સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૫. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૬.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૭. →પ્રકરણ ૫.

ઇતિહાસ અને ભૂગોળ.

(૧) જન્મચરિત્ર અને વંશાવળી.

મહાન પુરૂષોનાં ચરિત્ર લખવાં જ જોઈએ. એવા પુરૂષો ઘડીએ ઘડીએ જોવામાં આવતા નથી. તેઓ પુરૂષત્વના નમુના છે અને કુદરત એવા નમુના પ્રસંગે પ્રસંગે જ માણસોને અનુસરણ કરવા સારૂ તેમની આગળ મુકે છે. તેઓનાં મહત્ કૃત્યો અને ઉચ્ચ મનોભાવ જાણ્યાથી માણસ પોતાનાં ઉચ્ચ કર્તવ્ય સમજે છે. આપણા દેશમાં જન્મચરિત્ર લખવાની રીત ન હોવાથી આપણને ઘણું નુકસાન થાય છે. લોકોને સારા નમુના માલમ પડતા નથી અને તેથી પોતાની ક્ષુદ્ર બુદ્ધિને અનુસરી શુદ્ર ગતિ જ કર્યાં જાય છે. જ્યારે મહત્ કર્મનાં દૃષ્ટાંત આપવાં હોય છે ત્યારે આપણને ઘણી વાર પેલે છેડેના ઠેઠ યુરોપખંડમાં તે ખોળવા જવું પડે છે. કેમકે આપણા દેશના જોઈએ તેવાં ઐતિહાસિક ઉદાહરણો મળતાં નથી. અને મુખ્ય કારણ તે એ છે કે આપણામાં વાસ્તવિક ચરિત્રો લખવાનો ધારો નથી; અને તેથી મહાપુરૂષો હોય છે ત્યાં સુધી તેના દાખલાનો લાભ મળે છે અને પછીથી તે જન્મ્યા જ ન હોય તે પ્રમાણે તે મળતો બંધ પડે છે. અથવા કોઈ વખતે મહત્કર્મો આપણી પતીત પ્રજાને પોતાની શક્તિ બહારજ એટલે દરજ્જે લાગે છે કે તેને અલૌકિક ગણે છે; અલૌકિક ગણતાં તેમાં અદ્‌ભુત કથાઓ ઉમેરે છે; અને એ પ્રમાણે તેને સંપૂર્ણ અદ્‌ભુત રૂપ આપી પૂજવા મંડે છે. પણ તેઓ નક્કલ કરવા જોગ પુરૂષો થઈ ગયા છે એ વાત તો તેમની કલ્પનાથી પણ દૂર રહે છે. આપણા દેશની કરૂણામય સ્થિતિનું આ પણ એક કારણ છે, અને તેથી મહા પુરૂષોનાં મહત્કૃત્યો મનુષ્યભાવે વર્ણાવવાની એટલે સ્વાભાવિક જીવનચરિત્રો લખાવાની હાલને સમયે બહુ જ જરૂર છે.

આ પ્રમાણે કોઈ પણ પ્રજાની ઉન્નતિ થવામાં આ વિષયનું સાહિત્ય એક જરૂરનું અંગ છે; તેથી ભાષામાં આવું સાહિત્ય ખેડાવું જ જોઈએ. ઈતિહાસપર અભિરૂચી અને વિવેચક બુદ્ધિ હોય તો જ - ખરી ચોગ્યતાવાળું, એ નામને યોગ્ય, જીવનચરિત્ર લખાય છે. ટૂંકામાં જીવનચરિત્ર લખનારમાં શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણ અવશ્ય જોઈએ છઈએ. તેમાં જે વ્યક્તિનું જીવનચરિત્ર લખતા હોઈએ એ તેના જીવનથી મોહિત થયા હોઈએ અને તેના જીવનનો પૂર્ણ અભ્યાસ હોય તો જીવનચરિત્ર ઉત્તમ લખાય છે. અમુક જીવનપર મોહ પામી માણસના મનમાં એ વ્યક્તિને માટે સ્નેહ, મમતા અગર પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે. આવી અસર થયેલા માણસ જો પોતાની ઇષ્ટ વ્યક્તિનું ચરિત્ર લખે તો તે સર્વશઃ ઉત્તમ થાય છે. આપણી ભાષામાં પરભાષામાંથી જીવનચરિત્રોનાં ભાષાન્તર ઘણાં થયાં છે. પારસી ગૃહસ્થોએ અસલના જમાનાના વખણાયલા ઈરાની નરોનાં જન્મચરિત્રો લખ્યાં છે તેમ જ ભાષાન્તરો કર્યાં છે. ઇંગ્રેજી જન્મચરિત્રો ઉપરથી પણ ઘણાં ભાષાંતર થયાં છે. આમાં મોટી સંખ્યા ઈનામો આપીને લખાયલાંની જ છે. ઇનામની જ ઇચ્છાથી લખેલા ગ્રંથોમાં બહુધા ગ્રંથકારત્વ હોતું નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી ઈનામ આપી ઘણા જન્મચરિત્રના ગ્રંથો લખાવે છે. સોસાઈટીનો પ્રયાસ બેશક સ્તુતિપાત્ર છે. પરંતુ જ્યાં સુધી ગ્રંથકાર પોતાની અંતર્વૃત્તિથી ગ્રંથ લખતો નથી ત્યાં સુધી તે શુષ્ક જ રહે છે. તેમ જ જ્યાં સુધી ભાષામાં માત્ર પૂજ્યભાવથી અથવા બીજી લાગણીથી પ્રેરાઈને જન્મચરિત્ર લખાયાં નથી ત્યાં સુધી આ જાતના સાહિત્યનો શોખ ઉત્પન્ન થયો છે એમ કહેવાય નહિ.

પારસી ગ્રંથકારોએ ફીરદોસી, અરદેસર કોટવાળ, સર જમશેદજી, દા. બહાદૂરજી વગેરેનાં જન્મચરિત્રો લખ્યાં છે. અંગ્રેજીમાંથી લખાયલાંમાં રૂલર્સ ઓફ ઈન્ડિયા સિરિઝ’ નાં 'ટિપુ સુલતાન,' 'બેન્ટિક,' 'લોરેન્સ,' 'અકબર,' 'રણજીતસિંહ,' 'ઔરંગજેબ,' 'માધવરાવ સિંધીયા,' 'કેનીંગ', 'મેયો,' અને 'હેસ્ટીંગ્સ' વગેરેનાં ભાષાન્તર થયાં છે.

'રૂલર્સ ઓફ ઇંડિયા સીરીઝ' નાં ભાષાન્તર 'ગુજરાતી પ્રેસ' અને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી એમ બે જૂદી જૂદી સંસ્થાઓએ લખાવ્યાં છે. શીખ લોકોના ઇતિહાસનું મનન કરીને, ગુરૂમુખી ભાષા શિખીને, શીખ લોકોતો ગ્રંથ 'ગ્રંથ સાહેબ' વાંચીને અને શીખ અમલદારોની જોડે શંકાઓ અને શીખ દંતકથા વગેરેનો તપાસ કરીને લખાયલું–ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ લખાવેલું ‘રણજીતસિંહ’ નું ભાષાન્તર એજ પુસ્તકના ગુજરાતી પ્રેસના બીજા ભાષાન્તરની સ્પર્ધા છતાં પ્રજામાં વધારે પોશાયું છે, અને ઘણાં વર્ષ ઉપર એની બીજી આવૃત્તિ થઈ ગઈ છે. રા. મણિલાલનો 'લોરેન્સ' વાંચવા લાયક ગ્રંથ છે. આ ગ્રંથાવળીનાં થયેલાં ભાષાન્તરોમાં કેટલાંક મૂળ લખનાર જોડે તદૈકવૃત્તિથી લખાએલાં અને કેટલાંક તો તરજુમા જ છે.

'કોલંબસનો વૃત્તાંત' સન ૧૮પર માં પ્રગટ થયેલો વાંચવા લાયક સરળ ગ્રંથ છે. એવું જ બીજું ચરિત્ર ધર્મવીર 'રાજા રામમોહનરાય' નું છે. 'ફ્રાંક્લિન, ગેરિબૉલ્ડીનાં બોધક જીવનચરિત્રો પણ ગુજરાતીમાં ઉતર્યાં છે. 'મહાવીર સ્વામી, શંકરાચાર્ય, જરથોસ્ત વગેરેનાં જન્મચરિત્રો પણ પ્રગટ થયાં છે.

આજ કોટીમાં અમદાવાદની સ્મોલકોઝ કોર્ટના જજ્જ સ્વ. રા. બા. લલ્લુભાઇ પ્રાણવલ્લભદાસનું 'શ્રીમદ વલ્લભાચાર્યનું ચરિત્ર' સારી રીતે લખાયલું પુસ્તક છે. આ ગ્રંથમાં લખનારના હૃદયનો ભક્તિરસ સરળ, રૂઢ અને રસિક ભાષામાં વાક્યે વાક્યે રેલાતો નજરે પડે છે.

જન્મચરિત્રની કોટીમાં મુકાય એવાં બીજા બે પુસ્તકો ગુજરાતી ભાષામાં સન ૧૮૬૯ માં બહાર પડ્યાં હતાં. રા. બાપાલાલ અને પંડિત ડાહ્યાભાઇ ઘેલાભાઇ એમનાં 'કવિચરિત્ર' માં જૂના કવિયોનાં જીવનનો મળી શકે એવો અહેવાલ અને તેમને માટે લોકોમાં વપરાતી કિંવદન્તિ આપેલી છે. રા. ડાહ્યાભાઇનું પુસ્તક વધારે સુંદર છે.

સ્વ. મહીપતરામે ગુજરાતી ભાષાના ભંડોળમાં જન્મચરિત્રનાં બે પુસ્તકોનો વધારો કર્યો છે. એમના જ બોલમાં 'ઉત્તમ કપોળ કરશનદાસ મૂળજીનું ચરિત્ર' એમણે પ્રગટ કર્યું હતું. સ્વ. નવલરામ કહે છે તેમ 'એ ગ્રંથનો વિષય, વાણી, અને વિવેક એ ત્રણે વિવેચકના ચિત્તને આકર્ષણ કરે એવાં છે.' એ ગ્રંથ પ્રગટ થયાં પહેલાં ગુજરાતીમાં સારો કે નઠારો ચરિત્રનિરૂપણનો એકે ગ્રંથ ન હતો. કરશનદાસ જેવા સુધારાવાળાનું જન્મચરિત્ર મહીપતરામજીને હાથે જ લખાવું જોઈએ. પોતાની જાતમાં એ વિષયની મસ્તી હોય નહિ તો તેનાથી એ વિષય સારો લખાતો નથી. ભાષા શુદ્ધ, સરળ અને રસભરી છે. એક સુધારાના આવેશની નિર્મળ અને વિવેકયુક્ત ધારા આખા પુસ્તકમાં અખંડ ચાલી જાય છે; અને પ્રસંગોપાત ‘સાસુ વહુની લડાઇ’ના લખનારનો હાસ્યરસ મર્યાદામાં રહીને ઠીક રમુજ આપે છે. જૂસ્સાની તાણમાં તણાઈ જઈ કોઈ જગાએ સત્ય કે નિષ્પક્ષપાતપણાનો ભંગ થવા દીધો નથી; પોતાના વિચાર જૂદા હોય ત્યાં તે બતાવતાં આંચકો ખાધો નથી, પણ તે ખરી નમ્રતાની સાથે દર્શાવ્યા છે. આ ગ્રંથમાં વિવેક અને ક્ષમા બહુ વાપરી છે. સત્ય, ક્ષમા અને પરમાર્થ ઉપર દૃષ્ટિ રાખીને મહીપતરામે લખેલો આ ગ્રંથ સુબોધકારક અને દેશ કલ્યાણની ગતિ ઉત્પન્ન કરનાર નિવડ્યો છે.

એ જ વિદ્વાને જન્મચરિત્રનો બીજો ગ્રંથ ‘મહેતાજી દુર્ગારામ મંછારામનું ચરિત્ર’ એ નામે લખ્યો છે. ગુજરાતના આ આર્નોલ્ડ એક મહાન પુરૂષ હતા. એમનું નામ ગુજરાતના આ છેડાથી પેલા છેડા સુધી વિખ્યાત છે. હજુ પણ એકલો ‘મ્હેતાજી’ શબ્દ કહેતાં દુર્ગારામની જ પ્રતિતી થાય છે. એમણે પોતાની કીર્ત્તિ અધિકાર, પૈસો કે કુળને બળે નહિ પણ પોતાની બુદ્ધિ, ખંત ને હિંમતને બળે જ મેળવી હતી. એઓ હતા તો ઘણા કાળ સુધી સુરતમાં માત્ર ગુજરાતી નિશાળના મહેતાજી પણ તેમને ઘણું જ માન મળતું. એમણે ગુજરાતમાં પહેલવહેલો સુધારાનો પોકાર ઉઠાવ્યો હતો. એમના બોધથી બધો દેશ ખળભળી ઉઠ્યો હતો. એમના નામથી જ વહેમ અને જુલમ થથરી જતા હતા. એક તરફ એઓ પોતે અને બીજી તરફ નાનાં મોટાં સઘળાં છતાં મહેતાજી નિડરપણે સુધારાની વાતો કરતા અને લોકોને અરૂચીકર હોવા છતાં એકાગ્ર ચિત્તથી સાંભળતા અને એમના ખરાપણાને માન આપતા. મહેતાજીને સુધારાની લહેર રૂંએ રૂંએ વ્યાપી રહી હતી એનું પરિણામ એટલું થતું કે વખતે પાત્રનો વિચાર કર્યા વિનાજ જે મળે તેને બોધ કરવા મંડી જતા. *[૧] કત્તલની રાત્રે હજારો મુસલમાનોને છાતી ફૂટતા જોઈ દયા આણી બોધ કરવા જવાનુંજ મહેતાજીને મન થયું હતું, અને હોડીમાં બેઠાં બેઠાં એક ઘરડી ડોશીને જાતિભેદ તોડવાનો બોધ કરીને ખુબ ભડકાવી હતી. જાદુગરોની જોડેની એમની ઝુંબેસની વાત અમે અહિં લંબાણ થવાના ભયને લીધે કહી શકતા નથી. આ રમુજી હેવાલ જાણવાને એમનું જન્મ ચરિત્ર વાંચવાની સૂચના કરીએ છીએ. આવા મહાન નરનું ઘણુંજ મનોરંજક અને સુબોધકારી જીવનચરિત્ર લખીને સ્વ. મહીપતરામે ગુજરાતી પ્રજા ઉપર ઉપકાર જ કર્યો છે. સ્વ. નવલરામના જ બોલમાં અમે કહી શું કે 'સુધારા અથવા દેશ કલ્યાણને સારૂ જેઓ કાંઈ પણ કાળજી રાખતા હોય, જેને ધર્મની બાબતમાં સત્ય મેળવવાની ઈચ્છા હોય, જેને અધ્યાત્મ વિષયોમાં કાંઈ પણ રસ લાગતો હોય તે સઘળાને અમે આ પુસ્તક પોતાની પાસે હમેશાં રાખવાની ભલામણ કરીએ છઈએ. એ પુસ્તક ઉંડા સદ્વિચારોનો ભંડાર છે.'

દેશને અજ્ઞાનના અંધારામાંથી કાઢવાનો સબળ અને મહા પ્રયત્ન કરનાર મહાત્મા સદુપદેશક અને સત્ય સ્વરૂપ સ્વ. ભોળાનાથ સારાભાઈના મનોરંજક અને સર્વથા અનુસરણ કરવા યોગ્ય જીવનને દરેક અંગમાં વિવેક અને સત્યથી રસભરી રીતે વર્ણવીને ભાઈ શ્રી કૃષ્ણરાવ દીવેટીઆએ પોતાની માતૃભાષાની આ વિષયની સંપત્તિમાં આદરણીય ઉમેરો કર્યો છે.

સુજ્ઞ ગોકળજી ઝાલાનું સ્વ. મનઃસુખરામનું લખેલું જન્મ ચરિત્ર પણ મનન કરવા યોગ્ય ગ્રંથ છે. સ્વ. ભગવાનલાલે સ્વ. રા. બા. રણછોડલાલ છોટાલાલ સી. આઈ. ઈ નું જન્મ ચરિત્ર પણ લખ્યું છે.

રા. માનકરની ઈંગ્રેજી પુસ્તકને આધારે લખાયલું રા. સૂર્યરામના 'ન્યાયમૂર્તિ રાનડેનું જીવનચરિત્ર' નામના પુસ્તકની નોંધ લેતાં અમને આનંદ થાય છે. એ પુસ્તકનો વિષય મહર્ષિ માધવ ગોવિંદ રાનડે, ભાષા સરળ અને શુદ્ધ અને નિરૂપણ રસિક છે.

(૨) ઇતિહાસ.

દરેક પ્રજાની ઉન્નતિને સારૂ તે પ્રજામાં ઈતિહાસના સાહિત્યની અગત્ય છે. દૂનિયામાં મોટી મોટી પ્રજાઓ કેઈ હતી, તેમનો ઉદય કેવી રીતે થયો અને ચઢતીની ટોચે પહોંચ્યા પછી તેમની પડતી કેવી રીતે અને શાશા કારણોને લઈને થઈ વગેરે જ્ઞાન દરેક પ્રજાને અને તેથી વ્યક્તિમાત્રને હોવું જ જોઈએ. હતભાગ્યે આપણા લોકોમાં ઈતિહાસના ખરા સાહિત્યનો જન્મજ થયો નથી એ ખરેખર શોચનીય છે.

સાઠીની શરૂવાતના પ્રવૃત્તિના પ્રારંભમાં બીજી બાબતોની પેઠે આ સાહિત્ય તરફ પણ લક્ષ દોરાયું દેખાય છે. સૌથી પ્રથમ સન ૧૮૪૮ માં હિંદ રાજસ્થાન નામથી બ્રિટિશ હિંદુસ્થાનનો ઈતિહાસ પ્રગટ થયા પછી સન ૧૮૫૨ માં બાળગંગાધર શાસ્ત્રી–જેમના હાથથી શરૂવાતમાં કેળવણીનાં ઘણાંખરાં પુસ્તકો લખાયાં હતાં–એમણે લખેલા ગ્રંથનું ‘હિંદુસ્થાનનો ઈતિહાસ’ એ નામે સ્વ. રણછોડદાસ ગીરધરભાઇએ ભાષાન્તર કર્યું હતું. આ પુસ્તક પણ બ્રિટિશ હિંદુસ્તાનનોજ ઈતિહાસ આપે છે. સન ૧૮૬૨ માં સ્વ. વિશ્વનાથ નારાયણ મંડળીકે એલ્ફીન્સટનના લખેલા ઈતિહાસમાંથી હિંદુ અને મુસલમાની સમયનું ભાષાન્તર કર્યું હતું. ઈ. સ. ૧૮૭૧ માં નિશાળોમાં ચલાવવા સારૂ મોરીસના ઈતિહાસનું ભાષાન્તર કેળવણીખાતા તરફથી સ્વ. છોટાલાલ સેવકરામે કર્યું હતું. આ પુસ્તક પણ માત્ર બ્રિટિશ હિંદુસ્થાનના જ ઈતિહાસનું હતું. એના મુખપૃષ્ટ ઉપર મુકેલા સૂત્ર 'Try us by our Own actions' થી જ આખા ઈતિહાસનો સાર સમજાઈ જાય છે; છતાં રસભરી ભાષા અને છટાદાર વર્ણનો વડે આ ઈતિહાસ મનોરંજક લાગે છે. સન ૧૮૭૫ સુધીમાં એની ચાર આવૃત્તિઓ થઈ ગઈ હતી અને તે નિશાળો-બ્રાંચસ્કુલોમાં શિખવાતો હતો. ઇંગ્રેજીમાં લેથબ્રીજનો હિંદુસ્થાનનો ઈતિહાસ લખાયો અને એનો અનુવાદ કેળવણી ખાતા સારૂ સ્વ. મહીપતરામે કર્યો ત્યારથી મોરીસનો ઇતિહાસ શિખવાતો બંધ થઈને આ ‘ભરતખંડનો ઈતિહાસ' શિખવાવા લાગ્યો. સન ૧૮૮૦ માં આ ઈતિહાસની બીજી આવૃત્તિ નીકળી હતી અને ત્યારબાદ એની ઘણી આવૃત્તિઓ થઈ છે. છેવટે સર. ડબલ્યુ. ડબલ્યુ. હંટરે પોતાનો ઈતિહાસ બહાર પાડ્યો. આ ગ્રંથનું ગુજરાતી ભાષાન્તર જી. વ્હિટવર્થ આઈ. સી. એસ. એમણે કર્યું છે અને સરકારી નિશાળોમાં શિખવાય છે. પ્રથા જ એવી પડી હતી કે દરેક ઈતિહાસ લખનારા પોતાના પુસ્તકનો આરંભ સિંધ ઉપર મહમદ કાસિમે કરેલી સ્વારીથી કરે. આ બાબત સર ડબલ્યુ. ડબલ્યુ હન્ટર પોતાના ગ્રંથની પ્રસ્તાવનામાં ટીકા કરે છે. મહમદ કાસિમની સ્વારીથી મુસલમાનોની સ્વારીઓનો આરંભ થયો; એક પછી એક મુસલમાન વિજેતા દેશપર ચઢી આવ્યા; કેટલાક વંટોળીઆની માફક આવી લૂંટફાટ કરીને આવ્યા એમજ પાછા ગયા; કેટલાકે અહીં રાજ્યની સ્થાપના કરી; એક પછી એક નવા મુસલમાની વંશોએ અહીં રાજ્ય કર્યું; છેવટે ઈશ્વરકૃપાથી બ્રિટિશ સલ્તનતની સ્થાપના થઈ ને દેશ થાળે પડ્યો. આ પ્રમાણે શરૂવાતથી જ પોતાના દેશની પરતંત્રતા અને વિદેશીઓનાં ત્રાસદાયક કૃત્યો શિખતો આવેલો મનુષ્ય સ્વતંત્ર વિચારનો કયાંથી હોય ? પોતાની જન્મભૂમિનું ગૌરવ જ જોયું-જાણ્યું જ ન હોય તો તેના ઉપર પ્રીતિ શી રીતે ઉત્પન્ન થાય ? માત્ર ભૂતકાળના મુસલમાની રાજવંશો-જેમાં 'કેટલાક મોટા જુલમગાર રાજાઓ થઈ ગયા છે, તેની કારકીર્દી જાણવી અને સાલવારી ગોખવી એને ઈતિહાસનું શિક્ષણ જ ન કહેવાય. હિંદની પ્રજા શી રીતે થએલી છે, તેની પ્રાચીન મહત્તા કેવી હતી, તેમાં પ્રાચીન કાળમાં વિદ્યા, કળા કૌશલ્ય કેવું હતું વગેરે બાબતો છોકરાંઓએ જાણવી જોઈએ. આથી પોતે જે પ્રજાને એક અંશ છે, તેનું ગૌરવ તે જાણે, પ્રાચીન ગોરવ જાણીને પોતે મહત્વાકાંક્ષી થાય. પોતાના ઈતિહાસમાં એઓ સાહેબ છેક મૂળ આર્યસ્થાનમાંથી નીકળ્યા ત્યારથી મળી આવતી હકીકત આપે છે. આર્ય લોકોની નિતિ, વિદ્યા, કળા કૌશલ્ય, ધર્મ સાહિત્ય, અને જ્ઞાન સઘળાનું ટુંકામાં સારું દિગ્દર્શન કરાવે છે. પોતાના ગ્રંથનું નામ જ એમણે 'હિંદના લોકોનો ઇતિહાસ ' - એવું રાખ્યું છે. બીજા પણ ઈતિહાસના ગ્રંથો બહાર પડયા છે જેમાં રા. વિઠ્ઠલદાસ ધનજીનો ઈતિહાસ ઘણાં પુસ્તકોનું દોહનરૂપ છે. બાકી દુર્ભાગ્યે આ સમય દરમ્યાન ઈતિહાસનાં ટાંચણ, સાલવારી, સાર, સંક્ષેપ, કવિતારૂપ ઈતિહાસ એવી નમાલી ચોપડીઓ તો ઘણી નીકળી છે.

ગુજરાતના ઈતિહાસ, સૌરાષ્ટ્રનો ઈતિહાસ, અમદાવાદના મુસલમાન પાદશાહોનો ઈતિહાસ વગેરે પુસ્તકો પણ થયાં છે. સ્વ. એદલજી ડોસાભાઇના ઈતિહાસનાં વખાણ મી. ફોર્બ્સે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના પોતાના રીપોર્ટમાં કર્યાનું આગળ કહી ગયા છીએ.

ઈંગ્લાંડના ઈતિહાસનાં બે-ત્રણ પુસ્તકો ભાષામાં ઉતર્યા છે. એક પારસી ગૃહસ્થ છેક સન. ૧૮૩૯ માં તેમ જ સ્વ. મોહનલાલ રણછોડદાસે ડેવીસના ઇંગ્લંડના ઈતિહાસનાં ભાષાંતર કર્યો છે. સ્વ. મહાપતરામે સ્મીથના ઈતિહાસની છાયારૂપ ઇંગ્લંડના ઈતિહાસનું મોટું પુસ્તક લખ્યું છે. સ્વ.નવલરામે ગ્રીનના ઇન્ગ્રેજ લોકના ઈતિહાસનું અવલંબન લઈ તેમ જ બીજા ઘણા ઈતિહાસના ગ્રંથોને આધારે પોતાનો 'અંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ' લખ્યો છે. આ પુસ્તક કકડે કકડે શાળાપત્રમાં છપાયું છે. એની બાની ઘણી જ રસભરી અને મોહક છે. વિષયની ચર્ચા એવી મનોરંજક રીતીયે કરી છે કે પૂરી વાંચવાની આપણને લેહ જ લાગે. પોતાના વ્યવસાયને લીધે આ ગ્રંથ ત્વરાથી લખાતો નહોતો. મહિનાના મહિનાને આંતરે શાળાપત્રમાં દેખા દેતો. અમને સમરણ છે કે એક વખત કોલેજની ટપાલ જોતાં એક નનામું પોસ્ટકાર્ડ અમને મળ્યું હતું. એમાં લખનારે સ્વ. નવલરામની વિનતિ કરી હતી કે એમણે એ ઈતિહાસ જલદી પૂરો કરવો કે વખતે એમને રાજકદૈવક થાય તો ગ્રંથ અધુરો ન રહે. એમનું મન ન દુઃખાય માટે આ કાર્ડ આપવું કે નહિ એવો લોવિલંબ કરીને આખરે કાંઈક વાત છેડીને અમે એમને આપ્યો હતો. વાંચીને એ મહાનુભાવે કહ્યું હતું કે ખરી વાત છે, મારાથી એ ઈતિહાસપર લક્ષ અપાયું નથી, પણ હવે જલ્દી પૂરો કરીશ. દૈવઈચ્છા બળવાન છે. થોડા માસ પછી એમને અસાધ્ય મંદવાડ આવ્યો અને એમણે પરલોકગમન કર્યું, અને ગુજરાતીમાં એક અપૂર્વ ગ્રંથ પૂર્ણ થતાં રહી ગયો.

રોમના રાજ્યનો ઈતિહાસ એવું નાનું પુસ્તક સ્વ. છોટાલાલ સેવકરામે પ્રગટ કર્યું હતું. સ્વ. મહીપતરામે ‘જગતનો સંક્ષિપ્ત ઈતિહાસ' લખ્યો છે.

કવિ નર્મદે પોતાની રસિક બાનીમાં 'રાજ્યરંગ’ નામે સુંદર પુસ્તક લખ્યું છે.

દેશી રાજ્યમાં ગોંડળ, જૂનાગઢ વગેરેના ઈતિહાસ લખાયા છે. લખતરનો ઈતિહાસ ત્યાંના ચંચળ કારભારી રા. મગનલાલ ત્રીભુવનદાસ વકીલે લખ્યો છે. શરૂવાતમાં ૧૮૫૧ ની સાલમાં સ્વ. મગનલાલ વખતચંદે અમદાવાદનો ઈતિહાસ લખ્યો હતે. સૈારાષ્ટ્રના ઈતિહાસના કર્તા રા. ભગવાનલાલ સંપતરામે 'વાઘેર લોકોનો ઈતિહાસ અને બંડ' સંબંધી નાનું પુસ્તક બનાવ્યું હતું.

સ્વ. કિન્લોક ફોર્બ્સે ગુજરાતના ઈતિહાસનું વસ્તુ લઈને પોતાની 'રાસમાળા' રચી હતી. એ ઇન્ગ્રેજી ગ્રંથનું ગુજરાતી ભાષાંતર ફોર્બ્સ ગુજરાતી સભાએ રા. રણછોડભાઈ ઉદયરામ પાસે કરાવ્યું છે. એમણે ભાષાંતરમાં પુષ્કળ સુચના અને સુધારા ઉમેર્યા છે. રસિક, સરલ અને પ્રસાદવાળી શૈલી, તેમ જ ઉત્તમ વસ્તુને લીધે 'રાસમાળા' ગુજરાતીમાં એક સમર્થ અને ઉપયોગી ગ્રંથની પદ્વી ભોગવે છે. રાસમાળા જેવા પ્રસિદ્ધ ગ્રંથને માટે વધારે કહેવું જરૂરનું નથી. ‘ત્યમ ફાર્બસ સાહેબ વિના, નવ ઉધરત ગુજરાત' એ ઉક્તિ ઓછી નથી.

પૃથુરાજ રાસાને આધારે 'પૃથુરાજ ચોહાણ' નામનાં બે પુસ્તકો અસ્તિત્વમાં આવ્યાં છે.

પારસી ગ્રંથકારોએ ‘પુરાતન પારસીઓની તવારીખ,’ ‘રૂસ્તમખાનું' , ‘તારીખીશાહીનઈ ઈરાન', તવારીખ ઈહિખામનીયાં,’ ‘તવારીખ ઈકદમ ઈરાન,' અને તવારીખ ઈસાસાનીયાં, નામે ગ્રંથો લખ્યા છે. 'ફ્રાન્સ અને જર્મની' તેમ જ ‘તર્કી અને રૂશીયા’ના વિગ્રહનાં સચિત્ર દળદાર પુસ્તકો પારસી ગ્રંથકારે બહાર પાડયાં છે.

છેવટે એમ જણાય છે કે આ વિષય પર સારા ગ્રંથોની ખોટ હજુ પુરાઈ નથી અને કોઈ વિદ્વાન સમર્થ પુસ્તક લખીને ભાષાની સમૃદ્ધિમાં ઈષ્ટ વધારો કરે એવી આશા ફળીભૂત થાઓ.  (૩) નાતોની હકીકત:—

ગૂજરાતની જૂદી જૂદી નાતોના મુખ્ય રિવાજો વગેરેનું પુસ્તક મી. બોરોડેઇલ—અમદાવાદના માજી કલેક્ટરના પિતા, અને જેઓ પોતે પણ અમદાવાદના કલેક્ટર હતા, તેમણે લખ્યું હતું. તે સિવાય 'ઉદિચ્ય પ્રકાશ', 'ટોળકનિબંધ,’ ‘ટોળકીઆ ઉદિચ્યની સ્થિતિ,' 'ઝાલાવાડના દશા અને વિશાશ્રીમાળી વાણીઆના નિયમો' અને 'રૈક્વેપુરાણનો સાર' એવાં એવાં પુસ્તકો આ સાઠીમાં પ્રગટ થયાં છે. નાગરોના 'નગરખંડ' નાં ભાષાન્તરનો આરંભ થયો છે. સુરતની કોઈ સન્નારીએ પોતાની વડનગરા નાગરની નાતના રીતરીવાજ સંબંધી પુસ્તક લખ્યું છે. સૌ. બાળાબહેને અમદાવાદના નાગરમાં લગ્ન, જનોઈ, સીમંત વગેરે પ્રસંગે ચાલતા રીવાજો સંબંધી એક પ્રકરણ પોતાની પ્રસિદ્ધ 'ગીતાવળી' માં ઉમેર્યું છે. કોઈ પારસી ગૃહસ્થે આફ્રીકાની શીઆપોસ કાફીર લોકોનો ઈતિહાસ, રીતરીવાજ અને ધર્મ વિશેનું નાનું પુસ્તક લખ્યું છે.

(૪) ભૂગોળ–સ્થળ વર્ણન:—

ઈ. સ. ૧૮૩૩ માં મુંબઈની નેટીવ એજ્યુકેશન સોસાઈટી સારૂ 'ભૂગોળ અને ખગોળ’ નામની ચોપડી લખાઈ હતી. ત્યારપછી 'ભૂગોળનું વર્ણન' નામનું પુસ્તક ગુજરાતી ટ્રાન્સલેટર તરફથી પ્રગટ થયું હતું. તેમ જ 'ગાયકવાડી ઈલાકાની ભૂગોળ,' ' કચ્છની ભૂગોળ,' ' રેવાખંડની ભૂગોળ,' 'પંચમહાલની ભૂગોળ,' 'સુરત જીલ્લાની', ‘ભરૂચ જીલ્લા'ની એવી એવી ચોપડીઓ પ્રગટ થઈ હતી. છોકરાંઓને પોપટ બનાવવા સારૂ સવાલ જવાબના રૂપમાં પણ કેટલીક ભૂગોળની ચોપડીઓ કમનસીબે પ્રગટ થઈ હતી. સરકારી કેળવણી ખાતા તરફથી થએલી ચોપડીઓ સારૂ અમે બીજે સ્થળે કહી ગયા છીએ. સને ૧૮૬૭ માં 'ભૂગોળનો ઉપયોગ' એ નામે નાનું ઉપયોગી પુસ્તક રા. સા. હરિલાલ મોહનલાલે બહાર પાડ્યું હતું. સ્થળ વર્ણનનાં પુસ્તકોમાં 'ગીરનાર મહાત્મ્ય,' 'મહાબળેશ્વર,' 'થાન’ ની હકીકત જણાવતું 'કંડોળ પુરાણ' અને 'રાણપુરની મુખ્તેસર હકીકત' એવી એવી ચોપડીઓ આ સાઠીમાં થઈ છે.  (૫) પ્રવાસ–ભોમીયા–પંચાંગ:—

સામળભટની ઘણી વારતાઓમાં તો આપણે વાંચીએ છીએ કે ફલાણા શેઠનો દિકરો વેપાર અર્થે દેશાવર ગયો. માલથી ભરેલાં વહાણની હારો—દરિયાની મુસાફરી–પરદેશમાં મળતો લાભ–નવો માલ ભરેલાં વહાણ લઈને પાછું આવવું, એ બધું શામળ ઠેકાણે ઠેકાણે વર્ણવે છે. આ બધું શામળની કલ્પનામાં જ જન્મ્યું હોય, એમ જણાય છે. સમુદ્રપર્યટણની પૃથા એટલી બધી હોય તો સામળ પોતે પોતાના લખાણમાં ક્ષિપ્રા નદીમાં મોટાં વહાણ છિપાવવાની ભૂલ ન જ કરે ! વળી બસેં અઢીસેં વર્ષમાં આપણી પ્રજામાંથી પ્રવાસન મોહ આટલો બધો ઉતરીએ ન જાય. ગમે તેમ હો પણ હાલ તો આપણી પ્રજામાં મુસાફરીનો મોહ બિલકુલ દેખાતો નથી. સૃષ્ટિસૌંદર્ય નિરખવા અને લોકોની રીતરસમ જોવાને પ્રવાસ કરનાર આપણી પ્રજામાં ભાગ્યે જ જણાયા છે. આવા લોકોને પ્રવાસનાં વર્ણન વાંચવાની ઉત્કંઠા પણ શાની જ થાય ? તેથી જ આપણામાં પ્રવાસ સંબંધી કોઈ જૂનું પુસ્તક જણાતું નથી. બેશક ધર્મનિમિત્તે યાત્રા કરનારા તો ઘણા હતા. પ્રતિ વર્ષે અંબાજી, કાશી, જગન્નાથ, ગોકુળ મથુરા, નાશકત્ર્યંબક વગેરે જાત્રાનાં સ્થળે તો હજારો માણસ જતાં હશે. પણ કોઈએ એવી જાત્રાનું વર્ણન લખ્યું જાણ્યું નથી. તેમ જ જાત્રાએ જઈ આવનાર કોઈને મોઢે અમે જાત્રામાં જોએલા કુદરતી સૌંદર્યનું વર્ણન સાંભળ્યું નથી. અમુક જગામાં પંડ્યાનો અને અમુક જગાએ ગોરનો જુલમ, અમુક જગાનો ગોર હાથીએ બેશીને માગવા આવે છે, અમુક જગાએ આવા હિંડોળા થાય છે તો અમુક જગાએ આવી ફુલવાડી ભરાય છે. એ સિવાય જાત્રાળુઓ બીજું જોઈ આવ્યા જણાતા નથી. પ્રવાસનાં જૂનાં પુસ્તકો ગુજરાતીમાં નહોતાં અને સ્વ. કરસનદાસ મૂળજીએ પોતાની ઈંગ્લાંડની મુસાફરી સંબંધે સન ૧૮૬૬ માં પોતાનું પુસ્તક લખ્યું ત્યાં સુધી ગુજરાતીમાં પ્રવાસનું એક્કે પુસ્તક નહોતું. એ વર્ષમાં એમણે ‘ઇંગ્લંડમાં પ્રવાસ’ એ નામે મોટું અને સુંદર પુસ્તક ભાષાના ભંડોળમાં ઉમેર્યું. એ એક વાંચવા લાયક ગ્રંથ છે. ઇંગ્લંડના મનોહર સ્થળનાં મઝા પડે એવાં વર્ણન કર્યાં છે, સમજૂત આપી છે અને ઈગ્લેંડની પ્રજાની ખરી ખુબીઓ વાંચનારની સમક્ષ મુકીને એ પ્રજા ઉપર માન અને મમતાની લાગણી ઉત્પન્ન થાય એવી રીતે આ પુસ્તક લખાયું છે. સુંદર સ્થળોનાં વર્ણન જ માત્ર નહિ પણ રંગબેરંગી નમુનેદાર ચિત્રો આપીને ગ્રંથને ઓર ચિત્તાકર્ષક બનાવ્યો છે. ઇંગ્લંડની કુદરતી લીલાની જોડે અંગ્રેજી ઘરસંસાર, ધર્મ, કેળવણી, વેપાર, ઉદ્યોગ, રીત રસમ, અને રાજપ્રકરણ વગેરે ઘણી ઘણી બાબતો યથાયોગ્ય ટૂંકાણમાં વર્ણવીને વાંચનારના મનમાં ઈંગ્લેંડ અને ઈંગ્રેજો ઉપર સ્નેહભાવ ઉત્પન્ન કર્યો છે. સાત વર્ષની નાની ઉમ્મરે, નવા જ બહાર પડેલા આ ગ્રંથે અમારા મનમાં તો ઇંગ્લંડના પ્રવાસની પ્રબળ આકાંક્ષા ઉત્પન્ન કરી હતી. સમગ્ર રીતે બોલતાં આ ગ્રંથ જેવો એ કેટીમાં બીજો કોઈ ગ્રંથ ગુજરાતીમાં થયો નથી. સ્વ. મહાપતરામે, તેમ જ શેખ યુસફઅલ્લીએ પોતપોતાની ઇંગ્લાંડની મુસાફરીનાં પુસ્તકો લખ્યાં છે. પણ એ પુસ્તકો કરસનદાસના ગ્રંથ જોડે સ્પર્ધા કરે એવાં નથી. સ્વ. મહીપતરામે પોતાનો ગ્રંથ વિસ્તારથી લખ્યો જ નથી. મી. યુસફઅલ્લિ તો એક પોલીસ ઈન્સ્પેકટર હતા અને એમનો ગ્રંથ તો લખનારને ગ્રંથકર્તુત્વ જોડે ઝાઝો સંબંધ જ નથી એ ખુલ્લું દેખાડી આપે છે.

કરશનદાસનો પ્રવાસ નીકળ્યા પછી બેએક વર્ષે દામોદરદાસની ચીનની મુસાફરીનું પુસ્તક બહાર પડયું હતું. બીજાં બેએક વર્ષ પછી એક પારસી ગૃહસ્થે 'દક્ષિણ હિંદુસ્થાનમાં મુસાફરી' ' છપાવી હતી. ત્યારબાદ એકાદ વર્ષે મી. અરદેશર ફરામજી મૂસ અને મિત્રોએ કરેલી 'હિંદુસ્થાનમાં મુસાફરી' નામે પુસ્તક નીકળ્યું હતું. આ પુસ્તક સચિત્ર અને સારી રીતે લખાયેલું છે. 'મોદીબંદરથી માર્સેલ્સ' નામે રમુજી, મુસાફરીનું પુસ્તક મી. મર્ઝબાને પ્રગટ કર્યું હતું. એમાં ઘણી હકીકતો સમાયેલી છે. જર્મની અને ઇંગ્લેંડ બન્ને દેશોનું વર્ણન-કૌતુક સંગ્રહની ભાષામાં આપ્યું છે. આ સિવાય બીજા કેટલાંક પુસ્તકો થયાં છે તેમાં હાજી સુલેમાન શાહમહમદ નામના મુસલમાન ગૃહસ્થની 'પૃથ્વિની પ્રદક્ષિણા' નોંધ લેવા લાયક છે. અમે ભુલતા ન હોઈ એ તો ઈંગ્રેજી કેળવણીનો લાભ ન મળેલો એવા સાહસિક મુસલમાન વેપારી પૃથ્વિ પ્રદક્ષિણા કરે અને તેનું આવું પુસ્તક પણ પ્રગટ કરે એ સાનંદાશ્ચર્ય ઉપજાવે એવું છે.

આ શીવાય 'મુંબાઈનો ભોમીયો', 'ડાકોરનો ભોમીયો', 'શ્રી નાથદ્વારાનો ભોમીયો', તેમ જ 'જૈનતિર્થાવલી પ્રવાસ' નામનાં નાનાં નાનાં પુસ્તકો પ્રગટ થયાં છે. તેમ જ 'જ્ઞાનનિધિ' નામ આપી કોઈ એ ચીનની મુસાફરી પણ લખી છે. સર મંચેરજી ભાવનગરીએ 'મહારાણી વિકેટરિયાએ સ્કાટલંડના પહાડી મુલકમાં કરેલા પ્રવાસોનું વર્ણન' અને એક પારસી સન્નારી બાઇશ્રી પુતળીબાઈ વાડિયાએ ‘મહારાણી વિકટોરીયાએ હાયલંડમાં ગુજારેલી જીંદગીની વધુ નોંધો' નું ભાષાન્તર કર્યું છે.

સમુદ્ર પર્યટનનો પ્રતિબંધ ઘણી રીતે આપણા ઉત્કર્ષની આડે આવે છે. સ્થળ અને જળપ્રવાસોમાં ઘણી અડચણો પડે છે એ વાત ખરી, છતાં એ દુઃખદ બંધી દૂર થાય, લોકોમાં પ્રવાસને પ્રેમ વધે અને એની જ સાથે પ્રવાસના માન્ય ગ્રંથોની પણ વૃદ્ધિ થાય એવું દરેક દેશ–દાઝવાળો મનુષ્ય ઈચ્છતા જ હશે.

(૬) પંચાંગ.

આ સાઠીમાં કેટલાંક પંચાંગ પ્રગટ થયાં છે. આપણા ઈલાકામાં છાપખાનાં દાખલ થતાં સહુથી પ્રથમ પુસ્તક તરીકે એક પારસી ગૃહસ્થના સાહસથી પંચાગ જ પ્રસિદ્ધ થયું હતું એ વિષે અમે બીજી જગાએ કહ્યું છે. પારસીઓ તરફથી ‘યજદજરતી તારીખ,’ 'જરતોસ્તી પંચાંગ.’ અને ‘પારસી પંચાંગ' વગેરે નીકળ્યાં છે. કદમી અને શહેનશાહી ગણત્રી સંબંધી તકરાર સંબધે પણ નાનાં ચોપાનીયાં નીકળ્યાં જણાય છે. વિક્રમાર્ક સંવત ઉપરથી ઈસ્વીસન માસ અને તારીખો ખોળી કાઢવાની સુગમતા સારૂ 'સો વર્ષનું પંચાંગ' નીકળ્યું છે. સામાન્ય રીતે 'મુંબઈ સમાચારનું પંચાંગ' ઘણાં વર્ષથી દર વર્ષે નીકળે છે અને લોકોમાં વપરાય છે. મુંબઈના ગુજરાતી પ્રેસે પણ જ્યોતિષ અને બીજી ઘણી બાબતોની માહેતી આપનારું પંચાંગ પ્રગટ કરવા માંડયું છે. આ ગુજરાતીના પંચાંગમાં પ્રતિ વર્ષે એકાદ સચિત્ર પૌરાણિક કથા આપવામાં આવે છે. હાલ ગુજરાતી પ્રજામાં આ પંચાંગનો બહોળો પ્રચાર થાય છે. પૈસે પૈસે અને બબ્બે પૈસે વેચાતાં દક્ષિણીઓનાં કાઢેલાં પંચાગ પણ વપરાય છે.

હાલના સમયને અનુકુળ નોંધપોથીઓ–અગર 'સ્મરણ પોથીઓ ડાયરીઓ-રોજનીશીયો પણ નીકળી છે. મુંબાઈના પુસ્તક વેચનાર ત્રિપાઠી અને કંપનીની આવી રોજનીશી ઘણી વપરાય છે. એમાં સંવત, સન, મહિના, તારીખ, તિથિ, સૂર્યોદય અને સૂર્યાસ્તકાળ વગેરે આપીને તેને વધારે ઉપયોગી બનાવી છે. જાહેર ખબરોનો ઉપયોગ અને કિંમત આપણા વેપારીઓ હવે સમજતા થયા છે અને પ્રતિવર્ષ ઘણા વેપારીઓ અને મંડળો તરફથી રોજનીશીયો, પંચાંગ વગેરે જથાબંધ નીકળવા માંડયાં છે, જેમને માટે લખવાનું બની શકે નહિ એમ છે. રાસ્તગોફતાર પ્રથમ નીકળ્યું તે કાળે પોતાના ધંધાને માટે વર્તમાન પત્રમાં જાહેર ખબર આપવી એટલે શું એ જ લોકોને ખબર ન હતું એ વિશે અમે બીજે સ્થળે કહ્યું છે.


  1. * કાઠીઆવાડમાં મુસાફરી કરતાં પોતાને રાત્રે મળેલા મિયાણા લૂંટારાઓને મહેતાજીએ ચોરી કરવાના પાપને માટે બોધ કર્યો હતો ! પણ અસંસ્કારી લૂંટારા ઉપર કાંઈ અસર થઈ નહિ અને 'છડ્‌ડ ધી......' કરી તેમનાં સઘળાં લૂંગડાં ધરાધરી ઉતારી તેમને ઝાડની જોડે બાંધી જતા રહ્યા ! આખી રાત એવી હાલતમાં ગાળી. સવારે મુસાફરોએ લુગડાં આપી, ઝાડેથી છોડી સન્માન કરીને રાજકોટ આણ્યા હતા !