સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રકરણ ૩. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૪.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૫. →


પ્રકરણ ૩.

સાહિત્ય ( ચાલુ ).

(૩) કવિતા.

પુસ્તકો મેળવવામાં ઘણી ઘણી અડચણો પડતી હતી અને પુસ્તક મળ્યા પછી તેને ઉતારી અગર ઉતરાવી લેવાનું કામ ઘણું કંટાળા ભરેલું અને ખરચાળ હતું. નવી દાખલ થયેલી કેળવણીને લીધે અને જુદી જુદી નવી નીકળેલી સંસ્થાઓને લીધે સામાન્ય રીતે પ્રજામાં જે ચાંચલ્ય આવ્યું હતું તેના પરિણામ તરીકે શરૂવાતમાં અમદાવાદમાં ત્રણ છાપખાનાં નીકળ્યાં હતાં. પ્રથમનાં છાપખાનાં શિલા પ્રેસનાં હતાં. આ તરફ એટલે અમદાવાદમાં સામળનું નામ વધારે જાણીતું તેથી સામળભટની વાતો ઘણી વંચાતી. લોકોને વાંચન પૂરું પાડવાના હેતુથી અમદાવાદના એક જૂના છાપખાનાવાળા બાજીભાઇ અમીચંદે સામળની ઘણી વારતાઓ છાપી હતી. શિલાપ્રેસને સારૂ છાપવાના પુસ્તકની પ્રથમ નક્કલ કરવી પડતી હોવાથી લખનારાઓના જ્ઞાન પ્રમાણે આ વારતાઓમાં વિચિત્ર ફેરફાર થતો. સહેજ મળતા આવતા શબ્દોમાં, જ્યાં શબ્દ ન બેશે ત્યાં નવો શબ્દ ઘોચી ઘાલવાથી ફેરફાર થઇ જતો, તેમ જ અમુક શબ્દ ઉમેરીને વાંચવાની આંચળી હોવાથી પણ મૂળમાં ઘણો તફાવત પડી જતો.

ખૂદ સાહિત્ય અને પ્રજાના જ્ઞાનની વૃદ્ધિને માટે કાઢેલા બુદ્ધિપ્રકાશમાં જ કેવું અને કેવી રીતે લખાતું તે 'બુદ્ધિપ્રકાશ'ના ત્રીજા પુસ્તકના એક અંકમાંથી નીચે આપેલા અવતરણથી સમજાશે. તેમાં લખે છે કે:—

'પેહેલુ જે લોકોને વર્ત્તમાંન પત્ર અને ચોપાનીયાં વાંચવાની ટેવ હોય છે, તેઊનેં એવી સારી રીતે વાંચતા આવડે છે કે બે ઘડી લોક જોઈ રેહે છે. કેમકે જેવા ડોલથી વાંચવુ જોઈએ તેવો ડોલ કરીને વાંચે છે ( જે વાતમાં અજબ તરેહનું, હરખનું, શોકનું જેવું હોય તેવું વાંચે છે. ) પણ બીજાથી તે રીતે વંચાતુ નથી. અને વલી રાત દાહાડાના વાંચનાર મતલબ જેવી બરાબર સમજે છે તેવી બીજા શમજતા નથી, ને તેથી કઈક ફેરો તેઓ વાતનું વરેડુ કરે છે.'

'બીજો નફો એકે જે લોકો વર્ત્તમાંનપત્ર અને ચોપાનીઆં મેળવીને વાંચે છે તે લોકો સુધ લખવાનું ઘણું કરીને બરાબર જાણે છે અને ઝડપથી પણ લખે છે. અને શબ્દના અરથ બરાબર થાએ તેવા લખે છે; અને કેવો શબ્દ કીએ ઠેકાણે લખવો જોઈએ ત્યાંહાં તે લખે છે ને બોલવો જોઈએ ત્યાંહાં બોલે છે, તેમ બીજા લોકો હેવું કાંઈ કરવાને શકતા નથી. વાંચનારા જુદી જુદી ઢબનું વાંચવાનું તથા લખવાનું જાણે છે ને તેની મતલબ ઝટ સમજે છે ને તેમના વીચાર સારા હોય છે.'

ઈ. સ. ૧૮૬૦ માં છપાયલી બત્રીશ પૂતળીની વાર્ત્તામાંની 'ગોટકાની વાર્ત્તા' નું મુખપૃષ્ટ તે વખતની સ્થિતિનું આપણને ભાન કરાવે છે:—

"ગોટકાની વાર્ત્તા

દોહરા તથા ચોપાઈથી સામળ કવીની કીધેલી છે. આ પ્રાંતના લોકોની બુધી તથા ચતુરાઈ વધે તેને વાસ્તે લલુભાઈ અમીચંદે પોતાના છાપખાનામાં છાપી છે. અમદાવાદ સને ૧૮૬૦ સંવત ૧૯૧૬.”

આ લલ્લુભાઈ અમે ઉપર કહેલા બાજીભાઈના ભાઈ થતા અને તેમની પેઠે એમણે પણ છાપખાનું કાઢ્યું હતું.

આવા સાહિત્યથી પ્રજાની ભૂખ ભાગે એમ નહતું. જૂના કવિયોનાં કાવ્ય એકઠાં કરવાં, તેને કેવી રીતે ઉતારી લેવાં, કેવી રીતે જુદાં જુદાં લિખિત પુસ્તકોમાંથી મેળવીને તેનો સારોદ્ધાર કરીને છપાવવાં વગેરે સૂચના ઓ. મી. ફોર્બ્સે શરૂઆતમાં જ પોતાના ભાષણમાં આપી હતી. કેટલાંક વર્ષ બાદ જૂના કવિયોનાં કાવ્ય સારા રૂપમાં લોકોના વાંચવામાં આવે એવા સ્તુત્ય હેતુથી સરકારે કવીશ્વર દલપતરામ પાસે 'કાવ્યદોહન' નામનું પુસ્તક લખાવ્યું. એ પુસ્તક એમણે ઈ. સ. ૧૮૬૧ માં પૂરૂં તૈયાર કર્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં એઓ લખે છે કે:— "જેટલી કવિતા અમને મળી આવી તેમાંની સારી સારીમાંથી નમુના દાખલ લેઈ આ ચોપડીમાં દાખલ કરી છે. આ ચાપડીના ત્રણ ભાગ કર્યા છે. પહેલા ભાગમાં છંદ પ્રબંધને મળતી આવે એવી કવિતા લીધી છે. બીજા ભાગમાં પુરૂષોને ગાવાના તરેહ તરેહ રાગનાં પદ લખ્યાં છે. ત્રીજા ભાગમાં ગરબી, ગીત વગેરે સ્ત્રીઓને ગાવાના રાગની કવિતા દાખલ કરી છે.

“આ ચોપડી રચવાનું કારણ એટલું જ કે, ગુજરાતના કવિ કેવી ભાષાથી અને કેવી ઢબથી કવિતા રચતા આવ્યા છે, તે સર્વના જાણ્યામાં આવે. આ ચોપડીમાં આજથી પહેલાં થઈ ગયા તેજ કવિની કવિતા લીધી છે. ”

“ આ ચોપડી વાંચ્યાથી ખાતરી થશે કે, ચારસેં વર્ષ ઉપરના અને આ વખતના ગુજરાતના કવિયોની ભાષામાં કાંઇ વધારે ફેરફાર થએલો નથી."

આ પુસ્તકમાં લગભગ ચોર્યાસી*[૧]કવિયોની કવિતા આપી હતી. ટુંકી મુદતમાં આ કાવ્યદોહનનો ઉઠાવ થઈ ગયો હતો. આ પુસ્તક લોકોમાં ઘણું પસંદ પડ્યું હતું અને એની ઘણી આવૃત્તિઓ થઈ હતી.

આ પછી સન ૧૮૬૫ માં સરકારે કવીશ્વર પાસે 'કાવ્યદોહન' નું બીજું પુસ્તક પ્રગટ કરાવ્યું. સરકારની ખાસ સુચનાથી આ પુસ્તકમાં ઝાઝા કવિની કવિતા લીધી નથી. જે જે સારા લાગ્યા તેવા કવિયોની સારી સારી કવિતા લીધી છે. તેમ જે જે લીધી છે તે સંપૂર્ણ લીધી છે. અધુરો વિષય લેવાની અને ગરબીઓ લેવાની સરકારે ખાસ ના કહી હતી. આ પુસ્તકમાં નરસિંહ મહેતાનાં પરચુરણ પદો, પ્રેમાનંદ કવિનું 'નરસિંહ મહેતાનું મામેરૂં', 'સુદામાચરિત્ર’ અને ‘નળાખ્યાન' વગેરે લીધાં છે. અખાની જૂદા જુદા વિષયની કવિતા, સામળભટની બત્રીસપૂતળીની, સુડાબોતેરીની અને બીજી વાતોમાંથી દૃષ્ટાંત દેવા લાયક જોઈને પાંચસેં છપ્પા તારવીને લીધા છે.

‘કાવ્યદોહન' સંબંધી કાંઈ ચરચા ઉઠી હશે એમ જણાય છે. શું થયું હતું તે અમને યાદ નથી પણ કવીશ્વરે બીજા પુસ્તકની પ્રસ્તાવનામાં સહજ ઇસારો કર્યો છે તે ઉપરથી કાંઈ અનુમાન થાય છે. તેઓ કહે છે કે “કોઇને શેલડી મીઠી લાગે છે, અને કોઇને દરાખ મીઠી લાગે છે; તેમજ કેટલાએક કેવી કવિતા પસંદ કરતા હશે અને બીજા જૂદી તરેહની પસંદ કરતા હશે. પણ મારી બુદ્ધિ પ્રમાણે મને જે સારી લાગી તે આ પુસ્તકમાં મેં લીધી છે. માટે જેને આ કરતાં સારી કવિતાનું પુસ્તક તૈયાર કરવાની મરજી હશે તે હવે ત્રીજું પુસ્તક તૈયાર કરશે. પછી ચેાથુ વળી હું કરીશ ! "

બીજું પુસ્તક તૈયાર કરતાં શા ધોરણે કામ કર્યું હતું તે સમજાવતાં તેઓ કહે છે કે “ હરેક કવિતાની ત્રણ ત્રણ પ્રત્યો જુદી જુદી મગાવીને, તેના રાગ બેસારીને, એના તાળમાં વધતા ઘટતા અક્ષરો લખનારાઓએ કરી નાંખેલા તે સુધારતાં બહુ મહેનત પડી છે. વળી એક પ્રત્ય બીજી પ્રત્યને મળતી આવતી નથી. અને ઘણી અશુદ્ધ થઇ ગએલી, તે સુધારતાં બહુ મહેનત પડે છે.આ પુસ્તકમાં લીધેલી કેટલીએક કવિતાઓ, મુંબાઇમાં, અને અમદાવાદમાં છાપખાનાવાળાઓએ છાપેલી છે, પણ ઘણી અશુદ્ધિને લીધે લોકો બરાબર વાંચી કે સમજી શકતા નથી; તેથી તેઓને પૂરો રસ લાગતો નથી. અને સુધારીને છાપવાથી 'કાવ્યદોહન' નું પહેલું પુસ્તક લોકોને કેવું પસંદ પડ્યું ? તે ટૂંકી મુદતમાં તેની વધારે ખપત ઉપરથી માલુમ પડે છે. મારી તો ખાતરી છે કે પહેલા પુસ્તક કરતાં આ બીજુ પુસ્તક સરસ થયું છે. ” પ્રથમ પુસ્તકમાં આવી ગયેલા કવિયોમાંથી ત્રણ ચારની અને બે નવા જૈન કવિની કવિતા આ પુસ્તકમાં લીધી હતી.

આ 'કાવ્યદોહનો' ની ભાષા વિષે બે બોલ બોલવાનું ઉપલબ્ધ થાય છે. કવીશ્વર પોતેજ બીજા પુસ્તકની પ્રસ્તાવનામાં કહે છે કે એ કવિતાઓ એમણે સુધારીને છાપી છે. તેમજ પહેલા પુસ્તકની પ્રસ્તાવનામાં સહેજ ઇસારો કરે છે કે ચારસેં વર્ષ ઉપરના અને આ વખતના ગુજરાતીના કવિયોની ભાષામાં કાંઇ વધારે ફેરફાર થએલો નથી. કેટલાક કહે છે તેમ પોતે ફેરફાર કરીને પોતાની ભાષા જૂની ભાષા તરીકે ગણાય એમ એમણે કર્યું હોય એ અમે માનતા નથી. તેની સાથે એમના કહેવા પ્રમાણે–કાવ્યદોહનમાં છપાયલી ભાષામાં હાલની ભાષા કરતાં કાંઇ ઝાઝો ફેરફાર જણાતો પણ નથી. ચારસેં વર્ષ ઉપરની અને હાલની ભાષામાં ફેર ન પડે એ સંભાવ્ય નથી. ચારસેં વર્ષ સુધી બોલાતી ભાષામાં કશો વિકાર ન થાય એ કોઈ પણ ભાષાશાસ્ત્રી કબૂલ રાખશે નહિ. તેમજ કવીશ્વરના વખત પછી મળેલા જૂના ગ્રંથો ઉપરથી એ વાત પ્રતિપાદન થઈ ગઈ છે.

અમને તો એમ લાગે છે કે કવીશ્વરે જુના લખાયલા જુના ગ્રંથો મેળવીને કવિતા છાપી નથી. એટલે એમને લોકોમાં પ્રચલિત હોય એવીજ−બીજી રીતે બોલીએ તો−ફેરફાર થયેલીજ−કવિતા મળી છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં લોકોમાં એટલાં ગવાય છે કે તેની ભાષા તો આજથી સો બસેં વર્ષ પછી પણ જોનારને પોતાના કાળની ભાષા જેવીજ લાગશે. 'કાવ્યદોહન' ઉપર સ્હેજ નજર નાંખવાથી અમારા કહેવાનું સત્ય દૃષ્ટિગોચર થશે. લોકોમાં ગવાતી ન હોય એવી અને પાછી જુના કાળમાં ઉતારાયલી–લખાયલી કવિતાની વાત જૂદી છે. ભાષામાં ફેર પડ્યો નથી એ બતાવવાને કવીશ્વરે પોતેજ ફેરફાર કર્યો હોય એ અમે માની શકતા નથી; પણ લોકોના વપરાશથી ફેરફાર થએલી કવિતાને જૂની–જે કાળે બનાવાઈ હશે તે કાળની માની લેવામાં કવીશ્વરની શુદ્ધ મનથી ભૂલ થઈ હોય એ સ્વાભાવિક છે.

‘કાવ્યદોહન’ ના બીજા પુસ્તકમાં નાખેલું બીડું ઝડપીને કોઇએ કાવ્યદોહનનું ત્રીજું પુસ્તક કાઢી કવીશ્વર પાસે ચોથું કઢાવ્યું નથી. પણ કેટલાંક વર્ષો બાદ રા. બ. હરગોવંદદાસ કાંટાવાળા અને બીજા ગૃહસ્થોએ ગુજરાતી જૂની કવિતાનો ભંડાર ખંખોળવાનું સ્તુત્ય કાર્ય આરંભ્યું હતું. એમણે જૂના કવિયોનાં કાવ્ય એકઠાં કરીને 'પ્રાચીન કાવ્ય' નામથી એક ત્રિમાસિક પત્ર કાઢ્યું હતું. જૂના ગ્રંથોની ખોળમાં પડતા શ્રમની વાત છેક મી. ફોર્બ્સના કાળથી આપણે જાણીએ છઇએ. એમના જેવી પદ્વીના અને વગ ધરાવનારા ગૃહસ્થને પણ જૂનાં પુસ્તક મેળવતાં કેવી અડચણ પડતી તે કવીશ્વર આપણને કહી ગયા છે. જૂનાં પુસ્તકોના માલિકો પ્રથમ તો હાથ જ મુકવા દેતા નથી, અને જે પુસ્તકનું અસ્તિત્વ કબૂલ કરીને આપવાની ખુશી બતાવતા તો ઘણાજ બદલાની આશા રાખતા. સ્વ. ફોર્બ્સ પાસે એવા સંયોગમાં એક માણસે ગામ કરતાં પણ કાંઈ વિશેષ ઈનામમાં માગ્યું હતું ! આ માગણીના જવાબમાં એમણે કવીશ્વર પાસે હનુમાન નાટક માંહ્યલી વાત કહેવડાવી હતી ! નાટકમાં હનુમાનનો વેશ આવ્યો તેને એક માણસે કહ્યું કે ઓ હનુમાન બાપજી ! તમે મને બાયડી મેળવી આપો તો હું તમને તેલ સિંદૂર ચઢાવું. હનુમાને ઉત્તર આપ્યો કે 'તને પરણાવા મારી પાસે સ્ત્રી હોય તો હું જ કુંવારો રહું ?' આ વસ્તુસ્થિતિ હજુ પણ બદલાઇ નથી. કવિ ભાલણના દશમની એક પ્રતને બદલે એક વિદ્વાન ગૃહસ્થે પચશેં રૂપીઆ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી પાસે માગ્યા હતા ! પાટણમાંથી એજ પુસ્તકની વાણીઆસાઈ અક્ષરે લખાયલી નજીવી પ્રતને બદલે પચ્ચાશ રૂપીઆ અને છપાય ત્યારે છાપેલી પચ્ચાશ નકલો અમારી પાસે માગી હતી ! ત્રિમાસિકને સારૂ જૂની કવિતા મેળવતાં પડેલી વિટંબણાનો ઈસારો રા. બ. હરગોવંદદાસ ઘણી વાર કરે છે. નવ દશ વર્ષની જીંદગી ભોગવી આ ત્રિમાસિકે ઘણીક જૂની કવિતા અજવાળામાં આણી છે. પ્રાચીનકાવ્ય ત્રિમાસિક નીકળ્યા પછી જૂની કવિતાનો ઉદ્ધાર કરનાર 'અપ્રસિદ્ધ ગૂજરાતી કાવ્ય' નામે એક સામયિક પત્ર નડીઆદમાં રા. ચતુરભાઇ પટેલે કાઢ્યુ હતું. એને લીધે પણ કેટલાક જૂના કવિયો અને જૂનાં કાવ્યો ગુજરાતી પ્રજાની જાણમાં આવ્યાં છે. રા. ચતુરભાઇએ ઉત્સાહથી આરંભેલા આ પત્રે વધારે જીવન ભોગવ્યું નહિ એ ગુજરાતી સાહિત્યને ગેરલાભ જ થયો છે.

પ્રાચીનકાવ્ય ત્રિમાસિકે થોડાં વર્ષ જીંદગી ભોગવી એટલામાં સુભાગ્યે દિ. બા. મણિભાઇ જશભાઇ વડોદરાના દિવાનપદે આવ્યા. તેમના પ્રયાસથી શ્રીમન્મહારાજા ગાયકવાડ સયાજીરાવે ગુજરાતી જૂની કવિતા પ્રસિદ્ધ કરાવવાનું ઘણું સ્તુત્ય કાર્ય આરંભ્યું.

શ્રીમન્મહારાજાએ એ કામમાં સારી રકમ ઉદારતાથી આપી અને એક કમિટિ નીમીને ગ્રંથો પ્રકટ કરવાનું કામ તેને સોપ્યું. ખાસ વહીવટ રા. હરગોવંદદાસ પાસે હતો. શાસ્ત્રી નાથાશંકર વગેરે એમની જોડે આ પ્રશંસનિય કાર્યમાં સામીલ હતા.

નવી નીકળેલી આ ગ્રંથમાળાને 'પ્રાચીન કાવ્યમાળા' નામ આપ્યું હતું. આ પુસ્તકોમાં કવિવાર જેમ મળી આવી તેમ જૂની કવિતા પ્રગટ થઈ છે. કવિનું જીવન, ગ્રંથનો સાર, પ્રસ્તાવના અને મૂળ ગ્રંથ એમ પ્રકટ કરવાનો સામાન્ય રીતે ક્રમ રાખ્યો હોય એમ જણાય છે. બની શકે ત્યાં એકથી વધારે પ્રતો ઉપરથી પાઠ મુકરર કરવામાં આવ્યા છે અને શબ્દાર્થ આપતી વખતે ટૂંકી–ઘણીવાર છેક જ ટૂંકી–ટીકા પણ આપવામાં આવી છે. આ ગ્રંથમાળાને માટે 'સુદર્શન'માં કોઇ 'સત્યને ચહાનાર' ચર્ચાપત્રિએ લખ્યું હતું. કે તેમાં '(આ કાવ્યમાળામાં) એક સંગ્રહ થાય છે તે ઠીક છે, એ કરતાં વધારે સંતોષ ભરેલો અભિપ્રાય, અભિપ્રાય આપવાની યોગ્યતા ધરાવનાર કોઈએ આપ્યો નથી.' અમારો આધીન અભિપ્રાય આથી જૂદો છે. એક કામ કોઈએ પ્રથમ કર્યું તેનાથી વધારે સારી રીતે કરી શકાય એમ હોય એટલા જ ઉપરથી માત્ર પેલા પ્રથમ કરનારની કીર્ત્તિ અને માન ઓછું થતું નથી. જે સમયે કાવ્યદોહન સિવાય બીજાં જૂની કવિતાનાં પુસ્તકોનો જન્મ થયો નહતો તે વખતે ઉદ્યોગ, ખંત અને રંજ ઉઠાવીને પ્રસિદ્ધ કરેલાં પ્રાચીન ત્રિમાસિક અને પ્રાચીન કાવ્યમાળાથી થએલી સાહિત્યસેવાની કિંમત ઓછી થઈ શકતી નથી. એ બન્નેને લીધે ગુજરાતી પ્રજા ઘણી જૂની કવિતા વાંચી શકી છે; અને તે માટે રા. બ. હરગોવંદાસ અને મર્હૂમ શાસ્ત્રીને ધન્યવાદ જ ઘટે છે.

લોકોમાં દિન પ્રતિદિન વાંચનનો શોખ વધતો જાય છે અને તે સારૂ પુસ્તકો પૂરાં પાડવાનો પ્રયત્ન ઘણા સાહિત્યપ્રેમી જનો કરી રહ્યા હતા. આવા એક વખાણવા લાયક શ્રમના ફળ તરીકે જ ગુજરાતી સાહિત્યને ભાઈ ઇચ્છારામ સૂર્યરામનાં ‘બૃહત્ કાવ્યદોહન’ મળ્યાં છે. આ ગ્રંથ પ્રગટ થયાની પૂર્વે બહાર પડેલાં 'કાવ્ય દોહન,' 'અપ્રસિદ્ધ ગુજરાતી કાવ્ય' અને 'પ્રાચીન કાવ્ય' વગેરેમાં આવી ગએલી તેમજ રા. ઈચ્છારામે મેળવેલી બીજી ઘણીક કવિતા એકઠી થઈને આ કાવ્યદોહન છપાયાં છે. એમની પ્રતિજ્ઞા દશ પુસ્તકો બહાર પાડવાની હતી. મોટાં દળદાર સાત પુસ્તકો તો બહાર પડી ચૂક્યાં છે. જો કે આ પુસ્તકોમાં છાપેલી કવિતા સંશોધન કરીને છાપી નથી, તેમજ ટીકા વગેરે આપ્યાં નથી છતાં આ સંગ્રહ ઉપયોગી થયો છે. શ્રમ અને વ્યય કરીને ભાષાના મોટા અને જૂના ભંડારને ગુજરાતી પ્રજા આગળ ખૂલ્લો મુકવાના ઈષ્ટ પ્રયત્નને સારૂ એ ભાઈને ધન્યવાદ ઘટે છે. દરેક કવિવાર, સંશોધિત અને ટીકાવાળી આવૃત્તિની જરૂર પૂરી પડી નથી, તે એઓ અગર બીજો કોઈ વિદ્વાન પૂરી પાડશે.

સ્વ. કવિ નર્મદાશંકરને કવિ દયારામ તરફ ઘણો પક્ષપાત હતો તે જાણીતી વાત છે. જૂનું નર્મગદ્ય જોતાં માલમ પડશે કે દયારામના જેવા પોતે હતા એવું એમનું માનવું હતું. દયારામની ગરબીઓ 'પ્રેમસાગર’ નામથી તેમજ છૂટક છૂટક છપાઈ હતી. કવિએ જાતે મુસાફરી કરીને,–શ્રમ લઈને–દયારામની કવિતાનો સારો સંગ્રહ એકઠો કરીને છપાવ્યો. અત્યારસુધીમાં દયારામની કવિતાનો કવિના જેવો અને જેટલો સંગ્રહ બીજો થયો નથી. દયારામની ગુજરાતી કવિતાની ભેગી દયારામની હિંદી ભાષાની કવિતા અને એમના જાણીતા ગ્રંથ 'વસ્તુ વૃંદદીપિકા' અને 'સતસૈયા' વગેરે પણ છાપ્યા હતા. આ આવૃત્તિમાં, જેમ પોતાની નર્મકવિતામાં પોતાની કવિતા સબંધે કર્યું હતું તેમ કવિ દયારામની કવિતાની તૂલના કરી કિંમત આંકીને તેનો પહેલો, બીજો અને ત્રીજો એવા વર્ગ પાડ્યા હતા ! આ વર્ગણી ગુજરાતી વાંચનારી પ્રજાને કબૂલ હોય એમ અમારૂં ધારવું નથી. મોટી કિંમત રાખ્યા છતાં પણ કવિનું પુસ્તક ખપી ગયું હતું; અને એની માગણી એટલી હતી કે ગુજરાતી પ્રેસે એની બીજી અને ત્રીજી એમ બે આવૃત્તિઓ કાઢી છે. આ આવૃત્તિઓમાં બહુ વ્યવસાયને લીધે અથવા સુધારનારના પ્રમાદને લીધે ઘણી ભૂલો પેસી ગઈ છે.

કાઠીઆવાડના રેવાશંકર કવિની કવિતા અને એમનો 'કૃષ્ણજન્મખંડ,’ ભોજાભક્તની કવિતા, ચાબખા, સ્વામીનારાયણ પંથના સાધુ કવિયો નિષ્કુળાનંદ, પ્રેમાનંદ અને બ્રહ્માનંદની કવિતા પણ જૂદી જૂદી છપાઈ પ્રસિદ્ધ થઈ છે.

સામળભટની બત્રીસ પૂતળીઓની વારતાઓ, વૈતાળપચ્ચીશી, અને સુડાબહોતેરીની વાર્ત્તાઓ તો શરૂવાતમાં તે વખતના છાપખાનાવાળાઓએ પ્રસિદ્ધ કરી હતી એ અમે આગળ કહી ગયા છઈએ.

અમદાવાદના સાઠોદરા નાગર કવિ અલખ બુલાખીરામની કવિતાનું એક નાનું પુસ્તક બ્હાર પાડીને એમના ભક્તમંડળમાં વંચાયું હતું.

પ્રેમાનંદ કવિનાં ઘણાં કાવ્ય પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. સહુથી સારી આવૃત્તિ નરસિંહમહેતાના મામેરાની છે. સ્વ. નવલરામે આ આવૃત્તિ કાઢી છે. આરંભમાં ગ્રંથને શોભે એવી પ્રસ્તાવના, કવિજીવન, પાઠાન્તર સાથે ટીકા વગેરે આપીને સારોદ્ધાર કરેલી આવૃત્તિ કેવી જોઈએ એનો નમુનો બતાવવાને જ કાઢી ન હોય એવી આ આવૃત્તિ છે. એજ કવિશ્રીનાં બીજા સુંદર કાવ્ય 'નળાખ્યાન' ની સારી રીતની ટીકાવાળી આવૃત્તિ નીકળી છે. આ આવૃત્તિ સુરતનિવાસી રા. છગનલાલ ઠા. મોદી અને રા. દામુભાઇ ડાહ્યાભાઇ બન્ને મિત્રોએ મળીને કાઢી છે અને એકદરે સારી થઈ છે. પરંતુ આનાથી નળાખ્યાન જેવા કાવ્યની સંશોધિત અને યથાયોગ્ય ટીકાવાળી આવૃત્તિની ગરજ મટી ગઈ નથી. પ્રેમાનંદનાં દરેક કાવ્યની છૂટીછૂટી આવૃત્તિયો ભાષામાં થાય એવી આશા ગુજરાતીનો દરેક ભક્ત રાખે જ. સુરત સોદાગરવાળા રા. નગીનદાસે પ્રેમાનંદનો દશમ–શ્રીમદ્ ભાગવતનો દશમ સ્કંધ–પ્રગટ કરવાનો આરંભ કર્યો હતો. સામાન્ય રીતે પુસ્તક વેચનારા જેટલી કાળજીથી પુસ્તક છપાવે છે તેટલી અને તેવા પ્રકારની કાળજીથી આ સુંદર ગ્રંથનો આરંભ થયો હતો. પરંતુ કેળવણી ખાતાની પાસે મદદ માગતાં એવા ગ્રંથને જો સારોદ્ધાર કરીને છપાય તો જ મદદ આપવાની ઈચ્છા જણાવ્યાથી આ કામ રા. નગીનદાસે કવિ નર્મદને જ સોંપ્યું હતું. તેમણે જૂદી જૂદી પ્રતો એકઠી કરીને, સારોદ્ધાર કરીને આ સુંદર ગ્રંથ ગુજરાતી પ્રજાની સમક્ષ મૂક્યો હતો. શ્રીમદ્‌ભાગવત દશમસ્કંધ, અને તેમાંએ પ્રેમાનંદ કવિની નેવું વરસની વયે છેલ્લો લખાયેલો, પછી એમાં કહેવા જેવું શું હોય ? રા. નગીનદાસે આ ગ્રંથની બીજી આવૃત્તિ કરી છે. ઘણી પ્રતો મેળવીને વધારે શ્રમથી સંશોધિત આવૃત્તિની હજુ ખામી છે. પ્રેમાનંદ સિવાય એના શિષ્ય રત્નેશ્વરે પણ ગુજરાતીમાં દશમસ્કંધ લખ્યો છે આ ગ્રંથ પણ આ સાઠીમાં પ્રસિદ્ધ થયો છે. દરેક અધ્યાયને આરંભે પોતે નવો બનાવેલો શ્લોક મૂક્યો છે અને ભાષાન્તર શુદ્ધ અને સારૂં થયું છે. કવિ પ્રેમાનંદના શિષ્ય પણ કેવા વિદ્વાન હતા તેનો ખ્યાલ આપણને આ ગ્રંથથી આવે છે. આ બે સિવાય પાટણના કવિશ્રી ભાલણે પણ પ્રેમાનંદની પહેલાં ‘દશમ' લખ્યો છે. એની સંશોધિત આવૃત્તિ અમારી તરફથી તૈયાર થાય છે. ગુજરાતી પ્રેસમાંથી આખું શ્રીમદ્‌ભાગવત–ગુજરાતી કવિતામાં–બહાર પડ્યું છે. તેમાં પ્રેમાનંદનો દશમ અને બીજા કવિયોના બીજા સ્કંધ એવી ગોઠવણ છે.

કવિ પ્રેમાનંદના શિષ્ય ગીરધરનાં લખેલાં ‘રામાયણ'ને આ સાઠીમાં જૂદા જૂદા માણસોએ પ્રગટ કર્યૂં છે. જે મળ્યો એ ગ્રંથ છાપી નાંખવા સિવાય એમાં બીજી નવીનતા નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી રા. બ. હરગોવિંદદાસે ઉદ્ધવ કૃત 'રામાયણ'ની આવૃત્તિ કાઢી છે. ગીરધરના રામાયણ સંબંધે કહ્યું તે કરતાં અત્રે કશુંએ વધારે કહેવા જેવું નથી. ઘણાં વર્ષ ઉપર ‘અનુપ’ ઉત્તરસંડાના રહીશ અને ભૂજના સ્વ. કુમારશ્રી કલુભા સાહેબ સી. આઈ. ઈ. ના શિક્ષક કવિ શીવલાલ ધનેશ્વરે પણ એક રામાયણ આપણી ભાષામાં ઉમેર્યું છે. વૃજ કવિ તુળસીદાસજીની બાનીનો રસ એમણે આપણી પ્રજાને ચખાડ્યો છે. એમણે પોતાનું ભાષાન્તર કકડે કકડે છપાવ્યું હતું. ભાષાન્તરમાંથી અમુક ભાગ અત્રેની હીમાભાઈ ઇન્સ્ટીટ્યૂટમાં વાંચી સંભળાવ્યો હતો તે અમને યાદ છે. રામના પ્રેમમાં મસ્ત અને ટેકી આ કવિનું રામાયણ મૂળે જ કઠણ છે. એની ભાષા વૃજમાં બોલાતી વૃજ નહિ પણ અયોધ્યા તરફ બોલાતી હિંદી છે. આખા ઉત્તર હિંદુસ્થાનમાં આ પુસ્તક ઘણું પ્રિય અને પવિત્ર ગણાય છે. આવા અપૂર્વ પુસ્તકનું, તેમાંએ ખાસ કાળજીથી થયેલું કવિ શિવલાલનું ભાષાન્તર મનોહર બન્યું છે. સ્વ. નવલરામ કહે છે તેમ “આ કવિયે (કવિ શિવલાલે) તુલસીકૃત રામાયણનું ભાષાન્તર ગુજરાતી ભાષામાં પ્રકટ કર્યું ત્યારથી કવિ વર્ગમાં એ સાબાશીની સાથે ગણનીય થાય છે” કવિ શિવલાલની ભાષા શુદ્ધ, રૂઢ અને સહજ કઠણ છે. એમનો પદ્યબંધ સર્વથા વખાણવા લાયક છે. ટૂંકામાં શિવલાલની બાની પ્રાસાદિક છે. રામાયણ જેવો મોટો ગ્રંથ વાંચવાની ફુરસદ ન હોય તો તુલસી ભક્તરાજે આલેખેલાં રામચરિત્રનાં છૂટક ચિત્રોની શિવલાલે કરેલી નકલ વાંચવાની અમે ભલામણ કરીએ છઈએ. તેમ કરવાથી એટલો કાળ આનંદમાં વ્યતિત થશે એ નિસ્સંદેહ છે. આવા મોટા ગ્રંથનો અનુવાદ કરવાથી શિવલાલને પદ્યબંધ સાધ્ય થયો હતો, અને રામાયણની છાપ એમના સઘળા લખાણમાં નજરે પડે છે. એમણે ગુજરાતી સાહિત્યમાં રામાયણ–મેઘદૂત–શ્રીમન્ કચ્છ ભૂપતિ પ્રવાસ વર્ણન–વિવાહ વર્ણન–કાવ્યકલાપ વગેરે ઘણા ગ્રંથોનો સારો ઉમેરો કર્યો છે. એમણે લખેલું ભારતનું પર્વ એમના અકાળમૃત્યુથી બહાર પડી શક્યું નથી.

ભૂજના મહારાવશ્રીના શિક્ષક રા. છોટાલાલ સેવકરામે પણ ગુજરાતી સાહિત્યમાં ભક્તકવિ તુલસીના બીજા ગ્રંથનો ઉમેરો કર્યો છે. ‘તુલસીસતસાઇ’ જાતે રામરસાયણથી પૂર્ણ ગ્રંથ, તેમ જ ભાષાન્તરકર્તા પણ જાણીતા સાક્ષર હતા. આ ગ્રંથ સારો લખાયો છે. શોચનીય એટલું જ છે કે આ ગ્રંથનો અમુક ભાગ ગુર્જર વાંચનારને દુર્ઘટ લાગશે એવી શંકાથી ભાષાન્તરકર્ત્તાએ મુકી દીધો છે. આ ભાગનું પણ ભાષાન્તર કરી–ટીકા સમજૂતી વગેરેથી સુગમ બનાવ્યો હોત તો વધારે ઉત્તમ થાત. એજ ઉમંગી ગૃહસ્થે ભાષામાંથી બીજાં ‘વૃંદસતસાઇ’ નામના ગ્રથનું સરળ ભાષાન્તર કર્યું છે.

રઘુવંશનું પદ્યાત્મક ભાષાન્તર ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી છપાવ્યું છે તેમ જ એ સંસ્થાએ ‘કીર્તિકૌમુદી’ નું ભાષાન્તર પણ કરાવ્યું છે. આ ભાષાન્તરોમાં મૂળનો રસ ને આનંદ આણવાનો યત્ન ફળીભૂત થયો જણાતો નથી.

મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત’ ના પાંચ છ અનુવાદ આ સાઠીમાં થયા છે. કાઠીઆવાડના ધ્રાંગ્ધરા સ્વસ્થાનના ડેપ્યુટી મેજીસ્ટ્રેટ મી. જુન્નરકરે ‘શ્રી કાવ્ય રત્નપ્રભા’ નામથી 'મેઘદૂત', ‘અજવિલાપ’ અને ‘ઋતુસંહાર’ એ ત્રણ કાવ્યનાં ભાષાંતર કર્યો છે. ‘કવિતાની ભાષા શુદ્ધ અને એવી સરળ છે કે જે કોઇ ગુજરાતીએ લખી હોય તો તેને પણ દૂષણકારી ગણાય નહિ. ભાષાન્તર ચરિતાર્થ પકડીને કરી દીધું છે. મેઘદૂત અને અજવિલાપ હિંદુસ્તાની લાવણીની રાહ૫ર અને ઋતુવર્ણન વિવિધ વૃત્તોમાં જે ઉતાર્યું છે; પણ મેઘદૂતનું ગાંભીર્ય એમાં જળવાઇ શકાયું નથી, અને અમારા વિચારમાં લાવણી એ કામને લાયક જ નથી. લાવણી શૃંગારને અનુકુળ છે એ વાત ખરી, પણ તે મેઘદૂત જેવા વર્ણનપ્રધાન કાવ્યને નહિ. જ્યાં હૈયાના ઉભરાને બહાર કાઢવા છે ત્યાં જ એ ઉછળતી રમતી રાહ શોભે.’ મેઘદૂતનું બીજું ભાષાન્તર સ્વ. કવિ શિવલાલ ધનેશ્વરનું છે. એમના રામાયણના ભાષાન્તરનાં જેમ વખાણ કરીએ તેમ આ પુસ્તકનાં થઇ શકે એમ નથી. શિવલાલની ભાષા અને મીઠી બાની જ આમાં દેખાતી નથી. એટલું જ નહિ પણ કોઈ કોઈ પ્રસંગ ઠીક હોવા છતાં ભૂલો પેશી ગઈ છે. રા. હરિકૃષ્ણ બળદેવનું મેઘદૂતનું ભાષાન્તર મૂળને વધારે અવલંબીને લખાએલું છે. વાંચતાં જ ભાષાન્તરકર્ત્તાના સંસ્કૃત જ્ઞાનની આપણને પ્રતિતી થાય છે. એમાં મૂળ વૃત્ત ન રાખતાં હરિગીત છંદ વાપર્યો છે. કાલિદાસનો રસ અને ગાંભીર્ય જળવાયું નથી, અને ભાષામાં સહજ ફક્કડાઇ–લાલાઈ–જણાઈ આવે છે. સ્વ. ભીમરાવનું મેઘદૂતનું ભાષાન્તર સ. ૧૮૭૮માં બહાર પડ્યું હતું. જો કે ભાષા સરળ છે તથાપિ તેમાં ‘લાવણ્યમયિ’ ના લખનારની ભાષાની સુંદરતા આવી નથી. એમણે કાવ્યમાં મંદાક્રાન્તા વૃત્તજ–મૂળની પેઠે વાપર્યું છે. આ પુસ્તકના ઉપર તે કાળે નિકળતા ‘સ્વદેશવત્સલ’માં સખ્ત હૂમલો થયો હતો. એના દરેક શ્લોકે શ્લોક લેઇ તેમાંથી દોષ સિવાય બીજું પ્રજાને કાંઇ જણાવવામાં આવ્યું નહોતું. અમને એ હૂમલો વાંચીને વૃંદ કવિની જાણીતી ઉક્તિ સાંભરે છે. કવિ વૃદ કહે છે:—

‘પીએ રૂધિર પય ના પીએ, લગી પયોધર ઝોંખ;”

આ ચર્ચાના જવાબમાં રા. નરસિંહરાવે બુદ્ધિપ્રકાશનો વધારો કાઢીને સબળ બંધુકૃત્ય કર્યું હતું. કુતુહલની ખાતર એ માસિકો વાંચવાં હોય તેણે વાંચવાં સ્વ. હ. હ. ધ્રુવે માત્ર પૂર્વમેઘનું સમશ્લોકી સુંદર અને સરળ ભાષાન્તર કર્યું હતું. ઉત્તરમેઘનું પણ ભાષાન્તર થઇ એ કાવ્ય પૂરૂં થયું નથી એ શોચનીય છે.

હવે અમે મેઘદૂતના અત્યાર સુધી થયેલાં ભાષાન્તરોમાં ઉત્કૃષ્ટ સ્વ. નવલરામના ભાષાન્તર સંબંધે કહીશું. ‘સાક્ષરઉદ્દેશ તો મેઘદૂતના ભાષાન્તરમાં છે. ભાષાન્તર કરવાની કળા વિશે નવલરામે કેટલેક ઠેકાણે લખેલું છે, તે ઘણે અંશે યોગ્ય છે, અને મેઘદૂતનું ભાષાન્તર પણ જમે ઉધાર કરતાં ચ્હડતી પંક્તિનું નીકળે છે. કાલિદાસની રસજ્ઞતા સમજ્યા સિવાય એનો રસ ગુજરાતીમાં આણવો કઠણ છે; કવિનું ભાષાન્તર કરવામાં કવિત્વ જોઈએ છિયે; સંસ્કૃત કપડાં કહાડી ગુજરાતી પહેરાવ્યાથી ભાષાન્તર થતું નથી, પણ કાલિદાસ પોતે ગુજરાતી હોત અને એમણે પોતે જ મેઘદૂત ગુજરાતીમાં લખ્યું હોત તો કેવું લખત એનો વિચાર કરી તેવુંજ કોઈ સફળ લખે તો તેજ ભાષાન્તરમાં અસલ ગ્રંથની યોગ્યતા આવે અને એનું જ નામ ભાષાન્તર. ભાષાન્તર કરો, અથવા ભટના ભોપાળાની પેઠે રૂપાંતર કરો, અથવા વાલ્મીકિના રામાયણ જેવા મહાપ્રસાદના કંઈક કણ નવા કવિયોનાં રામાયણમાં આણી પ્રાકૃત લોકોને ચખાડો:–તે સર્વમાં મૂળ લેખોનો આત્મા તો આવવોજ જોઇએ, જુદી વાણીમાં, જુદા દેશમાં જુદા કાળમાં, જુદા વ્યવહારમાં અને જુદા રંગોમાં તે પ્રસંગોમાં પડેલું મૂળ બિંબનું પ્રતિબિંબ સ્વભાવે એજ હોવું જોઈએ. મુક્તિફોજવાળી મડમો ભગવો લુગડાં પહેરવાથી હિંદવાણી નથી થતી, તેમનાં શરીર બદલાતાં નથી અને અંતરના ગુણો પણ એવાને એવા જ રહે છે. સાથી ભાષાન્તરકાર વગેરેનું કામ ઘણું સૂક્ષ્મ, અને વિકટ છે. મોટા મોટા એમાં ગોથાં ખાય છે તો ન્હાના ન્હાનાની તો વાત જ શી ? એક કવિયે લક્ષ્મણવિયોગથી રામચંદ્રને રોવડાવીને ‘સીતા સરખી સહસ્ત્ર જ મળશે’ એમ કહેવરાવ્યું છે. પ્રેમાનંદ સરખાએ પણ આવી ભૂલ કરી છે. નળાખ્યાનમાં ‘મોસાળ પધારોરે’ એ કડવામાં દમંયતી પાસે એ કવિયે કહેવરાવ્યું છે કે ‘સહેજો મામા મામીની ગાળ !’ દમયંતીનાં ભાઇ ભોજાઇ પણ ચાતુર્વેદી બ્રાહ્મણ હશે ! ‘મેઘદૂત’ના યક્ષને અગર કાલિદાસને નવલરામે પણ પ્રારબ્ધવાદી વેદાંતિ બનાવી દીધો છે.....આવી ભુલો ન કરવા બાબત નવલરામે પોતે જ કેટલેક પ્રસંગે કહેલું છે; આ ભાગ સુધારી શક્યા નથી, અને કદાચિત જીવ્યા હોત તો સુધારત. પણ ભાષન્તરકારને આવી મુશ્કેલિયો છે તે મેઘદૂતના ભાષાન્તરમાં પણ પ્રસંગે દેખાય છે. અને મુશ્કેલિયો દૂર કરવાની મુશ્કેલિ ભાષાન્તરકારો જ સમજશે. છતાં નવા યોજેલા ‘મેઘછંદ’માં લખેલું, બને એટલું સરળ, અસલનો ઉચ્ચ અને સુક્ષ્મ રસ જાળવવા સ્પષ્ટ અને યથાશક્તિ પ્રયત્ન કરતું, અને ગુજરાતીને અનુકૂળ થતું મેઘદૂતનું ભાષાન્તર મૂળ ગ્રંથના પરિચિત વાંચનારને મૂળ ગ્રંથનું ભાન કરાવે છે, અને એથી જ કાદમ્બરીના ભાષાન્તર અને રા. રણછોડભાઈ એ કરેલાં ભાષાન્તરો પેઠે આ ભાષાન્તર પણ આપણા ભાષાન્તરકારોને અનુકરણીય છે. આ ભાષાન્તરનો ઘણોક ભાગ આનંદથી વાંચી જવાય એવો છે. જેમ જેમ આગળ વધે છે તેમ તેમ કલમ કસાતી સ્પષ્ટ માલમ પડે છે અને કાલિદાસની છાયા ભાષાન્તર પર કંઈક ઘટ થવા માંડે છે. ભાષાતરમાં ‘શબ્દાર્થની શુદ્ધતા કરતાં આ છાયાની શુદ્ધતા વધારે ઉપયોગી છે.’ મેઘદૂત છૂટાં છૂટાં ઘણાં મનોહર ચિત્રોથી ભરપૂર છે અને એ ચિત્રો અલૌકિક કળાથી સંકલિત કરી દઇ કાલિદાસે રસનો અવિચ્છિન્ન પ્રવાહ વહેવડાવ્યો છે, દરેક છૂટા ચિત્રોના ભાવ–રસ–વગેરે સારી રીતે ગુજરાતીમાં ઉતાર્યા છે તોએ નવલરામના મેઘદૂતમાં એ ચિત્રો છૂટાં છૂટાં જ જણાઈ આવે છે અને અખંડિત રસપ્રવાહ મૂળ કાવ્ય પ્રમાણે વહેતો નથી. આમ છતાં પણ પ્રસિદ્ધ થયેલાં મેઘદૂતનાં બધાં ભાષાન્તરોમાં સ્વ. નવલરામનું ભાષાન્તર શ્રેષ્ઠ છે એ નિર્વિવાદિત છે.

સ્વ. બાળાશંકરે ‘સૌંદર્ય લહરી’ નું સુંદર ભાષાન્તર કર્યું છે. એ પુસ્તકમાં ‘ટીકાકારોએ આ કવિતાને અડવું નહિ’ એવી સૂચના કરીને કેટલીક રસિક, ભાવવાળી અને માર્મિક કવિતા દાખલ કરી છે.

આ વિષય સમેટતાં સંસ્કૃતમાંથી રા. કેશવલાલ ધ્રુવે કરેલાં કેટલાંક ભાષાન્તરો વિશે બોલવાનું પ્રાપ્ત થાય છે. એમનું કરેલું ‘ગીતગોવિંદ’ નું ભાષાન્તર ગુજરાતીમાં થયેલાં ભાષાન્તરોમાં શ્રેષ્ટ પદવી ધરાવે છે. આ ગ્રંથની બે આવૃત્તિઓ થઇ ગઇ છે. નવી આવૃત્તિને રા. કેશવલાલે મૂળની છાયા તરીકે વર્ણવી છે. ગ્રંથના વર્ણનમાં કરેલ આ ફેરફાર અત્યંત અર્થ ગાંભીર્યવાળો છે. સંસ્કૃતપદ્યનું ભાષાન્તર કરવું અત્યંત દુર્ઘટ છે. તેમાં પણ ‘ગીતગોવિદ’ જેવા સમાસમય પદ્યનું મધુર અને સરળ ગુજરાતીમાં ભાષાન્તર રચવામાં દુર્ઘટતાની પરિસીમા છે. આ વસ્તુ સ્થિતિને માન આપવા માટે રા. કેશવલાલે આ ગ્રંથને છાયા ગ્રંથ કહ્યો હોય તો તે સંભવિત છે. પણ અમને એ એમનો વિનય જ લાગે છે. ગીતગોવિંદનો રસસ્વાદ, ગુજરાતી ભાષામાં આપવાનો એમનો પ્રયન અસાધારણ રીતે સફળ થયો છે. એમના ગીતગોવિંદમાં મૂળ ગ્રંથના ગૌરવનું યથાર્થ ભાન આપણને થઈ શકે છે. શુદ્ધ, સરળ, અને રસમય ગુજરાતીમાં વર્ણવેલું આ ‘ગીતગોવિંદ’ સ્વતઃ મનોહર છે; એટલું જ નહિ પણ એની મનોહરતા મૂળને પણ કંટક અંશમાં અર્પે છે. સંસ્કૃતના આરૂઢ અભ્યાસીને પણ મૂળ ગીતગોવિંદ જેટલું સરળ ન લાગે તેટલું રા. કેશવલાલનું ગુજરાતીમાં પાડેલું ગ્રંથનું પ્રતિબિંબ મનોહર અને રસપ્રદ છે. ગીતગોવિંદ જેવાં કઠણ ગ્રંથની આ છાયા આટલી લોકપ્રિયતા સંપાદન કરી શકી છે તેનું કારણ રા. કેશવલાલની વાણીનો ‘પ્રસાદ’ છે. રા. કેશવલાલને પોતાના ભાષાન્તર–છાયા ગ્રંથમાં–પ્રસાદ લાવવાને જે શ્રમ અને વિવેક વાપરવો પડ્યો હશે તેનો ખ્યાલ આપવો અત્યંત કઠણ છે. જેમ જેમ તેમની ‘છાયા’ માં આપણે ઉંડા ઉતરીએ છઈએ તેમ તેમ મૂળની સાથે સરખામણી કરવાની ઈચ્છા સહજ થાય છે, અને તેમ તેમ તેમનો શ્રમ અને વિવેક ઉત્તરોત્તર વધારે ને વધારે સમજી શકાય છે. આ બધા શ્રમ અને વિવેકની પાછળ રહેલી અસાધારણ શક્તિ માટે રા. કેશવલાલને ધન્યવાદ આપવો જ પડે છે. બીજી આવૃત્તિમાં પ્રથમમાં કરેલા ફેરફાર ઉપર વિવેચન બુદ્ધિથી જોતાં રા. કેશવલાલની કાવ્ય પરીક્ષાની શક્તિને માટે પણ આપણો વિચાર ઉંચી કોટીએ પહોંચે છે. સંસ્કૃત કવિતાનાં ગુજરાતી કવિતામાં ભાષાન્તરની સફળતા એ સંસ્કૃતનું પરિપૂર્ણ જ્ઞાન, ગુજરાતી ઉપર પૂર્ણ અમલ, અને કાવ્ય પરીક્ષાના ઘણા ઝીણા પ્રશ્નોનું મનોહારી સમાધાન કરવાની શક્તિની પરિસીમા સૂચવે છે; અને રા. કેશવલાલની પરિસીમાએ પહોંચેલી અનેકવિધ શક્તિ જ તેમના ભાષાન્તરને ગુજરાતીમાં શ્રેષ્ટ ભાષાન્તરની ૫દ્વિ અપાવે છે. સ્વ. મણિલાલ નભુભાઈના શબ્દોમાં કહીએ તો ‘આવું રસિક અને યથાર્થ ભાષાન્તર અન્ય કોઈ વિદ્વાનથી ન થઈ શક્ત.'

એ જ વિદ્વાનનું બીજુ ભાષાન્તર શંકર સ્વામી જેવા પરમ વેદાંતિને નામે ચઢી ગયેલું ‘અમરૂશતક’ છે. દક્ષિણાત્ય સુવર્ણકાર અમરૂ કવિની ખ્યાતિ સંસ્કૃત સાહિત્યમાં જગજાહેર છે. જો કે એ કવિનું કોઈ સર્ગબદ્ધ કાવ્ય હોય એમ જણાયું નથી, પરંતુ છૂટા છૂટા શ્લોક–મુક્તકને જ લીધે એની અપૂર્વ કીર્ત્તિ છે. એનો અક્કેકો શ્લોક–અક્કેક પ્રબંધ જે છે એમ સંસ્કૃતમાં કહેવાય છે. ‘अमरुकवे रेक: प्रबन्धशतायते’ ખરેખર, આ ઉક્તિ અતિશયોક્તિ નથી. એની બાનીમાં શ્રી જયદેવ જેવું લાલિત્ય નથી એ ખરૂં પણ એનો રસ, ધ્વનિ એને આવી ઉચ્ચ પદ્ધિ અપાવે છે. આવા રસિક કવિના શુંગાર મુકુટમણિ જેવા શતકનું ભાષાન્તર રા. કેશવલાલ જેવા સંસ્કૃતનું ઉત્તમ જ્ઞાન ધરાવનારા અને કાવ્ય ચમત્કાર સમજવા ઉપજાવવાની ઉત્તમ રસિકતાવાળા સાક્ષરને હાથે થાય એ પરમ સંતોષ પામવા જેવું છે. પ્રારંભમાં જ ‘विना पूर्व कविके हृदयसे हृदय मिलाये अनुवाद करना शुद्ध झखमारना ही नहीं, कविका लोकांतर स्थित आत्माको नरक कष्ट देनाहै' એવી ભારતેંદુ શ્રી હરિશ્ચંદ્રની ઉક્તિને પોતાના સૂત્રરૂપે લેઈ રા. જવેરીલાલથી માંડીને અત્યારસુધીના ભાષાન્તરકાર માત્રની પરિગણના કરતાં, તેમણે ‘કવિનો અંતર્ગત અભિપ્રાય પ્રકટ’ કરવાની પ્રતિજ્ઞા કરી છે. ભાષાન્તર બહુ ઉત્તમ છે, એની ભાષા શુદ્ધ સંસ્કારવાળી છે. અમરૂશતક ઉપર આઠ જૂદી જૂદી ટીકાઓ સંસ્કૃતમાં થઈ છે. તેમાં અર્જુનદેવની ટીકા દુર્ગાપ્રસાદે છપાવી છે, તેમાં આ શતકના પ્રત્યેક શ્લોક વિષે રસ, નાયિકા, અલંકારાદિનો સારો વિવેક છે. રા. કેશવલાલે આ ટીકા, તેમ ભૂપાળની ટીકા વિલોકી, તેમ જ પોતાના વિસ્તર્ણજ્ઞાન પ્રદેશનો અનુભવ પણ તેમાં સંયોજી જે અતિ ઉત્તમ ટીકા પદ્યો સાથે આપી છે તે બહુ વિદ્વતાભરેલી અને રસિક છે. રા. કેશવલાલની રચનામાં રસની સાથે જે પ્રાચીન ગુજરાતી શબ્દોનું માધુર્ય ઉમેરાય છે તે જ એમની શૈલીની મનોહર, ભભક ગુર્જર સાક્ષરોને હમેશ વધુ ને વધુ આનંદજનક લાગતી રહે છે. ઘરમાં અને ઉંડાં ઉંડાં સ્ત્રી હૃદયોમાં સ્વાભાવિક રીતે ઉત્પન્ન થઈ બહાર પડતાં નેસર્ગિક ભાવભર્યાં વચનો અને રમ્ય મધુર શબ્દોની સંકલના જ એમની કાવ્ય રચનાનો એક અલૌકિક આત્મા છે, એમ કહેવું અતિશયોક્તિ જેવું નથી. જો કે આ સાઠીમાં તો નહિ પણ એમના અમરૂની બીજી આવૃત્તિ થઈ છે અને તેમાં ઓર ખુબીઓ ઉમેરાઈ છે. આ આવૃત્તિમાં એમણે અમરૂના એક મુક્તકના ભાવનું સુંદર ચિત્ર આલેખાવીને આરંભમાં મુક્યું છે.

આ એ જ વિદ્વાને સંસ્કૃત ‘ઘટકર્પર’ નામના નાના કાવ્યનું ‘છાયા ઘટકર્પર’ નામથી ભાષાન્તર કર્યું છે. આ અનુવાદ શબ્દશઃ કર્યો નથી પણ સમશ્લોકી છાયામાં કંઈક ભાગે મૂળ ગ્રંથોનો યમકનો ચમત્કાર અને મુખ્યત્વે રસ જાળવીને કર્યો છે. છેલ્લા શ્લોકમાં ‘ઘટકર્પર' શબ્દ આવવાથી મૂળ કાવ્યનું નામ પડ્યું છે. રા. કેશવલાલે પણ મૂળ યમક કુશળ શૃંગારને છાજે એવી પ્રતિજ્ઞા પોતાના અનુવાદમાં પણ છેલ્લી આવવા દીધી છે કે:—

“હાર્યો રજે ઝમકની ઝમકે ઠરૂં હું
તે ઘેર નીર ઘટકર્પરથી ભરૂં હું.”

ફારસીમાંથી શાહનામું અને કરીમાનાં ભાષાન્તર પણ આ સાઠીમાં થયાં છે. જૂના કવિયોની કેટલીક કવિતા ચુંટી કાઢી તેના ઉપર સ્હેજ ટીકા આપીને ‘કાવ્ય નિમજ્જન’ નામથી રા. હરિકૃષ્ણ બળદેવ તરફથી એક પુસ્તક પ્રગટ થયું હતું. કવિ નર્મદે રાખેલી જોડણીનું થોડું ધોરણ એમાં રાખ્યું છે. એ જ પ્રમાણે વીસમા સૈકાના લખનારાઓની કવિતામાંથી ચુંટી કાઢીને રા. હિમ્મતલાલ અંજારીઆ‘કાવ્યમાધુર્ય’ નામે નાનું સુંદર પુસ્તક બહાર પાડ્યું છે. સરકારી હાઈસ્કુલોમાં શિખવાય એવા હેતુથી બીજાં પણ આ જાતનાં કેટલાંક પુસ્તકો નીકળ્યાં છે. એઓમાંનાં કેટલાંક લેવી જોઈએ એટલી સંભાળથી લખાયાં હોય એમ જણાતું નથી કેમકે તેમાં હસવું આવે એવી ભુલો પેશી જવા પામી છે. એકમાં રખીદાસનું રહેવાનું ઠેકાણું ‘ડાકોર પાસે સુંજ ગામ’ લખ્યું હતું. બીજામાં કાહ્‌નડદે પ્રબંધના કર્તા પદ્મનાભ કવિને જૈનનો મુડીઓ ઠરાવ્યો છે ! શાળાઓમાં શિખવાય એવી લાલસાથી લખાયલાં આવાં પુસ્તકોમાં ખોટી બાબત ન આવી જાય માટે વિશેષ કાળજી રાખવી જોઈએ.

હવે આ સાઠીમાં નવી લખાયલી કવિતા તરફ નજર કરીએ. સાઠીની શરૂવાતમાં અમદાવાદ અને સુરત બન્ને શહેરોમાં કવિયોનો ગુંજારવ સંભળાવા માંડ્યો હતો. ભુજની પોશાળમાં વૃજભાષા અને સંસ્કૃત કાવ્ય શાસ્ત્રનો અભ્યાસ કરીને કવિપણું લીધેલા દલપતરામ આ બાજુ, અને એવા અભ્યાસ વગરના પણ કવિતા કરવાના કોડવાળા નર્મદ સુરત તરફ; ઇંગ્રેજી કેળવણીના લાભનો અભાવ છતાં પણ સાહેબ લોકોના ઘાઢા પરિચયને લીધે ઇંગ્રેજી વિચારની માહિતી મળેલા ઠાવકા, મીઠા, ધીરા, અને વિચારવંત કવીશ્વર પોતાના કાર્યને આરંભે ક્યાં ક્યાં સુધારો ઈષ્ટ હતો તે જોઈ શક્યા હતા. જનમંડળમાં દુર્ગંધ મારતો કિયો અવયવ છે તે કુશળ શસ્ત્રવૈદ્યની પેઠે તેમને માલમ પડ્યો હતો. પણ શસ્ત્રવૈદ્યું કામ ન લગાડતાં માત્ર ચિકિત્સાથી આરામ કરવાની વૃત્તિવાળા હોવાથી “ધીરે ધીરે” રૂચતી પણ સચોટ બાનીમાં પોતાના વિચાર જાહેર કરતા. ઇંગ્રેજી કેળવણીનો લાભ પામેલા કવિ નર્મદ ઇંગ્રેજી માપથી આપણા સંસારને માપી તેનાપર ઠોક પાડતા. દલપતરામ જ્યારે લોકને રૂચતી ભાષામાં કહેવાની ખાસ કાળજી રાખતા ત્યારે એથી ઉલટું નર્મદાશંકર પોતાને લાગે તે બેધડક–કડવું, ઝેર જેવું હોય તોપણ–સખ્ત વાણીમાં કહેતા. સુધારો તો બન્નેને ઈષ્ટ હતો; બન્ને બોધ તો નીતિનો જ કરતા; વ્હેમ વિદારણા બન્નેના મનમાં રૂચતી; ધર્મ ભોળાં થવાનું કોઈને ગમતું નહોતું; દેશદ્રોહી થવું અને પરતંત્રતાની ઝૂંસરી વ્હેવાનું બન્નેને ના પસંદ હતું. આ પ્રમાણે એક જ પ્રદેશમાં ઘુમતી છતાં તેમની કવિતા જૂદી હતી. આ બન્ને કવિયો વર્ત્તનમાં, વિચારમાં, સ્વભાવમાં અને ટુંકામાં બધી બાબતોમાં સ્વભાવતઃ ઉલટા જ હતા. દલપતરામની કવિતા પૂર્વે થઈ ગયેલા વૃજ કવિયોની કવિતા જેવી હતી, ભાષા એમને સાધ્ય અને વશવર્ત્તિની હોવાથી એમની કવિતા સરળ*[૨] છતાં ઝડઝમકવાળી, અલંકારોથી ભરપૂર અને વાંચનારના હૃદયમાં ઝટ પ્રવેશ કરે એવી હતી અને એમ હોવાથી સચોટ અસર કરતી; અને વધારે લોકપ્રિય થતી. ઝડઝમક લાવવાનો કોડ તો નર્મદને પણ હતો. એક મિત્રની કહેલી વાત અમને સાંભરે છે કે દલપતરામની પેઠે ખૂબ પ્રાસ અને ઝડઝમક લાવવાની આતુરતાથી એક વખત ક થી હ સુધીના અક્ષર જૂદા લખીને તેના કાડી, ખાડી, ગાડી, ઘાડી, ચાડી, છાડી, જાડી, એ પ્રમાણે શબ્દ બનાવીને તેને આણીને–વાપરીને-એક કવિતા બનાવી હતી ! જે મિત્રે અમને આ વાત કહી હતી તે કવિના મંડળમાં રોજ બેસનાર અને કવિતા સાંભળનાર હતા. ઉક્ત કવિતા મિત્રોની આગળ વાંચી, અને તેના ઉપર મિત્રમંડળમાં ટીકા થવાથી કવિયે એ કવિતાની નીચે ‘નિશામાં લખેલી’ એવી ટીકા લખવાનું ઠેરવ્યું ! આ નમુનેદાર કવિતા કુતુહલની ખાતર જોવી હોય તો નર્મ કવિતામાં પ્રીતિ સંબંધી પ્રકરણમાં છપાએલી છે અને ‘એવી કેવી તે આગ લગાડી’ એ લીંટીથી શરૂ થાય છે ! વગર પ્રયાસે જ્યાં સ્વાભાવિક કવિતા સ્ફુરી આવી છે ત્યાં પ્રાસ વગેરે દીપી નીકળી કવિતા સરળ અને રસમય બની છે. દાખલો જોવો હોય તો એજ પ્રકરણમાં એમની ‘સલામ રે દિલદાર’ એ લીંટીથી શરૂ થતી કવિતા જોવી. ‘હિંદની પડતી’ અને સ્વદેશાભિમાનની કવિતાઓમાં નર્મદનું ગૌરવ પૂર્ણ પ્રકાશી રહે છે. પણ ભાષા સાધ્ય ન હોવાથી, શબ્દોને મચરડી નાંખવાની ટેવને લીધે, એમનો પદ્યબંધ સરળ નસતાં કર્કશ લાગે છે. આ બન્ને કવિયોની કવિતા જૂદા જૂદા વર્ગમાં પ્રિય હતી.

જાણીતા સદ્‌ગત સાક્ષર નવલરામજી કહે છે તેમ ‘એ તો ક્યારનું સર્વાનુમતે સિદ્ધ થઈ ચૂક્યું છે કે આ જમાનાના કવિ તે બે જ. નર્મદાશંકર અને દલપતરામ. આ સમે કવિતા કરનારા તો જોઇએ તેટલા છે અને તેમાં થોડાક સારા કવિ પણ છે, પરન્તુ જ્યાં કવિ શબ્દનું ઉચ્ચારણ કર્યું ત્યાં પ્રથમ પ્રતીતિ સર્વે ગુજરાતીના મનમાં આ બેમાંના જ કોઈ એકની થાય છે. ગુજરાતના આ છેડાથી પેલા છેડા સુધી અને બાળ કે યુવાથી વૃદ્ધ પર્યંત સર્વેને જાણીતા એવા તો આ જમાનાના કવિ બે જ છે. બંનેની પ્રસિદ્ધિમાં ફેર હશે; બંનેની પરસ્પર ગણનામાં મતભેદ છે, અને વખતે એકથી મોહિત જનો બીજાને દોષપાત્ર જ ઠેરવવા મથતા હશે, તોપણ નિષ્પક્ષપાત ગંભીર બુદ્ધિને તો એ બંને આ જમાનાની કાવ્ય મૂર્ત્તિના પ્રતિબંબ રૂપે સમાનજ પ્રકાશતા માલમ પડે છે. દેશકાળથી પર એવી જે સામાન્ય કવિરૂપ ગણના તેતો એ બંનેની હવે પછીના જમાનામાં યથાર્થપણે થાય, પરંતુ જો એ બંનેની શૈલીનું કાંઇ પ્રથક્‌પણે સ્વરૂપ જાણ્યું હોય, તો મિથ્યા ખેંચાખેંચ કોઇને રહે નહિ.'

‘દલપતરામની કવિતા શાંત બુદ્ધિની વ્યવહારમાં કુશળ, ચતુરાઇની ભરી, અને સભારંજની છે. એ નવેરસમાં પ્રસંગોપાત વિચરે છે, પણ તે શાંતિ અને વિવેકની સાથે; વ્યવહારની મર્યાદા એજ આ કવિતામાં રસના સંભવ વા અસંભવની મર્યાદા છે. કોઇ પણ રસની મસ્તી એ આ કવિતાને મન ગાંડાઈ છે. સંસારનું શાંત બુદ્ધિથી અવલોકન કરવું અને તેમાંથી વ્યવહારોપગી બોધ લેવો એ દલપત શૈલીને સૌથી વધારે રૂચિકર છે. એ શૈલી જાતે દર્દમુક્ત હોવાને લીધે બે ઘડી નવરાશની વેળાએ વિનોદ કરવો એમાં જ મોટું સુખ માણે છે. ઠાઉકું હાસ્ય, મર્માળાં કટાક્ષ, વાણીની મીઠાશ અને રચનામાં વિવિધ પ્રકારનાં ચાતુર્ય, એ વડે દલપત શૈલીનાં શાંત ને સુબોધક વર્ણનો ઝગઝગી રહ્યાં છે. દલપતરામની સદા ચોટ સભાનાં મનરંજન કરવા ઉપર જ રહેલી હોય છે, અને તેમાં તે બરાબર ફતેહ પામે છે, કેમકે શ્રોતાનાં મનમાં ઉતરીને તેને કેમ લાગે છે તે જોવાની શક્તિ આ કવિતામાં છે. ”

“ખુદ નર્મદની શૈલીનું સ્વરૂપ તથા ઉદ્દેશ આથી ઉલટાં જ છે. એ સભાને રંજન કરવા નહિ, પણ પોતાના અંતરનો ઉભરો બ્હાર કાઢવા જ કવિતા કરે છે. કવન વેળા દલપતરામની સમક્ષ જેમ શ્રોતાની મૂર્ત્તિ આવીને ઉભી રહે છે અને તે તરફ જોઈ જોઈને જ એ પોતાની શૈલીનો ઘાટ ઘડે છે તેમ અહિંયાં કવિતા કરવાને સમે અમુક લાગણી કવિની રગેરગમાં વ્યાપી રહે છે, અને તે જેમ પ્રેરે છે, તેમ જ એ ઉદ્‌ગાર કરે છે. નર્મદની લાગણી કવચિત જ વિનોદી, પણ બહુધાતો ગંભીર અને આતુર એટલે દર્દથી ઉછળતી હોય છે. વખતે મદોન્મત થઇ ભાષા તથા વ્યવહારનાં બંધનો પણ એ તોડી નાંખે છે. શાંતવૃત્તિમાં પણ નર્મદની કાવ્ય દેવી વ્યવહારના પટને ભેદી શાસ્ત્રીય કે કાલ્પનિક પ્રદેશમાં જ ભ્રમણ કરવાનું પસંદ કરે છે. નર્મદ શૈલીમાં સ્વભાવ તથા શાસ્ત્રનું બળ ઘણું પણ ચાતુર્યનું થોડું જ દીઠામાં આવે છે. ”

“કવન વેળા કવિના ચિત્તની સ્વસ્થતા, પદ્યબંધ કળાનું પરિપૂર્ણ કૌશલ્ય, અને શ્રોતાને રંજન કરવાની વૃત્તિ તથા શક્તિ એ ચાતુર્ય શૈલીની કવિતાનાં મુખ્ય લક્ષણ છે; ચાતુર્ય શૈલી રાજદરબાર તથા સભાઓમાં ઠીક પોષાય છે, અને તેથી અમે તેને સભારંજની કહી છે.” “ટુંકામાં એક જ શબ્દમાં કહીએ, તો દલપતરામની શૈલી સભારંજની અને નર્મદાશંકરની તે મસ્ત. આ શૈલીઓ પરસ્પર અપ્રમેય એટલે એક બીજા સાથે માપી શકાય એવી જ નથી. તે પાતપોતાને સ્થળે ઉત્તમ જ છે. દેશ સુધારણાના વિષયમાં આ પ્રથક પ્રથક શૈલીઓ આ બે કવિયોએ વાપરી છે, અને તેમનું ફળ જુદે જુદે રૂપે પણ એક જાતનું અને સમાન જ થયું છે, દલપતરામે હસાવી રમાડી ધીમે ધીમે લોકને વ્હેમો ઉપર અનાદર કરાવ્યો; અને નર્મદાશંકરે ‘યા હોમ કરીને પડો’ એવી મસ્ત વાણીથી તેમને તે છોડવા પ્રવર્ત્તમાન કર્યા. આ બન્નેની કવિતાના કેટલાક ભાગ ગુજરાતી ભાષામાં અપૂર્વ અને લાંબા વખત સુધી રહે એવો છે.”*[૩]

ઇંગ્રેજી કવિતાનું અનુસરણ કરવાની પ્રબળ લાલસા કવિ નર્મદાશંકરમાં હતી. તેમની 'લલિતા', 'વજી,’ અને ‘વજેશંગ અને ચાંદબા' વગેરે એવાં જ કાવ્ય છે. અંગ્રેજ કવિ બાયરનના ડોન જુઆનના ઘાટનું કાવ્ય લખવાનો પ્રયાસ એમણે કર્યો હતો, અને ‘રૂદનરસીક’ નામના એ ધાટીના કાવ્યનો આરંભ ધરાધરી કર્યો હતો. પરંતુ આ યત્નોમાં કવિ ફતેહ પામ્યા નથી, ઇંગ્રેજી કવિતાનું લાલિત્ય, કલ્પના અને મનોહરતા ગુજરાતીમાં ઉતરી શકી નથી. ઘણા કાળ સુધી નર્મદે લીધેલા આ માર્ગનું કોઈએ અનુસરણ કર્યું જણાતું નથી. જેમાં નર્મદાશંકરની ફતેહ નથી થઈ તેવા પ્રકારની કવિતામાં ફતેહ મેળવવાનું બીજા જ ગૃહસ્થને માટે નિર્માણ થયું હતું તે વિષે અમે અગાડી કહીશું. આ સમયના આ બે ધુરંધર કવિયોને માટે આટલું ટુકું જ કહીને ત્યાર પછીના લખનારાઓના સંબંધમાં અને ગુજરાતી કવિતાની શૈલીમાં થયેલા ફેરફારને અંગે બોલીશું.

કવીશ્વર દલપતરામની અને કવિ નર્મદાશંકરની શૈલીનું અનુસરણ કરનારા કેટલાક લખનાર થયા છે. પહેલો કોટીમાં રા. હરજીવન પુરશોતમ જેને ઋષિરાજ કહે છે તે-રા. રણછોડલાલ ગલુરામ, રા. ગણપતરામ રાજારામ, રા. બુલાખી ચકુભાઇ અને રા. છોટાલાલ સેવકરામ વગેરે આવે છે.

શ્રેય:સાધક અધિકારી મંડળના રા. છોટાલાલ, રા. નગીનદાસ પુ. સંઘવી અને રા. કૌશિકરામ વિઘ્નહરરામ વગેરે ગુજરાતી સાહિત્યમાં દાખલ થએલી નવિનતાથી યત્નસર આઘા ને આઘા રહીને હિંદુ ધર્મનાં મૂળ સિદ્ધાન્તનું પ્રતિપાદન અને ધર્મબોધ કર્યે જાય છે. તેમની શૈલી, તેમની વિચારશ્રેણી અને તેમની વિવરણ કળા દલપતસાઈ જ છે.

બીજી કોટીમાં રા. વિજયાશંકર, રા. સવિતાનારાયણ અને રા. બા. મધુવચરામ વગેરે આવી જાય છે. પરન્તુ આ ગૃહસ્થો પછી, આ બન્ને કોટીમાં કોઈ જાણીતા લખનાર થયા જાણ્યામાં નથી.

સમય જતાં પાઠશાળાના શિક્ષણનો લાભ ગુજરાતીઓ વધારે લેવા લાગ્યા અને એને અંગે સંસ્કૃતનો અભ્યાસ પણ વધ્યો. ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃત સાહિત્યની ઝાઝી અસર થવા લાગી. આવી તરેહની કવિતાના અગ્રણી અમને બે જણ જણાય છે. સ્વ. ભીમરામ ભોળાનાથ દીવેટીઆ અને સ્વ. હરિલાલ હર્ષદરાય ધ્રુવ. એમની કવિતા આવા પ્રકારની છે.

સ્વ. મણિલાલ નભુભાઇની કવિતા વળી આનાથી નોંખી છે. સંસ્કૃત સાહિત્યની અસર તો નિર્વિવાદિત રીતે એમાં દૃષ્ટિએ પડે છે. તેની સાથે સ્હેજ ફારસી કવિતાની અસરની છાંટ પણ એમની કવિતામાં દેખાય છે.

એમની લખેલી કવિતાનો જથો બહુ થોડો છે. તેમની લેખનશક્તિ બહુધા તત્વજ્ઞાનના વિષયોનાં ગદ્ય લખાણમાં રોકાઈ હતી. પરંતુ જે કાવ્યો તેમણે લખ્યાં છે તે ઉંચા પ્રકારની કવિત્વશક્તિ દર્શાવે છે. તેમનાં કાવ્યનો વિષય એક જ છે–વેદાન્ત–જ્ઞાન. એ કાવ્યોનો સંગ્રહ ‘આત્મનિમજ્જન’ના નામથી તેમણે સને ૧૮૯૫ માં પ્રસિદ્ધ કર્યો હતો. એ ગ્રંથની પ્રસ્તાવનામાં તેઓ લખે છે તેમ મનુષ્ય પોતાના આત્મામાં ડુબકી મારતાં કેવાં નવાં નવાં મોતી રત્ન આદિ લઈને ઉપર આવે છે અને આત્મા પોતાના કેવા વિવિધ રંગે રમી રહ્યો છે તેનું દર્શન આ કાવ્યોથી થાય છે. એ કાવ્યોમાં બે પ્રકારની શૈલી છે. એક શૈલી ફારસી સુફી શાયરોની છે અને તેમાં શુંગારરસના પ્રેમને અને વેદાન્તની માયાને ગૂઢાર્થદ્વારા ભેળવી દીધાં છે. બીજી શૈલી અખા સરખા જુના ગુજરાતી કવિઓની છે પણ તે કવિઓની પેઠે સંસાર તરફની વૈરાગ્યને પ્રેમ વિમુખ ન કરતાં પ્રેમાનંદમય કર્યો છે. પહેલી શૈલીની "દિલ શું દિલ લાગ્યા પછી ખેંચે શું તું ખીજાઈને", “તારો દિવાનો તેંજ પાયો મુજને ઈસ્કે શરાબ”, “દૃગરસભર મોરે દિલછાઈ રહી”*[૪] 'નિધાય સનમ નુરય્ ખુદા કે દયમ્ આદમ', ઈત્યાદિ રસભરી કાવ્યોક્તિઓમાં માયા અને બ્રહ્મના ગૂઢાર્થ ન હોય અને કવિતાનો જ આસ્વાદ હોય એમ સહૃદરજનોને ઉત્કંઠા થશે. બીજી શૈલીમાં 'અમે વહાણે ચઢ્યા પ્રેમાનંદ ને કરી જગત્ જુહારરે,’ એવા સોલ્લાસ પોકાર કરનાર કવિના મુખમાંથી 'ધૂળ ઉપર લીંપણ કેમ લાગે' એવા શુષ્ક નીરસ પ્રાકૃત વ્યાવહારિક દાખલા ન નિકળતા હોય તો કાવ્યની સુંદરતા વધારે જળવાય એમ રસજ્ઞ વાચકોને લાગશે. પરંતુ આવા અશ છતાં પણ રા. મણિલાલનાં કાવ્યો ઉંચી પંક્તિનાં છે એ નિસંશય છે. કાવ્ય પ્રદેશમાં તેમણે વિસ્તારથી પ્રવાસ કર્યો હોત તો 'કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,' 'કંહીં તું જાય છે દોડી દગાબાજી કરી કીસ્મત્' એ હૃદયના રસિક ઉંડા ભાવથી અનેક પ્રકારનાં રમણીય કાવ્યોનો સમુદાય ગુજરાતી સાહિત્યને સુશોભિત કરત.

ફારસી કવિતાની જાતની મસ્તીવાળા અને સંસ્કૃત સાહિત્યની અસર ન જણાય એવી બાનીમાં સ. ૧૮૭૭-૭૮ માં ‘બુલબુલ’ લખાયું હતું. સન ૧૮૮૨ માં એ બહાર પડ્યું હતું. સ્વ. બાલાશંકરને ‘બુલબુલ’ નો બહુ પક્ષપાત હતો અને બીજી આવૃત્તિ કાઢવાને એમણે કરેલા આગ્રહ છતાં પણ તે અમે ન કાઢવાથી પૂછ્યા ગાછ્યા વના એમણે છાપી લીધું હતું. બાલાશંકરે છપાવી છે એમ ન જાણતા હોવાથી અમે છાપનારના ઉપર દાવો કરવાની તૈયારી કરી હતી. એટલામાં બાલાશંકરે પોતે પોતાના વિનોદ માટે છપાવી હતી એમ કહેવાથી અમે એ વાત પડતી મુકી અને ત્રીજી આવૃત્તિ છપાવી. આ જ શૈલીની પણ ફારસીનું જ્ઞાન હોવાથી ફારસીની વધારે અસરવાળી અને મસ્તી ભરી કવિતા સ્વ. બાલાશંકરની છે. એનું માધુર્ય ઓર જ છે. આ જાતની કવિતાના અગ્રણી પદને એ ભાઈ યોગ્ય છે. સ્વ. કલાપિને પણ અમે આ જ કોટીના લખનાર ગણીએ છઇએ.

કવિ નર્મદાશંકરનો ઇંગ્રેજી કવિતાનો ઉઠાવ ગુજરાતીમાં આણવાનો ઉત્કૃષ્ટ અભિલાષ ફળ્યો નહોતો એ અમે કહી ગયા છઇએ. બીજા જ ગૃહસ્થને હાથે એ કામ થવાનું નિર્માણ થયું હતું એમ પણ અમે ત્યાં કહ્યું હતું. આ બીજા ગૃહસ્થ તે રા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ છે. એઓ ગુજરાતી વાચકવૃંદને ઇંગ્રેજી કવિતાની શૈલીની મનોહરતા અને માધુર્ય ગુજરાતીમાં ચખાડી શક્યા છે. આ જાતની કવિતા તરફ હાલ તરત તો ઘણું વલણ છે; અને એ પ્રવાહને વહેતો કરવાનું માન એ અગ્રણીને ઘટે છે. નવા ગ્રેજ્યુએટો બહુધા આ શૈલીના ભક્ત છે. કેટલાક માસિકોમાં અને ત્રિમાસિકોમાં છૂટા છવાયા લખે છે. કાન્ત, મકરંદ, સેહેની, લલિત, સુમન્ત વગેરે જૂદાં જૂદાં તખુલ્લસ ધારી લખનારાઓ આ કોટીમાં આવે છે.

સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાટી કવિ તરીકે નહિ પણ નવલ કથાકાર તરીકે સુપ્રસિદ્ધ છે. તેમના સરસ્વતીચંદ્રમાં ‘સુખી હું તેથી કોને શું, દુઃખી હું તેથી કોને શું,’ 'દિધાં છોડી પિતામાતા, તજી વ્હાલી ગુણી દારા,’ ‘જહાંગીરી ફકીરી એ ! લલાટે છે લખાવી મ્હેં,' ઇત્યાદિ ટૂંકાં પદ્યો જેવાં ઉલટથી વંચાય છે તેવાં તેમની ‘સ્નેહમુદ્રા’માંનાં કાવ્યો વંચાતાં નથી. અને તેનું કારણ એ છે કે તેમની કવિતામાં ભાવનો પ્રબળ વેગ અને અલંકારનું બાહુલ્ય છતાં કઠોરતા છે અને સૌંદર્ય તથા લાલિત્યની ખામી છે. ‘સ્નેહમુદ્રા’ અથવા હૃદયમાં મુદ્રાંકિત થતા સ્નેહની છાયા એ કાવ્ય સને ૧૯૯૯ માં તેમણે પ્રથમ પ્રકટ કર્યું હતું. એમાં જુદા જુદા વિષયપર કાવ્યો છતાં તે સર્વ એક કથાનક પ્રસંગમાં જોડેલાં છે. નાયકને ‘હૃદયભૂત’ રૂપે આણી તેની પાસે વિવિધ વિચારો પ્રકટ કરાવ્યા છે, પણ તેમાં કવિતાની કળા સમાએલી નથી. એ વિચારો તત્ત્વચિંતનથી પરિપૂર્ણ છે. પણ કવિતામાં જે રમણીયતા તથા માધુર્યના પરિવેષ્ટનથી તત્ત્વચિંતન રૂચિકર થાય છે તે રા. ગોવર્ધનરામની શૈલીમાં નથી. અલંકારો ઘણા છતાં સાધારણ વ્યવહારની ઉક્તિઓ સાથે તે ભેળી નાંખ્યાથી તેમાંથી આસતા જતી રહી છે. 'દોડ્યો દોડાયું તેમ એ મન ઉંઘી ગયું તું' 'બોલે ઓછા બોલશું ? શું નથી હું લ્હોનાર’ એવાં વચનો ‘અરણ્ય રૂદિત’ ‘રસપાન’ વગેરે રસ યોગ્ય વિષયોનાં કાવ્યોમાં આવતાં હતાં તે આકર્ષક થતાં નથી. અલબત્ત ઉચ્ચ સંસ્કારોથી ઘડાએલી ગંભીરતા અને ભવ્યતા તેમનાં કાવ્યોમાં સર્વત્ર નજરે પડે છે, અને ‘વિરહ સમાધિલીન ઉદાસીન ઉર ન ગણે નભ વાણી,’ ‘અગાધ ઉદધિ ઉપર તરંગો જતા આવતા ચ્હડતાં વ્યોમે,’ ‘વિશ્વ નદીમાં એક શમીતો ઘણીક લહરી બીજી,’ ઈત્યાદિ ઉચ્ચ ભાવગર્ભ ઉક્તિઓથી તેમની કાવ્ય રચનાઓ ભરપૂર છે, તેમ જ ‘નીલ લીલમ સમાં લાલ ગાલે બેઠાં તમે જે તણેરે,’ ‘ઉંચા સોહે પ્રભાતના રંગ રાતારાતા આભમાં રે’ એવી મનોહર રસિક કાવ્ય રચનાઓ પણ કોઈ કોઈ સ્થળે આ ગ્રંથમાં છે. પરંતુ બહુધા તેમની કવિતામાં ગંભીર ભાવની ઉક્તિમાં નીરસતા ભરેલી છે અને તેમની શૈલી ક્લિષ્ટ છે. સ્નેહમુદ્રા પ્રગટ થઇ તેવામાં એક વિદ્વાને હસતાં હસતાં કહેલું અમને યાદ છે કે સ્નેહમુદ્રા છે તો મઝાની પણ બરાબર ઉઠી નથી.

‘પ્રેમભક્તિ’ તખુલ્લસથી પ્રથમ લખનાર કવિ નાનાલાલ દલપતરામે ગુજરાતી કવિતાને નવું જ રૂપ આપવાનો નિશ્ચય કર્યો હોય એમ જણાય છે. કવિતાને કોઇ પણ તરેહનો બંધ–ઝાંઝર (જંજીર–ડસકલાં ?) ન જોઇએ અને માત્ર યથેચ્છ પ્રવાહ વહ્યો જાય એવી એમની ઇચ્છા જણાય છે. એમને જરૂર માત્ર 'આન્દોલન' ઉત્પન્ન થવાની જ જણાય છે. કેટલાક તો એમના કાવ્યને 'આવેશવાળું ગદ્ય’ કહે છે. આન્દોલનની કલ્પના હજી સ્પષ્ટ ન થવાથી એ સંબંધી વધારે લખવાની લાલસાનાં આન્દોલન અમારા હૃદયમાં ઉદ્‌ભવવા દેતા નથી, છતાં પણ એમની કવિતામાં ઓર કવિત્વની મઝા છે એમ ન કહીએ તો એ બોલવું ન્યાય પુરસ્સર નથી.

કવિ નાનાલાલને જેમ આન્દોલન રૂચે છે તેમ માત્ર ‘મિઝાન યાને વઝન’ ની જ રૂચિ કવિતાને અંગે રાખતી બીજી શૈલી ઉત્પન્ન થઇ છે. આના ઉત્પાદકો પારસી ગૃહસ્થો છે અને એમનો પ્રયાસ ઇંગ્રેજી ઢબ ગુજરાતી-પારસી ગુજરાતી–માં દાખલ કરવાનો છે. પહેલી અને ત્રીજી લીંટીનો પ્રાસ, દરબબે લીંટીનો અત્યં પ્રાસ અગર પ્રાસ વગરની એવી કવિતાઓ આ શૈલીની છે. પિંગળ એ એમને કેદખાના જેવું લાગે છે અને કેટલાક તો એ શૈલીની ન હોય તે કવિતા જ નથી એમ કહેવા ધરાધરીની ધૃષ્ટતા કરે છે.

આ સાઠીની શરૂવાતથી તે હાલ સુધીમાં લખનારના આવા અસ્ફુટ વર્ગ બાંધી હવે આ સાઠીમાં એ વર્ગોમાં પ્રગટ થએલી કવિતા* પરત્વે કાંઈક કહીશું:—

કવીશ્વર દલપતરામનું ‘વેનચરિત્ર’ જૂની આખ્યાન શૈલીમાં લખાયલું વિધવા વિવાહની તરફદારી કરતું અને વિધવાના દુઃખનું હૃદયવેધક વર્ણન આપતું મનોહર અને રસભર્યું કાવ્ય છે. કવિએ આ કાવ્યમાં દરેક રસની જમાવટ ખુબી ભરેલી કરી છે. અને વિધવા વિવાહના સંબંધે પુખ્ત વિચાર ભર્યો નિર્ણય આપ્યો છે. દલપતરામની કવિતામાં એ કાવ્ય ઘણું ઉંચું પદ
* કવીશ્વર દલપત, કવિ નર્મદ અને એ શૈલીના બીજા કવિઓને બાદ કરીને કેટલાક નવા લખનારાની કવિતાના સંબંધમાં કાઠીયાવાડના એક કવિયે 'સાક્ષર સપ્તક' નામની રમુજી કવિતા લખી છે. વૃજભાષાના સાહિત્યમાં ‘મુકરી’ જાણીતી છે. દેખીતો અર્થ જૂદો દેખાય અને માત્ર છેલ્લા ચરણથી જ અર્થ ફરી જાય એવી ગોઠવણ આ કવિતામાં હોય છે. આ 'સાક્ષર સપ્તક' ગુજરાતીમાં એવી મુકરી તરીકે લખાયલું છે, અને અમારા વાંચનારાના વિનોદની ખાતર અમે તેને અહિં દાખલ કરીએ છીએ.
સાક્ષર સપ્તક.

અલંકારો અંગે ધરી અવનવા, આસ્ય ખુલતી,
કટાક્ષોથી જોતી, ધ્વનિત સરસા અંગ ફુલતી;
મતિ લેતી ઝાલી, અગણિત જનની ક્ષણગણી
નિહાળી શું નારી ? નહિ નહિ સુવાણી हरिતણી.
સુવર્ણે શોભંતી, અભિનવ કલા અંગ ધરતી,
સુહાવે હાવેથી, અનુભવી ભલા ભાવ ભરતી;
સુરીતિ વાળી એ પીયૂષ ઝરણી કલેશ હરણી,
નિહાળી શું નારી ? નહિ નહિ સુવાણી हरिતણી.. ૨
સુઅંગી રંગીલી મુદભરણી આમોદ સદની,
રહી રાગે રાચી, શુભ ગુણવતી પૂર્વ પદની;
અદોષી ઓચિન્તી નજર પથ આવી બહુ બણી,
નિહાળી શું નારી ? નહિ નહિ સુવાણી हरि[૫]તણી.

ભોગવે છે. સૌથી પ્રથમ પદ્વી એની છે કે એમના 'ફાર્બસ વિરહ' ની છે એ વાંચનારા નિર્ણય કરશે. 'ફાર્બસ વિરહ’ માંથી કેટલીક ચાતુર્ય ભરેલી કવિતા બાદ કરીએ તો એ કાવ્ય ચિત્તના ખરેખરા ક્ષોભથી ઉદ્‌ભવેલું હોવાથી રસભરિત અને મનોહર બન્યું છે. જૂની વાર્ત્તા શૈલીમાં લખાયલાં 'સંપલક્ષ્મી સંવાદ,' 'રાજવિદ્યાભ્યાસ,' કેફ નિષેધ સારૂ લખાયલી 'જાદવાસ્થળી' એ સારાં કાવ્ય છે. સ્વદેશ અને કળાકૌશલ્ય સંબંધી કાવ્યોમાં 'હુન્નરખાનની

ધરે છે શૃંગારો પણ ન વધતી ભા તન તણી,
જણાયે છે રાગી, પણ અતિ વિરાગી મન તણી;
મીઠાઇને માટે વદતિ કુગિરા મ્લેચ્છ ભણિતિ,
વિલોકી શું વૃદ્ધા? નહિ નહિ સખા વાણી मणिની.
ઘડીમાંહી રાગી ઘડીમાંહી વિરાગી બની જતી,
ઘડી સ્વીયા સાથે ઘડિક પરકીયા તણી ગતિ;
રસે ભીની જોઈ ઘડિક રસહીની નહી બની,
શું દેખી સામાન્યા ? નહિ નહિ સખા વાણી मणि[૬]ની. 

અતિ કર્ણ પ્રિય ઉચ્ચાર ચાલે, ચરણમાં ધ્વનિ ધારતી,
પ્રતિ વાકયમાં વરસાવતી રસ, ગુણભરી, લક્ષણવતી;
પ્રીતિ મહિં પરિપક્વ રીતિ, શુભ ગ્રહે અણમૂલની,
વ્હાલા વખાણે વ્હાલિને? ના,બોલી આ बुल् बुल्[૭] તણી.

ઝીલી રહી અનહદ રસે, મદૃછક બનેલી માનિની,
શોભે અલંકારો ખસ્યાથી ગુણી ચંદ્રાનની;
પ્રીતિ ભરેલા પ્રસવતી આનંદ કેરા ઉભરા,
આનંદ સંમોહા પ્રિયાં ? ના, बाल[૮] મસ્ત તણી ગિરા.

ચઢાઇ' નાનું પણ રસભર્યું રૂપક છે. સભારંજની પ્રબંધો જેવા કે ‘ફાર્બસ વિલાસ,’ ‘વિજય વિનોદ’ અને 'હંસકાવ્ય સતક’ એ પણ બહુ ચાતુર્યવાળાં કાવ્ય છે. દલપતરામ બહુધા ગરબીઓ લખતા અને ઉપહાસમાં એમને સુરત તરફના લોકો ગરબીભટ કહેતા; આ મહેણું ટાળવાને દલપત કાવ્ય છપાયું તે વખત એમણે ઘણી કવિતા વૃત્ત અને છંદમાં રચી છે. એમની કવિતામાં ગરબીઓની સંખ્યાનું પ્રમાણ હવે બહુ ઘટી ગયું છે. પ્રમાણની જ વાત કરીએ તો નર્મદાશંકરની કવિતામાં ગરબીઓ અને ૫દ વધારે જણાય છે. આવી રીતે નવાં લખેલાં. કાવ્યોમાં એમનું ‘રૂતુ વર્ણન’ મુખ્ય છે. દલપત કાવ્યમાંનું ‘અંગ્રેજી રાજ પ્રકરણ’ વાંચતાં જુલમની સામે એઓ કેવો પોકાર ઉઠાવે છે તે જણાય છે. અને કડવી વાત પણ કેવી યુક્તિથી,

મીઠું બોલી મ્હારૂં મન હરણ કીધું પલકમાં,
રહી રાગે રાચી ખુશબુભર ખાંતે ખલકમાં;
કહી વાણી કાંઈ કુદરત ભરી શેલ વનની,
મળી'તી શું મધ્યા ? નહિ નહિ કવિતા કુસુમ[૯]ની.

સરસ સરળ વાક્યે ચોરતી ચિત્ત પ્યારી,
ચરણ સુવરણેથી સોગુણી કાંતિ ધારી;
સુગુણવતી સુરૂપા સુરીતિવાન શાણી,
નવ તિય ? નહિ, ભાળી કાન્તની[૧૦]શાન્ત વાણી.

તોડી વછોડી ભૂષણો, કરી દૂર સર્વ સુવર્ણને,
રસ રાગ બેઠી ખોઇ, ખુબ કઠોર કીધા ચર્ણને;
સુતી છુપાવી મુખ, દુ:ખણીએ ને જોયું અમભણી,
શું મિત્ર માનવતી પ્રિયા ? ના, ગિરા [૧૧]ગોવર્દ્ધનતણી. ૧૦ઠાવકાઈથી, સાફ કહે છે તે જાણીને આપણા મનમાં એમને માટે માન ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે એમની પૂર્વે થઈ ગયેલા બધા કવિઓ ગરબીઓનો ઉપયોગ શૃંગારના લખાણને માટે જ કરતા આવ્યા છે. ગરબીઓનો નીતિ પરત્વે વિનિયોગ પ્રથમ એમણે જ કર્યો છે. અનેક જૂદી જૂદી બાબતની અને વ્હેમ વિરૂદ્ધ એમની ગરબીઓ પ્રસિદ્ધ છે. એમની કવિતા જનમંડળમાં બહુ પ્રિય છે. એમના રામ વનવાસની ગરબીઓ ઘણીએ વખત છેક દૂરનાં અને નાનાં ગામડામાં અમે ગવાતી સાંભળી છે. તેમ જ વેનચરિત્રમાંની અમુક બે ગરબીઓ ભક્તની ભજનની મંડળીઓમાં ઘણા ભાવથી ગવાય છે. નર્મદ અને એમના વચ્ચે જન્મારા સુધી અંટસ ચાલુ રહ્યો હતો. મ્હોડે તો અમે બેમાંથી કોઈને બીજાનું ઘસાતું બોલતા સાંભળ્યા નથી. અમારા વાંચનારાઓના વિનોદની ખાતર દલપતરામની સાથે એકવાર થયેલી વાતચીત અહીં લખીશું. નર્મદની કવિતામાં વ્યંગ્યમાં એમની વિરૂદ્ધ લખાણ છે. 'પગે મણિને શિરે કાચ પણ આખર મણિમાં માલ સાહેબો સલામ સૌને હાલ' એ લીંટીઓ વાંચીને એકવાર અમે પુછ્યું હતું કે આપ કેમ કાંઇ લખતા નથી. થોડીવાર સુધી ન બોલીને પછી પોતાની આછી ચોટલી ડાબા હાથમાં પકડી ઉંચી કરીને મને પૂછ્યું કે ડાહ્યાભાઇ, આ શું દેખો છો ! મેં પુછ્યું સાહેબ શેને માટે પૂછો છો ? એઓ કહે આ–આ. મારા હાથમાં શું છે ? મેં કહ્યું આપની ચોટલી. એઓ કહે નાના પણ એનો રંગ કેવો છે ? મેં કહ્યું ધોળો, અને એઓ કહે કે લઢાઈ ચાલતી હોય અને બંધ કરવી હોય તો કેવો વાવટો ધરે છે ? મેં કહ્યું ધોળો; એટલે એઓ બોલ્યા કે ત્યારે જૂવો પરમેશ્વરે આ ધોળો વાવટો ઉભો કર્યો છે. હવે મને ઘટે નહિ. આ બનાવ બન્યા પછી બે ત્રણ વર્ષે દલપતકાવ્ય બહાર પડ્યું હતું. દલપતકાવ્યનું મંગળાચરણના પ્રકરણ પછીનું પ્રકરણ વાંચીને મને ખૂબ હસવું આવ્યું હતું ! આખું પ્રકરણ વ્યંગ્યવાળું અન્યોક્તિથી ભરેલું અને નર્મદ ઉપર હુમલાવાળું છે ! બીજી વાત પણ એવી જ રમુજી છે. રા. ગણેશ શ્રીકૃષ્ણ ખાપડેં તેમના પાઠશાળાના કાળમાં અમારા ઈષ્ટ મિત્ર ડા. હ. હ. ધ્રુવના મિત્ર હતા. એને લીધે અમારે પણ સારો પરિચય હતો. એઓ અહિં એક અઠવાડીયું કોલેજમાંથી આવ્યા હતા. કવીશ્વરને મળવાને એમને ઘણી ઉત્કંઠા હતી તેથી અમે બધા એમને ત્યાં ગયા. કવીશ્વર તે વખત બીલકુલ દેખતા ન હતા. અરસ્પરસ ઓળખાણ કરાવ્યા પછી એમના ખાટલાની સામે અમે બધા બેઠા અને રા. ખાપર્ડે કાંઈ કવિતા બોલવાને વિનતિ કરી. એટલામાં કોઈએ અનાયાસે કહ્યું કે રા. ખાપર્ડે કવિ નર્મદના ઘાડા મિત્ર છે. તરત થોડીવારે એમણે રા. ખાપર્ડે તરફ મોં ફેરવીને પોતાની ‘દુરાચારી વ્યભિચારી જો વિચારી’ એ ગરબી જૂસ્સાથી ગાઈ ! આ ગરબી વ્યંગ્યથી ભરેલી છે એટલું જ નહિ પણ એમાં ખૂદ નર્મદનું નામ પણ ચતુરાઈથી મુક્યું છે ! બન્ને કવિયો વચ્ચે મિનાકેસો કેટલો અને કેવો હશે તેનો ખ્યાલ આપવાને આવી ક્ષુલ્લક વાતો બહુ મદદગાર થઈ પડે છે. કવિ નર્મદે પોતાના પુસ્તકમાં પોતાની છબી મુકી હતી. ત્યારે દલપતરામે પોતાના ગ્રંથમાં જ્યાં છબી મુકાય તે જગાએ એક દોહરો લખ્યો હતો કે:—

શું જોશો તનની છબી એમાં નથી નવાઈ,
નિર્ખો મુજ મનની છબી ભલા પરીક્ષક ભાઈ.

સુરત તરફના કોઈ ઠોળીઆએ આ દોહરાનો ઉત્તર પોતાના નામ વગર લખ્યો છે પણ અમે તે અહીં લખતા નથી. આવા વિનોદી ટુચકા છોડીને અમારા પ્રસ્તુત વિષયપર આવીએ.

આખ્યાનમાં કે વાર્ત્તામાં, ગરબીમાં કે વૃત્તમાં, વહેમને ઠોક પાડવામાં કે સત્પુરૂષના ગુણગાનમાં, સભાને રંજન કરવામાં કે જૂના કવિયોની પેઠે અલૌકિક ચાતુર્ય બતાવવામાં આ વૃદ્ધ કવીશ્વરની સરસ્વતિ સદા તત્પર જ રહેતી. જે કરે તેમાં એમની પ્રાસાદિક વાણી શ્રોતાને આનંદ જ આપતી. “એક સુધારક તરીકે આપણા કવીશ્વર ઉછાંછળાપણાનો ત્યાગ કરીને વર્ત્તનાર, પોતાના ધર્મને રહસ્યની સમજણ પૂર્વક વિવેક રાખીને વળગી રહેનાર પરંતુ અન્ય ધર્મવાળાઓનો આગ્રહથી તિરસ્કાર કરી મન દુ:ખાવવાની મૂર્ખાઇથી વેગળા રહેનાર, શુદ્ધ નીતિને આચરનાર તથા ઉચ્ચારનાર, જૂની અને નવી બાબતોમાંથી વિવેક રાખી સારાસાર ગ્રહણ કરનાર, સાદાઈ અને ધીરજને પસંદ કરનાર અને ઉછરતી પ્રજાને સંસાર સાગરમાં ખરી દિશા સૂજાડનાર અચળ ધ્રુવના તારા સમાન માલમ પડ્યા છે.”*[૧૨] આવા કલ્યાણકારી નરને હમ્મેશ ધન્યવાદ જ ઘટે છે અને એમનું સ્મરણ ગુજરાતી પ્રજાના હૃદયમાં ચિરકાળ વાસો કરશે જ.

કવીશ્વર દલપતરામની શૈલીને અનુસરનારાઓમાં દલપતરામ જેવી શક્તિને અભાવે તેમની કવિતા દલપતરામની કવિતાના જેવી અસર કરી શકી નથી. ઘણાં વર્ષ પૂર્વે રણછોડલાલ ગલુરામે ‘કાવ્યસુધા’ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું. ધર્મ તરફ મનનું વલણ થઈ જવાથી એમણે ત્યાર પછી કશું લખ્યું હોય એમ જણાતું નથી. રા. ગણપતરામ રાજારામે ‘લીલાવતી કથા’ નામનું સારૂં આખ્યાન લખ્યું છે; એમનું ‘પાર્વતી કુંવર આખ્યાન’ નાનું પણ રસભર્યું આખ્યાન છે. એમણે પાછળથી ‘લઘુભારત’ નામનાં સરળ અને રસિક પુસ્તકો લખી ગુજરાતી સાહિત્યમાં સારો ઉમેરો કર્યો છે. રા. હરજીવને જૂની ધાટી ઉપર ‘ચાવડા ચરિત્ર’નામનું વીરકાવ્ય ઘણાં વર્ષ ઉપર લખ્યું હતું. ભાષાની સરળતા અને કેટલીક સુંદરતા છતાં વીરકાવ્ય તરીકે એમાં નિર્માલ્યતા જણાય છે. ચાવડાચરિત્રને બદલે ‘ચાપોત્કટ ચરિત્ર’ એવું સંસ્કૃત નામ ધરીને આ કાવ્ય બીજી આવૃત્તિરૂપે ગુજરાતીમાં આવ્યું છે ! લીમડીના કવિ ભવાનિશંકરે પણ આ શૈલીની કવિતા કરી છે. ‘દુનિયાના મોટા શેાધ’ નામની એક સારી ચોપડી ઘણાં વર્ષ પૂર્વે પ્રગટ થઈ હતી. ભક્તિરસથી ભરપૂર ‘કેશવકૃતિ’ ધર્મ–નીતિ–વગેરેનો બોધદાયક સંગ્રહ છે. સુરતના કવિ દલપતરામ દુર્લભરામે ‘દલપતકૃત કાવ્ય’ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું. બુલાખી ચકુભાઇએ પોતાની નાતના હિતને સારૂ ‘ઉદીચ્ચ જમણવાર અનીતિશતક’ તેમજ બીજી પરચુરણ કવિતા કરી છે. રા. રમણભાઈએ એમની કવિતામાંથી એક જગાએ સારૂં અવતરણ આપ્યું હતું. રમણભાઈ કહે છે તેમ "પદપૂર્ત્તિ" ના વિષયમાં ‘કર્યું ભગાના જેવું,’ ‘પેટ કરાવે વેઠ,’ ‘બકરૂં કાઢતાં પેસે ઉંટ,’ ‘રાણીનો સાળો’ એવાં એક પછી એક પદ લેઇને તેની પૂર્તિ કરી તેના સંગ્રહને ‘કાવ્ય કૌસ્તુભ’ નો કિતાબ આપે છે.” 

માથામાં મગરૂબી રાખી ઠાઠ રચે છે ઠાલો
દૈવતનું તો દિંટ મળે નહિ એ રાણીનો સાળો.”
કા.કૌ.

આ કોટીની કવિતાની વાત કરતાં ઘણાં વર્ષપર બહાર પડેલી ‘પાણીપત’ નામની ચોપડીને ભૂલી જવાય એમ નથી. એ નાનું પણ મઝાનું કાવ્ય છે. સરળ બાનીમાં લખાયલું, સ્વદેશ પ્રીતિથી ઉભરાતું ‘પાણીપત’ દરેક વાંચનારને યાદ હશે. રા. હરગોવંદદાસે જ લખેલી કેટલીક કવિતા ‘સીતાના કાગળ’ ને નામે પ્રથમ શાળાપત્રમાં આવતી. રસથી છલકાતી આ હોરીઓ પણ આ કોટીની અને તેના સારા નમુના જેવી છે. આવી મધુર કવિતા ઝરણીને સુવી નાંખીને ગુજરાતી વાંચકોની તેનું પાન કરવાની મઝા રા. હરગોવંદદાસે કેમ નિર્મૂળ કરી હશે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. પાણીપતના કેટલાક પ્રસંગ ખરેખાત મનોહર છે.

‘ધર્મ વિષયમાં ઉપાલમ્ભ, ચાબખા, બોધપ્રધાન શિક્ષાવચનો, કે કૃષ્ણલીલાનાં શૃંગારરસમય વર્ણનને બદલે ખરેખરા કવિત્વયુક્ત પદ્ય રચનાર ગુજરાતમાં આપણા ભક્ત કવિ સ્વ. ભોળાનાથ સારાભાઇ જ પ્રથમ છે. હૃદયને પ્રસન્ન કરી ઉન્નત ભાવનાનું ભાન કરાવી ઉપદેશ આપવો એ કવિતાનો ધર્મ છે, તે ચાબખાઓમાં સચવાતો નથી. એવી કવિતામાંથી આનંદ આપવાની શક્તિ જતી રહે છે. આનંદ આપવાની શક્તિ જતી રહે છે એટલું જ નહિ પણ બોધની સફળતા બાજુએ રહી, *[૧૩]જુગુપ્સા ઉત્પન્ન થાય છે. ” જે કવિતા માત્ર બોધપર હોય છે અને બોધને જ પ્રધાન વિષય કરે છે તેમાં કવિતાના મૂળ રસની ખામી રહે છે. બોધ એ કવિતાનો આડકત્રો ઉદ્દેશ છે. કવિતાના રસમાં હૃદય ડૂબે, ઉંચા પ્રકારનો આનંદ પામે અને તેની સાથે હૃદય પરભાર્યું બોધ પણ પામે એમાં જ કવિની કુશળતા છે. આપણા આ ભક્ત કવિની કવિતા એ સર્વ દોષથી મુક્ત અને ખરેખરા ભક્તિરસથી પરિપૂર્ણ હોવાથી ગુજરાતી સાહિત્યમાં તેણે એક અપૂર્વ પદ્વી પ્રાપ્ત કરી છે. કવિનું હૃદય ભક્તિથી ઉભરાઇ, ઇશ્વરલીલાથી મોહ પામી ભક્તિ અને પ્રેમનો ઉદ્‌ગાર વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કરે છે; તેમ જ વાંચનારના હૃદયને રસમાં લુબ્ધ બનાવી પોતાની જોડે ઈશ્વર તરફ દોરી દિવ્ય અંશનું ગ્રહણ કરાવે છે. ઉચ્ચ કવિત્વને આનંદ અનુભવતાં સદ્‌બોધ તો એની મેળે જ પ્રાપ્ત થાય છે. ઉત્તમ બોધ પળપળે મળતો છતાં ચિત્તને તે કવિત્વથી ભિન્ન લાગતો નથી. કોઈ બોધ કરતું હોય એવો ખ્યાલ પણ આવતો નથી. કવિતાનું આજ પ્રયોજન છે.

આનંદ વિના કેવળ શુદ્ધ બોધ આપો એ કવિનું કર્તવ્ય નથી. સ્વ. ભોળાનાથની કવિતાની આ એક વિશેષતા છે કે તેમાં વાચક વર્ગને, શ્રોતાજનોને કે લોક સમુદાયને સંબોધન કવચિત જ જોવામાં આવે છે. જુના ગુજરાતી કવિયોની પેઠે પોતાના મનને સંબોધન પણ ભાગ્યે જ કર્યું છે. કવિતા અને બોધની સાથે જ્ઞાનના અંશ સ્થળે સ્થળે આ ભક્ત કવિની કવિતામાં દૃષ્ટિગોચર થાય છે. સદાચરણ બળની વિશેષતા અને આવશ્યક્તાને ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સંસ્કાર એમની કૃતિમાં માલમ પડે છે. એમની ‘ઇશ્વર પ્રાર્થનામાળા’ની ભાષા પ્રૌઢ, તથા શુદ્ધ અને વિચાર નિર્મળ છે. ગૈારવવાળા વિષય છતાં ભાષા ક્લિષ્ટ ન હોય, અને અર્થ સંદિગ્ધ ન હોય એવી કાવ્ય શૈલી બહુધા એમનાથી પ્રચલિત થઈ છે. એમની કવિતા ગુજરાતી ભાષામાં સંસ્કૃત શબ્દ કેટલે અંશે ઉમેરાઈ શકાય એનો પણ અજબ નમુનો છે.

શ્રીમન્મહારાવની સાથે મહાબળેશ્વરની કરેલી મુસાફરીનું ‘પ્રવાસ વર્ણન’ નામે કાવ્ય કવિ શિવલાલે બહાર પાડ્યું હતું. ગ્રંથમાં જે વર્ણનો છે તેમાંનાં ઘણાં સારાં છે, તેમાંએ વિશેષ કરી વઢવાણ આવતાં રાણકદેવી સંબંધે ભોગાવાનું વર્ણન મનોરંજક છે. મુંબાઈ આગળ આગગાડીનું અને પુના આગળ રાત્રિનું વર્ણન છે તે ખરા કવિત્વનું સૂચક છે. તેમજ મહાબળેશ્વરના વર્ણનમાં ઠેકાણે ઠેકાણે સારી ઉક્તિ છે. અફઝલખાનની કબર જોઈને કાઢેલા ઉદ્‌ગાર ખરેખાત ચિત્તવેધક છે. શિવલાલની ભાષા શુદ્ધ, વિમળ અને સરળ છે એ તો અમે કહી ગયા છીએ.

નર્મદાશંકર કવિને યોગ થયો હતો તે સાઠોદરા નાગર કવિ નભુલાલનાં કાવ્યનો સંગ્રહ ‘નભુવાણી’ નામથી પ્રગટ થયો છે. એમની કેટલીક કવિતા સુંદર છે. એમની હજામના ઘરમાં થયેલી ચોરી વિશેની કવિતા વાંચવા જેવી છે.

પારસી કવિ મલબારીનો ‘નીતિ વિનોદ’ પણ આ કોટીમાં જ આવે છે. આ ગ્રંથની ભાષા એક સંસ્કારી ગુજરાતીએ લખી હોય એવી શુદ્ધ છે અને આખુ કાવ્ય બોધદાયક છે. આ પુસ્તક પછી મી. મલબારીએ ‘અનુભવિકા’ નામનો ગ્રંથ બ્હાર પાડ્યો છે. પ્રસિદ્ધ થવા કાળે ઘણા વખણાયલા નીતિવિનોદ કરતાં અનુભવિકામાં કાવ્યત્વ વધારે દીપી રહે છે. રા. દોલતરામ કૃપારામ પંડ્યાનું ‘ઇંદ્રજીતવધ’ કાવ્ય આ કોટીમાં છેલ્લો સારો નમુનો છે. ઐતિહાસિક વસ્તુ લઇ તેના ઉપર જૂદા જૂદા છન્દાદિમાં સર્ગ બદ્ધ કાવ્ય લખેલું છે. રાવણનો પુત્ર ઇંદ્રજીત–તેની સ્ત્રી સતી સુલોચના ઈત્યાદિ પાત્ર વર્ગની મહતા સાચવીને કાવ્ય તરંગ કવિએ કેમ દોડાવ્યો છે તે જોતાં રા. પંડ્યાને અભિનંદન આપવા જેવું છે. કાવ્યમાં રાત્રી, પ્રભાત, વન, વિલાસ, યુદ્ધ આદિ વર્ણનો આપવાં જ જોઈએ એવો દર્પણકારનો નિયમ છે. આ કાવ્યમાં ઠેકાણે ઠેકાણે કવિની પ્રતિભાનાં દર્શન થાય છે. પ્રતિભાના આનંદમાં નિમગ્ન થઇ આ કાવ્યમાં કવિયે જે કાવ્ય રચ્યાં છે તે રસ અલંકારથી ભરપુર છે, પણ તેમાં તેમના તરંગ એટલા બધા ઉપરા ઉપરી દોડી રહ્યા છે, ને કાંઈ નવીન પ્રકારનું–અસાધારણ કાવ્યત્વ ચમકાવી દેવાની કવિની ઉત્કંઠાને લીધે એવા ગુંચવાઇ પડ્યા છે કે ઘણાં પદ્યો કેવળ ક્લિષ્ટ થઈ ગયાં છે, ને અર્થનો બોધ સ્ફુટ રીતે કરી શકતાં નથી. એટલું જ નહિ પણ કોઇ કોઇ વાર તો બહુ મનન કર્યા છતાં એ સ્પષ્ટ થતાં નથી. કાવ્યમાંના જામેલાં રસને પડતો મુકી શબ્દો કે અલંકારની ક્લિષ્ટતાને બંધ બેસાડવા માટે થોભી રહી દુ:ખ વેઠવું પડે એ રસજ્ઞ વાંચનારને તો કડવું ઝેર જેવું લાગે છે; અને કવિ પણ જો ખરો રસજ્ઞ હોય તો એવી ભૂલમાં કદાપિ ન ઉતરે. એટલા જ માટે કાવ્યોમાં પ્રસાદ ગુણને આવશ્યક ગણ્યો છે. ક્લિષ્ટતાની પેઠે શબ્દોની રચનામાં ગ્રામ્યતા આવે એ એથી ઉતરતો પણ એક દોષ જ છે. શબ્દ પ્રયોગમાં ધ્યાન ન આપવાથી રસભંગ થઈ બેસે છે. આવા પ્રકારના સંસ્કાર દોષ તો અનેક છે છતાં આ કાવ્ય પ્રતિભાથી ભરપૂર છે. ઇંદ્રજીતવધમાં શુદ્ધ, પણ સંસ્કારહીન, પ્રતિભા ઝળકી રહી છે, તેથી જ એમાં કાવ્યત્વ આવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં આ કાવ્ય આવકાર આપવા યોગ્ય છે. એજ લખનારનો બીજો કાવ્યસંગ્રહ ‘કુસુમ ગુચ્છ’ તેમનાં રસથી ભરપૂર કાવ્યોનો સંગ્રહ છે. રા. પંડ્યાની કવિતા સારી છે અને જે જે પ્રદેશમાં ઉતરે છે તેને તેના યોગ્ય સ્વરૂપમાં દેખાડે છે. રસ લાવવો, અર્થ સુચવવો અને પ્રસંગને અનુકુળ કોમળ રાગ ઢાળ વગેરેનું ગ્રહણ કરવું એ ઔચિત્ય એમની કવિતામાં છે. દોષ શોધવા બેસીએ તો તે ન મળી આવે એમ નથી. પણ એકલા દોષ શોધવા ન જ જોઇએ. સાહિત્યના નિયમોથી કવિતાને તપાસતાં તો મમ્મટને સંસ્કૃત સાહિત્યમાંથી પણ અનેક દોષ મળી આવ્યા છે, તો ગુજરાતી સાહિત્ય દોષ રહિત ક્યાંથી હોય ? વળી સાહિત્યના ઠરાવેલા નિયમોથી કવિતા કરવા બેસે તો તો કોઇ કવિ જ ન થાય; મમ્મટને પોતાને માટે કોઇ એમ કહે છે કે, મુહૂર્ત ચિંતામણિનો કર્તા જેમ લગ્નને અભાવે કુંવારો રહ્યો હતો, તેમ દોષ દૃષ્ટિને લીધે તેનાથી કવિતા જ થઈ શકી ન હોતી. સુમન ગુચ્છમાં ભાષા ઘણી ખરી મિશ્ર લાગે છે. કવિયે વર્ણવેલી વસ્તુ કોઈ કાળે પણ અરમણીય હોય નહિ અને જ્યારે જ્યારે વાંચીએ ત્યારે ત્યારે તેમાં કાંઈ નવિનતા જ જણાય. કવિ ચુંબિત વિષય મધુર સર્વાંગ સુંદર હોવો જોઈએ અને એમાં ભાષા તથા ઔચિત્ય વિચાર આદિ યથાર્થ સચવાયલાં રહેવાં જોઈએ. જ્યાં આમ ન થયું તે ઉત્તમ કવિતા કહેવાય જ નહિ. સુમન ગુચ્છમાં ઉચ્ચ પ્રતિના ગદ્ય પદ્ય લેખમાં યોજવાને યોગ્ય ન લાગે એવા ગ્રામ્ય શબ્દોનો ઉપયોગ થયો જણાય છે. શૃંગારમાં જરા વધારે શિષ્ટજન સીમાનું ઉલ્લંઘન થયું છે. ટુંકામાં કામ વિષયક રચના હોવાથી શૃંગાર લગાર ઉતરતી પ્રતિનો જણાય છે. આમ હોવા છતાં રા. પંડ્યાના ઉક્ત ગ્રંથો ગુજરાતી સાહિત્યમાં સારો ઉમેરો કરે છે અને એમની કવિતા લોકપ્રિય થાય એવી, લોકને પરિચિત લાગે તેવી, સહેલી અને સરળ છે.

કવિ નર્મદાશંકરનાં ઘણાં ખરાં કાવ્ય ઇંગ્રેજી કાવ્યો ઉપરથી સ્ફુરેલા છે. અંગ્રેજી કવિયોની ખુબી ઉતારવામાં, તેમ જ વાર્તા શૈલીમાં એ કવિને વિજય મળ્યો નથી. એમની 'કુમુદચંદ્ર પ્રેમપત્રિકા' લીટનના ફોકલંડ એન્ડ ઝીસીની ઢબનું નાનું ગદ્યપદ્યાત્મક પુસ્તક છે. એમાંનો કેટલોક ભાગ તેમજ પ્રીતિ સંબંધી કેટલીક કવિતાને માટે અમે અહીં લખી શકતા નથી. એમની 'લલિતા,' 'સાહસ દેશાઈ,' 'વજી' અને ડોન જુઆનના ધોરણ ઉપર લખવા ધારેલું વીરકાવ્ય 'રૂદનરસિક' વાંચવાથી વાર્તાશૈલીમાં એમની નિષ્ફળતાને માટે અમારા કહેવાનો સાક્ષાત્કાર થશે. પ્રેમ, દેશભક્તિ, અગર વ્હેમખંડન ગમે તે વિષય હશે પણ એમનાં તદ્વિષયે લખાયલાં સંગીતો સુંદરતા ભર્યાં જણાશે. કવિનું ગૌરવ ઇંગ્રેજી ઢબનાં સંગીતો લખવામાં જ સમાયલું છે. 'હિંદુઓની પડતી' ની ખુબી પણ તે કાવ્ય છૂટા છૂટા ખંડોનું બનેલું હોવાથી જ છે. એમનું 'લઘુ રૂતુવર્ણન' અને 'પ્રીતિ' સંબંધી કેટલીક કવિતા બહુ સુંદર છે.

કવિ નર્મદાશંકરને અનુસરનાર શૈલીવાળાં કાવ્યમાં 'વિજયવાણી' મુખ્ય છે. એમાં કેટલીક જગાએ તો કવિના જ વિચાર, ભાષા અને શબ્દો ધરાધરી પેશી જવા પામ્યા છે. લખનાર પોતેજ પોતાની કવિતાને માટે બોલતાં કવિ દયારામના સતસૈયાનો

"દૂર્ગ, કાવ્ય, કુષ્માંડુ, કુચ, ઉખ, કઠોર ત્યોં સાર;"

એ દોહરો વાંચનારને દેખાડી દે છે, એટલે એ કવિની બાનીને માટે બોલવાનું રહેતું જ નથી કે એ સરળ નથી. 'વિજયવાણી' ની 'સંક્રાંતિની સ્હવારે આકાશમાં ચગતા કનકવા' નામની કવિતા વાંચવા લાયક છે. ટીકા વગર ના જ સમજાય તે કવિતા એમ આ કવિ પોતાની બીજી આવૃત્તિમાં પ્રતિપાદન કરવા પ્રયત્ન કરે છે.

આ જ વર્ગનું બીજું પુસ્તક રા. મઘુવચરામ બળવચરામ વ્હોરાનું 'મધુર કાવ્ય' છે. તેમાં સ્વદેશ પ્રીતિ અને શૃંગારની કવિતા છે.

પાઠશાળાના શિક્ષણને લીધે સંસ્કૃતની સંસ્કારી અસર થવાથી નવી તરેહની શૈલીના ઉદય વિશે અમે કહી ગયા છીએ. સ્વ. ભીમરાવ ભોળાનાથનું 'પૃથુરાજ રાસા' નામનું કાવ્ય આ કોટીનું છે. લખનારના શોકજનક મૃત્યુને લીધે આ કાવ્ય અધુરૂં રહ્યું છે. પરંતુ છે તેટલું 'કાવ્ય રસથી પરિપૂર્ણ છે. તેમાં કળાની કેટલીક ખામી છે, વ્યાકરણના કેટલાક દોષ છે, વાક્ય રચના કેટલીક ક્લિષ્ટ છે, અલંકાર કેટલાક અસ્પષ્ટ છે, કલ્પનામાં કેટલેક ઠેકાણે અસંભવ દોષ છે, શબ્દો કેટલેક ઠેકાણે રૂચિને ખિન્ન કરનારા છે. પરંતુ આ દોષથી કાવ્યના ગુણ ઢંકાઈ જતા નથી. સૌંદર્ય, લાલિત્ય, લાવણ્ય એ ભીમરાવની કૃતિનાં અપ્રતિમ લક્ષણ છે.' 'અદ્‌ભૂતરસ વીરરસ, સમર્થ શબ્દ પ્રભાવનો ચમત્કાર, મહતાને ઘટે તેવી ઉદારતાની ભાવના આ સર્વ અંશ પણ તેમની કવિતામાં ઉત્તમ અને પ્રશંસનીય છે. વીરરસ અનુભવનાર ઉમદા દિલને ઘટે તેવી દેશ પ્રીતિ પણ તેમની કૃતિમાં અનેક સ્થળે દર્શન દે છે.’ ઉપર ‘દર્શાવેલા ગુણ દોષ ભીમરાવની બધી કૃતિઓમાં છે તેમાંથી એકલા દોષ જ જોઇ શકનારની ગુણ પર થતી વિમુખતા શોચનીય છે.'

ભીમરાવની બીજી કૃતિઓમાં 'લાવણ્યમયી' અને 'જ્યુબિલી' (વિનોદિની) એ બે કાવ્ય બહુ ઉત્તમ પંક્તિનાં છે. લાવણ્યમયી દેશભક્તિથી અને દેશોત્કર્ષના ઉત્સાહથી પરિપૂર્ણ છે. એ કાવ્ય 'સૂતા લોકો' ને ઉધ્ધોધન રૂપે છે. કવિ સર્વને સ્મરણ કરાવે છે કે 'અરૂણ તરૂણ આ ઉદય થયો' 'સૂર્ય ઉદય આભાસે' અને

'વિભુવર્ણન ઉપકાર સ્મરણ કરિ નમન મનન દિનરાત,
જનસુખકારક નવા ઉદ્ધારક ઉદય ઉદય વિખ્યાત,
કાર્ય સફળ શુભ કરતો.'

એવો એ અરૂણોદય છે. એ શુભ ચિન્હ દર્શાવી કવિ 'સંપ સજવાનો' અને 'મહદ્‌યશના મહાકાર્યો કરવાનો ઉપદેશ કરે છે.' 'ઉચ્ચ ભાવનાઓથી જેવું આ કાવ્ય ઉત્કૃષ્ટ છે તેવું જ તે રાગવાહી સંગીતથી લાવણ્યમય છે. રચના લાવણીની છે, અને 'લાવણી એટલે જેમાં લાવણ્ય હોય તે' એ વ્યુત્પત્તિ લઈને એ બંધનું નામ 'લાવણ્યમયી' રાખ્યું છે. લાવણીમાં ઉતરતા દરજ્જાની કામવિષયક રચનાઓ સાધારણ રીતે થાય છે તેથી એ શબ્દ પ્રાકૃત વર્ગને જ ઉચિત ગણાતો થયો છે. નામ બદલવાનું એ પણ એક કારણ હોય. લાવણ્યમયીના ચાલ પણ કવિની પોતાની વિશેષ છે. મધુભૃત વૃત્તની બે લીંટીઓ અને પછી બાર માત્રાનો કડકો–એ વૃત્તમાં છે તેવો–એવો આ લાવણ્યમયીનો બંધ છે. કલગી તોરાવાળા મસ્તીમાં જે લવે છે તે માપ આ લાવણીનું છે. ગરબીમાં લાલિત્ય સાથે મૃદુતા હોય છે તેથી પ્રોત્સાહક વિષયો માટે ગરબી અનુચિત હોય છે. લાવણ્ય સાથે સુશક્યતા લાવણીમાં આવી શકે છે, અને લાવણીનું આ સામર્થ્ય કવિયે બનાવેલી આ ચાલમાં પરિપૂર્ણ થયું છે એ તેના સંગીતથી જણાઈ આવે છે. છંદોમાં અને વિશેષે કરી અક્ષરમેળ છંદોમાં આ સામર્થ્ય આવી શકતું નથી. માટે, પદ્યબંધમાં આ નવી પદ્ધતિઓ રચવાનો આ માર્ગ અનુકરણ કરવા યોગ્ય છે.' 'જ્યુબિલી' પણ નાનું મનોહર કાવ્ય છે.

સ્વ. હરિલાલ હર્ષદરાય ધ્રુવનાં કાવ્ય આ શૈલીમાં પ્રથમ છે. એ વિદ્વાને સને ૧૮૯૬ માં પોતાનાં અને મિત્રોનાં કાવ્ય એકઠાં કરીને 'કુંજવિહાર' નામે કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો હતો. 'કુંજવિહાર' ના વિભાગ વિલાસમાં પાડેલા છે. કુલ ત્રણ વિલાસ છે. પ્રથમ વિલાસમાં 'શૃંગાર લહરી,' 'શૃંગાર ચંદ્રિકા,' 'વિરહાનલ,' 'વિરહજ્વાળા મુખી' અને 'શરત્સંજીવની' એ નામનાં પાંચ ઉત્તમ કાવ્યોનો ગુચ્છ આપ્યો છે. કુંજમાં વ્હેતાં ઝરણાં રૂપ પ્રથમ કાવ્ય છે, તેથી તેના વિભાગોને લહરી નામ આપ્યું છે. આવી ઓગણપચાશ લહરીઓ એમાં છે. ચંદ્ર પ્રકાશથી ખીલતી કુંજનું બીજું કાવ્ય 'શૃંગાર ચંદ્રિકા' છે. તેના વિભાગને 'કળા’ કલ્પી છે અને તે સોળ છે. બાગની કુંજ–વ્હેતા ઝરણાની લહરીઓ, ચંદ્રની કળાઓના દર્શનથી પ્રગટ થતો 'વિરહાનળ' એ ત્રીજું કાવ્ય છે. એના વિભાગને 'આહૂતી નામ આપ્યું છે. આહૂતીઓ દશ છે. આહૂતીઓ વડે વિરહજ્વાળા સતેજ થઈને 'વિરહજ્વાળા મુખી' નામનું ચોથું કાવ્ય ઉદ્‌ભવે છે. જ્વાળાની જ્યોતિ બાર છે. આમ વિરહ દગ્ધ થયા પછી મરણ નીવારવાને સંજીવન ઔષધોનો પ્રયોગ છે અને શરદ્‌માં ઔષધીનો જન્મ યોગ્ય ગણી પાંચમું અને એ વિલાસનું છેલ્લું કાવ્ય 'શરત્સંજીવની' છે. આના વિભાગને મંજરી નામ આપ્યું છે.

બીજા વિલાસમાં પણ 'માલતી સંદેશ,' 'મત્ત ગજેંદ્ર,' 'કૌમુદી માધવ,' 'સ્થાનિક સ્વરાજ પ્રબોધિની' અને 'પ્રજા ઘનગર્જન' એવાં પાંચ કાવ્ય છે. છેલ્લાના બે ખંડ પાડેલા છે પ્રથમ ખંડમાં 'પ્રજા ઘનગર્જન' અને બીજામાં 'પ્રજા રણ ગર્જન' છે.

પ્રથમ વિલાસમાં સંજીવની મળ્યા પછી બીજા વિલાસમાં વિહારનો પ્રારંભ છે. પ્રથમ માલતી સંદેશ કાવ્યથી પ્રથમાનુરક્ત નાયક નાયિકાના મેળાપ અર્થે સંદેશા ચાલુ કરીને દૂત કાર્ય બતાવ્યું છે; 'મત્ત ગજેંદ્રમાં નાયિકા વર્ણન અને કૌમુદી માધવમાં નાયક નાયિકાનો મેળાપ સૂચવ્યો છે; અને અહીં શૃંગાર કુંજની સમાપ્તિ કરી છે. પાંચમું કાવ્ય સ્વદેશ પ્રીતિને લગતું છે, ને વીરરસ પ્રાધાન્ય છે, એ બે વિલાસોથી શૃંગાર અને વીરરસ બનાવેલા છે.

ત્રીજા વિલાસમાં આઠ કાવ્યો છે, જેમાં સ્વ. ધ્રુવનાં છ અને એક રા. માણેકલાલ શાકરલાલનું અને એક અમારૂં છે.

આખા ગ્રંથમાં શૃંગાર રસની વ્યાપકતા તો છે જ. આ કાવ્ય ગુજરાતી સાહિત્યમાં એક ઉત્તમ પ્રતિનું છે. 'કુંજવિહાર' ગમ્મતનો ગ્રંથ હોવાથી તેમાં રાગ રાગિણી પણ સરસ ગોઠવ્યાં છે. તેથી સંગીત પ્રિય લોકોને પણ તે બહુ રૂચિકર થાય તેમ છે. પ્રાસ મેળવવા બનતો શ્રમ લીધો છે. તોપણ એ વાતનો આગ્રહ હોય એમ તો જણાતું નથી જ. સ્વતંત્ર રચનામાં એ આગ્રહ હોય તો બની શકે તેવું હોવા છતાં તેમ શ્રમ લીધેલો દીસતો નથી.

વસ્તુતઃ કુંજવિહારના બે ભાગ પડે છે. સ્વ. ધ્રુવની કવિતાનો એક અને દેરાસરીનો બીજો, સ્વ. ધ્રુવની કવિતા પરત્વેજ અત્રે પ્રથમ કહીશું.

તેમની કવિતા ભાવથી ઉછળી રહેલી અને છલકાઇ રહેલી છે. તેમની કલ્પનાઓ ઉમંગ અને ઉત્સાહના ઉભરાથી ભરપૂર છે. ‘નાગરઉદય' માં તેમણે લખ્યું હતું કે ‘પાંખ કલ્પના મુજ કરે ઝગઝગાર’ તે તેમની કલ્પનાના વેગનું યથાર્થ વર્ણન છે. જાતજાતની લાગણીઓના પ્રસંગમાં તેમની કલ્પનાનું નૃત્ય એક સરખું જ છે.

અહિં લહરિ શૃંગારનિ ઉલટે ! પણે ચંદ્રિકા મિલે !
આમ ધિકે વિરહ જ્વાળામુખી તહિં કૌમુદી રસ ઝીલે !'

બધે તેમની કલ્પના કોડભરી ગતિથી પગલાં ભરે છે. ભાવના ઉદ્દીપનથી તેમને પોતાને થતા હર્ષના લેહજતભર્યા ચિત્રમાં તેમની કવિતાનો ચમત્કાર રહેલો છે. દેશપ્રીતિની લાગણી પણ શૃંગાર જેટલી જ તેમને 'પરમ મુદાદાયી' છે. તેમને થયેલા રસાસ્વાદમાં રસિક જનોને સામીલ કરવા તેમનું હૃદય ઉલટભર્યો પ્રયાસ કરે છે. એ ઉમંગ, ઉત્સાહ અને હર્ષમાં જ્યાં જ્યાં વિઘ્ન આવે છે ત્યાં ત્યાં તેમની ચિત્તવૃત્તિ અધીરાઇથી અને વ્યાકુળતાથી સર્વત્ર ગ્લાનીનું દર્શન કરે છે અને ‘પળે પળે’ ‘ઉન્હા ઉન્હા’ 'શ્વાસ નિઃશ્વાસ' મુકતી પ્રાર્થના કરે છે કે 'હરિ હરિ સત્વરિ દે ઓવારી સુધાવારી દયા ધારિ.' તેમના ભાવ પ્રવાહમાં હર્ષ જેમ ઉછાળા મારે છે, દેશભક્તિ જેમ આવેશથી ઘુમે છે, તેમ શોક પણ જ્વાલાગ્રસ્ત થઇ હૃદયને ભસ્મીભૂત કરે છે.

'કુંજવિહાર’ના દેરાસરીકૃત વિભાગની કવિતા સ્વ. હ. હ. ધ્રુવની કવિતાથી જૂદી જ શૈલીની છે. સરળતા અને હૃદયની લાગણીનું જ ગાન એ એનાં ખાસ લક્ષણ છે. આ નવીનતા પ્રથમ ‘બુલબુલ’ માં દેખાઇ હતી. આ નાના કાવ્યને માટે રા. નરસિંહરાવની કવિતાને અંગે બોલતાં, સાક્ષર શ્રી રમણભાઈ કહે છે કે “બીજા બધા રસ મૂકી દઇ શૃંગારનું જ પાન કરનારા 'બુલબુલ' ની વાણી પણ ગુજરાતી સાહિત્યમાં નવીન કવિતાનો અનુભવ કરાવે છે. એક જ વૃત્તિ અને એક જ વિષયમાં તલ્લીન થયેલા હૃદયના–ભાવને ઘટતી જ ભાષામાં–ઉચ્ચારણનું ગાન પહેલ વહેલું 'બુલબુલે' જ કર્યું છે, બીજાએ એ વિષયપર કેવા વિચાર કર્યા છે અથવા બીજા હવે પછી એ વિશે કેવા કેવા વિચાર કરશે એ ચિન્તા કોરે મૂકી પોતાનો જ અનુભવ ગાવો એ કવિનું કામ જાણી ‘બુલબુલે’ એ જ માર્ગ ગ્રહણ કર્યો છે; અને આવી કવિતામાં એ જ ઘટિત છે. કવિએ દર્શાવેલા વિચાર બાહ્ય સ્વરૂપે ખરા હોય કે ખોટા હોય પણ વાંચનારને લાગે કે કવિના હૃદયમાં આ ભાવ ઉત્પન્ન થયો છે, કવિને આ લાગ્યું છે અને સત્યની સ્થાયી ભાવનાથી અન્તે વિરોધ નહોય, તો બસ છે. પોતાના વિભાવના આલંબનને 'બુલબુલ' કહે છે કે:—

'સુખ સૃષ્ટિમાં તુજ વિષે તું સદ્‌ગુણ ભંડાર;
'નિર્મળ નેહનું રૂપ તું, માટે પ્રભુ અવતાર.
'રહે કદી દૂર પણ પાસે—જણાયે તું બધે વાસે;
'પુરી રહી નાર એ ભાસે—બધે તું તું છબીલી હા !”
(બુલબુલ)

વિચાર શક્તિથી તપાસતાં આ હસવા સરખું ભાસશે, ધર્મ કે તત્વજ્ઞાનના ગ્રંથમાં ( ઉદ્દિષ્ટ વ્યક્તિ વિશે ) આ મત લેશ માત્ર સમર્થ નહિ ગણાય, પણ કવિને શિર એ જવાબદારી છે જ નહિ, કવિત્વની પ્રેરણાની ક્ષણે આ ભાવ થયો છે એ જ કવિતાની કસોટી છે. અમુક વ્યક્તિને 'પ્રભુ અવતાર' સિદ્ધ કરવાનો અન્ત્ય આશય નથી તેથી સત્ય સાથે વિરોધ નથી, અને પ્રભુ સુખમય 'સદ્‌ગુણ ભંડાર, નિર્મળ નેહનું રૂપ છે' એ સત્ય ભાવનાનું અનુસરણ થાય છે.

આ ઉપરનું કારણ બતાવીને 'બુલબુલ' પુછે છે કે:—

'જોઉં તને આકાશમાં, ભૂમાં ધ્રુમાં તુંય;
'દશદિશ માંહિ તું ભરી, તુજ વિણ છે કહે શુંય ?'

'કંઈજ નહિ' એ જવાબ સહૃદયને કબુલ રાખવો પડશે. કૃત્રિમ અલંકાર અથવા સાહિત્યનાં સાંકેતિક પદ કોરે મૂકી હૃદયને લાગે તે લખવું એ 'બુલબુલ' નો નિશ્ચય જણાય છે. અને તે જ એની ખુબી છે. સુંદર કપાળ સામું જોતાં ચમત્કારજનક દેખાવ નિહાળી નિકળેલી

'વિખરી વાંકી અને કાળી−લલિત લટ શોભતી બાળી
અટકી ભાલેજ રૂપાળી ! ! અરે જા શું ખસેડે છે ? ! '

આ વાણી ભાવને જ અનુસરે છે અને તેનું જ ભાન કરાવે છે. આ અનુભવ થતાં આમજ વૃત્તિ થાય, એમ જાણતાં વાંચનારને કેટલો આનંદ થાય છે ! પ્રેમહીન હૃદયને પણ ક્ષણભર પ્રેમના ચમત્કારને અનુભવ કરાવે એવી આ લીંટીઓ છે.’

રા. નરસિંહરાવની કવિતાની શૈલી જૂદી છે, અને પાશ્ચાત્ય કવિતાની ખરી ખુબી ગુજરાતી સાહિત્યમાં ઉતારવાના એમના કેટલેક અંશે ફળીભૂત થયેલા પ્રયાસને માટે અમે કહી ગયા છઈએ. સુંદર અને રંગબેરંગી–પુસ્તકનું નામ સૂચવતી–પુષ્પની માળાના ચિત્રવાળું પુસ્તક નીકળતાંજ દૃષ્ટિને મનોહર લાગતું હતું. જેમ દૃષ્ટિને તેમજ વાંચ્યા પછી તેમની 'કુસુમમાળા' હૃદયને પણ આનંદ આપનારી નીવડી છે. અંતર્ભાવપ્રેરિત કાવ્ય–સંગીત કાવ્ય–અગર રા. રમણભાઈના શબ્દો વાપરીએ તો રસધ્વનિ અથવા રાગધ્વનિ કાવ્ય–થી ભરપૂર કુસુમમાળા ઓર આનંદ આપે છે. આ દેશની કવિતાની પદ્ધતિથી પાશ્ચાત્ય દેશની કવિતાની પદ્ધતિ કંઈક જૂદી છે. આપણા સાહિત્યમાં અંતર્ભાવપ્રેરિત કવિતાની ખોટ છે. કુસુમમાળા પરત્વે ‘પ્રિયંવદા’ માં તે કાળે કટાક્ષથી કેટલીક ટીકા થઈ હતી. પશ્ચિમનું તે બધું ખોટું આવી દુરાગ્રહ ભરેલી માન્યતામાં જ સ્વદેશાભિમાન રહ્યું છે એવી સમજથી એ ટીકા લખાઈ હોય એમ અમને લાગે છે. પશ્ચિમની કવિતા–પશ્ચિમનાં કુલો વગેરે માત્ર દેખાવમાં સુંદર છતાં ‘રસરૂપ સુગંધ વર્જીત’ છે એવું કહેનારનું અંગ્રેજી સાહિત્યનું તેમજ ઉદ્યાનવિદ્યાનું જ્ઞાન અને અનુભવ જ ઉઘાડો પડે છે ! કુસુમમાળાની અંદરનાં વર્ણનાત્મક કાવ્યોની અંદરનાં વર્ણન લોકોત્તર છે એટલે સાધારણથી ઘણી ઉંચી જાતનાં છે. ‘રા. નરસિંહરાવની કલ્પના જેટલી વિશાળ અને દૂર પહોંચનારી છે તેટલી જ તે લલિત અને મનોહર છે. તેનો વાસ જ સુંદરતાના સરોવરમાં છે. એમની કલ્પનાને હૃદયની ઉર્મિ ઘડીઘડી આવી મળે છે, અને બન્ને મળી રસને સમગ્ર કરે છે. ભાવનું દર્શન આપવાની એમની ઘણુંખરું એક જ રીતિ છે’ એમની ચિત્રરચનાની કુશળતા ઉત્કૃષ્ટ છે. રા. રા. નરસિંહરાવે ‘હૃદય વીણા’ નામનું બીજું કવિતાનું પુસ્તક ગુજરાતી સાહિત્યમાં ઉમેર્યું છે. આમાં ઉત્તમ પંક્તિનાં કાવ્યોનો સંગ્રહ છે. આ કાવ્યોમાં રા. નરસિંહરાવનું વિશિષ્ટ કવિત્વ અને કુશળ કળાવિધાન સહૃદય જનોને આનંદ ઉપજાવે છે એમની ભાષા અતિશુદ્ધ અને કાવ્યને ઉચિત માધુર્યવાળી છે છતાં અમુક શબ્દો જેવા કે રાત્ય, આંખ્ય, કાવ્ય, હેવી વગેરેની જોડણી વિચિત્ર રાખી છે. મણિશંકરનું નાનું ‘વસંત વિજય’ તેમજ બીજા લેખકોનાં છૂટાં છૂટાં સંગીત કાવ્યો, આ જાતનાં છે.

પારસી કવિ ખબરદારે પોતાની શુદ્ધ ભાષાથી વાચકગણને સાનંદાશ્ચર્ય ઉપજાવ્યું છે. એક સમય એવો હતો કે જ્યારે પારસીભાઈઓ શુદ્ધ ગુજરાતી શું તે સમજી શકતા નહિ. શુદ્ધને બદલે ‘ષૂઢ’ લખનાર અને બોલનારે ગુજરાતી પ્રજાને ‘ષૂઢ ગુજરાતી’ શિખવવાને એકાદ પુસ્તક ધરાધરી બહાર પાડ્યું હતું ! આ પુસ્તકમાં પારસીસાઈ ગુજરાતી તે જ ‘ષૂઢ’ ગુજરાતી એવું પ્રતિપાદન કરવાનો પ્રયાસ કર્યો હતો ! તેવા કાળમાં શુદ્ધ ગુજરાતી લખવાની પહેલ મી. મલબારીએ કરી હતી. એમના દલપતશૈલીના ‘નીતિવિનોદ’ ની તે કાળે વાહવાહ બોલાઈ હતી. ત્યારપછી શુદ્ધ ગુજરાતીનો પ્રયાસ પારસી લેખકો તરફથી વખતોવખત થયો છે. તેવા પ્રયાસમાં મી. ખબરદારે ઘણી ફતેહ મેળવી છે. અજાણ્યો માણસ એમની કવિતા જોઈને કોઈ ગુજરાતીએ લખી હશે એવું જ અનુમાન બાંધે. એમની ‘કાવ્ય રસિકા,’ અને ‘વિલાસિકા’ શુદ્ધ ભાષામાં લખાયલાં પુસ્તક છે. બેશક અનુભવી જોનારને તો તરત ખબર પડે કે લખનાર જન્મથી શુદ્ધ ગુજરાતીનો સંસ્કારી નથી. મી. ખબરદારની કવિતામાં કેટલીક દલપતશૈલીની અને કેટલી નવી શૈલીની છે. તેમની ‘દાદાભાઈને આવકાર,’ ‘ગુણવંતી ગુજરાત’ વગેરે કવિતા ઘણી લોકપ્રિય થઈ પડી છે.

આ સાઠીમાં એક પારસી ધનવાન ગૃહસ્થની કવિતા ‘માહારી મજેહ’ નામથી પ્રગટ થઈ છે. એમાંની કવિતા છન્દ અગર વૃત્તમાં નહિ પણ માત્ર ‘મિઝાન યાને વજન’ ના સુમાર ઉપર જ રચાયલી છે. પ્રસિદ્ધ કર્ત્તા પોતાની કૃતજ્ઞતા માત્ર એ પુસ્તક પ્રગટ કરીને જાહેર કરીને સંતોષ ન પામતાં ગુજરાતી પિંગળ શાસ્ત્ર ઉપર હૂમલો કરવાની ગાંડાઈ કરે છે અને એમ કરતાં પોતાની ઉંડાઈ વાંચનારને કળી જવા દે છે. ‘મારી મજેહ’ માંથી થોડા થોડા નમૂના અમારા વાંચનારાઓના વિનોદની ખાતર આપીએ છીએ. ‘દરિયાના એક કોરા (કોડા) વિષે’ ની થોડી લીટીઓ ઉતારીશું.

કિયા મહાસાગરનું તલિયું હશે,
કે પાકીને તું તેમાં બન્યું હશે ?
થયાં હશે તે પરથી વેપારી વહાન
કંઈ સેંકડો પસાર; જે મોજાની હેઠ,
રેતીઓની રજકણમાં, તાહારૂં બદન,
પામ્યું આએ તીપકીનું રંગીત પેહેરન,
તે મોજામાં કોણ જાણે કેટલાં મનખ,
ભાગેલાં વહાનમાંથી પડતાં હેઠલ,
તેં દીઠાં હશે; ”

'માહરી મજેહ’ માંથી ‘તપખીરનો સુહરાકો’ માત્ર વાંચનારને રજુ કરીશું !

‘માર્યો સુહરાકો તપકીરનો એવો
તેણે નાકની અંદર
કે છીંકથી બેજાર થયું, તેનું મગજ
ને કચવાતુ નાક તેનું, ગુસ્સાની સાથ,
ઉછલતું દેખાડે ઉપજતો ક્રોધ.’

તેમજ

‘નબળો ને દુબળો પણ અરબ્બી અસ્પ
બેશક એક ગંધ્રર્વ થકી સરસ મનાયેલો છે.’

એ કવિતા વાંચીને અમારા વાંચકોને હાસ્ય તો આવશે જ.

કેટલાક લખનારાની કાવ્યશક્તિ અમુક બનાવોને લીધે સ્ફુરી આવીને રાસડા, પરજીયા, મરસીયા, લાવણી વગેરે રૂપે બહાર પડી છે. અમુક વ્યક્તિના મોતની નોંધ લેવાને આવી ઘણી ચોપડીઓ જન્મ લે છે. આનંદુવિરહ, એન્સ્ટીનું મૃત્યુ, સેક્રેટરી રૂઘનાથરાવના મોતનું વર્ણન કરતી દિલગીરીનો દેખાવ, ગૌરીશંકર વિરહ વગેરે આ જાતની ચોપડીઓ છે. આ જાતની ચોપડીઓમાં છેલ્લે એક પરજીયો–દલપતરામે ફાર્બસ વિરહમાં મુક્યો છે તેવો–જરૂરનો થઈ પડ્યો હોય એમ જણાય છે.

અમદાવાદના આગ અને રેલોએ પણ આબહવાલ, બત્રીસાના બગાડની બૂમો, બત્રીસાની રેલનો ગરબો, સાબરનો સાખો, ચોવીસાના ચોમાસાની ચઢાઈ એવી એવી ઘણી નાની ચોપડીઓ અસ્તિત્વમાં આણી છે.

હિંદુ, મુસલમાન અને પારસી મુસલમાનનાં હૂલ્લડોને લીધે પણ ઘણાની સરસ્વતિએ ઉદ્‌ગાર કાઢ્યા છે.

છપ્પનભોગ, પ્રદર્શન, ભભુતગરનું ભોપાળું, શેરસટ્ટાનો રાસડો, શેરની સટ્ટાબાજી, શેરની હાલત, દરજીની અરજી, દોખમાનો મુકરદમો, નરસીભોપાળું, હરકોરનો હેવાલ વગેરે ચોપડીઓ જાણીતા બનાવ અગર ચરચાયલા મુકરદમાને માટે લખાઈ છે.

તુંટીઆનું તોફાન, તુંટીઆનો તડાકો, રંગીલાનો રોળ વગેરે તે તે કાળે ફાટી નીકળેલી બીમારીની નોંધ રાખનારી નાની નાની ચોપડીઓ છે. માથે દુધનો તાંબડો લેઈને રસ્તે ચાલતાં,

'શીરપર ટબકરીનો ભાર, કાલી હબસન્‌નો અવતાર, ખાવાડોરે છે' ગાતા સુરતના ઘાંચીઓ 'રાણીના બાગના ગરબાની' યાદ આપે છે.

આમ અમુક જગાના વર્ણનને માટે પણ કોઈ કોઈ કવિતા (!) સ્ફુરી આવી છે. અમદાવાદના દરવાજા, બારીયા વર્ણન, કડીનો ગરબો, વડોદરાનો ગરબો, ડાકોરનું વર્ણન, આ પ્રકારની ચોપડીઓ છે. 'એના દરવાજા ઉપર બારી, વિસનગર શહેરની શોભા સારી' જણાવતી વિસનગરના ગરબાની ચોપડીએ તો ખૂબ જ કરી છે !

આ બધી ચોપડીઓમાં જોડકણાં સિવાય કવિતા જેવું કશુંએ હતું નથી. જે બનાવને લીધે એમનો જન્મ થયો હોય તે ભૂલી જવાય એટલે આ ચોપડીઓ પણ ભૂલી જવાય છે.

રા. દામોદરની 'સસ્તી સુખડી' અને આ લખનારનું 'હરિધર્મશતક' ધર્મના પંથોના પરિહાસને માટે લખાયલાં નાનાં કાવ્યો છે.

(૪) ગીત સંગ્રહ:—નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો સંગ્રહ કવિ નર્મદે સન ૧૮૭૦ માં છપાવ્યો હતો. અમદાવાદમાં સૌ. બાળાબહેને અમદાવાદની નાગરસ્ત્રીઓમાં ગવાતાં ગીતનો સંગ્રહ સન ૧૮૭ર માં પ્રગટ કર્યો હતો. આ સન્નારીએ જનોઈ, વિવાહ અને સિમન્ત વખતે નાગરી નાતના આપ લેના રિવાજ બીજી આવૃત્તિમાં ઉમેરીને પોતાના પુસ્તકની ઉપયોગિતામાં વધારો કર્યો છે. ખંભાતના હાલના દિવાન રા. માધવરામનાં પુત્રિ સૌ. અતિલક્ષ્મીએ સુરત જીલ્લામાં ઔદિચ્ય બ્રાહાણોમાં ગવાતાં ગીતોનો સારો સંગ્રહ બહાર પાડ્યો છે. સાઠેદરા નાગરની નાતમાં ગવાતાં ગીત અને ગાવાની રીત ગુજરાતમાં સર્વત્ર વખાણાય છે. પોતાની 'જનાવરની જાન’ માં લગ્ન પ્રસંગે ગવાતાં ગીતને માટે સ્વ. નવલરામ કહે છે કે ‘કોઈ ભેં ભેં, કોઈ બેં બેં કરે, કોઈ ભૂંકતી ભૂંડું' અને 'સાતે સુરને છૂંદે.' આ આક્ષેપ એ નાતનાં ગીત અને ગાવાની રીતને બીલકુલ લાગુ પડતો નથી. આવાં સારાં ગીતોનો સંગ્રહ અમદાવાદના વકીલ રા. નવનીતરાયનાં પત્ની સ્વ. કુંદનગૌરીએ કરેલો એમના દિયેર રા. ઇંદ્રવદને પ્રસિદ્ધ કર્યો છે.


 1. *કાવ્યદોહન પુસ્તક ૧ લું.
  ભાગ ૧. નરસૈ મહેતો, તુલસી, તુળસીદાસ, પ્રેમાનંદ, જગજીવન સન્યાસી, અખો, સામળભટ્ટ, વલ્લભભટ્ટ, દ્વારકોભક્ત, જીવરામ, કાળીદાસ, પ્રીતમદાસ, હેમો, રેવાશંકર, નિષ્કુળાનંદ, રણછોડજી દિવાન, મુક્તાનંદ, દયારામ, નરભેરામ, થોભણદાસ, ઘેલો વ્યાસ, ગીરધર, ભવાન ભક્ત, કેશવ, ધનદાસ, નિમાનંદ,ભુખણ, કૃષ્ણરામ, શંભુનાથ, ઉદયરત્ન.
  ભાગ ૨. વિષ્ણુદાસ, શિવાનંદ, શિવદાસ, વિનયવિજય, રત્નો, જીવન, મનહરદાસ, ધીરો ભક્ત, બ્રહ્માનંદ, અલખ બુલાખી, ડુંગર બારોટ, બાપુ, દેવાનદ રણછોડ ભક્ત, મીરાંબાઇ, મૂળદાસ, માંડણ, શાંતિદાસ, ગોપાળદાસ, આશારામ, કિલ્યાણદાસ, મીઠો, રાવો ભક્ત. કેવળપુરી, લાલદાસ, રાજે, ભોજો ભક્ત, રામકૃષ્ણ, મુકુંદ, સાંકળેશ્વર, ઈરછારામ, માવદાસ, અમૃત, સમયસુદર’ જ્ઞાનવિમળ, મુનીલાવણ, આદિતરામ, રઘુનંદન, મંજુકેશાનંદ,ગોવિંદદાસ, દેવીદાસ. ભાગ ૩જો . દલપત, રધુનાથદાસ, લજજરામ, પદ્મવિજય, હારભટ, દીપવિજય, રૂપવિજય, પ્રેમાનંદ સ્વામી, મૂળદાસ, આત્મારામ, નાનોભક્ત, પુરીબાઈ, લઘુનાથ.
  કાવ્યદોહન પુસ્તક ૨ જુ—જૈન કવિયો કુમુદચંદ અને જશવિયજ.
 2. અમને વૃદ્ધ કવીશ્વરે એક વખત કહેલી વાત યાદ આવે છે કે પોતે નવી કવિતા લખીને તે સરળ સમજાય એવી થઇ છે કે નહિ તે તપાસવાને મહોલ્લાની સ્ત્રીઓને સંભળાવતા અને તેમને ન સમજાય તે ફેરવતા.
 3. *'કવિજીવન' નર્મ કવિતા. નવલરામ.
 4. *આ કવિતા લખાઈ ત્યારે એ સ્વર્ગવાસી વિદ્વાનનો વેદાંતનો પરિચય અમે જાણ્યો નથી. મૂળ તો માત્ર શૃંગારની પણ પછીથી વેદાંતમાં ઘટાવી છે
 5. ૧. રા. હરિલાલ હર્ષદરાય ધ્રુવ.
 6. રા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી.
 7. રા. ડાહ્યાભાઈ પી. દેરાસરી.
 8. રા. બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા.
 9. ૧કુસુમમાળા-રા. નરસિંહરાવ ભો. દીવેટીઆ.
 10. ૨ રા. મણિશંકર રત્નજી ભટ્ટ.
 11. ૩ રા. ગોવર્ધનરામ મા. ત્રિપાઠી.
 12. સમાલોચક.
 13. * આ વાક્યનું સત્ય બતાવવા અમે એક નજરે જોએલી વાત કહીશું. સુરતમાં અમારા એક મિત્ર હતા. કવિતામાં, ચિત્રમાં, દરેક રસભરી વાતમાં એમની સમજ ઉંડી હતી અને સઘળા લોકોમાં એ વાત જાણીતી હતી. કોઈએ નવી કવિતા કરી હોય તો એમને વંચાવવા આવતું. સારૂં ચિત્ર દોરનાર પણ એમને બતાવે. પ્રખ્યાત ચિતારા મી. હાંસજી-જેના ચિતરેલા અને ભરૂચ પ્રદર્શનમાં ઘણું કરીને મુકેલા એક ચિત્ર વિશે સ્વ. હ–હ–ધ્રુવે–‘ચિત્ર દર્શન’ નામની કવિતા લખી છે તેઓ ધરાધરી અમારા આ મિત્રને નવાં ચિત્ર બતાવીને અભિપ્રાય માગતા. સારો ગવૈયો, કથા કહેનાર, ભજન કરનાર સુરતમાં પ્રથમ એમની પાસે આવતો. એ પ્રમાણે ભરૂચથી એક ભજનીઓ આવ્યો હતો. એનું ભજન સાંભળવા એમણે પોતાના પ્રતિષ્ઠિત મિત્રોને પોતાને ઘેર તેડીને સમારંભ કર્યો હતો. બધા આવ્યા, બેઠા, ભજનનો આરંભ થયો અને મહારાજે રસમાં આવી જઈ ભજન ગાવા માંડ્યું. રણછોડ ભક્તનું ‘હું તો તને વારૂં રે–તેં તો આ શું કર્યું રે’ એ પદથી ભજનનો આરંભ કર્યો. એ પદમાં ઓછામાં ઓછી પચાસ સાઠ ગાળોનો સંગ્રહ છે ! ભક્તરાજે ગાતાં ગાતાં અદા કરવા માંડી ! શ્રોતાને સંબોધતા હોવાથી જૂદા જૂદા ગૃહસ્થો તરફ લાંબા લાંબા હાથ કરવા માંડ્યા ! મોઢેથી ભજન લલકારીને એકને “હૈયા ફુટ્યા” બીજાને “તું લૂણહરામ” તો ત્રીજાને “તારી માને દીધો જોઈએ ડામ ” એમ લલકારવા માંડ્યું ! પ્રથમ કુતુહલતાથી મિત્રોનાં માંપર સ્મિત છવાતાં મહારાજ વધારે ઉશ્કેરાયા અને ગાળ પર ગાળ ભરેલું આ પદ ગાવા માંડ્યું ! છેવટે મિત્રો થોડી થોડી વાર બેસીને ઉઠી જવા માંડ્યા. શેઠ–ને મુકવા જતી વખત અમારા મિત્રે દાદર આગળ, વહેલા શું ઉઠી જાઓ છે ? વધારે બેસો. એમ આગ્રહ કર્યો. એ બિચારાને બહુ જ ખોટું લાગ્યું હતું તેથી સભ્યતા મુકીને કહેવાઈ જવાયું કે– ભાઈ આ ગાળોનો વર્ષાદ ક્યાં સુધી ખમાય ? ! બધાંનાં મન ખાટાં થઈ ગયાં અને ભક્તરાજને અડધા કલાકમાં ભજન સમેટી દેવાનું કહેવું પડ્યું !