સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૭

વિકિસ્રોતમાંથી
←  પ્રકરણ ૬. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૭.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૮. →


પ્રકરણ ૬.

ધર્મ અને તત્વજ્ઞાન.

(૧) બ્રાહ્મ ધર્મ અને એકેશ્વર મત.

આ વિષયમાં અમદાવાદની પ્રાર્થના સમાજને અંગે પ્રસિદ્ધ થયેલી 'ઇશ્વર પ્રાર્થનામાળા' સંબંધે અમે કવિતાના વિભાગમાં કહી ગયા છીએ. તે સિવાય બંગાળમાંથી 'બ્રાહ્મધર્મના સિદ્ધાન્ત' અને પ્રાર્થનાનાં કેટલાંક પુસ્તકો ગુજરાતી સાહિત્યમાં ઉમેરાયાં છે. 'ધર્મ વિવેચન' નામે વિદત્તા ભર્યો નાનો ગ્રંથ સ્વ. ભોળાનાથે પ્રાર્થનાસમાજ તરફથી ઘણા વર્ષ પૂર્વે કાઢો હતો.

(૨) હિંદુપંથો તત્વજ્ઞાન વગેરે:—

આ જાતનાં પુસ્તકોમાં 'આચારપ્રદીપ', 'આહ્ણિક પ્રકાશ' વગેરે કર્મકાંડનાં પુસ્તકોનાં ગુજરાતી ભાષાન્તર થયાં છે. સંધ્યા, રૂદ્રી, મહિમ્ન, વિષ્ણુસહસ્ત્રનામ, રામરક્ષા વગેરે પણ ગુજરાતીમાં થયાં છે. શ્રીમદ્ભાગવત પુરાણ વગેરે ગ્રંથનાં ભાષાન્તર થયાં છે. જૂદી જૂદી ટીકાઓને આધારે જૂદા જૂદા મતાવલંબીઓએ શ્રીમદ્ભગગીતાનાં પાંચ છ ભાષાન્તર કર્યાં છે. સ્વ. મણિલાલનું ભાષાન્તર સમર્થ છે. શંકરાનંદીને આધારે થયેલું શાસ્ત્રી જીવરામવાળું ભાષાન્તર પણ સુંદર છે. વિષ્ણુબાવા બ્રહ્મચારીનું એક પારસી ગૃહસ્થે બહાર પાડેલું ભાષાન્તર સામાન્ય વર્ગને વાંચવા જેવું છે. રામબાવા, રામગુરૂ અને સ્વ.હર્ષદરાય મહેતાબરાય ધ્રુવે મુમુક્ષોને સારું કે 'પંચીકરણ' પ્રગટ કર્યા છે. સમર્થ ગ્રંથ 'પંચદશી' નાં 'ગુજરાતી પ્રેસ' અને સાધુ પુરૂષ રા.વિશ્વનાથ સદારામ પાઠક એમણે ભાષાન્તરો કર્યો છે. વિશ્વનાથનું પુસ્તક વિદ્દત્તા ભર્યું છે. ગુજરાતી પ્રેસનું ભાષાન્તર લોકોમાં ઘણું વંચાય છે. રા. રા.વિશ્વનાથે ‘શાંકરભાષ્ય-ભગવદગીતા, અને મહિમ્નનાં સારાં ભાષાંતર ભાષામાં ઉમેર્યાં છે. તેમનું 'નચિકેતા કુસુમગુચ્છ' કઠોપનિષદનું ઘણી રસિક વાણીમાં લખાયેલું ભાષાંતર છે, વેદાન્ત જેવા ગહન વિષયનું દિગ્દર્શન થવા સારૂ વાંચવા લાયક પુસ્તક છે. 'પારાશર ધર્મશાસ્ત્ર' અને 'માનવધર્મ શાસ્ત્ર'ના સારા અનુવાદ થયા છે. જૂદાં જૂદાં ઉપનિષદો 'શંકર મહાત્મ્ય' અને 'શંકર દિગ્વિજય’નાં ભાષાંતર પણ હયાતીમાં આવ્યાં છે. રા. કૃ. ગો. દેવાશ્રયીનું 'શંકર દિગ્વિજ્ય' નું ભાષાંતર એક સારો ગ્રંથ છે. ગ્રંથના આરંભમાં શ્રીમચ્છંકરાચાર્યના કાળનિર્ણયનો વિદ્વત્તા ભર્યો નિબંધ મનન કરવા યોગ્ય છે. એ લખવામાં એમને ઘણો શ્રમ વેઠવો જોઈએ. સ્વામીનારાયણના પંથની 'શિક્ષાપત્રી', 'વચનામૃત' તેમ જ બીજા પંથોનાં પુસ્તકો પણ વાંચવા મળ્યાં છે. 'શ્રીમન્નૃસિંહાચાર્યના પંથાનુયાયીઓએ 'ભામિની ભુષણ' અને બીજા ઘણા ગ્રંથો ગુજરાતીમાં ઉમેર્યા છે. 'શ્રીમદ્વલ્લભાચાર્ય પ્રતિપાદિત બ્રહ્મવાદ' અથવા શુદ્ધાદ્વૈત સિદ્ધાન્ત' નામનું વિદ્વત્તા ભર્યું પુસ્તક મર્હુમ જજ્જ લલ્લુભાઈએ ગુજરાતી પ્રજાની રૂબરૂ મુક્યું છે. એજ ગૃહસ્થે 'શ્રી કૃષ્ણલીલામૃત,' 'શ્રી કૃષ્ણલીલામૃત,' 'તત્ત્વાર્થદીપ' વગેરે પુષ્ટિમાર્ગનાં  માર્ગનાં પુસ્તકો વૈષ્ણવ મુમુક્ષોને માટે લખ્યાં છે. હિંદીમાંથી 'વિચાર સાગર','યોગવાશિષ્ઠ'ના અનુવાદ થયા છે. સાધુ નિશ્ચળદાસના ગ્રંથનું સુંદર ભાષાંતર બહાર પડ્યું છે. 'શરીફ સાલેહમહમદ' નામના વેદાન્તના અભ્યાસી ખોજા ગૃહસ્થે પણ કેટલાંક પુસ્તકો ગુજરાતીમાં ઉતાર્યા છે. 'વેદસ્તુતી', 'વેદ વિરૂદ્ધ મત ખંડન' નામે ગ્રંથો બહાર પાડ્યા છે. સ્વ. મણિલાલે 'ષડદર્શન સમુચ્ચય' અને 'સિદ્ધાન્તસાર'નામે વિદ્વતા ભર્યા સારા ગ્રંથોનો આપણા ગુજરાતી સાહિત્યમાં વધારો કર્યો છે. હાલતો હિંદીમાંથી નહિ પણ ખૂદ સંસ્કૃતમાંથી આવા ગ્રંથોનાં ભાષાન્તર થવાનું વલણ વિશેષ જણાય છે. સમયની પ્રવૃત્તિએ જૈનબંધુઓને પણ સતેજ કર્યા છે; અને થોડાં વર્ષોથી જૈન સાહિત્ય ધમધોકર પ્રગટ થાય છે. જૈન સાહિત્યને માટે અમે જૂદું પ્રકરણ જ આપવું ઇષ્ટ ધાર્યું છે.

(૩) ખ્રિસ્તી ધર્મ:—

સુવાર્ત્તા—સન ૧૮૨૦ માં સીરામપોરના ખ્રિસ્તી ધર્મગુરૂઓએ બાઈબલ–સુવાર્ત્તાનું ભાષાન્તર કર્યું હતું. સુરતના ધર્મગુરૂઓએ સન ૧૮૨૭ માં ‘નવી સ્થાપના,' સન ૧૮૫૩ માં 'નવોબંદોબસ્ત,' સને ૧૮૬૭ માં 'નવો કરાર' નામથી ધર્મ પુસ્તકના ગુજરાતી તરજુમા કરેલા છે. શ્રી ઈસુખ્રિસ્તના જૂદા જૂદા શિષ્યોએ લખેલી સુવાર્ત્તાના પણ તરજૂમા થયા છે. તેમ જ 'પ્રેરિતોનાં કૃત્ય' પણ બહાર પડ્યાં છે.

ધર્મ પુસ્તકોનું સાહિત્ય— 'દૈનિકપ્રસાદ', 'ઈસુ ખ્રિસ્તના ચમત્કાર', 'ખ્રિસ્તી ધર્મકથાઓ,' 'પરમેશ્વરના દશ હુકમ,' 'પવિત્ર લેખની વાર્ત્તા' એવા એવા ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર સંબંધી ગ્રંથો થયા છે. . પંથના ઈતિહાસ–અને અન્ય ધર્મ ખંડન:– 'હિંદુ ધર્મનો ખુલાસો,' 'ઇસામસીહા અને મહમદની બાબતની વાત,' 'જૈન મતની પરીક્ષા,' 'પારસી ધર્મની દલીલોની તપાસ,' 'સત તથા અસતની પરીક્ષા' નામના ગ્રંથો આ કોટીના છે. કેટલાક તો વિતંડાવાદથી ભરેલા છે.

સિદ્ધાત અને રૂપકો:— 'આદમાખ્યાન,' 'ભ્રમણ તોડનારની વાણી,' અને 'બોધપર બોધ' વગેરે પુસ્તકો સન ૧૮૭૩ થી ૧૮૭૭ સુધીમાં લખાયાં છે.  પ્રાર્થના–સ્તુતી વગેરે:— ‘કાવ્ય રચના,’ ‘મંડળીના ભજનની રીત,’ ‘કાવ્યાર્પણ’ અને ‘પદમાળા’ એ પ્રાર્થના સારૂ લખાયલાં પુસ્તકો છે.

વાર્ત્તાઓ:— નીતિ અને ખ્રિસ્તી ધર્મબોધ થાય એવી નાની વાર્ત્તાઓ ઘણી પ્રગટ થઈ છે. ‘એક પાઇની શી ચિંતા છે,’ ‘એક ડોશીને બ્રાહ્મણ’ની વાત, 'પાનસોપારી' વગેરે નાની અને થોડી કિંમતની ઘણી ચોપડીઓ આ કોટીમાં આવી જાય છે. બધામાં નીતી સાથે ખ્રિસ્તી ધર્મ જ્ઞાન આપવાનો પ્રયત્ન જણાય છે.

આ બધાં પુસ્તકો ખ્રિસ્તી ધર્મગુરૂઓએ અને કેટલાંક ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરેલા એતદ્દેશીય જનોએ લખેલાં છે. ખ્રિસ્તી ધર્મના આગ્રહની વાત કોરાણે રહેવા દઈએ તોપણ આ પુસ્તકમાંથી સદ્‌બોધ અને નીતિજ્ઞાન મળે એમ છે.

(૪) મુસલમાની ધર્મ:—

'સહીફાત અલ કામિલત' નામે અરબ્બી પ્રાર્થનાઓનું ગુજરાતી ભાષાન્તર મુલ્લાં અબ્દઅલ કાદીરે કર્યું છે. મી. અલારખીઆ નામના ખોજા ગૃહસ્થે સર એડવિન આર્નોલ્ડના પર્લ્સ ઓફ ફેઈથ નામના ગ્રંથનો 'ઇમામનાં મોતી' નામે સુંદર અનુવાદ કર્યો છે.

(૫) પારસી ધર્મ:—

'અર્વા વિરાફનામું ', 'આશીર્વાદ', 'બુંદેહેશ,' 'દશાતીર', 'જામાસ્પી', જેહશેડન', 'ખુર્દેહ અવસ્તા', 'વંદીદાદ', 'ઝોરોસ્તી મહજબ' વગેરે ઘણાં પુસ્તકો આ ધર્મના જૂદા જૂદા વિષયનાં બહાર પડ્યાં છે.

કેટલાંક વર્ષ ઉપર ગાથાઓના રોજની ગણત્રી સંબંધે તકરાર જન્મ પામી હતી, અને તેને લીધે કેટલું સાહિત્ય ઉદ્‌ભવ પામ્યું હતું. ઝરથોસ્તી ધર્મની વાયજો અને ધર્મ વિષયનાં ભાષણો પણ પ્રસિદ્ધ થયાં છે.