સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૯

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૮. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૯.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૧૦. →


પ્રકરણ ૯.

જૈન સાહિત્ય.

છેલ્લી સાઠીમાં પ્રસિદ્ધ થયેલા જૈન ગ્રંથોમાં ઘણા ખરા તો જુના વખતમાં લખાયેલા ગ્રંથોના મૂળ કે ભાષાન્તરો જ છે. સ્વતંત્ર ગ્રંથો એટલે આ સાઠીમાં રચાએલા મૂળ ગ્રંથો તો ઘણાજ થોડા છે. તથાપિ તે પ્રમાણે પણુ ગ્રંથ પ્રકાશનનું જે કાર્ય થયું છે તે ઘણું થયું છે એમ ગણવા જેવું છે.  જુદી જુદી જૈન સંસ્થાઓએ તથા જૈન લેખકોએ જૈન સાહિત્ય ક્ષેત્રની કેવી સેવા બજાવી છે તેનું દિગ્દર્શન માત્ર કરાવવાની અમે કોશિષ કરીશું. તેમજ જૈન સાહિત્યની ઉદ્‌ભવ અને ઉદયને સારું જેમણે જેમણે ભાગ લીધો છે તેમને માટે પણ ઘણાજ ટુંકાણમાં કહીશું. જે જે પુસ્તકો કે ચોપાનીઆંઓ જોવા કે જાણવામાં આવ્યાં છે તે ઉપરથી આ પ્રકરણ ઉપજાવી કાઢ્યું છે અને એને માટે અમે અમારા મિત્રો અને તેમાંએ રા. પોપટલાલ કેવળચંદ શાહના આભારી છઈએ.

આ સાઠીમાં ગુજરાતી ભાષામાં જૈન ગ્રંથો રચી બહારં પાડનાર તરીકે નીચેના ગૃહસ્થો અને સંસ્થાઓ જોવામાં આવે છે.

શતાવધાની કવિ રા. રાજચંદ્ર રવજી.

વવાણીઆ–મોરબી–કાઠિઆવાડ.

જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર.

જૈન આત્માનંદ સભા,,,

જૈન ધર્મવિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા.

જૈન પત્રની ઓફિસ–અથવા રા. ભગુભાઈ ફતેહચંદ કારભારી,
અમદાવાદ.

જૈન સમાચારની : ઓફિસ–અથવા રા. વાડીલાલ મોતીલાલ શાહ,
અમદાવાદ.

મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી.

મુનિરાજ કેશરગણિજી.

,, ચારિત્ર વિજ્યજી.

,,ખોડીદાસજી.

,,કર્પૂર વિજ્યજી.

શેઠ વેણીચંદ સુરચંદ, જૈન શ્રેયસ્કરમંડળ–મેસાણા.

શ્રીમદ યશોવિજ્યજી જૈન પાઠશાળા–બનારસ.

રા. પોપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ.

રા. બાલાભાઇ છગનલાલ શાહ–અમદાવાદ.  ડા. જીવરાજ ઘેલાભાઈ દોશી–અમદાવાદ.
જૈન જ્ઞાન પ્રસારક મંડળ–મુંબાઈ.
પરમ શ્રુત પ્રભાવક મંડળ–મુંબાઈ.
શ્વેત. જૈન કોન્ફરન્સ–મુંબાઈ.
શ્રાવક ભીમસિંહ માણેકની પેઢી.
શ્રીયુત ફતેહચંદ કર્પુરચંદ લાલન.
શાહ હરજીવન રાયચંદ
વડોદરા રાજ્યનું દેશી કેળવણી ખાતું.
માંગરોલ જૈન સભા, મુંબાઈ.
અમદાવાદ જૈન વિદ્યાશાળા.
શેઠ અમરચંદ તલકચંદ તરફથી શ્રીયુત મનસુખ
શા. રવજીભાઈ દેવરાજ મોરબી જૈન સ્કોલર્સ.
ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ, વડોદરા.
ઉમેદચંદ્રજી મહારાજ, ભાવનગર.
રા. બા. ભીમજી મોરારજી, રાજકોટ.
રા. રા. અમરચંદ પી. પરમાર.
સવજીભાઈ રાયચંદ, અમદાવાદ.
મગનલાલ, હઠીસીંગ, અમદાવાદ.
પ્રોફેસર જેકોબી, ડોક્ટર સ્યુએલી વગેરે યુરોપીઅન સ્કોલરો.
એસીઆટીક સોસાઈટી ઓફ બેંગોલ, કલકત્તા.
શેઠ મનસુખભાઈ ભગુભાઈ.
બોમ્બે ગવર્મેન્ટ સંસ્કૃત સીરીઝ.

ઉપર મુજબ આ સાઠીમાં જૈન ગ્રંથ રચનારાઓનાં નામો ગણાવ્યાં પણ ખાસ કહેવાની જરૂર છે કે તે બધાઓમાંથી ખાસ સ્વતંત્ર ગ્રંથ ગણીએ તો તે તો ઘણા જ થોડા છે. બાકી તો ઘણાખરા ગ્રંથો જુના વખતમાં લખાઈ ગયેલાનાં ભાષાંતર જેવા અથવા તો ચર્વિત ચર્વણ જેવા છે.  શ્રીમદ્ રાજચંદ્રે રચેલી મોક્ષમાળા અને પાછળથી તેમના ભાઈ શ્રીયુત્ મનસુખલાલ રવજીભાઈ મહેતાના શ્રમથી પ્રકાશિત થયેલો “શ્રીમદ્ રાજચંદ્ર” નામનો તેમનો મોટો ગ્રંથ એ સ્વતંત્ર લેખો છે, દીગંબર, શ્વેતાંબર, અને સ્થાનકવાસીની એકત્રતા કરવાને ઈચ્છતા એ મહાશયનાં વચનોના ભંડાર જેવા એ પુસ્તકની કીંમત રૂ. ૭) રાખવામાં આવી છે. તેથી ઘણે સ્થળે એ ગ્રંથનો પ્રસાર થયો નથી. પરંતુ તે ગ્રંથ જૈન તથા અન્ય સર્વેએ વાંચવા જેવો છે. તેમનું આત્મ સિદ્ધિશાસ્ત્ર પણ ઘણું સારૂં છે.

સઘળા લખનારાઓના લેખની લંબાણથી નોંધ લેવી અનુકુળ નથી. સ્થળ સંકોચને લીધે એક પછી એક ગ્રંથો તરફ ઉતાવળે નજર માત્ર ફેરવી જઇશું.

ખંડનમંડનનાં નવાં લખાયેલાં પુસ્તકો જેવાં કે સમકિત સાર, સમકિત શલ્યોદ્વાર, સમકિતનો દરવાજો, ઢુંઢક નેત્રાંજન, જેવા ગ્રંથો કે જેને સ્વતંત્ર લેખ જેવા ગણી શકાય તેવું છે તેની નોંધ અહિં લેવાનું અમને ઠીક લાગતું નથી કેમકે તેવા લેખો કે ગ્રંથોથી નાણાં ને શક્તિનો નાહક વ્યય થઈને અંદર અંદર ક્લેશ વધવા શિવાય બીજો ફાયદો અમને સમજાતો નથી. માટે અમે સમગ્ર જૈનકોમના સર્વે લેખકોને વિનંતિ કરીએ છીએ કે એવા લેખો લખવામાં તેઓએ પોતાનાં નાણાં ને શક્તિ ખપાવવાં ન જોઈએ.

(૨) સતી દમયંતીની શિખામણો, વગેરે કેટલીક નાની નાની ચોપડીઓ શ્રીયુત્ વાડીલાલ મોતીલાલ તરફથી રચાઈ પ્રસિદ્ધ થઈ છે. તે ઉપયોગી છે. સ્થાનકવાસી જૈન કોમમાં તેમણે ઠીક જાગૃતી ફેલાવી છે.

(૩) રાજકોટમાં થઈ ગયેલા મુનિશ્રી ખોડીદાસજી જેઓએ મહેતાજી દુર્ગારામ મંછારામ અને મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણીના પરિચયમાં રહી નવી કેળવણીની નવી રોશનીનો કાઠિયાવાડમાં ઉદય પામતો પ્રકાશ જોયો હતો, તેમણે કવિતાઓ લખી છે. તેમાંના બે ગ્રંથો તેમના  શિષ્યોએ પાછળથી પ્રસિદ્ધ કર્યા છે તે બંને ( ખોડાજી કૃત કાવ્યો અને બ્રહ્મદતનો રાસ) જુના વખત જેવા છે. તેમણે બ્રહ્મચર્ય ( શીયળ ) ના સંબંધમાં અંજના સતીનો રાસ રચ્યો છે તે હજી પ્રસિદ્ધિ પામ્યો નથી.

(૪) મેસાણા જૈન શ્રેયસ્કર મંડળ તરફથી વિદ્વાન મુનિરાજ શ્રી કર્પુરવિજયજી વગેરેની મદદથી બહાર પડેલા ગ્રંથમાંના જૈનહિતોપદેશ સ્વતંત્ર ગ્રંથ છે, તે વાંચવા–વિચારવા જેવો છે. પરંતુ સ્વતંત્ર લખવાનું કામ જૈનો તેમજ અન્યને માટે વિકટ ને જોખમભર્યું છે. ખરેખરા મૂળ ગ્રંથો લખાવા મુશ્કેલ છે તોપણ સ્વતંત્ર લેખો લખવાનો જૈન સાધુઓ કે શ્રાવકોનો પ્રયત્ન પ્રસંશનીય છે. ઉદ્દેશ ઉંચા પ્રકારનો હોય ને પ્રયત્ન પારમાર્થિક હોય તો પછી કમેક્રમે ઘણું થઈ શકશે.

(૫) બનારસમાં આવેલ શ્રી જૈન શ્વેતાંબર પાઠશાળા તરફથી યશોવિજય જૈન ગ્રન્થમાળા એ નામનાં પુસ્તકો નિકળે છે તેમાં વ્યાકરણ સંબંધિના ગ્રન્થો નિચે મુજબના છે:–પ્રસિદ્ધ હેમચન્દ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન મૂળ (૬), તેની લઘુવૃત્તિ (૩), શબ્દાનુ શાસનમાં આવતા સૂત્રોની અકરાદિ અનુક્રમણિકા (૧૧), તથા લિંગાનુસાસન અવચૂરિ સહિત (૨) છે તથા શ્રી ગુણરત્ન સૂરિકૃત ક્રિયારત્નસમુચ્ચય (૧૦) આ ગ્રન્થમાં ધાતુરુપકોષની પેઠે હેમચન્દ્રાચાર્ય ના શબ્દાનુશાસનમાં આવતાં તમામ ક્રિયાપદનાં રૂપ તૈયાર કરીને આપેલાં છે. પ્રોફેસર સતીશચંદ્રે આ ગ્રંથમાં ગુણરત્નસૂરિનું ટુંકું ચરિત્ર લખી પ્રગટ કરેલ છે અને શ્રી હર્ષકુલગણિએ રચેલ કવિ કલ્પદ્રુમ નામના ગ્રન્થમાં શબ્દાનુશાસનમાં આવતા ક્રિયાપદના ધાતુઓ અર્થ સાથે આપેલા છે.

ન્યાયના ગ્રન્થો:— શ્રી વાદિદેવ સૂરિએ રચેલ પ્રમાણ–નયતત્ત્વા લોકાલંકાર (૧) મૂળ ગ્રન્થના સૂત્રો છે. તે ઉપર રત્ન પ્રભાચાર્યે કરેલ રત્નાકરાવતારિકા નામની ટીકા (૫) છાપેલ છે. સિદ્ધસેન દિવાકરે રચિત સમ્મતિ તર્ક, અભયદેવ સૂરિએ રચેલ વ્યાખ્યા સાથે  છપાએલ છે. હરિભદ્ર સૂરિએ જેવી રીતે ષડ્દર્શન સમુચ્ચય ગ્રન્થ કરેલ છે, તેજ મુજબ રાજશેખર સૂરિકૃત ષડ્દર્શન સમુચ્ચય સતરમા નંબરે છપાયેલ છે.

ચરિત્ર ગ્રન્થોમાં ધર્મકુમારે બનાવેલ શાલિભદ્ર ચરિત્ર (૧૫) તથા મુનિભદ્ર સૂરિએ બનાવેલ શાન્તિનાથ મહાકાવ્ય ગ્રન્થો છે તથા કથાના ગ્રન્થોમાં પર્વ કથાસંગ્રહ ( ૧૬ ) માં જ્ઞાનપંચમી માહાત્મ્ય ( કાર્તિક સુદ ૫ ) મૌન એકાદશી માહાત્મ્ય, પોષ વદ દશમની કથા, હોળીની કથા એમ કથાઓ છે.

ઈતિહાસના ગ્રન્થોમાં મુનિ સુંદર સૂરિએ બનાવેલ ગુર્વાવલી ગ્રન્થ તથા જગદ્‌ગુરુ કાવ્ય ગ્રન્થ છે. ગુર્વાવલી ગ્રન્થમાં (૪) જૈનોના છેલા તિર્થંકર મહાવીર સ્વામી પછીથી માંડીને સંવત ૧૪૬૬ ની સાલ સુધીમાં જે જે જૈનાચાર્યો પાટ પરંપરાએ એક પછી એક થયા તેમના વિષે ટુંક વર્ણન છે. તથા જગદ્‌ગુરુ કાવ્યમાં (૧૪) અકબર બાદશાહના વખતમાં થયેલ શ્રી હીરવિજય સૂરિનું વર્ણન છે. ગુર્વાવલી મુનિ સુંદર સૂરિએ બનાવેલ છે તથા જગદ્‌ગુરુ કાવ્ય પદ્મસાગરનું બનાવેલું છે.

નાટક:—શ્રાવક યશશ્ચન્દ્રનો બનાવેલ મુદ્રિત–કુમુદચન્દ્ર પ્રકરણ નામનો (૯) શ્વેતાંબર તથા દીગમ્બરના મત સંબંધી તફાવતનો નાટકના રૂપમાં લખેલ ગ્રન્થ છે. અને રામચન્દ્ર સુરિએ રચેલ નિર્ભય ભીમ વ્યાયોગ નામનો ગ્રન્થ (૧૯) નાટક રૂપે છે.

નીતિ:—ચારિત્રસુંદરગણિએ રચેલ શીલદૂત (૧૮) નામના ગ્રન્થમાં કાલીદાસના મેઘદૂતની ચોથી કડી ચોથી કડી તરીકે લઈ શીલનું વર્ણન ઘણી સારી રીતે આપેલ છે.

સ્તોત્ર:—જૈનસ્તોત્ર સંગ્રહ ( ૭-૮ ) ભાગ ૧ અને બીજો એ જૈનના તીર્થો વગેરેના ઉત્તમ સ્તોત્રોના ગ્રન્થો છે. આમાં જુદા જુદા આચાર્યોએ કરેલ સ્તોત્ર છે.  (૬) જૈન ધર્મ પ્રસારક સભા તરફથી થયેલો પ્રયત્ન.

સં. ૧૯૩૦ માં ભાવનગરમાં મુનિશ્રી વૃદ્ધિચંદ્રજીના ઉપદેશથી એક જૈનશાળા સ્થાપન થયેલી. તે શાળામાં ધર્મજ્ઞાન મેળવનારા કેટલાક સહાધ્યાયીને એક સભા સ્થાપન કરવાનો વિચાર થયો. ભાવનગરમાં ચાલતી છગનલાલ લાયબ્રેરીનો તે સહાધ્યાયીઓએ સારો લાભ લીધેલો. તેથી તેમને સભા સ્થાપવાનો ને વાંચવા લખવાનો નાદ લાગેલો. સં. ૧૯૩૭ ના ચોમાસામાં રા. રા. મુળચંદ નથુભાઇ, કુંવરજી આણંદજી, ને અમરચંદ ઘેલાભાઇના પ્રયાસથી ભાવનગરમાં શ્રી જૈન ધર્મ પ્રસારક સભાની સ્થાપના થઈ. જાણવા પ્રમાણે જૈન કોમમાં પ્રથમ સભા આજ હતી.

એ સભાએ સૌથી પ્રથમ “સુભાષિત સ્તવનાવાળી” એ નામનું જૈન પુસ્તક પ્રગટ કર્યું. આત્મારામજી મહારાજનાં બનાવેલાં સ્તવનોનો એ સંગ્રહ હતો. તેનો બીજો ભાગ સં. ૧૯૩૯ ના પોષ માસમાં પ્રસિદ્ધ કર્યો. તેની નકલો ઝપાટાબંધ ખપતી ગઈ ને પુસ્તક પ્રકાશન તરફ સભાસદોની પ્રીતિ પણ વધતી ગઈ. ગુજરાત પત્રના અધિપતિ કીકાભાઈ પરભુદાસ જેઓ જૈન હતા તેમને સુરતમાં આ સભાના સભાસદો મળ્યા ને તેમણે કેટલીક સૂચનાઓ કરી. સંવત ૧૯૩૯ ના ફાગણ વદી ૧૩ ના રોજ સભાએ પોતાને માટે એક મકાન ભાડે લીધું. મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધી જેઓ ભાવનગર તાબે મહુવા બંદરના રહેવાશી હતા તેમના પ્રયાસથી મુંબઈમાં આ સભાની એક શાખા સ્થાપન થઈ પણ તે ઝાઝો વખત ચાલી નહિ.

આ સભાએ સ. ૧૯૪૧ ના ચૈત્ર માસથી જૈનધર્મ પ્રકાશ નામનું માસિક કહાડવા માંડ્યું તે વિષે બીજે સ્થળે લખવામાં આવ્યું છે. અહિં તો હવે તે સભાએ આ સાઠીમાં પ્રગટ કરેલાં પુસ્તકોની નોંધ લેઈશું.

સામાન્ય રીતે કહીએ તો આ સભા તરફથી પ્રગટ થયેલાં પુસ્તકો એ જૂના ગ્રંથોનાં ભાષાંતર અથવા જૂના ગ્રંથોના મૂળ ભાગો છે. પરંતુ  કહ્યા વિના ચાલતું નથી કે સભાએ એ દિશામાં જે પ્રયાસ કર્યો છે તે એટલો બધો લાભકારક નીવડ્યો છે કે એવાં મૂળ અને ભાષાન્તરોના પ્રકાશની જૈન જનસમુદાયને હજી પણ ઘણી જરૂર છે. આ સભા તરફથી પ્રકટ થયેલાં પુસ્તકોની યાદી આ નીચે આપીએ છીએ તેથી વાંચનાર જોઈ શકશે કે તે સભાએ કેવું કામ કર્યું છે:—

૧. ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્રનાં દશે પર્વ મૂળ અને ભાષાંતર સહિત પ્રકટ કર્યાં છે. સંસ્કૃતમાં આ ચરિત્ર “કલિકાલસર્વજ્ઞ” પંડિત હેમાચાર્યે રચે છે. જૈન ધર્મને દીપાવનારા આ ચોવીશિમાં જે ૬૩ મહાપુરૂષો થઈ ગયા છે તેમનાં વર્ણનો આ કથાગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવ્યાં છે. હેમાચાર્યે જે ખૂબીથી એ ગ્રંથના દશ ભાગ લખ્યા છે તે ખૂબી જાળવી રખાવી આ સભાએ ભાષાંતર પણ યોગ્ય કરાવ્યું છે. પ્રથમ પર્વમાં શ્રી આદિનાથ ( ઋષભનાથ તીર્થંકર ) નું ચરિત્ર આપતાં આપણા લોકવ્યવહારમાં ચાલતા જૂદા જૂદા રીતરિવાજો કેવી રીતે ઉત્પન્ન થયા છે તે બતાવી આપ્યું છે. ભરત રાજા અને બાહુબલ રાજાના યુદ્ધનું વર્ણન ને આદિનાથનો ધર્મોપદેશનો ભાગ વાંચવા જેઓ છે. મોટું પર્વ આ જ છે. ભરત રાજા શી રીતે ચક્રવર્તી થયા વગેરે વાત આ પર્વમાં આવી જાય છે. ભરત રાજા એ આદિનાથના મોટા પુત્ર હતા. આદિનાથની પુત્રી બ્રાહ્મી એ જૈનોની શારદાદેવી કે સરસ્વતીજી છે. તેમજ છેવટનું મહાવીર સ્વામીનું ચરિત્ર પણ ઘણું મોટું અને ખાસ વાંચવા લાયક છે.

૨. ઉપમિતિ ભવપ્રપંચ સંક્ષેપ એ નામના સંસ્કૃત ગ્રંથનું ભાષાંતર આ સભાએ પ્રકટ કર્યું છે. આ ગ્રંથ સૌથી પ્રથમ મુંબાઈવાળા શ્રાવક ભીમસી માણેકે પ્રકટ કરેલો હતો.

૩. છઠ્ઠા સૈકામાં થઈ ગએલા સમર્થ જૈનાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિરચિત મૂળગ્રંથોમાં ષડ્દર્શન સમુચ્ચય, શાસ્ત્રીવાર્તા સમુચ્ચય ને લેાકતત્ત્વ નિર્ણય ગૂજરાતી ભાષાંતર સહિત પ્રગટ કરેલાં છે.  ૪. અધ્યાત્મ કલ્પદ્રુપ નામનું હમણાં તાજેતર બહાર પડેલું પુસ્તક વાંચવા જેવું છે. મૂળ, ભાષાંતર ને વિવેચન સહીત એ ગ્રંથ પ્રકટ થયો છે. શ્રીયુત મોતીચંદ ગીરધર કાપડીયા બી. એ. એલ. એલ. બી. સોલીસિટરે પોતાના સોલીસિટરના ધંધામાંથી ફુરસદ લઈ વાંચવા ને વિચારવા જોગ વિવેચન લખ્યું છે.

પ. વિક્રમના વખતમાં થઈ ગયેલા શ્રી સિદ્ધસેન દિવાકર રચિત ગ્રંથોમાંથી સમ્યતિતર્ક, ન્યાયાવતારને એકવીશ બત્રીસી (મૂળ) પ્રસિદ્ધ કરી એ વિદ્વાનની કૃતિનો સ્વાદ જનસમૂહને ચખાડ્યો છે.

૬. શ્રી યશોવિજયજીના દશ મૂળ ગ્રંથો આ સભાએ પ્રકટ કર્યા છે. તે વાંચવા જેવા છે. તે સઘળા ભાષાંતર સહિત પ્રકટ કરવાની જરૂર છે. અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્, અધ્યાત્મ મત દલન, નયપ્રદીપ, નયરહસ્ય, નયોપદેશ, તર્કભાષા, જ્ઞાનબિંદુ, દેવ ધર્મ ૫રીક્ષાદિ દ્વામિંશદ દ્વાત્રિંશકા ગ્રંથો સભાએ પ્રકટ કર્યા છે.

૭. આ શિવાય આ સભા તરફથી પ્રકટ થયેલા ઉપદેશ પ્રાસાદગ્રંથ, પ્રતિકમણ હેતુ, મહિપાળચરિત્ર, વર્દ્ધમાન દ્વાત્રિંશિકા, સમ્યકત્વ, વત્સરાજચરિત્ર, ચંદ્રશેખરરાસ, શત્રુંજય મહાત્મ્ય, લઘુ— હેમી પ્રક્રિયા વ્યાકરણ, અભિધાન ચિંતામણિ નામમાળા, દ્રવ્યસંપ્તિકા, રત્નરશેખર રત્નવતી, યશોધરચરિત્ર પ્રશમરતિ, કર્મ ગ્રન્થ, ઉપદેશમાળા વગેરે ગ્રંથો વાંચવા વિચારવા જેવા છે. ઉપર જણાવેલા ગ્રંથોમાં સમ્યકત્વનો લેખ એ કોઇનું ભાષાંતર નહિ પણ સ્વતંત્ર લેખ છે. બાકીનાં બધાં ભાષાંતરો છે.

આ સભાએ જૈન સાહિત્યની વૃદ્ધિ અર્થે સારો પ્રયત્ન કર્યો છે. હાલ ચાલતી બધી જૈન સભાઓમાં ભાવનગરની આ જૈન ધર્મ સભાએ પુસ્તક પ્રકાશનમાં સર્વેથી સરસ કામ બજાવ્યું છે, એમ કહેવામાં કશી હરકત નથી. શ્રીયુત્ કુંવરજી આણંદજી જેવા ઉત્સાહી ગૃહસ્થની આ સભા આભારી છે.  (૭) પાલીતાણા જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી પ્રકટ થયેલાં પુસ્તકોમાં ધર્મરત્ન પ્રકરણ, ધર્મ સંગ્રહ, સામ્યશતક, જૈન તત્ત્વાદર્શ ભાગ ૧ લો, આનંદ મંદિર, પાંડવ પ્રબોધ, શ્રેણિક ચરિત્ર, દાનવીર રત્નપાલ, ઉત્તમ કુમાર, દીક્ષાકુમારીપ્રવાસ, જૈન શશિકાંત, આચારપ્રદીપ, પુરૂષાર્થ સિદ્ધિ, જૈન સતીમંડળ, શ્રાવિકાભૂષણ, શ્રાવિકા સુબોધ દર્પણ, જૈન બાળગરબાવળી, શ્રાવકશિક્ષણ રહસ્ય, દુનિયાનો સૌથી પ્રાચીન ધર્મ વગેરે છે. આ વર્ગે સ્વતંત્ર પુસ્તકો લખાવવાનો બીજી જૈન સભાઓ કરતાં સારો પ્રયત્ન કર્યો છે. ભામિની ભૂષણની પદ્ધતી ઉપર એ વર્ગે શ્રાવિકા ભૂષણના ચાર અલંકાર બહાર પાડ્યા છે, તે શ્રાવિકાઓને ખાસ વાંચવા જેવા છે. દીક્ષાકુમારીપ્રવાસ વાંચવાથી જૈન સાધુઓને ઘણું જાણવાનું મળશે, અને જેઓ પ્રમાદમાં રહેતા હોય તેમને પ્રમાદ છોડવાનું મન થશે. પાંડવપ્રબોધ એ જૈન દર્શનનું એક લઘુ મહાભારત જેવું પુસ્તક છે. આનંદ મંદિર નવલવાર્ત્તાની રચના ચંદ્રકુમારરાસ ઉપરથી કરવામાં આવી છે. એ નવલવાર્તા રસીક હોઈ વાંચવા લાયક છે. ધર્મરત્ન પ્રકરણ, જૈનતત્વાદર્શ વગેરે પુસ્તકો એ ભાષાંતર છે. એકંદરે ભાષાંતરો યોગ્ય થયાં છે.

કોઈ તરફથી મને મળેલા (એક ફોર્મમાંથી) મોહન ચરિત્ર નામના એક ગ્રંથના ભાષાંતરમાંથી જરા વાનગી લઈએ. સૌવીર દેશનું વર્ણન કરતાં કહે છે કે:—

દંડો ધ્વજે તથા છત્રે, કંપશ્ચ કરિ કર્ણયો:
ચિંતાગહન શાસ્ત્રેષુ, યત્ર નાન્યત્ર દૃશ્યતે.
શુચં ગૃહં શારિફલે, મદોમત્ત મતંગજે
જાલમાર્ગો ગવાક્ષેષુ યત્ર નાન્યત્ર દૃશ્યતે.
ટાલબંધ: કૂપપટે, કલંકશ્વ કલાનિધૌ;
નિગડશ્વ ગજેંદ્રેષુ, યત્ર નાન્યત્ર દૃશ્યતે.ઈત્યાદિ.



“ધજા અને છત્રમાંજ દંડ હતો. હાથીઓના કાનોમાંજ કંપ હતો. ગહન શાસ્ત્રોમાંજ ચિંતા હતી. દંડ, કંપ અને ચિંતા બીજે હતાંજ નહિ.”

“મદે કરીને ઉન્મત થયેલા હાથિઓમાંજ મદ જણાતો હતો પણ કોઈ સ્ત્રી યા પુરૂષ મદોન્મત્ત હતા જ નહીં. શુન્યગૃહ તો સોકઠાંની બાજીમાંજ દેખાતું હતું પણ, પ્રજામાં જાળમાર્ગ એટલે કુડકપટનો રસ્તો હતો જ નહિ. ( જોડણી ભાષાંતરકારની રાખી છે. ) ”

આ ભાષાંતરપરથી જણાશે કે મૂળના જેવું રસિક કે ક્રમિક ભાષાંતર કેટલેક સ્થળે થયું નથી. વેપારી જૈન વર્ગો વિશેષ કાળજી રાખે તો પૂર્વેના આચાર્યોની રચનાને વધુ દીપાવી શકે.

(૮) રાજકોટવાળા મિ. પોપટલાલ કેવળચંદ શાહ તરફથી જૈન ધર્મને લગતાં આશરે બારેક નાનાં મોટાં પુસ્તકો બહાર પડ્યાં હશે. તેમાંના સુલભસમાધિ, શ્રી મહાવીર ચરિત્ર, જૈનધર્મ અને જૈન પાઠમાળાના પ્રથમ ભાગ એ વખાણવા લાયક છે પરંતુ અમને એમાં તદ્દન સ્વતંત્ર પુસ્તક જેવું તો એક જૈનમાળાનું લઘુ પુસ્તક જણાયું છે. સુલભસમાધિ વગેરે ગ્રંથો વાંચવા વિચારવા જોગ છે પણ તેને તદ્દન નવિન લેખ કહી શકાય તેમ નથી. જૈનતર્ક સંક્ષેપ, જૈન બારવ્રતની પર્વાલોચના વગેરે હજી તેમના તરફથી પ્રગટ થયા જણાતા નથી. જૈનોમાં યોગ્ય ગ્રંથોને યોગ્ય આશ્રય નથી મળતો તેમ ફરિયાદ છે ને સ્થાનકવાસી જૈનમાં તો તેવી ફરિયાદ વિશેષ છે.

(૯) અમદાવાદવાળા બાલાભાઇ છગનલાલ શાહ તરફથી કેટલાંક જૂનાં જૈન પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં સઝાયમાળા નામની કવિતા, સ્તવનોના સંગ્રહના તેમના ત્રણ ભાગો, તેમની સંગ્રહબુદ્ધિ અને શ્રમને માટે પ્રમોદ ઉપજાવે તેવાં પુસ્તકો છે. તેમની પોતાની લેખણથી એકે સ્વતંત્ર જૈનગ્રંથ લખાયો હોય એમ જણાતું નથી.

(૧૦) અમદાવાદવાળા ડાક્ટર જીવરાજ ઘેલાભાઇ દોશી તરફથી જૈન પુસ્તકોનું સંશોધન કરાવવાનું ને પ્રકટ કરાવવાનું કામ થાય છે.  એ જાણી હર્ષ થાય છે. તેમણે જૈનસુત્રો (શાસ્ત્રો) યુરોપના પ્રોફેસરો પાસે શુદ્ધ કરાવી છપાવવાનું કામ શરૂ કર્યું છે. દશ વૈકાલિક અને ઉત્તરાધ્યયન એ બે સૂત્ર ગ્રન્થો તેમના તરફથી બહાર પડી ચૂક્યા છે. તેમનો આ પ્રયત્ન એટલા માટે ખાસ વખાણવા જેવું છે કે લહીઆઓ તરફથી થયેલી ભૂલોનું સંશોધન કરાવી સૂત્રો પ્રકટ કરાવવામાં પડતી અડચણો તેમણે દૂર કરી છે. કાનો માત્રા, હસ્વ દીર્ઘ એનોય સુધારો ન થઈ શકે ( કેમકે લહીઆઓ પરંપરાથી પરમેશ્વરે કહ્યું હતું તેમ જ લખતા આવે છે ! ) એવી માન્યતાવાળા વર્ગને તેમણે ખાત્રી કરી આપી છે કે એવા સુધારાની લહિઆઓનાં લખાણોમાં પુષ્કળ જરૂર છે. દાક્તર જીવરાજ ઘેલાભાઈ જૈન ધર્મના સારા અભ્યાસી છે. તેમના તરફથી એકાદ સ્વતંત્ર જૈન પુસ્તક જમાનાને બરનું લખાય તો સારૂં.

(૧૧) પરમ શ્રુત પ્રભાવક મંડળ મુંબાઈ તરફથી શ્વેતાંબર અને દીગંબર સંપ્રદાયનાં ઉત્તમ પુસ્તકોનાં ભાષાંતર મૂળ સહિત પ્રકટ થાય છે. તેના તરફથી પ્રકટ થયેલાં સઘળાં ભાષાંતરો વખાણને પાત્ર છે. પરંતુ તેઓનું લગભગ સઘળું કામ હિંદિમાં ચાલે છે તેથી ગૂજરાતી પુસ્તકો તરીકે તેમની નોંધ અહિં લઈ શકાતી નથી. એક લિપિ પ્રસારક મંડળને કે હિંદી ભાષાના શોખીનોને તો એ પુસ્તકો અતિ ઉપયોગી થઈ પડે તેમ છે. શ્રીમદ્ રાજચંદ્રના સ્વર્ગવાસ વખતે તેમના સ્મારક માટે એકઠાં થયેલાં નાણમાંથી એ મંડળ પુસ્તકો પ્રકટ કરે છે તો તેમણે ગુજરાતી ભાષાંતરો પણ પ્રકટ કરવાની જરૂર છે. પુરૂષાર્થ સદ્ધયુપાય, પંચાસ્તિકાય સમય સાર, સપ્તભંગી તરંગિણી, દ્રવ્યાનુયોગ તર્કણા, બૃહદ્‌દ્રવ્ય સંગ્રહ, સ્યાદ્વાદ મંજરી, જ્ઞાનાર્ણવ, અને તત્વાર્થા ધિગમ એટલા ગ્રન્થો પ્રસિદ્ધ થયેલા છે.

૧૨ શ્વેતાંબર જૈન કોન્ફરન્સ ઓફિસ મુંબઈ તરફથી જૈનમંદિરાવલી, જૈન ગ્રંથાવળિ વગેરે ડીરેક્ટરી જેવાં પુસ્તકો પ્રકટ થયાં છે તેમાં જૈન ગ્રંથાવળિ ખાસ વખાણવા લાયક છે. જૈનોના ક્યા ક્યા ભંડારોમાં  કયાં કયાં પુસ્તકોની હસ્તલિખિત પ્રતો આજે છે, તે ક્યારે ને કોણે રચેલ છે વગેરે ઉપયોગી હકીકતોનું ટીપ્પણ તેમાં યોગ્ય રીતે થયેલું છે.

(૧૩) પંડિત ફતેહચંદ કપુરચંદ લાલન તરફથી જૈનધર્મપ્રવેશિકા, શુદ્ધોપયોગ વગેરે પુસ્તકો પ્રકટ થયાં છે. પંડિત લાલનની પદ્ધતિ વખાણવા લાયક છે. તેઓ શાંતિનો પ્રસાર થાય તેવાં પુસ્તકો પ્રકટ કરે છે. જૈનધર્મ પ્રવેશિકા જેવાં પુસ્તકો એ પંડિત લાલનનાં સ્વતંત્ર પુસ્તકો છે. પંડિત લાલને, ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ એ, ઘડિયાળી સાકરચંદે અને શ્રીયુત્ શીવજી દેવશીએ જૈનકોમના જુના વિચારોમાં નવા વિચારોનું મિશ્રણ કરાવી કેટલુંક અજવાળું પાડ્યું છે. આથી બેશક સંરક્ષક વૃત્તિનો વર્ગ ચમકે છે પણ અમને તો લાગે છે કે પંડિત લાલન અને શિવજીની કંપની જૈનકોમની જે સેવા બજાવે છે તે નિંદાપાત્ર નહિ પણ પ્રશંસા પાત્ર છે.

(૧૪) મી. હરજીવન રાયચંદને આપણે ભક્તામતાર સ્ત્રોતને કલ્યાણમંદિર સ્ત્રોતના ભાષાંતર કર્ત્તા તરીકે જોઈ શકીએ છીએ. ભાષાન્તરો ગદ્યપદ્ય બંનેમાં કર્યાં છે. દીગંબર જૈન લેખકોમાં એ એક જ ભાઈએ ગૂજરાતી ભાષાંતરો બહાર પાડ્યાં છે. બીજા કોઈ ભાઈઓ વિષે અમને માહિતી નથી.

(૧૫) ભાવનગર નિવાસી કવિ ઉમેદચંદ્રજી મહારાજ તરફથી માણેકચંદ ચંપાવતી ચરિત્ર, ઉમેદચંદ્ર બાવની વગેરે લખાયાં છે. તે જો કે સ્વતંત્ર લેખ જેવાં છે. પરંતુ જોઈએ તેવી ખૂબી નથી. તોપણ તેમના પ્રયત્નને વખાણીશું.

(૧૬) કાઠિયાવાડના માજી ડે. આસિ. પોલી. એજંટ રા. બા. ભીમજી મોરારજી જેમણે પોતાની કોમના વિધાર્થીઓના લાભ માટે રૂ. ૨૫૦૦૦ યુનિવર્સિટીને તથા રૂ. ૧૫૦૦૦ કાઠિયાવાડની જુદી જુદી સ્કૂલોને આપ્યા છે, તેમણે પોતાના મરણ પહેલાં “વૃત્તશિક્ષા” “મૂર્ત્તિ પૂજા”, “સંપની જરૂર”, એ લઘુ પુસ્તકો રચીને પ્રસિદ્ધ કર્યાં હતાં. આ તેમના સ્વતંત્ર લેખ છે. તેમાં જૈન શ્વેતાંબર વ્રત ઉપર તેમણે જે “વ્રતશિક્ષા” લખેલ છે તે જુના વિચારવાળા જૈનાએ ખાસ લક્ષમાં લેવાની જરૂર છે.  (૧૭) મોરબીના જૈન વિદ્યાર્થીઓએ જૈન પ્રો. રવજીભાઈ દેવરાજ સાથે મળીને શ્રી આચારાંગ સૂત્રનું ભાષાંતર બહાર પાડ્યું છે. એ જૈન વિદ્યાર્થીઓએ એવો પ્રયત્ન ચાલુ રાખ્યું હોત તો આચારાંગ જેવાં બીજાં જૈન સુત્રોનાં ભાષાંતરનો લાભ જૈન પ્રજાને મળી શક્યો હોત.

(૧૮) શ્રીયુત મનસુખલાલ કીરતચંદનો જૈન કોમમાં ખરું જ્ઞાન ફેલાવવાનો પ્રયાસ વખાણવા જેવો છે. તેમના નાના નાના નિબંધોએ લોકોનું સારૂં લક્ષ ખેચ્યું છે. રાજકોટમાં મળેલી સાહિત્ય પરિષદ્ માટે લખાયેલો જૈનસાહિત્ય વિષેનો તેમનો નિબંધ વાંચવા જેવો છે. મુંબાઈ નિવાસી મર્હુમ શેઠ અમરચંદ તલકચંદની મદદથી તેમણે તથા પંડિત લાલને જૈન સીરીઝ લખવાનો પ્રયાસ આરંભ્યો હતો તેનું શું થયું તે જાણવામાં નથી. તે પ્રયાસ પાર પડશે તો જૈનોની એક મોટી ખોટ પૂરી પડશે.

(૧૯) મી. મોહનલાલ દલીચંદ દેસાઇ પણ હમણાં જૈન ગુજરાતી સાહિત્યની સેવા ઠીક બજાવવા મંડ્યા છે. તેમના તરફથી ભાષાંતર વિવેચન સાથે પ્રગટ થયેલ નયકર્ણિકા વાંચવા યોગ્ય છે. તે સીવાય દેવદર્શન ઉપર તેમણે એક પુસ્તક લખ્યું છે જે દેવના દર્શન કરનારાઓએ વાંચવા જેવું છે.

(૨૦) મેસર્સ મેઘજી હીરજીની કંપની મુંબઈમાં હમણાં ઉભી થઈ છે તે જૈન ચોપડીઓ પ્રસિદ્ધ કરવાનું કામ કરવા લાગી છે. તેના તરફથી મુનિ શ્રી કેસરવિજયજીનો “મલયા સુંદરી ચરિત્ર” નામક ગ્રંથ પ્રકટ થયેલ છે તે વાંચવા જેવો છે.

(૨૧) શ્રાવક ભીમસિંહ માણેક મુંબાઇવાળાએ જૈન પુસ્તક પ્રકાશનમાં બજાવેલી સેવા તેમની હયાતી સુધી તો સર્વેમાં અગ્રસ્થાને હતી. ભાષાંતરોને પ્રથમ પ્રસિદ્ધિમાં લાવવાનું માન તેમને ઘટે છે. પ્રકરણ રત્નાકરના ચાર મોટા ગ્રંથો તેમણે પ્રકટ કર્યા હતા. એ ગ્રંથો બીજાઓ તરફથી હજી સુધી પ્રકટ થયા હોય એવું અમારા જાણવામાં નથી. શ્રીયુત અમરચંદ પી. પરમારે જેન તત્વ નિર્ણય પ્રસાદ નામનો એક મોટો ગ્રંથ  પ્રસિદ્ધ કર્યો છે. પણ તે ઉપલા ચાર ગ્રંથમાંના એકેના જેવો સરખામણીમાં ઉપયોગી નથી. જૈન કથા રત્નકોષના આઠ મોટા ગ્રંથો પણ શ્રીયુત્ ભીમસિંહે પ્રકટ કર્યા હતા. જૈનોમાં સૌથી પ્રથમ જાગૃતિ ઉત્પન્ન કરવાનું માન તેને ઘટે છે. તેણે જૈન ભાઈઓ સમક્ષ ભાષાંતરોનો મોટો સમૂહ રજુ કર્યો છે, એટલું જ નહિ પણ ઉપયોગી સંગ્રહ રજુ કર્યો છે.

રા. રા. ભીમસિંહે છાપેલ ગ્રન્થો પૈકી કેટલાક નીચે મુજબના છે.

૧ વૈરાગ્ય કલ્પલતા.
૨ નવતત્ત્વના પ્રશ્નોત્તર.
૩ પર્યુષણાદિ પર્વોની કથા.
૪ જૈન લાવણી સંગ્રહ.
૫ હરિભદ્રસુરિકૃત અષ્ટક.
૬ લઘુ પ્રકરણ સંગ્રહ.
૭ વિવિધ પૂજા સંગ્રહ ભાગ ૧–૨–૩
૮ નવતત્ત્વ પ્રકરણ.
૯ જીવ વિચાર પ્રકરણ.
૧૦ દંડક તથા લઘુસંગ્રહણી.
૧૧ અભયકુમારનો રાસ.
૧૨ જલ યાત્રાદિ વિધિ.
૧૩ સ્વરોદય જ્ઞાન.
૧૪ વસ્તુપાલ તેજપાલ રાસ.
૧૫ કરકંડુ આદિ ચાર પ્રત્યેક બુદ્ધ રાસ.
૧૬ હંસરાજ વચ્છરાજ રાસ.
૧૭ ગુંહલી સંગ્રહ.
૧૮ ભદ્રબાહુ સંહિતા.
૧૯ દેવકીજીના ષટ્ પુત્રનો રાસ.
૨૦ જૈનકુમાર સંભવ.
૨૧ ઉપદેશ તરંગિણી. 
૨૨ જૈન કાવ્ય પ્રકાશ ભાગ ૧.
૨૩ ત્રૈલોક્ય પ્રકાશાખ્યા.
૨૪ હિંગુલ પ્રકરણ.
ર૫ મેઘમાલા વિચાર.
૨૬ પ્રતિમા શતક.
ર૭ હિતશિક્ષાનો રાસ.
૨૮ વેપારી રાસ.
૨૯ શનીશ્વરની ચોપાઇ.
૩૦ શત્રુંજયતિર્થમાલા ઉદ્ધાર રાસ.
૩૧ હરિબળ મચ્છીનો રાસ.
૩૨ મહાબળ મલયસુંદરીનો રાસ.
૩૩ આત્મ પ્રબોધ સ્યાદ્વાદ.
૩૪ મંગળ કલશ કુમારનો રાસ.
૩૫ રાત્રિ ભોજન પરિહારક રાસ.

ભીમસિંહભાઇએ શુદ્ધ અને ઘણો પ્રયાસ લઇને છાપેલ છે અને દરેક વિષય સંબંધી ગ્રન્થો છપાવેલ છે.

(૨૨) નામદાર ગાયકવાડ સરકાર શિયાજીરાવ પાટણ ગયેલા ત્યારે જૈન ગ્રંથભંડારો જોઈ એમાંથી ઉપયોગી હસ્તલિખિત પ્રતો વડોદરે લાવેલા તે ઉપરથી વડોદરાના દેશી કેળવણી ખાતા તરફથી સ્વ. મણિલાલ નભુભાઇએ ભાષાન્તર કરી પ્રકટ કરેલાં–તેમાંનાં યોગબિંદુ, ષડ્દર્શનસમુચ્ચય, દ્વયાશ્રય સમાધિશતક ને અનેકાંતવાદ પ્રવેશ ખાસ ઉપયોગી ને વાંચવા વિચારવા જેવાં છે. આ સિવાય એ કેળવણી ખાતા તરફથી ચતુર્વિંશતિપ્રબંધ, સારસંગ્રહ, બુદ્ધિસાગર—કુમારપાળ ચરિત્ર કુમારપાળપ્રબંધ ને વિક્રમચરિત્ર પ્રકટ થયેલાં છે.

(૨૩) મુંબઈના જૈન જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલાંમાં સૈાથી વિશેષ ધ્યાન ખેંચે એવું પુસ્તક સમરાદિત્ય સંક્ષેપ છે. જર્મનીનાં  પ્રોફેસર હર્મન જેકોબી પાસે પાઠ શુદ્ધ કરાવી એ પ્રકટ કર્યું છે. એ શિવાય શ્રાદ્ધવિધિ, ( શ્રાવકના આચાર ), અર્હન્તનીતિ શ્રાવકપ્રજ્ઞપ્તિ સોમસોભાગ્યકાવ્ય પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. પ્રતિક્રમણ આદિ ક્રિયાવિધિના ગ્રંથો તો જૈનોમાં ઘણાએ પ્રસિદ્ધ થયા છે.

શ્રી સોમ સોભાગ્ય કાવ્ય—આ ગ્રંથ કાવ્ય રૂપે ચરિત્રનો ગ્રંથ છે શ્રી પ્રતિષ્ઠા સોમ નામના જૈન સાધુએ સંવત ૧૫૨૪ માં તપગચ્છના અધિપતિ શ્રી સોમ સુંદર સૂરિનું ચરિત્ર આ ગ્રંથમાં વર્ણવ્યું છે. શ્રી સોમસુંદર સૂરિ તપગચ્છની ગાદિએ સંવત ૧૪૫૮ ના અરસામાં આવ્યા તે સંવત ૧૪૯૯ સુધી તેમના કાળ સુધી રહ્યા. જૈન સાધુઓનું વ્યવહાર બંધારણ એવું છે કે તેમાં એક મુખ્ય નાયક જ્ઞાન તથા ગુણ જોઈને બહુ મતિથી નીમવામાં આવે છે અને બાકીના સાધુઓ તેમના હાથ નીચે તેમના હુકમ નીચે દરેક કાર્યમાં વર્તે છે તે એટલે સુધી કે એક ગામથી બીજે ગામ જવું હોય તોપણ આચાર્યની પરવાનગી લેઈનેજ. શ્રાવકો પણ આચાર્યની લેખિત પરવાનગી સીવાય તેમને ગામ આવનાર સાધુનો આદર સત્કાર કરતા નહી તેમ સાધુ તેવી પરવાનગી વીના વિહાર કરતા નહી. આવી ઉત્તમ વ્યવસ્થાને લીધે સાધુઓ કાબુમાં રહી ધર્મ ફરમાન મુજબ વર્તતા તથા શ્રાવકોનું સાધુઓ તરફ બહુ માન રહેતું એટલું જ નહી પણુ જૈન સાધુઓનો સખ્ત ત્યાગ છતા જ્ઞાન તથા આહાર કપડાદિક મેળવવાના સાધનો તેમને ઘણીજ સહેલાઈથી મળતા અને ત્યાગવૃતિ કાયમ રાખવામાં તેમને કોઈ જાતની અડચણ પડતી નહી. દીલગીરીની વાત છે કે આવું ઉત્તમ બંધારણ આ કાળમાં કુસંપને લીધે અવ્યવસ્થિત થઈ ગયું છે તે આગળની સ્થીતિએ લાવવાનો પ્રયત્ન કરવાની સાધુ તથા શ્રાવકોની પવિત્ર ફરજ છે. તેવા બંધારણના અભાવે હજુ પણ સ્થીતિ ખરાબ થશે એમ જણાય છે.

હાલ જેમ પદ્વીઓ યુનિવરસીટી તરફથી અપાય છે તેમ જૈન સાધુઓને તેમના અભ્યાસનુસાર ઘણી ધામધુમથી ગચ્છપતિના હાથે પદ્વીઓ અપાય છે અને તેનો ક્રમ આ ગ્રંથ ઉપરથી નીચે મુજબ દેખાય છે.  દિક્ષા લે ત્યારે મુનિ, પછી ગણિ, વાચક તથા આચાર્ય એ રીતે ચાર પદ્વીઓ અપાતી જણાય છે.

શ્રી સોમસુંદરસૂરિનો જન્મ સંવત ૧૪૩૦ માં પાલનપુરમાં એક ધનાઢ્ય પોરવાડ જ્ઞાતીના વણિક શેઠને ઘેર થયો હતો. શ્રી જયાનંદ સૂરિ સંવત ૧૪૩૭ માં પાલનપુરમાં પધારેલા તે વખતે સોમકુંવરના સુલક્ષણ જોઈ તેની માગણી તેના બાપ પાસે કરી. માબાપની સંમતિથી સોમકુંવરે સંવત ૧૪૩૭ માં જયાનંદસૂરિ પાસે દિક્ષા લીધી. સોમકુંવર પાંચ વરસની ઉમરે નીશાળે એક બ્રાહ્મણ પડિત પાસે બેઠેલા અને દિક્ષા લીધા પહેલાના બે વરસમાં વ્યાકરણ, છંદ, અલંકાર વગેરે શીખેલા. દિક્ષા લીધા પછી ગુરૂએ તેમને જ્ઞાન સાગરસૂરિ પાસે ભણવા સોંપ્યા.

અમુક અભ્યાસ થયા પછી તેમને ગણિની પદ્વી મળી. સંવત ૧૪૫૦ માં તેમને વાચક પદ્વી મળી તથા સંવત ૧૪૫૭ માં તેમને આચાર્ય પદવી મળી અને ગચ્છપતિ શ્રી દેવસુંદરસૂરિના કાળ પછી એટલે સુમારે સંવત ૧૪૫૮ ના અરસામાં તમામ સંઘની સંમતીથી શ્રી સોમસુંદરસૂરિ ગચ્છના અધિપતિ થયા.

ચુંટણીથી લાયક સાધુને જ નાયક યાને ધર્મના રાજા નીમતા તેનું એક દૃષ્ટાંત આ ગ્રંથમાંથી મળે છે. તપગચ્છના પતિ શ્રી સોમતિલકસૂરિ સંવત ૧૪૨૪ માં દેવગત થયા. તમામ સાધુઓને લાયક શ્રી જયાનંદસૂરિ લાગ્યા તેથી તેમને ગાદી લેવાની વિનંતિ થઈ પણ તેઓ વૃદ્ધ હોવાથી ગાદી લેવાની ના પાડી છતાં સર્વેમાં તેજ વધારે લાયક હોવાથી બીજા કોઈ સાધુએ ગાદી લીધી નહી અને સંવત ૧૪૪૧ માં જયાનંદસૂરિના કાળ સુધી તમામ સાધુઓ જયાનંદસૂરિના હુકમ મુજબ વર્ત્યા અને તેમના કાળ પછી જ સંવત ૧૪૪૨ માં શ્રી દેવસુંદરસૂરિને ગચ્છપતિ નીમ્યા. આ જ જ્ઞાન તથા લાયકાતનું બહુ માન કહેવાય. વગર લાયકીએ માન, પદવી કે ગાદી માટે દોડવાનું આ જમાનામાં જણાય છે તે જ હાલની અવ્યવસ્થાનું કારણ છે.

સૂરિ થયા પછી સોમસુંદરસૂરિએ વડનગર, વીસનગર, ઈડર, પાટણ, અમદાવાદ વીગેરે સ્થળે વિહાર કર્યો છે તથા છેક પાલીતાણા, ગીરનાર, પ્રભાસપાટણ વગેરે સ્થળોની મોટા સંઘ સાથે પગે ચાલીને યાત્રાઓ કરી છે.

શ્રી રાણકપુર તથા તારંગાજીના તીર્થસ્થળોની પ્રતિષ્ઠા કરી છે તથા બીજાં ઘણાં મંદીરોમાં પ્રતિષ્ઠાઓ કરાવી છે. ઘણા સાધુઓને પદવી આપી છે તથા ઘણા શ્રાવકને સંધપતિની પદવીઓ આપી છે. તેઓએ સંવત ૧૪૯૯ માં કાળ કર્યો છે.

આ ગ્રંથ એક ઈતિહાસીક ગ્રંથ તરીકે ઘણો ઉત્તમ ગ્રંથ છે. તેમાં સાધુ તથા શ્રાવક વર્ગની સ્થીતિનું આબેહુબ ચીત્ર છે. સાધુઓ વિદ્વાન, જ્ઞાની, યોગી તથા પૂર્ણ શક્તિવાળા, રાજાઓમાં સત્તાધારી હતા. શ્રાવકો ઘણા જ ધનાઢ્ય, કરોડપતિ તથા અબજપતિઓ પણ હતા. પ્રતિષ્ઠાનું આબેહુબ તાદૃશ ચિત્ર ઘણું જ વાંચવા જેવું છે. જે જે ગામ, નગર વીગેરેના નામ આવે છે તેનું જે ચિત્ર ગ્રંથમાં દોર્યું છે તે આબેહુબ અને નજરે જોનારને આજે પણ તે નામો ચોકસ કરવાના સાધનરૂપ છે, તેમ જ તે વખતની ઉત્તમ સ્થીતિ અને હાલની અધમ સ્થીતિનું તોલ પૂર્ણ રીતે કરી શકાય છે. પડતીના કારણો પણ સાધુ તથા શ્રાવક વર્ગની રહેણીકરણીની સરખામણીથી વાચકને તાદૃશ્ય થાય છે.

શ્રાવકો પણ આજની પેઠે નિરંકુશ નહોતા પણ દરેક ગામ તથા તાલુકા તથા જીલ્લા તથા દેશવાર ગચ્છપતિએ નીમેલા શ્રાવક સંધપતિના હુકમ નીચે વર્તતા અને તે તમામ ગચ્છપતિની એક અનન્ય આજ્ઞામાં રહેતા અને તેથી તમામ બળ એક મધ્યબિંદુમાં એકત્ર થવાથી આજ જેવી નિર્માલ્ય સ્થતિ નહોતી. ગમે તેવા મહાન અને વિકટ કામ જલદી થઈ શકતાં એમ આ ગ્રંથ ઉપરથી જણાય છે. આ ગ્રંથ સાધારણ ચરિત્રના ગ્રંથની પેઠે ન વાંચતાં લક્ષપૂર્વક વાંચવાની વિનંતિ કરીએ છીએ.

(૨૪) અમદાવાદ જૈન વિદ્યાશાળા તરફથી પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોમાં ભરતેશ્વર બાહુબળવૃત્તિ નામનો ચરિત્રોના સંગ્રહનો ગ્રંથ જોયા જેવો છે. તે સિવાય વૈરાગ્યશતક, સંબોધસત્તરી, સુલસાસતીનું ચરિત્ર  વગેરે પુસ્તકો એ સભાએ પ્રકટ કર્યાં છે. હાલમાં તે સભા શું કામ કરે છે તે જણાતું નથી.

(૨૫) મુંબઈમાં માંગરોળ જૈન સભા પણ પુસ્તક પ્રકાશનમાં ઠીક ભાગ લે છે. નિશાળ કે સભા નિભાવવા ઉપરાંત તે આવા સાહિત્યક્ષેત્રમાં પણ ઘુમે છે. જૈન લગ્ન વિધિ તેણે પ્રકટ કરી છે ને એ લગ્નવિધિને અંગે માંગરોળની નાત તરફથી તેના તે વિધિ મુજબ પરણેલાઓને કેટલીક ચર્ચામાં પણ ઉતરવું પડ્યું હતું. એ સભાએ પ્રકટ કરેલું યોગશાસ્ત્ર વાંચવા જેવું છે. બાકીનાં તેણે પ્રકટ કરેલાં પુસ્તકો જુદી જુદી સંસ્થા તરફથી પ્રકટ થઈ ગયેલાં છે.

(૨૬) જુનેરવાળા શેઠ વીરચંદ લાલચંદ તરફથી બહાર પડેલું “ધર્મબિન્દુ” વાંચવા જેવું છે.

(૨૭) મુનીશ્રી બુદ્ધિસાગરજીનાં અધ્યાત્મ સંબંધી પુસ્તકો, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થાય છે. બુદ્ધિસાગરજી મુનિરાજ જમાનાને બરનું થઈ પડે તેવું ઠીક લખે છે. પરમાત્મદર્શનમાં આવેલું નવ તત્વનું સ્વરૂપ ખાસ વાંચવા જેવું છે. પરમાત્મજ્યોતિ એ પુસ્તક પણ આત્માનું સ્વરૂપ સમજવામાં ઉપયોગી થઈ પડે તેમ છે. અધ્યાત્મ ભજનમાળા એ મુનિશ્રી બુદ્ધિ સાગરનાં રચેલાં પદોનો સંગ્રહ પણ સારો છે. અમદાવાદના મી. મણિલાલ નથુભાઈ દોશીએ મુનિ શ્રી બુદ્ધિસાગરજીએ પોતે સંસ્કૃતમાં જે ગ્રંથ રચ્યો છે તેનું ભાષાંતર વિવેચન સહિત લખ્યું છે. મી. મણિલાલના છૂટક લેખો ખાસ વાંચવા જેવા આવે છે. ભજન પદ સંગ્રહના ચોથા ભાગમાં તેર તથા ચૌદમા સૈકામાં રચેલા બે ગુજરાતી ગ્રન્થો તે વખતની લીપી તથા ભાષા યુક્ત અસલ છાપેલા છે.

(૨૮) જામનગરવાળા પંડિત હીરાલાલ હંસરાજે પ્રકટ કરેલાં જૈનધર્મના ઇતિહાસના બંને ભાગ વાંચવા જેવા છે. કાગળ તથા છપાઈ સારાં નથી પણ તેમાં જુદા જુદા મુનિરાજોએ જુદા જુદા કાળમાં કેવી રીતે જીવન ગાળ્યું છે ને પુસ્તકો લખ્યાં છે તે બધું સંક્ષેપમાં ઠીક જણાવ્યું છે. આ સિવાય લગભગ ચાલીસ પુસ્તકો આ ભાઈએ છાપેલા છે. તેમાંના લોકપ્રકાશ પંચસંગ્રહ ઘણું જ અગત્યના ગ્રંથો છે, તે સિવાય બાકીના ગ્રંથો ચરિત્રના છે. જોકે કિમત વધારે છે, પણ તે ઘણા પ્રયાસ કરીને ગ્રંથો છપાવે છે.

(ર૯) પેરિસમાં ડો. ગ્યુરીનોએ ફ્રેન્ચ સરકાર તરફથી જૈનધર્મના સને ૧૯૦૫ ની સાલ સુધી યુરોપમાં ને કેટલાક હિંદુસ્તાનમાં છપાયેલા ગ્રંથોનાં નામ તેનું વર્ણન તથા તેમાંના વિષયોનું દિગ્‌દર્શન વેગેરે બાર વિભાગ પાડી વિષયવાર સૂચિપત્ર બહાર પાડેલ છે.

(૩૦) શેઠ મનસુખભાઇ તરફથી નીચેના ગ્રંથો બહાર પડેલા છે.

ન્યાયાવતાર
 ખાદ્ય ખંડ
 અષ્ટાધ્યાયી સટીક
 પ્રમાણુ મિમાંસા.
 તત્ત્વાર્થાધિગમ સટીક.
 હરિભદ્રસૂરિકૃત અષ્ટક સટીક.
 ભાષા રહસ્ય.
 પ્રમાલક્ષ.
 અનેકાંત જયપતાકા.
૧૦ ઉપદેશ રહસ્ય વગેરે

(૩૧) શાસ્ત્રી રામચંદ્ર દીનાનાથે પ્રબંધ ચિન્તામણિ, વૈરાગ્યશતક, પ્રાકૃત શબ્દ રૂપાવલી, વગેરે ગ્રન્થો છપાવ્યા છે

(૩૨) અમદાવાદવાળા શા. સવજીભાઇ રાયચંદે લગભગ ૪૦ રાસોના તથા સ્તવન સંગ્રહ વગેરે ગ્રન્થો છાપેલા છે. તે પૈકી કેટલાકના નામ નીચે મુજબ છે.

કુમારપાલ રાજાનો રાસ.
શિયલોપદેશ. 
શ્રીપાલ રાસ.
શ્રીપાલ નોવેલ.
ઉત્તમચરિત્રકુમારનો રાસ.
કાન્હડ કઠિયારાનો રાસ.
શત્રુંજય તિર્થ માલા રાસ.
માનતુંગ માનવતીનો રાસ.
માનતુંગ માનવતીની કથા.
માનતુંગ માનવતી નોવેલ.
ઇલાયચી કુમારનો રાસ.
આદ્ર કુમારનો રાસ.
ચંદ રાજાનો રાસ.
ક્યવન્ના શેઠનો રાસ.
ચંદ્રશેખરનો રાસ.
ચન્દન મલયાગિરિને રાસ.
છ ભાઇનો રાસ.
કર્મ વિપાકનો રાસ.
રાત્રિભોજન પરિહારક રાસ.
હરિશ્ચન્દ્ર રાજાનો રાસ.
રત્ન ચૂડવ્યવહારીનો રાસ.
લીલાવતીનો રાસ.
રત્નપાલ વ્યવહારીયાનો રાસ.
ધર્મ બુદ્ધિ મન્ત્રિ અને પાપ બુદ્ધિ રાજનો રાસ.
અંજના સતીનો રાસ.
ઈલાયચી કુમારના ઢાલીયા.
ગોડી પાર્શ્વનાથ તથા મેઘા કાજલના ઢાલીયા.
ગૌતમ પૃચ્છાની ચોપાઈ

(૩૩) સા. મગનલાલ હઠિસંગે (અમદાવાદ) અનુકરણરૂપે તથા જુના  ગ્રન્થોના આધારે સામાન્ય ઉપયોગી ગ્રન્થો છપાવેલ છે તે પૈકી કેટલાકના નામ નિચે મુજબ છે.

 ભરતેશ્વર બાહુબલી વૃત્તિ.
 વર્ધમાન દેશના ભાષાન્તર.
 સ્વાધ્યાય માલા.
 ગુણવર્મા ચરિત્ર.
 જયાનંદ કેવલીનો રાસ.
 ધનાશાલીભદ્રનો રાસ.
 ચંદ રાજાનો રાસ.
 આનંદ ધન ચોવીસી.
 જૈન સતી મંડળ
૧૦ રાત્રિ ભોજન નિષેધક.
૧૧ જૈન સ્તોત્ર સંગ્રહ.
૧૨ મહાવીર સ્વામીનું ચરિત્ર.
૧૩ શાન્તિનાથ ચરિત્ર.
૧૪ નેમનાથ ચરિત્ર.
૧૫ મુનિપતિ ચરિત્ર.
૧૬ રત્નસાર ચરિત્ર.
૧૭ જૈન કાવ્ય પ્રકાશ. ભાગ ૨–૩

(૩૪) કલકત્તાની રોયલ એસીયાટીક સોસાઈટી તરફથી મૂલ સંસ્કૃતને માંગધી જૈન સંબંધિના નિચેના ગ્રન્થો છપાએલા છે.

 પરિશિષ્ટ પર્વ.
ઉવાસગદસાઓ.
 ઉપમિતિ ભવ પ્રપંચ કથા
 યોગ શાસ્ત્ર.
 શાંતિનાથ ચરિત્ર. 
૬ આર્ષ વ્યાકરણ.
૭ ષડ્ દર્શન સમુચ્ચય
૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર.
૯ સમરાઈચ્ચકહા,

આમાંના પરિશિષ્ટ પર્વ ગ્રન્થમાં જૈનના છેલ્લા તિર્થંકર મહાવીર સ્વામી જેઓ હેમચન્દ્રાચાર્યના કહેવા પ્રમાણે વિક્રમસંવત પહેલા ૪૭૦ વરસે મોક્ષે ગયા તેમના પછી જૈનધર્મના થયેલા આચાર્યોના ચરિત્રો છે. આ ગ્રન્થ મૂલ હેમચન્દ્રાચાર્યનો છે. પ્રોફેસર જેકોબીએ તે સંશોધિત કર્યો છે. અને પહેલા પ્રસ્તાવનામાં ૭૫ પાનામાં ઇંગ્રેજીમાં તેનો સાર આપેલો છે.

ઉવાસગ દસાઓ ગ્રન્થ. આ જૈનનો આગમનો ગ્રન્થ છે. અને તેમાં આનંદ વગેરે શ્રાવકોએ કેવા વ્રત લીધા તે વગેરેનું તથા શ્રાવકોના બાર વ્રતનું વર્ણન છે. આ આખો ગ્રન્થ ટીકા સાથે છપાયેલ છે અને તેનું ભાષાન્તર પણ ઇંગ્રેજી ભાષામાં પ્રોફેસર હોર્નેલે કરેલું છે. ઉપમિતિ પ્રપંચા કથા નામનો ગ્રન્થ તે એક મહાન ગ્રન્થ છે તે રૂપક ગ્રંથીવાળો ગ્રન્થ છે. લગભગ ૧૩૦૦ પાનાનો ગ્રન્થ છે. અને એક જીવ ઉપર વાર્તા રૂપે તે હકિકત તમામ ઘણી જ સારી રીતે ઉતારેલી છે. આ ગ્રન્થ પ્રોફેસર જેકોબી સંશોધિત કરે છે. યોગશાસ્ત્ર ગ્રન્થ પ્રસિદ્ધ હેમચન્દ્ર આચાર્યનો બનાવેલ છે. તેમાં ઘણી જ સરલરીતે જૈન ધર્મનું સ્વરૂપ ટૂંકાણમાં આપેલું છે. આ ગ્રન્થ અવશ્યે મનનીય છે. દેવગુરૂ ધર્મનું સ્વરુપ તથા શ્રાવકના બારવ્રતો તથા તેના અતિચારો તથા ભાવના વગેરેનું સ્વરૂપ આપેલ છે. છેવટે યોગની વાત આપી છે અને જીવને શરૂથી ઉપાડી ને તે છેવટ મોક્ષ પામે ત્યાં સુધી કેવા પ્રકારની આચરણ જીવે અનુસરવુ જોઈયે તે તમામ ઘણી સારી રીતે આપેલ છે. આ ગ્રન્થ ખાસ વાંચી મનન કરવા યોગ્ય છે. તે ગ્રન્થ ઉપર ટીકા પોતે જ બનાવેલ છે. ભીમસી માણેક તરફથી આ ગ્રન્થનું ભાષાન્તર છપાયેલ છે. અને જો કે ભીમસી માણેક તરફથી છપાયેલ ભાષાન્તર મૂલ તથા ટીકાનું છે છતાં તે ભાષાન્તર હીરાલાલભાઈ પાસે કરાવેલ હોવાથી કેટલેક સ્થળે સંકોચ કરવામાં આવેલ છે મુનિશ્રી કેસર વિજયજી તરફથી છપાયેલ ભાષાન્તર ફક્ત મુલનું જ છે. ટીકામાંથી થોડો વિવરો લેવામાં આવેલ છે. આ ગ્રન્થ સટીકનું તમામ ભાષાન્તર થવાની ખાસ જરૂર છે.

શાન્તિનાથ ચરિત્ર આ ગ્રન્થનાં જૈનોના ૧૬ મા તિર્થંકરનું ચરિત્ર છે તેમાં જીવ દયા ઉપર લખાણ અવશ્યે વાંચવા યોગ્ય છે.

આર્ષ વ્યાકરણ આ ગ્રન્થ માગધી વ્યાકરણનો છે અને તેમાં ડોક્ટર હોરનેલની પ્રસ્તાવના ઘણી જ સારી છે. આ પ્રસ્તાવનાનું ખંડન પ્રોફેસર ભંડારકરે બોમ્બે બ્રેન્ચ રોયલ એસીયાટીક સોસાઈટીના જરનલમાં કરેલ છે.

ષડ્ દર્શન સમુચ્ચય આ ગ્રન્થ ન્યાયનો છે. મુલ કર્તા હરિભદ્રસૂરિ છે. તેમાં જૈન દર્શનનું મંડન છે તથા અન્ય દર્શનો યુક્તિસર નથી એમ બતાવી આપેલ છે. આ ગ્રન્થ સટીક ડોક્ટર સ્યુએલી સંશોધિત કરે છે.

સમરાઇચ્ચ કહા આ ગ્રન્થ મૂલ માગધીમાં છે. તે હરિભદ્ર સૂરિનો કરેલ છે. તેમાં સમરાદિત્ય નામના કેવલીના નવભવનું વર્ણન છે. આ ગ્રન્થ ક્રોધના ત્યાગ ઉપર છે અને એટલી બધી ખુબીથી લખાય છે કે તે વાંચ્યા સિવાય તેનું વર્ણન આપી શકાય તેમ નથી. પ્રોફેસર જેકોબી આ ગ્રન્થ સંશોધિત કરે છે.

જૈન સાહિત્યના મુખ્ય ગ્રન્થો તત્વજ્ઞાનના, ચરિત્રોના, ગણિત સંબંધીના તથા આચાર વિચારના ગ્રંથો (દ્રવ્યાનુયોગ, ચરિત્રાનુયોગ, ગણિતાનું યોગ, ને ચરણ કરણાનું યોગ ) છે. ચરિત્રો સંબંધી ગ્રંથોને ઘણોખરો ભાગ રાસરૂપે છે અને છપાયેલ છે. ફીલસુફીના ગ્રંથો ઉપર જોઇએ તેવું ધ્યાન અપાતું નથી. તે વિષય કઠીણ હોવાને લીધે અને તે ગ્રન્થની ખપત પણ ઓછી હોવાને લીધે તે ગ્રન્થો છપાતા નથી. તેવા ગ્રન્થો છાપવામાં મર્હુમ ભીમસી માણેકે ઘણોજ પ્રયત્ન કરેલ છે.

જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ઓફિસ તરફથી છપાયેલ જૈન સાહિત્યના લીસ્ટમાં કર્મ ગ્રન્થ સંબંધીના તથા અધ્યાત્મ વિષયક જે જે ગ્રન્થો આપેલ છે તે તમામ ગ્રન્થો એકઠા કરી તાકિદે છાપવાની ખાસ અગત્યના છે.  છેલ્લી સાઠીમાં પ્રગટ થઈ ચાલુ રહેલાં જૈન માસિકો. જૈન ધર્મપ્રકાશ નામનું માસિક ભાવનગરમાં ધર્મપ્રસારક સભા તરફથી સં ૧૯૪૧ ના ચૈત્ર માસથી પ્રકટ થવા લાગ્યું છે. એ અત્યાર સુધી ટકી રહ્યું છે. તે દિવસે દિવસે તેના દેખાવમાં તથા લખાણમાં જે સુંદરતાનો ઉમેરો થતો જાય છે તે એ પત્રના કાર્યવાહકોની કુશળતાનો યોગ્ય પુરાવો છે. બચપણમાં તેમજ પહેલી વીશીની પૂર્ણાહુતિનાં સમયમાં તેની સામે જે સ્પર્દ્ધા શરૂ થઈ હતી તેમાં પણ તે પત્રે તેનું જીવન તથા સરસાઈ ટકાવી રાખી, પ્રયત્ન કરનારને પ્રભુ સહાય કરે છે એમ બતાવી આપ્યું છે. આ માસિકમાં આવેલા જીવ અને કર્મ, ચાર ધ્યાનનું સ્વરૂપ, સ્યાદ્‌વાદ, ચતુર્વર્ગ અનુયોગ, સામાયિકનું સ્વરૂપ, તપ વગેરે શાસ્ત્રીય અને સિદ્ધાન્તિક વિષયો લક્ષમાં લેવા જેવા છે. એ પત્ર શ્વેતાંબરી મૂર્તિપૂજક જૈનોનું વાજિંત્ર હોઈ તેમાં તીર્થ રક્ષા, ક્રિયાવિધિ વગેરે બાબતના લેખો પણ સમયાનુકુળ પ્રકટ થતા રહ્યા છે. તેની રૂપેરી જ્યુબીલીનો ભવ્ય પ્રસંગ હમણાં જ ઉજવાયો છે. આ પત્રના લેખક વર્ગમાં ગ્રેજ્યુએટો તથા મુનિરાજોએ દાખલ થઈ પત્રને સારી શોભા આપી છે. રા. રા. કુંવરજી આણંદજી વગેરે ઉત્સાહી કાર્યવાહકો એ પત્રના રજત મહોત્સવ વખતે શ્રીયુત્‌ મનસુખ કીરત્‌ચંદ તરફથી થયેલી યોગ્ય સૂચનાઓ લક્ષમાં લઈ હજી પણ વધારે સારી સ્થિતિમાં એ પત્રને લાવશે એવી આશા છે. સાખામતો તરફ સહિષ્ણુતા બતાવી ઉદાર વિચારોથી શ્રાવક તેમજ સાધુવર્ગના વર્તનમાં વિશેષ સુધારો થતો રહે તેવા પ્રયાસ વધારે જોરથી ચાલુ રાખવાની જરૂર છે. અમને એમ જણાય છે કે આ પત્રના ને આ જૈન ધર્મપ્રસારક સભાના કાર્યવાહકો કેટલાક એવા સારા ગુણો ધરાવે છે કે તેઓ ધારશે તે કરી શકશે તેથી જ આટલી સૂચના કરવાની તક લીધી છે.

૨. સં. ૧૯૪૫ માં અમદાવાદમાં જ્ઞાનપ્રકાશ નામનું એક માસિક પ્રકટ થયું તે હજી પણ ચાલે છે. મિ. મગનલાલ હઠીસીંગ તરફથી તે પ્રકટ થયું હતું. તે પત્રે પોતાની પ્રાચીન પુરાણી ગોકળગાયની ધીમી ચાલમાં ઘણો સુધારો કરવાની જરૂર છે.

૩. સં. ૧૯૫૯ માં ભાવનગરમાં જૈન આત્માનંદ સભા તરફથી આત્માનંદ પ્રકાશ નામનું માસિક પ્રકટ થવા લાગ્યું છે. તેમાં પણ સમયાનુકુળ સારા વિષયો આવે છે. જૈન ધર્મપ્રસારક સભાના જમણા હાથ જેવા વકીલ મૂળચંદ નથુભાઇ જેવા ઉત્સાહી ગૃહસ્થની આગેવાની નીચે પ્રકટ થયેલા એ પત્રે પણ જૈન ધર્મપ્રકાશને થયેલી સૂચના લક્ષમાં લેવાની છે.

૪. જૈન કોન્ફરન્સ હૈરલ્ડ એ નામનું એક માસિક શ્વેતાંબર (મૂર્તિપૂજક) જૈનકોન્ફરન્સ ઓફિસ તરફથી મુંબઈમાં પ્રસિદ્ધ થાય છે. પાંચેક વર્ષનું એ બાળક થયું છે. એ પત્રમાં હમણાં કંઈક ઠીક લેખો આવે છે. કોન્ફરન્સ તરફથી એ પત્ર નીકળતું હોવાથી તેણે વધારે ઉત્સાહથી, નિયમિતતાથી અને બીજા જૈન માસિકોને અનુકરણ કરવાની તક મળે એવી રીતે પ્રકટ થવું જોઈએ. બીજી કોમોની પેઠે જૈન કોમના ત્રણે ફીરકાઓની કોન્ફરન્સ ભરાવા લાગી છે તેના પરિણામે આ પત્રનો પ્રાદુર્ભાવ થયો છે. ત્રણે કોન્ફરન્સો અરસપરસ ભેળાઈ એક એકત્ર જૈન પ્રજા બનાવવાનું કર્તવ્ય ભૂલી જાય છે. તેમ તે દરેક ફીરકાનાં વાજીંત્રો પણ એકત્ર જૈન પ્રજા બનાવવાનું કાર્ય કરવાનો પ્રયાસ કરતાં નથી.

૫. આનંદ નામનું માસિક પત્ર પાલીતાણા જૈન વિદ્યા પ્રસારકવર્ગ તરફથી પ્રથમ પાલિતાણામાં પ્રકટ થયેલું હાલ ભાવનગરમાં પ્રકટ થાય છે. પંડિત લાલન તથા શીવજીના લેખો પણ બીજા શાસ્ત્રીઓના લેખો સાથે તેમાં પ્રકટ થતા જોઈ લેવાય છે. શ્રાવકસંસાર, દીક્ષાકુમારી વગેરે લેખોવડે તેણે સાધુ શ્રાવકવર્ગને કંઈક જાગૃતિમાં આણ્યા છે. સાધુ વર્ગનું કોઈ નામ લઈ શકતું નહોતું તે તેણે પરોક્ષે ને કેટલીકવાર પ્રત્યક્ષે યોગ્ય શીખામણના રૂપમાં સાધુ વર્ગને પણ જાગૃત કર્યો છે.

૬. જૈન પતાકા નામનું એક માસિક પ્રથમ અમદાવાદ અને પછી કાશીથી પ્રકટ થતું હતું તે સં. ૧૯૬૩ થી શરૂ થયું છે. મુંબાઈમાં તેણે થોડો વખત પોતાની પતાકા ફરકાવવા માંડી હતી. પણ તે અનિયમિતપણે પ્રકટ થાય છે ને તેથી તે હાલ જીવતું છે કે મરી ગયું છે તે કંઈ કહી શકાતું નથી.  ૭. બુદ્ધિપ્રભા આ નામનું માસિકપત્ર અમદાવાદમાં પ્રસિદ્ધ થવા લાગ્યું છે. એ પત્રના નેતા મુનિ બુદ્ધિસાગર અને તેમના શિષ્યો છે.

૮. આ શિવાય સનાતન જૈન નામનું માસિક સં. ૧૯૬૧ થી નીકળવું શરૂ થયું છે. તે અનિયમિત નીકળે છે ને હમણાં તો તે દેખાતું નથી. તેથી તેના જીવન વિષે શંકા ઉત્પન્ન થાય તેવું છે. ઉપલાં બધાં પત્રો જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક વર્ગનાં છે ત્યારે આ પત્રને જૈનના ત્રણે ફિરકામાંથી એકેનો પક્ષપાત નથી અને ત્રણે ફીરકાના સંબંધમાં સમયાનુંકુળ યોગ્ય લેખો લખે છે. શતાવધાની કવિ શ્રીમદ્ રાજચંદ્રે પોતાની હયાતીમાં જે ધાર્મિક વિષય ચર્ચ્યા હતા તે સંબંધી પણ હકીકતો આ પત્રમાં આવે છે. આ પત્ર પ્રથમ રાજકોટમાં પ્રકટ થયેલું અને શ્રાવક માસિક સાથે સંબંધ ધરાવતા એક સાહિત્ય પ્રેમીએ એ કાર્ય માથે લીધેલું. પાછળથી એ પત્રને તેના સંપાદક રા. રા. મનસુખલાલ રવજીભાઈ મુંબાઈ લઈ ગયા ને તે ત્યાં પ્રકટ થાય છે. તે પત્રની પદ્ધતિ કાંઈ જુદી જ ખુબીવાળી છે. એ પદ્ધતિ મુજબ ચાર પાંચ પત્રો પ્રકટ થતાં હોય તો જૈન કોમમાં કંઈ જુદો જ રંગ જામત. એ પત્ર ત્રણે શાખામતોમાં ભ્રાતૃભાવ વધારવાનો જૈન યંગમેન્સ એસોસીએશનની માફક સારો પ્રયત્ન કરે છે ને તેવા લેખો લખે છે. એ રીતે એક અધિપતિને શોભે એવી પ્રશંસાને પાત્ર છે. એમાં આવતા ઐતિહાસિક લેખો ખાસ મનન કરવા જેવા છે. કેળવાયેલો વર્ગ એ પત્ર હોંસે વાંચે છે. જમાનાની સાથે જૈનોને આગળ વધારનારાં આવાં પત્ર જેમ વધારે પ્રકટ થાય તેમ વધારે સારું. આ પત્રની મોટામાં મોટી ખામી એ છે કે તે ઘણું અનિયમિત પ્રકટ થાય છે.

૯, જૈનજિત્તેચ્છુ સ્થાનકવાસી શ્વેતાંબરી જૈનો તરફથી પ્રસિદ્ધ થતું આ એક માસિક હયાત છે. દશ વર્ષ થયાં તે અમદાવાદમાં પ્રકટ થાય છે. શા. મોતિલાલ મનસુખરામની કલમથી કેટલાંક વર્ષ તે લખાયું ત્યાર પછી તેમના યુવાન પુત્ર શ્રીયુત્‌ વાડિલાલની જુસ્સાદાર કલમથી લખાવા લાગ્યું. હાલ તેમાં શાંતિસમાધીને પોષે તેવાં લખાણો શ્રીયુત્ વાડીલાલ તરફથી ચાલે છે. ખંડન–મંડનથી દૂર રહેવામાં જૈન સમુદાયની પ્રિતી સારી રીતે મેળવી શકાય છે એમ દરેક જૈન માસિકોએ ધ્યાનમાં રાખવાનું છે.

સ્થાનકવાસી જૈન કોમની વસ્તીના પ્રમાણમાં તેમાં વિશેષ માસિકો પ્રકટ થવાની જરૂર છે.

૧૦. દીગંબર જૈન સુરતવાળા મિ. મુળચંદ કશનદાસ કાપડીયા તરફથી આ પત્ર ત્રણેક વર્ષ થયાં પ્રકટ થાય છે. આ સિવાય અમદાવાદમાં દિગંબર જૈન બોર્ડિંગ તરફથી એકાદ માસિક પ્રકટ થવાનું સાંભળ્યું છે પણ તે જોવામાં આવ્યું નથી.

૧૧. જૈન ગેઝીટ આ માસિક અલ્હાબાદમાં મી. જગમંદિરલાલજૈની બેરીસ્ટર–એટ–લો એમની માર્ફત અંગ્રેજીમાં છપાય છે. જૈન સંબંધીનું આ એક જ ચોપાનીયું છે કે જે અંગ્રેજીમાં નીકળે છે.

જૈન ગૂજરાતી સાપ્તાહિક પત્રો.

૧. શ્વેતાંબર સ્થાનકવાસી જૈનોમાં શા. વાડીલાલ મોતીલાલના અધિપતિપણા નીચે અમદાવાદમાં "જૈન સમાચાર” નામનું અઠવાડીક પત્ર દર સોમવારે પ્રકટ થાય છે. પાંચેક વર્ષ થયાં તે સ્થાનકવાસી જૈન કોમમાં સારી જાગ્રતી ફેલાવવા મંડ્યું છે. મૂર્તિપૂજાના ખંડનના તથા બીજા રાજકીય લેખો જે કોઈ કોઈ વખત તે પત્રમાં આવતા તે બાદ કરતાં બાકીના વિષયો ઘણું કરીને કોમમાં જાગૃત્તિ લાવવાનું અને જાહેર મત કેળવી સ્વમાનનો જુસ્સો ઉત્પન્ન કરવાને ઉપયોગી હતા તેમ એ પત્રને ઈન્સાફ આપવા કહેવું જોઈએ. એ પત્ર અને અમદાવાદ શ્વેતાંબર ( મૂર્તિ પૂજક) જૈનોના જૈન નામનું અઠવાડીક પત્ર ઘણીવાર સામસામે લખાણોની ઝપાઝપીમાં ઉતર્યા છે. આવી ઝપાઝપી સુજ્ઞ વાંચનારાઓને પસંદ નથી એમ પણ તેઓ બંન્નેએ જોયું જાણ્યું હોવું જોઈએ. “જૈન” અને “જૈન સમાચાર ” લોર્ડ જેવા જૈન શેઠીઆઓ, કોન્ફરન્સના કાર્યવાહકો, અને સંઘમાં ફાટફુટ પડાવનારા સાધુઓ ઉપર જે બાણો છોડ્યાં છે તે એ  વિષયમાં જૈન કોમને જાગ્રત કરી છે એ તેમનું કામ પ્રશંસાપાત્ર અને જાહેર હિંમતનું હોઈ કંઈક ફળદાયી પણ નીવડ્યું છે.

૨.“ જેન” પત્ર જૈન સમાચાર પહેલાં એક બે વરસે અમદાવાદમાં બ્હાર પડતું હતું. ત્યાંથી તે મુંબાઈ ગયું. એ પત્રમાં જે રાજકીય બાબતને લગતા અને ખંડનમંડનના લેખો આવતા તે બાદ કરતાં બાકીના તો કોમના હિતની ચર્ચા કરનારા હોઈ ઠીક પ્રકટ થતા હતા. હાલ પણ તે પત્ર એકંદર કોમની સેવા ઠીક બજાવે છે. સહિષ્ણુતાથી જો જૈનકોમનાં વર્ત્તમાનપત્રો પોતાનું કામ ચલાવે, ઝઘડા ફરિયાદમાં ઉતરે નહિ અને બહારથી આવતા લેખોની પસંદગી કરવામાં જરા વિશેષ મન પરોવે તો તે સારી રીતે કોમને હિતકર નીવડે. “જૈન” પત્રને મુનિમહારાજોના લેખોનો લાભ મળતો રહ્યો છે ત્યારે “જૈનસમાચારને” હજી હમણાં મુનિમહારાજોના લેખોને લાભ મળવા લાગ્યો છે. આ બંને પત્રોને પોતાના ગ્રાહકોને ભેટ દાખલ પુસ્તકો આપવાં પડે છે, ને એ રીતે જૈન સાહિત્યની વૃદ્ધિ થાય છે.

“ જૈનવિજય' નામનું એક અઠવાડીક પત્ર મુંબાઈમાં પ્રકટ થવા લાગ્યું હતું પણ તે હમણાં દોઢેક વર્ષનું આયુષ્ય ભોગવી મરણ પામ્યું છે. તેમાં લેખો ઠીક આવતા. મુનિ મહારાજ ચારિત્રવિજયજીના ઉદાર વિચારને પુષ્ટિ આપનારા લેખો તેમાં વાંચવા જેવા છે. સ્થાનકવાસી અને દેરાવાસી વચ્ચે ભિન્નભાવ ન વધે, પોતાના (શ્વેતાંબરી મૂર્તિપૂજક) વર્ગમાં પણ અંદર અંદર શાન્તિ સમાધાનીની વૃદ્ધિ થાય એવા ઉદ્દેશથી અને વલણથી એ પત્ર બહાર પાડવા લાગ્યું હતું જો કે એ ઉદ્દેશનું અખંડ પરિપાલન થઈ શક્યું નહોતું. પરંતુ એકદરે આ પત્ર સરખામણીમાં સારૂં હતું.

જૈનશાસન નામનું પાક્ષિક પત્ર બનારસ શહેરમાંથી ગુજરાતી ભાષામાં નિકળવા માંડ્યું છે.

આ પ્રમાણે જૈન ભાઇઓએ પણ ગુજરાતી સાહિત્યમાં ફાળો આપ્યો છે. બ્રાહ્મણોને ત્યાંનાં પુસ્તકો પુરૂષોના અવસાન પછી બીજાના વપરાશમાં ન આવતાં નદી વગેરે જળાશયમાં ડુબાવી દેવામાં આવે છે ત્યારે ઘણા જૂના ગ્રંથો સારી સ્થિતિમાં સાચવી રાખવાનું માન એ ભાઈઓને જ છે. પુસ્તકોના સંભાળ પૂર્વક રક્ષણ કરવાના પ્રચારને લીધે જ સરસ્વતિ દેવીનું પિયેર જૈન લોકોને ત્યાં કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષમાં એ ભાઈઓનો સર્વદા પરિશ્રમ જારી રહે અને તેથી માતૃભાષાને સતત લાભ થાઓ એવી આશા પ્રદર્શિત કરીને વિરમીશું.