સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૮

વિકિસ્રોતમાંથી
←  પ્રકરણ ૭. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૮.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૯. →




પ્રકરણ ૭.

ભાષા અને વિજ્ઞાન
अ ભાષા

(૧) કોષ:—

દરેક ભાષામાં વ્યાકરણ અને કોષની ખરેખરી અગત્ય છે. જ્યાં સુધી કોઇ ભાષામાં તે ભાષાનું વ્યાકરણ હોય નહિ ત્યાં સુધી તે ભાષા થાળે પડેલી લેખાય જ નહિ. તેમજ જ્યાં સુધી કોઈ ભાષામાં કોષ લખાયો હોય નહિ. ત્યાં સુધી તેની શબ્દ સ્મૃદ્ધિનો ખ્યાલ ધરાધરી આવે નહિ. સ્વ. ફોર્બ્સના મત પ્રમાણે આપણી ભાષા આ સાઠીના આરંભકાળે બજારૂ ભાષા જેવી હતી. બેશક મી. ફોર્બ્સે પ્રાચીન કવિયો વગેરેના સાહિત્યની વાત કોરાણે રાખીને તે કાળની જ વસ્તુસ્થિતિનો વિચાર કરી અભિપ્રાય જાહેર કર્યો છે. આવી અવસ્થામાં ભાષા હતી તેમાં વ્યાકરણ અને કોષ વગેરેની આશા જ ક્યાંથી રખાય ? ઇંગ્રેજી રાજ્યની ઉદારતાએ જનસમાજની કેળવણીના રોપેલા પાયાને પ્રતાપે દેશમાં જેમ બીજી બાબતોમાં તેમ ભાષા પ્રકરણમાં પણ એક તરેહનું ચાંચલ્ય આવ્યું હતું. ગુજરાતી ભાષામાં કોષ લખવાનો વિચાર પ્રથમ સુરત નિવાસી સ્વ. માસ્તર દલપતરામ ભગુભાઇ ને થયો હતો. એમણે એક કોષ તૈયાર કર્યો હતો. આ કોષ સર જમસેંદજી છજીભાઈએ ખરીદી લીધો હતો. એમણે મીરઝા અહમદ કાજીમ અને નવરોજજી ફરદુનજીને સ્વાધીન કર્યો હતો. આ ઉપરથી તેઓએ જે કોષ તૈયાર કર્યો તે તેમના નામથી જાણીતો છે. એ કોષમાં પંદર હજાર શબ્દો છે. તોપણ તે વિદ્વાનોને ખપ લાગે એવો થોડોજ છે. તેમજ આપણી હાઈસ્કુલનો કોઈ વિદ્યાર્થી ગુજરાતી વાંચનની ચોપડીમાંનો શબ્દ તેમાં શોધવા જાય તો તે કેવળ નિરાશ થયા વગર રહે નહિ. ટુંકામાં એ કોષ ગ્રંથસ્થ શબ્દ આપતો નથી પણ માત્ર વ્યવહારમાં વપરાતા શબ્દો આપે છે; અને તે પણ બધા નહિ. એ કોષકારનું માન અમે કોઈ પણ રીતે  કમી કરવા માગતા નથી પણ અમારે કહેવું પડે છે કે એ કોષ થવાથી. વિદ્યા પ્રકરણમાં કોષની જે ખોટ હતી તે તેવીને તેવીજ રહી હતી.

ત્યાર પછી કરસનદાસ મૂળજી અને શાપુરજી એદલજીના નાના શાળોપયોગી કોષ રચાયા હતા. કરશનદાસના કોષની બીજી આવૃત્તિમાં સુધારો વધારો ઠીક થયો છે. તો પણ એ બન્ને કોષ શાળોપયોગી જ છે. ભાષાની ઘણી સ્મૃદ્ધિ ભોંયરામાં દટાયલી જ રહી હતી. વળી એ ત્રણે કોષ 'ગુજરાતી–ઇંગ્રેજી' હતા એટલે ગુજરાતી શબ્દના અર્થ ગુજરાતીમાં નહિ પણ અંગ્રેજીમાં સમજાવવામાં આવ્યા હતા.

ઈ. સ. ૧૮૭૦ માં કવિ નર્મદે રામાયણ, મહાભારત અને ભાગવતમાં આવેલાં નામો સંબંધી 'નર્મ કથાકોષ' બહાર પાડ્યો હતો. સાડા ત્રણસેં પાનાનો આ ગ્રંથ કવિયે પોતાની રસભરી વાણીમાં લખ્યો છે; અને ભાષામાં એ જાતનું એ એક જ પુસ્તક છે. પહેલાના વારામાં કથા, પૂરાણ, પારાયણ વગેરે સાંભળવાના પ્રચારને લીધે આ બાબતની ઘણી માહિતી અનાયાસે પ્રાપ્ત થતી. પરંતુ હાલની ઉછરતી પ્રજા—લોકોની રહેણીકરણીમાં તેમ જ કેળવણીની પદ્ધતિમાં ફેરફાર થવાથી—આપણા જૂના ગ્રંથો, દેવદેવો, રૂષિ–મુનિયો અને પૌરાણિક આખ્યાયિકાઓ સંબંધી સામાન્ય રીતે કશું જ્ઞાન ધરાવતી નથી. એ ધાટીનાં પુસ્તકોની જરૂર છે. આવા સમયમાં તો ખાસ જરૂર છે. નર્મદનો આ પ્રથમ પ્રયત્ન હતો. એ કાળ પણ જૂદો હતો. હાલના સમયને અનુકુળ અને વિસ્તારવાળા એવા કોષની જરૂરીઆતની કઈ થી પણ ના કહેવાશે નહિ.

ગુજરાતી શબ્દના ગુજરાતીમાં પર્યાય આપતા અતિ ઉપયોગી કોષનો વિચાર અને એ કામ કરવાની પહેલ તો સ્વ. કવિ નર્મદને માટે જ નિર્માણ થઈ હતી. છેક ઈ. સ. ૧૮૬૧ માં એમણે પોતાના ધારેલા કોષનો પ્રથમ ભાગ પહેલો બહાર પાડ્યો. આ કોષ છૂટક છૂટક ભાગમાં બહાર પાડવાનો કવિનો વિચાર હતો. આ પ્રમાણે ચાર ભાગ બહાર પાડીને એ કામ અટક્યું. ઇંગ્લંડ વગેરે દેશમાં કેટલાંક પુસ્તક પ્રગટ થાય તે પહેલાં ખપી જાય છે, અને પ્રગટ થયા પછી બીજા અઠવાડીયામાં તો બીજી આવૃત્તિ કાઢવી પડે છે! વર્તમાનપત્રો વગેરેની કરોડો નક્કલો રોજ નીકળે છે અને ખપી જાય છે. આપણે અહિં તો નવી ચોપડી વાંચવાની ઉત્કંઠા જ ઓછી અને તે પણ વેચાતી લઈને વાંચવાની તો વાત જ કયાંથી ! પુસ્તકશાળાઓમાં એક વર્તમાનપત્ર વાંચવા ઘણાંએ માણસો ટમટમી રહ્યાં હોય છે ! બીજો વાંચી રહે ત્યાં સુધી પહોળા મોંયે બેસી રહે છે. તેમ જ નવી ચોપડી વાંચવા લેવાની મારામાર થાય, પણ કોઈ ગાંઠેથી ખર્ચ કરીને વેચાતી લે નહિ. હજુ પણ આવી સ્થિતિ છે. સાહિત્યની સેવા બજાવીને, પુસ્તકો લખીને કોઈ પોતાનો વ્યવહાર ચલાવવા ધારે તો હાલ પણ તેમ કરી શકે નહિ તો તે કાળની વાત તો થાય જ કયાંથી ? આવું મહાભારત કામ એ વિદ્વાને એકલા પોતાને માથે લેવાની મહાભારત હિમ્મત ચલાવી પણ આસપાસથી કાંઈ આશ્રય મળ્યો હોય અથવા શ્રમની કોઈ એ કદર કરી હોય એમ જણાતું નથી; અને અમે એમ ધારીએ છીએ કે એ કામ અટકી પડ્યું તેનું એક કારણ પણ એ જ હશે*[૧] તો પણ એ ખંતી વિદ્વાને પોતાનો ઉદ્યોગ છોડી દીધો નહિ, અને સઘળી મુશ્કેલીઓને પાર કરી પોતાના દેશને એક મોટો કોષ અર્પણ કીધો છે.

આવું અપૂર્વ સાહસ કઈ રાજની કે ધનાઢય ગૃહસ્થની મદદથી બહાર પડીને તેનું નામ કોષની સાથે જોડાયું હોય એમ બન્યું નથી. પરંતુ એ કે ગુજરાત પ્રાન્તને જ અર્પણ થયો છે ! અને 'જય જય ગરવી ગુજરાત’ એ પ્રજાને જાણીતી અને વ્હાલી કવિતાની લીંટી એ કોષના અર્પણ પત્ર ઉપર જળહળી રહી છે. ખરેખાત જ્યાંના વિદ્વાન પોતે પૈસાની સંકડામણમાં છતાં પણ–આવા સમર્થ ગ્રંથ જાતે પ્રસિદ્ધ કરવાની હિમ્મત આશ્રય વિના ચલાવે છે તે ગુજરાતનો ખરેખર જય જય જ છે. આ કોષ કવિના બારબાર વર્ષના પરિશ્રમનું, ઘણા બુદ્ધિ બળનું તથા અનુભવનું ફળ છે. આ કોષ સંપૂર્ણ નથી. અને એના જેવો ગ્રંથ પ્રથમ પ્રયાસે સંપૂર્ણ થાય એ વાત જ અશકય છે; તો પણ જ્યારે મોટો મરાઠી કોષ રચાયો ત્યારે ઠામ ઠામ સરકાર તરફથી કેવી ખોળ ચાલી રહી હતી; પંડિતોની સભા શબ્દ પારખવાને અને તેના અર્થ નિર્માણ કરવાને કેવી બેશી રહી હતી; અને પ્રત્યેક શબ્દ કેટલા કેટલા હાથમાંથી ઘડાતો ઘડાતો આવી કોષકારની કલમમાંથી ઉતરતો હતો એ વાતનો જ્યારે વિચાર કરીએ, અને બીજા હાથ તરફ આ કોષકાર એકલે જ કોઈ વિદ્વાનની મદદ વિના કોઈ શ્રીમંતની હુંફ વિના અને જાતે શ્રીમંત ન છતાં આવા કામમાં મંડી રહ્યો અને સિદ્ધિને પામ્યો એ વાતનો જ્યારે વિચાર કરીએ ત્યારે એમ તો કહ્યા વિના નહિ ચાલે કે નર્મદાશંકરે ઘણો ઉદ્યોગ, વિદ્વતા અને સૂક્ષ્મ બુદ્ધિ આ ગ્રંથમાં દર્શાવી છે, અને આ ગ્રંથ રચી બધા ગુજરાતીઓને અત્યંત આભારી કીધા છે.*સમર્થ વિદ્વાન ડા. જોન્સને ઇગ્રેજી કોષ પ્રથમ લખી કેવી કીર્ત્તિ સંપાદન કરી હતી તે સઘળાંની જાણમાં છે. સ્વ. નર્મદનો પરિશ્રમ તેમ જ સંપાદન કરેલું ફળ–કોષ–કોઈ પણ રીતે ડા. જોન્સનના પરિશ્રમ અને ફળ કરતાં ઉતરતું નથી.

કવિનો કોષ થયા પછી બીજા એક બે કોષ નીકળ્યા છે પણ તેઓ કવિના ગ્રંથની સ્પર્ધા કરી શકે એવા નથી. એવા ગ્રંથોનું નમાલાપણું સહજ ઉપરચોટીઆ જોવાથી જ જણાઈ જશે.

મુંબાઈના એક રા. બાજીરાવ તાત્યારાવજી રણજીત એમણે સને ૧૮૭૧ માં સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ દર્શાવતો એક કોષ કાઢ્યો હતો.

ઈ. સ. ૧૮૭૯ સ્વ. છોટાલાલ સેવકરામે 'ગુજરાતી શબ્દ મૂળદર્શક કોષ' પ્રસિદ્ધ કરી પોતાના ઘણા વર્ષના શ્રમ અને ખંતનું પરિણામ પ્રજા સમક્ષ મૂક્યું હતું. એ ગ્રંથની તૈયારી ઘણાં વર્ષ પહોંચી હતી. 'બુક કમિટિ’ અને સમર્થ વિદ્વાન ડા. બ્યુલર તરફથી સૂચનાઓ મળી હતી અને તે પ્રમાણે વર્તવામાં પણ આવ્યું હતું. આ ગ્રંથમાં પહેલી હારમાં  સંસ્કૃત શબ્દો વર્ણાનુક્રમે આપી તેની સામાં તે શબ્દ ઉપરથી ઉત્પન્ન થયેલા ગુજરાતી શબ્દો આપ્યા છે. એ સંસ્કૃત શબ્દની વ્યુત્પત્તિ કોઈ ઠેકાણે સમજાવી છે અને કોઈ ઠેકાણે નથી એ સમજાવી. સંસ્કૃત શબ્દના અર્થ કોઈ જગાએ આપ્યા છે અને ઘણી જગાએ નથી એ આપ્યા. વ્યુત્પત્તિકારની કલ્પના કેટલે દરજ્જે ખરી છે તે સમજાય માટે જ્યાં જ્યાં સંસ્કૃત અને પ્રાકૃતના અર્થ જૂદા થતા હોય ત્યાં તો ખામુખા અર્થ આપવા જ જોઇએ. તેમ જ જે શબ્દો સંસ્કૃત વ્યાકરણના નિયમે બનાવી શકાય ખરા પણ તે ભાષામાં વપરાયલા જણાતા નહોઈ કેવળ સ્વકલ્પિત હોય ત્યાં એમ પણ ખુલ્લે જણાવવું જ જોઈએ કે વાંચનાર ઠગાય નહિ. સમગ્ર રીતે જોતાં આ કોષમાં કોઈ પણ શાસ્ત્રીય રચના નજર પડતી નથી. સંસ્કૃતનો પ્રચાર તે કાળે ઓછો હતો. તેમ જ એકલા સંસ્કૃત જ્ઞાનથી જ વ્યુત્પત્તિ નક્કી થઇ શકતી નથી. પ્રાકૃતનો અભ્યાસ તો તે કાળે હતો જ નહિ. આ ગ્રંથ ઉપરથી એટલું જ માત્ર જણાય છે કે તે કાળે પણ વ્યુત્પત્તિ જાણવાની ઉત્કંઠા હતી. એ ઉત્કંઠા એટલી તો તીવ્ર હતી કે જ્યાં ખરી વ્યુત્પત્તિ સમજાઈ ત્યાં તે અને ન સમજાઈ ત્યાં સ્વકલ્પિત ઉપજાવી પણ કાઢી છે ! खातवत्स ઉપરથી ખાબોચીઉં, ताम्रकूट ઉપરથી તંબાકુ, अफेनઉપરથી અફીણ, लड्डु ઉપરથી લૂંડો વગેરે વ્યુત્પત્તિ જોઇને વાંચનારને હસવું આવ્યા વગર રહેતું નથી ! આ ગ્રંથ જોઇને અમને કાઠીઆવાડનો એક સ્હેજ ટળીએલ મ્હેતાજી સાંભરી આવે છે. વ્યુત્પત્તિ શાસ્ત્રનું એનું જ્ઞાન એવું અગાધ હતું કે ગમે તે શબ્દની વ્યુત્પત્તિ એને ન આવડે એમ બને નહિ ! વાંચનારના વિનોદની ખાતર એની કહેલી 'ટપાલ' શબ્દની વ્યુત્પત્તિ અમે કહીશું. ટપ એટલે ઉતાવળથી અને આલ આપવું. ઉતાવળથી–તાકીદે કાગળ આપે તે ટપાલ !!

ઈ. સ. ૧૮૮૦ માં રા. પ્રભાકર રામચંદ્ર શાસ્ત્રી તરફથી 'અપભ્રષ્ટ શબ્દ પ્રકાશ' નામનો કોષ બહાર પડ્યો હતો. તેમનો આ પ્રયાસ સ્તુત્ય હતો. પણ પુસ્તકમાં કેટલીક જગાએ કલ્પનાનાં ઘોડા દોડાવ્યાં છે; છતાં આ પુસ્તકથી ભાષામાં એક ઉપયોગી ઉમેરો થયો છે.  નર્મકોષમાં ન આવી ગએલા શબ્દોનો એક નાનો કોષ સન ૧૮૮૮ માં નીકળ્યો હતો. આ ગ્રંથ વાંચનમાળાના અર્થની ચોપડીઓ નીકળે છે તેનાથી સહજ જ ઉંચી પ્રતિનો છે.

અમદાવાદની સ્મોલકોઝ કોર્ટના વાનપ્રસ્થ જજ્જ, શ્રીમદ્વલ્લભાચાર્યનું જીવન ચરિત્ર અને પુષ્ટિમાર્ગનાં ઘણાં પુસ્તકો લખનાર જાણીતા વિદાન લલ્લુભાઇ પ્રાણવલ્લભ તરફથી સન ૧૮૯૧ માં ગુજરાતી ભાષામાં એક ઘણા ઉપયોગી પુસ્તકનો ઉમેરો થયો હતો. આ ગ્રંથ એમનો શબ્દાર્થ ભેદ છે. ઘણી ખંત અને પ્રયાસથી લખાયલો આ ગ્રંથ પ્રથમ પ્રયત્ન હોવા છતાં ઉપયોગી નીવડ્યો છે. એમના ગ્રંથને નીકળ્યે લગભગ વીશ વર્ષ થવા આવ્યાં છે છતાં ગુજરાતી ભાષામાં એ જાતનો બીજો ગ્રંથ જ થયો નથી એ શોચનીય છે. અમે ઈચ્છીએ છઈએ કે એ વિદ્વાન પોતાના વાનપ્રસ્થાશ્રમનાં થોડાં વર્ષ ગુજરાતી ભાષાને અર્પણ કરી પોતાની શક્તિનો લાભ પોતાના આ ગ્રંથની, ઘણા ઈપ્સિત સુધારા વધારા સાથેની બીજી આવૃત્તિ કાઢીને આપશે.* [૨]

'મમ્યા સગા અર્થાવળિ' નામનો બ્રહ્મદેશની ભાષાનો તેમજ જાપાની ભાષાનો એવા બે નાના નાના કોષ નવા થયા છે.

'ગુજરાતી શબ્દાર્થ સિંધુ' , કડીપ્રાન્તમાં વપરાતા ખાસ શબ્દો વાળો 'પ્રાંત્તિક શબ્દ સંગ્રહ' અને 'રૂઢી પ્રયોગ કોષ' વગેરે નવા લખાયા છે. આમાંનો 'રૂઢી પ્રયોગ કોષ' મહેનત અને સંભાળથી લખાયલો પ્રયત્ન છે.

કવિ નર્મદે પોતાના કથાકોષને અંતે આપેલા વધારાને અનુસરીને મી. રતનજી ફરામજી શેઠનાએ મુંબઈમાં 'સંજ્ઞાદર્શક કોષ' નામનો ઉપયોગી નાનો કોષ પ્રગટ કર્યો છે. મરાઠીમાં આવો સંજ્ઞાદર્શક કોષ છે તેમજ કવિ દયારામે 'વસ્તુવ્રંદ દિપિકા' નામે આવો ગ્રંથ વ્રજભાષામાં કવિતામાં કર્યો છે. એજ વિદ્વાન મી.શેઠનાએ 'જ્ઞાનચક્ર' નામના ગ્રંથ લખી ભાષામાં ઘણો અભિનંદન આપવા યોગ્ય વધારો કર્યો છે. એમની આ કૃતિને–પારસી  ગુજરાતી ભાષા છતાં પણ–ખરેખાત આવકાર ઘટે છે. આવા ગ્રંથ લખવામાં ઘણી ઘણી બાબતોના અભ્યાસ, ઘણી રંજ, ઘણો કાળ અને ઘણી ખંતનો ખપ પડે છે અને એવી રીતે લખેલા ગ્રંથો–બેશક સર્વ રીતે સંપૂર્ણ ન હોય તોપણ–સર્વદા સત્કાર યોગ્ય જ છે.

ઇંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય આપનારા કોષની સંખ્યા નવ દશની થવા જાય છે. સ્વ. ઝવેરીલાલ યાજ્ઞિકે આ કોષ લખવાની પહેલ કરી હતી; અને ઘણા કાળ સુધી તેમના ગ્રંથે ચક્બે રાજ્ય કર્યું હતું. મી. રાણીનાનો એ પ્રકારનો ગ્રંથ ઉત્તમ રીતે લખાયો છે. ઘણા સુધારા વધારા સાથે એની બીજી આવૃત્તિ થઈ છે. મેસર્સ મોંટગમરી, મણિધરપ્રસાદ અને અંબાલાલનો આ પ્રકારનો કોષ ઘણા શ્રમ અને કાળજીનું પરિણામ છે. આ ગ્રંથના બે લખનારાનો સ્વર્ગવાસ થયો છે અને ત્રીજા લખનાર દિ. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈ એમણે એકલાએ એની બીજી આવૃત્તિ પ્રગટ કરી છે. ગુજરાતી પર્યાય આપતાં આ ગ્રંથમાં નવા શબ્દો ઘડી ઘડીને મુક્યા છે એવો પ્રથમ આવૃત્તિ ઉપરનો કેટલેક અંશે યોગ્ય આક્ષેપ ધોઈ નાંખવાનો આ આવૃત્તિમાં સ્તુત્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ વિષયનો હુંડો તપાસતાં ગુજરાતી ભાષામાં સંપૂર્ણ અને સમર્થ કોષની ખોટ હજુ પૂરાઇ જણાતી નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી આ કામને માટે ઘણા વર્ષથી શબ્દ સંગ્રહ કરે છે અને દર વર્ષે અમુક રકમ ખર્ચે છે;: તેની સ્તુત્ય મહેનત અને ખર્ચના બદલામાં ભાષાની સાહિત્ય સ્મૃદ્ધિમાં એક સારા સમર્થ અને લગભગ સંપૂર્ણ કોષનો ઉમેરો થશે એવી આશા છે.

(૨) પિંગળ–અલંકાર–વગેરે:— આ સાઠીની પૂર્વે અને શરૂવાતમાં વૃજભાષાનો પ્રચાર હતો તે વિશે અમે આગળ સહજ બોલી ગયા છઈએ. જૂની કવિતાનું સાહિત્ય આવું બહોળું છતાં આપણી ભાષામાં પિંગળશાસ્ત્ર સંબંધી એક પણ ગ્રંથ ન હતો. ભક્ત કવિ બહુધા જૂની પ્રચલિત દેશીઓ અને રાગમાં જ કવિતા લખતા. પ્રેમાનંદ અને એના શિષ્યો, શામળ અને બીજા જૂજ કવિયોએ વૃત્ત અગર છંદમાં કવિતા લખી છે. કેટલાક  તો અમુક છંદની ચાલ એટલું જ લખીને સંતોષ પામ્યા છે. આમ હોવાથી આ સાઠીમાં ગુજરાતી કવિતા છંદ અને વૃતમાં લખનારને પિંગળનું જ્ઞાન થવાને કશું સાધન હતું નહિ. સંસ્કૃતનું જ્ઞાન હોય અગર વૃજભાષામાં ચંચુ પ્રવેશ હોય તેને તો તે ભાષાઓમાંથી મદદ મળતી. પરંતુ એકલી ગુજરાતી જ જાણનારને કેવી વિટંબણા પડતી તે કવિ નર્મદની અડચણો જાણીને આપણે સમજી શકીએ છઈએ. સુરતના એક જદુરામે કવિને પ્રથમ ‘દોહરા’નું માપ શિખવ્યું હતું. આ જદુરામ છાપખાનામાં નોકર હતા; સ્વભાવે આનંદી અને વ્રજભાષાના અભ્યાસી હતા. પાછલા વખતમાં આંખે અંધ થયા હતા. અને ઘણીવાર હસતાં હસતાં કહેતા કે 'હું કવિનો ગુરૂ' છઉં, દોહરો કરતાં તો મેં શિખવ્યું હતું.' પિંગળનો અભ્યાસ કરવાને કવિને કેવાં કેવાં ફાંફાં મારવાં પડ્યાં હતાં તે કવિયે પોતે જ કોઈ જગાએ કહ્યું છે. પોતાને પડેલી અડચણ અને અગવડ ઉપરથી કવિને ગુજરાતિમાં પિંગળ લખવાનો વિચાર થયો. કવીશ્વર દલપતરામ તે અરસામાં પોતાનું પિંગળ બુદ્ધિપ્રકાશમાં છૂટક છૂટક છાપતા હતા. કવિયે પોતે ‘પિંગળપ્રવેશ’, ‘રસપ્રવેશ’ અને ‘નાયકાપ્રવેશ’ નામે નાના નાના ગ્રંથો લખ્યા છે. શરૂવાતમાં લખાયલા ગ્રંથો હોવાથી તેમને સંભારવા ઘટે છે. બાકી કવિની કીર્ત્તિ આ પુસ્તકો વડે નથી થઈ. રાજકોટના રહીશ કવિ હીરાચંદ કાનજીએ કવિના 'પ્રવેશો' ઉપર x[૩]હુમલો કર્યો હતો. કવિ હીરાચંદ વૃજભાષાનો અભ્યાસી હતો અને એણે ‘પિંગળાદર્શ’ નામનું પિંગળનું મોટું પુસ્તક લખ્યું હતું, ‘સુંદર શૃંગાર’ નામનો વૃજભાષાનો ગ્રંથ છપાવ્યો હતો, અને 'હીરાશૃંગાર' નામનો ગ્રંથ વૃજભાષામાં લખ્યો હતો. વૃજભાષામાં હોવાથી પાછલા ગ્રંથ ને માટે અત્રે બોલવાનું પ્રાપ્ત થતું નથી. હીરાચંદ દલપતરામને અને નર્મદને વગોવતા અને 'દલો’ અને ‘નરમો' કહીને જ વાત કરતા. એણે ‘મિથ્યાભિમાનમતખંડન ગ્રંથ’ એવા મોટા નામનું નાનું છપાનીયું છપાવી તેમાં વિવેક તજીને પેટભરીને ઉભરા કાઢ્યા છે ! કવીશ્વર દલપતરામનું પિંગળ તેમની સાદી પ્રાસાદિક વાણીમાં લખાયું છે. ટુંકાણમાં છંદોનાં લક્ષણ–ઉદાહરણ અને છેવટે પ્રસ્તારાદિ ગણિત વિષય આપેલા છે. દરેક છંદના ઉદાહરણમાં યુક્તિથી તે છંદનું નામ આણ્યું છે. શાળોપયોગી ગ્રંથ હોઈ તે ઘણું વંચાયું છે. અને તેની ઘણી આવૃત્તિયો થઈ છે. આપણી ભાષામાં પિંગળનો સારામાંસારો ગ્રંથ એ જ છે. પાછલી એકાદ આવૃત્તિ રા. કેશવલાલ ધ્રુવે સુધારી હતી એવું અમને સ્મરણ છે.

ભાનુદત્તની સંસ્કૃત ‘રસમંજરી’ અને મતિરામના વૃજભાષામાં લખાયલા ‘રસરાજ’ નામના ગ્રંથોને આધારે રા. વાલજી લક્ષ્મીરામ દવેનો ‘રસમંજરી’ નામે ગ્રંથ સન ૧૮૭૭ માં બહાર પડ્યો હતો. અમદાવાદના રહીશ અને પાલીટાણામાં કવિપદે પોશાયલા નાગર કવિ હર્ષદરાય મુનશીએ વૃજકવિ કેશવદાસની ‘રસિક પ્રિયા’ ઉપર ગુજરાતીમાં સારી ટીકા લખી મૂળ સાથે છપાવી હતી. સન ૧૮૭૮ માં સુરતના કવિ દલપતરામ દુર્લભરામે ‘ભાષાભૂષણ’ નામે પુસ્તક લખ્યું હતું. અપ્પયદિક્ષિતના 'કુલવયાનંદ કૃષ્ણ કારિકા’ નામે ગ્રંથનું ભાષાન્તર થયું છે.

ગુજરાતી ભાષામાં પ્રચલિત દેશીઓ, ગરબીઓ, પદ, ઢાળ વગેરેને લગતું પિંગળ લખવાની સ્વ. નવલરામની પ્રબળ ઈચ્છા હતી. સન ૧૮૭૫-૭૬ માં એમણે બાળલગ્ન બત્રીસી લખી ત્યારથી તો વિશેષે એ પુસ્તકને માટે સામગ્રી એકઠી કરવા માંડી હતી. પોતે એકઠા કરેલા નમુના ઉપરથી ટાંચણ ધરાધરી કરી મુકયું હતું. ચોચોક્કા, છછક્કા એવી સંજ્ઞાઓ પણ મુકરર કરીને એનું સ્મરણ રહેવાને ઉદ્દેશે ‘નવલ ગરબાવળી’ ની ગરબીઓને મથાળે દાખલ ધરાધરી કરી હતી. દુર્ભાગ્યે એમના શોકજનક મૃત્યુને લીધે આ ગ્રંથ લખાયો નહિ, અને ભાષામાં એક વિરલ સુંદર ગ્રંથનો ઉમેરો થતાં થતાં રહી ગયો.

રા. રણછોડભાઇ ઉદયરામે પિંગળનો ‘રણપિંગળ’ નામે ઘણા વિસ્તારવાળો ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં ઉમેર્યો છે. એમના દશ વર્ષના  પ્રયાસના ફળ તરીકે આ ગ્રંથનાં મોટાં મોટાં પુસ્તકો બહાર પડ્યાં છે. એ પુસ્તકની એકસો અને વીશ પાનાની અનુક્રમણિકા જ અમારા વાંચનારને એના વિસ્તારને ખ્યાલ આપશે.

અદ્‌ભૂત ચાતુર્યની અને અગાધ શ્રમની સાક્ષી આપનારાં દલપત પિંગળ અને રણપિંગળ વિષે કહી ગયા, તે બંને છંદશાસ્ત્રમાં જૂના વિચારની કોટિના ગ્રંથો છે. પરંતુ જે સાઠીનો હેવાલ આપવા અમે પ્રવૃત થયા છીએ તે નવા વિચારની–નવા સ્વતંત્ર વિચારની સાઠી છે, સાહિત્યમાં અને સંસારમાં એની વધતી ઓછી પ્રવૃત્તિ સર્વ દિશામાં જોવામાં આવે છે, અને તેની તે તે સ્થળે અમે નોંધ પણ લેતા આવ્યા છિયે. એ નવા વિચારનો પ્રકાશ સાઠીના અંત ભાગમાં બુદ્ધિપ્રકાશમાં છપાયલા "પદ્યરચનાના પ્રકાર" માં પહેલવહેલો દ્રષ્ટિ ખેંચે છે. આ ન્હાનો નિબંધ રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવની કલમથી લખાયલો છે. જૂના પ્રસ્થાનમાં છંદના બે જ વર્ગ પાડવામાં આવે છે, અક્ષરમેળ ને માત્રામેળ. તેને ઠેકાણે રા. કેશવલાલ ત્રણ વર્ગ પાડે છે, અક્ષરબંધ, રૂપબંધ અને માત્રાબંધ, પહેલા વર્ગના બે ભેદ એઓ ગણાવે છે:–સંધિ રહિત અને સંધિયુક્ત. આ ભેદ પૈકી સંધિરહિત ચરણના છંદ માત્ર વેદમાં વપરાયલા છે. વર્ત્તમાનકાળમાં આ છંદોનો ઝાઝો વપરાટ છે નહિ તેથી અમે તેને મૂકી દેઈશૂં. બીજા ભેદમાં કવિત પ્રકરણ આવે છે. તેમાં દરેક ચરણના આપો આપ સાત આઠ વિભાગ પડતા જણાય છે. એ વિભાગને રા. કેશવલાલ સંધિ નામ આપે છે. કવિતનો સંધિ ચાર અક્ષરનો બનેલો જોવામાં આવે છે. એના બધા સંધિ સરખા માપના છે. તેથી કવિત પ્રકરણ આવૃત્ત સંધિથી રચાયેલૂં છે એમ નિબંધકાર જણાવે છે. બીજો વર્ગ જે રૂપબંધ, તેનૂં બંધારણ લઘુ ગુરૂ રૂપને આધારે છે. નિબંધકાર આ વર્ગના છંદને બે ભાગમાં વહેંચી દે છે. અખંડ ને સખંડ, જે છંદના ચરણમાં યતિ એટલે વિરામ કોઈ સ્થળે હોય નહિ તે અખંડ. આ ભાગમાં અગિયારથી માંડી સત્તર રૂપ સૂધીના છંદો પ્રસિદ્ધ છે:–(૧૧) ઈંદ્રવજ્રા, ઉપેંદ્રવજ્રા, સ્વાગતા, રથોદ્ધતા, (૧૨) ઇંદ્રવંશા, વંશસ્થ, દ્રુતવિલંબિત, પ્રમિતાક્ષરા, (૧૩) મંજુભાષિણી, પ્રભા, પ્રભાવતી, રૂચિરા, કલહંસ, (૧૪) વસંતતિલકા, મંજરી, પ્રમદા, (૧૫) રમણીયક (૧૬) વાણિની અને (૧૭) પૃથ્વી. જે છંદમાં યતિને લીધે ચરણના બે કે વધારે ખંડ એટલે નોંખા કડકા પડી જાય તે સખંડ. આ ભાગમાં અગિયારથી એકવીસ રૂ૫ સુધીના છંદો વિખ્યાત છે. (૧૧) શાલિની (૧૨) જલોદ્ધતગતિ, વૈશ્વદેવી, (૧૩) મહર્ષણી, ક્ષમા, (૧૪) મધ્યક્ષામા, (૧૫) માલિની, (૧૭) મંદાક્રાંતા, શિખરિણી, હરિણી, (૧૯) શાર્દૂલવિક્રીડિત, (૨૦) સુવદના ને (૨૧) સ્ત્રગ્ધરા. અખંડ અને સખંડ રૂપના અનેક સંધિ પાડી શકાય છે. એમાં કોઈ પણ છંદ એકના એક સંધિના આવર્તનથી બનેલો નથી, એ કારણને લીધે રૂપબંધ વર્ગ કેવળ અનાવૃત્ત સંધિનો છે. એ એની વિશિષ્ટતા છે. ત્રીજો વર્ગ જે માત્રાબંધ તે બીજા બે વર્ગની અપેક્ષા જેવો અર્વાચીન છે તેવો જ વિસ્તારશાળી છે. અક્ષરબંધ જેમ અક્ષરની તેમ માત્રાબંધ માત્રાની ગણત્રી ઉપર આધાર રાખે છે. માત્રાના એક્કલ, દુકલ, ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ, છકલ ને સપ્તકલ એમ સાત પિંડ છે. છેલ્લા પાંચ પિંડ પહેલા બે પિંડની જ નીપજ છે. આ બે પિંડને અને દા બીજની સંજ્ઞાથી નિબંધકાર ઓળખાવે છે. એ બે બીજની છેલ્લા પાંચ માત્રા પિંડમાં ભિન્ન ભિન્ન ગોઠવણથી અને તે ગોઠવણમાં જોરના પલટાથી અનેક માત્રાસંધિ થાય છે. એ માત્રાસંધિના આવર્તનથી બનેલા છંદ તે કેવળ માત્રા છંદ. માત્રાના આવર્ત્તનમાં દુકલ તરીકે બે લઘુ ને એક ગુરૂ રૂપના સર્વદેશી કે એકદેશી પ્રયોગથી થયેલા છંદ તે ચિત્ર માત્રા છંદ. દાખલા તરીકે સવૈયો એ દા દા સંધિના આવર્ત્તનથી થયેલો કેવળબંધ અને ઇંદ્રવિજય તે ચિત્રબંધ. ઉક્ત માત્રા પિંડના વિવિધ સંધિવડે થનારા કેવળ અને ચિત્ર છંદનૂં પત્રક નીચે આપીયે છિયે.


પિંડ સંધિ વિશેષ છંદ
ત્રિકલ. |
દાલ
કેવળ. મહીદીપ-હીર
ચિત્ર. સમાનિકા-સોનિકા-ચામર.
|
લદા
કેવળ. 0
ચિત્ર. પ્રમાણિકા-નારાચ

ચતુષ્કલ. |
દાદા
કેવળ. આભીર-તુરગ-હાલક-ચોપાઈ

ચોપાયા–રચિરા–સવૈયા.

ચિત્ર. શેષા–માણવક-ત્વરિત ગતિ-તરલ

વિદ્યુમ્નાલા–પંદરમોદક, કિરીટવિશેષ
મદિરા-ચિત્રપદા-દોધક–
ઇંદ્રવિજય-કુસુમ વિચિત્રા-તામરસ–
મત્તમયુર-માળા-સારંગી
શંભુ–હંસી.

|
દાદા
કેવળ. 0
ચિત્ર. તોટક-તિલકા-નલિનીન્દુ

મિલા-તારક–અરવિંદ
મુખી-કિશોર

|
લદાલ
કેવળ. 0
ચિત્ર. મોતીદામ-કળાકુશળ-સુમુખી,.

સુખદા.

પંચકલ. |
લદાદા
કેવળ.
ચિત્ર. સોમરાજી, ભુજંગી, ચંદ્રક્રીડા

દેવ, શૈલ, વર્ણ વાગીશ્વરી,.

|
દાલદા
કેવળ. જળતરણ,ગુલણા છંદના મોટોભાગ
ચિત્ર. મહાલક્ષ્મી-સ્ત્રગ્વિણી-પડઘમી-નિશિપાળ
-વૈકુંઠધામા, શારદા.
|
દાદાલ
કેવળ.
ચિત્ર. સારંગ–આભાર-હારી-કેતુમાળ
ગ્રાહી, સ્વર્ગામી.
|
દાદાલ
કેવળ. દીપક
ચિત્ર.


છકલ

|
દાદા
કેવળ °
ચિત્ર નારી–સ્મુહી–માણવકાક્રીડ
સપ્તકલ. ||
દાદાલદા
કેવળ હરિગીત.
ચિત્ર સંગતિકા–ગીતક.
||
દાલદાદા
કેવળ રૂપમાલ
ચિત્ર °
||
દાદાદાલ
કેવળ ઉદ્ધોર.
ચિત્ર °

ઉપરના પત્રકમાં ગણાવેલા છંદોના ચરણમાં કોઈએ ઠેકાણે યતિનથી, અર્થાત્ બંધ અખંડ છે. ગાથા, દોહા, સોરઠી, ઉડિયાળા, પ્લવંગમ, રોલા, મરહઠ્ઠા, લીલાવતી, પદ્માવતી, ત્રિભંગી અને મદનગ્રહા છંદ સખંડ માત્રાબંધના દૃષ્ટાંત છે.

અતિ પ્રાચીન અક્ષરબંધ અને પ્રાચીન રૂપબંધ भारत रामायणના રૂપગર્ભ અક્ષરબંધથી સંધાય છે અને પ્રાચીન રૂપબંધ અને અર્વાચીન માત્રાબંધ માત્રાગર્ભ રૂપબંધનથી સંકળાય છે. આ જોડી દેનાર આંકડો તે. વૈતાલીય છંદ છે, જેની અપરવકત્ર, પુષ્પિતાગ્રા, સુંદરી અને માલ્યભારા. ચિત્રાત્મક વિકૃતિઓ જ છે.

આ ટુંકા નિબંધમાં સંવાદ, યતિ, પ્રકૃતિવિકૃતિ, સંવાદનું બદલાવું છંદની સંસૃષ્ટિ, કુંડળી, ચમક, પ્રાસ, પ્લુતનો ઉપયોગ, વગેરે અનેક ઉપયોગી બાબતો વિશે સ્વતંત્રજ લખાણ છે. વળી તેમાં પિંગળ હિંગળના ઘોળ બ્હારના પ્રયત્નબંધ વિશે અને એ ઘોળમાં ઘુસી ગયેલા પદ્યગણિત વિશે. પણ મુદ્દાની ચર્ચા છે. ઉપરાંત અક્ષરબંધના સંબંધમાં બે એક કીમતી. સૂચનાઓ છે. આ અને બીજી બહુ બહુ બાબતોની નોંધ અહીં લેવી અશક્ય છે. જીજ્ઞાસુએ મૂળ નિબંધ વિચારી જવો એવી વિનતિ માત્ર કરી વિરામીશું.

આ વિષય સમાપ્ત કરતાં આ સાઠીમાં ગૂજરાતી ભાષામાં બીજી ભાષાઓમાંથી નવા દાખલ થયેલા અગર નવા યોજાયલા જેવા દેખાતા કેટલાક છંદ, વૃત્ત, દેશી–લાવણી–ગઝલ વગેરેને માટે બે બોલ બોલવા અનુચિત નહિ ગણાય. ‘પદ્યરચના’ વિશે અમે ઉપર કહી ગયા છીયે એ રીતે જોતાં આ વૃત્ત, છંદ, વગેરે નવા નથી. પણ જૂના પ્રચલિત છંદ વૃત્ત વગેરેના બંધમાં ફેરફાર કરીને તેનો કોઈ ભાગ ઓછો કરીને અગર બેવડાવીને નવિનતા દેખાય એવું જ માત્ર બન્યું છે. કવિ નર્મદે પોતાનું વીરકાવ્ય લખવાને ‘નર્મવૃત્ત’ યોજ્યું હતું. સ્વ. ભોળાનાથે દક્ષણિયોનાં દિંડી અને અભંગ પોતાની પ્રાર્થનામાળામાં દાખલ કર્યા હતાં. દિંડી બહુ લોકપ્રિય વૃત્ત થઈ પડ્યું છે. દિંડીને આ લખનારે કાઠીઆવાડમાં પ્રથમ દાખલ કરી હતી. કાળીદાસના મેઘદૂતનું ભાષાન્તર કરવાને સ્વ. નવલરામે ‘મેઘ છંદ’ની યોજના કરી હતી. એમણે એ આખું કાવ્ય એ છંદમાં જ લખ્યું છે. આ છંદમાં ‘તારું ગોકુળ જોવાને આવરે મથુરાના વાશી’ એ ગરબીને માત્ર ઉલટાવી છે. આંતરાની કડીઓની પેઠે છેલ્લી બે લિંટીઓ ગાવાથી એ છંદ સારા લયમાં ગવાય છે. અંગ્રેજી પ્રાસ વગરની કવિતામાં લાંબાં વાક્ય લખાઈ શકાય છે તેમ એવું પ્રાસ સહિત વૃત્ત યોજવાની લાલસા આ લખનારને અને ડા. હ. હ.-ધ્રુવને થઈ હતી. એમની સૂચનાને અનુસરીને ‘મધુભૃત’ (તે વખતે, મધુભૃતા નામ રાખ્યું હતું) નામે માત્રામેળ છંદ બનાવી એમાં અમે મધુભૃત નામનું ખંડ કાવ્ય લખ્યું હતું. પ્રથમ અંતની છેલ્લી અર્ધી લિંટી ઉથલાવીને એ છંદ સાડા છ લિંટીનો બનાવ્યો હતો. સ્વ. ધ્રુવે આ છંદ થોડો વાપર્યો છે. એક સાખી અને ત્રણ પ્રાસાન્ત પદવાળી ગઝલ બનાવીને તેમાં અમે ‘બુલબુલ’ લખ્યું હતું. રા. નરસૈંરાવે આ ગઝલ પોતાની ‘હૃદયવીણા’માં વાપરી છે. કોઈ વ્રજવાસીને મોઢે સાંભળીને નવી તરેહની લાવણી લખી હતી જે સાક્ષર શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવ જેઓ એમના સહાધ્યાયી હતા તેમની પાસેથી સાંભળીને સ્વ. મણિલાલે પોતાના ઉત્તરરામચરિતના ભાષાન્તરમાં કેટલાક ફેરફાર સાથે દાખલ કરી છે. સ્વ. બાલાશંકર કેટલીક તરેહની ગઝલોને ગુજરાતણ બનાવી છે. પોતાના રણપિંગળમાં રા. રા. રણછોડભાઈએ ‘રણોદય’ ‘રણજાતિ’ અને ‘શ્રી ખેંગારવૃત્ત’ ની યોજના કરી છે. સ્વ. ભીમરાવે લાવણીને  સંસ્કારી કરી ‘લાવણ્યમયિ’ બનાવી છે. રા. રા. નરસૈંરાવ અને મી. ખબરદારે વૃત્તોના કડકા પાડીને–વિષમતા આણીને મનહર રચનાઓ રચી છે. તેમજ સ્વ. દલપતરામજીના પુત્ર રા. રા. નાનાલાલે વૃત્તોના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરે કરીને કાંઈ ઓરજ નવિનતા ઉત્પન્ન કરી છે. એમણે ગદ્ય જેવું પદ્ય ઉપજાવ્યું છે એ વિશે અમે બીજે સ્થળે સ્હેજ કહી ગયા છિએ.

ઉપર જે ‘પદ્યરચના’ના સંબંધમાં અમે સાર માત્ર આપી ગયા તે ગ્રંથરૂપે થઈ પિંગળના નવિનકલ્પનાવાળા સમર્થ ગ્રંથ તરીકે પ્રજાને મળે એમ દરેક ભાષાભક્ત ઈચ્છા રાખશે જ.

ब વિજ્ઞાન.

(૧) અર્થશાસ્ત્ર:—ઈ. સ. ૧૮૭૪ માં એક પારસી ગૃહસ્થ તરફથી અર્થશાસ્ત્રના ભાષણ રૂપે નાનું ચોપાનીયું બહાર પડ્યું હતું. સન ૧૮૭૫માં દિ. બા. અંબાલાલે પોતાનું ‘અર્થશાસ્ત્રનાં મૂળતત્વ’ નામનું પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સારૂં લખ્યું હતું. મીલના ઇંગ્રેજી અર્થશાસ્ત્રના અનુસરણ રૂપ આ ગ્રંથની ભાષા સાદી અને સરલ છે. આ ગ્રંથથી ભાષામાં એ વિષયના એક ઉત્તમ ગ્રંથનો વધારો થયો છે. મીસીસ ફોસેટના અર્થશાસ્ત્રનું ‘અર્થશાસ્ત્રનાં મૂળતત્વો’ એ નામથી ઓ. ચમનલાલ સેતલવાડે ભાષાન્તર કર્યું છે. અંબાલાલનાં ‘અર્થશાસ્ત્રનાં મૂળતત્વ’ની પેઠે આ ગ્રંથ પણ સરકારી ટ્રેઈનિંગ કોલેજોમાં શિખવાતો. એજ ગૃહસ્થે ‘અર્થશાસ્ત્રની વાતો’ નામનું નાનું પુસ્તક બહાર પાડ્યું છે.

રા. ડાહ્યાભાઇ દેરાસરીના ‘સરલ અર્થશાસ્ત્ર’ નામના નાના પુસ્તકની ભાષાથી અને વિષયના નાનાં છોકરાંઓ સમજે એવા વિવરણથી મોહ પામી સ્વ. મી. ચેસ્ટર મેકનોટને પોતાની રાજકુમાર કોલેજના ક્રમમાં વાંચનના પુસ્તક તરીકે કેટલાંક વર્ષ ચલાવ્યું હતું. આ શિવાય આ વિષયનાં બીજાં પુસ્તકો ભાષામાં હોવાનું જાણ્યામાં નથી.

(૨) સમાજશાસ્ત્ર:—

છેક ઈ. સ. ૧૮૪૮ માં મુંબાઈના પ્રખ્યાત ડા. ભાઉદાજીએ સ્ત્રી બાળ હત્યા’ સંબંધી નાનું પુસ્તક લખ્યું હતું. ત્યાર પછી નાનાં પુસ્તકો  જૂદે જુદે નામે પ્રગટ થયાં છે. ગુજરાત વર્નાક્યુલર સોસાટીએ ખાસ આવા સમાજના ઉપયોગના ઘણા નિબંધો રચાવ્યા છે. નાનાં નાનાં ઉપયોગી પુસ્તકો પ્રગટ કરવા તરફ જ એ સોસાઈટીની શરૂવાતમાં વૃત્તિ હતી એ આપણે સ્વ. ફોર્બ્સના રિપોર્ટ પરથી જાણીએ છઈએ. જમણવાર, કન્યાવિક્રય બાળવૈધવ્ય, પેન્શન ફંડ, સ્ત્રીકેળવણી, સ્ત્રીનીતિ, સ્ત્રીઓનું કામ, સ્વદેશહિત, ગુજરાતના ભિખારીઓ વગેરે ઘણી ઘણી બાબતો ઉપર નાનાં પુસ્તકો લખાયાં છે. રા. રેવાશંકર અંબારામે ‘નીતિ સિદ્ધાંત્ત’ નામે ગ્રંથ મરાઠીમાંથી ગુજરાતીમાં આણ્યો છે. લોકોમાં પ્રચલિત વ્હેમના વિદારણ સારૂ પણ ઘણું લખાયું છે. દલપતરામનો ‘ભુત નિબંધ’, ‘બાળ વિવાહ નિબંધ,’ ‘દૈવજ્ઞદર્પણ,’ અને ‘તાર્કીક બોધ’ તેમ જ રા. બા. ખુશાલરાયનો ‘ડાકણ નિબંધ’ અને સાંકળેશ્વર જોશીના ‘કિમિયાગર ચરિત્રો’ અને ‘સોની વિષે નિબંધ’, વગેરે વાંચવા લાયક નિબંધો સરલ ભાષામાં લખાયા છે. કરશનદાસનું ‘સંસાર સુખ’ મુંબાઈગરી ભાષામાં લખાયલું વાંચવા યોગ્ય પુસ્તક છે. સ્વ. નારાયણ હેમચંદ્રે આ વિષયનાં ઘણાં નાનાં ને મઝાનાં પુસ્તકો લખ્યાં છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના બંગાળીપરથી લખાયલા વિષ્ણુપરસરામ શાસ્ત્રીના મરાઠી ‘વિધવા વિવાહ’નું ભાષાન્તર રા. બા. લાલશંકરે કર્યું છે. સ્વ. ફોર્બ્સ સાહેબને દેશી સ્ત્રીઓની વાતચીત અને રીત રસમનો ખ્યાલ આપવા સારૂ લખાએલી ‘સ્ત્રી–સંભાષણ’ નામની નાની ચોપડીને સારૂ અમે અગાઉ કહી ગયા છઈએ. મનઃસુખરામનો ‘અસ્તોદય’ તેમ જ ‘અવસ્તા જમાનાની ઘરસંસારી બાબત,’ ‘ભિક્ષુક વિષે નિબંધ,’ ‘બુદ્ધિપ્રકાશક નિબંધ,’ ‘ધર્મનીતિ તથા સંસાર.’ અને કરશનદાસની ‘નિબંધમાળા’ વગેરે પુસ્તકો સારાં લખાયાં હતાં.

સ્માઈલના સુંદર અને સુબોધકારક ગ્રંથોનાં ઇંગ્રેજીમાંથી ભાષાન્તરો થયાં છે. ‘મીઠી મીઠી વાતો’ લખનાર રા. ગણપતરામ ત્રવાડી ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. એ ગૃહસ્થે સ્માઈલના સેલ્ફહેલ્પ્ નામના ગ્રંથનું ‘જાત મહેનત’ નામથી સારું ભાષાન્તર કર્યું છે. રા. ગણપતરામની  ભાષા સરલ, શુદ્ધ અને રૂઢ છે. ‘કર્તવ્ય’ એ નામથી એ વિદ્વાનના બીજા ગ્રંથ ‘ડ્યૂટી’નો અનુવાદ સાક્ષર શ્રી કમળાશંકરે કર્યો છે. એમના પુસ્તકની બીજી આવૃત્તિ થઈ છે. આ આવૃત્તિ વધારે સારી અને સરલ થઈ છે. એ જ ગ્રંથકારના ત્રીજા ‘કેરેક્ટર’ નામના ગ્રંથનું ભાષાન્તર કરી સ્વ. બલસારેએ એને ‘સદ્વર્તન’ નામ આપ્યું હતું. સ્વ. મણિલાલે એ નામ ઉપર કેટલાક કટાક્ષ કર્યા હતા અને પોતે એ જ ગ્રંથના અમુક ભાગનું ભાષાન્તર કરી ‘ચારિત્ર્ય’ એ નામથી પોતાના માસિકમાં પ્રગટ કર્યું હતું. આ ત્રણે ગ્રંથ ગુજરાતી ભાષામાં એ જાતના ગ્રંથોમાં ઉચ્ચસ્થાન ભોગવે છે.

(૩) ન્યાય અને દર્શન સંબંધી ગ્રંથો:—

આ સાઠીમાં શ્રીમદ્ ભગવદ્‌ગીતાનાં સાત-આઠ જૂદાં જુદાં ભાષાન્તર થયાં છે. જૂદી જૂદી ટીકાઓનાં થએલાં આ ભાષાન્તરોને માટે અમે બીજા વિષયને અંગે બોલી ગયા છઈએ. જૂનું જાણવાની જીજ્ઞાસા હાલના સમયમાં ખાસ વધી છે અને ગુજરાતી પ્રજા સામાન્ય રીતે જૂના ધર્મ–ધર્મ પુસ્તકો તરફ વધારે વળવા લાગી છે. કેટલાક નવા પંથ, નવા મહાત્મા, નવા ભક્ત પેદા થવાથી લોકોના વિચારનો પ્રવાહ બદલાયો છે. વડોદરાવાળા શ્રીમન્નૃસિંહાચાર્યની અસરથી ઘણા કેળવણી લીધેલા અને ગ્રાજ્યુએટોના મનનું વળણુ જૂની બાબતો, જુનો ધર્મ એમની તરફ થયું છે. ધર્મ, તત્વજ્ઞાન વગેરેનાં કેટલાંક સારાં પુસ્તકો આવી અસરથી જન્મ્યાં છે.

શ્રીમન્નથુરામ શર્મા જેઓ પ્રથમ મ્હેતાજી હતા તેમની તેમજ તેમના શિષ્ય ગણાતા રા. વિશ્વનાથ સદારામ પાઠકની તરફથી વેદાન્તનાં કેટલાંક સારાં પુસ્તકો અસ્તિત્વમાં આવ્યાં છે. વિશ્વનાથના સુંદર પુસ્તક ‘નચિકેતાસુમનગુચ્છ’ ને માટે અમે કહી ગયા છઈએ.

ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી ‘દર્શનશાસ્ત્ર સંબધી ચર્ચા’ અને ‘પાતંજલ યોગદર્શન’ પ્રગટ થયા છે. સ્વ. મજમુદાર મણિશંકર કીકાણી ગ્રંથમાળામાં યોગ્ય ગ્રંથો પ્રગટ થયા છે. એ ગ્રંથમાળામાં છેલ્લો ગ્રંથ જાણીતા વિદ્વાન રા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીની  અનુભવી કલમથી લખાયલો છે. શ્રીમદ્ બાદરાયણ પ્રણીત બ્રહ્મસૂત્રો ઉપર શ્રી શંકર ભગવાને રચેલા શારીરક મીમાંસા ભાષ્યનો ગુજરાતી અનુવાદ એક સમર્થ ગ્રંથ બન્યો છે. અમારી સાઠીમાં એ ગ્રંથ પૂરા થયો નથી. એનું એક પુસ્તક જ બહાર પડ્યું છે.

સુરતના સનાતન ધર્મ મંડળે પણ કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. ‘યોગવાશિષ્ટ’, ‘યોગ કૌસ્તુભ’, ‘યોગચિંતામણિ’, ‘સાંખ્યદર્શન’, તેમજ ‘સર્વદર્શન’ નામના ગ્રંથો જીજ્ઞાસુઓને માટે પ્રગટ થયા છે. માનસશાસ્ત્ર નામનું એક પુસ્તક પણ લખાયું છે. આ કોટીના ગ્રંથો હજુએ વધારે બહાર પડશે એમ જણાય છે.

(૪) નીતિ

ઈ. સ. ૧૮૫૩માં ઉમેદરામ ઈચ્છારામ તરફથી લઘુહિતોપદેશ નામનું નાનું પુસ્તક બહાર પડ્યું હતું. તે કાળમાં કેવી કેવી બાબતો તરફ લોકોનું લક્ષ ખેંચાયું હતું તે સમજવાને આ નાની ચોપડી સંભારવાની જરૂર છે. ત્યારબાદ જૂનાં પુસ્તકોનાં ભાષાન્તરો થયાં છે. સને ૧૮૭૬ માં ખંભાતના હાલના દિવાન રા. માધવરામે ભર્તૃહરિનાં શતકોનું ભાષાન્તર કર્યું હતું, તે પછી ૧૮૭૮ માં બીજું, અને કેટલાંક વર્ષ બાદ બીજાં બે, એ પ્રમાણે આ શતકોનાં ચારેક જૂદાં જૂદાં ભાષાન્તરો ભાષામાં થયાં છે. બીજા ઘણા કવિયોનાં મુક્તકો ભતૃહરિને નામે ચાલે છે. પ્રસિદ્ધ થયેલાં શતકોમાં પાઠ શંશોધિત કરીને, ભતૃહરિનાં કિયાં તે નક્કી કરીને અનુવાદ થયો હોય એમ જાણ્યામાં નથી. આ શતકોની સારી આવૃત્તિની જરૂર છે.

ઈ. સ. ૧૮૭૮ માં રા. હરગોવંદદાસ કાંટાવાળાએ ‘નીતિ અને લૌકિક ધર્મ’ નામે એક ઇંગ્રેજી પુસ્તકનું ભાષાંતર કર્યું હતું. એક દક્ષણી ગૃહસ્થે ૧૮૭૩ માં વૃદ્ધ ચાણાક્યનો અનુવાદ કર્યો હતો. ત્યારપછી બીજું ભાષાન્તર પણ થયું છે. સ્વ. હ. હ. ધ્રુવે કરેલું ‘લઘુચાણાક્ય’નું ભાષાન્તર સ્વ. માણેકલાલ ભવાનિલાલે સન ૧૮૭૫ માં પ્રસિદ્ધ કર્યું હતું.

‘નશયતે પા’લન’, ‘સ્ત્રીજ્ઞાન દીપિકા’, વગેરે પારસી ગૃહસ્થોની કલમથી લખાયાં છે. તેમજ શેખશાદીની નશયતનું ફારસીમાંથી એક હિંદુ  ગૃહસ્થે ભાષાન્તર કર્યું છે. એક પારસી સન્નારીએ ‘લોર્ડ ચેસ્ટરફીલ્ડની પોતાના દિકરાને શીખામણ’ પણ ગુજરાતીમાં આણ્યું છે.

અમદાવાદના જૂના કાળના એક મેજીસ્ટ્રેટ, સુરતવાસી રા. રાજાભાઇએ પોતાની અનુભવી કલમે ‘લાંચ વિશે નિબંધ’ લખ્યો હતો. આ નિબંધે તે કાળમાં ઠીક કુતુહલ ઉપજાવ્યું હતું ! આ વિષયમાં એક પારસી લખનારનું ‘જીંદગી જોગવવાની જુક્તિ’ નામનું પુસ્તક, પારસી ગુજરાતી ભાષા છતાં પણ આવકાર આપવા યોગ્ય છે. આ પુસ્તક મૂળ સંસ્કૃતમાંથી ટીબેટની ભાષામાં, તેમાંથી ચીનાઈ ભાષામાં, તેમાંથી ઇંગ્રેજીમાં અને તેમાંથી પાછું એતદ્દેશીય ગુજરાતીમાં આવ્યું છે અને ઘણું મનોરંજક છે.

આ વિષયનાં નાનાં મોટાં બીજાં ઘણાં પુસ્તકો થયાં છે પણ બધાને અહિં સંભારવાનું પરવડતું નથી.

પ. કેળવણી અને શિક્ષણશાસ્ત્ર:—

શેઠ કેખુશરો હોરમજજી આલપાઇવાળાએ સને ૧૮૫૫ માં ‘મુંબાઈમાં દેશીઓની કેળવણી’ નામે નિબંધ લખ્યો હતો. સને ૧૮૭૯ માં મુંબાઈમાં ‘મુક્તાબોધ’ નામે કોઈ મુક્તાબાઇ નામની સન્નારીએ લખેલા દેશી સ્ત્રીઓની નીતિ અને કેળવણી સંબંધી પત્રો પ્રગટ થયા હતા. રા. ગણપતરામ ત્રવાડીની ‘મીઠી મીઠી વાતો’ ના નાના પુસ્તકને પણ અમે આ કોટીમાં જ મુકીએ છઈએ. નીતિનો રસદ્વારા બોધ કરવાને સારૂ મીસ એજવર્થ નામની સન્નારીએ લખેલા ઇંગ્રેજી પુસ્તકનું આ સુંદર રૂપાંતર છે. આ ભાષાન્તર બરાબર રસાનુસારી જ છે, અને તે એટલે દરજ્જે કે જો એ વાત એમણે પ્રસ્તાવનામાં સૂચવી નહોત તે અજાણ્યા વાંચનારને કદી પણ એમ ન લાગત કે આ વાર્ત્તાઓ મૂળે ઇંગ્રેજીમાંથી લીધેલી છે. ભાષા અતિશય સંભાળયુક્ત સરળતા, શુદ્ધિ અને રૂઢિથી જ રચાયલી છે.

ખાસ કેળવણીના ધંધાને લગતાં પુસ્તકો તો સરકાર તરફથી જ પોતાની નિશાળોના ઉપયોગ સારૂ લખાયાં છે. ‘કેળવણી પ્રકાર અને નિશાળ પદ્ધતિ’ અને ‘શિક્ષા પદ્ધતિ’ નામના ગ્રંથો સ્વ. મહાપતરામે  અંગ્રેજી ઉપરથી લખ્યા છે. આ પુસ્તકો સરકારી ટ્રેનિંગ કોલેજોમાં શીખવાય છે. સ્વ. નવલરામે પોતાના શિષ્યો સારૂ તૈયાર કરેલી પોતાનાં વ્યાખ્યાનોની નોંધ શાળાપત્રમાં છપાઈ છે. આ નોંધ બહુ વિસ્તારવાળું નહિ પણ સમર્થ પુસ્તક બન્યું છે. કેળવણીના ફાયદા બતાવતું ‘વિદ્યાબોધ’ નામનું નાનું પુસ્તક સ્વ. કવીશ્વરે લખ્યું હતું.

રા. બુલાખીદાસ ગંગાદાસે ‘હર્બર્ટસ્પેન્સરના એજ્યુકેશન’ નામના મહાગંભિર પુસ્તકનું ભાષાન્તર ‘કેળવણી’ એ નામથી કર્યું છે. સ્પેન્સર જેવા સર્વોત્તમ ફીલસુફના મનની, નીતિની અને શરીરની કેળવણી સંબધી ઉમદા વિચારો જાણવાની ગુજરાતી વાંચનારને આ પુસ્તકથી તક મળી છે. આ પુસ્તક એ ભાઈએ અસાધારણ કાળજીથી કર્યું છે એમ એની પ્રત્યેક લીંટીથી જણાય છે. સ્પેન્સર જેવા તત્ત્વવેત્તાની ગૂઢ વિચારો ભરેલી વાણી ભાષાન્તર કર્તાએ તેનું ગાંભિર્ય કે યથાર્થતા કાંઈ પણ જવા ન દેતાં એવી તો સરળ, શુદ્ધ અને રૂઢ ગુજરાતીમાં ફતેહમંદીની સાથે ઉતારી છે કે આપણને સાનંદાશ્ચર્ય થાય છે. વાંચનારને આ પુસ્તક ન સમજાય તે તેમની સામાન્ય કેળવણીનો જ વાંક.

આ સાઠીમાં આ કોટિનો એક ‘શિક્ષણનો ઇતિહાસ’ નામે સમર્થ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. વડોદરાના કલાભવનના માજી પ્રિન્સિપાલ રા. મણિશંક૨ ૨. ભટે, શ્રી મન્મહારાજા ગાયકવાડ સયાજીરાવે સ્થાપિત કરેલી ‘શ્રી સયાજી જ્ઞાન મંજુષા’ ને સારૂ આ ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથમાં આર્યાવર્ત, ગ્રીસ, રોમ, ચીન, ઈજીપ્ત, ઈઝરાયલ, અર્બસ્તાન, યુરોપ, ઈત્યાદિ દેશોમાં શિક્ષણ જે પ્રકારે ચાલેલું, શિક્ષણ શાસ્ત્રીઓએ તે તે દેશોમાં જે જે ઉદ્દેશો ઉપજાવેલા અને જે જે યોજનાઓના માર્ગ સૂચવેલા, તેનો સારો સંગ્રહ થયો છે. વિષયને અનુકુળ સાદી ભાષામાં લખાયલો આ ગ્રંથ દરેકને વાંચવા યોગ્ય છે.

આ શીવાય કેળવણી સંબંધી બીજા ગ્રંથો પ્રગટ થયા જણાતા નથી. આ અગત્યના વિષય તરફ ગુજરાતી લેખકોનું વલણું જણાતું નથી એ દૂર્દૈવ જ છે.  ૬ વ્યવહાર અને ધર્મશાસ્ત્ર:—

अ. અંગ્રેજી કાયદા:—

ઇંગ્રેજી ભાષામાં ધર્મશાસ્ત્ર એટલે કાયદાનાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થાય છે. એ દેશમાં ઘણા કાયદા આપણા દેશમાં ચાલતા કાયદાની પેઠે કલમવાર બનાવેલા નથી. તેથી એ વિષયનાં નાનાં અગર મોટાં વિવેચનવાળાં પુસ્તકો પ્રગટ થાય છે. સરકાર તરફથી મંજૂર થયેલા કાયદા કાનુનોનાં ભાષાન્તરો ગુજરાતીમાં થયાં છે. દિવાની કામ ચલાવવાની રીતનો કાયદો, પુરાવાનો કાયદો, મુદતનો કાયદો, કરારનો કાયદો, ફોજદારી અને ફોજદારી કામ ચલાવવાની રીતનો કાયદો એ પ્રમાણે ઘણાં ભાષાન્તરો ગુજરાતીમાં થયાં છે. સદર અદાલત અને હાઇકોર્ટોએ ચુકવેલા ફેંસલાઓનાં ભાષાંતરનાં પણ કેટલાંક પુસ્તકો બહાર પડ્યાં છે.

સ્વ. કેશવલાલ મોતીલાલ વકીલ અને સ્વ. ભોગીલાલ વકીલના ‘અપકૃત્ય’ ઉપર સારાં પુસ્તકો પ્રગટ થયાં છે. મી. તાલેયારખાં અને રા. પ્રાણશંકરે પોલીસને જરૂરનાં પુસ્તકો લખ્યાં છે.

સ્વ. ગીરધરલાલ કોઠારીએ ‘એચીસનનાં તહનામાં માંથી ગુજરાતને લગતા ભાગનું ભાષાન્તર ઘણા વર્ષ ઉપર કર્યું હતું. આવી ઘણી ખરી ચોપડીઓ વકાલત કરનારા અગર સરકારના ‘ઓરીએંટલ ટ્રાન્સ્લેટર’ ની તરફથી પ્રસિદ્ધ થઈ છે.

ब હિંદુધર્મશાસ્ત્ર.

અમદાવાદના વકીલ સાંકળચંદ રતનચંદનું ‘હિંદુધર્મશાસ્ત્ર,’ ગીરધરલાલ દયાળદાસનો ‘હિંદુધર્મશાસ્ત્ર સંગ્રહ,’ છોટાલાલ ભટ્ટનાં ‘વ્યવહાર મયુખ’ અને સ્વ. ભોળાનાથ સારાભાઈની ‘મિતાક્ષર’ આ જાતના ગ્રંથોમાં મુખ્ય છે. ‘પારાશર સ્મૃતિ’ અને ‘મનુસ્મૃતિ અથવા માનવ ધર્મશાસ્ત્ર’નાં સારાં ભાષાન્તરો થયાં છે એ કહી ગયા છીએ. વકીલોનો વર્ગ અંગ્રેજી જાણનારો થવાથી હવે આવાં પુસ્તકો નીકળવાનો સંભવ ઓછો છે.  क મુસલમાની.

સન ૧૮૭૧ માં મુસલમાની સરેહ નામનું પુસ્તક દિ. બા. મણિભાઇ જશભાઇએ પ્રગટ કર્યું હતું. ત્યાર બાદ બીજાં એક બે એ વિષયનાં પુસ્તકો બહાર પડ્યાં છે. માત્ર ગુજરાતી જ જાણનારા વકીલોને અભાવે આવાં પુસ્તક પ્રગટ થવાનો હવે સંભવ જણાતો નથી.

ड દેશી રાજ્ય.

ભાવનગર, પાલણપુર, રાધનપુર વગેરે રાજ્યોએ પોતાનાં રાજ્યનાં નાનાં નાનાં કાયદાનાં પુસ્તકો છપાવ્યાં છે. શ્રીમન્ત ગાયકવાડ સરકારે પોતાના રાજ્ય સારૂ કાયદા બનાવવા માટે ખાસ મંડળ નીમ્યું હતું. સહેજ ફેરફારવાળા છતાં આ કાયદાઓ બહુધા અંગ્રેજી કાયદાના અનુસરણ રૂપે જ છે. એ કાયદાઓમાં એતદ્દેશિય ભાષામાં નવી પરિભાષા ઉપજાવી કાઢવાનો સારો યત્ન કર્યો છે; તેમજ ઇંગ્રેજી કાયદા કરતાં આપણી પ્રજાને વધારે અનુકુળ થાય એવા સ્હેજ ફેરફાર પણ કર્યો છે. ઉક્ત રાજ્યો સિવાય બીજાં કોઈની તરફથી પોતાના રાજ્યના કાયદાનાં પુસ્તકો પ્રગટ થવાનું જાણવામાં નથી.

૭ પ્રકૃતિવિજ્ઞાન કિંવા ભૌતિક વિદ્યા:—

આ સાઠીની શરૂવાતમાં પાંડુરંગ ગાનોબાએ ‘સૃષ્ટિજન્ય ઇશ્વર જ્ઞાન’ નામનો અંગ્રેજી ઉપરથી સારો ગ્રંથ તૈયાર કર્યો હતો. આ ગ્રંથમાં જરૂરનાં થોડાં થોડાં ચિત્રો પણ આપવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ નિશાળો અને ટ્રેનિંગકોલેજ સારૂ કેળવણીખાતા તરફથી રા. સા. મહીપતરામે ‘ભૂસ્તર વિદ્યાનાં મૂળતત્વો’, ‘પદાર્થ વિજ્ઞાન’ વગેરે નાની નાની ચોપડીઓ ઇંગ્રેજી મૂળ ઉપરથી તૈયાર કરી હતી. તેમની ‘ભૂસ્તર’ સ્વ. ડા. થીઓડોર કુકની નાની ચોપડીનું ભાષાન્તર હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ ‘સરળ પદાર્થ વિજ્ઞાન’ નામની નાની ચોપડી આ લખનાર પાસે લખાવી છે. આ પુસ્તક કાઠીઆવાડ ટ્રેનિંગકોલેજમાં ઘણાં વર્ષ સુધી શિખવાયું છે. આ લખનારનો ‘વિદ્યાર્થીનો મિત્ર’ ભૂસ્તર વિદ્યા, રસાયનશાસ્ત્ર અને સાર્વજનિક આરોગ્યનું નાનું પુસ્તક છે. ઘણાં વર્ષ પૂર્વે રા. બા. લાલશંકરે પેજના ઇંગ્રેજી ગ્રંથને આધારે ‘ભૂતળવિદ્યા’ નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું.  ‘વિજળી’ વિશે પણ કેટલીક ચોપડીઓ પ્રગટ થઈ છે.

રસાયનશાસ્ત્ર.

સન ૧૮૫૦ માં એક પારસી ગૃહસ્થે ‘રસાયનશાસ્ત્ર સંબંધી વાતચીત’ નામના ઇંગ્રેજી ગ્રંથનું ગુજરાતીમાં ભાષાન્તર કર્યું હતું. રસાયનશાસ્ત્રની મૂળ ઉત્પતિ કિમિયામાંથી થઈ છે. આપણા સાહિત્યમાં પણ ખાસ રસાયનશાસ્ત્રનાં પુસ્તકો પ્રગટ થવાની પૂર્વે ‘કિમિયાગર ચરિત્ર’ નામનો નિબંધ પ્રસિદ્ધ થયો હતો. અમદાવાદના સ્વ. જોશી સાંકળેશ્વરે સન ૧૮૬૯ માં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સારૂ આ નિબંધ લખ્યો હતો. આ કાળમાં વખતે આપણા મનમાં એમ આવે કે આવા વિષય ઉપર નિબંધ લખવા લખાવવાની જરૂર શી ? દિવસે દિવસે વિદ્યા અને જ્ઞાનના વધારાને લીધે કિમિયાથી ઠગાનારાં હાલ ઓછાં નીકળે, પણ જે કાળની વાત અમે કરીએ છીએ તે કાળે કિમિયો સાચો માનનારા, ઠગનારા અને ઠગાનારાનો તોતો ન હતો. ઠેર ઠેર કિમિયાગરો દેખાવ દેતા. કોઈને હિમાલયપરથી તો કોઈને ગિરનારપરથી સિદ્ધિ મળેલી કહેવાતી. કોઈ પાંચ પચ્ચીશ રૂપીઆની તો કોઈ સેંકડો રૂપીયાની ભઠ્ઠી ચઢાવી ભોળાઓને ભરમાવી ઠગી જતા. કોઈને આગીઓ વૈતાળ તો કોઈને સાક્ષાત્ આદિભવાનિ પ્રસન્ન હતાં અને તેમની પ્રાર્થનાથી હલકી ધાતુમાંથી સોનું બનાવી આપતાં. આમ હોવાથી આ ઠગાઈનું ભોપાળું ઉઘાડું પાડવાનું કામ ખરેખરું પારમાર્થિક હતું. એ પુસ્તકમાં કિમિયાગરો કેવે વેશે આવે છે, કેવા કેવા ઢોંગ કરે છે અને છેવટે લોકોને કેવી રીતે ઠગીને પાયમાલ કરે છે તેનું વર્ણન આપ્યું છે. ઈ. સ. ૧૮૭૨ ની સાલમાં રસાયનશાસ્ત્રના સહેલા અને રમુજી પ્રયોગોનું એક નાનું ચોપાનીયું પ્રસિદ્ધ થયું હતું.

છેક સન ૧૮૭૫ ની સાલ સુધી ખાસ રસાયનશાસ્ત્રનાં પુસ્તકો પ્રગટ થયાં નહોતાં. તે અરસામાં મુંબાઈ સરકારે દેશી ભાષામાં શિક્ષણ આપીને ઓસ્પીટલ એસિસ્ટંટો તૈયાર કરવાને મુંબાઈની ગ્રાંટમેડીકલ કોલેજમાં ગુજરાતી અને મરાઠી એવા નવા વર્ગ ઉઘાડ્યા હતા. આ વર્ગને સારૂ જરૂરનાં પુસ્તકો લખવાનું કામ ત્યાંના શિક્ષકોને માથે આવી પડ્યું હતું. એમણે  રસાયનશાસ્ત્ર, પદાર્થવિજ્ઞાન, શારીરશાસ્ત્ર અને વૈદ્યક વગેરેના ગ્રંથો લખ્યા હતા. ‘નહાની કેમીસ્ટ્રી’ નામનું એક લઘુ પુસ્તક સુરતવાળા દા.ધીરજરામ દલપતરામે લખ્યું હતું. તેમ જ ઉક્ત વર્ગના એક શિક્ષક દા. કેખુશરો રૂસ્તમજી વિકાજીએ રસાયનશાસ્ત્ર, સિદ્ધ પદાર્થ વિજ્ઞાન વગેરે લખ્યાં હતાં. અમદાવાદ અને પુનામાં નવા ઇંગ્રેજીમાં શિક્ષણ આપતા વર્ગ કાઢીને સરકારે આ વર્ગ બંધ કરવાથી એતર્દ્દેશીય ભાષામાં વૈદ્યકનું શિક્ષણ અપાતું બંધ થયું હતું. કોઈ પણ સંસ્થામાં શિક્ષણને માટે મુકરર ન થયાં હોય તે આવાં પુસ્તકો માત્ર શોખની ખાતર વાંચનારા મળતા નથી. રાજકોટની કાઠીઆવાડ ટ્રેનિંગ કોલેજમાં શિખવવાના જ ઉદ્દેશથી અમે ‘સરળ રસાયન’ ઘણાં વર્ષ પૂર્વે લખ્યું હતું; આ પુસ્તક એ કોલેજમાં ઘણાં વર્ષ શિખવાયું છે. સ્વ. મહિપતરામે ‘વિદ્યાપ્રવેશ ગ્રંથાવલિ’ માંથી ‘રસાયન’ વગેરે પુસ્તકોનાં ભાષાન્તર કર્યાં છે. વિજ્ઞાનનાં પુસ્તકો લખતાં અને ભાષાન્તર કરતાં પારિભાષિક શબ્દોની ઘણી અડચણ પડે છે. જૂદા જૂદા લખનાર જૂદા જૂદા શબ્દોની યોજના કરે છે. રસાયનશાસ્ત્રના ગ્રંથોમાં પ્રથમ જ રસાયનિક ચિન્હોને વાંધો આવીને ઉભો રહે છે. ઇંગ્રેજી અને યુરોપની બધી ભાષાઓમાં રસાયનિક ચિન્હ એક જ ધોરણનાં વપરાય છે. જે ધોરણે રસાયનિક ચિન્હ કલ્પવામાં આવે છે તે ધોરણ પ્રમાણે ગુજરાતીમાં નવાં ચિન્હ કલ્પવાં કે ઇંગ્રેજી વગેરેમાં પ્રચલિત છે તે કબુલી લેવાં એવો મહત્વનો સવાલ ઉઠે છે. પદાર્થોમાં પણ તેમનાં નામ નવાં કલ્પવાં કે પ્રચલિત રાખી લેવાં એ વિચારવા જેવું છે. બીજી રીતે કહીએ તો હૈડ્રોજન અને ઓક્સિજનને એજ નામે ઓળખવાં કે કેટલાંક કરે છે તેમ ‘ઉદકજન્ય’ અને ‘પ્રાણવાયુ’ એવાં બદલવાં ?

રસાયનિક ચિન્હોને માટે પ્રો.ગજ્જરે વિદ્વતા ભરી યોજના કાઢી હતી. અમે ભૂલતા ન હોઈએ તો પોતાના કળાભવનના શિષ્યોને એ રીતી શિખવીએ હતી. દા. નારાયણ દાજી જેમણે વૈદ્યકના મરાઠી વર્ગને સારું રસાયનશાસ્ત્ર લખ્યું હતું તેમણે વળી જૂદી જ યોજના પસંદ કરી હતી. જે ધોરણે યુરોપની ભાષાઓમાં નામો યોજાય છે તે જ ધોરણે, પણ દેશી નામો ઉપરથી  આ ચિન્હ કલ્પ્યાં હતાં. લોઢાનું લેટીન્ ભાષામાં નામ ફેરમ્ છે અને એ ઉપરથી એનું રસાયનિક ચિન્હ ‘એફઈ’ એવું કલ્પ્યું છે તેને બદલે એતદ્દેશીય નામ લોઢું લોખંડ–ઉપરથી એનું ચિન્હ એમણે ‘લો’ એવું રાખ્યું હતું. બેશક આ રીતથી વિદ્યાર્થિઓને શિખીને યાદ રાખવાની સુગમતા થતી. આવી સુગમતાને થી લોભાઈને અમે અમારા પુસ્તકમાં એ ધોરણ રાખ્યું હતું. યુરોપનાં રસાયનશાસ્ત્રનાં પુસ્તકોમાં પારાને સર્વત્ર–સઘળા દેશોમાં ‘( Hg ) એચ.જી’ લખાય છે. દા. નારાયણની યોજનાને અનુસરીને સરલ રસાયનમાં અમે પારાનું ચિન્હ પા રાખ્યું હતું. વિદ્યાપ્રવેશ ગ્રંથાવલિમાં સ્વ. મહીપતરામે વળી વિલક્ષણ ધોરણ રાખ્યું છે. એમણે પારાનું ચિન્હ “એચ્ જી’ નહિ, પા નહિ, પણ ‘હગ’ એવું રાખ્યું હતું ! હિંગળોક એ પારાનો ઓક્સાઈડ છે અને સઘળા દેશના રસાયનિક શાસ્ત્રીઓ એનું રસાયનિક ચિન્હ ‘Hgo, એચ જી ઓ’ રાખે છે. દા. નારાયણની પદ્ધતિ પ્રમાણે એ ચિન્હ ‘પાઓ’ લખાય. સ્વ. મહીપતરામની પદ્ધતિ પ્રમાણે લખતાં ‘હગઓ' લખાય. ‘એચ જી ઓ’ લખવાથી આખી દૂનિયાના રસાયનશાસ્ત્રીઓમાં એ પદાર્થની પ્રતિતી થાય. પણ બીજી રીત લખવાથી માત્ર એ પદ્ધતિ શિખેલામાં જ સમજાય. તેમાંએ ‘હગઓ’માં તો દરેક અક્ષરના ઉચ્ચારના ભાષાન્તર છે. ટ્રાંસ્લેટરની ઓફીસમાંથી નીકળતાં અક્ષરે અક્ષરનું ભાષાન્તર થયા વગર ન રહે એ સિવાય બીજું કાંઈ ધારણુ જણાતું નથી. અમારા ‘સરલ રસાયન’ ની ચિન્હની પદ્ધતિ ઉપર સ્વ. ડા. ટેલરે ટીકા કરી હતી. આ ટીકા અમને વજૂદવાળી જણાયાથી અમે એ રીત બદલીને મૂળ ઇંગ્રેજી ચિન્હો જ રાખ્યાં હતાં. અમારો આધીન અભિપ્રાય એવો છે કે પ્રાણવાયુ એ નવો શબ્દકલ્પીને એકદેશી કરી નાંખવા કરતાં, ઓક્સિજન શબ્દને જ ગુજરાતી કરી નાંખ્યો હોય તો શી હરકત છે ? પગાર, તબેલો એવા એવા શબ્દ દેશી બની ગયા છે, તો ઓક્સિજનનો શો બાધ છે ?

વિજ્ઞાનના બીજા વિભાગોની પેઠે આ વિભાગોમાં પણ જૂજ ગ્રંથો છે અને ખાસ જરૂર પડ્યા વગર નવા લખાય એમ લાગતું નથી.

૯. પ્રાણિવિદ્યા.

કોઈ પારસી ગૃહસ્થે પ્રાણિવર્ણનનો મ્હોટો ગ્રંથ લખ્યો છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ રા. બળવંતરામ પાસે પ્રાણિવર્ણનના ત્રણ ભાગ ઘણા વર્ષ ઉપર લખાવ્યા હતા. રા. ભાનુસુખરામે ‘પ્રાણિવર્ણન’નો એક ગ્રંથ થોડાં વર્ષ ઉપર ગુજરાતી સાહિત્ય ભંડોળમાં ઉમેર્યો છે.

૧૦. ખેતીવાડી અને વનસ્પતિશાસ્ત્ર કિંવા વાનસ્પત્ય.

સન ૧૮પરની સાલમાં 'કપાસના ઝાડની વાત’ એ નામનું ચૌદ પાનાનું નાનું પુસ્તક સ્વ. મગનલાલ વખતચંદ તરફથી પ્રગટ થયું હતું. ખેતીવાડી અને વનસ્પતિ વિષે છપાયલું આ નાનું પુસ્તક એ વર્ગમાં પહેલું જ હતું, એમ અમારૂં ધારવું છે. ત્યારપછી છેક ૧૮૭૦ની સાલમાં રા. રેવાશંકર અંબારામ અને પ્રાણગોવિંદ મહેતાજીઓ તરફથી ખેતીવાડીનું પુસ્તક પ્રગટ થયું હતું. શરૂવાતમાં થયેલાં આ પુસ્તકો સ્તુત્ય પ્રયત્ન રૂપે જ હતાં. અગાઉ જતાં ભાવનગરમાં મી. જાનીની તરફથી ખેતીવાડી સંબંધી પુસ્તક અને ચોપાનીયું નીકળ્યું હતું, મદ્રાસમાં ખેતીવાડીની કોલેજ અને પુનામાં ખેતીવાડીનો વર્ગ ઉઘડવાથી ત્યાંની કેળવણીની અસરથી અને ‘ખેતીવાડી’ નો વિષય સરકારે ઐચ્છિક તરીકે હાઈસ્કૂલમાં દાખલ કરવાથી એ વિષયનાં કેટલાંક પુસ્તકો ભાષામાં જન્મ પામ્યાં છે. મદ્રાસની કોલેજના ગ્રેજ્યુએટ અને મીણબત્તીના કારખાનાને સારૂ પ્રસિદ્ધ થયેલા રા. મોતીલાલ કશળચંદ શાહે ખેતીવાડીનાં બેએક સારાં પુસ્તક લખ્યાં છે. આ બધાં પુસ્તકો ઇંગ્રેજી પુસ્તકોનાં અનુસરણ રૂપે જ છે. રા. મોતીલાલે પોતાના પુસ્તકમાં આ દેશને લગતી કેટલીક બાબતો આપી છે. મુંબાઈની ‘ એગ્રીકલચરલ સોસાઈટી’ ની તરફથી ‘ખાતર અને ઝાડ પાલાની વનસ્પતિ વિશે’ એ નામે પુસ્તક પ્રગટ થયું છે. આ પુસ્તકમાં ખાતરની જાતો અને પાકમાં આવતા રોગોનું વર્ણન છે. પાકમાં આવતા ગેરૂ વગેરે કેટલાક રોગનાં વર્ણન વગેરેનાં છૂટા ચોપાનીઆં સરકાર તરફથી પણ નીકળ્યાં છે.

ગોંડળના રાજ્યના બગીચાના અધિકારી એક દક્ષણી ગૃહસ્થે ‘બગીચાનું પુસ્તક’ અને ‘ખેતીવાડી’ એ નામનાં સુંદર મોટાં પુસ્તકો બહાર પડ્યાં છે. બગીચાના પુસ્તકમાં એતદ્દેશીય ફળ, ફુલ, અને બગીચામાં ઝાડ વગેરેની સારી માહિતી આપી છે.  ‘વનસ્પતિશાસ્ત્ર’ નામનું નાનું પુસ્તક મુંબાઈના કેળવણીખાતાએ આ લખનાર પાસે ઘણા વર્ષ પહેલાં લખાવ્યું છે. આ પુસ્તકમાં એતદ્દેશીય વન્સ્પતિના જ સચિત્ર દાખલા આપ્યા છે. આથી પુસ્તકના ઉપયોગમાં ખાસ વધારો અને સુગમતા થઈ છે. આ પુસ્તક ટ્રેનિંગ કોલેજોમાં કેટલાંક વર્ષ શિખવાયું છે.

આપણા દેશમાં યુરોપના જેવો વિજ્ઞાનનો ફેલાવો નથી તો શોધકોની તો આશા જ ક્યાંથી ? આમ હોવાથી જે જે પુસ્તકો વગેરે લખાય છે તે યૂરોપિયન પંડિતોનાં પુસ્તકોને ઓછાં વત્તાં અવલંબીને જ લખાયલાં હોય છે. આથી તેમને ખરૂં જોતાં મૂળ પુસ્તક કહી શકાતાં નથી. આ વિભાગની મહત્તાના પ્રમાણમાં એવી ઢબનાં પણ પુસ્તકો ઝાઝાં લખાયાં નથી એ શોચનીય છે.

૧૧ ખગોળવિદ્યા–જ્યોતિષ.

છેક ઈ. સ. ૧૮૫૦ માં મી. ગ્રીન અને દુરગારામ મહેતાજીએ ખગોળના પુસ્તકનું પ્રથમ ભાષાન્તર કર્યું હતું. અમદાવાદના હિતેચ્છુ પત્રના માલીક સ્વ. પીતાંબરદાસ ત્રીભોવનદાસ મહેતાજીએ સને ૧૮૬૮ માં ખગોળનું એક પુસ્તક લખ્યું હતું. ત્યારબાદ કેળવણી ખાતા તરફથી સ્વ. મહીપતરામે ૧૮૭૩ અને ૭૮ માં એમ બે નાનાં પુસ્તકોનાં ભાષાન્તર કર્યાં હતાં. એ સિવાય આ ગહન અને મનોરંજક વિષય ઉપર ભાષામાં બીજાં પુસ્તકો લખાયાં હોય એમ અમારી જાણમાં નથી.

લોકોમાં સાધારણ રીતે પ્રચલિત જોડકણાં, જે સાધારણ રીતે ‘ભડલીની વાણી’ કહેવાય છે તેનો સંગ્રહ બહાર પડ્યો હતો. એવું અમને સ્મરણ છે. પરન્તુ એ પુસ્તક હાથ આવતું નથી અને એના વિશે બીજી માહિતી પણ મળતી નથી.

‘અશાડા સુદ પંચમી, જો ઝબૂકે વીજ
દાણા વેચી ધન કરો, રાખો બળદને બીજ’

આવી આવી ઘણી સૂચનાઓ લોકોમાં પ્રચલિત છે. કાઠીઆવાડના  એક મહેતાજી દેવજી ઉકા પાસે નાગજી કવિના કુંડળીઆ છે. સંવત્સરોના આખા ચક્રની સંખ્યાને સારૂ એ કવિએ અગમચેતી ભાખી છે. રા. દેવજી દેશી વાયુચક્રશાસ્ત્રી એ ઉપનામથી પ્રતિવર્ષે એ સંવત્સરના નામનો કુંડળીઓ છાપી એ વર્ષનું ભવિષ્ય જણાવે છે.

લીમડીના કોઈ જ્યોતિષીએ અને ભરૂચનિવાસી કેાઈ વાનપ્રસ્થ વકીલે ફળાદેશનાં પુસ્તકો બહાર પાડ્યાં છે, અને તે ઘણાં વંચાયાં છે.

ફળાદેશ વિશે બોલતાં કવીશ્વર દલપતરામના ‘દેવજ્ઞદર્પણ’ સબંધે બોલવાનું પ્રાપ્ત થાય છે. એ નિબંધમાં ફળાદેશ કહેનારા જોશીઓને કવીશ્વરે વધાવી લીધા છે. જોશીઓ શું શું કહે છે, અને ભોળાં માણસોને કેવી રીતે ભરમાવે છે વગેરે એમની સાદી અને ઉત્સાહભરી ભાષામાં ઠીક ઠીક કહ્યું છે. એ નિબંધના મુખપૃષ્ટ ઉપરનો શ્લોક અમારા વાંચનારાના કુતુહલની ખાતર આપીએ છીએ.

गणिकागणकौ समानशीलौ
निजपञ्चाङ्गनिदर्शकावुभौ
अधमोत्तमयः प्रकामतुष्टयैः
विधिना वित्तहरों विनिर्मितौ ॥ १ ॥

આ શ્લોક જ નિબંધમાં શું શું કહ્યું હશે તેનો સહજ ખ્યાલ આપશે ! કવીશ્વરની

‘તમે એક્કે જંઈ નહિ આપશે જઈ જોશીને,
‘દઈ દેજો પૈસા પાંચ ડોસા ડોશીને
‘કાંઈ ઠાલા કુવામાં ઠેલીએ જઈ જોશીને
‘નિતનિત કરીએ નમસ્કાર ડોસા ડોશીને' ઈ. ઈ.

એ રમુજી ગરબી તો અમારા વાંચનારાઓને યાદ હશે.

ખોળ કરતાં શુકન વિશે સુભાગ્યે ‘નજુમનામું’ અને ‘શીયાળ—શુકનાવળી’ નામનાં બે નાનાં ફટાકીયાં, તેમ જ ‘નેપોલિઅનની શુકનાવળી’ એવા મોટા નામનું છપાનીયું એટલું જ માત્ર આ વ્હેમનું સાહિત્ય ઉદ્‌ભવ થવા પામ્યું છે.  ૧૨ વૈદ્યક–આરોગ્ય.

છેક ઇ. સ. ૧૮૫૦ માં મી. રૂસ્તમજી શરાબજી તરફથી ડા. મેકલીનના શારીરશાસ્ત્રનું ભાષાન્તર થયું હતું. ૧૮૭૫–૭૬ માં ડા. ધીરજરામે શારીરવિદ્યાના–૧ અસ્તિવિધા અને ૨ માંસપિંડ એવા બે જૂદા જૂદા ભાગ બહાર પડ્યા હતા. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ શરૂવાતમાં શીળી કઢાવવા સંબંધી લોકોમાં વ્હેમ હોવાથી સ્વ. મગનલાલ વખતચંદ પાસે ‘શિળી વિષે નિબંધ’ લખાવ્યો હતો. આટલા વર્ષ પછી આપણને વખતે એમ લાગે કે એ વિષયના નિબંધની શી જરૂર ? દરેક માબાપ પોતાનાં છોકરાંને શીળી તો કઢાવે જ. પણ તે કાળે તેમ નહોતું. શીળી કાઢનાર આવ્યો જાણીને લોકો પોતાનાં બચ્ચાં સંતાડી દેતાં. શીળી કાઢનારથી ભડકીને વખતે આખા ગામના લોકો નાશી જતા. શીળી વિશે સામાન્ય લોકો શું માનતા એનો ખ્યાલ દલપતરામના રાજ્યવિદ્યાભ્યાસમાંથી આપેલી નીચેની કવિતાની લીંટીઆથી સમજાશે.

બળિયા કાઢે નિસરે ફરી, માતા માટે કોપજ કરી
જેને ફરિ બળિયા નિસરે, એને દાક્તર એવું કરે
ખૂબ ખાટલા સાથે ઘસે, જ્યાં સુધી જીવથી તે જશે.

(રાજવિદ્યાભ્યાસ.)

યુનાની વૈદ્યકના પુસ્તક ‘તીબેસાહબી’ નાં ભાષાન્તર થયાં છે. પણ તેમાં ઝાઝો માલ નથી.

સંસ્કૃત વૈદ્યકના ગ્રંથ ‘હારીતસંહિતા,’ ‘સુશ્રુત,’ ‘ચરક, ‘વૈદ્યામૃત,’ વગેરેનાં ભાષાન્તરો બહાર પડ્યાં છે. ‘વૈદ્યજીવન’ અને ‘વૈદ્યાવતંસ’ નામનું પુસ્તક રા. કૃ. ગો. દેવાશ્રયીએ બહાર પાડ્યું છે. એ પુસ્તકનું ભાષાન્તર સાઠોદરા નાગર સ્વ. પ્રાણલાલ બળદેવજી મુનશીએ કર્યું હતું. એ મૂળ ગ્રંથ ઘણો નામીચો છે. એની કીર્ત્તિ એમાં સમાયલા વૈદ્યકજ્ઞાનને માટે જ નહિ પણ એનાં સુંદર પદલાલિત્ય અને શ્લેશાદિક યુક્તિઓને લીધે છે. આમ કરીને ગ્રંથને શૃંગારમય કરી દીધો છે. ભાષાન્તરમાં  મૂળના જેટલો ઉઘાડો શૃંગાર નથી અને પદ્યબંધ કૌશલ્યથી કર્યું છે. વૈદ્યકના ગ્રંથ તરીકે અગર કાવ્યગ્રંથ તરીકે એમ ગમે તે ઉદ્દેશે પણ આ ગ્રંથ વાંચવા લાયક છે. દેશી વૈદાની અવનતિ થવાથી એવાં પુસ્તકો પર અભિરૂચી ઓછી છે.

મુંબાઈના સુવિખ્યાત વૈદ્ય પ્રભુરામજી અને સર. ડા. ભાલચંદ્ર વગેરેના સ્તુત્ય પ્રયાસથી દેશી વૈદ્યકનો પુનરૂદ્ધાર કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ છે. જૂના દેશી વૈદ્યકના ગ્રંથોનો અભ્યાસ એથી વધશે અને જૂના ગ્રંથોનાં ભાષાન્તરો પણ વધશે એવી આશા ફળીભૂત થવાનો સંભવ છે.

સન ૧૮૬૯ માં સુરતના પણ ભાવનગરનિવાસી ડા. બરજોરજી‘વૈદ્યક જ્ઞાન’ નામનો સુંદર અને મોટો ગ્રંથ પ્રસિદ્ધ કર્યો હતો. પોતાના ગ્રંથમાં એમણે શારીરવિદ્યા, ઇંદ્રિયવિજ્ઞાન, રોગનાં લક્ષણ અને ચિકિત્સા સાદી ભાષામાં ઠીક સમજાવ્યાં છે. ઇંગ્રેજી દવાની સાથે સાથે યુનાની વૈદ્યક પ્રમાણે નૂસકા પણ આપીને પોતાના કિંમતી ગ્રંથને ઓર કિંમતી બનાવ્યો છે.

જૂનાગઢ વાળા પ્રખ્યાત સ્વ. ડા. ત્રિભોવનદાસ શાહે શારીરવિદ્યા, વૈદ્યક, શસ્ત્રવિદ્યા, પ્રસુતીકળા, સાર્વજનિક આરોગ્ય, રોગનાં લક્ષણ, ચિકિત્સા વગેરે બાબતોનો એક મોટો ગ્રંથ ગુજરાતી સાહિત્યભંડોળમાં ઉમેર્યો છે. દેશી વૈદ્યકશાસ્ત્ર પ્રમાણે ચિકિત્સા અને દેશી દવા વગેરે બનાવવાની સમજૂત પણ આપી છે. દેશી તેમ જ ઇંગ્રેજી દવાના ગુણદોષ, માત્રા વગેરે આપીને ગ્રંથને ઘણો ઉપયોગી કર્યો છે. ડા. બરજોરજીના ગ્રંથમાં યુનાની વૈદ્યકની તો ડા. ત્રિભુવનદાસનામાં સંસ્કૃત વૈદ્યકશાસ્ત્રની ખાસ ખુબી છે. એ બન્નેના પુસ્તકોની સ્પર્ધા કરે એવું એકે પુસ્તક ભાષામાં થયું નથી.

સરકાર તરફથી ઘણી મોટી રકમ આપીને લખાયલા દા. કનિંગહામના આરોગ્ય સંબધી નાના પુસ્તકનું ભાષાન્તર થયું છે. તેમજ ડા. ત્રિભુવનદાસ, અને બીજા ઘણાઓએ આરોગ્ય સંબંધી પુસ્તકો લખ્યાં છે.

સ્ત્રી ઉપયોગી સુચના નામે ખાસ સ્ત્રીઓના રોગ વગેરેને લગતી સારી ચોપડીઓ ડા. ધીરજરામે ઘણા કાળ પૂર્વે લખી હતી. ત્યારબાદ  ડા. રવિશંકર અંજારિયાએ અને બીજાઓએ પણ એ વિષયપર પુસ્તકો લખ્યાં છે. સગર્ભા સંરક્ષણ વગેરે ઉપયોગી પુસ્તકો પણ ઉમેરાયાં છે.

અકસ્માત્ અને તે વખતે શું કરવું વગેરે સૂચનાવાળાં ઘણાં ઉપયોગી પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં વડોદરાના પારસી ડા. ધનજીભાઇનાં પુસ્તકો ઘણાં વખણાયાં છે.

ઢોરના રોગ સંબંધી નાનાં પુસ્તકો સરકાર તરફથી વ્હેંચાયાં છે. આમ છતાં પણ વૈદ્યકની કેળવણી ઇંગ્રેજીમાં અપાતી હોવાથી અને ઇંગ્રેજીનો પ્રચાર વધારે થવાથી આવાં પુસ્તકો ઝાઝાં લખાવા વંચાવાનો સંભવ બહુ જણાતો નથી.

૧૩ રમતો.

આ વિષયની નાની ચોપડીઓ પ્રસિદ્ધ થઈ છે. ‘શેત્રંજની રમત’ અને ‘દેશી રમતો’ નામનાં પુસ્તકો હયાતીમાં આવ્યાં છે. શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી રમતોનાં કેટલાક સુંદર પુસ્તકો પ્રગટ થયાં છે.

૧૪ હૂન્નર અને કળાઓ.

સાઠીના શરૂવાતના કાળમાં રા. ઉત્તમરામ પુરૂષોત્તમે ‘પાકશાસ્ત્ર’ નામનું નાનું પુસ્તક લખ્યું હતું. આ વિષયમાં પ્રથમ થયેલું પુસ્તક એ જ છે. એની ત્રીજી આવૃત્તિ સન ૧૮૬૯ માં થઈ હતી. આ પુસ્તક માત્ર હિંદુઓને જ ખપ લાગે એવું છે. સન ૧૮૭૮ માં બીજું એક ‘પાકશાસ્ત્ર’ બહાર પડ્યું હોય એમ જણાય છે. તે જ વર્ષમાં ‘પકવાન પોથી’ નામનું પુસ્તક એક પારસી ગૃહસ્થે બહાર પાડ્યું હતું. નામદાર ગાયકવાડ સરકારે પોતાની “જ્ઞાનમંજૂષા’ માં પાકશાસ્ત્રનો સારો ગ્રંથ લખાવ્યો છે. આ ગ્રંથનાં ત્રણ મોટાં પુસ્તક બન્યાં છે, તેમાં દક્ષણિયો તે ગુજરાતીઓ વગેરે નિરામિષ આહાર કરનારાને ખપ લાગે એવા પ્રકારનાં ભોજન બનાવવાની અને તેમાંએ મદ્રાસ તરફની રીતીઓ મોટે ભાગે વર્ણવેલી છે. મૂળ પુસ્તક મરાઠીમાં રચાવ્યું છે અને રા. છગનલાલ મોદીએ તેનું ગુજરાતી ભાષાન્તર કર્યું છે. આ વિષયમાં એ ગ્રંથની સ્પર્ધા કરે એવા બીજો ગ્રંથ નથી.  આ સાઠીમાં દેશદાઝવાળા ઘણા વિદ્વાનોનું લક્ષ દેશી કારીગરીની દિવસાનુદિવસ અધમ થતી દશા તરફ દોરાયું છે. જૂદા જૂદા ધંધાની જરૂરીઆતની માહિતી આપનારાં પુસ્તકોની ખાસ જરૂર હતી અને તેમ કરવાનો ખાસ પ્રયાસ પણ થયો હતો. ઈ. સ. ૧૮૬૮ માં સુરતમાં કોઈ એ ‘મોતીના હિસાબની પડી’ એ નામે ઝવેરીઓનો ધંધો કરનારને ઉપયોગી થઈ પડે એવી સમજૂત સાથે કોષ્ટકો છપાવ્યાં હતાં. દેશમાં મીલોના ઉદ્યોગનો વધારો થવાથી તેમાં જૂદી જૂદી જાતની કારીગરીનો ખપ પડવા લાગ્યો. કાંતનાર, ખરાદી, વણનાર, વગેરેના ધંધાની હકીકત જણાવતાં પુસ્તકો ભાષામાં ન હોવાથી ઘણી મુશ્કેલી પડતી. આમ વસ્તુસ્થિતિ હોવાથી એ ધંધામાં પડેલા કેટલાક ગૃહસ્થોએ પોતાના ધંધા સંબંધી પુસ્તકો લખ્યાં છે. છેક ઈ. સ. ૧૮૭૦ માં ‘રૂ કાંતનારનો મદદગાર’ એ નામની ચોપડી લખવાની પહેલ એક પારસી ગૃહસ્થે કરી હતી. ત્યારપછી ‘ટર્નર અને ફીટરનો ભોમીઓ’ એ નામનું પુસ્તક પ્રગટ થયું હતું. સ્વ. લલ્લુભાઇ મથુરાંદાસે પોતાની ‘કાપડ બનાવવાના હન્નરની ચોપડી’ ઈ. સ. ૧૮૭૯ માં પ્રસિદ્ધ કરી હતી. મી. એલચીદાના નામના પારસી ગૃહસ્થે મીલના ઇંજનેરોને માટે પણ એક દળદાર પુસ્તક લખ્યું છે. અમુક અમુક ધંધાની પરીક્ષાઓ માટેની યોગ્યતા સંપાદાન કરવામાં આવી ચોપડીઓ મદદગાર થઈ પડે છે. આ સીવાય ‘ઢોળ ચડાવવાના હુન્નર’ નાં પણ બે એક પુસ્તક લખાયાં છે. સૂર્ય કિરણથી છબી પાડવાની કળા–ફોટોગ્રાફી વિશે પણ એકાદ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું છે. અમદાવાદના એક સૂતારે પણ પોતાના ધંધામાં જરૂર જોગાં જ્યોતિષ, ફળાદેશ અને ગણિતનું એક નાનું પુસ્તક બહાર પાડ્યું છે. ઉપર ગણાવેલા ધંધા સિવાય બીજું કોઈધંધાના સંબંધમાં કોઈ પુસ્તક લખાયાનું જાણમાં નથી. એક બીજી જાતનાં જેમાં પરચુરણ નુસકાઓ અને ઘણા ઘણા ધંધા તેમજ બાબતો સમાવી હોય એવાં કેટલાંક પુસ્તકો બહાર પડ્યાં છે. માણસાની કન્યાશાળાનાં મ્હેતી સૌ. ગંગાબાઇએ આવો ‘હુન્નર રત્નાકર’ કાઢ્યો છે. રા. મોતીલાલ કશળચંદ શાહે પણ આવો એક હુન્નરનો ખજાનો’ ગુજરાતી પ્રજા આગળ ખૂલ્લો કર્યો છે. ઇંગ્રેજીમાં ‘ઈન્કવાયર વુધીન અપ્ ઓન્ એવરી થીંગ’ નામની ચોપડી  છે તે આ બધાં પુસ્તકનો મૂળ પાયો છે. આવાં પુસ્તકો અમને તો માત્ર નવરાશની વખતે અજાયબી દાખલ પાંચ મિનિટ વાંચવા જેવાં જણાય છે. એ દરીઆમાંથી અગર ભંડારમાંથી અમુક ધંધો લેવાય એ સંભાવ્ય જ દેખાતું નથી.

અમુક ધંધા અગર હુન્નરનું વર્ણન ન આપ્યા છતાં પણ આ વર્ગનું છે એક જ સુંદર પુસ્તક આ સાઠીમાં થયું છે. આ પુસ્તક રા. રા. હરગોવંદદાસ કાંટાવાળાનું ‘દેશી કારીગરીને ઉત્તેજન ભાગ, ૧ લો’ છે. દેશી કારીગરીની અધમ અવસ્થા, દેશી કારીગરોની દુર્દશા અને પરદેશી કારીગરીથી દેશમાંથી દ્રવ્ય પરદેશ તણાઈ જાય છે એ વાતની કેાઈથી ના કહેવાતી નથી. સ્વ. નવલરામ આ પુસ્તકને આવકાર આપતાં કહે છે તેમ આ દુઃખના બે જ ઉપાય છે. એક તો યૂરોપના હુન્નરો શિખવા અને આપણા દેશમાં દાખલ કરવા, અને બીજો બને ત્યાં સુધી પરદેશી માલ ન લેવો. એઓ પોતે જ પોતે કરેલી સૂચનાના સંબંધમાં કહે છે કે આ બીજો ઉપાય એકદમ અમલમાં આવે એવો નથી. વિદ્યાકળામાં આપણે એટલા બધા પછાત છૈએ કે પહેલો ઉપાય અમલમાં લાવી શકીએ નહિ. તેમજ છેક સોય દોરાથી માંડીને યુદ્ધના શસ્ત્ર સુધી દરેક વસ્તુને માટે આપણો આધાર પારકા ઉપર છે. માટે પરદેશી માલ ન જ લેવો એ બની શકે એવું નથી. પણ જો રફતે રફતે અને થોડી થોડી બાબતમાં આપણે દૃઢતાથી આગ્રહ લઈએ તો આપણે ધીમે ધીમે કારીગરીની બાબતમાં સ્વતંત્ર થઈ શકીએ. આ બાબતમાં પ્રથમ જરૂર લોકોનાં મન આ તરફ વાળવાની છે; અને આ જરૂર મનમાં ઠસાવવી જોઈએ છે. છેક ઈ. સ. ૧૮૭૫–૭૭ સુધી આવી મહત્ત્વની બાબત ઉપર કોઈનું લક્ષ ગયું હોય એમ જણાતું નથી. આ સાલમાં ઉપર કહેલા સ્તુત્ય ઉદ્દેશથી રા. સા. હરગોવંદ દાસે પોતાનું પુસ્તક લખ્યું હતું. એ ઉદ્દેશે એ વિદ્વાને પોતાની અલેક કેવી રીતે જગાવી હતી તે તે સમયના માણસોના મનમાં તાજી જ હશે. એ ચોપડીમાં પ્રથમ રસભરી રીતે હિંદુસ્થાનની પ્રાચીન સ્મૃદ્ધિનું વર્ણન કર્યું છે. અને પછી હાલની નિર્ધનતા ઉપર ઉતરી પડે છે; કદાપિ કોઈને  આપણે નિર્ધન થતા જઈએ છઈએ એ વિષે કાંઈ સંદેહ હોય–અને કેટલાક એવો સંદેહ લઈ જનારા પણ દેશમાં છે–તેના પ્રતિબોધને અર્થે જૂદી જૂદી વર્ણની અવસ્થા વિસ્તારથી વર્ણવી છે. કોળી વગેરે કેટલાક ગરીબ ગામડીઆનાં દુઃખનું જે વર્ણન કર્યું છે તે વાંચતાં આપણી રૂવાંટી ઉભી થાય છે. અને એમ જ મોંમાંથી નીકળી જાય છે કે અરે પ્રભુ આ તે માણસ જાતની શી અવસ્થા ? પછી યૂરોપના ઇંગ્લંડ વગેરે દેશની સમૃદ્ધિ સાથે મુકાબલો વિધવિધ રીતે કરી બતાવ્યો છે. અને તેના કરતાં તો આપણે ઉતરતા છઈએ તેની કોઈ પણ અર્થવિદ્યાના જાણનારથી ના કહી શકાતી નથી. એ રીતે એ ચોપડીનો પહેલો ભાગ પૂરો થાય છે. બીજા ભાગમાં આપણી નિર્ધનતાનું મુખ્ય કારણ જે કારીગરીની પડતી તેનું વર્ણન કરે છે. એ વાંચતાં તો એમ જ થાય છે કે પરદેશી માલ વિના બીજું આપણે વાપરીએ છઈએ જ શું ? બધું જ પરદેશી ? આ ઠેકાણે પરદેશી માલ ન વહોરવાની ભલામણ ગ્રંથકર્ત્તા સરસ છટાથી કરે છે. અને કેટલાક તે કામને અર્થવિદ્યાના નિયમોની વિરૂદ્ધ જવા જેવું ગણે છે તેનો અર્થવિદ્યાના નિયમથી જ સારો ખુલાસો કરે છે. અર્થવિદ્યાનો જ નિયમ છે કે જો કોઈ દેશમાં કોઈ એકાદો હુન્નર બચપણમાં હોય તે તેને ઉછેરવાને માટે થોડાં વર્ષ સુધી પરદેશના માલને આવતો અટકાવવો જોઈએ. હાલ આપણા દેશમાં સંચાઓ નવા દાખલ થવા લાગ્યા છે તેથી તેને આવા આશ્રયની જરૂર છે. જ્યાં પોતાનું રાજ્ય હોય ત્યાં તો રાજ્ય તરફથી જ એવી જકાત પરદેશી માલ ઉપર મુકવામાં આવે છે કે તે આવતો બંધ પડે છે, અને એટલામાં દેશી હુન્નરને પુષ્ટિ મળે છે. પણ હાલ હિંદુસ્તાનમાં તો એ કામ લોકોને માથે આવી પડ્યું છે. અને તેથી એ કેમ બને તેનો વિચાર પડે છે. તેને માટે નિબંધકાર સમજાવે છે કે લોકો સોંઘો જાણી વિલાયતી માલ લે છે, પણ વિચાર કરે તો તેમાં ખોટ છે. ત્રીજા ભાગમાં આપણાથી કેટલું બની શકે તે વિષે ચર્ચા ચલાવી છે. અહીં એ પુસ્તકની સહેજ નોંધ શીવાય બીજું કહી શકાતું નથી, એ શોચનીય છે. તેમ જ આખા રસમય નિબંધમાંથી અવતરણ તારવી કાઢવાં એ મુશ્કિલ છે. વાંચનારને એ પુસ્તક આખું  વાંચવાની ભલામણ કર્યા વગર રહેવાતું નથી. સ્વ. નવલરામના જ બોલમાં કહીએ છઈએ કે ‘અમને નિશ્ચય છે કે જે એકવાર એ હાથમાં વાંચવા લેશે તેનાથી તે નિબંધ પૂરો કર્યા વિના હેઠે મૂકાવાનો નથી.’ આપણા દેશમાં ઘણા હૂન્નર અને ધંધા છે પણ તેના સંબંધી માહિતીને સારૂં પુસ્તકોની ઘણી જ જરૂર છે. આવું વિશાળ ક્ષેત્ર છતાં નવાં પુસ્તકો થતાં નથી એ શોચનીય છે.

જે સાઠીની હકીક્ત અમે આપીએ છઈએ તેમાં લોકો કેળવણીમાં ઘણા પછાત હતા તે અમે કહી ગયા છઈએ. ઘણી ઘણી તરેહના વ્હેમો આવા કાળમાં પ્રચલિત હોય જ. તે કાળમાં લોકોની શ્રદ્ધા જાદુ, મુઠ, ચોટ વગેરે ઉપર વિશેષ હતી. માણસ માંદુ પડે કે કીઆ વૈદ્યને બોલાવવો એના કરતાં કોની પાસે દોરો કરાવવો કે પાણી મંત્રાવવું એ વિચાર પહેલો થતા. આવી સ્થિતિ હોવાથી જાદુનું ભોપાળું ઉઘાડવાને માટે સ્વ. દુરાઘારામ મહેતાજીએ ઘણો પ્રયાસ કર્યો હતો. ‘એમના પ્રયાસથી ‘જાદુ’ પક્ષે વ્યવહારી પ્રત્યક્ષ ફળ થયું હતું. વિચાર પ્રસિદ્ધ કરવાની જુક્તિ દુરઘારામમાં સરસ હતી. જાદુના વ્હેમમાંથી લોકને મુક્ત કરવા સારૂ તે ખોટો છે અને જે કોઈ ખરા ઠેરવી આપે તો તેને અમે ઈનામ આપવા તૈયાર છૈએ એવી મતલબની જાહેરખબરો છપાવી ( સુરતમાં ) ભાગોળે, દરવાજે અને ચકલે અકેલે ચોડી દીધી અને જે મોટા મોટા ભુવાઓ કહેવાતા તેને ઘેર પણ મોકલી. મહેતાજીની સો જાહેરખબરો કરતાં પણ જબરી જીભે એ વાત ફેલાવી હશે તે તો જૂદી જ. શહેરમાં હોહા થઈ ગઈ. સુરતમાં મળતી માનવધર્મ સભાની ત્યાર પછીની બેઠકને દિવસે એકદમ બે હજાર આદમી ભેળું થઈ ગયું. સો બસેં સભાના માળમાં માયા, અઢીસેંક તે માળની અગાસીમાં બેઠા, અને બાકીના બધા બારણે જ ઉભા ઉભા ધક્કામુકી કરવા લાગ્યા; જાદુનો ફાંકો ધરાવનારા પણ આવ્યા હતા; મહેતાજીએ એ બધી ઠઠ સાંભળે તે પ્રમાણે જાદુ ખોટો છે એવું હમેશની ઢબે ભાષણ આપ્યું, જાદુથી ઠગાયલા ચારપાંચ જાણીતા માણસો (જેને સભામાં ખસુસ સમજાવી આણ્યા હતા ) તેઓએ ઉઠીને પોતાની જાતની વીતેલી હકીકત કહી સંભળાવી.  અને છેવટે મહેતાજીએ બારીએ જઈ બુમ પાડી કે કોઈ જાદુગર કે મંત્ર શાસ્ત્રી છે ? હોય, તો આવે અને જાદુ ખરો કરી આપે. જાદુગરો સામા ઉભા હતા. પણ, કોઈની હિમ્મત ચાલે નહિ. એમ કેટલીકવાર બુમ પાડ્યા પછી, તથા રાહ જોયા પછી સભામાં એકે પોકારીને કહ્યું કે જાદુની વાત ખોટી છે અને તેથી કોઈ આવી શકતું નથી ! આ રીતે પહેલે તડાકે જ સુધારાનો ડંકો થયો. લોકને આ વાતનો રસ વધ્યો, અને તેમાં વજો કરીને એક જૂસ્સાવાળો પણ ભોળો ભૂવો હતો તે પોતાની પાસે તો જાદુ નહિ છતાં જાદુ ખોટું કેમ હોય એવા ભરમની ખાતર જ સામો થયો, લડ્યો, આથડ્યો, ને બહુ બહુ તરફડીઆં માર્યાં. આથી મહેતાજીની જીત સંપૂર્ણ થઈ. સામસામા જાહેરનામાંઓ ચાલ્યાં, ચાર પાંચવાર સભાઓ મળી. સુલેહનો ભંગ થવાનો વખત પાસે આવવા લાગ્યો, મારામારીની તૈયારીઓ થઈ. ફોજદારે ડરીને એ બે પક્ષવાળાને તકરાર કરતા અટકાવવા ઉપરીપર લખાણ કર્યું. અને છેલ્લી સભાને દહાડે તો છૂ થઈ ગએલા છુમંતરવાળા બસેં ઠગારાઓનું ટોળું તાળીઓ અને ચીસો પાડતું મહેતાજીની પૂંઠે લાગ્યું. અને મહેતાજીનાં ભાગ્ય કે ચાલતાં સ્વ. દાદોબાનું ઘર આવી પહોંચ્યું, નહિ તો પેલા દુષ્ટો હાડકાં ભાગી જ નાંખત !’ ‘જેઓ માનવધર્મ સભાના સભાસદોને તથા તેમના આગેવાનોને નાસ્તિક તથા ધર્મભ્રષ્ટ કરી નિંદતા અને ધિક્કારતા હતા તેઓ આ જયથી તાજુબ થઈ નરમ પડ્યા. ભૂત, ડાકેણ, અને જાદુના વહેમને મોટો ધોક્કો લાગ્યો. ઉગતી પ્રજાના મન ઉપર સારી અસર થઈ અને મોટી ઉમરના જે માણસો થોડો ઘણો વિચાર કરી શકે તેવા હતા તેઓ પણ કાંઈક ચેત્યા. ઉંચવર્ણની સ્ત્રીઓમાં ભૂત ઓછાં આવવા લાગ્યાં. તેમના મનમાં ફજેતીની ધાસ્તી પેઠી.’

સુરતમાં આવો સ્હોર મચ્યો હતો, તેમ અમદાવાદમાં પણ કવીશ્વર દલપતરામના ‘ભૂતનિબંધે’ અને ખુશાલરાયના ‘ડાકણનિંબંધે’ આ વહેમને સારા ફટકા લગાવ્યા હતા. આ નાની ચોપડીઓએ પ્રજાનું બહુધા કલ્યાણ કર્યું છે. લગભગ આવા જ સમયમાં અમદાવાદના વ્યાસ ઇચ્છાશંકરે ‘જાદુકપટ પ્રકાશ’ નામનું પુસ્તક સન ૧૮૬૮ માં પ્રગટ  કર્યું હતું. તેમાં સાદી અને રમુજી ભાષામાં ‘બાજીગર,’ ‘જાદુગર,’ ‘કિમિયાગર,’ ‘વાદી’ વગેરેનાં ભોપાળાં ઠીક કહાડ્યાં છે. એ પુસ્તકે પ્રગટ થતાં સારો ખળભળાટ મચાવ્યો હતો. ઈચ્છાશંકર પોતે પ્રથમ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીમાં કારકુનની નોકરીપર હતા. પછવાડેથી એમણે જાદુના ખેલ કરવામાં અને કથા કહેવામાં સારૂં વિત્ત અને આબરૂ સંપાદન કર્યાં હતાં. એમના જાદુના ખેલ બહુ આનંદદાયક થઈ પડતા. એઓ ખેલ કરી રહ્યા પછી અગર શરૂઆતમાં નાનું ભાષણ કરી જાદુના ખેલના ખોટારા વિષે–એ બધું જાદુ નહિ પણ હાથ ચાલાકી છે એવું ભાષણ કરતા. કેળવણી પામેલા અને બીજાઓ એમને જૂદે જૂદે ઉદ્દેશે મદદ આપતા. પોતાના પુસ્તકના બીજા બે ભાગ એમણે બીજાં પાંચ છ વર્ષ પછી કાઢ્યા હતા. એમનું જોઈને બે એક પારસીઓએ પણ ‘જાદુ ચરિત્ર પ્રકાશ’ અને ‘જમશેદી તીલસમ’ નામનાં પુસ્તકો ૧૮૭૩–૭૪ માં પ્રગટ કર્યાં હતાં. પરંતુ ઈચ્છાશંકરનાં પુસ્તકોને ભુલાવે એવું કાંઈ આ વિષયમાં પ્રગટ થયું નથી.

૧૫ સંગીત:—

આ મનોરંજક વિષયનાં સંસ્કૃત પુસ્તકોનાં ઝાઝાં ભાષાન્તરો થયાં જણાતાં નથી (શ્રીમંત ગાયકવાડ સરકાર તરફથી સંગીત પારિજાતનું ભાષાન્તર થયું છે તે શિવાય ) પચ્ચીશ ત્રીસ વર્ષની પૂર્વે લોકોની અભિરૂચી હાથનાં વાજાં–કાન્સર્ટીના–તરફ વિશેષ હતી; તેવામાં ‘કોન્સર્ટીનાની ચાવી’ ‘કોન્સર્ટીનાનો ભોમીઓ’ વગેરે નાનાં પુસ્તકો નીકળ્યાં હતાં. કોન્સર્ટીનાના શોખના મરણની જોડે આવાં પુસ્તકોનો પણ અવસાન કાળ આવી ગયો છે.

મી. કાબરાજીએ દેશી સંગીત ખીલવવાને સારો પ્રયત્ન કર્યો હતો. એઓ એમના વ્યાખ્યાનોમાં અને રાસ્ત ગોફતરમાં લખેલા સંગીત વિશે લેખોમાં સંગીતના સંસ્કૃત પુસ્તકના ઉતારા વખતે આપતા અને એ સંસ્કૃત ગ્રંથનાં ઇંગ્રેજી ભાષાન્તરના ઈસારા કરતા. પણ દેશી સંગીત શાસ્ત્રનું કોઈ પુસ્તક લખાયું હોય એમ જણાતું નથી.  વડોદરાવાળા પ્રો. મૌલાબક્ષે દેશી સંગીતના ઉદ્ધાર અર્થે સારો પ્રયાસ કર્યો હતો. એમની તરફથી સંગીત લખવાની રીત ખોળી કાઢવાનો ઠીક યત્ન થયો હતો. તથાપિ ગુજરાતી સાહિત્યમાં એ ચોપડીઓ પ્રવેશ થવા પામી હોય એવું અમારી જાણમાં નથી. એ વિદ્વાન પ્રોફેસરના દીકરા મી. પઠાણ વિલાયત જઈને ઇંગ્રેજી મ્યુઝિકની ઉંચી ડીગ્રીઓ સંપાદન કરી આવ્યા છે. પણ તેમની તરફથી પણ કાંઈ લખાયું જાણવામાં નથી.

થોડાં વર્ષ અગાઉ ‘તાળચક્ર’ નામે ‘તાલશાસ્ત્ર’નું નાનું પુસ્તક પ્રગટ થયું હતું. કાઠીઆવાડના જામનગર નિવાસી પ્રખ્યાત તાલશાસ્ત્રી સ્વ. આદિતરામજીએ રાગ અને તાળ પ્રકરણનો ‘સંગીતાદિત્ય’ નામે સુંદર ગ્રંથ ભાષામાં ઉમેર્યો હતો. એક મદ્રાસી ગૃહસ્થ રા. મિનાપ્પાએ પણ નવાં સ્વરચિન્હ કલ્પીને ગાયન લખાય એવી સુગમતા કરી છે. રા. મિનાપ્પાનો ગ્રંથ વિદ્વત્તા ભરેલો છે. અમારા જાણવા પ્રમાણે એમણે વડોદરાની સંગીતશાળામાં અભ્યાસ કરેલો છે. એજ સંસ્થામાંથી સંગીત શીખનાર રા. બર્વે એ વિષય ઉપર છૂટા છવાયા લેખો લખે છે, પણ તેમનો કોઈ ગ્રંથ જાણવામાં નથી. દેશી સંગીતની હાલની સ્થિતિ બહુ શોકજનક છે. નીચ પેશો કરનાર સ્ત્રીઓ અને વગર કેળવાયલા અજ્ઞાન ગાયકો હાલમાં આ દિવ્ય કળાનાં આચાર્યપદ ભોગવે છે. દેશી સંગીતની સ્થિતિ આવી શોકજનક છે. આવી વસ્તુસ્થિતિમાં એ વિષયના સાહિત્યનું પણ બાઢમ્ હોય એ સ્વાભાવિક જ છે.


    *નવલરામ.

  1. *અમારી સન્નિધમાં કવિયે પોતાના કોઈ મિત્રને હસતાં હસતાં કરેલી વાત અમને સાંભરે છે. કવિ કહે મને એમ થાય છે કે હું મારા કોષની કિંમત હજાર કે દોઢ હજાર રૂપિયા રાખું એટલે સરકાર ફરજીયાત ત્રણ નકલ ખરીદે છે તેમાં મને ત્રણ ચાર હજાર તો મળે !
  2. * જાણીને ઘણો ખેદ થાય છે કે એ વિદ્વાને હમણાં જ ગોલોકવાસ કર્યો છે.
  3. x

    અવિનિ પઠે લવિ થૈ કવિ, અલંકાર પરવેશ,
    રસ, પિંગળ પરવેશમાં, બૌ કાઢ્યા છે વેશ.
    મિથ્યાભિમાન મત ખંડન ગ્રંથ.