાધવી. સર્પ કાંચળી ઉતારે તેમ મદનવિકારનો ત્યાગ કરી આ દમ્પતી એક બીજાને આશીર્વાદ દેઈ વિયુક્ત થયાં, અને તેમની પ્રીતિની અને તેમની વિરક્તિની ચમત્કૃતિભરેલી સુન્દર રસિક કથાઓ ત્રણે મઠનાં સાધુજનોમાં ચાલી. પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રી થયા પછી પણ સુન્દરગિરિ ઉપર દમ્પતી અનાયાસે મળતાં તે પોતે લીધેલા વ્રતને પ્રતિકૂળ ગણી અને પોતાના અને સ્વામીના વૈરાગ્યના ભયનું કારણ ગણી, ચન્દ્રાવલી પર્વત છોડી માતાના ધામમાં ગઈ અને પુરુષરૂપે ઈશ્વરની કલ્પનાને પોતાના વૈરાગ્યને પ્રતિકૂળ ગણી અલખનાં અમ્બાસ્વરૂપમાં યુક્ત થવા લાગી. આ સ્થિતિ તેણે આજસુધી પાળી, પણ કુમુદ ઉપરની દયાએ અને વત્સલતાએ એને પાછી આટલી સંસારિણી કરી દીધી. પરિવ્રાજિકામઠની બારી પર્વતની ખેામાં પડતી હતી અને સમુદ્રમાં જલશાયિની થવા ઇચ્છનારોનું હૃદય એ બારીને દેખી શું સાહસ કરવા નહી લલચાય એ વિચારે ઉપજાવેલા ભયને લીધે ચંદ્રાવલી કુમુદ ગયા પછી જાતે પાછળ પાછળ આવી. એ ભય તો દૂર થયું, પણ પર્વત ઉપર આવ્યા પછી આપણે જે જે વાર્તા જાણીયે છીયે તે એના જાણવામાં આવી અને અનેક નવીન ગુંચવારા એના વત્સલ હૃદયમાં ઉભા થયાં.

પાછલે પ્રહરે કુમુદને વામની અને બંસરીની જોડે ગિરિરાજનાં સુન્દર સ્થાનો જોવા મોકલી, ગયા પ્રકરણમાં વર્ણવેલા ચોકના એક છાયાકુંજમાં એક શિલા ઉપર મોહની, ભક્તિ, અને બિન્દુમતી સાથે ચન્દ્રાવલી બેઠી અને સઉની પાસેથી કુમુદ વીશે તેમણે કહેલી વાર્તા અને ધારેલી યોજના સાંભળી લીધી. તે પછી કેટલીક વાર એ ઓઠે આંગળી મુકી બેાલ્યા વિના બેશી રહી અને વિચારમાં પડી અને બીજાં સર્વ પણ ચુપ રહ્યાં. એટલામાં કુંજ ઉપર ઢંકાયલી વેલીમાં સંતાયેલી કોકિલાએ ટૌકો કર્યો ને બિન્દુમતી ઉચું જોઈ ગાવા લાગી.

[]"अनुमतगमना शकुन्तला
तरुभिरियं वनवासबन्धुभिः ।
परभृतविरुतं कलं यथा
प्रतिवचनीकृतमेभिरीवृक्षम् ॥"

મોહની – બિન્દુ, આ શ્લોક શાથી ગાયો ?

બિન્દુ૦ - મ્હેં મધુરીને આશીર્વાદ દીધો.

મોહની – એને ક્યાં પતિગૃહમાં જવું છે ?

બિન્દુ૦– જશે ?

મોહની૦– કોણે કહ્યું?

બિન્દુ૦– કોકિલાએ કહ્યું.

ચન્દ્રા૦- બેટા બિન્દુ, તું સત્ય ક્‌હે છે. ત્હેં મધુરીને પુછ્યું કે આ ગિરિરાજ ઉપર જે ઉદ્દેશથી તું આવી છે તેનો આત્મા કામ ન હોય તો કીયો છે?

બિન્દુ૦– એના જેવું જ પુછ્યું.

ચંદ્રા૦- એણે શો ઉત્તર આપ્યો?


  1. શકુન્તલાના વનવાસનાં બન્ધુ આ વૃક્ષો છે તેમણે એના જવાને અનુમતિ આપી છે, કારણ કોકિલનો આકલ કુહુકાર થયો તે કુહુકાર વડે આ વૃક્ષોએ જ આ પ્રત્યુત્તર દીધો છે. (શાકુન્તલ)
બિન્દુ૦ – જાનુભાગ[] ઉપર હાથ અને હથેલી ઉપર ગંડસ્થલ[] ટેકવી

બેસી રહી અને આડું જોઈ કંઈક મનમાં ગાતી અને ગણગણતી હતી.

મોહની –

[]अधिजानु बाहुमुपधाय नमत्
करपल्लवाप्रनिहिताननया ।
उदकण्ठि कण्ठपरिवर्तिकल -
स्वरशून्यगानपरयाऽपरया ।।२।।

ચંદ્રા૦ - એ છેલે સુધી કંઈજ બોલી નહી ?

બિન્દુ૦ – ના. મ્હેં એને કહ્યું કે અમે નવીનચંદ્રજી પાસે પ્રત્યક્ષ થઈ વિજ્ઞપ્તિ કરી શકીશું. તો પણ એ બોલી નહી. અન્તે મ્હેં કહ્યું કે તું નહી બોલે તો અમે અમારી મેળે જે સુઝશે તે જઈને ત્હારે નામે તેમને કહીશું.

ચંદ્રા૦ - પછી ?

બિન્દુ૦ – તો પણ તે બોલી નહી. ઘણું થયું ત્યારે ઉભી થઈ નીચું જોઈ રહી, અશ્રુપાત કર્યો, અને એક પાસ ચાલી ગઈ.

મોહની – એ પણ સમજાયું;

४.[]"ननु सन्दिशेति सुदृशोदितया
त्रपया न किञ्चन किलाभिदधे ।
निजमैक्षि मन्दमनिशं निशितैः
कृशितं शरीरमशीरशरैः ।।"


“મોહની, તરસ્થાને નવીનચંદ્રજીનું દર્શન થયું તે પ્હેલાં મધુરીની અવસ્થા કેવી હતી ?” વિચાર કરી ચંદ્રાવલીએ મોહની ભણી ફરીને પુછયું.


  1. ઢીંચણ
  2. લમણા
  3. એક યુવતિ ઢીંચણ ઉપર હાથનો બાહુભાગ(ક્‌હોણી સુધી) ટેકવી બેઠી, ને પલ્લવ જેવી નમતી હાથેલી ઉપર મુખભાગને ટેકવ્યો; ઉંચા સ્વર વગરના ઝીણા અવ્યકત મધુર ગાનને કંઠમાં પરિવર્ત્તન કરાવવા – આળોટાવવા – લાગી અને ઉત્કંઠા ધરવા લાગી. (માઘ)
  4. ४.“જરી કંઈ સંદેશો ક્‌હાવની!” એવું દૂતીએ કહ્યું ત્યારે લજજાને લીધે સુલોચનાએ કંઈ પણ જાણે ઉત્તર દીધો ન હોય એમ બોલી નહી પણ કામના તીક્ષ્ણ બાણોએ રાત્રિદિવસ કૃશ કરી નાંખેલું પોતાનું શરીર હતું તેને જ માત્ર ધીમેથી એ જોઈ રહી. (માઘ)

. મોહની – દૂતીએ નાયકને નાયિકાની સ્થિતિવર્ણવી હતી તેવી અને કહ્યું હતું તેમ નવીનચંદ્રજીને ક્‌હેવા જેવી કે,

૧.[]“किं पृष्टेन द्रुततरमितो गम्यतां सा प्रिया ते
दृष्टा मार्गे दिवसमखिलं सास्त्रमेका मवैयम् ।
पान्थे पान्थे त्वमिति रभसोद़्ग्रीवमालोकयन्ती
दृष्टे दृष्टे न भवति भवानित्युदश्रुर्वलन्ती ॥"

ચંદ્રાવલી – ભક્તિમૈયા, તમારું લક્ષ્ય આમાં ક્યારે ગયું?

ભક્તિ૦– નવીનચંદ્રજી ગયા પછી મ્હારું લક્ષ્ય ખેંચાયું. હું એટલી જડ, બાકી તે નીચે ગયા અને અમે ઉપર આવ્યાં ને જુદાં પડ્યાં તે કાળે સૂર્યકિરણ અંધકારને શોધે તેમ મધુરીની દૃષ્ટિ નવીનચંદ્રજીના હૃદયને સ્પષ્ટ શોધતી હતી.

મોહની – એમ જ.

૨.[]"प्रणयप्रकाशनविदो मधुराः
सुतरामभीष्टजनचित्तहृतः ।
प्रजिघाय कान्तमनु मुग्धतर-
स्तरुणीजनो दृशइवाथ सखीः ।।"

ચંદ્રા૦– ભક્તિમૈયા, તમે નવીનચંદ્રજીના વૈરાગ્યની ને ગુણોત્કર્ષની કથા કરી અને ગુરુજીનો દુર્લભ પક્ષપાત જણવ્યો ત્યારે મધુરીની વૃત્તિ કેવી હતી?

ભક્તિ૦ – તેનાં ગુણ અને કીર્તિ સાંભળતાં તે સમાધિસ્થ જેવી થતી, અને તેનો વૈરાગ્ય સાંભળતાં વિચારમાં પડતી.


  1. ૧.પુછીને શું કામ છે? તું હવે સત્વર અંહીથી એની પાસે, ચાલ્યો જા ! ત્હારી તે પ્રિયાને મ્હેં આખો દિવસ માર્ગે કેવી રીતે રોતી દીઠી તે સાંભળ! જે જે વટેમાર્ગુ મળે તે તુંજ હઈશ એવું જાણી ચમકી ડોક ઉંચી કરી કરી તેને એ જોવા લાગતી હતી, અને જોઈ જોઈને તે તું નથી એવું સમજાતાં તરત આંસુભરી પાછી વળતી હતી. (પ્રકીર્ણ)
  2. ૨.અધિક મુગ્ધ તરુણીજન કાન્તની પાછળ પોતાની સહીએાને મોકલતી હોય તેમ પોતાની દૃષ્ટિઓને મોકલતી હતી; તે દૃષ્ટિ રૂપ સહીઓ કેવી હતી? મુગ્ધાના ગૂઢ પ્રેમને પ્રકટ કરવાની કળામાં પ્રવીણ, મધુર, અને મુગ્ધાના ઇષ્ટજનનું ચિત્ત સારી પેઠે હરી લેનારી - આ સહીઓ જેવી દૃષ્ટિઓને અથવા દૃષ્ટિરૂપ સહીએાને એ મુગ્ધાએ પ્રિયની પાછળ મોકલી હતી. (માઘ)
મોહની૦– એ સમાધિ તો મ્હેં પણ પ્રત્યક્ષ કર્યો છે. નવીનચંદ્રજીને

ક્‌હેવા જેવું છે કે -

[]तव सा कथासु परिघट्टयति
श्रवणं यदङ्गुलिमुखेन मुहुः ।
घनतां ध्रुवं नयति तेन भवद्
गुणपूगपूरितमतृप्ततया ।।

ચન્દ્રા૦- બેટા બિન્દુ, સાયંકાળે સાધુ દમ્પતીઓએ રાસ વગેરેની પરિપાટી યોજેલી છે ત્યાં નવીનચંદ્રજી આવવાના છે એમ કહી મધુરીને પણ ત્યાં લેવાની વાત કરી ત્યારે એણે શું કહ્યું ?

બિન્દુ૦– માત્ર આકાશ અને પૃથ્વી વચ્ચેનો ભાગ જોયાં કર્યો અને કંઈ બોલી નહીં.

મોહની - એ પણ સમજાયું.

[]गतया पुरः प्रतिगवाक्षमुखं
दधती रतेन भृशमुत्सुकताम् ।
मुहुरन्तारालभुवमस्तगिरेः
सवितुश्च योषिदमिमीतदृशा ।।

ચન્દ્રા૦- તેમનો વૈરાગ્ય જોઈ મધુરીને શો વિકાર થયો ?

ભક્તિ– તે કોઈએ સૂક્ષ્મ દૃષ્ટિથી જોયું નથી, પણ રાત્રે એ ક્‌હેતી હતી કે વિરક્ત ચન્દ્રને ગ્રાસ કરનારી ધૂમગ્રહની લેખા થવા પોતાની ઈચ્છા નથી.

મોહની– એ ભાષા ગુહામાંની આભ્યન્તર નથી. એ તો અભિમાનિકી વૃત્તિનો ઉદ્રાર છે. એવા ક્ષણિક અભિમાનથી અલખ વાસના નષ્ટ થતી નથી.


  1. ૧. ત્હારી કથા ચાલતી હોય છે ત્યારે આંગળીના ટેરવાંવડે ઘડી ઘડી કાનના ડાબલાને તે સારી રીતે પુરે છે; તેમ તે શા માટે કરે છે? ત્હારા ગુણની વાતોનાં પુમડાં એ કાનમાં આટલાં ભરાયાથી એને તૃપ્તિ વળતી નથી અને તમને તેમાં વધારે વધારે ઠાંસવા તેને વાસના થાય છે માટે આવું કરે છે. (માઘ)
  2. ૨ સામે બારીને ગેાખ હતો, તેના ભણી એ સ્ત્રી અતિ ઉત્સુકતા ભરી ગઈ અને ત્યાં જઈ સૂર્ય અને અસ્તગિરિ વચ્ચેના ભાગનું પ્રમાણ એણે ઘડી ઘડી પોતાની દૃષ્ટિ વડે ભાખ્યું, ( માધ)
ચંદ્રા૦- પણ નવીનચંદ્રને વિરક્ત જોઈ મધુરીને દુઃખ થયું કોઈએ

પ્રત્યક્ષ કર્યું નથી.

મોહની– તરસ્થાન આગળ તો અશ્રુધારા વ્હેતી હતી - આ વેશ તે એણે પ્રથમ ત્યાં જ જોયો.

ભક્તિ૦– અને આપણી મઠની યોજના અને વિહારમઠની યોજના જાણી તેને આશા થઈ હોય તેમ એનો શોક કંઈક શાંત છે.

ચન્દ્ર૦- વૈરાગ્યનું માહાત્મ્ય જાણીને પણ એવી શાંતિ એને વળી હોય. એના જેવા સંપ્રત્યય નવીનચંદ્રજીની વિરક્ત દશાને ધન્ય ગણી એના પોતાના સ્થૂલ કામને વિરક્ત કરે અને પ્રિયજનની વિરકત દશાનું રક્ષણ કરે એ પણ સંભવિત છે.

મોહની– તે જે હો તે હો. પણ આ હરિણનું જોડું તૃષિત હોય ને આ ગિરિરાજ ઉપર તૃષાથી વિપન્ન થાય તે તો અયોગ્ય જ. જો આપણે વિલમ્બ કરીશું તો કંઈ મહાન્ અનર્થ થશે અને વેળા વીત્યા પછી આપણને પશ્ચાત્તાપ થવાનો વારો આવશે કે

[]"मध्यान्हे दववन्हिनोष्मसमये दंदह्यमानाद्निरेः
कृच्छ्रन्निर्गतमुत्तृषं जलमयो वीक्ष्यैकरक्षाक्षमम् ।
प्रेम्णा जीवौयितुं मिथः पिव पिवेत्युञ्चार्य मिथ्या पिवन्
निर्मग्नास्यमपिरर्वारे हरिणद्वन्द्वं विपन्नं वने ॥"

ભક્તિ૦– ચક્રવાકમિથુનને રાત્રિનો અન્તરાય છે તે તોડી નાંખો અને પરપસ્પરનો દૃષ્ટિયોગ અને ગોષ્ઠીયોગ અબાધિત થાય એટલો યોગ કરાવવો એટલું તે આપણું કર્તવ્ય ખરું. પછી પરિશીલનને અંતે તેઓ વિરક્ત હશે તો અસંયુકત ર્‌હેશે અને રક્ત હશે તે સંયુકત થશે. એ તો સર્વ અલખ ભગવાન્‌ની યોજના હશે તે ફળ થશે. આપણો ધર્મ સ્પષ્ટ છે.


  1. ૧. મધ્યાન્હ કાળ થયો છે અને એ તાપની વેળાએ પર્વત દવના અગ્નિથી ભડભડાટ બળે છે તેમાંથી હરિણહરિણીનું જોડું મહાપ્રયત્ને નીકળી શક્યું અને તૃષાનું માર્યું એ જોડું જળ આગળ આવ્યું પણ જળ તે એકજ જણનીરક્ષા કરી શકે એટલું હતું. આ બેમાંથી આ જળ કેાણે પીવું? આણે જાણ્યું કેએ જીવે ને એણે જાણ્યું કે આ જીવે. એમ પ્રીતિથી પોતાના જીવની ઉપેક્ષા કરી અને સામાનું જીવન ઇચ્છયું. પોતપોતાના મનમાં આમ ધારી, નરઅને માદા પાણીમાં ખોટું ખોટું મ્હોં બોળી રહ્યાં અને “તું પી, તું પી.” એમએકબીજાને માત્ર ક્‌હેવા લાગ્યાં. તેનું ફળ એ થયું કે બેમાંથી કોઈએ પાણી પીધું નહી અને પ્રેમી જોડું - રંક હરિણનું જોડું - વનમાં મરી ગયું. (પ્રકીર્ણ)

મોહની– હરિણનું જોડું આપણી બુદ્ધિની સ્થૂલતાથી વિપન્ન ન થાય એટલું આપણે જોવાનું.

બિન્દુમતી– માશીમૈયા, મધુરી જાતે જ રાત્રિની વાટ જુવે છે એ પક્ષને ભુલશો નહી.

ચન્દ્રા૦– મને લાગે છે કે આપણો વિચારકાળ સમાપ્ત થયો, અને તમે જે વિચાર સિદ્ધ કરો છો તેનો આચાર શોધવો એટલું હવે બાકી રહ્યું. []

મોહની– શો માર્ગ લેવો તે પ્રાતઃકાળે મ્હેં ગાઈ દીધું છે અને મધુરીનાં આંસુએ એ ગાયનને ઝીલ્યું છે તે તમે પ્રત્યક્ષ કર્યું છે. કન્યા વર પાસે જાય કે વર કન્યા પાસે આવે. તે વિના તેમની હૃદયગુહાઓ ઉઘડવાનો સંભવ નથી.

ચંદ્રાવલી વિચારમાં પડી, અંતે બોલી, “ભક્તિમૈયા, આપણે તો માત્ર દૂતકર્મ હવે બાકી રહ્યું. બે પક્ષને સામાન્ય જન એ કામ ઉપાડનાર કોણ હશે?”

ભક્તિ૦– કોઈ નથી. નવીનચંદ્રજી માત્ર વિહારપુરી અને રાધેદાસની જોડે ફરે છે અને એકાન્તમાં ર્‌હેતા નથી. ગુરુજીની સાથે જ પ્રાયશઃ ગોષ્ટી કરે છે અને શય્યા પણ તેમની કુટીની પાસેની ગુફામાં રાખે છે. મધુરી તો જે ક્‌હો તે આપણે.

મોહની – બે દોરડાં સંધાડશો તો કુવામાં પ્હોચશે.

ચંદ્રા૦- કેવી રીતે ?

મોહની – નાયિકાના કર તમે ઝાલો અને નાયકનો વિહારપુરી ઝાલે.

ભક્તિ– પણ વિહારપુરીનો કોણ ઝાલે?

મોહની– દયા અને સ્નેહ બે છુટા પડેલા હાથને પરમાર્થસાધન માટે એકઠા કરે ત્યારે ચંદ્રાબ્હેન, નવીનચંદ્રજી ઉપર ગુરુજીનો પક્ષપાત સાર્થક થશે તો વિહારપુરી વિહારમઠમાં આવી શકશે; અને નવીનચંદ્રજી વિહારમઠમાં આવશે તો વિહારપુરી ગુરુજીની વાસનાને તૃપ્ત કરશે. જે પરિણામ થશે તેમાં તમારી ઇષ્ટાપત્તિ છે. માટે આ બે હરિણયુગને યોગ કરો. તમારા વિના તેમ કરવા બીજું કોઈ સમર્થ નથી.

ભક્તિ – તમે બે જણ થઈ ઉભય પક્ષનાં મર્મસ્થાન સંગ્રહી શકશો, ઉભય પ્રતિ ઉદાર છે, અને મધુરીને તમારા ઉપર વિશેષ વિશ્વાસ છે.


  1. ૧. यदुभयोः साधारणमुभयत्रोदारं विशेषतो नायिकायाः सु:विस्रब्धं तत्र दूतकर्म ॥ (કામતંત્ર.)

ચંદ્રા૦- માજીના ચરણમાં જઈ દૂતીકર્મ કરવું શું યોગ્ય છે?

ભક્તિ૦– દીકરીની સેવા માટે જ માજીયે તમને મોકલ્યાં છે, ચંદ્રાવલી, અલખનું દૂતીત્વ એ તો આપણું સહજ કાર્ય છે.

ચંદ્રા૦- મ્હેં મ્હારા ઇષ્ટ જનને સંન્યાસ આપ્યો અને જાતે લીધો તે કાળથી સંકલ્પ લીધો છે કે તેનો અને મ્હારો ચક્ષુઃસંયોગ થવા દેવો નહી.

મેાહની– ચંદ્રાવલીનું વૈરાગ્ય એવું નથી કે તે તારામૈત્રકથી નષ્ટ થાય.

ચંદ્રા૦– અનંગ ભસ્મ થયલો પણ જીવે છે, અને ધૃત-અગ્નિનું સાન્નિધ્ય થાય ને તેમની પ્રકૃતિ મૂળરૂપે ર્‌હે તો અનંગને સર્વવ્યાપી ન ગણવો. મોહની, આ કામ તમે જ માથે લ્યો અથવા ભક્તિને સોંપો.

મોહની- એક પાસ આવી સંપ્રતીતા મેધાવિની અને બીજી પાસ આવા વિરક્ત ગમ્ભીર નવીનચન્દ્રજી – તેમની પાસે જઈ તેમાંનાં એક પણ હૃદયમાં ચઞ્ચૂપાત કરવા ચન્દ્રાવલી અને વિહારપુરી વિના બીજા કોઈનું ગજું નથી. એ બે માંથી એક જણનું પણ ગજું નથી – એ તો તેમનું સંયુકત દૂતકર્મ પ્રવર્તે ત્યારે જ કાંઈ ફલની આશા સમજવી.

ભકિત૦– ચન્દ્રાવલી, કેમ શકિત ર્‌હો છો ?

ચન્દ્રા૦- ગમે તેવું વિરકત હૃદય પરિશીલક જનની પાસે જતાં કમ્પે છે. મ્હારા હૃદયનો મને વિશ્વાસ નથી અને પુરૂષોનાં હૃદયનું દષ્ટાંત તો માદ્રીએ અનુભવેલું છે. ભક્તિમૈયા, જે કલ્યાણયોગને માટે આ હૃદય વિહારપુરી જેવા મહાત્માને ગુરુજીના ચરણમાં જવા દેઈ જાતે જગદમ્બાના ચરણમાં ગયું છે તેણે તે યોગના પ્રયોગને આટલે સુધી સાધી શું હવે પડતો મુકવો ? ના, મ્હારાથી એવું નહી થાય.

મોહની – અભિમાનિની ! ચન્દ્રાવલી અભિમાનિની ! શ્રીઅલખનો પ્રકાશ સર્વ પાસ સર્વ હૃદયમાં પ્રસરે છે તેને શુદ્ધ નિર્મળ સ્વરૂપે અપ્રતિહત વહન પામવામાં અનુકૂલ થવું એ આપણો ધર્મ તમે છોડી દીધો છે? મધુરીના કલ્યાણને માટે દૂતી થવામાં શું ચન્દ્રાવલી હલકું માને છે?

ચન્દ્રા૦- એવો અર્થનો અનર્થ ન કરો. મધુરીને માટે ચન્દ્રાવલી શું નહી કરે ? પણ ચણાયલી હવેલી તોડી પાડવાનો મને શો અધિકાર છે ?

મોહની – જો એમ હોય તો મધુરીને સમુદ્રમાં સુવા દેવી હતી. એને જીવાડી તો એના જીવનનાં સાફલ્ય ને સુખ આદરવાને માટે ચન્દ્રાવલીથી ના નહી ક્‌હેવાય. ચન્દ્રાવલી બેઠી હતી ત્યાં જ આંખો મીંચી વિચારમાં પડી. એના હૃદયમાં બળવાળા ધબકારા થયા અને તેનો વેગવાળો સંચાર એના વક્ષઃસ્થળ ઉપરના વસ્ત્રમાં સર્વેયે દીઠો. એના નેત્રમાં અશ્રુપાત થઈ સુકાયો. અંતે ઉંચું જોઈ બોલી.

“મધુરી, ચન્દ્રાવલી ત્હારી દૂતી થશે. ત્હારે માટે મ્હારા વ્રતને હું ભયમાં નાંખીશ. માજીને પુછીને તને મોકલી છે ને હું આવી છું - તે માજી જ મ્હારા વ્રતનું રક્ષણ કરશે અને ત્હારું સુખ સાધશે. મોહની, ત્યારે કહી દ્યો કે મ્હારે હવે શું કરવું ?”

મોહની – આજ ગુરુજી સાધુજનની નિરીક્ષા કરવા આવે ને રાત્રે યમુનાકુંડ પાસે રાસલીલા થાય તે કાળે અમે મધુરીને લઈને જઈશું, નવીનચંદ્રજીને શોધી વાર્તાવિનોદ કરીશું, અને તે આઘા પાછા હશે ત્યારે મધુરી, સાથે વિનોદ કરીશું. ચન્દ્રાવલી, તમારે તે સર્વનાં માત્ર મૂક સાક્ષિ થવું અને મધુરી સાથે રાત્રે એકાંત સુવું અને એકાંતમાં તેનું હૃદય ઉઘાડવું થોડીવાર બિન્દુમતીને એની વાતોમાં ભળવા દેવી. એ સર્વ પ્રકરણનો સાર પ્રાતઃકાળે વિહારપુરીને તમારે એકાંતમાં કહી દેવા અને તેમનો અભિપ્રાય લેવો. તેઓને નવીનચન્દ્રજીનાં ઇંગિતજ્ઞ થવા દેવા અને કાલથી નવીનચન્દ્રજી ગુરુજીની ગુફા છોડી અન્યત્ર કોઈ ગુફામાં કે કુંજમાં એકાંતવાસ રાખે અને રાત્રિયે એકાંત રાખે એટલી વ્યવસ્થા વિહારપુરી દ્વારા કરવી. પછીની પરિપાટી તમારા ચાતુર્યનું ફળ જાણ્યાં પછી થશે.

ચ્ંદ્રા૦- હું ધારૂ છું કે એટલું તો થશે, પણ હવે એવાં કાર્યમાંથી મ્હારી બુદ્ધિનો અભ્યાસ વિરત થયો છે અને તેમાં એ બુદ્ધિ બહુ ચાલે એમ મને વિશ્વાસ નથી.

મોહની – તેની કાંઈ ચિન્તા નથી. બીજું કાર્ય એ કે મધુરીની સંપ્રત્યયાત્મિક પ્રીતિનું આવરણ કેવી રીતે તોડવું એ તમે ગમે તો અમને સુઝાડો અને ગમે તો તમે જાતે તોડો.

ચન્દ્રા૦- જેમ શ્રી અલખ પરમ જ્યોતિનું દર્શન થતાં હૃદયના લખ ગ્રન્થિ જાતે ભિન્ન થાય છે ને સંશયમાત્ર છિન્ન થાય છે, તેમ અલખ મદનનો સૂક્ષ્મ અવતાર આમનાં હૃદયમાં સંપૂર્ણ કલાથી થશે તેની સાથે જ એની પ્રીતિના સંપ્રત્યય અને અભિમાનનાં તિમિર જાતે જ નષ્ટ થશે. માટે તેની ચિન્તા આપણે કરવાની નથી, આપણે તો ધર્મ આટલા જ બોધમાં છે કે तप्तेन तप्तमयसा घटनाय योग्यम्[] કે બાહ્ય ઉપાધિ અને અંતરુપાધિ દૂર થવા છતાં ઘટન થયું નહી તો એમ સમજવું કે બેમાંથી એક પાસનું લોહ શીત હતું અને ઘટન નહી પણ વિઘટન જ શ્રી પરમ અલખને ઇષ્ટ ગણવું. તેમ થતાં અલખની ઇચ્છામાં આપણી ઇચ્છાને સંગમ પમાડવી અને મધુરીને મ્હારે માજી પાસે લેઈ જવી.

ભક્તિ – માજીની ઇચ્છા એવી હોય કે મધુરીને નવીનચંન્દ્રજીને જ સોંપવી તો તે તેમ કરશે.

મોહની – વિહારમઠ તેમને ઉદાર આશ્રય આપશે.

બિંદુ૦– હા, ને માશીમૈયાનું હૃદય લપશી પડશે તો તેને પણ એજ મઠ આશ્રય આપશે.

ચંદ્રાવલી ચ્હીડાઈ અને બિંદુમતીનો હાથ ઝાલી ખસેડી નાંખ્યો. સર્વ હસતાં હસતાં પાછળ ચાલ્યાં અને ચંદ્રાવલી અત્યંત ઉંડા વિચારમાં પડી આગળ ચાલી.


  1. ૧. તપેલા લેાહને તપલા લેહ સાથે ચેાગ યોગય છે. એ ઘટનનો પ્રયત્ન કરતાં એમ જણાય