લખાણ પર જાઓ

સવિતા-સુંદરી/ખુલાસો

વિકિસ્રોતમાંથી
← લગ્ન સવિતા-સુંદરી
ખુલાસો
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
ઉપસંહાર →


પ્રકરણ ૧૪ મું.
ખુલાસો.
[]*॥ किमपि मनसि सम्मोहो तदाबलवानभृत ॥

રાત્રીના લગ્નની ધામધુમ પુરી થઈ ગઈ, ને સૌ પોતપોતાને ઘેર વિદાય થયા ત્યારે મધુરિમા પણ પોતાને ઘેર આવી. આ લગ્નમાં તેણે મુખ્ય ભાગ લીધો હતો, પણ તેના અંતરમાં અથાક ઉદ્વેગ થતો હતો કે જે સત્ય વાત પોતાના પતિને કહેવાની હતી તે કહી નહીં, છતાં તેણે પોતાના ભાઇના લગ્નમાં સારી રીતે કામકાજ કીધું હતું. તેનોજ સર્વે કારભાર હતો, ને તેનેજ આ લગ્ન થવાથી સાથી વધારે હર્ષ થયો હતો.


  1. * *મનમાં સંમોહ વ્યાપે ત્યારે તે બળવાન થાય છે.


સ્ત્રીનો સહજ સ્વભાવિક ધર્મ છે કે પતિને પૂજવો ને તેની સેવા કરવી, ને પતિને કોઈપણ પ્રકારે શોકતપ્ત ન કરવો. ભાર્યા તેજ છે કે જે પતિ પ્રાણ છે, ભાર્યા તેજ છે કે જે ભર્ત્તાની આજ્ઞાનુસારણી છે, ને ભાર્યા તેજ છે કે જે પતિને ત્રણે કાળમાં સર્વ પ્રકારે સંતેાષાનંદ આપવાને ઉમંગી રહે છે.

મધુરિમા સ્વામિ સેવામાં સદાજ તત્પર રહેનારી સ્ત્રી છે, ને તે કદિપણ સ્વામિનું પ્રિય કરવામાં પાછળ પડતી નથી.

સવિતાના વિવાહ સંબંધી સર્વ વાત તે જાણતી હતી, પણ તે વાર્તા તેણે મંદિરાનંદને જણાવી નહીં, એટલા માટે તે ઘણી શોકાકુળ રહેતી હતી. જો કે તે સવિતાના વિવાહમાં ગઇ હતી પણ તેના મનમાં એવોજ વિચાર રમી રહ્યા હતા કે ક્યારેને ઘેર જાઉ ને સર્વ વાર્તાનું સ્પષ્ટીકરણ કરી સ્વામિને સંતોષ પમાડું.

લગ્ન ક્રીયા પૂરી થઇ ને તે તુરત ઘેર આવી. આવતાનેવાર ધસીધસી તે મંદિરાનંદના ઓરડામાં ગઈ શય્યાપર તે સુતો હતો, તેની પાસે જઈ, તેના પગને હાથ લગાડી જગાડ્યો. પછી તે બોલી “સ્વામિનાથ, આપને એક સુસમાચાર જણાવું તો આપ મને શું આપશો ?”

મંદિરાનંદે કહ્યું, “કોણ, મધુરિમા ? શું સુસમાચાર આપે છે ?”

મધુરિમા બોલી, “પણ કહો, કે તમે મને શું આપશો ?”

મંદિરાનંદ–“આ અંધા-સુરદાસ તમને ન આપે એવું શું છે વારૂ ?”

મધુરિમા - હું તે વાત સાંભળતી નથી. તમે એ વાર્તા સાંભળીને પ્રસન્ન થશો કે નહીં, ને મારા સર્વે અપરાધ માફ કરશો કે નહીં, તે કહો.

મંદિરાનંદ – આ આંધળાનો ક્રોધ તમારૂં શું વિપરીત કે અકલ્યાણ કરી શકે તેમ છે ?

મધુરિમા - ત્યારે આમ કહો કે તમે કંઇજ કરશો નહીં: અપરાધ ક્ષમા કરશો નહીં, કંઇ આપશો પણ નહીં, ને આનંદ પણ પામશો નહીં. જેવી તમારી ઇચ્છા, હું આપને એ વર્તમાન જણાવું. છું કે સુંદરી સાથે સવિતાશંકરનાં લગ્ન થયાં છે.

મંદિરાનંદ – એમ કેમ બને ? વિઘ્નસંતોષીરામ લગ્ન કરવામાં આવ્યો હતો તેના શા હાલ થયા ?

મધુરિમા - જેવા શિશુપાળના થયા હતા તેવા.

મંદિરાનંદ - જરાક સ્વસ્થાથી સર્વે વાર્તા જણાવો તો ઠીક.

મધુરિમા – વિઘ્નસતોષીરામને લઇને વિગ્રહાનંદ આવ્યા કે ગુણવંતગવરી તો તેને જોતાંજ છછણી પડી. વરરાજાના રૂપ ગુણ ચાતુરી ને વય જોઇને તેણે નિશ્ચય કીધો કે સુંદરીના લગ્ન તેની સાથે કરવાં નથી. આ વાત જાણતા વિગ્રહાનંદે બહુ તોફાન મચાવ્યું. તેઓએ અન્નાહારનો ત્યાગ કરી પ્રાણદાન દેવાનો વિચાર કરી કન્યાદાનમાં વિઘ્ન આણવા ધાર્યું. તે બારણા વચે લાંબા છટ થઈને સુતા, ને કહ્યું કે ગમે તેમ થાય, પણ મારા કુળને કારણે હું તો સુંદરીનાં લગ્ન કુળવાનને ત્યાંજ કરીશ, ગુણવંતગવરી ગભરાઈ, તે શું કરે ? પછી તેણે પ્રપંચ કીધો ને કહ્યું કે સુંદરીના લગ્ન વિઘ્નસંતોષીરામ સાથે કરીશ, અને છુપી રીતે પત્ર લખી સવિતાશંકરને તેડાવ્યો. તે આવ્યો, ને મને મળ્યો. પણ પોતાના સમ ખાઇને મને કહ્યું કે આ વાત હું તમને જણાવું નહીં. મેં તેને ઘણુંએ કહ્યું કે આમ વર્તવાનું પ્રયોજન નથી, તમો જાણશો તોપણ એ વાત ગુપ્ત જ રેહેશે; તથાપિ મારા કહેવાને પણ તેણે ગણકાર્યું નહીં, તે ગૂપચૂપ મને મળવા આવતો હતો. તે બેએક દિવસ ગુપ્ત રીતે આવ્યો, ને દાસીએ તેને જોયો. પણ સંધ્યાકાળ હોવાથી તે તેને ઓળખી શકી નહીં, એટલે તેણે તર્ક બાંધ્યો કે નવો નોકર ગુપચુપ ઘરમાં પુન:પુન: પ્રવેશ કરે છે. આ તેનો સંદેહ મારા મનને સંતાપ કરવા લાગ્યો, ને એ મિથ્યા ભુંડી વાર્તાના કોપથી મે તેને કાઢી મુકી. જતાં જતાં તે તમારૂં મન શંકાશીળ કરતી ગઈ, જે વાર્તા, તેજ રાત્રીના તમારા નિશ્વાસોદ્‌ગારથી, સંતાપથી અશ્રુથી મેં યથાર્થ જાણી. તત્સમે મને એમ લાગ્યું કે હમણાંને હમણાં સર્વે ખુલાસો કરૂં તો ઠીક, પણ પ્રતિજ્ઞા આડી આવવાથી મેં મૌન્ય ધર્યું. આજે ગોકુળરાયજી સાથે સંકેત કરી ગુણવંતગવરીએ ઘરમાં ચોરી બંધાવી, માહેરૂં બાંધ્યું ને પ્રથમથીજ બોલાવેલા સવિતાશંકરને કન્યાદાન દીધું. પ્રાણેશ, શું આપ એમ યત્કિંચિત પણ શંકા કરો છો કે આપના જેવા પ્રાણપતિનો એક ક્ષણભર હું ત્યાગ કરી શકું? અરે આપના જેવા-

મંદિરાનંદ વચમાંજ બોલી ઉઠ્યા,“બસ, બસ, રહેવા દે હવે, હું સર્વ સમજ્યો. મધુરિમા, મેં તારો મોટો અપરાધ કીધો છે, તું ક્ષમા-”

આટલું બોલતાં તે મધુરિમાએ તેમના મોઢાપર હાથ મૂક્યો, “શું, હું ક્ષમા કરવાને પાત્ર છું ? આપ મને ક્ષમા કરો, અને આપની સેવામાં પ્રેમસહિત મને અંગિકાર કરો. મેં સવિતાના કેહેવાને લીધેજ તમારાથી આ વાર્તા છુપાવી હતી, એ મારો મોટો અપરાધ થયો છે; પણ પ્રાણનાથ, હું લાચાર થઇ ગઇ, તો શું કરુ ? જયારે રાત્રીના તમારા નેત્રમાંથી અશ્રુધારા વહેતી હતી, ત્યારે તે વેળાએ મારા હૃદયમાંથી શેાણીતધારા વહી જતી હતી. તમારી સ્ત્રી થવાને તે શું, પણ તમારી દાસી થવાને પણ હું પાત્ર નથી, નાથ ”

પૂર્વાપેરેજ મધુરિમાનો હાથ, પૂર્ણ પ્રેમથી પકડીને મંદિરાનંદે કહ્યું, “તારો આ બાબતમાં કશો દોષ નથી. તને કસમ આપ્યા હતા તેથીજ તું સ્પષ્ટ કરી શકી નહીં, તેમાં તારો યત્કિંચિત પણ દોષ નથી; ને દાસીની વાર્તા સાંભળીને મેં તને કલંકી કીધી ને મારા મનમાં સંદેહ ઉત્પન્ન થયો એ મારો મોટો અપરાધ છે. તું મને ક્ષમા કર કે મેં તને સારી રીતે જાણ્યા છતાં, તારા પાતિવ્રત્યપર શક આણ્યો.” આટલું કહેતાંજ મંદિરાનંદે મધુરિમાનો હાથ પકડી, કંઠની આસપાસ, જેમ વૃક્ષની આસપાસ લતા ફરી વળે તેમ ભેરવ્યો ને પ્રેમાશ્રુનો ઠંડો પ્રવાહ વરસાવી અન્યોઅન્ય નાહી વળ્યાં.

એટલામાં સવિતા ને સુંદરી આવી પહોચ્યાં બંનેએ જઈને મંદિરાનંદને પ્રણામ કીધા, મંદિરાનંદે કહ્યું, “સવિતાશંકર, તું પૂર્ણ ઐશ્વર્યશાળી થા; ને તારી બહેનનો મેં જે અજાણતાં અપરાધ કીધો છે તે ક્ષમા કર.” સવિતાશંકરે કહ્યું, “મુરબીજી, હું આપનો બાળ છું, ને એ વાત શી કહો છો ?” પછી સર્વે આનંદ કરતા ત્યાં બેઠા. મધુરિમાએ પ્રભાતમાં સાકર વહેંચી ને કંસાર કરી આનંદ વર્તાવ્યો.