લખાણ પર જાઓ

સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૨

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૨.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૩. →


પ્રકરણ ૨.

શાળોપયોગી ગ્રંથો.

લેખનકળા—નવો ખરડો નામે બાળબોધ–દેવનાગરી–અને ગુજરાતી કોપીની ચોપડી નિશાળોમાં વપરાતી હતી. સન ૧૮૭૧ માં એની બીજી આવૃત્તિ થઇ હતી. સન ૧૮૭૯ માં ધોરણવાર શિખવાય એવા લેખનકળાના નમુના સુરતમાં તયાર થઇ તે પણ શાળાઓમાં ચાલ્યા હતા. મી. આદરજીના લેખનકળાના નમુના ઘણા સુંદર હતા. તેમાં દરેક અક્ષરના મરોડવાર વિભાગ પાડીને શાસ્ત્રીય ગોઠવણ કરી હતી. આ નમુના પણ ઘણા કાળસુધી નિશાળોમાં વપરાયા છે. ત્યારપછી અમદાવાદમાંથી પણ લેખનકળાના નમુના બહાર પડ્યા છે, અને સરકારના કેળવણી ખાતાએ નિશાળોમાં ચલાવવા સારૂ મંજૂર કર્યા છે.

(૧) વ્યાકરણ:

ગુજરાતી—મુંબાઈમાં સ્કુલબોર્ડની ઉત્પત્તિ વિશે, તેમજ તેણે સ્થાપેલી નિશાળો અને લખાવેલાં પુસ્તકો વિશે અમે અગાઉ સહેજ ઈસારો કરી ગયા છઇએ. રા. ગંગાધર શાસ્ત્રી ફડકે તે વખત નિશાળોના ઇન્સ્પેક્ટર હતા. મહેતાજીઓ તૈયાર કરવાનું કામ પણ એઓજ કરતા. શિક્ષણને સારૂ પુસ્તકો પણ એ ગૃહસ્થ જ લખતા. તેમણે બે ગુજરાતી વ્યાકરણ લખ્યાં હતાં. એક બાળ વ્યાકરણ અને બીજું વિસ્તારવાળું હતું. એઓ પોતેજ લખે છે કે “હું તો અસલ દક્ષણી પણ મે એ ભાષાઉપર (अभ्यास) અભીયાસ સારી પેઠે ( कर्यो ) કરીયો તથા ( संस्कृत ) સંસ્કરૂત વ્યાકરણ ભણેલો છઉં. તેથી તથા ( महाराष्ट्र ) મહારાસ્ટ ભાષાનું વ્યાકરણ પણ મે ( कर्युं ) કરીયું છે. તે ઉપરથી આ ગુજરાતી વ્યાકરણ બનાવ્યું છે. ”

આ ઉપરથી જણાશે કે રા. ગંગાધર શાસ્ત્રીને સંસ્કૃતનું વ્યુત્પન્ન જ્ઞાન હશે પણ ગુજરાતીનું કહેવા જેવું જ્ઞાન નહોતું. ઉપરના અવતરણમાં કૌંસમાં શુદ્ધ બાળબોધ અક્ષરે લખીને ગુજરાતી અક્ષરે અભ્યાસનું અભીયાસ, સંસ્કૃતનું સંસ્કરૂત વગેરે શું કરવા લખ્યું છે તે અમને સમજાતું નથી. વખતે ગુજરાતીમાં શુદ્ધ હોયજ નહિ અને જોડાક્ષર વગરનું અને અશુદ્ધ એટલે ગુજરાતી એવો એ સ્વર્ગવાસી શાસ્ત્રીનો ખ્યાલ હશે ! જેમ હોય તેમ પણ આવા વિદ્વાનને હાથે ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ લખાયું છે. આ વ્યાકરણોનું બધું ધોરણ સંસ્કૃત ભાષાના વ્યાકરણ ઉપરજ હતું. સન ૧૮૩૯ માં છપાયલા તેમના મોટા વ્યાકરણના મુખપૃષ્ટની પાછળની બાજુએ એક બે વાક્ય સૂચના રૂપે છાપેલાં છે. એ વાંચીને હસવું આવે એવું છે. અમારા વાંચનારાઓના વિનોદની ખાતર અમે એ લીંટીઓ અહીં ઉતારી લઈએ છઈએ. "આ ગુજરાતી*[]લીપમાં () આ અક્ષર નથી માટે ઘણીજ અડચણ પડવા લાગી વાસ્તે બાળબોધમાંથી અક્ષર લીધું છે. અને ઉત્તરાર્ધમાં રેફ પણ લીધેલો છે." અમે તો ગામઠી નિશાળે 'યેયો રરો ને લલો' એમ ભણેલા છઈએ, પણ આ વાત અમારા જન્મ પહેલાં ઘણાં વર્ષની છે. જો સ્વ. શાસ્ત્રીજી લખે છે તેમજ હોય તો ગુજરાતી લિપિમાં 'ય' ઉમેરવાનું માન એમને ઘટે છે ! એમના વ્યાકરણમાંથી નમુના દાખલ અમે અગાડી આપી ગએલા હોવાથી એના ગુણદોષનું વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી. આ વ્યાકરણ સન ૧૮૫૭ માં 'આ પ્રાંતના ભણનારાઓને વાસ્તે, બાજીભાઇ અમીચંદના છાપખાનામાં' છપાયું હતું.

મી. પણ હાલ, સર થીઓડોર હોપે એક નાનું વ્યાકરણ લખ્યું હતું જે ઘણા કાળ પર્યન્ત નિશાળોમાં શિખવાયું છે. આ વ્યાકરણ ઇંગ્રેજી વ્યાકરણને ધોરણે લખાયલું છે.

રા. બા. હરગોવંદદાસ અને રા. બા. લાલશંકરે આ વિષય વધારે સુગમ થવા સારૂ એક મોટું વ્યાકરણ લખ્યું હતું. સુરતની મિશન સ્કૂલવાળા મી. મંચેરશા, મી. ખાનસાહેબ તેમજ બીજા કેટલાક ગૃહસ્થોએ વ્યાકરણો લખ્યાં છે. કેટલાકની નેમ વિષયને સરળ કરવાની અને કેટલાકની નેમ ઇંગ્રેજી વ્યાકરણ જાણનાર અભ્યાસીને સરળતા કરી આપવાની હતી. એ બધાંમાં કાંઈ વિશેષ નવીનતા જણાતી નથી.

ગુજરાતી ભાષાનાં અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલાં વ્યાકરણોમાં શ્રેષ્ઠ પદ્વિ ધરાવતું વ્યાકરણ સ્વ. રેવરંડ જે. પી. એસ. ટેલર સાહેબે લખ્યું છે. અમે એના બે વિભાગ પાડીએ છઈએ. ભાષાવિકાર—શબ્દો સંસ્કૃતમાંથી શી રીતે આવ્યા, પ્રત્યયો વગેરે કેવી રીતે થયા વગેરે વિવેચનવાળો એક આ ભાગ સર્વાંશે ખરો નથી. બીજો વિભાગ સારો લખાયલો છે. ગમે તેમ હોય પણ વિદેશી છતાં દેશી થયેલા એ સદ્‌ગૃહસ્થે આપણા સાહિત્યમાં પોતાની વિદ્વત્તાના, પોતાની શુદ્ધ, સરળ અને રસિક ભાષાના અને ગુજરાતી ભાષા તરફ પોતાની અગાધ પ્રીતિ અને પક્ષપાતના શુભ કીર્ત્તિસ્થંભરૂપ તેમનું વ્યાકરણ ઉમેર્યું છે તે ચિરકાળ રહેશે.

શાસ્ત્રી વૃજલાલ કાળીદાસના 'ગુજરાતી ભાષાનો ઇતિહાસ' અને 'ઉત્સર્ગમાળા' નામના વિદ્વત્તાભર્યા ગ્રંથો ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી પ્રસિદ્ધ થયા હતા. ભાષાશાસ્ત્ર શાસ્ત્રની ગણનામાં થોડા કાળથીજ આવ્યું છે; અને ઇંગ્રેજી જેવી ખેડાયેલી ભાષામાં શાસ્ત્રીય રીતિયે લખાયલા વ્યાકરણની હજુ પણ ખોટ છે, તો ગુજરાતી ભાષામાં આવો ગ્રંથ ક્યાંથી હોય ? 'ઉત્સર્ગમાળા' હેમાચાર્યના ગ્રંથને આધારે લખાયલું પુસ્તક છે. પ્રાકૃત જોડે આપણી ભાષાનો સંબંધ દર્શાવી પ્રાકૃતના અભ્યાસ તરફ પહેલ વહેલી અભિરૂચી ઉત્પન્ન કરવાનું માન આ વિદ્વાનને ઘટે છે.

ગુજરાતી ભાષાના ભાષાશાસ્ત્રની રીતિના અભ્યાસક્રમનું દિગ્દર્શન સ્વ. નવલરામના 'વ્યુત્પત્તિપાઠ' માં જ પ્રથમ થાય છે. શાસ્ત્રીય રચનાનો આ ગ્રંથ એ સ્વર્ગવાસી વિદ્વાનના અગાધશ્રમનું આનંદદાયક ફળ છે. પોતાની માતૃભાષાને આવી સ્મૃદ્ધિ આપી જનારાને સર્વદા ધન્યવાદ જ ઘટે છે.

અમારા એક શિષ્ય જૂનાગઢવાળા રા. જેચંદ બહેચર ઝવેરીએ 'વ્યુત્પત્તિસાર' નામનો આ વિષયનો એક ગ્રંથ લખ્યો છે. એમાં સ્વ. નવલરામ કરતાં પણ એ વિષયમાં એ અગાડી વધ્યા છે તે જોઇને આનંદ થાય છે. ઘણાં વર્ષ થયાં છે તોપણ 'વ્યુત્પત્તિપાઠ ,' 'ગુજરાતી ભાષાનો ઇતિહાસ' જેવા ગ્રંથોની સ્પર્ધા કરે એવા બીજા ગ્રંથો લખાયા નથી એ શોચનીય છે.

નિશાળોને સારૂ કેળવણીખાતા તરફથી 'વ્યુત્પત્તિપ્રકાશ' નામનું પુસ્તક પણ બહાર પડ્યું છે.

(૨) સંસ્કૃત—સ્વ. ડા. હ. હ. ધૃવે ‘ मुग्धाचबोध औतिक ’ નામનું જુની ગુજરાતીમાં લખેલું સંસ્કૃત વ્યાકરણ પ્રસિદ્ધિમાં આણ્યું હતું. વૃજલાલ શાસ્ત્રી અને રેવ. જે. પી. એસ. ટેલર સાહેબે કરેલો 'ધાતુસંગ્રહ' નામનો ઉપયોગી ગ્રંથ સંસ્કૃત ધાતુઓ અને તેપરથી થયેલા ગુજરાતી શબ્દોનો સારો સંગ્રહ છે. રા. રણછોડભાઈ ઉદયરામે ‘લઘુ કૌમુદી’ ના બહુ ઉપયોગી ભાષાન્તરનો ગુજરાતી સાહિત્યમાં ઉમેરો કર્યો છે. નવી પદ્ધતિથી સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવાને લખાયેલી "માર્ગોપદેશિકા" અને "સંસ્કૃત મંદિરાન્તઃ પ્રવેશિકા" નામની પહેલી અને બીજી ચોપડીઓનાં ભાષાન્તર થયાં છે. પ્રથમ પુસ્તકનું ભાષાન્તર સ્વ. નંદશંકર, રા. કે. હ. ધ્રુવ અને સ્વ. બેલસારે એમણે જૂદે જૂદે સમયે કર્યું છે. બીજી ચોપડીનું ભાષાન્તર દિ. બા. અંબાલાલ દેશાઈનું છે.

(૩) ગણિત—

બીજ ગણિત.

કેપ્ટન જર્વિસના ગ્રંથનું ગુજરાતી ભાષાન્તર સન ૧૮૨૮ માં થયું હતું. ત્યારબાદ પ્રો. જમશેદજી દલાલે એક અક્ષરગણિત લખ્યું છે.

અંકગણિત—

મી. હોપે શરૂઆતમાં નાનું અંકગણિત બહાર પાડ્યું હતું. આ ગણિતમાં છેક મૂળતત્વોનું જ વિવેચન હતું, અને હિસાબો મગજને ઓછી કસરત મળે એવા હતા. ત્યારબાદ રા. બા. લાલશંકરે ‘અંકગણિતનાં મૂળતત્વો’ અને ‘મોટું અંકગણિત’ બહાર પાડ્યાં હતાં. ઘણાં વર્ષથી ગુજરાતી નિશાળોમાં આ ચોપડીઓ શિખવાય છે, અને દર આવૃત્તિએ તેમાં યોગ્ય ફેરફાર અને વધારો ઘટાડો થાય છે.

દેશી રીતે હિસાબ રાખવાની પદ્ધતિની ચોપડીઓ પણ હયાતીમાં આવી છે. ‘દેશીહિસાબ ભાગ ૧ લો’ અને ‘દેશીહિસાબ ભાગ ૨ જો’ એ આંક, અને સરાફી રીતે નામું વગેરે વિષયની ચોપડીઓ છે. ખાસ નામાંની પણ કેટલીક ચોપડીઓ ઉમેરાઈ છે. મોઢેજ ગણવાના હિસાબલેખાં વગેરેની કુંચીઓ–રીતિયોનાં પુસ્તકો પણ લખાયાં છે. કોષ્ટકો, કોયડા પણ ભૂલી જવાયા નથી. સ્વ. કેશવલાલ મોતીલાલ વકીલનો ‘કોયડા સંગ્રહ’ આ વિષયનું નાનું પણ સારૂં પુસ્તક છે. વ્યાજની જંત્રીઓ ધરાધરી નીકળી છે. સન ૧૮૨૮ માં ડા. હટન અને બોનિકાસ્ટલનું બનાવેલું 'ગણિત શાસ્ત્રનો અભ્યાસક્રમ' નામનું પુસ્તક કેપ્ટન જર્વિસે બહાર પાડ્યું હતું. આ પુસ્તકમાંથી ગણિતની જૂદી જૂદી શાખાઓના વિભાગોનાં જૂદાં ભાષાન્તરો પણ થયાં હતાં.

ભૂમિતિ:—

સન ૧૮૨૬ માં કેપ્ટન જાવસે લે. કર્નલ પાસ્લેના પુસ્તકનું 'કર્તવ્યભૂમિતિ' નામથી ભાષાન્તર કર્યું હતું અને ૧૮૨૮ માં પોતાના ‘અભ્યાસક્રમ’માંથી 'ભૂમિતિ' નો ભાગ ભાષાન્તર કરીને જૂદો છાપ્યો હતો. સન ૧૮૩૮ માં 'ક્ષેત્રફળ, ઘનફળ' પ્રગટ થયું હતું અને ૧૮૭૬ માં 'ભૂમિતિનાં મૂળતત્વો' નામથી યુક્લિડના પહેલા સ્કંધનું ભાષાન્તર થયું હતું. પ્રો. જમસેદજી અરદેશર દલાલે પણ 'ભૂમિતિ' નું ભાષાંન્તર કર્યું છે.

ત્રિકોણમિતિ—

‘સીધી લીટી ત્રિકોણમિતિ’ નામે એક પુસ્તક ૧૮૨૮ માં બહાર પડેલું જણાય છે.

(૪) વાચનના ગ્રંથો—

દ્વિભાષિક−ઇંગ્રેજીના અભ્યાસની સુગમતા સારૂ અંગ્રેજી ભાષાન્તર પાઠમાળા નામે સ્વ. રે. ટી. એલ. વેલ્સે કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં હતાં. ક્રમે ક્રમે અઘરાં થતાં મનોયત્નો અને ઇંગ્રેજી વ્યાકરણની સાથે ભાષાન્તર કરવાની સુગમતા વધે એવી સારી ગોઠવણ આ પુસ્તકોમાં છે. રાજકોટની હાઈસ્કૂલના માજી હેડમાસ્તર રા. પ્રાણજીવન નારાયણદાસ દાક્તરે ‘વેલ્સની પાઠમાળા’ કરતાં વધારે સરળતા આણવાના મુદ્દાથી ‘સુગમ્ય પાઠમાળા’ રચી છે.

હાવર્ડની વાચનમાળાની ચોપડીઓનાં ભાષાન્તરો થયાં હતાં. ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશ્‌નલ સોસાઈટી તરફથી છોકરાંને સારૂ એક વાંચનમાળા લખાઈ હતી. બીજા પાઠોની સાથે તેમાં ખ્રિસ્તિ ધર્મ જ્ઞાન પણ ઉમેરવામાં આવ્યું હતું. વાચનને માટે પુસ્તકોની ખોટ હતી એ અમે અગાઉ કહી ગયા છઈએ. સ્વ. ફોર્બ્સે પણ પોતાના રિપોર્ટમાં આ ખોટ વિશે વિવેચન કર્યું હતું. આ ખોટ પૂરી પાડવાને સરકારના કેળવણીખાતા તરફથી એક ‘વાચનમાળા’ તૈયાર થઇ હતી. એ તૈયાર કરવાને દેશી ગૃહસ્થોની એક મંડળી નીમાઈ હતી. મી. હોપ એ કમિટિના પ્રમુખ હતા. એ મંડળીએ ક્રમ–વાર સાત ચોપડીઓની ‘હોપ વાચનમાળા’ તૈયાર કરી હતી. આ ચોપડીઓમાં નીતિ, વિદ્યા, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ વગેરેના ગદ્ય અને કવિતાના પાઠ હતા. સાત શિવાય વાચનની એક વધારે ચોપડી લખી હતી. તે કાળમાં બની શકે તેવાં ચિત્રો પણ દાખલ કર્યાં હતાં. આ વાચનમાળાના ગુણ અને દોષ બન્ને નિકળી શકે એવું છે. રાજકોટમાં મજમુદાર મણિશંકર કીકાણીએ પોતાની પુત્રીને શિખવવા સારૂ ‘છોટી બહેનની પાઠાવળિ’ નામે પુસ્તકો લખ્યાં હતાં. આ પાઠાવળિ કન્યાઓને ઉપયોગી હતી. ચેમ્બરના ‘મોરલ ક્લાસબુક’ નામના પુસ્તકનું ગુજરાતી ‘શાળોપયોગી નીતિ ગ્રંથ’ નામે થયું હતું. હોપ વાચનમાળાની ઘણાં વર્ષની અજમાયશ પછી સરકારે નવી વાચનમાળા તૈયાર કરાવી છે. એમાં ‘બાળપોથી’ નવી ઉમેરી છે, અને વિજ્ઞાનના પાઠોમાં છેલ્લી શોધ પ્રમાણે ફેરફાર કર્યો છે. ઇતિહાસ, પૂરાણ, સંસ્કૃત સાહિત્ય, વગેરેમાંથી પાઠ દાખલ કર્યા છે. પદ્યમાં ઘણોજ ફેરફાર કર્યો છે. છેક નિચલા ધોરણોમાંથી ગાવાના રાગ દાખલ કર્યા છે. હાલના કાળમાં સારાં કહેવાય એવાં ચિત્રો પણ દાખલ કર્યાં છે. હોપ વાચનમાળા વખતે કર્યું હતું તેમ આ વખતે કમિટિ નીમેલી ન હોવાથી એક જ વ્યક્તિને માથે બધું કામ આવી પડવાથી આ વાચનમાળામાં પ્રાન્તભેદ અને બીજી ભૂલો પેસવા પામી છે.

(૫) કુંચીઓ−અર્થ–પરચુરણ—

જૂદા જૂદા અર્થની ઘણી ચોપડીઓ નીકળી છે. જૂના વખતમાં ‘સંસારવેવારની ચોપડી’ નામે ઉપયોગી પુસ્તક ઘણું વપરાશમાં હતું. આ પુસ્તકમાં આંક, વાચનના પાઠ, અંક ગણિતના મૂળતત્વો, લેખાં, સરાફીનામું, વીગેરે ઘણી બાબતોનો સમાવેશ કર્યો હતો. સુકનાવળિને પણ ભૂલવામાં નહોતી આવી ! ઘણી ગામઠી નિશાળોમાં આ ચાપડી વંચાતી અને ઘણા લોકોની કેળવળી તો એ પુસ્તકથીજ પૂરી થતી.

———♦———

  1. * લીપી હશે પણ વખતે છાપનારની ચૂકથી લીપ છાપ્યું હશે.