સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/દ્વિતીય ખંડ/પ્રકરણ ૧૦

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૯. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૧૦.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પૂરવણી ૧. →


પ્રકરણ ૧૦.

સામયિક પત્રો અને છાપખાનાં.

હિંદુસ્થાનમાં છાપખાનું અને વર્તમાનપત્રો ઇંગ્રેજોની તરફથી દાખલ કરવામાં આવ્યાં છે. આ દેશમાં અંગ્રેજોનો પગપેસારો થયાને આશરે દોઢસો વર્ષ વિત્યા બાદ હિંદુસ્થાનની ભૂમિ ઉપર પહેલ વહેલું છાપખાનું અને પહેલું વર્તમાનપત્ર કાઢવામાં આવ્યું હતું. એ વખતે પ્લાસીની જીત મળ્યા ને આશરે પચ્ચાસેક વર્ષ થઈ ગયાં હતાં.

દેશી વર્તમાનપત્રો તો ગયા સૈકાની શરૂવાત પછી જ અસ્તિત્વમાં આવ્યાં હતાં.

આપણા દેશમાં વર્તમાનપત્રો નહોતાં પણ લોકો દેશ પરદેશની ખબરોથી વાકેફ રહેતા. મોટાં બજારમાં દેશ પરદેશના લોકો વેપાર અર્થે એકઠા થતા હોય છે ત્યાં દર દેશાવરની ખબર મળી શકતી. વેપારીઓના કાગળો એક જાતનાં વર્તમાનપત્રની જ ગરજ પૂરી પાડતા. પોતાના કામની હકીકત લખ્યા પછી વર્ષાદપાણી–જાણીતા બનાવો–બજાર ભાવ વગેરે લખવાનો રિવાજ હતો; અને કેટલેક અંશે હાલ પણ છે. ટપાલખાતું સ્થાપન થયાની પૂર્વે વેપારીઓના કાગળો કાશદ લઈ જતા. મોટા મોટા ગામમાં 'મડધો' રહેતો અને એના તાબામાં કાશદો રહેતા. ખાસ જોખમ લઈ જવાને માટે 'આંગડીઆ' તૈયાર હતા. એક શહેરથી બીજે શહેર કાશદો જતા અને એમની માર્ફતે બીજા કાગળો પણ મોકલાવાતા. આવા કાગળો ખબર ફેલાવતા.

માલ મોકલવાનાં સાધનોમાં 'વણઝારો' હતી. એ લોકો પણ દેશ પરદેશ જ્યાં જ્યાં જતા ત્યાં ખબર ફેલાવતા. આવી વણઝારો અને વેપારીઓના કાગળ મારફત ખબરો વિજળીને વેગે ફેલાતી. છેક સન ૧૮૯૧ માં મણિપૂરની હકીકત વર્તમાનપત્ર દ્વારા મળે તે પહેલાં ઘણા દહાડાથી અલાહાબાદ અને ઉત્તર હિંદનાં બીજા શહેરનાં બજારોમાં ફેલાઈ રહી હતી  !

મોગલ શહેનશાહતમાં ખબરો લખી મોકલનારું ખાસ ખાતું હતું. તેમજ દરેક દેશી રાજ્યમાં ખબરપત્રીઓ રહેતા હતા. આ લોકો પોતપોતાના ગામ-શહેરની ખબરો નિયમિત રીતે રાજ્યના મથકે લખી મોકલતા.

પોતાના 'અયોધ્યાના રાજ્યમાં મુસાફરી' નામના ગ્રન્થમાં કર્નલ સ્લીમેને આવા ખબરપત્રીઓ-અખબાર નવેશોનું વર્ણન કર્યું છે. અયોધ્યાના રાજ્યમાં જ છસેં સાઠ ખબરપત્રીઓ હતા, અને તેમનું માસિક ખર્ચ રૂ. ૩૧૯૪ થતું ! આવા અખબાર નવેશ લાંચ લઈને અમુક બનાવ ઉપર ઢાંકપિછોડો પણ કરતા. અંગ્રેજી રાજ્યનો એક મેજીસ્ટ્રેટ અયોધ્યાના મુલકમાં કોઈ બદમાસને પકડવા ગયો હતો, અને ત્યાં ઝપાઝપી થતાં એક માણસ માર્યો ગયો હતો. એણે ખબર લખનારાને તેડાવીને ખૂશ કર્યો અને આ બનાવની વાત રાજા, દરબાર, રેસિડેન્ટ કે કોઈએ જાણી નથી ! કર્નલ સ્લીમેન એક બીજા અયોધ્યાના અમલદારની વાત પણ લખે છે. રજપુત જોડે તકરારમાં એ અમલદારે ઠીક માર ખાધો હતો. પોતાની આ હકીકત બધાના જાણવામાં આવે તો પોતાનું અપમાન થાય સમજી ચોતરફ ફરતા વિસ વિસ ગાઉ સુધીના અખબાર નવેશોને ફોડીને આ વાત દબાવી દેવડાવી હતી ! આવા અખબાર નવેશો માત્ર રાજ્યમાં જ રહેતા એમ નહિ. મોટા વેપારીઓ પણ જુદાં જુદાં શહેરોમાં પોતાના ખબરપત્રીઓ રાખતા. વેપારીઓના કાગળમાં આવી ખબર લખવામાં આવતી તે સરકારની જાણબહાર નહતું. સને ૧૮૫૭-૫૮ માં લોર્ડ કેન્નીંગે, વર્ત્તમાનપત્રપર જાપતાનો કાયદો અમલમાં હતો ત્યારે, એક વેપારીનો શિલા પ્રેસનો પથરો પોતાના વેપારના કાગળમાં રાજ્યકીય બાબતો લખવાના સબબે જપ્ત કર્યો હતો.

હિંદુસ્થાનમાં છાપખાનું પ્રથમ ઉઘાડવાનું માન મુંબાઇ અને બંગાળા બન્નેને ઘટે છે. બંગાળામાં પહેલું છાપખાનું સને ૧૭૭૮ માં સર ચાર્લ્સ વિલ્કિન્સ નામના વિદ્વાને કાઢ્યું હતું. ‘હેલ્ડ હેડ’ નું બંગાળી વ્યાકરણ એ બંગાળામાં પ્રથમ છપાયલું પુસ્તક છે.

લગભગ આજ સમયે આપણી તરફ મુંબાઈમાં કોઈ રૂસ્તમજી કેરસાસ્પજી નામના પારસીએ પ્રથમ છાપખાનું કાઢ્યું હતું. એમણે સને ૧૭૮૦ નું પંચાંગ પહેલ વહેલું છાપીને પ્રગટ કર્યું હતું. મુંબાઈના પ્રખ્યાત વિદ્વાન ડા. બ્યુઈસ્ટના ૧૮૫૫ માં બોંબે ટાઈમ્સમાં દર્શાવેલા અભિપ્રાય પ્રમાણે આ પંચાંગ સને ૧૭૭૯ માં જ તૈયાર થવું જોઈએ અને તેથી આ સાહસિક પારસીએ મોડામાં મોડું સને ૧૭૭૮ ના અંત સુધીમાં છાપખાનું ઉઘાડ્યું હોવું જોઈએ. આપણી તરફ આ પ્રમાણે પ્રથમ છાપખાનું કાઢનાર આ પારસી ગૃહસ્થ છે.

ગુજરાતમાં દરેક શહેરમાં કોણે કોણે છાપખાનું પ્રથમ આણ્યું હતું, વગેરે હકીકત લખીને ખાલી વિસ્તાર કર્યા કરતાં આ પ્રકરણને અંતે ઈ. સ. ૧૮૬૭ ના અંત સુધીમાં કિયાં કિયાં ગામમાં છાપખાનાં વગેરે હતાં તેની યાદિ આપીએ છઈએ જેથી એ વિશે હકીકત સહજ જ ખ્યાલમાં આવશે.

આ તો છાપખાનાની વાત થઈ પણ વર્તમાનપત્રના સંબંધમાં તો બંગાળાને અગ્રસ્થાન મળે છે. ત્યાં સને ૧૭૮૦ માં ‘બંગાળ ગેઝીટ’ નામે વર્ત્તમાનપત્ર પહેલ વહેલું નીકળ્યું હતું. કેટલાક કાળ બાદ બીજાં વર્ત્તમાનપત્રો પણ ત્યાં પ્રગટ થયાં હતાં.

આ વર્તમાન પત્રોની જીંદગીનો અહેવાલ, તેમના અધીપતિનાં ચરિત્ર, તેમને વેઠવી પડેલી વિપત્તિઓ તેમ જ તેમની કારકીર્દી વિગેરે રમુજ પડે એવો વિષય હોવા છતાં વિસ્તારના ભયને લીધે અમારા પુસ્તકમાં દાખલ કરી શકતા નથી.

શરૂઆતમાં વર્તમાનપત્રો તરફ સરકારનો દ્વેષ હોઈ તેમના ઉપર સખ્ત જાપતા નાંખવામાં આવ્યા હતા. સહેજ સહેજ બહાને અધિપતિયોને ઠપકા આપવામાં આવતા; તેમની ટીકા કડવી લાગતી અને ક્ષુલ્લક બાબતો પણ છાપવાની મનાઈ કરવામાં આવતી. તે કાળના–અધિપતિઓ પણ ઠીક જ હતા. ઈ. સ. ૧૭૯૧ માં કેટલાંક સારાં વર્તમાનપત્રો જન્મ પામ્યાં હતાં અને તે સાલથી જ તેમને વિપત્ત પડવાનો આરંભ પણ થયો હતો. આ બધાં વર્તમાનપત્રો યૂરોપિયન અધિપતિયોના હાથમાં હતાં. ઈ. સ. ૧૮૨૩ માં ‘બોર્ડ્ ઓફ્ કંટ્રોલ્’ ઉપર ‘રાઈટ્ ઓનરેબલ્ ઈસ્ટ્ ઇંડીયા કંપની’ ના ચેરમેને એક ખરીતો લખ્યો હતા. આ લાંબા ખરીતામાં ક્ષુલ્લક કારણોને માટે પણ અધિપતિયોને દેશપાર કરવાની અને તેમના ઉપર બીજા પણ સખ્ત ધારાની લંબાણમાં વિગત હતી. સન ૧૭૯૧ થી ૧૭૯૯ સુધીમાં આ વિષયે કાંઈ ધારા નહોતા, છતાં ત્રણ ચાર અધિપતિયાને દેશપાર કરી દીધા હતા, અને ઘણાકને કાલાવાલા કરાવીને માફી બખ્સી હતી. સન ૧૭૯૯ માં વર્તમાનપત્રો સંબંધે સખ્ત નિયમો ઘડાયા હતા. વર્તમાનપત્ર છાપવા પહેલાં સરકારના સેક્રેટરીને અગર બીજા એ કામને માટે નિમાયલા અધિકારીને બતાવવું પડતું હતું.

લોર્ડ હેસ્ટીંગ્સના વારામાં ‘કલકત્તા જર્નલ’નો અધિપતિ પ્રખ્યાત સીલ્ક બકિંગ્હામ ખફગીમાં આવી પડ્યો હતો. લોર્ડ હેસ્ટીંગ્સની મરજી આ માણસ વિષે આંખ આડા કાન કરવાની હતી. પણ તેમની પછી થોડા વખતને માટે નિમાયલા મી. એડમે આ માણસ ઉપર સ્હેજ કામ ચલાવીને તેને દેશપાર કરવાની ગાંડાઈ કરી. તે વખત આ યુરોપિયન અધિપતિયોને વહાણે ચઢાવી પાછા મોકલી દેવામાં આવતા. બકિંગહામ જેવા માણસને છંછેડવાથી અને લોર્ડ હેસ્ટીંગ્સની રાજનીતિ પ્રમાણે ન ચાલવાથી ઘણી પંચાત ઉઠી હતી. બીજા ડરપુ અધિપતિયો જેવો આ સીલ્ક બકિંગ્હામ નહતો. એણે ઈંગ્લાંડ ગયા પછી વર્ત્તમાનપત્રોમાં બહુ ચર્ચા કરી, પોતે વર્ત્તમાનપત્ર કાઢ્યું અને હિંદુસ્થાનના વહીવટને ખુબ વગોવ્યો. એ પોતે પાર્લામેન્ટનો સભાસદ ચુંટાયો ત્યારે ત્યાં પણ તોફાન મચાવ્યું. છેવટે કંપનીએ એને પેનશન આપીને છાનો રાખ્યો ! મી. એડમે કરેલા વર્ત્તમાનપત્રના નિયમો છેક લોર્ડ બેંટીકના વખત સુધી અમલમાં હતા. આ રાજનીતિજ્ઞ પુરુષે વર્ત્તમાનપત્ર ઉપરના જાપતા છેક જ કમી કરી નાંખ્યા. વર્ત્તમાનપત્રો એમના ઉપર ગાળોના વર્ષાદ વર્ષાવતાં હોવા છતાં પણ એઓ ખામોશ રાખતા અને કહેતા કે મારા કાન સુધી ન આવે એવી ઘણી બાબતો આમ વર્ત્તમાનપત્રને લીધે જ હું જાણી શકું છું. મી. એડમના નિયમો કાયદા તરીકે અમલમાં છતાં વર્ત્તમાનપત્રો વસ્તુતઃ સ્વતંત્ર હતાં. પછી લોર્ડ મેટકાફે આ નિયમોને રદ કર્યા હતા. વર્ત્તમાનપત્રોને આમ સ્વતંત્રતા આપવામાં આવી તે રાજકર્ત્તા વર્ગમાંથી કોઈને ગમ્યું નહોતું. લોર્ડ મેટાકાફને પણ પરોક્ષ રીતે સોસવું પડ્યું હતું. આ વાંક બદલ આ મહાન પુરુષને ગવર્નર જનરલ તરીકે કામ કરવામાં નહોતો આવ્યો. આ પ્રમાણે માર્કિવસ હેસ્ટીંગ્સના વખત સુધી દુઃખના દીવસો ભોગવી તેમના વખતમાં વર્ત્તમાનપત્રોને સ્વતંત્રતા મળી હતી. આ જાપતાના નિયમો રદ થવાથી માત્ર એંગ્લો ઈન્ડિયન વર્ત્તમાનપત્રોને લાભ થયો એમ નહીં પણ એનાથી એક બીજો અમુલ્ય લાભ થયો હતો. જાપતાને અભાવે દેશી વર્ત્તમાનપત્રો અસ્તિત્વમાં આવ્યાં.

બંગાળામાં સીરામપોરના ખ્રિસ્તિ ધર્મ ગુરૂઓ મેસર્સ લોર્ડ, કેરી અને માર્શમેન એમણે પહેલવહેલું દેશી વર્ત્તમાનપત્ર પ્રસિદ્ધ કર્યું હતું. આ દેશ હિતેચ્છુઓને ખબર હતી કે કંપની સરકારના નોકરોની વર્ત્તમાનપત્રો ઉપર કરડી નજર હતી. તેમની ઈચ્છા અમલદાર વર્ગને ગુસ્સે કરવાની ન હતી; લોકની સુધારણા અને ધર્મના ફેલાવાને માટે તેમ જ બીજી કેવળ પારમાર્થિક વૃત્તિથી તેમણે આ કામ ઉઠાવ્યું હતું. એક પખવાડીઆ સુધી ઇંગ્રેજી વર્ત્તમાનપત્રોમાં જાહેર ખબરો આપ્યા પછી તેમણે સને ૧૮૧૮ ના મે માસની ૩૧ મી તારીખે આ પહેલવહેલું દેશી વર્ત્તમાનપત્ર કાઢ્યું. ડા. માર્શમેન જણાવે છે તેમ ડા. કેરી ચોવીશ વર્ષ સુધી જોહુકમ અને અણવિશ્વાસુ રાજ્યમાં રહેલા હોવાથી તેમને આ પગલું ભરતાં બહુ જ ભય લાગ્યો હતો. એઓ જાણતા હતા કે લોર્ડ હેસ્ટિંગ્સની રાજ્યનીતિ જૂદી હતી. પણ દેશીઓમાં વર્ત્તમાનપત્ર જેવી સંસ્થા દાખલ થવા દેવા જેવું સાહસ આપણે ન કરવું એવું એમનું ધારવું હતું. ઉલટું વર્ત્તમાનપત્રને લીધે સીરામપોરના પાદરીઓ અને અમલદાર વર્ગ વચ્ચે મીનાકેસો ઉત્પન્ન થશે એમ એમનું માનવું હતું. ધર્મગુરૂઓની અઠવાડીએ અઠવાડીએ મળતી સભામાં ડા. કેરીએ આ પત્ર કાઢવા સંબંધમાં ઘણો વાંધો લીધો હતા. પણ તેમને ડો. માર્શમેને આપણે છાપતાં પહેલાં સરકારમાં બતાવીશું અને લગીરે વાંધો લેશે તો પછી બંધ રાખશું વગેરે કહીને ટાઢા પાડીને સંતોષ્યા હતા.

પરંતુ આ પરમાર્થ ધર્મગુરૂઓની બ્હીક ખોટી ઠરી. લોર્ડ હેસ્ટિંગ્સઆ પત્ર બ્હાર પડતી વખત કલકત્તા નહોતા, પણ તેમના કાઉન્સીલરોએ કશો વાંધો ઉઠાવ્યો નહિ. કેટલાક મહિના બાદ જ્યારે એઓ કલકત્તે પધાર્યા ત્યારે ડા. માર્શમેને એમને પોતાના વર્ત્તમાનપત્રની નકલ મોકલી અને એના સ્તુત્ય હેતુને લીધે ઓછે ટપાલ ખર્ચે મોકલી શકાય એવી કૃપા કરવા વિનંતી કરી. જવાબમાં લોર્ડ હસ્ટિંગ્સે એવા વર્ત્તમાનપત્રના લાભ ગણાવ્યા, બીજી કેટલીક વાજબી સૂચના કરી અને ડો. માર્શમેનની માગણી મુજબ સાધારણ દર કરતાં એક ચતુર્થાંશ દરથી ટપાલમાં લઈ જવાને હુકમ કર્યો. ખરું જોતાં આ ‘સમાચાર દર્પણ’ શુદ્ધ દેશી વર્તમાનપત્ર ન ગણાય, કેમકે દેશી ભાષામાં લખાતું હતું અને હિંદુસ્થાનમાં છપાતું હતું છતાં યુરોપિયન ગૃહસ્થો તરફથી લખાતું હતું.

બાબુ રામમોહન રાયની તરફથી સંસાર સુધારાની હિમાયત કરનારૂં ‘સંગબાદ કૌમુદી’ નામનું વર્ત્તમાનપત્ર હિંદુસ્થાનમાં સૌથી પહેલું ખરેખરૂં દેશી વર્ત્તમાનપત્ર કહેવાય.

બંગાળામાં પહેલું વર્ત્તમાનપત્ર ‘સંગબાદ કૌમુદી’ પ્રગટ થયા પછી થોડા મહીના બાદ આપણી તરફ એટલે મુંબાઈમાં પહેલું અને આખા હિંદુસ્થાનમાં બીજું વર્ત્તમાનપત્ર ‘મુંબાઈ સમાચાર’ સને ૧૮૨૨ ના જુલાઈની પહેલી તારીખે પ્રગટ થયું હતું. બંગાળાના ‘કૌમુદી’ અને ‘સમાચાર દર્પણ’ હાલ હયાત નથી પરંતુ આપણું ‘મુંબાઈ સમાચાર’ કોઈ પણ વખત બંધ પડ્યા સિવાય અઠ્યાશી વર્ષથી પોતાની માનભરી જીંદગી ગુજારે છે. દીનપરદીન આ વૃદ્ધ વર્ત્તમાનપત્ર આબાદી પામે છે અને પોતાની સ્વતંત્ર, શાંત અને નિસ્પૃહ વાણીથી દરેક સવાલની ગંભીર ચર્ચા ચલાવીને તેમ જ રાજા અને પ્રજા વચ્ચે સંતોષ વધારીને પોતે પ્રતિષ્ટા પામ્યું છે. સને ૧૮૨૨ માં દેશી ભાષામાં–ગુજરાતીમાં–વર્ત્તમાનપત્ર કાઢવું એ ઘણું જોખમ ભર્યું કામ હતું. આજના સમામાં ૧૮૨૨ની મુંબાઇનો ખ્યાલ આપવો મુશ્કેલ છે. તે કાળે શું શું હતું તે કહેવા કરતાં શું શું નહોતું એ કહેવું ઠીક પડશે. તે વખત ‘ટાઉનહોલ’ નહોતો; દેશીઓને માટે કેળવણીની કોઈ પણ સંસ્થા નહોતી; દેશીઓને માટે કોઈ પણ ભોજનગૃહ અથવા રહેવાની સોઇ નહોતી; કોઇપણ બેંક નહોતી; એક જૂનું હોટલ હતું જેમાં કોઈ ભાગ્યે જ રહેતું; હુન્નર કારીગરી શીખવતી કોઈ પણ સંસ્થા નહોતી; દૈનિક વર્ત્તમાનપત્ર નહોતું; ભરતી ઉતરી ગઈ હોય તે સિવાય કોલાબે પણ જવાતું નહિ ! કોઈ પણ જાતનાં વરાળયંત્ર નહોતાં અને રેલવે પણ નહોતી. હાલ જેને આપણે સુધારાનાં ચિન્હ કહીએ તેમાંનું કશું નહોતું. બધું સડાવાળું હતું. ન્યાયની હાઈકોર્ટ નહોતી. તે વખતે માત્ર બે ઇંગ્રેજી વર્ત્તમાનપત્ર હતાં. એ બન્ને હાસ્યાસ્પદ હતાં. તેમાં ઇંગ્લાંડના પત્રોના ઉતારા જ બહુધા આવતા. કવચિત્ કોઈ ચુકાદાની હકીકત, નાચ, ખાણું અગર ખાનગી નાટકની હકીકત સિવાય અધિપતિયોને ભાગ બીજું લખવાનું ભાગ્યે જ આવતું. જ્યાં ઇંગ્રેજી વર્ત્તમાનપત્રોની હાલત આવી હતી ત્યાં દેશી વર્ત્તમાનપત્ર કાઢવું કેટલું જોખમ ભર્યું હતું તે સહજ સમજાશે. પોતાના ધંધાની ‘જાહેર ખબર’ આપવી એટલે શું એ ધરાધરી સામાન્ય લોકો સમજતા નહોતા ! કેટલાંક વર્ષો સુધી ‘સમાચાર’ ના અધિપતિ પોતાના પત્રમાં છેવટે છાપતા કે “અમે સઘળાને વિનતી કરીએ છીએ કે તેમણે અમને બધી ખરખબરો મોકલવી. કોઇ વસ્તુ વેચવી હોય અગર લેવી હોય એવા સાટાની અમને ખબર કરવી. સાહિત્યની કોઈપણ બાબતની અમને ખબર આપવી, કાંઈ વાર્તા કે કવિતા હોય તે અમને લખવી. ટૂંકામાં કોઈપણ બાબત સઘળાને જણાવવાની હોય તો અમને લખવું. અમે એ ઉપકાર સાથે છાપીશું.

અમારા છાપવાથી જેને લાભ થાય તેણે અમને ખરચ આપવું પડશે. બાકીની બધી ખબરો અમે મફત છાપીશુ.”

પત્રમાં લખવાની બીજી ખબરો અને જાહેર ખબર વચ્ચે ભેદ સમજાવવા સારું આવું લખવું પડ્યું હશે. કોઈ વર્તમાનપત્રને પ્રસિદ્ધ થતાં જ પ્રજાની તરફથી મદદ મળે એમ બને નહિ. સામાન્ય રીતે વર્ત્તમાનપત્ર તરફ સરકારની નજર કેવી કરડી હતી તે જાણ્યા છતાં 'સમાચાર' ના અધિપતિએ સરકારની મદદ માગી હતી. પણ તે કાળે મુંબઈ સરકારના અધિષ્ઠાતા મોન્સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટ્ન હતા. એમણે આ પહેલા વર્ત્તમાનપત્રને માયા બતાવી એટલું જ નહિ પણ દર નકલના રૂા. ૨૪ લેખે પચ્ચાશ નકલો સરકાર તરફથી ઉત્તેજન દાખલ લેવાનો હુકમ કર્યો. આવી રીતની બારસે રૂપિઆની વાર્ષિક મદદ તે કાળે નાની સુની ગણાય નહિ. મુંબઈના ધનાઢ્ય વતનીઓએ પણ એ પત્ર લેવા માંડ્યું. એ મદદ કરનારાઓના નામ એ 'સમાચાર' ના બીજા અંકમાં પ્રસિદ્ધ થયાં છે. ઇંગ્રેજી વર્ત્તમાનપત્રોએ પણ આ ગૃહસ્થોનાં નામની યાદિઓ છાપી હતી. એમાં ઇંગ્રેજ સનંદી અમલદારોનાં નામ જોઈને આપણને સાનંદાશ્ચર્ય થાય છે. આ પત્ર પ્રથમ દર અઠવાડીએ છપાતું અને લવાજમ માસિક બે રૂપિઆ હતું. સન ૧૮૪૦ થી આ પત્ર દૈનિક કરવામાં આવ્યું હતું.

મુંબઈ સમાચારની પછી સન ૧૮૩૧ માં 'ચાબુક' નીકળ્યું હતું. 'જામે જમશેદ', 'સમાચાર દર્પણ' , 'ચિત્રજ્ઞાન દર્પણ' નામનાં પત્રો ત્યારબાદ હયાતીમાં આવ્યાં હતાં.

'નવરોજજી હરકારૂ' ને નામે ઓળખાતો નવરોજજી દોરાબજી ચાનદારૂ 'ચાબુક' નો અધિપતિ હતો. આ માણસ એક કડક અને ફક્કડ લખનાર હોવા છતાં શેઠીઆઓના ખુશામતિયા અને ઢોલકી વગાડુ લેખે વિખ્યાત થયો હતો. એનું પત્ર શેઠીઆઓના ખાસ વાજીંત્ર લેખે જ ઓળખાતું હતું. સ્વ. કરશનદાસ અને મહારાજો વચ્ચેની તકરાર વખતે આ માણસ જીસકે તડમેં લડ્ડુ ઈસ્કે તડમેં હમ એ ન્યાયે કરશનદાસને અને એના પક્ષને બહુ ભાંડતો. સન ૧૮૫૧ માં જ્યારે 'રાસ્તગોફતાર' પ્રથમ નીકળ્યું ત્યારે એ નવા પત્ર ઉપર તેણે બહુ હુમલા કર્યા હતા. 'રાસ્તગોફતાર' નામ કેમ રાખ્યું એમ એની તકરાર હતી. પ્રો. દાદાભાઈની કલમે લખાયેલા એના હુમલાના જવાબ વાંચવા જેવા છે.

એલ્ફિનસ્ટન ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓની ચળવળ અને દેશસેવા વિષે અમે આગળ કહી ગયા છઈએ. તેમણે ગનેઆન–પરસારક નામે એક ચોપાનીયું ચાલુ કર્યું હતું. શરૂઆતની પારસી ગુજરાતી ભાષા, તેમાં છપાતાં પુસ્તકો, તેમની જોડણી વગેરેનો ખ્યાલ આપવાને માટે અમે આ શુભચિતંક યુવાનોએ કાઢેલા ચોપાનીયાને માટે બે બોલ બોલીશું. તે વખતે શબ્દ શબ્દ છુટો છાપીને દરેક શબ્દની વચમાં પૂર્ણ વિરામ જેવું ચિન્હ મુકવાની રૂઢી હતી. પૂર્ણ વિરામને બદલે વાક્ય પૂરું થતાં એક ફુદડી મુકવામાં આવતી. એ ચોપાનીયાના બીજા પુસ્તકના આરંભમાં જ અધિપતિ તરફથી જે લખાણ લખવામાં આવ્યું હતું તેમાંથી ટુંકું અવતરણ આપીએ તો અમારા કહેવાનો ખ્યાલ સહજ આવશે.

'ગનેઆંન–પરસારક'–

પુસ્તક – ૨ જું*

"જારે.ગનેઆંન.પરસારક.ચોપાનીઉં.આએ .ટાપુમાં.પહેલ.વહેલું.પરવરતાવીઉં.તારે.એવી. હમને.ઈનતેજારી.હતી.કે.કેઆરે.એ.આએ.ટાપુમાં. ફેલાવો.પામે.પણ.શ્રુકરખોદાના.કે.હમુને.એ. વીશે.કહેતાં.ઘણી.ખુશી.ઉપજેચ.કે.જે.હમારી.ઉમેદ. હતી.તે.ઈઅજદાં.એ.પુરી પાડીચ.અને. આપણા.દેશીઓ .એ.હમને.સારી.મદદ.આપીચ*"

ત્રીજા પુસ્તકના પ્રારંભથી આ ચોપાનીયું લખનારા ગૃહસ્થાને ગુજરાતીની 'શુધ જેડની' ની જરૂર લાગી હતી. એ વર્ષથી ચોપાનીયાનું નામ સુધારીને જ્ઞાન-પ્રસારક બનાવ્યું હતું. એ પુસ્તકના 'દીબાચા' માં તેઓ નિચે મુજબ લખે છે.

“જ્ઞાન પ્રસારકને મદદ આપનારા સરવે સાહેબની જનાબમાં અરજ ગુજારીને જણાવ્યે છઈએ કે જે વખતથી અમોએ આ ચોપાનીયું પરવરતાવવાનો વિચાર કીધો હતો તારથી જ અમોએ એવું ઠરાવ્યું હતું કે જેમ બને તેમ ગુજરાતી બોલીની શુધ જોડની આ ચોપાનીયામાં દાખલ કરવી. આજ સુધી ઘણું કરીને શુદ્ધ ગુજરાતી લખવાની તથા બોલોનો બરાબર ઉચ્ચાર થાય તેવી રીતે જોડની કરવાની ચાલ ઘણી થોડી જોવામાં આવી છે, અને એ સુધારો એકદમ દાખલ કરવાને અમને પણ દુરસત લાગું નહીં હતું. કાં જે આજ સુધી મુંબાઇના ઘણાં ખરાં પારસી રહેવાસીઓને શુધ જોડનીથી લખેલી ગુજરાતી ભાષા વાંચવાનો મહાવરો નથી તેથી કોઈને ચોપાનીયું પસંદ આવે નહીં – પણ અમને ૧ાા વરસની ટુંકી મુદત કહાડતાં પણ ઘણી મુશકેલી પડી અને અમોને ઘણી તરફથી ઠપકા આવ્યા કે "તમો ખોટી જોડનીથી ગુજરાતી શું કરવા છાપો છો ? એક તરફથી તમો લોકો કહો છો કે ખોટી જોડનીથી ભાષાને તથા પુસ્તકોને ઘણું નુકસાન પહોચે છે તથા તે સાથે વલી ઘણી એબ લાગે છ, અને એ આપણી ભાષામાં એક હસવાજોગ ખામી છે – વલી બીજી તરફથી તમે જ લોકોએ ખોટી જોડની કામમાં લાવો છો તે ઘણું નાદુરસ્ત છે" એવી તરેહથી કેટલીક તરફથી અમને ઠપકા મલ્યાથી અમને ફરજ પડી છે કે કાંઈ પણ રીતે એ ઘણોજ જરૂરનો સુધારો ચોપાનિયામાં દાખલ કીધો જોઈએ."

આ પ્રમાણે શરૂ થયેલી પારસી–ગુજરાતી હાલ કેટલી ફેરવાઈ ગઈ છે તેનો ખ્યાલ આપવાને ઉપરનું અવતરણ બસ છે. સને ૧૮૪૯ ના જુલાઈની પહેલી તારીખે આ ચોપાનીયું પ્રથમ નીકળ્યું હતું.

ચિત્રજ્ઞાન દર્પણના આધપતિ મી. બહેરામજી ખરસેદજી ગાંધીએ પેગંબર સાહેબ મહમ્મદનું ચિત્ર છાપવાની ભૂલ કરવાથી મુસલમાનોએ હુલ્લડ કર્યું હતું. એ ગૃહસ્થ ઉપર જ નહિ પણ આખી પારસી કોમ ઉપર તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ વખતે પારસીઓ તરફથી ખાસ વર્ત્તમાન પત્ર તરીકે જ્ઞાન પ્રસારકવાળા તરૂણોમાંથી મહાન્ દાદાભાઇ નવરોજજી અને શેઠ ખુરશેદજી નવરોજજીએ 'રાસ્ત ગોફ્તાર' સને ૧૮૫૧ માં બહાર પાડવા માંડ્યું હતું. આ પત્રની સાથે પ્રોફેસર દાદાભાઈ, મર્હૂમ શેઠો ખુરશેદ નવરોજજી કામા, મર્હૂમ સોરાબજી શાપુરજી બંગાળી, મર્હૂમ ખુરશેદજી રૂસ્તમજી કામા, મર્હૂમ કરશનદાસ મુળજી, મર્હૂમ ડોસાભાઈ ફરામજી કામા, મર્હૂમ પેસ્તનજી રતનજી કોહલા, અને શેઠ નવરોજજી ફરદુનજી વગેરે ઘણાં નામાંકિત પુરૂષો જોડાએલા હતા. તે વખતે તેઓ બધા જુવાનીઆ હતા. પ્રો. દાદાભાઇ, મેસર્સ નસરવાનજી પૃશ્યા, જાંહાગીર બરજોરજી વાછા, સોરાબજી શાપુરજી બંગાળી, કરશનદાસ મુળજી, શેઠ ડોસાભાઈ ફ. ફડાકા, શેઠ કાવસજી એદલજી ખંભાતા, વગેરે જૂદા જૂદા અધિપતિઓ આ વર્ત્તમાનપત્ર ચલાવી ગયા છે. મર્હૂમ કે. ન. કાબરાજી જેમની ગુજરાતી નવલ વાર્તાઓને માટે અમે આગળ કહી ગયા છઈએ તેઓ ઘણાં વર્ષો સુધી આ વર્ત્તમાનપત્રના તંત્રી હતા. એ પત્રની 'જ્યુબિલિ' વખતે નીકળેલા ખાસ અંકમાં છાપેલા પહેલા અંકના લખાણની જોડે હાલના રાસ્તના લખાણને સરખાવી જોતાં ભાષામાં, અને ઇબારતમાં, કેટલો સુધારો થયો છે તે સહજ જ જણાઈ આવે છે. આ પત્ર હાલ પોતાની હયાતીનાં ઓગણસાઠમા વર્ષમાં છે. દરેક વિષય ઉપર બધાના અભિપ્રાય સરખા ન જ હોય એવી મતભેદની વાતનું વિવેચન કરવાનો અમારો હેતુ નથી પણ એવા મતભેદને ન ગણતાં એ પત્રે લોકહિતમાં મચ્યાં રહીને, બદી અને નઠારી રસમોને અને જૂલમનાં કામોને તોડીને અત્યાર સુધી આબરૂ ભરેલી જીંદગી ગુજારી છે.

જ્ઞાન પ્રસારક કાઢનારી મંડળીમાંથી જ જન્મ પામેલી બીજી હિંદુ મંડળીએ 'બુદ્ધિ વર્ધક' નામનું માસિક કાઢ્યું હતું એ વિશે અમે આગળ વિસ્તારથી કહી ગયા છીએ.

ઘણાં વર્ષ પૂર્વે 'ડાંડિયો' નામનું પાક્ષિક પત્ર કવિ નર્મદ' અને તેમના મિત્રોએ કાઢ્યું હતું. એઓ અને ગીરધરલાલ કોઠારી એના મુખ્ય લખનાર હતા. કેટલાક કાળ સુધી 'ડાંડિયા' એ ઠીક સપાટો માર્યો હતો. વિનોદની સાથે લખનારાં બીજાં પત્રો પણ પ્રગટ થયાં હતાં. 'પારસીપંચ' એક એવું સચિત્ર રમુજી પત્ર હતું. એકવાર એ બંધ થઈને તરત ફરી નીકળ્યું હતું. અગાડી જતાં એણે માત્ર 'પારસી' નહિ પણ ‘હિંદીપંચ' એ નામ ધારણ કર્યું હતું. ઘણા લાંબા અનુભવને લીધે આ પત્ર વખાણવા લાયક બન્યું છે અને એનાં ચિત્રો વિલાયતનાં એવી જાતનાં પત્રોમાં પણ લેવાય છે. આ સિવાય 'ભીમસેન' 'પંચડાંડ' 'રમતારામ' 'દાતરડુ' વગેરે આની સહેજસાજ નક્કલ કરનાર પત્રો પણ પ્રગટ્યાં હતાં. 'ગપસપ' નામનું માસિક પણ આ કોટીનું છે.

જદુનાથજી મહારાજ અને કરશનદાસની વચ્ચે થયેલી તકરારના વખતમાં કરશનદાસનું 'સત્યપ્રકાશ' અને 'સદ્‌ધર્મબોધક અને પાખંડ ખંડક' ખુબ ઘુમતાં હતાં. એમના જવાબમાં જદુનાથજી મહારાજે 'સ્વધર્મ વર્ધક' નામે વર્ત્તમાન કાઢ્યું હતું. 'સત્યપ્રકાશ' ના અધિપતિ તરીકે સ્વ. મહીપતરામજીએ પણ કામ કર્યું હતું. આખરે 'સત્યપ્રકાશ' રાસ્ત ગોફતાર જોડે જોડાઇ ગયું અને બાકીનાં જરૂર જેટલી હયાતી ભોગવી મૃત્યુ પામ્યાં.

જુદી જુદી કોમો જુદા જુદા વિષયો અને જુદી જુદી વિદ્યાને અંગે ઘણાં વર્ત્તમાનપત્રો અને માસિક નિકળ્યાં છે.

ઉપરની હકીકત જોતાં જણાય છે કે છાપખાનાં અને વર્ત્તમાનપત્રની સાથે પ્રથમથી પારસી ગ્રહસ્થોનો વિશેષ સંબંધ હતો. લોકોમાં વર્ત્તમાનપત્રની વાંચનના શોખના વધારાની સાથે વર્ત્તમાનપત્રમાં લખાતી ભાષાનો પણ ફેલાવો થતો. આને લીધે આ વર્ત્તમાનપત્રોની ભાષાએ મુંબાઈની ભાષા ઉપર જબરી અસર કરી છે.

શુદ્ધ ગુજરાતી લખનારા વર્ત્તમાનપત્રની ખોટ ભાઈશ્રી ઇચ્છારામ સૂર્યરામે પુરી પાડી છે. પોતે સુરતના રહીશ હોઈને તેમણે મુંબાઈમાં કેળવાએલા હિંદુઓને લખવાનો યોગ થાય, વર્ત્તમાનપત્ર શુદ્ધ ભાષામાં લખાય, અને દેશ સેવા થાય એવા સ્તુત્ય ઉદ્દેશથી પોતાનું-ગુજરાતીવર્તમાનપત્ર ચાલુ કર્યું હતું. આ પત્ર પોતાની બાની, નિડરતા અને વિચિક્ષણતાને લીધે બહુ ફેલાવો પામ્યું છે; અને ઠેર ઠેર વંચાય છે. રાસ્તના અધિપતિ મર્હૂમ કાબરાજીનો સંગીત તરફ પક્ષપાત જોઈ તેમને સોંપેલા 'રાજગીત'ના ભાષાન્તર ઉપર એની ભાષા સંબંધી અને કાબરાજીના ગુજરાતી સાક્ષરત્વ સંબંધી પ્રથમ ચર્ચા આ પત્રે ઉઠાવી હતી તે તેમ જ એમણે 'હિંદ અને બ્રીટાનીયા' લખવા બદલ પડેલી વિટંબણા સંબંધે અગાઉ કહી ગયા છઈએ. ગુજરાતી પ્રેસે ઘણાં પુસ્તક પ્રસિદ્ધિમાં આપ્યાં છે.

લોકપ્રિય 'કયસરેહિંદ', લોકમિત્ર, સાંજવર્ત્તમાન, તેમજ બીજાં ઘણાએ પત્રો અસ્તિત્વમાં આવ્યાં છે. દરેકની છૂટી છૂટી અને વિગતવાર હકીકત આ સ્થળે આપી શકાતી નથી. આ પ્રકરણને અંતે મુંબાઈ અને બીજા શહેરમાં જન્મ પામેલાં ગુજરાતી વર્ત્તમાનપત્રોની ઈ. સ. ૧૮૬૭ ના અંત સુધીની યાદિ અમે આપીએ છઈએ. એમાનાં ઘણાંખરાં પોતાને મોતે મરી ગયાં છે. કેટલાંક કંગાળ જીંદગી ગુજારીને મરતાં મરતાં જીવે છે અને કેટલાંક હિમ્મતથી પોતાનું કર્તવ્ય પ્રમાણિકપણે બજાવે જાય છે.

લોર્ડ લિટનની કારકીર્દીમાં એતદ્દેશીય વર્તમાન પત્રો ઉપર અંકુશ મુકવામાં આવ્યા હતા. એની અસર નરમ પાડવા ઘણાં વર્તમાન પત્રોએ અંગ્રેજીમાં લખાણ કરવાનો આરંભ કરીને પોતાનાં પત્રોને બે ભાષાનાં બનાવ્યાં હતાં. મહાન લોર્ડ રિપને આ અંકુશો કાઢી નાંખ્યા હતા. કેટલાક કાળ પછી થોડા ઘણા અંકુશ મુકવામાં આવ્યા છે.

'સમાલોચક' નામના ત્રિમાસિકમાં કદી વિદ્વતા ભર્યા વિષયો અને કદી પુસ્તકોનાં વિવેચન આવે છે. તે સિવાય–આર્ય ધર્મ પ્રકાશ–નૂરે એલમ– અને બીજા ઘણાએ લોક સુધારણા અને સાહિત્યના ફેલાવાનો યત્ન કરી રહ્યાં છે. સ્વ. મણિલાલનું 'સુદર્શન' તત્વજ્ઞાન અને સાહિત્યની ચર્ચા ચલાવતું હતું. વિવેચન કરનારા સારા ત્રિમાસિકની ખોટ હજીએ પૂરાઈ નથી. ખૂદ મુંબાઈની આટલી હકીકત ટુંકાણમાં કહીને હવે અમદાવાદ વગેરે બીજા સ્થળની બાબત બોલીશું.

અમદાવાદમાં પહેલ વહેલું સારા પાયા પર છાપખાનું લાવવાનું તેમ જ વર્ત્તમાનપત્ર કાઢવાનું માન ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને છે. સાહિત્ય ના વધારાને સારૂ અને જન સમાજની સામાન્ય રીતે ઉન્નતિને સારૂ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ ઘણું ઘણું કર્યું છે. સોસાઈટીના પ્રેસમાં જ સોસાઈટીનું વર્ત્તમાનપત્ર છપાતું હતું. એ પત્ર દર બુધવારે નીકળતું. એથી આપણી તરફ 'બુધવારીઉં' એ શબ્દ જે વર્તમાનપત્ર અર્થવાચક થઈ ગયા છે. જૂનાં માણસો હજુ પણ વર્તમાનપત્રને 'બુધવારીઉં' કહે છે. તે વખતે આ પત્રનું લખાણ તેજદાર આવતું એની અંદરના કાંઈ લખાણને લીધે સોસાઈટીને તે વખતના જજ્જ હેરીસન જોડે તકરાર ઉઠી હતી. અમલદાર વર્ગ વિરૂદ્ધ એક બે લખાણથી ઘણાને ચટકી લાગી હતી; અને મુંબઈની સદર અદાલતમાંથી સરક્યુલર આવ્યો હતો કે સરકારી નોકરોએ વર્ત્તમાનપત્રમાં લખવું નહિ. સ્વ. એ. કે. ફોર્બ્સ આ પત્રમાં બહુધા લખતા. ઉક્ત હુકમથી એમને પત્રની સાથેનો પોતાનો સંબંધ છોડી દેવો પડ્યો હતો.

ગુજરાત વર્નાકયુલર સોસાઈટી સ્થપાયાં ને પાંચ છ વર્ષ થયાં એટલામાં સોસાઈટીએ 'બુદ્ધિપ્રકાશ' નામનું માસિક કાઢ્યું હતું. કવીશ્વર દલપતરામ પોતે વાનપ્રસ્થ થયા ત્યાં સુધી બુદ્ધિપ્રકાશ એમની પાસે રહ્યું હતું. ત્યારબાદ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના એસિસ્ટંટ સેક્રટેરી, દેખરેખ રાખનાર એક કમિટીના અભિપ્રાય પ્રમાણે એ માસિક ચલાવે છે. સોસાઈટીની આબાદીની જોડે એ માસિકની પણ ઉત્તરોત્તર આબાદી થઈ છે.

સંવત ૧૯૧૯ સુધી એક 'ધર્મ પ્રકાશ' નામે માસિક પ્રગટ થયું હતું.

ગુજરાતમાં નિશાળોની વૃદ્ધિ થવાની સાથે નિશાળના કામના બરનું 'શાળાપત્ર' નામે કેળવણી ખાતા તરફથી એક માસિક પ્રગટ થયું હતું. આ માસિકે જૂદા જૂદા અધિપતિયોના હાથ નીચે જુદી જુદી તરેહની જીંદગી ગુજારી છે. શરૂઆતમાં રા.રા. મહીપતરામના અધિપતિપણા નીચે એમાં બહુધા દેશ સુધારો, સામાન્ય જ્ઞાન, અને સાહિત્યના વિષયો આવતા. આ સમયમાં રા. રા. મહીપતરામના શિષ્યો પણ એમાં લખતા. આ સમયમાં વૃદ્ધ 'બુદ્ધિ પ્રકાશ' જોડે એને વાદમાં ઉતરવું પડ્યું હતું. ક્યાંની ભાષા શુદ્ધ એ એક તકરાર હતી. સુરત તરફની ભાષાના ઉપહાસમાં કવીશ્વરે 'ફાર્બસ વિલાસ'માંની 'આરાને ઓવારો કહે' એ કવિતા આ સમયમાં લખેલી છે. *[૧]

બીજી તકરાર પ્રેમાનંદ કવિ સરસ કે શામળ સરસ એ હતી. શાળાપત્રે પ્રેમાનંદ અને બુદ્ધિપ્રકાશે શામળને વખાણ્યો હતો. આ ચર્ચા લગીર જોસભેર અને કડવાશ ભરી થઈ હતી. લગભગ ૧૮૭૨–૭૩ થી શાળાપત્રનું તંત્રીપણું સ્વ. નવલરામ પાસે ગયું હતું, તેમણે મુખ પૃષ્ટ ઉપર

“મહેતાજી બહુ મોટું તુજ નામ તેમ છે કામ
કર ખંતે મન ક્ષેત્રની ખરી ખેતી ધરી હામ”

એ સૂત્ર લખવા માંડ્યું હતું. એમના સમયમાં શાળાપયોગી વિષયોનું ઉમેરણ ઠીક થયું હતું. તે સિવાય સાહિત્યના વિષયો અને મુખ્યત્વે પુસ્તકોનાં વિવેચન સારાં લખાવાં માંડ્યાં હતાં. અધિપતિની બદલી રાજકોટ થવાથી શાળાપત્ર ત્યાં ગયું અને સ્વ. નવલરામના મરણ બાદ પાછું રાજકોટથી અમે મદાવાદ આવ્યું અને રા. રા. મહીપતરામને સોંપાયું હતું, આ વખતે એ છેક શાળાપયોગી માસિક થયું હતું. એમના સ્વર્ગવાસ પછી જૂદા જૂદા અધિકારીયોના હાથમાં જઈ હાલ રા. કમળાશંકર ત્રિવેદીના હાથમાં છે. પ્રથમના કરતાં શાળાપત્રનું કદ તેમજ શાળાપગિતા વધી છે. સન ૧૪૦૧ ની સાલમાં કેળવાએલા લખનારાઓની તરફથી સાહિત્ય અને વિજ્ઞાનના જુદા જુદા વિષયોની ચર્ચાવાળું ‘વસન્ત’ નામનું અભિનંદન આપવા યોગ્ય માસિક પ્રગટ થાય છે. ગુજરાત કોલેજવાળા, વિદ્વાન પ્રો. આનન્દશંકર ધ્રુવ એના તંત્રી છે. ઉંચી પંક્તિનું આ માસિક પોતાનું ગૌરવ ઠીક જાળવે છે.

ઘણાં વર્ષ પૂર્વે 'પ્રજા અભિલાષ' - નામે એક વર્તમાનપત્ર પ્રગટ થયું હતું એના વિશે એના નામ સિવાય બીજી કશી ખબર મળી શકતી નથી. વર્ત્તમાનપત્રોમાં 'અમદાવાદ સમાચાર' બહાર પડ્યું હતું અને 'શમશેર બહાદુર' મુંબાઈથી અહીં આવ્યું હતું.

“નિત કલમ અમારી
ચાલશે એક ધારી
વગર તરફદારી
લોકને લાભકારી
પણ રસમ નઠારી
જાણશે જે તમારી
ચટ કલમ ચિતારી
દેઈ દેશે ઉતારી ”

મુખપૃષ્ટ ઉપરની આ કવિતામાં 'ર'ને સ્થાને “ડ” મુકીને કોઈએ શમશેરની કરેલી મશ્કરીનું અમને સહજ સ્મરણ છે ! મુંબાઈના 'ડાંડીઆ'એ વિવેક અને મર્યાદા કોરાણે મુકીને બિચાદા 'શમશેર'ને ખુબ બનાવ્યું હતું. શમશેર બહાદુર વૃદ્ધાવસ્થાને લીધે બહુ અશક્ત થવાથી ટગુમગુ ચાલીને મરણ શરણ થયું છે.

ચંદ્રોદયથી ચિત્તમાં ચમકી ડરશે ચોર
પણ નિષ્કપટી પણ જરૂર પામશે જોર'.

મુખપૃષ્ટ ઉપર એ સૂત્ર વાળું 'ચંદ્રોદય’ નામનું એક વર્તમાનપત્ર નિકળ્યું હતું. રા. રા. મહીપતરામના શિષ્ય એમાં બહુધા લખતા. આ પત્ર નિડરતાથી ઠીક લખાતું હતું. અમારી યાદદાસ્ત પ્રમાણે અમલદાર વર્ગના વેઠ વગેરે જુલમ સંબંધી લખવાથી એકવાર કોર્ટે પણ ચઢ્યું હતું. આ પત્રમાં કેળવણી ખાતા સંબંધી લખાણ કરવા બદલ મહેતાજી પીતાંબરદાસને નોકરીનું રાજીનામુ આપવાની ફરજ પાડી હતી. 'ચંદ્રોદય' પછી બંધ પડ્યું હતું અને છુટા થયેલા મહેતાજીએ 'હિતેચ્છુ' નામનું વર્તમાનપત્ર કાઢ્યુ હતું. મહેતાજીની અને પુત્રની જુવાનીમાં આ પત્ર ઠીક ઘુમતું હતું. વેશધારી શંકરાચાર્યની બાબતમાં અને બીજી એક બે બાબતમાં કોર્ટૅ પણ ચઢ્યું હતું. પાછલા વખતમાં મહેતાજીની વૃદ્ધાવસ્થા થવાથી પત્રની ચંચળતા કમી થઈ હતી.

સંસાર સુધારણાની ભાવનાવાળું ટીકાકાર નામનું એક નાનું પત્ર હયાતીમાં આવી ગયું હતું.

સન ૧૮૭૫ માં અમારા ઈષ્ટ મિત્ર સ્વ. હ. હ. ધ્રુવ અને અમે 'સ્વદેશવત્સળ' નામનું એક વર્તમાનપત્ર કાઢ્યું હતું. નીકળતાં જ ‘રાસ્ત'ને જેમ નામમાં જ છિંડા શોધીને ‘ચાબુકે’ વધાવી લીધું હતું તેમ 'સ્વદેશવત્સળ'ને 'દેશી મિત્રે' કર્યું હતું. 'સ્વદેશ વત્સળ' માં લ ને બદલે ળ લખ્યો હતો તે વૈયાકરણી દેશી મિત્રને ભૂલ લાગી હતી; અને નામમાં જ ભૂલ તેમાં શો દમ હશે એવી પરમાર્થ ભરેલી અધગજની ટીકા કરી હતી ! દેશી મિત્રના જે અંકમાં અમારા ઉપર હમલો હતો તે જ અંકમાંથી એક બીજા વિષયની વીશેક લીટી લઈને અમે તેમાંથી એકસોને આઠ ભૂલ બતાવીને અમારા બીજા અંકમાં જવાબ આપ્યો હતો. ત્યાર બાદ તો એ ઠોલીયા પત્ર જોડે દોસ્તી થઈ ગઈ હતી ! અમારું પત્ર જે છાપખાનામાં છપાતું હતું તે ૧૮૭૫ ની મોટી રેલમાં પડી ગયું. છેક જ તરૂણ અવસ્થાવાળા માલિકો અને લખનારા હોવાથી છાપખાનાની જોડે પત્ર પણ પડી ગયું.

ત્યાર પછીના વર્ષોમાં 'પ્રજામિત્ર' 'હિંદુસ્થાન' અને 'ન્યાયદર્શક' વગેરે અસ્તિત્વમાં આવ્યાં હતાં. કેટલીક જીંદગી અહીં ભોગવી 'હિંદુસ્થાન' મુંબાઈ મરવા ગયું હોય એમ થયું. 'પ્રજામિત્ર' અને 'ન્યાયદર્શક' પણ કાળનો કોળીયો થઈ ગયાં.

કેટલાંક વર્તમાન પત્રો, અથવા અમે એવાને એ સારે નામે નહિ બોલાવીએ–કેટલાંક ચિંથરાં ઘણો નીચો ધંધો લઈ બેઠાં હતાં. તેઓ લોકોની ખરી કે ખોટી ખાનગી વાતો અજવાળામાં લાવવી, ધમકી આપવી અને પૈસા કઢાવવા એ પ્રમાણે પાપે પેટ ભરનારાં હતાં. કેટલાંકનો ત્રાસ ઘણો હતો. એકની જ વાત અમે કહીશું. એક ધનવાન હેવાન પાસે એ ચીંથરીયા અધિપતિએ સેંકડો રૂપિઆ કઢાવ્યા હતા. દર અઠવાડીએ કાંઈ મભમ અને કાંઈ સમજાય એવી ચાર પાંચ લીટીઓ એ ચીંથરામાં હોય જ.

"એક આબરૂદાર શેઠીઆએ ચેતતા રહેવું". “એક માણસની ઘણી નઠારી ખબર અમારી પાસે આવી છે. અને અમે તપાસ કરીએ છીએ; પછી પ્રગટ કરીશું" આવા આવા પેચથી ધનવાન હેવાનોને ધમકાવી લાંચ ઓકાવવાને ધંધો જ લઈ પડ્યો હતો. એક અમુક અધિપતિ છેક અજાણ હતો. ઇંગ્રેજી તો રહ્યું, પણ ગુજરાતી પણ પુરું આવડતું નહોતું. લાજ, શરમ, બીક વગેરેની જોડે એને કશી સગાઈ નહોતી. આ અધિપતિના ચિંથરામાં કાઠીઆવાડના અમુક રાજ્યને માટે ઘણી જુલમ અને ત્રાસ ભરી વાતો મહિના બે મહિના સુધી આવી હતી. ત્યાર બાદ એઓ જાતે આ જુલમની ખેાળ કરવા કાઠીઆવાડ આવ્યા હતા ! અમને મળીને રાજાને મળવાની ખાસ ગોઠવણ કરાવી હતી. સલામને માટે આવવું છે એટલું જ કહેવડાવ્યું હતું. અમારા એક મિત્ર અધિપતિ સાહેબને રાજની હજૂરમાં લઈ ગયા હતા. એઓ કહેતા હતા કે અધિપતિ સાહેબે ઘેરથી દરબાર સુધી રાજાના જુલમ, કારભારીના જૂલમ, અને રૈયતના ત્રાસની જ વાત આખે રસ્તે કરી હતી. રાજા મળ્યા; તમે સારા છો, ઉતારાનો બંદોબસ્ત ઠીક છે અને ફરી આવજો, એટલી જ વાત થઈ. પરંતુ ઉક્ત ત્રણ વાક્યો સિવાય રાજાએ અમારા મિત્રને ઈંગ્રેજીમાં એક નાનો સબળ મંત્ર કહ્યો હતો. એની અસર બહુ જબરી થઇ હતી. માત્ર આ મંત્રોચ્ચારણથી જ અધિપતિના મનમાં પોતે લખ્યું હતું તે બધું ગલત અને કોઈ એ દ્વેશથી મોકલેલું એવી ખાત્રી થઈ ગઈ ! રાજાએ અમારા મિત્રને કહ્યું હતું કે “ give the... .. begger fifty rupees !” આવતાં રસ્તામાં અને ઘેર આવ્યા બાદ અમારે મોઢે રાજાનાં, કારભારીનાં અને દરેક વસ્તુનાં ઘણાં વખાણ કર્યાં હતાં. લોકો બહુ નઠારા છે, દેશથી વર્તમાનપત્રોમાં ખોટી ખબરો મોકલે છે એવું ઘણું વ્યાખ્યાન કર્યું. એ કહેતા હતા કે એમને વહેમ તો આવ્યો હતો કે આ લખાણ ખરૂં નહોય અને તેંની તપાસ માટે જ પોતે ત્યાં આવ્યા હતા. અને આવ્યા તો ઠીક થયું કે જેથી રાજા–કારભારી વગેરે સારા માણસોને માટે ભૂલથી પણ ખોટું છપાય નહિ ! આવી વાતો જોનાર અને જાણનારને જ હાલનાં વર્તમાનપત્રોમાં કેવો સારો સુધારો થયો છે અને સમગ્ર રીતે તેમની નીતિ કેવી ઉચ્ચ થઇ છે તેનો ખ્યાલ આવે. વર્ત્તમાનપત્રોની આવી સ્થિતિ ખરેખાત આનંદદાયક છે.

બાળલગ્નનિષેધક નામની એક ઘણી ઉપયોગી સંસ્થાની સ્થાપના અહીં થઈ હતી. તેની તરફથી ‘બાળલગ્ન નિષેધક પત્રિકા’ નામનું નાનું વર્ત્તમાન નીકળતું. પાછળથી અમારા સ્વ. મિત્ર કેશવલાલ મોતીલાલે કેટલોક કાળ એ પત્ર બાહોશીથી ચલાવ્યું હતું. દુર્ભાગ્યે આ ઉપયોગી સંસ્થા પડી ભાગી; એના કેટલાક અગ્રણીઓ અને સભાસદોએ રૂઢીનાં પગનાં પેંજાર ચુમ્યાં અને પોતાની પ્રતિજ્ઞાઓ તોડી. સંસ્થાનું જ આમ થાય ત્યારે એ બીચારી નાની બાળકી શી રીતે જીવે ?

પ્રાર્થના સમાજ તરફથી ‘જ્ઞાનસુધા’ નામનું પત્ર નીકળ્યું છે. એમાં ધર્મસંબંધી વિષયો અને હાલના તંત્રી રા. રમણભાઈના તાબામાં આવ્યા પછીસાહિત્યની ચર્ચા પણ આવે છે. સુદર્શનની સાથે જ્ઞાનસુધા ઘણીવાર તકરારમાં ઉતર્યું છે. એ પત્રમાં આવેલા સાહિત્યના વિષયો અને વાર્ત્તિકો વગેરેમાંથી રા. રમણભાઈએ પોતાનો ‘કવિતા અને સાહિત્ય’ નામનો સુંદર ગ્રંથ ગુજરાતી પ્રજાને આપ્યો છે. સુરતમાં “ગુજરાત મિત્રે” તેના અધિપતિ મી. દીનશાની કલમથી લખાતું હતું ત્યારે સારી નામના કાઢી હતી. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્ય મળ્યાના અવસરમાં એક 'પ્રજાપોકાર' નામનું પત્ર નીકળ્યું હતું. નવું નીકળેલું 'ગુજરાત દર્પણ' સ્વ. હ. હ. ધ્રુવનું પત્ર હતું, અને એક ખબરપત્રિને નામે એમણે રાખ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચળવળ વખતે 'દર્પણ' ઠીક ઘુમતું હતું. મ્યુનિસિપલ સુધારા વગેરે બાબતોનાં એનાં લખાણ મનન કરવા યોગ્ય આવતાં. 'દર્પણ' દ્વારા સ્વ. હ. હ. ધ્રુવે કરેલી સુરતની સેવાની વાહવાહ થતી હતી. 'પ્રજાપોકાર' બંધ થયું હતું અને 'ગુજરાત દર્પણ' અને 'ગુજરાત મિત્ર’ જોડાઈ ગયાં હતાં.

આ સાઠીના પાછલા ભાગમાં અમદાવાદમાં 'ગુજરાતી પંચ' અને 'પ્રજાબંધુ' નામનાં બે વર્ત્તમાનપત્ર પ્રકટ થયાં છે. બન્ને મારી તારી કર્યા વગર સંસાર સુધારો અને રાજકિય વિષયોની ઠાવકી ચર્ચા કરી દેશસેવા બજાવે છે. તેમજ ખબરો–ભેટો વગેરે આપીને પોતાના ગ્રાહકોને પણ સંતોષ આપે છે.

'દેશીમિત્ર' નામનું એક રમુજી વર્તમાનપત્ર સામાન્ય લોકની રમુજને માટે જન્મ્યું હતું. એના વિષયો તેમ જ કવિતા એ વર્ગના લોકોને ઠીક આનંદ આપતી. અશ્લીલતાવાળી મજાકો અને એવાં જ જોડકણાં એ વર્ગના સુરતવાસીઓના મોમાંથી 'ખુબ કીઢીછ !' 'ખટમ કઢીછ' એવા ઉદ્‌ગારો કઢાવતાં. એના અધિપતિના બનાવેલા 'રાનીના બાગ’ ના ગરબા ઉપર તો અમુક વર્ગના લોક 'ફીદા' જ થઈ ગયા હતા. ઠેકાણે ઠેકાણે

“રાની વિક્ટોરિયાનો બાગ, ટાંટો જેવાનો છે લાગ.”
“પુરવે આવી ઇસ્પીટાલ, પશ્ચિમ તાપીનો કીનાર,”

આવી આવી લીંટીઓ કર્ણજ્વર પેદા કરતી હતી !

'સુરત અખબાર' 'સુરત સોદાગર મનોદય' તેમજ ખ્રિસ્તિ ધર્મ મંડળ તરફથી નીકળતું 'સત્યોદય વગેરે ઘણાં વર્તમાન પત્રો અને માસિકો સુરતમાં પેદા થયાં છે. ભરૂચમાં સન ૧૮૬૧ માં 'ભરૂચ વર્તમાન' નામે પત્ર પહેલવહેલું નીકળ્યું હતું. 'ભરૂચ સમાચાર' 'ભરૂચ મિત્ર' વગેરે બીજાં પણ ત્યાં નીકળ્યાં હતાં. અમારા સ્મરણમાં કાંઈક છે કે સ્વ. બાળાશંકરે પોતાનું 'ભારતી ભૂષણ' નામનું ત્રિમાસિક પહેલું ભરૂચમાં જ કાઢ્યું હતું. સાહિત્યના વિષયો અને એમની કવિતાને લીધે એ પત્ર ગુજરાતી પ્રજામાં પ્રિય થઈ પડ્યું હતું.

ખેડામાં ૧૮૫૭ માં 'ખેડા નીતિપ્રકાશ' સને ૧૮૬૧ માં 'ખેડા વર્તમાન' નીકળ્યાં હતાં.

પ્રથમ વડોદરા અને વિદ્યાને વેર જેવું ગણાતું હતું. સ્વ. કવીશ્વરના ઘણા પ્રયાસ છતાં પણ તે વખતના ગાયકવાડ સરકારે ગુ. વ. સોસાઇટી તરફ અગર વિદ્યા વધારાના કોઈ કામ તરફ કરૂણા દૃષ્ટિ કરી નહોતી. પરતું પ્રજાને સુભાગ્યે મહારાજા સયાજીરાવની સુખદ કારકીર્દીમાં ત્યાં પણ વિદ્યા પુસ્તકો વગેરેનો આનંદદાયક વધારો થયો છે અને 'વડોદરા વત્સલ' 'સયાજી વિજય' અને 'દેશભક્ત' નામનાં વર્તમાનો પ્રગટ થયાં છે.

ભાવનગરમાં આ સાઠીની લગભગ શરૂઆતમાં 'મનોરંજકરત્ન' નામે ચોપાનીયું નીકળ્યું હતું. મર્હૂમ મીરઝાં મુરાદઅલી બેગના વિષયો એમાં પ્રગટ થતા હતા, એ વિષે અમે આગળ ઈસારો કરી ગયા છઈએ. રાજકોટમાં 'વિદ્યા ગુણ પ્રસારક મંડળી' નામની સંસ્થા ઉત્પન્ન થઈ હતી. કાઠીઆવાડના પ્રખ્યાત અને બહુશ્રુત ગૃહસ્થ સ્વ. રા. રા. મણિશંકર કીકાણીના સ્તુત્ય પ્રયાસથી ત્યાં સાહિત્ય સંબંધી પ્રવૃતિનો ઉદ્‌ભવ થયો હતો. તેમણે એક ઝવેરી શાદીરામ શંકરશેઠની મદદથી 'વિજ્ઞાનવિલાસ' નામનું માસિક કાઢ્યું હતું.

સ્વ. મણિશંકરજીના મરણ બાદ ‘વિજ્ઞાન વિલાસ’ દિનપ્રતિદિન ધીમું પડ્યું હતું. છેક પાછલા વખતમાં તો તદ્દન ભાષાન્તરના મનોયત્નોથી જ ભરપૂર દેખાવ દેતું. છેક જ ભાડુતી લખનારની કલમે જ માત્ર લખાતું. આમ ધીરે ધીરે ક્ષીણ થઈને એનો અવસાન કાળ આવી ગયો એવું સ્મરણમાં છે. જૂનાગઢમાં 'સૌરાષ્ટ્રદર્પણ' પણ નીકળ્યું હતું. આ સિવાય 'વર્ત્તમાન પત્ર', 'વિદ્યોદય' નામનાં પત્રો પણ ત્યાં નીકળ્યાં છે. હાલ 'કાઠીઆવાડ ટાઈમ્સ' અને 'કાઠિયાવાડ ન્યૂસ' નામનાં બે પત્રો નીકળે છે.

ખાસ સ્ત્રીઓને વાંચવા લાયક માસિક પહેલું મર્હૂમ કાબરાજીએ કાઢેલું 'સ્ત્રીબોધ' હતું. સ્ત્રી બોધમાં આવતી વાર્ત્તાઓ સંબંધી અગાડી કહી ગયા છઈએ. સ્વ. મણિલાલે 'પ્રિયંવદા' એવા હેતુથી કાઢ્યું હતું. હાલ એજ કોટીનું ‘સુન્દરી સુબોધ' નામે માસિક નીકળે છે. મી. કાબરાજીએ રફતે રફતે સ્ત્રીબોધને સ્ત્રીઓની જ કલમથી લખાતું કર્યું હતું. સુન્દરી સુબોધમાં પણ બહુધા સ્ત્રી લેખકોના લેખ આવે છે.

આ પ્રમાણે આ સાઠીમાં વર્તમાન પત્રો જન્મ પામી પોતાનો જય ફેલાવી રહ્યાં છે. તેમના વાંચનનો શોખ વધ્યો છે. સમુદ્ર પુરવાને પક્ષીઓએ કરેલા પ્રયત્નવાળી વાર્ત્તાની પેઠે કોઈ મોટી ગદાઓ, કોઈ મોટા પથરા, તો કોઈ પોતાની ચાંચમાં માય એટલી માટી, એમ સઘળાં યથાશક્તિ દેશના ઉદ્‌ભવ અને સાહિત્યની વૃદ્ધિને માટે યત્નશાળી બની રહ્યાં છે. બેશક દરેકના ઉદ્યોગનાં ક્ષેત્ર જૂદા જૂદાં, તેમ જ થતાં ફળ પણ જૂદાં જૂદાં, અને ઓછી વત્તિ કિંમતનાં નિવડે છે.




  1. * એક બીજાના ઉપહાસની કવિતાનો જન્મ આ કારણથી થયો હતો. અમારા વાંચનારના વિનોદની ખાતર એવી બીજી એક કવિતા આપીએ છીએ. એ કોની લખેલી છે એ અમે જાણતા નથી.

    “જોની પેલું સું છ યાર જોની પેલું સું છ યાર
    તાપીને ઓવારે સારે જેની પેલું સું છે યાર.
    કીલો હુતો કીકી હુતી હુતા સઘળા લોક યાર.
    સુરત કેરા નાગરોને મીઠા ભાવે મોગ યાર–જોની. ””