લખાણ પર જાઓ

સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૨. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૩.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૪. →


પ્રકરણ 3.

સાહિત્ય.

(૧) લેખ સંગ્રહ—

કવિ નર્મદે પોતાના છૂટક છૂટક લખેલા નિબંધો વગેરેનું પુસ્તક 'નર્મગદ્ય' નામે પ્રસિદ્ધ કર્યું હતું. સન ૧૮૬૫ માં નિકળેલી આ આવૃત્તિમાં ફેરફાર કરીને નિશાળોમાં ચલાવવાના ઠરાવની રૂએ 'નર્મગદ્ય'ની બીજી આવૃત્તિ થઈ હતી. ભાષામાં આ પ્રમાણે 'નર્મગદ્ય' નાં બે પુસ્તકો છે. નિશાળના ઉપયોગ સારૂ છપાયલામાં કેટલાક ગ્રંથો નવા જ છે. અને કેટલાક જૂનામાંના છે. નવામાં કેળવણીખાતા તરફથી ફેરફાર થએલો છે. આ ફેરફાર નિશાળોના સંબંધમાં યોગ્યાયોગ્યતાના વિચારે થયેલો છે. ખૂદ કવિની વગર ફેરફારની ભાષા—શૈલી તે જૂનામાં જ છે. સ્વર્ગવાસી નવલરામના શાળાપત્રમાં છૂટા છૂટા છપાયલા લેખનો સંગ્રહ ‘નવલગ્રંથાવળિ’ નામથી થએલો છે. આ પુસ્તકોના સંબંધમાં જૂદું બોલવાની અગત્ય નથી કેમકે એ લખનારાઓના ગદ્ય વગેરે સંબંધી વાત કરતાં આ લેખો સંબંધી બોલવાનું જ છે.

(૨) નાટક—

મહાકવિ પ્રેમાનંદનાં રચેલાં ‘રોષદર્શિકા સત્યભામાખ્યાન,' 'પાંચાલી પ્રસન્નાખ્યાન' અને ‘તપત્યાખ્યાન’ એ ત્રણ નાટકો આ સમયમાં પ્રસિદ્ધ થયાં છે. "રોષદર્શિકા સત્યભામાખ્યાન" નું વસ્તુ ‘ઐતિહાસિક છે તથાપિ તેમાં કેટલુંક કવિકલ્પિત પણ છે’—કેટલીક ક્ષુદ્ર બાબતો ધ્યાનમાં ન લેતાં "આ નાટક કવિની અદ્‌ભૂત કવિત્વશક્તિ, તેનું સંસ્કૃત સાહિત્યશાસ્ત્રનું ઉત્તમ પ્રકારનું જ્ઞાન, તેની ગૂજરાતી ભાષાને ખીલવવાની ઉત્કંઠા, તેનું નાટ્યશાસ્ત્રને અનુસરતાં ગાયનોનું જ્ઞાન, તેની સંસાર વ્યવહારની ઉંડી માહિતી, તેનું ગૂજરાતી ભાષાનું બહોળું શબ્દજ્ઞાન, ગૂજરાતી ભાષાનાં રૂઢ વાક્યો અને ખૂબીઓનું સરસ જ્ઞાન, યુવા–બાળા–વૃદ્ધ–માતા–પુત્ર–પતિ–પત્ની વગેરેના સંબંધનું તથા સ્વભાવનું–અને ટુંકામાં જનસ્વભાવનું તેનું સૂક્ષ્મ અવલોકન અને માનસિક ભાવોની વાણીદ્વારા વર્ણન કરવાની છટા, એ વગેરે બતાવી આપે છે."[] આ નાટકમાં વસ્તુ સંકળના, સ્થળ સંકળના અને કાળ સંકળના યથોચિત હોઈ આપણને સાનંદાશ્ચાર્ય ઉત્પન્ન કરે છે.

ભારતના કથા ભાગમાં ફેરફાર કરીને કવિયે પોતાનું ‘પાંચાલી પ્રસન્નાખ્યાન’ લખ્યું છે. ઇતિહાસની કથાને નાટકનું વસ્તુ બનાવી દેવામાં જરૂરનો ફેરફાર કરીને તેને રસમય કરી દીધી છે. ‘સાહિત્ય દર્પણ’ પ્રમાણે આ નાટકમાં નાટકનાં સઘળાં લક્ષણો નજરે પડે છે અને તેથી આ ‘પાંચાલી પ્રસન્નાખ્યાન’ યથાશાસ્ત્ર નાટકજ છે. નાટકના નામ પ્રમાણે એમાં જે જે બને છે તે પાંચાલી પ્રસન્નાર્થેજ બને છે. ‘નાટકના સંબંધે આમાં–પાંચાલી પ્રસન્નાખ્યાનમાં–બહુ સૌંદર્ય છે. તથા એવું સૌંદર્ય આણનાર કવિનું નાટ્શાસ્ત્રનું જ્ઞાન સંપૂર્ણ હોવું જોઈએ; એટલું જ નહિ, પણ તેણે ઘણાં નાટક ભજવાતાં પણ જોયાં હોવાં જોઈએ.’ ‘કવિનું ભાષા સંબંધી જ્ઞાન પણ વિસ્મય ઉપજાવે એવું છે,’ ‘તેણે કવિતા તથા ભાષણોમાં જે ધ્વનિ, અલંકાર અને માધુર્યાદિ ગુણ મૂકેલા છે તે જોતાં આ કવિને કોઈ સાક્ષાત્ સરસ્વતીનો પ્રાસાદિત કવિજ માનવો જોઈએ !’[]

ત્રીજો મળેલો ગ્રંથ ‘તપત્યાખ્યાન’ પણ ‘યથાર્થ લક્ષણ યુક્ત નાટકનો છે એમ સિદ્ધ થાય છે. આવાં રચનાવાળાં નાટકો ગૂજરાતીમાં જેણે લખ્યાં છે, ને તે પણ નહિ ધનની આશાથી કે નહિ કીર્તિની આશાથી, પણ પોતાની ગૂજરાતી ભાષાને ઉત્કૃષ્ટ બનાવવાના હેતુથીજ, એમ જ્યારે આપણા જાણવામાં આવે છે, ત્યારે આપણાથી પ્રેમાનંદને તેના પ્રયાસ માટે આનંદ તથા આશ્ચર્ય યુક્ત થઇને ધન્યવાદ આપ્યા વિના રહેવાતું નથી.’[]

ગુજરાતી ભાષાના સર્વોપરી કવિની પદ્વિ પ્રેમાનંદ સિવાય બીજા કોઇની નથી એ નિર્વિવાદિત છે. એણે ઉપર જણાવેલાં ત્રણ નાટકો ઉપરાંત બીજાં નાટકો લખ્યાં છે. કુલ અગીઆર નાટકો એમનાં રચેલાં કહેવાય છે, પરંતુ તે કિયાં કિયાં છે એની કોઈને ખબર નથી. ઉપર કહેલાં ત્રણ નાટકો મળી આવ્યાં તે પહેલાં એ નાટકોની હયાતી વિશે–અરે પ્રેમાનંદે નાટકો લખ્યાં છે એ વિશે પણ કોઈને ખબર નહોતી.

મહાન્ કવિ શેક્સપિયરનાં નાટકો એનાં પોતાનાં લખેલાં નથી પણ ખોટે નામે લોર્ડ બેકનનાં લખેલાં છે એવું કહેનારો એક પક્ષ ઈંગ્લંડમાં થયો હતો તેજ પ્રમાણે જાણીતા વિદ્વાન્ રા. નરસિંહરાવ દીવેટીઆએ આ નાટકો પ્રેમાનંદનાં નથી પણ બીજા કોઈએ બનાવીને એમને નામે ચલાવવાનું તૂત કર્યું છે એવો પૂર્વ પક્ષ ઉઠાવ્યો છે. પ્રાચીન કાવ્યમાળાવાળા ગૃહસ્થોનો, એમાં હાથ હોય, કિંવા એઓ પોતેજ બીજા કોઈથી એ બાબતમાં ઠગાયા હોય. આ નાટકો ક્યાંથી અને કેવી રીતે મળ્યાં છે અને બાકીનાં સંબંધી કશી પણ હકીકત ગુજરાતી પ્રજાની સમક્ષ મુકાઇ નથી. મુખ્ય ગૃહસ્થ રા. બા. હરગોવંદદાસજી સુભાગ્યે બધી ખબર આપી શકે એમ છતાં ઘણી વખત ખૂલ્લા આક્ષેપો કર્યા છતાં પણ એ વિદ્વાન એ બાબત મૌન્યજ ધારણ કરી રહ્યા છે એ લગિર અજાયબ જેવું છે ! માત્ર એક જ વ્યક્તિ–નાથાશંકર પુંજાશંકરના અવસાનથી આ બધી હકીકત અને બાકીનાં નાટકોનું પણ અવસાન થયું એ લગીર શંકાજનક છે. અમે આ પક્ષના ખંડનમંડનમાં માથું ન મારતાં રા. દીવેટીઆ કેવો પૂર્વ પક્ષ ઉઠાવે છે તે જોવા અમારા વાંચનારાઓને સૂચના કરીએ છઈએ. એ વિદ્વાન્‌નું કહેવું કેવું અને કેટલું વજુદવાળું છે તેનો નિર્ણય કરવો અત્રે અમારા દેશની બહાર છે.

ગૂજરાતી પ્રાચીન સાહિત્યમાં તો સમ ખાવાને કાજે પણ એક્કે નાટક મળતું નથી. પ્રેમાનંદની કવિતાએ ગુજરાતમાં ચોતરફ દિગ્વિજય કર્યો છે; સુરત તરફ ‘મામેરા’ એ પોતાનો ડંકો વગડાવ્યો છે; ‘ઓખાહરણે’ પોતાની મોહની સર્વત્ર પાથરી દીધી છે; છતાં તેમનાં નાટકનું નામ અગર અસ્તિત્વ ધરાધરી કોઈને ખબર નથી ! આમ હોવાથી ગુજરાતી અર્વાચીન સાહિત્યમાં પ્રેમાનંદનાં નાટકોની કશી અસર જણાતી નથી; એ નાટકોનાં અનુસરણ અગર એમની ધાટી ઉપર બીજાં નાટકો થયાં નથી. ગુજરાતીમાં નાટકનું સાહિત્ય અંગ્રેજી કેળવણી ફેલાયા પછી અસ્તિત્વમાં આવ્યું છે.

ગુજરાતીમાં પહેલ વહેલું નાટક ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીની ફરમાશ ઉપરથી અને સ્વ. ફોર્બ્સ સાહેબની સહાયતાથી સ્વ. કવીશ્વર દલપતરામે સન ૧૮૫૧ માં લખ્યું હતું. આ નાટકનું નામ 'લક્ષ્મી નાટક' છે. અને સોસાઇટીએ એ છપાવ્યું હતું. ગ્રીક નાટકકાર એરિસ્ટોફેનિસના પ્લુટ્સ નામના રૂપકના અંગ્રેજી ભાષાન્તર ઉપરથી એ રચાયેલું છે. ગ્રીક પુરાણોમાં તેમના ધનપતિનું નામ પ્લૌટસ છે. પ્લૌટસ દેવ આંધળો હતો, તે ઉપરથી આ રૂપકમાં લક્ષ્મીને પણ આંધળી કલ્પી છે. આપણાં પુરાણોમાં લક્ષ્મી આંધળી કલ્પી નથી, પણ તેને ચપળ ગણી છે, અને તેથી તે સ્થિર રહેતી નથી, એવી કલ્પના કરી છે. લક્ષ્મીને આંધળી કલ્પવાથી આ નાટકમાં પ્રસિદ્ધિ વિરોધ આવીને ખામી ભરેલું જણાય છે. આખું રૂપક નીતિબોધક અને તત્ત્વની મૂર્તિયોરૂપ પાત્રોથી ભરેલું છે. લક્ષ્મી આંધળી હોઈ ને દેખતી નથી માટે ગમે તેના ઘરમાં જાય છે. આમ થવાથી નઠારા માણસો ધનવાન બને છે. છેવટે ધન્વંતરી વૈદ્ય લક્ષ્મીની આંખની દવા કરીને તેને દેખતી કરે છે. આમ થતાં જ તે નઠારા માણસોની પાસેથી ખસીને સારા માણસોના ઘરમાં વાસ કરે છે. ન્યાયથી ધન મળે છે પણ અન્યાયથી તેનો નાશ થાય છે. સજ્જન સુખ અને દુર્જન દુઃખ પામે છે એ આ રૂપકનો સાર છે. બધું નાટક ગદ્યમય છે. છેક છેવટે રંગલો–ભિમડો એક ગીત ગાય છે તેટલું જ માત્ર પદ્ય છે. લોકોમાં ચાલતું ગીત જ નામ ફેરવીને મુકી દીધેલું છે. રા. રણછોડભાઈ ઉદયરામ પોતાના નાટ્યપ્રકાશમાં આ નાટક સંબંધે કેટલીક ટીકા કરે છે કે તેમાં સ્થળ અને કાળનો વિચાર રાખ્યો નથી. પણ આ ટીકા મૂળ ગ્રંથને માટે છે. જો કે આ પ્રથમ નાટક ગુજરાતી સાહિત્યમાં સ્થાયી પદ્વી પામ્યું નથી અને હાલ ભૂલી જવાયું છે તોપણ લખાયું તેવામાં બહુ વંચાતું. એની ચાર આવૃત્તિ થઈ અને લગભગ ચાર હજાર નકલો ખપી ગઈ હતી.

આ સાઠીમાં કેટલાક વિદ્વાનોએ ગુજરાતી પ્રજાને મહાન કવિ કાલીદાસની અપૂર્વ બાનીનું રસાસ્વાદન કરાવ્યું છે. શ્રીમન્મહાકવિ કાલીદાસના પ્રખ્યાત શાકુન્તલનાં કેટલાંક ભાષાન્તર*[]થયાં છે. રા. દલપતરામ ખખ્ખર, રા. ઓ. ઝવેરીલાલ યાજ્ઞિક અને રા. બળવંતરાય ઠાકોરનાં ભાષાન્તરો પ્રજામાં વંચાયાં છે. સ્વ. કવિ નર્મદે પણ ‘સાર શાકુન્તલ’ નામનું નાનું નાટક નાટકશાળા સારૂ લખ્યું છે. શબ્દશઃ ભાષાન્તર ન હોવાથી અમે એને કાલીદાસના અનુવાદ તરીકે લેખવતા નથી.

રા. ખખ્ખરે મૂળ સંસ્કૃત ઉપરથી નહિ પણ પરશુરામ પંત ગોડબોલેના મરાઠીમાં કરેલા ભાષાન્તરનું ભાષાન્તર કરેલું છે. ગદ્ય ભાગનું ગદ્યમાં અને પદ્યનું –સમશ્લોકી નહિ પણ–પદ્ય રાખ્યું છે. આ નાટકની બીજી આવૃત્તિ થવા પામી છે, અને તે વખતે રા. ખખ્ખરે તેમાં ફેરફાર અને વધારો ઘટાડો કર્યો છે. બેસમજની બલા દૂર એ પ્રમાણે ઉપર ચોટીઆ જોનારને તો ભાષાન્તરનું કામ સહેલું જણાય; પરંતુ મૂળ કવિના રહસ્યને નવી પોતાની ભાષામાં મૂકવું એ ઘણુંજ કઠણ કામ છે. તેમાં એ કાલીદાસ જેવા કવિની ભાવભરી અને રસમય બાની ! પદ્યના અનુવાદમાં નવી દેશીયો અને રાગ દાખલ કરીને સાધારણ માણસો પણ વાંચે અને રસાસ્વાદન કરે એમ કર્યું છે. ભાષા સરળ અને કોઈ કોઈ જગાએ મૂળ મરાઠીમાંથી ઉદ્‌ભવ પામ્યાની પ્રતીતિ થાય છે. ભાષાન્તર જોતાં અનુવાદક કવિની ભાવનાઓ, કવિનો રસ અને તેનું રહસ્ય સમજ્યા હોય નહિ એમ જણાય છે. જાતે શાકુન્તલજ દુનિયામાં પ્રસિદ્ધિ પામેલું અને સુંદરતામય નાટક હોવાથી જતે જતે પણ એની સુંદરતાનો તાગ આવતો નથી અને તેથીજ આ ભાષાન્તર ઠીક જણાય છે. કાલીદાસ કવિનો ભાવ ભાષાન્તરમાં આણવો એજ બહુ છે. એટલુંએ કરે તો અનુવાદકે વિજય મેળવ્યો લેખાય. એવા અપૂર્વ કવિની કૃતિમાં ઉમેરો કરવાને બીજો કાલીદાસજ જોઇએ. હાલના અનુવાદકો कियतिमात्रा ? આ શુદ્ધ સો ટચના સોનામાં રાયનો ભેગ કરવો એ કેવળ એની કિંમત ઘટાડનારજ થઇ પડે છે. રા. ખખ્ખરના ભાષાન્તરમાં આવી ધૃષ્ટતા થઈ છે ! એમ થવાથી રા. ખખ્ખરે કોઇ બીજાજ ઉતરતી પંક્તિના કાલીદાસનો ચિતાર આપ્યો છે. નવી આવૃત્તિમાં જોડણી વિષયે એમણે કરેલા તરેહવાર ફેરફારને સારૂ લખવાનું આ સ્થળ નથી.

જે વર્ષમાં રા. ખખ્ખરનું શાકુન્તલ નીકળ્યું તેજ વર્ષમાં રા. યાજ્ઞિકે પોતાનું ભાષાન્તર બહાર પાડ્યું હતું. એમણે પોતાથી બને એટલો શ્રમ કરીને પોતાના અનુવાદમાં પ્રૌઢી, સરળતા, અને લાલિત્ય આણ્યું છે. જો કે કોઈ કોઈ સ્થળે પદ્યના અનુવાદમાં મૂળના એક શ્લોકને બદલે યુગ્મ અને ત્રિક કર્યાં છે અને તેમ કરતાં મૂળ ભાવને અનુસરીને કેટલાક પોતાના ભાવ પૂરવાની એમને ફરજ પડી હોય અને લંબાણથી સમજાવવાને અંગે દોષ થયો હોય એમ જણાય છે. આમ છતાં પણ એમનું ભાષાન્તર વાંચવું ગમે છે અને સમગ્ર રીતે જોતાં રા. ખખ્ખરના ભાષાન્તર કરતાં બેશક ચઢીઆતું બન્યું છે. એની પણ બીજી આવૃત્તિ થઇ છે.

ભાષામાં આ અપૂર્વ નાટકના બે અનુવાદ છતાં પણ છેક થોડાં વર્ષ ઉપર પ્રગટ થયેલા ત્રીજા અનુવાદને આવકાર આપ્યા વગર ચાલતું નથી. રા. ઠાકોરે આ નાટકના પોતાના અનુવાદમાં કાલીદાસ કવિનો ભાવ, રસ જાળવવા તરફ ખાસ ધ્યાન રાખીને અક્ષરશઃ અનુસરવા પ્રયત્ન કર્યો છે. એમનું ભાષાન્તર પ્રથમ થયેલાં બન્ને ભાષાન્તરો કરતાં મૂળને વધારે અનુસરતું છે. કવિના મનના ભાવ કેટલીક જગાએ યથાસ્થિત ચિતર્યા છે. પરંતુ કેટલીક જગાએ તેમ કરી નથીએ શકાયું. એમના ભાષાન્તરમાં એક બાબત સર્વનું ધ્યાન ખેંચે એવી છે. અને તે પ્રાચીન વૃત્ત ગણના બંધારણ અને માપની એમણે કરેલી અવગણના. જેઓને પ્રાચીન ‘ઝાંઝર’ નાનાં પડતાં લાગે છે તેઓ સુંદર ઘાટદાર નવાં ‘ઝાંઝર‘ ( પણ તે ‘ઝાંઝર’ ને માધુર્ય નિયમના બન્ધનો, તો ખરાંજ ) જ્યાં સુધી ન રચે, ત્યાં સુધી જૂનાં ઝાંઝરો તો રહેવાનાંજ. નવા સુવર્ણકારો અંકોડાને ટીપીને કે એક બીજા ઉપર ચઢાવી દઈને કે બીજા સાથે સજ્જડ જકડીને મેળ મેળવવા માગશે, તો તેઓના ઘાટ કોઈ રસિક મનોવૃત્તિને તો ભાગ્યેજ ગમશે.’ '...રા. બળવંતરાયના ભાષાન્તરમાં યતિભંગનાં અને અક્ષરમેળ ને માત્રામેળ ગણી કાઢ્યાનાં થોકબંધ ઉદાહરણો છે. અને યદ્યપિ एकोहि दोषो गुण सन्निपाते निमग्जतान्दो: किरणेष्विवाङ्क:એ ન્યાયે આ એક દોષ એ ભાષાન્તરના બીજા ગુણોમાં ડુબી જવો જોઈએ, તથાપિ જેઓ કવિતા કાનને કર્કશ લાગે તો તે તદૃન નકામી એમ આગ્રહ ધરે છે, તેઓ स्याद्वपु: सुन्दरमपिश्चित्रेणैकेन दुर्भगम् । મ્હોં ગમે તેવું રૂપાળું તો પણ કોઢવાળું એ ન્યાયનો ઉપયોગ કરી આ એક દોષમાં બીજા બધા ગુણોને ગરક થતા માને તો તેઓને એકદમ અટકાવી શકાય એમ નથી.'*[]રા. યાજ્ઞિકની ભાષામાં પ્રસાદ છે તેથીજ એમનું પુસ્તક કેટલીક ખામીઓ છતાં પણ રા. ઠાકોરના મૂળને વધારે અવલંબીને લખાયેલા ભાષાન્તરની સાથેની સ્પર્ધામાં પોતાની પદ્ધિ નિભાવી શક્યું છે. કાલીદાસની અનેક ખૂબીઓમાં તેના સુંદર અર્થ અને સુંદર શૈલી બન્નેમાંથી પ્રગટતું માધુર્યભર્યું ગૌરવ છે. રા. ઠાકોરના અનુવાદમાં સુંદર શૈલીને અભાવે તે ન પ્રગટ થતાં ભાષાન્તર શુષ્ક લાગે છે.

ઘણાં પુસ્તકોનો હુંડો લેતાં દરેકને માટે લંબાણથી વિવેચન કરવું ઈષ્ટ નથી. તેમજ તેમાંથી લાંબાં લાંબાં અવતરણો આપવા જેટલો સ્થળ અને કાળનો અવકાશ પણ નથી; તોપણ નમુના તરીકે ત્રણે અનુવાદમાંથી અમે નીચે થોડો ઉતારો આપીએ છઈએ, જેથી વાંચનારને અમારા કહેવાની પ્રતીતી તેમજ એ ભાષાન્તરોની તૂલના કરવાની સુગમતા થાય. હજુએ તદ્દન મૂળને અવલંબીને લખાયલા, કવિના હૃદયના ભાવનું તાદૃશ ચિત્ર પાડતા, રસ અને પ્રસાદથી ભરેલી શલીવાળાં બીજા ભાષાન્તરની ગુજરાતીમાં જરૂર છે. અમને જાણીને આનંદ થાય છે કે આ નાટકનો ખાસ સંભાળથી લખાયલો ચોથો અનુવાદ કોઈ વિદ્વાને તૈયાર કર્યો છે. અમારી સાઠીમાં પ્રગટ ન થવાને લીધે એના સંબંધી વિવેચન કરવાનું આનંદદાયક કામ અમારે ભાગે આવ્યું નથી. શાકુન્તલના પાંચમા અંકમાંથી દરેક ભાષાન્તરમાંથી થોડાં અવતરણ આપીને અને તેમને મૂળની સાથે સરખાવવાની વિનતિ કરીને જ અટકશું. ( ૧ ) અભિજ્ઞાન શકુન્તલા નાટક. રા. દલપતરામ ખખ્ખર.

ઋષિo (આગળ જઈને હાથ ઉંચા કરીને આશિર્વાદ દે છે.) રાજા તારો વિજય થાઓ.

રાજાo ( હાથ જોડીને કેo ) હું સર્વને નમસ્કાર કરૂં છું.

રાજાo તમારી તપશ્ચર્યા નિર્વિઘ્ને ચાલે છે કે ?

ઋષિo તારા પ્રતાપથી નિર્વિઘ્ને જ ચાલે છે.

ગીતિ.

તૂ રક્ષક છે જ્યારે, તવ તપમાં વિઘ્ન કોણ કરનાર ?
રવિ જ્યાં સુધી પ્રકાશે, ત્યાં સુધિ તમ ક્યાં થકી પ્રસરનાર. ૧૨૯

રાજાo અલબત ચાલો ત્યારે રાજા ( રક્ષણ કરનાર ) એવું જે મારૂં નામ તેનું સાર્થક થયું. વારૂ એ તો થયું. પણ હવે તમારા ગુરૂ કણ્વ મહામુનિ લોકકલ્યાણાર્થ કુશળ તો છે કે ?

ઋષિo રાજા, તે પોતાની તપ:સિદ્ધિથી કુશળ છે. તેણે તારી ક્ષેમકુશળતાની ખબરઅંતર પૂછ્યા પછી એક સંદેશો કહેવાનું કહ્યું છે.

રાજાo તેમની શી આજ્ઞા છે ?

શાo જે કહ્યું છે તે કહું છું, સાંભળો. મારી પાછળ તમે પરસ્પર સંકેતથી મારી કન્યા સાથે લગ્ન કીધાં તે વાતને મારું અનુમત છે એટલું જ નહિ પણ તેથી હું બહુ પ્રસન્ન થયો છું. કેમકે,

કવિત છંદ.

અધિક પ્રતાપવાન સહૂ શ્રેષ્ટ સ્વામી થકી
તૂજને ગણિયે છિયે અમે નીજ મંનમાંહિ;
તેમ સહૂ સદ્‌ગુણ કેરી શકુન્તલા શૂભ,
હૂબેહૂબ પ્રતિમા પ્રગટ સ્ત્રીને રૂપે આંહી;
કંથ ને કામનિ કેરૂં જોડું તે અનૂપ જોઇ,
રીઝિયે છિયે અમે સુજશ વિધિ કેરા ગાઈ;
કજોડાંથી રિઝે છે એ દોષ હવે તેનાપર,
કોઈને મૂકવા તણી રહી ન જરૂર કાંઈ.  ૧૩૦

માટે આ તમારી પત્ની તમારી આગળ મોકલી છે તેને રાખો અને એ ગર્ભિણી છે તેને જોડે બેસાડીને ગર્ભવિધાનનો સંસ્કાર કરો.

ગૌતમીo મહારાજ, મારે કાંઇ બોલવાની ઈચ્છા છે, પણ તમે બોલવા જેવું કંઇ રાખ્યું નથી એટલે બોલતી નથી; કાં કે,

માલિની છંદ.

ગુરૂજન તણિ રાખી, ગર્જ નહીંજ કોયે,
પરસપરશું બાંધી, પ્રીત બન્ને તમોયે;
હળિમળિ હરખે, ના પૂછ્યું કોને તમે તો;
ઉલટથિ મળિ બેસો, ચાલિયાં આ અમે તો.  ૧૩૧

શકુન્તલાo ( મનમાં કહે છે ) હવે ! આ ભાષણનો પૌરવરાજ કોણજાણે શું ઉત્તર દેશે.

રાજાo આ બાઈએ આ શું નવાઈ જેવું કહ્યું ?

શકુo એના આ બોલ તો મને ઝાળ જેવા લાગે છે.

શાo તમો આ બોલો છ શું ? તમો અચકાઓ છ કેમ ? તમને દુનિયાંની રીતભાતનીતો ખબર છે અને જાણો છો કે,

ભુજંગી છંદ.
'

વસે પીહરે માનુની હોય સારી, ધરે તે વિષે લોક સંદેહ ભારી;
ગુરૂજંન તેના મને તેથિ ચાહે, સુતા રાખવા સ્વામિ ધામે સદાયે. ૧૩૨

રાજાo તમો શું એવુંજ કહેવા ઇચ્છો છો કે આ સ્ત્રી સાથે મેં જરૂર લગ્ન કીધું છે ?

શકુંo ( મામલો જોઈને મનમાં ) હે હૃદય, તેં જે પ્રથમ શક આણ્યો હતો તે ખરોજ હતો.

શાo પોતે કીધેલું કામ ઉલટું લાગે છે માટે પોતાનો ધર્મ ત્યાગ કરીને આડે માર્ગે ચાલવું એ રાજાને ઘટમાન છે ?

રાજાo આવો ખોટો બુટ્ટો ઉઠાવીને મને કેવો પ્રશ્ન પૂછે છે ?

શાo એટલું સારૂં છે કે જે લોકો સત્તાના ઘેંનમાં છે તેઓ શિવાય બીજાઓમાં આવું બેવચનીપણું જોવામાં આવતું નથી. રાજાo વિશેષે કરી ઉપલો કટાક્ષ મારાપર તાક્યો છે કે શું ?

ગૌતમીo પુત્રી, એક ક્ષણભરી લાજ મૂક અને તારે ઘુંઘટો જરા કાહાડી નાંખવા દે એટલે તારો ભર્તાર તને ઓળખી લેશે. ( ઘુંઘટો કાઢી નાંખે છે. )

રાજાo ( શકુન્તલાનું રૂપ જોઈને મનમાં કહે છે. )

દોહરા.

ઝાઝા યત્ન વિના રૂંડૂં, રૂપ આવ્યું મુજ પાસ,
સ્વિકાર્યું આગળ કે નહિ, ઠરતો નથી વિશ્વાસ;
પ્રભાતનું ઝાકળ ભર્યું, જેમ કુંદ ફુલ જેહ,
ભોગવવા વા છોડવા, યોગ્ય ન અલિને તેહ,
ભોગવવા લાયક નથી, લાગતિ મુજને તેમ,
છોડંતાં એને નથી, મંનમાનતૂં એમ.  ૧૩૩

શાo હે રાજા, આમ મુન થઇ કેમ બેસી રહ્યા છો ?

રાજાo હે ઋષિ: મહારાજ, મેં મનમાં બહુ વિચાર કરી કરીને જોયું; પરંતુ મને એવું કંઈ સાંભરતું નથી કે એ સ્ત્રીનો મેં કોઈ વાર આગળ સ્વીકાર કીધો હોય. માટે જ્યારે હું એવું માની નથી શકતો કે એ સ્ત્રીનો હું ધણી છું, અને વળી એ તો ગર્ભિણી છે તે જલદી જણશે, ત્યારે હું તે શું જવાબ આપી શકું ?

શકુંo હાય ! હાય ! મૂળમાં લગ્ન થયા વિષેજ એના મનમાં ભ્રાંતિ છે ? તો પછી પરણ્યાનાં સુખની મોટી મોટી ઉમેદ આગળ શાની હવે ?

શાo એમ ના કોહો, હો

ઇંદ્રવજ્રા.

છાનો વરયો તૂં મુનિની સુતાને,
તેણે સ્વિકાર્યો ધરિ શુદ્ધતાને;



દે છે હવે તૂં અપમાન ભારે
સંભાળ એના ઘટતૂં લગારે;
લૂટી મતા તો, ન ગણી લૂટારો,
વાંધો ન લેઈ બિલકૂલ તારો
તેણે ગણી પાવન ચોર જાણે,
જાવા દિધો છૂટથિ એ પ્રમાણે.  ૧૩૪

શારદ્વતo શાર્ઙ્ગરવ, તું હવે મુગો રહે. શકુન્તલા, અમારે જે કેહેવાનું હતું તે અમે તો કહી ચૂક્યાં. અને એણે કેવી રીતે જવાબ આપ્યો તે પણ તેં સાંભળ્યો. હવે એને જો તારે ખાતરી થાય તેવી કંઇ લગ્નની એંધાણી આપવી હોય તો આપ.

શકુંo ( એક કોરે મ્હોંડું કરીને કેહે છે ) આગળ જે એનો મારાપર આવો ભાવ હતો, તે હવે ઉઠી ગયો છે, તે છતાં એને કદાચ સંભારી આપું તેણે શું વળ્યું ? હવે તો હું દુ:ખના દરિયામાં પડી એમાં સંદેહ નહિ. મને સંભારીને ભાઈ ભાંડુઓએ મારો શોક કરવો એટલું નક્કી થયું. વારૂ ચાલો. (મોટેથી રાજાને કેહે છે.) હે આર્યપુત્ર-( એટલું અર્ધું બોલીને અચકાઈને પાછું મનમાં બોo) જેને પોતાના કામનો સંશય આવે છે તેને આ સત્કાર શું કરવા જોઈએ ? (મોટેથી) હે પૌરવ, હું એટલું જ કહું છું કે પ્રથમ આશ્રમમાં આવીને મીઠું મીઠું બોલીને મારા જેવી ભોળીને વચન આપી ઠગી, અને હવે જાણે તે ગામમાં જ નથી ગયા એવી રીતનું ભાષણ મ્હોંડામાંથી કાહાડવું તે પૌરવ કુળમાં જન્મેલા પુરૂષને યોગ્ય નથી.

રાજાo (કાને હાથ મૂકીને) શિવ ! શિવ ! આવાં પાપી વચન ઈશ્વર મારે કાને ન પડાવો.

શકુંo વારૂ, જો તમને ખરેખર સાંભરતું નહિ હોય અને પરસ્ત્રીનો હું પોતે સ્વીકાર કેમ કરૂં એવી શંકાથી જ તમે એવું ભાષણ કીધું હોય તો હું તમને એંધાણી આપીને શંકા દૂર કરૂં પછી કંઈ ?

રાજાo હવે એ વાત મને ગમી. શકુંo ( જે આંગળીમાં પેલી મુદ્રિકા ઘાલી હતી તે આંગળી તપાસી જોઇને કેહે છે) હાય ! હાય ! મારી આંગળી આવી કેમ ? ( દુઃખી થઇને ગૌતમી સામું જોય છે. )

ગૌતમીo કેમરે પોરી ! આંગળીમાં વીંટી નથી ? નીકળી પડી કે શું રે ? ( વિચાર કરીને) શક્રાવતાર ક્ષેત્રમાં શચી તીર્થનું વંદન કરવા તું ગઈ હતી ત્યાં તારી આંગળીમાંથી વીંટી નીકળી તો નહિ પડી હોય ?

રાજાo ( જરા હસીને ) સ્ત્રીઓને બુટ્ટા ઉઠાવતાં વાર ન લાગે તેનો આ જૂઓ પ્રત્યક્ષ દાખલો !

શકુંo ખરૂં કહીએ તો વાંક નસીબનો. વારૂ. તમારી ખાતર જમા થવા સારૂ બીજી નિશાનીની વાત કહું છું તે સાંભળો.

રાજાo જ્યાં જોવાનું હતું ત્યાં હવે સાંભળવાનું આવ્યું કેની ? વારૂ કેહે.

શકુંo એક દિવસે નવમલ્લિકાના માંડવામાં આપણે બેઠાં હતાં તેવામાં તારા હાથમાં કમળના પાત્રાનો દડિયો પાણીથી ભરેલો હતો, સાંભળ્યું ?

રાજાo સાંભળું છું. વારૂ પછી ?

શકુંo એટલામાં મેં દીકરાની પેઠે પાળેલો નાજુક લાંબી આંખોવાળો હરણીનો વચ્છેરો આપણી તરફ દોડતો આવ્યો. ત્યારે તમે પ્રથમ ન પીતાં દયા કરીને તે દડિયો તેના આગળ પીવા ધર્યો. પણ પરિચય ન હોવાને લીધે તેણે તમારા હાથમાંથી પાણી પીધું નહિ. પછી તે જ દડિયો મારા હાથમાં લીધો એટલે નિર્ભેપણે તે ગટગટ પી ગયો. ત્યારે તમે એમ નહિ બોલ્યા કે પોતપોતાની જાત ઉપર સૌને વિશ્વાસ હોય છે. તમે બંને અરણ્યવાસીજ કેની.

રાજાo પોતાનું કામ પાર પાડવા સારૂ આવાં કપટના મધુર ભાષણથી વિષયી પુરૂષ વશ થઇ જાય. હું તેમાંનો નહિ તો.

શકુo ( કોપાયમાન થઇને ) અરે દુષ્ટ, તું પોતાના મનના વિચારપરથી પારકાના મનમાંના વિચારની તુલના કરે છે કે ? અરે તું દગલબાજી કરવામાં તો એક જ. તારી બરોબરિયો બીજો કોઇ જ નહિ. લીલા ઘાસની વનસ્પતિથી પથરાઇને ઢંકાઇ ગએલા મુખવાળા ખાડાની પેઠે ઉપર ઉપરથી 'આછી બની' ને નીતિ અને ધર્મનો વેશ ધારણ કરીને 'ભીતરકી તો રામજી જાને' તેવું આચરણ કરે છે.

રાજાo પુરૂવંશના પુરૂષ પારકું અથવા પોતાનું સત્યાનાશ વાળવા ઈચ્છે છે એવું કોઈના પણ માનવામાં આવશે ?

શારદ્વતo હવે આમ રગજગ કરવામાં શું વળ્યું ? આપણે આપણા ગુરૂજીનો સંદેશો કહ્યો. હવે ચાલો આપણે જઇએ. એ બેઉ જણાને જોઇએ તેમ કરે. (રાજાને) રાજા,

દોહરો.

ફેંકી દે કે રાખ નૃપ, એ સ્ત્રી તુજ નિરધાર;
ધણી તણી છે નારિ પર, સત્તા સર્વ પ્રકાર. ૧૩૯

( એમ કહી ચાલવા માંડે છે )

શકુંo શું ? આ લુચ્ચાએ તો મને ફસાવી ને હવે મને કબુલ કરતો નથી તેથી બસ નથી થયું કે તમે પણ મને આમ રડતી - મૂકીને ચાલ્યાં ?

(એમ બોલીને ગૌતમીની પાછળ પાછળ ચાલવા માંડે છે ).

ગૌતમીo (જરા ઉભી રહીને) બેટા સારંગરવ, આ જો શકુન્તલા તો આપણી પાછળ રડતી રડતી આવે છે. એનો ભર્તાર તો કઠણ હૃદયનો થઈને એને ઓળખતો એ નથી. માટે એ મારી પુત્રી અહીં રહીને શું કરશે વારૂ ?

શારંગવo ( રીસમાં પાછો ફરીને કહે છે ) કેમરે ઓ અભાગણી, ધણીથી સ્વતંત્ર થવા ઇચ્છે છે કે ? તારા મનમાં આવે તેમ કરવું છે કેમ ?

શકુંo (બીહીને થરથર ધ્રુજવા માંડે છે. )

શારંગરવo શકુન્તલા,

ગીતિ.

વદે છ રાજા તેવી, હોય છાંડેલ કુળથી જ્યારે;
સિદ્ધ મહા મુનિવરને, ખપે હવે તેવી કેમ તું ત્યારે ?

પણ અંતર સાક્ષી દે, તુજ પતિવૃત નિષ્કલંક છે તેની;
વેઠવું દાસપણું પણ, તો રહી ઘટે પતિકુળે તુજ, બેનીઃ ૧૪૦

માટે તારે તો અહિં રેહેવાનો ધર્મ છે. અને અમારે તરત જવું જોઈએ.

રાજાo ( પોતાના ગોરને ) હે ગોરમહારાજ, હવે મારે શું કરવું તે કોહો. આ બેમાંથી કયામાં વધારે અને કયામાં ઓછું પાપ છે ?

ગીતિ.

બન્યો મૂઢ હું કે આ, મિથ્યા વાણી વદે છ એ વ્હેમ ?
દારા ત્યાગ કરૂ કે, પરસ્ત્રિ સ્પર્શથિ લઉં દોષ તન એમ ?  ૧૪૨

પુરોહિતo ( વિચારીને ) ત્યારે તો તમારે એમ કરવું જોઈએ.

રાજાo કોહો મહારાજ કેમ કરવું તે.

પુરોહિતo એ બાઇ જણે ત્યાં સુધી એ મારે ઘેર રેહે. તેનું કારણ પુછશો તો હું કહું છું. પૂર્વે તમને સાધુ પુરૂષનું વચન છે કે તમને પહેલો ચક્રવર્તી પુત્ર થશે. માટે જો કણ્વ રૂષિનો દોહિત્ર ચક્રવર્તી થયો તો તમે એને આદરસત્કાર કરીને તમારા અંતઃપુરમાં લેઈ જશોજ. નહિ તો પછી એને એના બાપને ઘેર જવું જરૂર છે.

રાજાo જેવી ગોર મહારાજની ઇચ્છા. તમને જો એમ સારૂં લાગે તો એમ થવા દો.

ગોરo બેટા આવ મારી પાછળ.

શકુંo હે ભગવતી ધરતી મા, હવે જો તું મને માગ આપે તો તારા પેટમાં સમાઇ જાઉં વીટંબણા બહુ પડી.

( એમ કહી ગોરની સાથે રડતી રડતી ચાલી જાય છે–તપસ્વિઓ પણ તેની પાછળ જાય છે )

( ૨ ) રા. યાજ્ઞિકના ભાષાન્તરમાંથી.

ઋષિયોo ( હાથ ઉંચા કરીને ) જય જયકાર થાઓ, મહારાજ.

રાજાo સર્વેને નમસ્કાર કરૂં છું. રાજાo ઋષિયોની તપશ્ચર્યા તો નિર્વિઘ્ને ચાલે છે કની ?

( શ્લોક અથવા અનુષ્ટુપ વૃત્ત )
ઋo

વિઘ્ન ધર્મક્રિયાને શાં સાધુનો રક્ષિ તું છતાં ?
અંધકાર થશે ક્યાંથી તપે છે સૂર્ય તેજ જ્યાં ? ૧૯૧

રાજાo રાજાનો ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરવું અને તે કરવા માટે મને રાજા કરી કહે છે. વારૂ, હવે ભગવાન કણ્વ ઋષિ કુશળ તો છે ? એમને રૂડે જગત રૂડું.

ઋષિયોo સાધુ પુરૂષને કુશલ તથા ખુશી રહેવું પોતાને સ્વાધીન છે. એઓએ આપની ક્ષેમ કુશલતા પુછી આટલો સંદેશો કહાવ્યો છે.

રાજાo કહો, શી આજ્ઞા છે ?

શારંગરવo એ કે આપે પરસ્પર ભાવથી મારી દુહિતાની સાથે લગ્ન કીધું તે વાત જાણીને પ્રસન્ન થઈ મેં ખુશીથી અનુમત આપ્યું કેમકે,

( ઉપેન્દ્રવજ્રા વૃત્ત )

જાણ્યો તને ઉત્તમ પૂજ્ય, પ્રાણિ,
શકુંતલા સદ્‌કૃતિમૂર્તિ માની !
પત્ની પતિની રચિ જોડ યોગ્ય
છુટ્યો વિધાતા જન દોષથી જ.  ૧૯૨

હવે એ ગર્ભિણી છે માટે તમારે બન્નેએ સાથે રહીને ગર્ભવિધાનનો સંસ્કાર કરવો જોઈએ. તે સારૂ એનો રાજમંદિરમાં સ્વીકાર કરવો.

ગૌતમીo મહારાજ, મારે કાંઇ બોલવાની ઈચ્છા છે પરંતુ બોલવાનો અવસર નથી તેથી બોલતી નથી.

( આર્યા ગીતિ વૃત્ત. )

વડીલ મત આણે નહિ લીધો, તેં પણ પુછ્યું ન બંધુને !
એકમેકમાં સમજ્યાં, તો શું કરે કો'છો. હવે પરસ્પરને ? ૧૯૩

શંકુo ખરે, પ્રાણનાથ શું બોલશે, વારૂ ?  રાજાo વળી આ વાત ક્યાંથી કાઢી ?

શંકુo એના આવા વચનથી મને ઝાળ ઉઠે છે.

શારંગo કેમ વારૂ ? આપ તો લોકવ્યવહારથી કાંઇ અજાણ્યા નથી.

( વંશસ્થ વિલવૃત્ત. )

સતી છતાં વાસ પિહેરમાં કરી
સુવાસિની આશ્રય ભાંડુનો ધરી !
રહે, કરે તો સહુ લોક વારતા,
હશે ખરે શું વ્યભિચારિણીજ આ ? ૧૯૪
સગાં કુટુંબી સહુ એજ કારણ
ધરે હમેશાં મનમાંહ ધારણા
વળાવવાની ધણી પાસ પુત્રિને
ન હોય જો કે પ્રિય એ પિયૂ મને. ૧૯૫

રાજાo શું એની સાથે આગળ મેં લગ્ન કીધું હતું ?

શંકુo ( ખેદ પામીને મનમાં ) હે હૃદય, જેની તેં બીક મનમાં ધરી હતી તે વાત આગળની આગળ આવી ઉભી રહી.

શારંગo કરેલું કામ કબુલ કરવું ગમતું નથી માટે ધર્મને કોરે મુકીને આડે રસ્તે ચાલવું એ રાજાને ઘટિત છે ?

રાજાo આવો ખોટો તર્ક ઉઠાવી કેવો પ્રશ્ન પુછે છે ?

શારંગo જેને લક્ષ્મીનો મદ ચઢી જાય છે તે લોકોમાંજ વિશેષ કરીને આવા વિકાર જાણ્યામાં આવે છે.

રાજાo વિશેષ કરીને મારા ઉપર એ તડાકો કરતો હોય એમ લાગે છે.

ગૌતમીo બેટા, હવે જરાએ શરમ રાખીશ નહિ. આવ તારા મોહો ઉપરનો બુરખો કાઢી લેઉં કે પછી તને તારો ભર્તાર સારી પેઠે ઓળખે. ( એમ કહી તે પ્રમાણે કરે છે. )

રાજાo ( શકુંતલાને નિહાળી જોઇને મનમાં ) 
( માલિની અથવા માનિની વૃત્ત. )

મુજ નિકટ ઉભેલું રૂપ સોહામણું આ
પ્રથમ કદિ કર્યું મેં લગ્ન એ સાથે કે ના !
મન નવ દૃઢ થાયે એ વિષે આજ મારૂં
ઘડિ ઘડિ ઉઠવાથી તર્ક આ એજ સારું. ૧૯૬
જ્યમ ભ્રમર ફરે છે જૂઈનું પુષ્પ ભાળી
અતિ દવજલથી છે એ ભરેલું નિહાળી !
મન નહિ ધરતો એ લાલચે ભોગ લેવા
ત્યમ નહિ કરતો એ પુષ્પનો ત્યાગ એવા. ૧૯૭

શારંગo કેમ મહારાજ મુગા કેમ બની રહ્યા છો ?

રાજાo અહો તપોધના, મારા મનમાં એ વાત ઘણી ઘોળાયાં કરે છે તોપણ હજુ મને એમ સાંભરતું નથી કે મેં આગળ કોઈવાર એનો સ્વીકાર કીધો હોય. વળી નજર આગળ જોઉં છું કે એ ગર્ભિણી છે તો હું શું જવાબ દેઉં ?

શકુંo (મનમાં) હાય, હાય ! જ્યારે પરણ્યા વિષેજ રાજાને સંદેહ છે તો પછી મારા મનમાં ભારે સુખ ભોગવવા વિષેનો મનોરથ પાર પડવાની શી આશા ?

શારંગo એમ મા બોલો, હો.

( ઉપજાતિ અથવા આખ્યાનકી વૃત્ત. )

તેં સ્પર્શ કીધો મુનિની સુતાનો
સ્વીકાર કીધો મુનિયેય તેનો !
હવે ઘટે શું કરવી અવજ્ઞા
તપસ્વિ કેરી ક્ષણ એક એવા ? ૧૯૮
ચોરેલ વસ્તુ નિજ તોય તેને
ન બાધ કર્તા ઋષિયે જરીએ
લેવા દઈ, પાવન, ચોર પેઠે,
તને કર્યો એમજ સર્વ જાણ. ૧૯૯

શારદ્વતo અહો શારંગરવ, હવે એને ઝાઝું બોલોમાં. અરે શકુંતલા, અમારે જે કહેવાનું હતું તે તો કહી ચુક્યા અને એણે કેવી રીતે જવાબ દીધો તે પણ તેં સાંભળ્યો. હવે તારૂં એની સાથે લગ્ન થયેલું એ બાબતની એને ખાતર જમા થાય એવી તારી પાસે કાંઇ એંધાણી

હોય તો આપ.

શકુંo એનો ભાવ તો મારા ઉપરથી તદ્દન ઉઠી ગયો છે. ત્યારે કદાપિ એને સંભારી આપું તોપણ તેથી શું થવાનું ? આટલા બોલવામાંથી સાર એ નિકળ્યો કે હવે મારું નશીબ ફુટ્યું ( તાણીને ) અહો પ્રાણનાથ, ( એટલું અર્ધું બોલીને ) જ્યારે તમે મારા લગ્ન વિષે શંકા આણો છો તો એ નામે તમને બોલાવવા ઘટારત નથી. અહો પુરૂવંશી, પૂર્વે આશ્રમમાં મને વચન આપી મારા સરખી સ્વભાવે ભોળા દીલવાળી સ્ત્રીને આવા આવા બોલ બોલીને કહાડી મુકવી તમને ઘટારત નથી.

રાજાo (કાને હાથ દઈને) ચુપ, હવે હું આવાં પાપી વચન સાંભળનાર નથી.

(આર્યા ગીતિ વૃત્ત.)

મુજ કુલ કાં લાંછન દે ને, આ જનની કરે ખરાબી કાં !
નદી તીર જ્યમ તોડી ડો’ળે જલને ઉખાડતી તરૂ ત્યાં. ૨૦૦

શકુંo હશે. પરસ્ત્રીનું ગ્રહણ કેમ કરૂં એવીજ જો તમારા પેટમાં ખરેખરી શંકા હોય તો તે શંકા નિવારણ કરવા સારૂ તમને એંધાણી આપું પછી કાંઈ ?

રાજાo વાહ એ તો ઉત્કૃષ્ટ કલ્પના.

શકુંo ( આંગળીએ અંગુઠી જુવે છે તો ) હાય ! હાય ! આ આંગળી અડવી ક્યાંથી ? (એટલું કહી ખેદ યુક્ત થઈ ગૌતમીને જુવે છે.)

ગૌતમીo ખરે તું શક્રાવતારમાં સચીને તીર્થે કુંડમાં જલવન્દન કરતી હતી તે વખતે વીંટી આંગળીએથી નિકળી પડી તો નહિ હોય વારૂ ?

રાજાo કહેવત છે કે प्रर्त्युत्पन्नमति स्त्रैणम् સ્ત્રી જાતને બુટ્ટો ઉઠાવતાં જરા વાર ન લાગે તે આ ઠેકાણે ખરું પડે છે. શકુંo જોયું ? આ ઠેકાણે પણ નસીબ બે ડગલાં આગળનું આગળ. તો પણ તમારી ખાતર જમા થવા સારૂ એક બીજી વાત કહીશ.

રાજાo ભલે. હવે વાત સાંભળવાનું આવ્યું. બોલ શું કહે છે ?

શકુંo એક દિવસ નવમાલિકાના મંડપમાં આપણે બેઠાં હતાં. તે વેળા કમળપત્રના પ્યાલામાંથી તમે હાથમાં પાણી રેડ્યું, નહિ વારૂ ?

રાo રેડ્યું પછી ?

શકુંo તે વખતે દીર્ઘાપાંગ એ નામનું હરણનું બચ્ચું જેને મેં છોકરું કરી પાળ્યું હતું તે આપણી પાસે આવી બેઠું, તેના ઉપર તમને દયા આવી તેથી તમે પોતે પીતા પહેલાં એ બાપડાને કહ્યું કે લે આ પી. તમારી સાથે એને પરિચય નહિ તેથી તમારા હાથમાંથી પીવાનું મન થયું નહિ. તથાપિ તે જ પાણી મેં મારા હાથમાં લીધું ત્યારે એ કરારે પી ગયું. તે વખત તમે હસીને નહિ બોલ્યા કે સહુ પોતપોતાનાં સગાં વહાલાંનો વિશ્વાસ રાખે છે ! તમે બંને જણ અરણ્યવાસી છો માટે એકબીજાની પતીજ પડે જ તો.

રાજાo આવી જ રીતે પોતાનું કાર્ય સાધનારી સ્ત્રીઓ જુઠી જુઠી પણ મધુર વાણી બોલીને વિષયી લોકોનાં મન હરી લે છે.

શકુંo (રોષમાં) અરે દુષ્ટ, તારા મનમાં જેવા વિચાર છે તે પ્રમાણે જ બીજાના મનમાં જાણે છે કે ? બાહારથી ધર્મનો મોટો ડોળ ઘાલીને પેટમાં પાળી રાખે છે એ તારા જેવો બીજો કોણ હશે વારૂ ? જેમ કોઇ ખાડાનું મોહો વનસ્પતિના વેલાથી ઢાંકી દીધું હોય અને અંદરથી છેક પાતાળ સુધી ઉંડો હોય એવાં તમારાં આચરણ છે.

રાજાo કોઇ એવું નથી માનવાનું કે, પુરૂકુળનો રાજા પોતાનું અથવા બીજાનું સત્યાનાશ વાળી નાંખશે.

શારદ્વતo હવે ઝાઝી રકઝક કરવામાં શું વળ્યું ? આપણે ગુરૂનો સંદેશો હતો તે કહ્યો. ચાલો હવે પાછો વળીએ (રાજા. ભણી )

( શ્લોક અથવા અનુષ્ટુપ વૃત્ત )

લો આ પત્ની તમારીને તજો કે ઘેર રાખજો;
પ્રભુતા સ્વામિની કાંજે માનેલી સર્વ શ્રેષ્ટ, જો, ૨૦૬

ગૌતમીo ચાલ, આગળ ચાલ.( એમ કહીને આગળ જાય છે.)

શકુંo કેમ, કેમ ? આ કપટીએ તો મને છેતરી ! હવે તમે પણ મને અભાગિણીને મુકીને જશો કે ? ( એમ કહી પાછળ જાય છે )

ગૌતo ( ઉભી રહીને ) બેટા સારંગરવ, શકુન્તલા આંખમાં આંસુને રડતી આપણી પાછળ આવે છે. એના ભર્તારે એને છાંડી તો હવે આ મારી દીકરી શું કરશે ?

શારંગo ( શકુન્તલા ભણી ફરીને રોષમાં) અરે અભાગિણી, શું ધણીથી સ્વતંત્ર થવા માગે છે ? તારા મનનું ધાર્યું થશે કે ?

શારંગo શકુંતલા,
( શકુન્તલા બીકથી થરથર કંપે છે. )

( દ્રુતવિલમ્બિત વૃત્ત)

નૃપતિ જેમ વદે ત્યમ હોય તું,
કદિ ઘડીભર તો ફુલમાં તને !
તુજ પિતા નવ લેઇ શકે ફરી
કુળ તણા વ્યવહાર જ તેં તજ્યા.૨૦૭
પણ તને મન એમ જ હોય કે
પતિવૃતાવૃત્ત ભંગ કર્યું નથી,
પતિકુલે કરવો નિજ વાસ તો
ઘટિત દાસીપણું પણ વેઠતા.૨૦૮

તારે તો અહીંજ રહેવું ઘટારત છે માટે ઉભી રહે. અમે હવે સધાવિએ છિયે.

રાજાo આ ઠેકાણે મારે શું કરવું ?

( આર્યા ગીતિ વૃત્ત)

મૂઢ બન્યો હું આજે, મિથ્યા, ભાષણ કરે છ આ અથવા;
 એ વિષયે નથી નિશ્ચય, જ્યાં લગિ મનને થયો પરિપૂર્ણ.૨૧૦

ત્યાં લગી કરવું શું ? મેં પરણેલી સ્ત્રી તણો ત્યાગ કરવો ?
કે પરનારી તણો મેં સ્વીકાર કરી વટાળવો દેહ ?૨૧૧

પુરોહિતo ( વિચાર કરીને )જો એમ હોય તો હું કહું તેમ કરો.

રાજાo કહો, શું કરવું ?

પુરોo આ સ્ત્રીને પ્રસવ થાય ત્યાં સુધી છો એ મારે ઘેર રહે. શા માટે એમ જો પુછો તો મારે એવું કહેવાનું છે કે પૂર્વે સાધુ પુરૂષો કહી ગયા છે જે તને પેહેલ વેહેલો પુત્ર થશેતે ચક્રવર્તિ થશે. જો એ મુનિનો દોહિત્ર આ પ્રમાણે લક્ષણવાળો નિવડે તો પછી એને સત્કાર કરી અંતઃપુરમાં રાખવાનો બાધ નથી.

રાજાo જેવી તમો ગુરૂઓની ઈચ્છા.

પુરોo બેટા, મારી પાછળ ચાલ.

શકુંo શિવ, શિવ, શિવ ! ઓ પૃથ્વી, મારી મા ! અરે વસુધા ! આ સમે મને તું માર્ગ દે કે તારામાં સમાઈ જાઉં.
(એમ કહી શકુંતલા રડતી રડતી ચાલી અને પુરોહિત તથા તપસ્વિયો સાથે બહાર નીકળીને જાય છે. )

(૩) રા. ઠાકોરના ભાષાન્તરમાંથી.

ઋષિયોo ( હાથ ઉંચો કરીને ) રાજન્, વિજય પામો !

રાજાo સૌને વંદન કરૂં છું.

રાજાo મુનિયોની તપસ્ક્રિયા તો નિર્વિઘ્ન ચાલે છે ?

ઋષિo ક્રિયા વિઘ્ન ક્યમ હોય, સંત રખોપું તું કરે !
સૂરજ માથે સ્હોય, શકે તિમિર શું પ્રગટ થૈ ! ૧૪

રાજાo ત્યારે તો મ્હારૂં રાજા પદ સાર્થક.
—વારૂ, કાશ્યપ ભગવાન કુશળ તો છે ? એમની કુશળતામાં જગતનું કલ્યાણ.

ઋષિo સિદ્ધવાન યોગીઓને કુશલતા સ્વાધીન હોય છે. એમણે આપના સારા ખબર પૂછીને આપને આટલું કહાવ્યું છે.

રાજાo ( આતુરતાથી ) શી આજ્ઞા કરી છે ?

શાર્ઙ્ગરવo "આ મારી પુત્રી અને આપ સામસામાં વચન આપીનેજ પરણ્યાં છો તે ત્હમારા બેનું હું પ્રીતિથી માન્ય રાખું છું કેમકે 

અમે સુણ્યો લાયકનો તું અગ્રણી,
શકુંતલા મૂર્તિં જ સત્ક્રિયા તણી;
સમાન આવી વિધિ જોડ જોડીને
કલંકથી મુક્ત થયો ઘણે દિને.૧૫

માટે હવે એ સગર્ભા છે તેને સ્વીકારો, અને બંને સહધર્મચારી બનો."

ગૌતo આર્ય, મ્હને પણ કૈંક ક્હેવાની ઈચ્છા છે. ત્હમે બેયે અમને બોલવાની બારી જ રાખી નથી, કેમકે

ગુરૂજન બંધું કોઇ પૂછ્યુँ ન આણે કે ત્હમે,
રહ્યાં પરસ્પર મોહી,–કહું શું એકનું અવરને ? ૧૬

શકુંo ( સ્વગત ) હવે આર્યપુત્ર શું ક્હે છે વારૂ !

રાજાo અરે વળી આ શું આવી પડ્યું !

શકુંo (સ્વગત) આ બોલ તો અગ્નિની ઝાળ જ !

શાર્ઙ્ગગરo આમ કેમ વારૂ? સંસાર વ્યવહારમાં આપજ વિશેષ માહેતગાર તોયે?

{{સતીય જો કાયમ ર્‌હે પિયેરમાં
બને છે શંકાસ્પદ પત્ની લોકમાં;
ચહે સગાં તેથી સદા જ એ વસે
સમીપ ભર્તાની ન હેત હો ભલે.૧૭}}

રાજાo તે હું શું આ ભવતિને કદી યે પરણેલો ?

શકુo ( શોકાતુર થૈને સ્વગત ) હૃદય, ત્હારો અંદેસો ખરો પડ્યો.

શાર્ઙ્ગગo રાજાએ શું ધર્મ વીસરવો યદિ રૂચે ન કર્યું હાથે ?—

રાજાo આ ખોટું આળ દેવાનું કાંઇ કારણ ?

શાર્ઙ્ગo સત્તા મદના કર્મ જ્યાં ત્યાં એવાં સદોષ જ તે. ૧૮}}

રાજાo અરે, આતો મ્હારૂં સ્પષ્ટ અપમાન !

ગૌo બેટા, જો ઘડીવાર લાજતી નાઃ આ બુરખો ક્‌હાડી લઉં, એટલે ત્હારો પતિ ત્હને ઓળખશે.

તેમ કરે છે. રાજાo ( શકુંતલાને જોઈને સ્વગત )—

અપૂર્વ ઝળકી રહ્યું નિરખુँ રૂપ આ આવિયું,
અને મુજ વરેલુँ એ ખરૂં, ન વા, ન નિર્ણી શકું:
તુષારભર્યું કુંદ જેમ નિરખે પ્રભાતે અલિ,
હુँયે ત્યમ નહીં શકું છું ત્યજી દઈ નહીં ભોગવી.  ૧૯

વિચારમાં પડે છે.

શાર્ડ્ંગo રાજન્, કેમ કૈં બોલતા નથી ?

રાજા) હે તપોધનો, સંભારી કહાડવા મથતાં પણ આ ભવતિના પાણીગ્રહણની વાત સાંભરતી નથી. તો એ સ્પષ્ટ સગર્ભાનો કેવલ ક્ષેત્રિન્ બનીશ એવી મનને શંકા રહે છે ત્યાં હું કેવી રીતે વર્ત્તું ?

શકુંo (સ્વગત ) આર્યપુત્રને લગ્ન વિષે પણ શક ! અરેરે, મ્હારી ઉંચી ઉંચી ઉડતી આશા !

શાર્ઙગo નહીં નહીં !

સ્વચ્છંદે જે સંગ કીધો પુત્રીશું, વધાવી લીધો,
એવા મુનિ કેરૂં આમ કરો છોજી અપમાનઃ
—ચોરેલું પોતાનું જાતે આપી દૈ દશ્યુને ખાંતે
થાપે તેને શાહુકાર, એવો જેનો ઉપકાર. ૨૦

શારo સાર્ડ્ંગરવ, હવે ત્હમે બસ કરો. શકુંતલા, અમે ક્હેવાનું હતું તે કહ્યું. પણ આ મહારાજ આમ ક્હે છે; તું જ જવાબ દૈને એમની ખાતરી કરી આપ.

શકુંo એવો પ્રેમ હતો તેની આ દશા થૈ ગૈ ત્યાં સંભારીને યે શું ! મ્હારી જાતને જ હવે મ્હારે રડવી રહી એટલું જ નક્કી. (મ્હોટેથી) આર્ય પુ–(અર્ધું જ બોલી અટકીને ફરીથી) પણ લગ્ન વિષે જ શક છે ત્યાં એ સંબોધન તો ચાલ વિરૂદ્ધ.

પૌરવ, પ્હેલાં આશ્રમમાં આ સ્વભાવે ભોળા દિલને વચન દૈ છેક ભોળવી લૈને હવે વળી આવું આવું વિપરીત બોલવું ત્હમને ઠીક છાજે છે, ખરૂં કની ? રાજાo ( કાન ઢાંકી દૈને ) દૂર આ પાતકી વાણી !

મલિન નામ રૂડું કરવા, પતિત વળી મુજને, તું ક્યમ ઇચ્છે ?
મર્યાદા તોડંતી જ્યમ નિજ જલ વળી તટ તરૂને સરિતા. ૨૧

શકુંo વારૂ, જો ખરે જ પરસ્ત્રી છું એવી શંકાને લીધે ત્હમે આમ વર્ત્તો છો, તો આ અભિજ્ઞાન વડે ત્હમારો સંશય ટાળીશ.

રાજાo બહુ રૂડી વાત.

શકુંo (વીંટીના સ્થલને અડકીને) હાયરે ! આ આંગળીએ વીંટી તો નથી જો !

ગૌતo ખરે ત્હારી વીંટી શક્રઘાટમાં શચીતીર્થનાં જલને વંદન કરતાં સરી પડેલી.

રાજાo (સસ્મિત) આ તો જેને સ્ત્રી જાતની તુરત બુદ્ધિ કહે છે તે.

શકુંo એ તો દૈવે પોતાનું બલ દેખાડ્યું. ત્હમને બીજું કહું.

રાજાo ઠીકસ્તો. હવે સાંભળી ર્‌હેવાનું આવ્યું.

શકુંo જુવો, એક દિવસ જૂઈના માંડવામાં ત્હમારા હાથમાં કમલપત્રના દડિયામાં પાણી હતું.

રાજાo હાં ચલાવો.

શકુંo તે ક્ષણે મ્હારો દીર્ઘાપાંગ નામનો પુત્રક બાળુડો હરિણ આવ્યો. એના ઉપર ભાવ આણી "ભલે આ પ્હેલો પીએ" એમ કહી ત્હમે એને પાણી દેખાડી પાસે આવવા પટાવ્યો. પણ ત્હમારો પરિચય નહીં એટલે એ ત્હમારા હાથમાં ન જ આવ્યો. પછી એ જ દડિયો મ્હેં હાથમાં લીધો એટલે એમાંનું પાણી એણે પ્રીતિથી પીધું. ત્યારે ત્હમે હાસ્ય કર્યું કે "સૌ પોતાના જાતિભાઈનો વિશ્વાસ કરે, ત્હમે બંને રાની વનચર ખરાં કની !"

રાજાo આપમતલબી બૈરીઓની આવી આવી ખોટી પણ મધ જેવી વાણી વડે વિષયી પુરૂષો આકર્ષાય છે.

શકુંo (ગુસ્સાથી) અનાર્ય, પોતાની જ જાત ઉપરથી ક્યાસ કરો છો ? ધર્મનો વેશ ધરનાર ઘાસથી ઢંકાયલા કુવાના જેવા ત્હમારી માફક તે બીજું કોણ વર્ત્તતું હશે ! રાજાo પૌરવો અધોગતિ વાંછે છે એ મનાય જ નહીં.

શારo આવી જીભાજોડીથી શું ફલ ? ગુરૂનો સંદેશો પહોંચાડ્યો. આપણે પાછા વળીએ. (રાજાને )—

જુવો આ આપની કાંતા, ત્યજો રાખો યથા રૂચિ:
સ્ત્રી સંબંધે ધણી કેરી પ્રભુતા સર્વતોમુખી.  ૨૬

 —ગૌતમી, આગળ થાવ.
ચાલી નીકળે છે.

શકુંo અરે, આ કપટીએ તો મ્હને ઠગી; અને ત્હમે પણ મ્હને તજી જશો ?
પાછળ જાય છે.

ગૌતમીo ( ઉભી રહીને ) બેટા શાર્ડ્ંગરવ, આ બિચારી શંકુતલા રોતી રોતી આપણી પાછળ આવે છે. સ્વામી કઠોર થતાં, તિરસ્કાર સુદ્ધાં કરતાં, મ્હારી પુત્રી બીજું શું કરે ?

શાર્ડ્ંગo ( પાછા વળીને ગુસ્સાથી ) રે અમર્યાદ, આમ સ્વતંત્રતા લે છે ?
શકુંતલા બ્હીને થરથરે છે.

શાર્ડ્ંગo શકુંતલા,

નૃપ કહે ત્યમ ત્હેં કુલ બોળ્યું જો,
તુજ જુવે મુખ કહે ક્યમ તાત જો:
પણ તું હોય સતી જ ખરેખરી
વસ અહીં જ, ભલે બની કિંકરી.

ઉભી રહે, અમે જૈશું.

રાજાo (પુરોહિત તરફ જોઇને) આમાં સારું માઠું ત્હમને જ પૂછું:

ભૂલી ગયો જ હું કે આ બોલે મિથ્યા ન એ લહું,
ત્યાં કરૂં શું, બનું ત્યાગી સ્ત્રીનો કે વ્યભિચારી હું. ૨૯

પુરોહિતo ( વિચાર કરીને) એમ છે તે આ પ્રમાણે કરીએ.

રાજાo ફરમાવો.

પુરોo આ ભવતી ભલે પ્રસવ થતાં સુધી અમારે ત્યાં રહે. આમ કહેવાનું શું કારણ, તો એ કે સાધુઓનો પ્રથમથી આદેશ છે કે આપનો પ્હેલોજ પુત્ર ચક્રવર્ત્તી નીવડશે. આ મુનિદૌહિત્ર ચક્રવર્ત્તીનાં લક્ષણવાળો જણાશે તો આ બાઇને સત્કારપૂર્વક અંતઃપુરમાં સ્વીકારી શકશો; અને જો ઉલટું બનશે તો તો એમને એમના પિતા પાસે જવાનું જ પ્રાપ્ત થવાનું.

રાજાo જેવી ગુરૂની ઇચ્છા.

પુરોo પુત્રી, મ્હારી પાછળ આવ..

શકુંo ભગવતી વસુંધરા, મ્હને માગ આપ !
રોતી રોતી ચાલવા માંડે છે, પુરોહિત અને તપસ્વીઓની સાથે જાય છે. શાપથી સ્મૃતિમૂઢ થયલો રાજા શકુંતલા વિષે વિચાર્યા કરે છે.

———♦———

મહાકવિ કાલિદાસે જ ઉતાવળમાં લખેલા, શાકુન્તલથી ઉતરતા પરન્તુ મનહર, 'વિક્રમોર્વશી ત્રોટક'નું ભાષાન્તર આજથી આશરે બેંતાળીશ વર્ષ ઉપર રા. રા. રણછોડભાઇ ઉદયરામ તરફથી પ્રથમ જ પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યું હતું. વયોવૃદ્ધ વિદ્વાન્ રણછોડભાઈનો નાટકો તરફ પક્ષપાત સઘળી ગુજરાતી પ્રજાને વિદિત જ છે. પોતાના અનુવાદમાં–મૂળ સંસ્કૃત નાટકોમાં નહોતાં–'પ્રવેશ' દાખલ કરીને તેને વધારે સારી રીતે ભજવી શકાય એવો બનાવ્યો છે. ભાષા સરળ હોઈ સઘળા સમજી શકે એવી છે. પોતાની શૈલી એમણે સરળ યોજી છે. જૂના અપ્રચલિત હરિણી, વંશસ્થ, પૃથ્વી જેવા સંસ્કૃત છંદોને ઠેકાણે કવિત, ચોપાયા, રોળા, હરિગીત જેવા ચાલુ ગુજરાતી છંદો દાખલ કરીને લોકની રૂચીને અનુસર્યા છે. એમણે આધાર તરીકે સ્વીકારેલો મૂળ પાઠ દોષવાળો, ભ્રષ્ટ અને ક્ષેપક ભાગથી ભળેલો હોવાથી ભાષાન્તર ઝાંખું અને ભૂલભરેલું નીવડ્યું છે.

એજ ત્રોટકનું બીજું ભાષાન્તર બારેક વર્ષ ઉપર રા. કીલાભાઇ ઘનશ્યામ ભટ્ટે પ્રગટ કર્યું હતું. આ ભાષાન્તરમાં પાઠશુદ્ધિ ઉપર પહેલવહેલું લક્ષ આપવામાં આવ્યું છે. તેની સાથે પદ્યભાગ બનતા સુધી મૂળનાં જ વૃત્તમાં ઉતારવામાં આવ્યો છે. ઉત્સાહી લેખકને છાજતો શ્રમ એમાં ડગલે ડગલે દૃષ્ટિએ પડે છે. પરંતુ ઉત્સાહના વેગની સાથે ઔચિત્ય ઉપર જે લક્ષ રહેવું જોઇએ, સંગત જાળવવા જે સાવધાનતા વાપરવી જોઇએ, મૂળના બંધનું માધુર્ય ગુજરાતી પદ્યમાં આણવા જે કુશળતા યોજવી જોઇએ, તેની આ ભાષાન્તરમાં ન્યૂનતા છે.

ઉક્ત બંને ભાષાન્તરો ભાષામાં છતાં થોડાંક જ વર્ષ ઉપર 'વનમાળી' તખુલ્લુસથી કોઇ વિદ્વાને આ ત્રોટકનો ત્રીજો અનુવાદ પ્રજા સમક્ષ મુક્યો છે. આ ત્રીજો અનુવાદ એવો સરસ છે કે એનું વિવેચન કરવાની અમને ઇચ્છા થાય છે. આ આનંદમય કાર્ય અમે સહજ વિગતે કરીશું. 'વનમાળી' ને તેમની શક્તિ અને તેમણે ભાષાન્તર કરવામાં મેળવેલા જય સારૂ અમે અભિનંદન આપીએ છીએ. વિવેચન અને સરખામણીમાં અમે માત્ર રા. કીલાભાઇના જ અનુવાદની વાત કરીશું.

પ્રવેશ કરતી અપ્સરાઓ 'જેને દેવ વ્હાલા હોય તે અબળાઓની વ્હારે ધાઓ' એવું કહે છે. પુરૂરવ તેમને 'આક્રંદ મા કરો' વગેરે બોલથી ધારણ દે છે. વનમાળીના આ અનુવાદમાં કાલિદાસની મૂળ ઉક્તિની સરળતા, સ્વાભાવિકતા અને સમર્થતા બરાબર જળવાઇ છે, ને કવિનો ભાવ મનપસંદ રીતે પ્રદર્શિત થયો છે. એ જ પ્રસંગની કીલાભાઇની ઉક્તિઓ લો. એઓ અપ્સરાઓને મુખે “દેવતાઓનો પક્ષ લેનાર અમારૂં રક્ષણ કરો” અને પુરૂરવને મુખે 'બહુ થયું, બહુ થયું, આક્રંદ કરવું જવા દ્યો’ વગેરે બોલ કહેવડાવે છે. એમાં શબ્દાર્થ ખરો છે પણ ભાવ પલટાઈ ગયો છે. ક્યાં સાત્ત્વિક પવિત્ર પ્રેમ અને ક્યાં રાજસ્ પક્ષપાત ? ક્યાં વ્હાર અને ક્યાં રક્ષણ ? 'આક્રંદ મા કરો' એ બોલમાં ધીરજ આપવાનો ભાવ સમાયો છે. 'બહુ થયું, બહુ થયું' વગેરેમાં ન્હાના હઠીલા બાળકને રડતું છાનું રાખતાં જે ધમકી અપાય છે તેના જેવો ભાસ રહ્યો છે. વનમાળી પાત્રના હૃદયમાં ઉતરી તેમના ભાવનું પ્રતિબિમ્બ આપવા પ્રવૃત્ત થાય છે. કીલાભાઇ તેમના મુખમાંથી નીકળતા શબ્દો ઝડપી લેઈ તેનો પ્રતિધ્વનિ આપવાનું કરે છે. પુરૂરવ ઉર્વશીને છોડાવી લાવવાને નીકળે છે તે વખતે અપ્સરાઓને વિશ્વાસ આપનારાં જે વચન કહે છે તે કીલાભાઈના ભાષાન્તરમાં નીચે પ્રમાણે છે:—

'રાજાo ત્યારે વિષાદ કરવો જવા દ્યો, હું તમારી સખીને પાછી લાવવાનો પ્રયત્ન કરું છું.’ આ ભાષાન્તર મૂળને બહુ મળતું છે અને મળતું છે માટે જ ભળતું નથી. પડછે વનમાળીનું ભાષાન્તર જૂવો.

'પુરૂo તો તમે સંતાપ છાંડો—આ હું તમારી સખીને છોડાવી લાવવા જાઉં છું.'

અહીં મુખ્ય વાક્યની સાથે ‘તો’ અવ્યયને જોડી દીધાથી ઉર્વશીના છૂટકારા માટે ત્વરા ને તત્પરતાનો ભાસ બહુ સારી રીતે થાય છે. વળી ‘તમે સંતાપ છાંડો’ ગર્ભવાક્ય રૂપે યોજવાથી દુખિયાને આશ્વાસન આપવાની કાળજી આગળ પડતી બને છે. પુરૂરવાનાં વિશ્વાસપ્રદ વચનોના જવાબમાં રંભા ‘સોમના પૌત્રને તો એમ જ ઘટે’ એવું કીલાભાઈના શબ્દમાં કહે છે. અહીં ‘એમ’ પદમાં સંકટ નિવારણનો અર્થ ગમ્યમાન રહે છે. એ અર્થ ‘ચંદ્ર ભગવાનના પૌત્રે સંતાપ હરવો યુક્ત જ છે ’ એવી ઉક્તિ રાખી વનમાળીએ ઉક્ત કરી સુગમ બનાવ્યો છે. રાજા દૈત્ય ઉપર ચઢી ગયા પછી અપ્સરાઓ ઠેરવેલે સ્થાને જઈને બેસે છે. રંભાના મનને હજુ પ્રતીતિ થતી નથી કે પુરૂરવા ઉર્વશીને છોડાવી લાવશે. મેનકા તેના મનનો સંશય દૂર કરે છે ને રાજાના પ્રતાપનું પિછાન કરાવે છે. એટલામાં રાજાનો રથ આવતો દેખાય છે. આ પ્રસંગની સહજન્યાની ઉક્તિ કીલાભાઈ અને વનમાળીની અનુવાદકળાનું તારતમ્ય આપોઆપ બતાવી આપે એવી જોઈ અમે તેને નીચે ટાંકીએ છીએ.

"સહજન્યાo ( ક્ષણવાર થોભીને ) અલીઓ ! શાંત થાવ, શાંત થાવ, જુવો પેલી હરિણના ચિન્હવાળી ફરફરતી ધજાવાળો સોમદત્ત નામનો રાજર્ષિનો આ રથ દેખાય; એ (તો) કોઇ દિવસ કામ સિદ્ધ કર્યા વિના વળે જ નહિં.' (કીલાભાઇ)

ભાષાન્તર મિo પંડિતે છાપેલા મૂળને શબ્દે શબ્દ મળતું છે. પરંતુ વિચારવાનું છે કે સહજન્યા તે સર્વ સખીઓ પ્રત્યે કહે છે કે એકલી રંભા પ્રત્યે ? સંકાશીલ એકલી રંભા છે. તેને મેનકા રાજાના પરાક્રમની ખાતરી આપે છે તે છતાં એ ‘પ્રેમ અનિષ્ટ શંકી છે’ એ ન્યાયે તેને સંપૂર્ણ વિશ્વાસ આવતો નથી. તે ઈચ્છે છે કે ‘રાજા વિજયી થાઓ.’ આ પ્રેમે અધીરી બનેલી અણપતીજ આણતી રંભાની ચિંતા દૂર કરવાની છે; અર્થાત્ ઉક્તિ રંભા પ્રત્યે જ છે. આથી વનમાળી નીચે પ્રમાણે ભાષાન્તર આપે છે.

"(સહo એક ક્ષણ પછી ) સખી ! નિશ્ચિંત થા–જો ઓ પણે આકાશમાં હરણની ધજા ફરકે, ને આ પેલો સોમદત્ત રથ એ રાજર્ષિનો દેખાય. એ કાર્ય સિદ્ધ કર્યા વિના પાછા ફરે નહિ."

કહેવાની જરૂર રહેતી નથી કે વનમાળી પ્રતિભાના બળે પ્રસંગ પોતાના મન આગળ ખડો કરી પછી તેના નૈસર્ગિક સ્વરૂપમાં તે વાંચનાર આગળ રજુ કરે છે, ત્યારે કીલાભાઈ પ્રતિભાને અનુસરવાનો ઉદ્દેશ બાજુ ઉપર મુકી અર્થને વળગી રહે છે. પહેલી ધજાઓ દેખાવી, પછી રથ ઓળખાવો, ને તે ઉપરથી રાજાના વિજયનું અનુમાન બાંધવું એ નિરૂપણ કેવું સ્વાભાવિક છે ?

સહજન્યાએ લક્ષ ખેંચવાથી સર્વે અસરાઓ ઉંચી દૃષ્ટિ કરી જુએ છે, તેવે સામેથી રાજા ઉર્વશીને અને ચિત્રલેખાને લેઈને આવે છે. ઉર્વશી ભયથી બેશુદ્ધ થઈ ગઈ છે. ચિત્રલેખા અને રાજા તેને હોંશીઆરીમાં આણવા પ્રયત્ન કરે છે. અહિં પુરૂરવાના મુખમાં सुन्दरि समाश्वसिहि समाश्वसिहि એ શબ્દો મૂકેલા જે જોવામાં આવે છે તે ચિત્રલેખાની ઉક્તિની પુનરૂક્તિ રૂ૫ છે, અર્થાત્ ક્ષેપક છે, બીજી પ્રતને અનુસરીને વનમાળીએ તે છોડી દેવા જોઈતા હતા. આ પછીની થોડી ઉક્તિ પછી ઉર્વશી પોતાને પકડનાર કેશિ દાનવનો અંતરમાં ઉપકાર માને છે. તે વખત વનમાળીએ दाणवोहिं પાઠ સ્વીકારવામાં ભૂલ કરી છે, એ અમારે કહેવું જોઈએ. બીજી પ્રતનો दाणवेण પાઠ ઈષ્ટ છે.

વિક્રમોર્વશીના વનમાળીના અનુવાદનું વાર્ત્તિક લખવું એ અમારો ઉદ્દેશ ન હોઈ અનીચ્છાએ પણ અમે ઘણા મનહર અને રમણિય પ્રસંગો છોડી દઈએ છીએ; તોપણ છૂટાં છૂટાં મનહર ચિત્રો આપવાની લાલસા તજી શકતા નથી. એક ચિત્ર સખીસમાગમના પ્રસંગનું નીચે આપીએ છીએ.

(અનુષ્ટુપ.)

લતાને આર્તવી લક્ષ્મી ભેટે તે વિધ સુંદરી,
ઝંખતી સખીઓને આ અધીરી જૈ મળે ફરી.

સ્નેહીના સમાગમે અંતર જે પ્રફુલ્લિત થાય છે, તેનું આથી સુંદરતર ચિત્ર કયું હશે ? હવે વેલમાં એકાવળ હાર ભરાતાં પાછું વાળી જોતી ઉર્વશીનું દૃશ્ય જોઈએ.

(પુરૂo સ્વગત) અહો ગિરિના શિખરપરની વેલી !

( માલ્ય ભારિણી. )

કર્યું તેં પ્રિય સ્વર્ગ સુંદરીને, અટકાવી ક્ષણ વિઘ્ન આચરીને;
અરધું મુખ પાછું વાળી મીઠી, દૃગ વાંકી થકી જોતી જેથી દીઠી.

આ ઉજ્વળ રસનું ચટકું જુઓ ને ભભકભર્યાં मालतीमाधवમાંનાં રંગનાં ફૂंડે કૂડાં જુઓ. કાલીદાસ જે અસર ચાર લીંટીથી કરે છે તે भवभूति પાનાં ભરીને પણ કરી શકતો નથી.

હવે વનમાળીની સહૃદયતાની પિછાણ કંઈક કરીએ. મુર્છાવસ્થ ઉર્વશીનો હૃદય કંપ વર્ણવતી ગાથા લો.

સુતનુ તણા કુસુમ સમા કુમળા ઉરનો હજી ન કંપ સમે
જોને, હરિચંદનનાં સ્તન મધ્યે ઉચ્છવસે કુસુમે.

અહિં અર્થ તો મૂળના પ્રતિબિંબ રૂપ હોવાથી રમણીયજ છે. એમાં જે કાંઈ ખુબી સમાયલી છે, તેનું ભાન મહાકવિ કાલિદાસને છે. પણ તે અર્થ ગુર્જરી વાણીમાં ઉતારતાં ગાથાની પદ્યરચનામાં જ હૃદયના ધબકારાનું ભાન કરાવતો થડકો આવેલો જોઇએ છીએ તેનો યશ તો વનમાળીને છે. આવી જ સૂચક સંવાદી પદ્યરચનાનો બીજો દૃષ્ટાંત નીચેની ગાથા છે.

રાગાંકુર રૂપ રોમે અંકિત આ અડક્યું અંગ મુજ સ્હેજે;
રથના અથડાવાથી મૃગાક્ષીના અંગ શું આજે.

આમાં રથનાં ચક્રનો અથડાટ ઉત્તરાર્ધ વાંચવાની સાથે વાંચનાર આપોઆપ અનુભવશે. વર્ણરચનાની આ વ્યંજક શક્તિ વનમાળીના આ અનુવાદમાં જ સ્ફૂરે છે. વનમાળીની કળાનું એક વધારે ઉદાહરણ આપી અમે આમ પ્રસંગો આપતા અટકીશું. એ ઉદાહરણ ચિત્રરથના પ્રવેશનો પ્રસંગ છે, જે નીચે આપીએ છીએ.

‘( સૂત) આયુષ્માન ! પૂર્વદિશામાં મહાન વેગયુક્ત 
(અનુષ્ટુપ.)

ઓ સોનાનાં કડાંવાળો વ્યોમથી ગિરિના શીરે;
વીજથી ઓપતા અભ્ર જેવો આ કોઈ ઉતરે.

પૂર્વદિશામાં દૃષ્ટિમર્યાદામાં ચિત્રરથ ઝળકે છે ને સારથિની દૃષ્ટિ તે તરફ ખેંચાય છે. તેજ વખતે તે પુરૂરવાનું લક્ષ પૂર્વક્ષિતિજ તરફ ખેંચે છે. ગંધર્વરાજ અપરિમિત અંતરે:છેક દૃષ્ટિમર્યાદામાં દેખા દે છે; તે ‘પૂર્વદિશા’ શબ્દથી સૂચવ્યું છે. કહેતા કહેતામાં ચિત્રરથ અલૈકિક વેગે બહુ દૂર પણ પરિમિત અંતરે આવી પહોંચે છે; એટલે આપોઆપ ‘ઓ’ શબ્દ સૂતના મ્હોંમાંથી નીકળી જાય છે. દરમ્યાન તે ને કળી શકાય એવી ઝડ૫થી પાસે ને પાસે આવે છે. એટલે સોનાનાં કડાંની એંધાણી લહ્યામાં આવે છે. બીજે ક્ષણે તે માથા ઉપર ઉંચે આકાશમાં દેખાય છે; તે અવસ્થાન ‘વ્યોમ’ શબ્દથી બતાવ્યું છે. આકાશમાંથી હેમકૂટના શિખર ઉપર ઉતરવું તે તો એક ક્ષણનું કામ છે; આ અવતરણ ‘ગિરિના શીરે’ એ મિત શબ્દથી દર્શાવ્યું છે. પર્વતના શિખરથી જ્યાં રાજાનો રથ હતો, ત્યાં ચિત્રરથ હીંડીને આવે છે; એ નિકટતા અદ્‌ભૂત વેગથી ચકિત બનેલો સારથિ ‘આ કોઈ,’ શબ્દથી પ્રકાશિત કરે છે. છે તો નાનકડો અનુષ્ટુપ પણ ચિત્ર કેવું સુરેખ છે ? પોતાના જ લખેલા ગ્રંથોમાં આવી સાવધાનતા લેખક રાખે એવું સૌ કોઈ ઈષ્ટ ગણશે. ટૂંકામાં આ ભાષાન્તર એ નાટકના બીજાં ભાષાન્તરોમાં શ્રેષ્ટ હોઈ ભાષામાં મનોરંજક અને સમર્થ ગ્રંથનો ઉમેરો કરે છે.

આ સિવાય મહાન કવિ કાલિદાસનાં નાટકોમાં રા. રણછોડભાઇએ ‘માલવિકાગ્નિમિત્ર’નું ભાષાન્તર ગુજરાતીમાં ઉમેર્યું છે. વિકમોર્વશી ત્રોટકનું ભાષાન્તર કરવાની પૂર્વે રા. કીલાભાઇએ સંસ્કૃત સાહિત્યમાંથી ‘પાર્વતી પરિણય’ નું ભાષાન્તર કર્યું હતું. બાણકવિ વિરચિત આ નાટકનું ભાષાન્તર, ભાષાન્તર તરીકે મનને સંતોષ ઉપજાવે એવું બન્યું છે. મૂળ ગ્રંથની સારી સંશોધિત સટીક આવૃત્તિ ન છતાં એ ગુંચવણભરેલા પ્રસંગમાં તાત્પર્ય ગ્રહણ કરવામાં અનુવાદકે ઠીક કાળજી રાખી જણાય છે. ભાષાન્તરની શૈલી બહુધા સરલ અને મનોહર છે. પદ્યો મધુર અને સુંદર થયાં છે. કુમારસમ્ભવની રસમય બાનીની પ્રસાદી લેઇ ન શકતા રસિક વર્ગને ભક્ત કવિના ‘ઈશ્વરવિવાહ’ કરતાં આ નાટક અધિક આનંદદાયી છે.

કાલિદાસ કવિનાં કેટલાંક નાટકોનાં ભાષાન્તર થયા પછી દોઢેક દાયકામાં ભવભૂતિ કવિની બાનીનો એક અનુવાદ સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદી તરફથી રજુ થયો હતો. ભવભૂતિના ‘માલતી માધવ’ નું ભાષાન્તર એમણે પ્રથમ કર્યું હતું. આ મૂળ સંસ્કૃત ‘પ્રકરણ’ ની ઘણી સારી આવૃત્તિ ડા. ભાંડારકરે પ્રકટ કરેલી છે. શુદ્ધ કરેલા પાઠ વગેરેની સારી સોઇ હોવાથી આ ભાષાન્તર સારું નિવડ્યું છે. પદ્યમાં સહજ કર્કશતા આવવા સિવાય બીજું કાંઇ વિશેષ નથી. એકંદરે જોતાં ભાષામાં આ નાટકથી એક સારા ગ્રંથનો ઉમેરો થયો છે. એજ વિદ્વાને થોડા કાળ પછી ભવભૂતિના બીજા નાટકનું ભાષાન્તર ગુજરાતી પ્રજાને આપ્યું હતું. એ ભાષાન્તર વિષે સહજ લંબાણે બોલવાનો વિચાર હોવાથી આ ભાષાન્તરને માટે આટલું જ કહીશું. આ બીજાં ભાષાન્તર માટે આ વિદ્વાને ભવભૂતિના અપૂર્વ નાટક ઉત્તરરામચરિતને પસંદ કર્યું છે. એ નાટક ઘણી ખુબીઓથી ભરેલું છે અને અમે એ પુસ્તકને અંગે સ્હેજ વિસ્તારથી કહીશું. ઉત્તરરામચરિતમાં રસની જમાવટ મનોહર છે, તેમજ તેમાં પાત્રતા યથોચિત જળવાઇ છે. એ સંસ્કૃત નાટકને માટે કહેવાય છે કે ‘उत्तरे रामचरिते भवभूतिर्विशिष्यते’ એ યથાર્થ છે. આવા નાટકની પસંદગી જ અનુવાદકની રસજ્ઞતા બતાવે છે. મૂળ નાટકમાં ઉંચા પ્રકારનાં ભાવનાં ચિત્રો, અવિચ્છિન્ન રસનો પ્રવાહ અને દરેક પાત્રનો ભેદ ઘણા ચાતુર્યથી જળવાયો છે. બેશક વસ્તુની અને કાર્યવેગની ખામી છે, પણ તે મૂળ ગ્રંથની છે. કાર્યવેગની મંદતા કેટલાક અંકો બાદ કરતાં આ નાટકમાં સર્વત્ર વ્યાપી રહી છે. વસ્તુનું પાંખાપણું તો અંકેઅંકમાં જણાય છે. આમ છતાં એ પાત્રભેદ અને રસમાં તો ઉત્તરરામચરિતમાં ભવભૂતિએ હદ જ વાળી છે. ઉચ્ચ શૃંગારનો અદભૂત આદર્શ રામ અને સીતાની રતિમાં આવી રહ્યો છે.

આવા અપૂર્વ ગ્રંથનો અનુવાદ કરવો સરળ નથી. પોતે સંસ્કૃત ભાષાના સારા અભ્યાસી હોવા છતાં, પાઠ મુકરર કરવામાં ભૂલો થવાથી મૂળના રસને હાનિ પહોંચી છે. આમ બનવાથી કેટલીક વખત અનુવાદમાં જે પાત્રની ઉક્તિમાં એમ થયું છે તેની પાત્રતાને પ્રતિકૂળ થઇ ઘણી જ હાનિ કરે છે. મૂળ ગ્રંથના બંગાળી ટીકાકાર ઉપર વધારે ભરોંસો રાખવાથી અનુવાદકે ઘણી બાબતમાં છક્કડ ખાધી છે. અને અમુક શબ્દને પદ્યમાં અમુક જ યોગ્ય સ્થળે મુકવો જોઇએ તેમ ન કરવાથી અર્થનું ગૌરવ અમુક અમુક જગાએ જતું રહ્યું છે. તોપણ એકંદર રીતે જોતાં ભાષાન્તરકારે આપેલું પ્રતિબિંબ મૂળને અનુસરતું પડ્યું છે એ નિસંદેહ છે. કેટલેક સ્થળે એમાં મોટી ખામીઓ આવી જઈ મૂળની પાત્રતા વગેરેની ક્ષતિ થઈ છે; તેનાં ઉદાહરણો સ્થળ સંકોચની બ્હીકે અમે આપતા નથી. માત્ર એક સામાન્ય ટીકા અહીં કરીએ છિયે કે મણિલાલે પાત્રને સૂચનની નાટ્યોક્તિયોનો અર્થ કરવામાં કેટલેક સ્થળે ચુક કરવાને લીધે તે તે ઠેકાણાના ભાવને પ્રતિકૂળતા આણી છે. એવી અક્કેક શબ્દની ભૂલથી મૂળ ભાવ અને રસને હાનિ પહોંચે છે. શબ્દાર્થ વિષેનો અમારો મત એ જ છે કે જ્યાં સુધી મૂળ ગ્રંથના ગૌરવાદિકને હાનિ નથી પહોંચતી ત્યાં સુધી મૂળનો અર્થ કોઇ અંશમાં ભિન્ન દેખાડાયો હોય તો ચિંતા નહિ. પછી તેટલો અંશ ખોટો તે ખરો તો ના જ કહેવાય. પણ સંસ્કૃત અને ગુજરાતીમાં શબ્દ શક્તિ કાંઇ સરખી જ નથી. આ ભાષાન્તરમાં ઘણાક શ્લોક યમક રહિત છે. પરંતુ યમક રહિત કાવ્ય માત્ર એટલા જ કારણથી અમને અરૂચિકર નથી. આપણામાં કેટલાંક જૂનાં ગીત યમક રહિત છે તે આજ સુધી કોઇના શ્રવણને ઉદ્વેગ કરતાં નથી. લાંબા ચરણવાળા અને સંસ્કૃત ઢબના શ્લોક યમક રહિત હોય તો તે શ્રવણને અરૂચિકર લાગતા નથી. પણ કેટલીક જગાએ ઘણાભાગમાં યમક રાખીને પછી તરત યમક છોડી દીધો છે તેવી જગાએ કર્ણને ઉદ્વેગ થાય છે. વળી યમક રહિત કવિતાઓ કરીને મળેલી છૂટનો લાભ મૂળનો અર્થ વધારે સારી રીતે દર્શાવવામાં લેઇ શકાય તે લાભ ભાષાન્તરકર્ત્તાએ કેટલેક ઠેકાણે ખોયો છે. પદ્ય એકંદર રીતે આ ભાષાન્તરમાં શ્રવણને મધુર લાગે તેવું જ છે. તથાપિ કેટલેક સ્થળે તેમાં સ્હેજ દોષ આવતો હશે. પદ્યની મધુરતાના સંબંધમાં આ ભાષાન્તરમાં કેટલેક સ્થળે માત્રાદોષ આવી ગયા છે, તે કાનને ત્રાસપ્રદ છે એમાં શક નથી. નવી જાતની લાવણી ઠેકાણે ઠેકાણે દાખલ કરી છે. લાવણી બોલની સાથે જ કાંઇક અમુક તરેહની જુગુપ્સા જોડાયલી છે. અને સંસ્કાર આપીને ‘લાવણ્યમયિ’ કરીએ તોપણ એ બંધ અમને તો અરૂચિકર લાગે છે. ભાષા એકંદર સુંદર અને લાલિત્યવાળી છે. કેટલીક જગાએ જરૂર વના કઠણ સંસ્કૃત શબ્દો રાખ્યા છે. ‘અંતર્વ્યાકુલવિદ્યુદંબુદસમો’ અને ‘લોલોલ્લોલક્ષુભિત કરણોદ્વેગ’ એ તો સંસ્કૃતમયી ગુજરાતીની પરાકાષ્ટા છે. ભાષાને સંબધે ભાષાન્તરમાં મોટામાં મોટો ગુણ આત્મગ્રંથ જેવી સરળતા એ જ છે.

દણ્ડકાના પ્રદેશના વર્ણનનો મણિલાલે લખેલો કટાવ આ ભાષાન્તર વિષે સમગ્ર અસર તથા એકંદર અભિપ્રાય બતાવનાર ઠીક પ્રતિમા છે. "કો કો ઠામે, સ્નિગ્ધ રમ્યને, નયન હસાવે' તેમ જ 'કો કો ઠામે, રૂ૫ ભયંકર, ધારી કર્કશ, દેતિ ત્રાસ બહુ’ એવી આ ભાષાન્તરમાં પણ જૂદી જૂદી ભૂમિઓ છે. ગમે એમ હોય પણ એ સાક્ષરે આ અપૂર્વ નાટકના ભાષાન્તરથી ગુજરાતી સાહિત્યમાં એક રસભર્યું નાટક ઉમેર્યું છે. શાકુન્તલની પેઠે આ અપૂર્વ નાટકનાં બીજાં ભાષાન્તરો થયાં નથી.

આ લખતી વખતે જ આ નાટકમાંહીના ચિત્રદર્શનના મનોહર પ્રસંગનું એક બીજું ભાષાન્તર અમારા જોવામાં આવ્યું છે. મૂળ પ્રસંગની પેઠે એ ભાષાન્તર પણ ઘણું જ મનોહર છે. ભવભૂતિની બાનીનું યથાયોગ્ય ચિત્ર એમાં આપ્યું છે. આ છૂટક પ્રસંગનું ભાષાન્તર કરનાર વનમાળી તખુલ્લુસધારીએ આખા નાટકનું ભાષાન્તર નથી કર્યું એ શોચનીય છે. ‘ચિત્રદર્શન’ સન ૧૯૦૯ ના 'સમાલોચક' માં છપાયું છે. ખરી રીતે ચિત્રદર્શનના એ ભાષાન્તરની નોંધ લેવાનું અમારી પ્રતિજ્ઞાની બ્હાર છે છતાં એની ખુબી વડે ‘ઉત્તરરામચરિત'ની નોંધ લેતાં પડછે એને મુકવાની લાલસા અમે અટકાવી શકતા નથી, એ જ અમારો બચાવ છે. અમે એ પ્રસંગ આખો ન ઉતારતાં તેમાંથી જેટલો ભાગ ઉતારી લઇએ છીએ તે ભાગ મૂળમાંથી તેમ જ રા. મણિલાલના ભાષાન્તરમાંથી વાંચીને આની જોડે મેઢવી જોવાની અમારા વાંચનારાઓને વિનતિ કરીએ છઈએ. “( રામ સજલ નેત્રે ) સાંભરે છે—અહા—સાંભરે છે મને સૌ

( અનુષ્ટુભ )

નવા પરણી આવીને પિતુશ્રી શિર ગાજતાં;
આપણા દિન માજીની છાયામાં સુખમાં જતા.

( હરિણી )

નવી કળી સમી રૂડી ઊંડેરી દાઢવડે અને,
ફૂલ શી ખીલતી દંતૂડીએ મનહર આનને
સહજ સલૂણાં અંગે જ્યોત્સ્ના સમાન સુધામયે,
મુદિત કરતી માજીશ્રીને વધુ વધુ વિસ્મયે !

( સીતા ) આર્યપુત્રને યાદ છે કે આ સ્થળ ?

( રામ ) અરે

( માલિની )

શ્રમ થકી કરમાયાં નાળ શાં સાવ વ્હીલાં,
મુજ ઉર અરપી તું ધ્રૂજતાં અંગ ઢીલાં;
બહુ બહુ પરિરંભે ગાઢ ચંપાઇ છાંયે,
અહિં ગઈ હતી જંપી વ્હાલી, તે તે ભૂલાયે ?

( લક્ષ્મણ ) જુઓ આ વિંધ્યાટવીમાં પેસતાં વિરાધ ગળી જવા તત્પર થયો હતો તે.

( સીતા ) એનું નથી કામ. દક્ષિણના વનમાં પ્રવેશ કરતાં આર્યપુત્રે એક તાડપત્ર લેઈ મારે માથે છત્રછાયા કરી હતી તેનું પેલું ચિત્ર જણાય છે, તેજ હું તો મારે જોઇશ.

( રામ ) અહો પ્રિયે !

( વસંતતિલકા )

જે ઝાડ પ્હાડથી અહિં ઝરણાં ઝરે છે,
જ્યાં વાનપ્રસ્થ તપ વૃક્ષ તળે કરે છે;
મૂઠી વરીથી અહિં તુષ્ટ ગૃહસ્થ રે' છે,
વ્હાલી સદા અતિથિ જેહ તણે ઉરે છે.

(લક્ષ્મણ) આ જુઓ જનસ્થાન મધ્યે આવેલો પ્રસ્ત્રવણ પર્વત. તેમાંથી ગુફા ગવ્હરોને ગજાવી મૂકતી ભગવતી ગોદાવરી વહે છે, જેના ઉભય તટે ખીચોખીચ ઉગેલી ઝાડીની લીલીછમ ઘટા ગીચ બાઝી છે. એ પર્વત ઝરમર ઝરમર વરસ્યા કરતા મેઘને લીધે જુઓ બેવડો શ્યામ સોહે છે.
( રામ )
( માલિની )

ઠઠવઠ કરતો'તો વત્સ સૌમિત્રિ, તેણે
સુખથી દિન જતા ત્યાં આપણા સાંભરે ને !
વિમળજળની આવે યાદ ગોદાવરી કે ?
તટપર ફરતાં ત્યાં આપણે; છે ઉરે તે ?

વળી અહિં,

સજડ ભુજ અકેકે–સોડમાંહિ ભરાઈ
મુખથી મુખ અડાડી–સ્નેહ શું અંક લેઈ
ગુપચુપ ગગણંતાં અક્રમે આપણી તે
રજનિ જ રજની શી વીતતી સાંભરે કે ?

"ચિત્રદર્શન–સમાલોચક–૧૯૦૯."

મહાન કવિશ્રી કાલિદાસ અને ભવભૂતિની વાણીનો પ્રસાદ જેમ સંસ્કૃતમાંથી ગુર્જરીમાં ઉતર્યો છે તેમ જ બીજી ભાષાઓમાંથી પણ આ સાઠીમાં ગ્રંથો આપણી ભાષામાં આવ્યા છે. વાર્ત્તિકકાર તરીકે અને બુદ્ધિના પરિપાકને માટે પ્રખ્યાત ગુર્જર સાક્ષર સ્વ. નવલરામે એક ઘણું સુંદર હાસ્યરસ ભરેલું નાટક પ્રસિદ્ધ કર્યું હતું. આ નાટક તે તેમનું 'ભટનું ભોપાળું' છે. એ ગ્રંથ મૂળ ફ્રેંચ ભાષામાં મો. મોલિયરે સામાન્ય વર્ગના લોકના વિનોદ અને સુધારાને માટે લખ્યો હતો. એનું ઇંગ્રેજી ભાષામાં સમર્થ ગ્રંથકાર ફીલ્ડિંગે પોતાની નાની ઉમ્મરમાં ભાષાન્તરકર્યું હતું. ફ્રાન્સ અને ઇંગ્લંડ બન્ને જગાએ આ પુસ્તકના લેખક અને અનુવાદકે બહુ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી:ફીલ્ડિંગના આ સન ૧૭૩૨માં કરેલા ઇંગ્રેજી અનુવાદ ઉપરથી સન ૧૮૬૭ સ્વ. નવલરામે આ રૂપાન્તર કર્યું છે. અસલ ગ્રંથનાં યુરોપિયન સ્ત્રી  પુરુષોની જગાએ ગુજરાતી સ્ત્રી પુરૂષો પાત્રસ્થાને ગોઠવાયાં છે. આ ફેરફારને અનુસરતા બીજા ફેરફાર યોજી કાઢવામાં સ્વ. નવલરામે ચતુરાઈ વાપરી છે. જૂદાજ જનમંડળમાં આવ્યા છતાં, જૂદી જાતનાં હોવા છતાં મૂળ ફીલ્ડિંગનું પુસ્તક રૂપાંતર રૂપે મોજુદ છે. હાસ્યરસ લખનાર મોલિચરની વિચિક્ષણ બુદ્ધિ ગુજરાતી 'ભોળા ભટ' માં આવી છે. પણ તેણે ગુજરાતી વેશ પ્હેર્યો છે, અને પોતાની અસલ નાતજાત ન જણાય એમ આવી છે. આ ગ્રંથ બીજા ગ્રંથનું રૂપાન્તર હશે એવી કલ્પના પણ અજાણ્યાને થવી કઠણ છે. મૂળ ગ્રંથકારની કૃતિ જોડે રૂપાંતરકારની પ્રતિકૃતિનું તદન સામ્ય થઈ ગયું છે. આમ થવું એજ રૂપાંતરકારની ચતુરાઈ. ઘણી રીતે સુધરી શકે એવું હજુ છે છતાં ‘ભટનું ભોપાળું’ ઘણે અંશે આવા ચાતુર્યથી ભરેલું છે. મૂળ ગ્રંથકારને ફ્રાન્સમાં, ઇંગ્રેજી અનુવાદકને ઇંગ્લંડમાં તેવીજ રૂપાંતરકારને પણ ગુજરાતમાં કીર્ત્તિ મળી છે. સન ૧૮૬૭ માં આજ ગ્રંથ વડે આ સ્વર્ગવાસી સાક્ષરે ગ્રંથકર્ત્તાના મંડળમાં પ્રથમ પ્રવેશ કર્યો.

આ ગ્રંથ હાસ્યરસપ્રધાન છે. એમાં પ્રથમથી તે છેવટ સુધી અવિચ્છિન્ન હાસ્યરસનો જ પ્રવાહ છે. રસોમાં હાસ્યરસ જ્યારે પ્રાસંગિક હોય છે ત્યારે ઉચ્ચ રસિકને પણ ભોગ્ય થાય છે. જ્યારે સપ્રયોજન હોય છે ત્યારે બુદ્ધિશાળીની પણ પતિભાને દીપાવે છે; અને નૈસર્ગિક હોય છે ત્યારે જનસ્વભાવના પંડિતને કિંમતી થઈ પડે છે. ઉંચી જાતનો હાસ્યરસ આલેખવામાં બુદ્ધિ, અનુભવ, રસિકતા અને ચાતુર્ય એ સર્વનો ઉપયોગ છે. હસે છે તો બધાં પણ ચતુરના હસવા હસાવવામાં કાંઈ અપૂર્વતા રહેલી છે.

ज्यों कदरिके पातमें पात पातमें पात,
त्यों चतुरनकी बातमें बात बातमें बात
(पदुमावती.)

વળી હાસ્યરસના મદારીનું ખરૂં ચાતુર્ય પોતાનાં માંકડાને ખેલવવા કરતાં તેને અંકુશમાં રાખવામાં વધારે જોઈએ છિયે. તેમ જ પ્રસંગ, પ્રયોજન, સ્વાભાવિકતા, બુદ્ધિ, રસિકતા, ચાતુર્ય, અનુભવ, અપૂર્વતા અને અંકુશ વગરનો હાસ્યરસ એકલાં મરચાંના ભોજન જેવો જ છે.

મો. મોલિયરના નાટકમાં હલકાં પાત્રો છે. હલકી બુદ્ધિના લોકને ઉપદેશ કરવો એ તેનો ઉદ્દેશ છેઃ અને તેવો જ ઉદ્દેશ ગુજરાતીમાં રૂપાંતર કરનારે રાખ્યો છે, તે પણ સન ૧૮૬૭ ના આપણા દેશકાળને યોગ્ય જ છે. ઉચ્ચવર્ગના વિદ્વાનોને એ ગ્રંથ નિરસ પડે તેમ નથી. કારણ નાનાં છોકરાંના હાસ્યથી મોટાં કાંઈક આનંદ પામી શકે છે અને એમની સ્થિતિ સમજવાને વધારે શક્તિમાન થાય છે.

'ભટનું ભોપાળું' અસલ ગ્રંથ પેઠે નાટક રૂપે જ છે, અને એમાં અસલ ગ્રંથનો ઉદ્દેશ અને તેની સંકળના જોઈએ તેટલી સચવાઈ છે. યૂરોપિયન દેશાચાર આપણા દેશમાં નથી તેને ઠેકાણે આપણા દેશાચારનું આવાહન યોગ્ય રીતે થયું છે. યુરોપમાં મોટી વયની કુંવારી કન્યા ગમે તેની સાથે લગ્ન કરે અગર પ્રતિબંધ આવતાં તેની સાથે નાશીએ જાય. આપણા દેશમાં બાળલગ્ન હોવાથી એ અસંભવિત છે. તેમ છતાં કેટલીક નાતોમાં વધારે મોટી કન્યાના વધારે પૈસા ઉપજાવવાની રૂઢિ છે. અને તેવી નાતમાં ચંદા, નથ્થુશા, ઝુમખાશાહ મળી આવે એવું છે; મોટી થયેલી કન્યા ચંદાની પેઠે મુંગી થઈ બેસે તો તેમાં નવાઈ જેવું નથી.

'ભટનું ભોપાળું ' છપાતાં પહેલાં કવિ નર્મદાશંકરે વાંચ્યું હતું અને એનો હાસ્યરસ ખરો નથી એવા કવિના આક્ષેપના ઉત્તરમાં સ્વ. નવલરામે એમને એક કાગળ લખ્યો હતો, જેનું ખોખું 'નવલગ્રંથાવળિ' માં છપાયું છે. "કવિ તમે હાસ્યરસ સમજતા નથી" એમ સ્વ. નવલરામ લખે છે. કવિને ટોણું મારનાર પોતે અધિક ચતુરાઈ દર્શાવશે એમ લક્ષી અમે 'ભટના ભોપાળા' નો વિચાર કરીશું.

નાટકનું સ્થળ સુરત જીલ્લો છે, અને આ નાટક હાસ્યરસપ્રધાન છે એ જોતાં ઉભય પ્રસંગનો સંયોગ પ્રથમ દર્શને જ યોગ્ય લાગી જાય છે. કાઠીઆવાડ, સુરત અને અમદાવાદ એ ગુજરાતનાં ત્રણ અંગો છે. પરંતુ સુરત જીલ્લો રંગીલો છે, બીજા ભાગ નથી. જેમ મનુષ્ય માત્રને અન્ન વિના ચાલતું નથી તેમ ખાનગી અથવા બહારના સંસારમાં સુરતી પ્રજાને ઘણું ખરૂં મશ્કરી અને ટોળ સિવાય ચાલતું નથી. 'ભટના ભોપાળા' માં તેમ સુરતમાં પણ મનસા વાચા કર્મણા મશ્કરી કરવા કરાવવાનો પ્રચાર સવિશેષ છે. તેમાં એ પ્રાકૃત મશ્કરી કરવી અને તેની લ્હેજત ભોગવવી એ ત્યાંના જ વતનીઓ સમજે છે. પારસી પ્રજાનો ટિખળી સ્વભાવ પણ સુરતના જ સહવાસે આવ્યો હશે. મૂળ ઈરાનના પારસીઓ તો ગંભીર છે. ગુજરાતના પ્રસિદ્ધ ગ્રંથોમાં પ્રથમ હાસ્યરસપ્રધાન ગ્રંથ 'ભટનું ભોપાળું' છે. તેનું અને રૂપાંતરકારનું સ્થળ સુરત છે. ઉત્તર ગુજરાતનો વતની તેમાં આવો અને આટલો હાસ્યરસ ભાગ્યે જ ભરી શકત. ઉત્તર ગુજરાતના વતનીઓ વડે ઘણાએ ગ્રંથ લખાયલા છે, પરંતુ હાસ્યરસના ગ્રંથો ઘણુંખરૂં સુરતના વતનીઓના જ છે. શિવકોરભટાણી અને ભોળાભટના જેવી વઢવાડો સાથે નથ્થુશા અને ઝૂમખાશા જેવાઓ લે છે તેવી છૂટ અને બીજા સર્વ ચિત્ર સરતનાં જ વતની છે. તેમનો હાસ્યરસ જોઈ અમદાવાદીઓ હસશે, પણ તેનો સ્વાદ સુરતીઓ લે તેટલો અમદાવાદીઓ નહિ લેઈ શકે. ઉત્તર ગુજરાતમાં હાસ્યરસના પુસ્તકમાં મુખ્ય કવિ દલપતરામનું 'મિથ્યાભિમાન નાટક' છે. પણ તેનો હાસ્યરસ નૈસર્ગિક નહિ પણ કૃત્રિમ અને પ્રાસંગિક છે, એ વિષે અમો આગળ યોગ્ય જગાએ કહીશું. પ્રેમાનંદે કૃષ્ણ પાસે સુદામાને અને રુક્મિણી પાસે કૃષ્ણને કહેવડાવ્યાં છે એવાં નર્મ વાક્યમાં અને નરસિંહમહેતાના મામેરામાં છે તેવાં મર્મ વાક્યમાં ઉત્તર ગુજરાતની પ્રવિણતા છે. એ દેશને સુરતની પેઠે 'ખડખડ’ હસવું આવડવાનું જ નથી. મશ્કરી પુરેપુરી કેમ કરવી, લ્હડતાં લ્હડતાં હસવું શી રીતે, હસતાં હાડ કેમ ભાગવાં, મારમાં પણ પ્રીતિ કેમ ગણી લેવી, રોતાં રોતાં કેવી રીતે હસી પડવું, અપમાન અને ગાળોને મશ્કરીમાં કેમ લેખવવાં એ અને એવા અનેક પ્રસંગોથી "ભટનું ભોપાળું" ભરપૂર છે, અને ઠેકાણે ઠેકાણે એમાં આ પ્રસંગોમાં ફરકતો હાસ્યરસ ઉભરાઈ જાય છે. ચિત્ર કહેવતોના ભંડાર અને ઢોંગસોંગના સંગ્રહસ્થાન જેવો આ ગ્રંથ છે, અને એવા વિષયોમાં શોધકબુદ્ધિ કેમ પ્રવર્ત્તે છે તેના અવલોકનથી જ હાસ્યરસ ઉભરાશે. ખરી વાત છે કે આ સર્વ મૂળ ગ્રંથનું પ્રતિબિમ્બ છે. પણ પ્રતિબિમ્બ ધારણ કરવાની પણ શકિત જોઈએ છીએ. प्रभवति शुचिर्बिम्बोद़्ग्राहे मणिर्नमृदास्चयः ગુજરાતી રૂપાંતરમાં આ પ્રતિબિમ્બ ઘણે અંશે રહ્યું છે. ડા. ગ્રેગરી અને ભોળાભટ જેમ એક જ માણસ નથી તેમ ભટાણી અને ડોર્કાસમાં પણ ફેર છે. અને તેવી રીતે ઘણે ઠેકાણે જોવામાં આવશે. પરંતુ એ ફેર યોગ્ય છે. બિમ્બ પ્રમાણે જ પ્રતિબિમ્બ જોઈએ એવું નથી. જે કાચમાં પ્રતિબિમ્બ પડે તેના આકારની પણ પ્રતિબિમ્બમાં અસર હોવી જોઈએ. આ ન્યાયે ફેંચ પાત્રો ગુજરાતી થાય તો તે પુરેપુરાં જ થાય ત્યારે રૂપાંતર શુદ્ધ થયું ગણાય. પાત્ર હલકાં છતાં આ પુસ્તકમાં અનુચ્ચ ગ્રામ્યતા નથી. કેટલીક જગાએ સ્હેજ કહેવા જેવું હતું તે સ્વ. નવલરામે બીજી આવૃત્તિમાં ફેરફાર કરી નાંખ્યું છે. કોઈ સ્થળે દીર્ઘસૂત્રતા આવી જઈ કાર્યવેગની મંદતાને લીધે રસમાં સહેજ ખામી જણાય છે. પરંતુ એકંદરે આ પુસ્તક એક ઉચ્ચ જાતિનું બન્યું છે અને આપણી ભાષામાં આવાં રૂપાંતરો કવચિત જ જોવામાં આવે છે. દીલગીરી એટલી જ છે કે આ રૂપાંતરની સ્પર્ધા કરે એવું એકે પુસ્તક આપણી ભાષામાં અધાપિ થયું નથી.*[]

સ્વર્ગવાસી નારાયણ હેમચંદ્રે બંગાલીમાંથી 'અશ્રુમતિ’ નામનું સુંદર નાટક ગુજરાતીમાં ઉતાર્યું છે. ખૂલ્લા દીલથી લખેલા અર્પણપત્ર–ઉત્સર્ગમાં–એ સાધુ બધું માન સાક્ષર શ્રી નૃસિંહરાવને આપે છે. અને ખરેખાત એ નાટકની ભાષા શ્રી નારાયણની ભાષા જ નથી. મૂળ નાટક અમારી અગાડી નથી, અને હોય તોયે વાંચીને સમજીએ એટલા બંગાલીના જ્ઞાનને અભાવ અમે માત્ર ગુજરાતી ભાષાન્તરની જ વાત કરીશું. જોતિરિંદ્રનાથ ટાગોરના શ્રી નારાયણના આ આખા અનુવાદને રા. નૃસિંહરાવે સુધાર્યું નથી; પણ બધું જ જાતે લખી આપીને અને કવિતા બનાવી આપીને કવિત્વમય કરી દીધું છે. મૂળ નાટકમાં શેક્સપીઅરની છાયા ખૂલી જણાય છે. ફરીદના પાત્રમાં ઇઆગોએ અને રાજકુમાર સલીમના પાત્રમાં ઓથેલોએ પુનર્જન્મ લીધો હોય એવું સાફ દૃષ્ટિગોચર થાય છે. ઉંચા પ્રકારનો રસ રેડીને, અને ઉંચે પ્રકારે પાત્રતા જાળવીને રા. નરસિંહરાવે બેશક આ નાટક સર્વાનુભવ કવિત્વમય કરી દીધું છે; અને ભાષામાં એક આદરણીય પુસ્તકનો વધારો કર્યો છે. શ્રી નારાયણે બંગાળીમાંશ્રી 'પુરૂવિક્રમ’ નામે બીજા નાટકનો અનુવાદ પણ કર્યો છે.

મહા કવિ વિશાખદત્તની 'મુદ્રા રાક્ષસ’ના સાક્ષર કેશવલાલ હર્ષદરાય ધ્રુવે કરેલા અનુવાદની ખાસ નોંધ લેવી જોઈએ. નંદ વંશનો નાશ થઈને મૌર્ય વંશની સ્થાપના થયાનું ચમત્કારી ચિત્ર આપતું આ નાટકનું વસ્તુ કેવળ ઐતિહાસિક છે. પાત્રનિરૂપણ અને સંવિધાનચાતુર્યને માટે આ નાટક સંસ્કૃત ભાષામાં પણ અદ્વિતીય જ છે. રા. ધ્રુવ એક સારા સાહિત્યવેત્તા છે અને એમણે એ શાસ્ત્ર ઉપર બહુ પરિશ્રમ કરીને 'ગીત ગોવિન્દ', 'અમરૂશતક', 'ઘટકર્પર' અને મુદ્રારાક્ષસ વગેરેનાં ભાષાંતર કરીને ભાષાની સ્મૃદ્ધિમાં કિંમતી વધારો કર્યો છે, એટલું જ નહિ પણ પોતાના સહૃદયપણાનો ગુજરાતી વાંચકોને પરિચય દર્શાવી આપ્યો છે. આ નાટક ઉપર એમની ટીકા અલૌકિક છે. અમુક ગ્રંથમાં અમુક લોકોત્તર ચમત્કારવાળું વસ્તુ હોય તેને સમર્થન કરવા માટે રહસ્યને સ્ફુટ કરવું એ કામ સાધારણ બુદ્ધિથી બની શકતું નથી. કેટલાક ટીકાકારો માત્ર ઉપર ઉપરની બાબતો વિશે જ વિવેચન કરીને પોતાનું કર્ત્તવ્ય કર્યું માને છે, અને ચિંત્ય અને સંદિગ્ધ સ્થાનોની ઉપેક્ષા જ કરે છે. એવાને માટે હાસ્યમાં કહેવામાં આવે છે તેમ श्रीधर स्वामीकोभी शंका पड गइ' એમ બને છે ! પરંતુ વિદ્વાન ટીકાકારો ચિંત્યસ્થાનોને શોધ કરીને અને તેનું સ્પષ્ટિકરણ કરીને ગ્રંથના ગૈારવમાં ઓર વધારો કરે છે. આવા ટીકાકારો ઉત્તમ પંક્તિના છે; અને એઓ ઉત્તમ ટીકાકારના માનને પાત્ર થયા છે. એમની ટીકા એવી સવિસ્તર અને સપ્રમાણ છે કે તેની આગળ કલકત્તાની સંસ્કૃત ટીકાવાળી અને સ્વ. જસ્ટીસ તેલંગવાળી આવૃત્તિઓ ગૌણ થઈ ગઈ છે. પાઠાંતર નક્કી કરવામાં તો એમના પ્રયાસની પરિસીમા જ છે. ગ્રંથના રહસ્ય અને પાઠાંતર સંબંધે સારી મીમાંસા કરીને મૂળપદ પદાર્થનો ભાવ દર્શાવતાં આસપાસનાં પ્રમાણો આપીને તેને બહુ જ વિદ્વત્તાભરી રીતિયે સ્ફુટ કર્યો છે. તેમ જ ઘણા કાળ થયાં ફરી ગયેલા પાઠોના અસલ પાઠ સિદ્ધ કરવા માટે પણ બહુ જ શ્રમ લીધો છે. કાળનિર્ણયમાં એમણે ઉઠાવેલા પૂર્વ પક્ષનો રદીઓ ડા. ભાણ્ડારકર તરફથી ઘણાં વર્ષો થયાં તોએ બ્હાર પડ્યો નથી.

મૂળ નાટકનું વસ્તુ ઐતિહાસિક છે એ અમે કહી ગયા. ચાણક્યની નીતિ કુટિલ છે અને શ્રી વિશાખદત્તે નાટકમાં તેનું તાદૃશ ચિત્ર ખડું કર્યું છે. પરંતુ કુટિલ નીતિ છતાં આ નાટકમાં કોઈ વ્યક્તિના લોભ, લાભ કે કામની તૃપ્તિનો હેતુ નથી. ધન અને બળના મદમાં અંધ થયેલા જુલમગાર નંદને પદચ્યુત કરીને તેની ગાદીએ લાયક રાજાને બેસાડવો એવો ઉચ્ચ આશય છે. નીતિ ખુની છતાં ખૂનરેજી અટકાવનાર છે. આખા રાજ્યફેરફારમાં લોહીનું એક ટીપું ધરાધરી પડ્યું નથી. વસ્તુ અને વસ્તુસંકલના સચોટ હોઇને કાર્યવેગ ઘણો ત્વરાયુક્ત ચાલે છે. એટલી અને એવી ત્વરા છે કે વાંચતાં વાંચતાં આપણે પણ પાત્રમંડળમાં પ્રવેશ કરીને જાણે ભજવતા હોઈએ એવું ભાસે છે. શુદ્ધ ભાષાન્તર, વિદ્વત્તાભરેલી ટીકા, પશ્ચિયાત્ય પાંડિત્યના ધોરણપર લખેલી સમર્થ પ્રસ્તાવના, અને એ બધાની સાથે પોતાની સરળ પ્રાસાદિક ભાષા વડે રા. ધ્રુવે આ નાટક વિદ્યાર્થીથી માંડીને વિદ્વાનો ધરાધરીને મનન કરવા જેવું બનાવ્યું છે.

આ જ નાટકનું બીજું એક ભાષાન્તર ભાવનગરમાં થયું હતું પણ તેના વિશે કશું લખવા જેવું નથી.

મનોવિકારો અને ષડ્‌રિપુઓને પાત્ર બનાવીને લખાયલા સુંદર 'પ્રબોધ ચંદ્રોદય નાટક’ નો ગુજરાતી અનુવાદ પણ આ સાઠીમાં થયો છે. સદ્ધર્મનો બોધ આપતાં જુદાં જુદાં પંથોના ભોપાળાં વિવેકમાં રહીને આ રૂપકમાં કાઢ્યાં છે. અનુવાદ રસભર્યો અને સારી ભાષામાં લખાયો છે. આજ પ્રબોધ ચંદ્રોદય નાટકનું બીજું ભાષાન્તર સ્વ. રા. વલ્લભજી હરિદત્ત આચાર્યે કર્યું છે. પણ એ અનુવાદ વિષયે કાંઈ કહેવા જેવું નથી.

માલવિકાગ્નિ મિત્ર નાટક, નાગાનંદ નાટક, અને વેણીસંહાર નાટક વગેરેનાં પણ ભાષાન્તર આ સાઠીમાં જ થયાં છે. સ્વ. કવિ બાલ—બાલાશંકર ઉલ્લાસરામે “મૃચ્છકટિક” નું ભાષાતર કરીને આપણા વાચનમાં એક આનંદદાયી ‘પ્રકરણ’ ઉમેર્યું છે. પોતે જ વિનયમાં એને ‘છાયા મૃચ્છકટિક’ કહ્યું છે. મૂળને બહુ અનુસરતું ન છતાં, એમનું આ નાટક સુંદર છે. મૂળ નાટકના પાઠમાં ઘણો ઘોંટાળો છે. ક્ષેપક ભાગ એટલો બધો પેસી ગયો છે કે તેને પરખી કાઢવો મુશ્કેલ છે. તથાપિ બાલાશંકરની ભાષા પ્રાસાદિક હોવાથી નાટકમાં કોઈ એવી તરેહની સુંદરતા આવી છે કે વાંચનારને આનંદ ઉપજે જ. આ જ ઉત્સાહી લખનારે ‘કર્પુરમંજરી’ નામે ‘સટ્ટક’ નું ભાષાન્તર પણ કર્યું છે. ભ્રષ્ટ મૂળને અંગે થતા સ્વાભાવિક દોષોની અવગણના કરીએ તો આ નાન્હકડું ‘સટ્ટક’ વાંચવાલાયક બન્યું છે. બાલાશંકરની બાની જ એક તરેહની મસ્ત મનોહરતા ઉત્પન્ન કરે છે.

બંગાળી ઉપરથી થયેલા મૂળ હિંદીમાંથી કેટલાક ફેરફાર અને થોડા વધારા સાથે રા. નર્મદાશંકર દેવશંકર મહેતાએ ‘સતી નાટક’ ગુજરાતી પ્રજા રૂબરૂ મુક્યું છે. આ નાટક ઉચ્ચ ભાવનાવાળું, શૈવ પંથીઓને અને સ્ત્રીઓને ખાસ વાંચવાલાયક છે.

‘પ્રિયદર્શિકા’ અને ‘રત્નાવલિ’ નાં બબ્બે ભાષાન્તર ગુજરાતીમાં થયાં છે. રત્નાવલિના એક ભાષાન્તરકર્તાએ તો ગ્રંથના નામ ધરાધરીનું ભાષાન્તર કરીને તેનું નામ ‘મણિમાલા’ રાખ્યું છે !

મરાઠી અગર બીજી ભાષામાંથી ‘પુનર્વિવાહ પક્ષની પૂરેપૂરી સોળે સોળ આના ફજેતી અથવા રૂઢિ દિગ્વિજય’, ‘મોટા માધવરાવ પેશ્વા’ અને ‘ભ્રાંતિસંહાર’ નામનાં નાટકો પણ થયાં છે.

મહાન કવિ સેક્સપીઅરનાં નાટકોનાં ભાષાન્તરો અને રૂપાંતરો ગુજરાતીમાં થયાં છે. સન ૧૮૯૨ માં ‘કોમેડી ઓફ એરર’ ના વસ્તુ ઉપરથી ‘આશ્ચર્યકારક ભૂલવણી’ નામે નાટક થયું છે. ‘કાઠીઆવાડી’ એવા ઉપનામથી લખનારે ‘જૂલિયસ્ સીઝર્’ અને ‘ઓથેલો’ નાં ભાષાન્તર તેમ જ ‘ઓલ્ વેલ્ ધેટ્ એન્ડસ્ વેલ્’ ના વસ્તુ ઉપરથી ‘ચંદ્ર-રમણ’ નામે પ્રતિકૃતિ રૂપ નાટક રચ્યું છે. આ નાટકની ભાષા અપરિચિત લાગે છે અને મૂળનો સેક્સપીઅરનો રસ ધારણ કરી શકતી નથી. અંગ્રેજી રૂઢ વાક્યોના શબ્દશઃ તરજુમા ગુજરાતીમાં મૂળનો ખુબીદાર ભાવ આણી શકતા નથી. બીજાં નાટકો કરતાં ‘ચંદ્ર–રમણ’ જે પ્રતિકૃતિ રૂપ છે તે ઠીક થયું છે; જો કે એમાં પણ મૂળ વસ્તુ ઇંગ્રેજીમાંથી લીધેલું છે એ વાત એની શૈલીપરથી સહજ જ દૃષ્ટિગોચર થાય છે.

ગુજરાતી નાટકનો આરંભ કરનાર તો રા. રા. રણછોડભાઇ ઉદયરામ જ છે. સન ૧૮૬૧ માં તેમણે ‘જયકુમારીનો જય’ નામનું નાટક લખવા માંડ્યુ; અને સન ૧૮૬૨ માં કડકે કડકે બુદ્ધિપ્રકાશમાં પ્રસિદ્ધ કર્યું. આ નાટક સને ૧૮૬૫ માં પુસ્તકના આકારમાં ‘જયકુમારી વિજય નાટક’ એ નામે બહાર પડ્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે ‘ભવાઈ ઉપર અભાવ ઉપજવાથી પ્રથમ મારૂં લક્ષ નાટક ઉપર ગયું, અને મનમાં એમ આવ્યું કે નાટક વિષય પણ ગુજરાતી ભાષામાં ખેડાવો જોઈએ. આ વિષય ઘણો અઘરો છે, તેથી સામાન્ય સમજણવાળા લોકનું મુખ તેમાં થવું કઠિણ છે; માટે પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનોનાં નાટક આપણી ભાષામાં પ્રસિદ્ધ થવા માંડે, તેના અગાઉ ઉપરના પ્રકારના લોકોને તેમાં કાંઈ પણ પ્રવેશ થવાને સાધન મળે એટલા માટે મેં આ પુસ્તક લખવાનું આરંભ્યું;’ અને આ કારણથી તેઓ પ્રસ્તાવનામાં લખે છે કે, કુશળતાથી લખાયલા નાટક સરખી વસ્તુ, નાયક અને રસભેદની રચના ન કરતાં સામાન્ય લોકોને સમજણ પડે એવો વિસ્તાર તેમણે પુસ્તકમાં કર્યો છે. એ પુસ્તકમાં નાન્દી, સૂત્રધાર અને નટીનાં ભાષણ વગેરેથી સંસ્કૃત નાટક સરખો આરંભ કર્યો છે. પણ તે પછી સંસ્કૃત નાટકોનો નમુનો લીધો નથી. પણ સંસ્કૃત કે ગ્રીક ગમે તે નાટકશાસ્ત્રના નિયમ સચવાય તોજ નાટક રચાય એમ નથી. કાર્ય, વસ્તુસંકલના અને પાત્રભેદ એ નાટકના આવશ્યક અંશો છે. આ અંશો સિદ્ધ થવા માટે નાટકોમાં બીજનો ક્રમશઃ ઉદ્‌ભેદ હોવો જોઈએ; અને નાટક એ કાવ્ય હોવું જોઈએ. જયકુમારી નાટકમાં બીજના આવા ક્રમશઃ ઉદ્‌ભેદને બદલે સંભાષણ રૂપ વાર્ત્તા છે, અને ગદ્ય જ છે. કેટલીક ભાષામાં નાટકોમાંનાં બધાં સંભાષણ પદ્યમાં હોય છે. સંસ્કૃતમાં ગદ્ય અને પદ્ય બન્નેમાં હોય છે. કાવ્યને માટે ગદ્ય અને પદ્ય બન્ને ચાલે. સારા નાટકકારનું ગદ્ય કવિત્વવાળું હોય છે; અને જ્યાં ભાવ એકાએક એકઠો થઈ જાય છે અગર જ્યાં રસ વધતાં વધતાં ઘટ થઈ જાય છે ત્યાં તે પદ્ય– કવિતામાં–સ્ફુરી આવે છે. જયકુમારી વિજય નાટકમાં મધ્ય ભાગમાં આવાં કાવ્ય મુકવાનો પ્રયત્ન છે. બાકી જ્યાં જ્યાં પદ્ય છે તે તે સંભાષણ રૂપેજ માત્ર છે. નાયક નાયકાના લાંબા લાંબા પત્રો તે પણ ગદ્યમાં છે. નાટકની નાયકા જયકુમારી ગરીબ કુટુંબની પણ સુશિક્ષિત કન્યા છે. તેના ગુણથી આકર્ષાઈ પ્રાણલાલ નામે ધનવાન અને કેળવાયલો પુરૂષ કેટલીક મુશ્કેલીઓ છતાં આખરે લગ્ન કરે છે, એ આ નાટકનું વસ્તુ છે. આ પુસ્તકથી રા. રણછોડભાઇની નાટકકાર તરીકે ખ્યાતિ થઇ એટલું જ નહિ પણ એ પુસ્તક ઉપરથી કેટલાક કાળ સુધીને માટે ગુજરાતની નાટક રચનાનો આકાર રચાયો. પ્રેમમાં પડેલાં નાયક નાયકા પોતા વચ્ચે ઘણું અંતર છતાં અનેક વિઘ્નો નિવારીને આખરે લગ્ન કરીને સુખી થાયઃ એજ વાર્ત્તા આ પછી રચાયલાં અને ભજવાયલાં નાટકોમાં સમાઈ હતી. નાયક નાયકા વચ્ચેના અંતરની, અને તેમને નડેલાં વિઘ્નોની કલ્પના માત્રમાં જ એ સર્વ નાટકોની એક બીજાથી ભિન્નતા હતી. આ સર્વ પ્રવાહને વહેતો કરવાનું માન રા. રણછોડભાઇને જ ઘટે છે. ઘણાં ખરાં નાટકોમાં આરંભમાં સૂત્રધાર પછી વિદૂષક પ્રવેશ કરે છે અને નાટકનો સમારંભ ન સમજી શકવાથી મૂર્ખાઈ ભરેલા પ્રશ્નો કરે એ પદ્ધતિ પણ આ નાટકમાં મુકેલા એવા પ્રસંગના અનુસરણથી થઈ છે. જયકુમારી વિજય નાટકનો વિદૂષક સંસ્કૃત નાટકોના વિદૂષક કરતાં અભાવ ઉત્પન્ન કરનાર ભવાઈના રંગલાનો નિકટ સંબંધી છે. નાટકના સાહિત્યમાં રા. રણછોડભાઈની સહુથી વધારે ખ્યાતિ આ પછી સને ૧૮૬૬ માં તેમણે રચેલા ‘લલિતા દુઃખદર્શક નાટક’ ને લીધે થઈ છે. લલિતા દુ:ખદર્શક કરુણરસ નાટક છે, અને એનો અન્ત દુ:ખમય આવે છે. બાળલગ્નથી અને વરમાં ગુણને બદલે કૂળ જોયાથી કેવાં માઠાં પરિણામ થાય છે એ દશાવવા અ આ નાટકનો હેતુ છે. એની રચનામાં સંસ્કૃત નાટકોનો નમુનો લીધો નથી. એમાં સૂત્રધાર નટી વગેરે આવતાં નથી. નાટ્યશાસ્ત્રના मधुरेण समपयेत्–‘મધુરથી સમાપ્તિ કરવી’—એ ધોરી સૂત્ર અનુસાર સંસ્કૃત નાટકોમાં અંતે કરૂણરસ લાવવામાં આવતો નથી. ‘લલિતા દુઃખદર્શક’માં અંતે લલિતા–નાટકની નાયકા–નું દુ:ખથી મૃત્યુ થાય છે. આ નવો માર્ગ લેવામાં રા. રણછોડભાઇએ યોગ્ય હિંમત કરી છે. દુઃખમયઅન્તવાળું નાટક રચી તેમાં કરૂણરસ જાળવવો એ અઘરૂં પણ છે. આવી હિમ્મત અને રસિકતાને અભાવે રા. રણછોડભાઈનું અનુકરણ કરનારા બહુધા આ માર્ગ ગ્રહણ કરી શક્યા નથી. ‘લલિતા દુઃખદર્શક’ પ્રસિદ્ધ થતાં જ બહુ લોકપ્રિય થઇ પડ્યું હતું. અમદાવાદમાં ઠેરઠેર વંચાતું હતું એ અમને સાંભરે છે. ‘ગુજરાતી નાટક મંડળી’એ લાંબા વખત સુધી એ ખેલ ભજવ્યો હતો અને તેમાં રોજ પ્રેક્ષકોની ઠઠ જામતી. એના નાયક નંદનકુમારની કુપાત્રતા એટલી લોકપ્રિય થઈ પડી હતી કે ‘નંદન’ એ શબ્દ મુંબાઈગરી ભાષામાં મૂર્ખતા અને અધમતાવાચક થઈ પડ્યો હતો. કહેવાય છે કે એ ખેલ જોઈ એક ડોશી ઉપર એટલી અસર થઇ હતી કે પોતાની દિકરીનો વિવાહ કરેલો વર નંદનકુમાર જેવો છે અને તેથી દિકરી આખરે લલિતાની પેઠે દુઃખી થશે એમ ધારી એણે એ વિવાહ ફોક કર્યો હતો. આ પ્રમાણે આ નાટક જનવિચારમાં પ્રબળ અસર કરાવનાર થયું હતું. તેમ જ અનુકરણ કરનારાઓને પણ પત્નીની દુઃખી સ્થિતિનો વિચાર આલેખવાનો નમુનો થઈ પડ્યું હતું. બેશક રસાર્દ્રતા અને આવડતની ખામીને લીધે તેઓએ બહુધા એવી સ્થિતિનો અંત સુખમય કલ્પ્યો અને કરૂણ રસમય ઘટના તેઓ કરી શક્યા નહિ.

આ નાટક બીજના ઉદ્‌ભેદમાં, સંકળનામાં, પાત્રભેદમાં અને કાવ્યત્વમાં ‘જયકુમારી વિજય નાટક’ કરતાં ઘણું ચઢીઆતું છે. જયકુમારી વિજયની લાંબાં લાંબાં ગદ્ય ભાષણોની શૈલી એમાં કાયમ રહી છે અને વધારામાં લાંબાં પદ્ય વર્ણનોની શૈલી નવી દાખલ થઈ છે. ત્રીસ ત્રીસ ચાળીસ ચાળીસ તૂકનાં લાંબાં પદ્યને લીધે રસની ક્ષતિ થાય છે. નાટકની રચનામાં આવો વિસ્તાર અનુચિત છે. આ પ્રમાણે નાટક સાહિત્યમાં અગ્રણી થયા પછી રા. રણછોડભાઈએ સંસ્કૃત નાટકોના અનુવાદ કર્યા, પુરાણો પરથી વસ્તુ લેઈને નાટકો લખ્યાં અને ઇંગ્રેજીમાંથી પણ આપણી ભાષામાં ઉતાર્યા એ અમે યોગ્ય સ્થળે કહી ગયા છઈએ.

નાટકોની રચનામાં તેમનો એક આગ્રહ દૃઢ હતો કે પ્રાકૃત વર્ગની અધમ રૂચિની ખાતર નાટકમાં અધમતા આણવી નહિ, પણ લોકસમાજ ઉન્નતિ ગ્રહણ કરી શકે તે માટે ઉન્નતિસાધક અંશો નાટકમાં દાખલ કરવા. એમનો આ નિયમ સ્તુત્ય હતો. પરંતુ બીજા લખનારાઓએ રા. રણછોડભાઈનો આ ઉચ્ચ આશય જાળવ્યો નથી. નવી થયેલી નાટકમંડળીઓ પોતાના પ્રેક્ષકોની તૃપ્તિ સારૂ નવાં નાટકો મેળવવા ફાંફાં મારતી હતી અને ઘણાં નવાં નાટકોનો જન્મ આવી વાંછનાને જ આભારી છે. આમ જન્મેલાં નાટકોમાં રા. રણછોડભાઈના નિયમોનો કેવળ અનાદર થયો છે એ ઘણું શોચનીય છે. ગુજરાતી નાટકસાહિત્યની વૃદ્ધિ થઈ નહિ, તેમાં ઉચ્ચતા આવી નહિ, એનું આ એક મોટું કારણ છે. ઉપર કહી ગયા તેમ ગુજરાતી નાટકસાહિત્યનો આરંભ હિંદુ સંસારમાં સુધારો કરવાની ભાવનાથી થયો. આ બળને બીજાં પણ બળ આવી મળ્યાં હતાં.

નવાં લખાયલાં નાટકોની સંખ્યા ઘણી થોડી છે, એ શોચનીય છે. પૌરાણિક વસ્તુ ઉપરથી રચાએલાં નાટકેમાં રા. રણછોડભાઈનું ‘બાણાસુર મદમર્દન,’ અંગ્રેજી ભાષાન્તર ઉપરથી કરેલું ‘હરિશ્ચન્દ્ર’ અને કવિ નર્મદનાં ‘દ્રૌપદી દર્શન,’ ‘રામ જાનકી દર્શન,’ અને ‘બાળકૃષ્ણ વિજય’ વગેરે આવી જાય છે. નર્મદાશંકરમાં એ પ્રકારનું કવિત્વ ન હોવાને લીધે આ નાટકો એમની કવિતાની પેઠે પ્રસિદ્ધિ પામ્યાં નથી. રસિક અને શુદ્ધ ભાષામાં લખાયલું રા. મધુવચરામ વહોરાનું ‘નૃસિંહ નાટક’ અને કેટલાક સારા અંશોવાળું રા. ભટ્ટનું ‘શ્રવણ પિતૃભક્તિ નાટક' પણ આ વર્ગમાં જ આવે છે; બન્ને અત્રે નોંધ લેવા જેવાં છે.

ઐતિહાસિક નાટકોમાં રા. ગણપતરામનું ‘પ્રતાપ નાટક’ પ્રસિદ્ધ થયું હતું. એ ગ્રંથ વાંચીને કાઠીઆવાડના વિદ્વાન સ્વ. મણિશંકર કીકાણીએ પોતાનો અભિપ્રાય દર્શાવ્યો છે તે અમારો પણ આધીન મત છે. સ્વ. મણિશંકર કહે છે કે તે ‘દૃશ’ નાટક નથી. આ પુસ્તકના  પાત્રભેદ, વસ્તુસંકલના અને રસ તેમ જ એ બધાંની નિષ્પત્તિ કરનાર ખૂદ ભાષા એને માટે ઘણું કહેવાનું છે, છતાં સ્થળસંકોચને લીધે વધારે કહી શકાતું નથી. જો અમુક પુસ્તકની વધારે આવૃત્તિઓ થવા માત્રમાં જ ગુણ રહ્યો હોય તો આ નાટકની ચારેક આવૃત્તિઓ થઇ છે. એ જ વસ્તુ લેઇને વાંકાનેરના રાજકવિ નથુરામે પણ નાટક મંડળીને સારૂ 'પ્રતાપ પ્રતિજ્ઞા’ નામનું નાટક લખ્યું છે. મર્હુમ સાક્ષર નવલરામે 'વીરમતિ નાટક' પ્રગટ કર્યું હતું. એનું વસ્તુ માળવાના પરમાર રાજપુત્ર જગદેવનાં પરાક્રમોમાંથી લીધેલું છે. એમાં કેટલાંક સારાં ભાષણો અને સારાં કાવ્યો છે, પરંતુ કેટલીક જગાએ દીર્ઘસૂત્રીપણું દેખાય છે. તેમ જ વસ્તુસંકલના અને રસના અવિચ્છિન્ન પ્રવાહની ખામી જણાઈ આવે છે.

નીતિનો બોધ કરનારાં નાટકો પણ આ સાઠીમાં થયાં છે, પણ ઉપદેશનાં ભાષણો રૂપે અને રસની તેમ જ વસ્તુસંકલનાની ખામીને લીધે ખુબી વિનાનાં થયાં છે, અમુક દુરાચાર ત્યાજ્ય છે એ બતાવવાને જે કૌશલ્યની જરૂર છે તેને અભાવે તેઓ પોતાના હેતુનાં ઉચ્છેદકરૂપ નીવડ્યાં છે. રા. પાનાચંદ અમરજીએ રચેલા 'વ્યભિચાર ખંડન' નાટકનો હેતુ સ્તુત્ય છતાં એ નાટક ખંડન નહિ પણ મંડનની ગરજ સારે એવું બન્યું છે. વ્યભિચારના જૂદી જૂદી વ્યક્તિ, જૂદી જૂદી જ્ઞાતિ અને જાતિ, જૂદા જુદા ધર્મ અને પંથે પરત્વે વિભાગ પાડીને તેમાં તેમાં પ્રવર્તતા જુદા જુદા પ્રકારના વ્યભિચાર દર્શાવતા નિર્લજ પ્રસંગો અનિષ્ટ ભાષા અને લંબાણથી, જૂદા જૂદા પ્રવેશોમાં વરણવી તેની પછી બીજા પ્રવેશમાં 'જ્ઞાન સૂર્યાંગજા'નું તેવી અનીતિની દુષ્ટતા દર્શાવતું ભાષણ આપ્યું છે. આવી રચનાથી અનીતિ ફેલાવનારૂં વાંચન જ માત્ર વધાર્યું છે. આ નાટક જોતાં જ અમને ‘ફાર્બસ વિલાસ’નું એક ગોરજીએ અમદાવાદમાં જોવા લાયક જગાઓ કેઈ કેઈ છે એ સવાલના જવાબમાં કહેલું રમુજી કવિત યાદ આવે છે. એમાં બધી જોવા લાયક જગાનાં નામ ગણાવ્યાં છે. છેવટે એક દોહરો ઉમેરીને સાત ગાઉ ઉપર આવેલી અડાળજની વાવ ધરાધરી ગણાવીને તે જોવા ન જવું એવો ઉપદેશ કર્યો છે. મલીનતા દર્શક ચિત્ર જાતે પ્રગટ રીતે મલિન ન જોઇએ. માત્ર સૂચનાથી મલિનતા દર્શાવાય અને એનાં અનિષ્ટ પરિણામો કુશળ વસ્તુસંકલનાથી જણાવાય તો જ આવાં નાટકોથી નીતિબોધ થઇ શકે છે. આજ વર્ગમાં મુકવા જેવું બીજું નાટક ‘મદ્યપાન દુઃખદર્શક ચંદ્રમુખી નાટક’ છે.

સ્વ. ડા. હ. હ. ધ્રુવે નાટક સાહિત્યમાં પણ સુંદર ઉમેરો કર્યો છે. દર્પણકારનાં ગણાવેલાં અઠ્ઠાવીસે પ્રકારનાં દૃશ્ય લખવાં એવી એ સ્વર્ગવાસી ઉત્સાહી વિદ્વાનની પ્રતિજ્ઞા અમે જાણીએ છીએ. એને અનુસરીને જ એમણે 'અંક' અને 'વ્યાયોગ'ના નમુના તરીકે ‘વિક્રમોદય’ અને ‘આર્યોત્કર્ષ' લખ્યાં છે. આર્યોત્કર્ષમાં રાષ્ટ્રીય ભાવનાની જાગૃતિનું સારૂં ચિત્ર છે. 'અંક' અને 'વ્યાયોગ' જાતે જ ન્યૂન સંધીવાળાં રૂપક છે માટે એને બીજાં પ્રસિદ્ધ નાટકો સાથે સરખાવાય નહિ. સંસ્કૃતમાંના વ્યાયોગ–धनंजय विजयની સાથે મેઢવતાં આ વિદ્વાનનું સારાં કાવ્ય ભરેલું રૂપક બેશક ચઢે છે. રસ પણ તેમાં ઘટે એવો ભરેલો છે. ગુજરાતી ભાષાને એ વિદ્યાના જ વ્યસની વિદ્વાનના અકાળ અવસાનથી ખરંખરી ખોટ ગઇ છે.

રા. મગનભાઈ ચતુરભાઈ પટેલ તરફથી પોતાના પ્રથમ પ્રયત્ન તરીકે પ્રગટ થયેલા 'વૈદેહી વિજયમ્' નામના નવા નાટકમાં અંશાવતારી રામચંદ્રજીના જીવનના એક અંશનું નાટકરૂપે નિરૂપણ છે. આદિ કવિ શ્રી વાલ્મિકી, ભવભૂતિ અને તુલસીદાસે પોતાના ગ્રંથોમાં શ્રી રામચંદ્રજીનાં મનોહર ચિત્રો આપ્યાં છે. આ કવિયોએ આલેખેલાં ચિત્રોથી ત્રિભુવનૈક વીર શ્રી રામચંદ્રજીનું અંશાવતારીપણું ઓર ખીલીને આપણા હૃદયમાં આનંદ ઉપજે છે. પરંતુ રા. મગનભાઇનાં ચિત્ર અ પવિત્ર મૂર્ત્તિને આપણા હૃદયમાંના ઉચ્ચસ્થાન ઉપરથી નીચી પાડે છે. તેમને મનુષ્ય બનાવી દે છે અને તે પણ કેવી એ કોટીનું. શ્રીરામચંદ્રની મદનવિવશતા, ઉપભોગલોલુપ્ય, અને કામીજનની બીજી ચેષ્ટાઓ એમના સર્વમાન્ય ચારિત્ર્યથી તદ્દન વિરૂદ્ધ છે. તેમને યુવરાજપદે સ્થાપન કરવાનો સમારંભ થઈ ચૂક્યો હતો. બીજે દિવસે તેમ થાય તે પહેલાં કૈકેયીના આગ્રહથી તેમને રાજપાટ છોડીને વનવાસ જવું પડ્યું હતું. આ સમયનું ઉક્ત કવિયોનું કહેલું વર્ણન એ મહાવીરને કાંઈ ઓર જ ચિત્રે છે. તુલસીદાસજી કહે છે કે:— 

પ્રસન વદન ન થયું સુણી, અતિ શુભ રાજ અભિષેક;
ગ્લાની ન મુખ વનવાસ દુ:ખ, મુખચર્યા સ્થિતિ એક.
સદાય સ્હેજ પ્રસન વદન મંગળપ્રદ મંજૂલ

( કવિ શીવલાલનું તુલસી કૃત રામાયણ).

તે જ આ રામચંદ્ર એમ રા. મગનભાઈના ચિત્રથી મનાતું નથી. સંસ્કૃતની પ્રીતિ અને મોહથી રા. મગનભાઇએ કાલિદાસનાં નાટકોના કેટલાક ભાવ, ધાટી ઈત્યાદિ લીધાં છે; બલ્કે અનુકરણ જ કર્યું છે. કેટલાંક વાક્યો અને પાત્રની સૂચનાઓ સંસ્કૃત જ છે. આ નાટકમાં કેટલાક ગ્રામ્ય શબ્દો ઘુસી ગયા છે અને ભાષા વગર હેતુએ અગમ્ય થઈ છે. એમના પ્રથમ પ્રયાસની કુતુહલતાને લીધે આ નાટક વંચાશે. આ ઉત્સાહી અને વિદ્યાવિનોદી યુવાન તરફથી એક સારું ભાષાન્તર મળવાનો સંભવ છે.

‘ભટના ભોપાળા' ની વાત કરતાં બીજાં હાસ્યરસ નાટક થયાં નથી એમ અમે કહ્યું છે. બેશક ભટના ભોપાળાના જેવા નૈસર્ગિક હાસ્યરસવાળું નહિ પણ હાસ્યરસથી ભરેલું બીજું એક સુંદર નાટક ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચસ્થાન ભોગવે છે. સ્વ. કવીશ્વર દલપતરામનું ‘મિથ્યાભિમાન નાટક’ એક વાર વાંચ્યું હોય તો તે હૃદયમાંથી ખસતું નથી. આ નાટકનો હાસ્યરસ નૈસર્ગિક નહિ પણ પ્રાસંગિક છે; તેમ જ ‘ભટના ભોપાળા’ ની પેઠે છલકાઈને ઉભરાઇ જતો ત્વરિત નહિ પણ ઠાવકો, બેઠો અને શાંત વહેતો છે. પોતે રતાંધળો હતો તે આખું જગત જાણતું હતું તથાપિ કોઈ ન જાણી જાય એવા પ્રયત્ન કરનાર જીવરામ ભટ આ નાટકનો નાયક છે. કવિયે બધાં પાત્રને મિથ્યાભિમાની કલપ્યાં છે. એકને કુળનું, બીજાને વિદ્વત્તાનું તો ત્રીજાને વળી જૂદી જ બાબતનું મિથ્યાભિમાન છે. ટુંકમાં સઘળાં પાત્ર પોતપોતાના મિથ્યાભિમાનમાં પચી રહેલાં છે. હાસ્યરસ જમાવવાની સ્વ. દલપતરામની શક્તિ કુદરતી હતી. તેમનો હાસ્યરસ પણ ઠરેલ છે. પાત્રભેદ અને સારી સંકલના છતાં આ નાટક માત્ર વાર્ત્તારૂપ લાગે છે. નાટકમાં ગમે તે સ્થળે, ગમે તે વખતે અને ગમે તે પ્રસંગે રંગલો–વિદૂષક આવે અને ગમે તેનું ગમે તેવું ઉપહાસ કરે અને ગમે એ બોલે એ  પદ્ધતિ એમણે ભવાઈની લીધી છે. વિદૂષકનું નામ રંગલો રાખ્યું છે તે પણ ભવાઈનું જ છે, છતાં સ્વ. દલપતરામે પોતાના રંગલાને કાળ અને સ્થળ અંતર કુદી જનાર સર્વવ્યાપી બનાવ્યો નથી. મુંબાઈના એક ભાટીઆ ગૃહસ્થ તરફથી છપાયલા ઇનામને સારૂ કવીશ્વરે આ નાટક લખ્યું હતું. પસંદગીને સારૂ મોકલતી વખત એના ઉપર સંજ્ઞા પણ ‘ભુંગળ વિનાની ભવાઇ’ એવી રાખવામાં આવી હતી. આખું નાટક ભજવાતાં સાજંદાની મંડળી હાજર રહે છે; અને પાત્રનો પ્રવેશ વગેરેનું સૂચન પણ 'જૂવો ભાઈ જીવરામ ભટ આવ્યા. ઇ. ઇ. તાતા થેઈ.’ વગેરે ભવાઇની જ પરિભાષામાં જ કર્યું છે. ભટના ભોપાળાને અંગે બોલતાં અમે એક સમર્થ વિદ્વાનના શબ્દમાં કહી ગયા છઇએ કે હાસ્યરસ જમાવતાં માંકડાંને ખેલવવાના કરતાં અંકુશમાં રાખવામાં ખરૂં ચાતુર્ય છે. આ અંકુશને અભાવે, મિથ્યાભિમાન નાટકના રંગલાના અનુકરણ રૂપે પાછળથી થયેલાં નાટકોમાં વિદૂષક એક પ્રબળ પાત્ર થઇ પડ્યો હતો. વિદૂષકની શક્તિ અગાધ થઈ પડી ! એ ગમે ત્યાં અને ગમે ત્યારે જઇ શકતો ! એ ગમે તેવી બાબતમાં ટાહ્યલું પુરતો ! અમારા મિત્ર સ્વ. કેશવલાલ પરીખના 'કજોડા દુઃખદર્શક નાટક'માં તો વિદૂષકની શક્તિ પરાકાષ્ટાએ પહોંચી છે. એ નાટકમાં કજોડાવાળું દંપતિ સુઈ રહે છે તે વખત પણ વિદૂષક હાજર હોય છે ! નાટકની નાયકા ચંચળ પોતાના પતિને શયનગૃહમાં કાંઈ કહે છે તેના ઉત્તર ધરાધરી આપવાની ધૃષ્ટતા વિદૂષક કરે છે ! 'મિથ્યાભિમાન નાટક' લખ્યા છતાં પણ કવીશ્વર નાટકકાર તરીકે ગુજરાતને જાણીતા નથી.

શિશુપાળ વધ અથવા રૂકિમણી હરણ એ પ્રખ્યાત પૌરાણિક ઈતિવૃત્તને વસ્તુ લેઈને રા. ન. પુ. શંઘવીએ એજ નામનું નવીન નાટક રચ્યું છે. રા. રણછોડભાઇ અને રા. મણિલાલનાં હાલની શૈલીનાં નાટકની રીતે આ નાટક લખવામાં આવવા છતાં તેમાં નાટ્યશાસ્ત્રના નિયમોની ઉપેક્ષા કરી જણાતી નથી. બીજને યથાપ્રસંગ ખિલવવામાં તેમણે બહુ સફળ પ્રયાસ કર્યો છે. પદ્ય છંદમાં નહિ પણ હાલનાં નાટકશાળાઓમાં  ગવાતાં ગાયનોના રાગમાં રાખ્યાં છે. ભાષામાં ગણ્યાં ગાંઠ્યાં સુંદર નાટકોમાંનું આ એક છે.

આ સાઠીની શરૂવાત પહેલાં, શરૂના અને ત્યાર પછીના ઘણા કાળ સુધી લોકોના આનંદ સારૂ માત્ર ભવાઈ જ હતી એ અમે અગાડી કહી ગયા છઈએ. સંસ્કૃત નાટકોમાં સૂત્રધારને માનપૂર્વક 'ભાવ' કહીને સંબોધવામાં આવતો. આ ભાવ શબ્દ ઉપરથી ભવાઈ શબ્દ થયો હશે એવી કલ્પના સ્વ. હ. હ. ધ્રુવની હતી. ભવાઈ કરવાનો જ ધંધો કરનારી ખાસ નાત બની છે અને તે ભવાઈઓની ટોળીઓ બંધાઈને ગામેગામ, શહેરેશહેર અને વખતે મહોલ્લે મહોલ્લે રમવા જતી. અમુક ટોળીને અમુક જગાએ રમવાનો, વખતે અમુક નાતને જાચવાનો, વંશપરંપરાનો હક્ક હતો. ભવાઈને માટે રંગભૂમિ વગેરેની જરૂર નહોતી. પોળમાં, રસ્તામાં, ધર્મશાળામાં કે કોઈ દેવાલયમાં તેઓ રમતા. દોરડું બાંધીને લુગડાનો ફાટો તૂટો પડદો અગર જૂની જાજમ નેપથ્યની ગરજ સારતી. નવા વેશ તેમાંથી બહાર આવતા અને વેશ ભજવીને જતાં પાત્રો તેમાંજ અદૃશ્ય થતાં. તેઓ નાનાં મોટાં જેવાં મળી આવે એવાં લુગડાં ઘરેણાં પહેરતા. ખુબસુરત દેખાવાને સારુ મોઢે સફેતો કે હરતાલ ચોપડતા. મશાલ તેમને પ્રકાશ પૂરો પાડતી. પાત્ર આવતી વખત વધારે ચમત્કાર જેવું જણાવાને વખતે રાળના ભડકા કરતા. બિભત્સ ભાષણ અને જુગુપ્સા ઉત્પન્ન કરે એવા ચાળા એ ભવાઈનાં ખાસ લક્ષણો હતાં. એમનો ખાસ નાચ ઈજીપ્ટના નાચ જેવો નઠારા હાવભાવથી ભરેલો હતો. તેઓ પોતાની રમતના પ્રારંભમાં ગણપતિનો વેશ કાઢતા. કાગળના અગર લુગડાના ગોટિલાની સુંઢવાળો હસામણો ગણપતિ બનીને આવતો. ત્યારપછી જૂદા જૂદા વેશ ક્રમવાર આવતા. દરેક વેશમાં મુખ્ય પાત્ર અને તેની સાથે 'રંગલો' આવતો. ગમે એવાં નિર્લજ વચનોથી–નિર્લજ શ્લેષથી અને બિભત્સ ચાળાથી જોનારાને હસાવવાનું કામ એનું હતું. આવી લાંબી પરંપરાવાળી ભવાઈનું એક્કે પુસ્તક નહોતું. તેઓ પોતાના પાઠ મ્હોડેજ રાખતા. વખતે કોઈ પોતેજ ઉકેલી શકે એવા અક્ષરોમાં ઉતારી લેતા હોય. સઘળી તરેહના સુધારાપર લક્ષ દોડાવનાર સ્વ. મહીપતરામજીને ભવાઈ કે એવી સંસ્થાની જરૂર અને તેની સાથે જ પ્રચલિત ભવાઈની અયોગ્યતા જણાઈ તેથી તેમણે ભવાઈમાંથી નઠારો ભાગ કાઢી નાંખી–ભવાઈઆઓને ભુંડું બોલવાનું ભૂલવવાનો સબળ પ્રયત્ન કર્યો. ઉછરતા ભવાઈઆઓને શિખવા સારૂ અને આ જૂનાં પ્રહસનો નાશ ન પામે એ હેતુથી–'ભવાઈ સંગ્રહ ' નામનું પુસ્તક લખ્યું. એ ખેલોની ભાષા ગુજરાતી, હિંદી−અગર ખરૂં કહીએ તો 'અબી તલક ચ્યાં ગ્યાતા’ એવી મુસલમાની અને મારવાડીના ખિચડા જેવી છે. પદરના પૈસા ખરચી ખરચીને ભવઈઆઓને એકઠા કરી કરીને એમણે મહાપ્રયાસે આ પુસ્તક તૈયાર કર્યું છે. તથાપિ આ વિરલ સુધારકની સારી ધારણા બર આવી નહિ અને ભવાઈઆઓ સુધર્યા નથી. 'ભવાઇ સંગ્રહ' સ્વ. નર્મદાશંકરને અર્પણ કર્યું હતું અને તેથી એ સ્વર્ગવાસી કવિને સ્હેજ માઠું લાગ્યું હતું ! હાલ નાટકશાળાઓ થવાથી અને ભવાઈઆના દિકરાઓ બહુધા તેમાં જોડાવાથી તેમ જ લોકોની રૂચિ અને લક્ષ્ય બદલાવાથી ભવાઈની પડતી થઈ છે.

કેટલાક કાળ પછી શરૂવાતમાં દક્ષિણની નાટક મંડળીઓ ગુજરાતમાં ખેલ ભજવવા આવતી થઈ. તેની અસરથી અહિં પણ નાટકમંડળીઓ નીકળી તેમ જ નાટક લખનારાઓ ઉપર પણ તેની અસર થઈ. દક્ષિણની કિરલોસકરની તેમ જ સાંગલીકરની મંડળીઓ ગુજરાતમાં પોતાના ખેલ ભજવીને વાહ વાહ કમાઈ ગઈ હતી. એ મંડળીઓના ખેલ વખત પણ શરૂવાતમાં કાગળની સુંઢવાળો ગણપતિ રંગભૂમિપર આવતો. તેમ જ પેટ અગાડી લાકડાનું મોરનું મોઢું અને બરડા ઉપર મોરપિચ્છની ઝુડીઓ બાંધેલી સરસ્વતી પણ રાળના ભડકાથી વચ્ચે થેકડો મારીને રંગભૂમિ ઉપર આવતી ! દક્ષણી મંડળીઓ ગુજરાતમાં ખેલ કરતાં એવી રૂઢિ રાખતી કે પાત્રો ગદ્યમાં મરાઠીને બદલે હિંદુસ્થાનીમાં બોલે. પદ્ય સહેલાઈથી ન બદલી શકાય એમ હોવાથી ગાયનો મરાઠીમાં જ થતાં. બીજો એક રિવાજ હસવા જેવો હતો. એ લોકો આખ્યાનો વગેરેમાંથી બહુધા પોતાનું પદ્ય લેતા અને તે સૂત્રધાર જ બોલતો. સૂત્રધાર બધો વખત એંટદાર પાઘડી પહેરીને હાથમાં મંજીરા લેઈને રંગભૂમિના એક ખૂણામાં સાંજંદાની સાથે હાજર જ રહેતો. પાત્ર આવે, અભિનયયુક્ત ગદ્ય બોલવાનું હોય તે બોલે, અને જ્યાં પદ્ય આવ્યું કે 'મેં કહેતા હું–કે કહેતી હું–તૂં સૂનલે' કહીને ચૂપ ઉભું રહેતું. એમ થાય કે સૂત્રધાર મંજીરા ખખડાવતેકને સાજંદા જોડે ગાવા મંડી જાય ! બ્રહ્મચારી થએલો અર્જુન સુભદ્રાને પોતાનો પ્રેમ નિવેદન કરે તે સુત્રધાર દ્વારા થાય ! અને લાલિત્ય ભરેલી સુભદ્રા પણ પોતાનો પ્રેમ સુત્રધાર મારફત જ ગાઈ જણાવે ! ગુજરાતમાં નાટકમંડળીઓ નવી નીકળી ત્યારે ઘણા કાળ સુધી આ રિવાજની અસર રહી હતી. મોરબી નાટકમંડળીનાં નાટકોમાં આરંભમાં કેટલાંક વર્ષ સુધી પાત્રોની ગદ્ય ભાષા હિંદી અને ગાયનો ગુજરાતીમાં હતાં. પારસીભાઈઓએ આ પ્રદેશમાં પણ યથેચ્છ રમણ કર્યું છે. પારસી નાટકમંડળીઓ પ્રથમ અસ્તિત્વમાં આવી હતી. ફારસી અને ઉર્દુ કિસ્સાઓ ઉપરથી તૈયાર કરેલાં નાટક એઓ ભજવતા. ગુલબંકાવલી, બદરેમુનિ અને બેનઝીર એવાં એવાં નાટકો પારસી અને મુસલમાન કોમોને રૂચતાં થઈ પડતાં. એમાંની કેટલીક મંડળીઓએ સારું નામ કહાડ્યું છે. ગુજરાતી કંપનીઓ પણ સારી અને માતબર થઈ છે. બાકીનીઓ જૂના ઉતરેલા ડ્રેસ, જૂના રદૃ થઈ ગયેલા પડદા અને સીનેરીથી પોતાનો નિભાવ કરી લે છે. તેમને નાનાં ગામમાં રખડવું પડે છે અને જેમણે નાટક શું એ કદી જોયું કે જાણ્યું એ ન હોય એવા પ્રેક્ષકોને રિજાવીને પોતાનું ગુજરાન કુટી કાઢવું પડે છે. મહેનતના બદલામાં ગામડામાંથી અનાજની લખણી ધરાધરી કરાવતી મંડળીઓ હોય છે !

નાટક મંડળીઓ સારૂ લખાયલાં નાટકોમાં છેક હલકા વર્ગની જ રૂચિને આનંદ આપી ઘણા પ્રેક્ષકો મેળવી દ્રવ્ય સંપાદન કરવાનો હેતુ હોવાથી ઉચ્ચ ભાવના, ઉંચો રસ અને ઉચ્ચ વૃત્તિયોનો અવકાશ જ રહેતો નથી. માત્ર સભાષણ રૂપે વાર્તા લખી તેમાં વિષયવાસનાને ઉદ્દીપ્ત કરવી, ગમે તે રીતે હાસ્ય ઉપજાવવું એ નાટકનો ઉદ્દેશ થઈ પડ્યો છે, પ્રેમમાં પડેલી મોટી પદ્વીની સ્ત્રી, પોતાના પ્રેમની અવલંબન નાના છોકરાને 'છોકરા ડરમાં તું દીલ સાથ, તને કોઇ ન મારે લાત'; અને અગાડી જતાં છોકરાને ફોસલાવવા કહે છે 'જોને મારે કેવાં કંકણ હાથ’ એમાં કવિતા ક્યાં છે ? રસ ક્યાં છે ? પોતાની સાધ્વી સ્ત્રીનું શિયળભંગ થવાની શંકાથી ચારસેં ગાઉથી એને 'ફટ’ (!) કહેવા આવેલો રાજવંશી પતિ ઉઘાડી તરવારે અંતઃપુરમાં ધસે, સ્ત્રીને–રાણીને–લાત મારે અને બેબાકળી થઇને ફસડાઈ પડેલી સ્ત્રીના ઉપર તરવાર ઉગામી–તડી તડીને મારવા જતો અને ક્રોધભર્યો ઉભો રહીને પછી ગાયન ગાવા મંડી જાય, આના જેવો રસભંગ બીજે ક્યાં જડે ? ! ઉચ્ચ વર્ગનું પાત્ર પોતાની સ્ત્રીને 'ફટ ગ—ડી ચૂપ' કરીને ગાયન ગાય છે ત્યાં જૂગુપ્સાની સીમા આવી રહે છે. તેમાં એ વળી આવા દેખાવ વખતે 'વન્સ્ મોર' થાય અને વારેવારે એના એ જ ધમપછાડા, એના એ જ અભિનયો કરાય, અને વારેવારે કુદરતમાં ના જ બને એવા બનાવો જેમકે મોત, તે પણ આવી ક્ષુદ્રતાથી ભજવી બતાવાય ત્યાં તદૃન કૃત્રિમતા આવે છે. વળી કોઈ કોઈ નાટકોમાં અમુક પાત્રને ઉપદેશક બનાવી તેની પાસે ડહાપણનાં ટાહ્યલાં કુટાવાય છે. સત્ય સ્પષ્ટ કહી બતાવવું નહિ પણ સમગ્ર નાટક ઉપરથી વાંચનારને-જોનારને–પોતાની મેળે ઉપજાવી કાઢવા દેવું એ ખરી રીતિ છે, તથાપિ અઘરી છે. અને તેથી જ નાટકને ભાષણ કરવાનું સભાસ્થાન બનાવી દેવામાં આવે છે. અગાડી નામ ગણાવેલા 'મદ્યપાન દુઃખદર્શક’ માં બસેં પાનાંનું લાંબું ભાષણ છે ! લખનારાઓને એ શી રીતે ભજવાશે તેનો ખ્યાલ પણ નહિ હોય !

જો નાટકો રંગભૂમિ પર ભજવી શકાય નહિ તો સાધારણ વાર્ત્તા અગર નિબંધ અને નાટકમાં શો ફેર રહ્યો ? નાટક એ નિબંધ નથી; નાટક એ કેવળ વાર્ત્તા નથી. નાટકમાં બીજનો ઉદય ક્રમશઃ પગલે પગલે સંકલિત થવો જોઈએ; તેમ જ એનો રસ પણ ગાઢ જોઈએ. સાધારણ નિબંધ અગર વાર્ત્તા લખનારના કરતાં પણ નાટકકારમાં ઉચ્ચ પ્રકારનું ચાતુર્ય અને જૂદા જૂદા જનસ્વભાવનાં જૂદાં જૂદાં રસમય ચિત્રો આલેખવાની શક્તિ જોઈએ. અને તેથી જ નાટકકારની પદ્વી ઉંચી છે. આ વાત લક્ષની બહાર જવાથી જ નાટકની કળાની ક્ષતિ અને અવગણના થઈ છે. હાલ તો વાર્ત્તાને સંભાષણનું રૂપ આપવું, હલકી પ્રતિનો હાસ્ય ઉત્પન્ન કરવાનો યત્ન કરવો, ગદ્યથી થાકે ત્યાં પદ્ય અને પદ્ય થી થાકે ત્યાં ગદ્ય મુકવું, અને સંગીતશાસ્ત્રના નિયમ વગરન –ધપ–છપ–ગપ–ભપ–એવાં વિચિત્ર તાલ ને પ્રાસવાળાં ગાયનો ઉમેરવાં એ નાટક લખવાના ધોરી નિયમ થઈ પડ્યા છે. આવાં નાટકો ખાંડીબંધ ઉભરાઈ જાય તોપણ તેથી ભાષાની સ્મૃદ્ધિ વધી લેખાતી નથી. बोधारोमत्सरग्रस्ता:ની પેઠે વિદ્વાનો લખતા નથી અને નાટકશાળાની ભૂખ ભાગવાનું કામ સાત ચોપડીઓની શમશેરે ઝૂઝતા લેખકો પર આવી પડ્યું છે. જેને કાંઈ ન આવડે તેને નાટકશાળાને માટે નાટક લખતાં આવડે ! આમ થઈ પડ્યું છે એ ઘણું ખેદકારક છે. રા. રમણભાઈ કહે છે તેમ આના કરતાં પણ સુલભ નવલવાર્ત્તા લખવાનો રસ્તો સૂજ્યો ત્યારે જ આ ગ્રંથકર્તૃત્વપદાભિલાષી–અમે એમને ગ્રાંથિકસન્નિપાત થયેલા કહીશું–ઉપાસકોએ નાટકનો ખ્યાલ મુક્યો !

રંગભૂમિ ઉપર ભજવાતાં નાટકો સંબંધે ઉપર કહી ગયા. એ નાટકોમાં જો ઉંચી ભાવના દાખલ થાય, માત્ર હલકી પ્રતિના પ્રેક્ષકોના વિનોદાર્થે નહિ પણ જનસમૂહની વૃત્તિ અને નીતિ ઉચ્ચતર કરવાના સ્તુત્ય અને પ્રશંસનીય હેતુથી જે માત્ર તે લખાય અને ભજવાય તો બેશક ધીરે ધીરે પ્રેક્ષકોની રૂચિ પણ ઉંચી થાય. તેમ જ લેખકોની દૃષ્ટિ પણે સર્વદા ઉચ્ચ લક્ષ તરફ જ રહે. કેટલીક મંડળીઓનાં કેટલાંક નાટકો સારા અંશવાળાં છે, એ કહેવું જોઈએ. મર્હુમ ડાહ્યાભાઇ ધોળશાનો નાટકના સાહિત્યની ઉન્નતિ કરવાનો પ્રયાસ સારી રીતે જાણીતો છે. વાંકાનેરના રાજકવિ રા. નથુરામનાં કરેલાં નાટકોમાં કેટલાંક સારા અંશવાળાં પદ્ય છે. કાઠીઆવાડી નાટકમંડળીવાળા રા. વિશ્વનાથનો પણ ઉદ્દેશ એવો દેખાય છે. રા. ડાહ્યાભાઈનું નાની વયમાં મૃત્યુ થવાથી તેમનો પ્રયાસ અટકી પડ્યો. મોરબી અને ગુજરાતી મંડળીનાં કેટલાંક ગાયનો રસભરેલાં છે. પણ પ્રેક્ષક વર્ગની તુષ્ટિને સારૂ ફરી ફરીને ગાવામાં આવવાથી તેનું લાલિત્ય ઓછું થતું જણાય છે. નાટકોમાં કદી કદી સારાં કાવ્યો દૃષ્ટિગોચર થાય છે એમ અમે કહ્યું, પણ માત્ર સારાં કાવ્યોથી જ નાટકનું સમગ્ર રૂપ થતું નથી. તેમ થવાને તેનાં સઘળાં અંગો હોવાંજ જોઈએ. આંખ આંજી નાંખતાં ખોટાં જરીદાર કપડાં. ઝગઝગાટ રોશની અને ભપકાદાર પડદાઓથી મૂળ વસ્તુની ખામી પુરાતી નથી.

આવી દશામાં, ગુજરાતી નાટકસાહિત્યમાં માત્ર એક જ આશાજનક નવું નાટક ઉમેરાયું છે. પ્રથમ પ્રયાસ હોવાથી સર્વથા દોષરહિત તો નહિ પણ કુશળતા ભરેલી વસ્તુસંકલના, જનસ્વભાવનું રસિક ચિત્ર અને કવિત્વમય ભાવ મર્હુમ વિદ્વાન મણિલાલકૃત 'કાન્તા'માં જ દૃષ્ટિગોચર થાય છે. કવિના પોતાના હૃદયની વિશેષતા ગૌણતા પામીને માત્ર પાત્રના હૃદયનાં ભાવભર્યાં ચિત્રો આ નાટકમાં જ મળે છે. એ નાટક ઉપરથી લખનારનો બુદ્ધિપ્રભાવ નજર પડે છે. મનોહર કલ્પનાવિલાસ, સર્વ ઇંદ્રિયોના પુષ્કળ અભિલાષ, કુશળતા ભરેલો સર્વાનુભવ, સૃષ્ટિલીલાનું અનેકરૂપ દર્શન અને વર્ણનો નવાં લખાયલાં નાટકોમાં માત્ર ‘કાન્તા'માં જ મળે છે. સને ૧૮૮૪ માં આ નાટક લખ્યા પછી સ્વ. મણિલાલે નાટકલેખન મૂકી દીધું. આ અંગે બોલતાં તે એમની વૃત્તિ અભેદમાર્ગગામી થતાં ખરેખર સાહિત્યને ખોટ જ ગઇ છે.

નાટકનું કવિત્વ બહુ વિરલ હોઈ તેમાં કુશળતા સંપાદન થવી બહુ દુર્ઘટ છે. માટે જ પ્રેરક બળો છતાં રા. રણછોડભાઈનો ચલાવેલો પ્રવાહ અટક્યો છે. એ ઝરણાએ વધીને નદીનું રૂપ ધારણ કર્યું નથી, અને નાટકસાહિત્યની ઉન્નતિ થઈ નથી. નાટક મંડળીઓનાં નાટકોમાં કાવ્ય નહિ અને બીજા લેખકોના નાટકમાં નાટ્ય નહિ એવી દુઃખભર સ્થિતિ આવી પડી છે.

વિશેષ બુદ્ધિ, કવિત્વ અને શક્તિવાળા લખનારા પેદા થઈ ગુજરાતી નાટકસાહિત્યમાં અવનવો વધારો થાય એ આશા સફળ થાઓ એવું ઈચ્છીએ છઈએ.


  1. ૧. પ્રા. કા. પુ. ૨૬.
  2. ૨. પ્રા. કા. મા.
  3. ૩. પ્રા. કા. મા.
  4. *તડના બંધારણ વખતે હલકી જાત–કુળનો માણસ દાખલ થઇ ગયો હોય તેને નાતના સ્થાયી થઈ જવા પછી કાઢી મૂકવો ઉચિત નથી. એ ન્યાયે અમે 'ભાષાન્તર' શબ્દ ઘણો રૂઢ થઈ ગએલો હોવાથી રહેવા દીધો છે.
  5. વસન્ત : પુ. ૫, અંક ૧૧.
  6. *સ. લો.