લખાણ પર જાઓ

સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/પ્રથમ ખંડ/પ્રકરણ ૧

વિકિસ્રોતમાંથી
સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૧.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૨. →


સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

ખણ્ડ પ્રથમ.

પ્રકરણ ૧ લું.

સાઠીની પૂર્વની સ્થિતિ.

અમારી પ્રતિજ્ઞા ઈ. સ. ૧૯૦૮ ની પૂર્વનાં સાઠ વર્ષમાં ઉદ્‌ભવેલા ગુજરાતી સાહિત્યનું અવલોકન કરવાની છે. આ વિષયને અંગે સાહિત્ય શબ્દ એના વિસ્તૃત અર્થમાં વાપર્યો છે. જૂદા જૂદા વિષયપર ગુજરાતી ભાષામાં લખાયલાં પુસ્તકો જે આ સમયમાં પ્રકટ થયાં છે અને જેને લીધે ગુજરાતી ભાષાના ભંડોળમાં વધારો થયો છે એ બધાંનું વિવેચન કરવું ઈષ્ટ છે. પણ આ આનંદદાયક વિષયનો આરંભ કરીએ તેની પૂર્વે આ સાઠ વર્ષની પહેલાં ગુજરાતી સાહિત્યની સ્થિતિ કેવી હતી તે જાણવું આવશ્યક છે. ગમે તેવાં પણ પ્રથમનાં પુસ્તકો, ગમે તેવી પણ પ્રથમની રીતિયો અને ગમે તેવો પણ પ્રથમનો અભ્યાસ–ક્રમ જાણવાની ખાસ જરૂર છે. એથી પૂર્વ સ્થિતિનું ભાન થઇ ને હાલની જોડે તેની તૂલના કરી શકાય. જૂનામાં શું શું હતું, નવામાં શો શો ફેરફાર થયો છે વગેરે સરખામણી કરવાથી હાલની વસ્તુ–સ્થિતિનું ભાન થઈ વિચાર કરી શકાય. આવા ઉદ્દેશથી જ માત્ર અમે ઉપર કહેલા સાઠ વર્ષના કાળની પૂર્વની કેટલીક હકીકત કહેવાને પ્રવૃત્ત થઇએ છઇએ.

સાહિત્યના ફેલાવામાં મુખ્ય મદદ કરનાર છાપખાનાંને અભાવે તે વખત ગ્રંથો લખવાનું કામ લહિયાઓ કરતા. ગ્રંથો ઉતારવાનું કામ કેટલું વિકટ હતું તેનો સાધારણ ખ્યાલ દરેક પુસ્તકને અંતે લહિયાઓ એક શ્લોક લખતા તેના અર્થથી દૃષ્ટિગોચર થાય છે.

"॥ भग्न पृष्ठ कटि ग्रीवं मुष्टिबमधोमुखम् ॥
 ॥ कष्टेन लिखितं ग्रन्थं यत्नेन परिपालयेत् ॥ १ ॥ "

નાનો ગ્રંથ હોય તો પણ તેની પ્રત મેળવતાં અને ઉતરાવી લેતાં ઘણો શ્રમ પડતો અને ખર્ચ થતું.

સાધારણ માણસો આખ્યાનો અને કથારૂપે હોય તેટલી જ જૂના કવિયોની કવિતા વ્યાસને મોઢેથી સાંભળી શકતા. કોઈ કોઈ કથા કહેનારા પ્રાસાદિક શક્તિવાળા હોઈ મોટો ભાગ લેભાગુ હતા. રાત્રે વાળુ કર્યા બાદ શેરીએ શેરીએ અને પોળે પોળે વ્યાસજીઓ કથા કહેતા. પ્રસિદ્ધ વ્યાસોની કથા સાંભળનારની ઘણી ઠઠ જામતી. કેટલાક વાચાળ વ્યાસો ગમે તે પ્રસંગને અનુકૂળ લોકોને હસવું આવે એવું તત્કાલ જોડકણું જોડીને ગાતા. તે જ ક્ષણે થયેલા બનાવ સંબંધી હોવાથી શ્રેતાઓમાં વાહવાહ થતી. ખેડામાં કથા કહેતાં કાંઈ કારણથી સરકારી નોકરોથી નારાજ થયેલા અને ખેડા ઉપર કોપેલા વ્યાસે કહેલું જોડકણું રમુજી જાણી નીચે આપીએ છઈએ:

“અદાલતનાં ઉંધાં વળજો, મહેતા સરવે મરજો;
ખેડાને ખપ્પરમાં લેજો, મશાણ સરખું કરજો.”

કેટલાક વ્યાસ તો ક્ષુદ્ર શક્તિવાળા હોઈ માત્ર રાત્રિની શાંતિમાં ભંગ જ કરતા. એમનું રમુજભર્યું ચિત્ર અમદાવાદના કૃષ્ણરામ મહારાજ પોતાના કળિકાળના ગરબામાં ઠીક આપે છે. તેઓ કહે છે કે:—

"વાટે વાટે વ્યાસ, થઈને માણ વગાડે;
"પાંચેક બેઠા પાસ, તેહ તાળીઓ પાડે.
“શ્રૂતિ સ્મૃતિની વાત, કાળ જીવ ઈશ્વરની;
“જાણે નહિ કાંઈ જાત, રાગ તાલ કે સ્વરની.
“પિંગળ રીતે છંદ, કવિતા કરી ન જાણે;
"પોતા તણા પ્રબંધ રચી રાગડા તાણે.”

લોકોની કેળવણી સાધારણ રીતે ગામઠી નિશાળે શરૂ થઈ ત્યાં જ પૂરી થતી. મહેતાજીઓ લીંપેલી ઓટલી કે પાટ ઉપર બેસતા. છોકરાઓ સામે ધૂળ ઉપર પોતાથી વધારે શિખેલા છોકરાઓના જોડિયા થઈને સામાસામી બેસતા. મહેતાજીની અગાડી વલગણી ઉપર પાંચ પચ્ચીશ કોયડા લટકેલા રહેતા. રંગિત હાથા અને લાંબી લાંબી સાટોથી ઉત્પન્ન થતી શોભા છોકરાંના હૃદયમાં મહેતાજીની મહત્તાનો ઉદભવ કરતી. મહેતાજીના હાથમાં કોયડો અગર તેમની શક્તિદર્શક ચિન્હ પાતળી સોટી બિરાજી રહેતી. જરૂર વગર પણ એ સોટી હાલ્યાં કરતી અને એ હાલવાથી નજરબંદીની પેઠે છોકરાંઓની નજર પણ છૂપી છૂપી હાલતી ! સાધારણ માન્યતા જ એવી હતી કે 'સોટી વાગે ચમચમ, ને વિદ્યા આવે રમઝમ'જૂદું જૂદું ભણનાર અને જૂદી જૂદી ઉમ્મરના દરેક છોકરાના જૂદા જૂદા સૂરના ઘાંટાથી નિશાળમાં કાન પડ્યું સંભળાતું નહિ. છેક નવા અને જેમનાથી સારા પૈસા મળે એવા વિદ્યાર્થિઓ ખાસ મહેતાજીની પાસે થોડા દિવસ ઓટલીપર બેસતા. નાનાં છોકરાંને યાદ રાખવામાં મદદગાર થઈ પડે અને રમુજ પડે એવાં જોડકણાં કોઈ કોઈ વાર વપરાતાં. જેવાં કે

"બાવીઆકા બાવીઆ, ઘઉંની રોટલી ચાવીઆ, ”
" ઘઉંની રોટલી સુંવાળી, બાવી દુ ચુંવાળી.” વગેરે.

આવા આવા ટૂચકા આંકના નિરસ વિષયમાં સ્હેજ ચટણી રૂપ થઈ પડતા. શરૂવાતમાં પાટી ઉપર ગાર ચોપડી તેમાં એકડો બગડો લખીને તેને સુકવી દેતા જેથી છેક આરંભ કરનારને માત્ર અક્ષરના સુકાઈ ગએલા ખાડામાં વતરણું ફેરવી જવાનું જ રહેતું. આથી વાંકુંચૂકું ન જતાં નિયમસર વતરણું ઝાલતાં ને ફેરવતાં આવડતું. ત્યારબાદ ખડીથી રંગીને ધોળી કરેલી પાટી ઉપર ધૂળ કે ગેસાળી પાથરીને વતરણાવતી લખતા. અગાડી ભણેલા છોકરાઓ કાળી પાટી ઉપર અથવા ટીનના પતરા ઉપર પલાળેલી ખડીથી લેખણવતી લખતા. સવારના પહોરમાંથી નિશાળના અભ્યાસક્રમનો આરંભ થતો. મોડા થનાર છોકરાઓને તેડવાને મહોલ્લાવાર બબ્બે છોકરા જતા. સમજાવીને, ધમકાવીને, અને છેલ્લે ટાંગાટોળી કરીને પણ નિશાળે લઈ જતા ! બપોરે જમવાની છુટ્ટી મળતી. છુટ્ટી મળે તેની થોડીવાર પહેલાં છોકરાઓ લાંબી હારમાં મહેતાજી સામા ઉભા રહીને આંકનો મુખપાઠ લેતા. મહેતાજી ઘાંટો કાઢીને નામ દઈને હારમાંથી છોકરાને બોલાવતા કે તે તે છોકરા હાર બહાર નીકળી હારની સામે ઉભા રહીને આંક બોલાવતા. આ પછી મહેતાજી લેખાં, કોયડા, અને જોડણી પુછતા. કાગળ લખવાની, ખત લખવાની, હુંડી લખવાની વગેરે રીતો મોઢે બોલાવતા. આળસુ દેખાતા અગર વાતચીત કરતા છોકરા તરફ મહેતાજી નામ દઈને દડી ફેંકતા કે બિચારા છોકરાના મોતીઆ મરી જતા. દડી લઈને મહેતાજીને આપવા જવી પડતી, અને મહેતાજી પોતાના તે વખતના મિજાજ પ્રમાણે વધતી ઓછી સજા કરતા. નિશાળનું કામ મંદુ ચાલતું હોય તો મહેતાજી સોટી લઈને આખી નિશાળમાં ફરી વળી પાંચ પચ્ચીશ છોકરાઓને શિક્ષા કરી દેતા કે તરત નિશાળનું કામ તેજ થઈ જતું. શરીર–શિક્ષામાં પાટલા ખડકતા, અંગુઠા પકડાવતા તેમજ સોટીઓ અને ચાબકા પડતા. જબરા ગુન્હેગારોને તો વખતે ખુરસી કરાવતા અને ગોળ લાકડી (ગુડાલાકડી) નામની સખ્ત સજા એ થતી. બારસ, અમાંસ, પૂનમ વગેરે દિવસે છુટ્ટી મળતી. કોઈ મોટો વરઘોડો જતો હોય ત્યારે બધા છોકરા હારબંધ ઉભા રહીને 'છુટ્ટી બાઈ છોડદો, રૂપૈયા ઉછાળદો’ એ પ્રમાણે ઘાંટા કાઢતા. આવી છુટ્ટી ઘણીવાર મળતી અને છુટ્ટી અપાવતાં બંદીવાનના બંધ છોડાવ્યા જેટલું પૂણ્ય થતું એમ ઘણા માનતા. છુટ્ટી મળતાં છોકરાઓની મુખમુદ્રા ઉપર આનંદ છવાઈ રહેતો. શોર બકેાર અને માથાઝીકના પ્રમાણમાં હાલના મહેતાજીને ઘણું થોડું મળતું. દરેક છોકરો દાણા પૈ પૈસો વગેરે લાવે; કેરીગાળામાં કેરી, રાયણ વગેરે ફળફળાદિ લાવે; કણક એટલે દાણ લાવે, ચોમાસામાં છોકરા દીઠ અક્કેકું નળીઉં ધરાધરી લઈ જતા જેથી મહેતાજીને પોતાના છાપરા સારૂ નેવાં વેચાતાં લેવાં ન પડે ! છોકરાઓને ઘેર નાત પ્રસંગે મહેતાજીને સહકુટુંબ જમવાનું ઠરતું. નિશાળે બેસતી વખત, આંક મંડાવતી વખત, નામું વગેરે શરૂ કરતી વખત અને નિશાળેથી ઉઠતાં મહેતાજીને રૂપીઓ મળતો. બારસે બારસે મહેતાજી છોકરાનું ટોળું લઈને આંક બોલાવતા બોલાવતાં બારસ માગવા જતા. તે વખત છોકરાઓએ પોતાને ઘેર પાટી ઉપર લખ્યું હોય તે જોતા, વખતે માબાપને ખૂશ રાખવાને બે પાંચડા પૂછતા અને બોલતા બંધ પડ્યા હોય ત્યાંથી ફરી આંકની ધૂન મચાવતા બીજે જતા. ધનતેરસના દિવસ પહેલાં મહેતાજી બધા છોકરાની પાટીઓ એકઠી કરતા અને ચિતારા પાસે પાટી ઉપર સરસ્વતી, ગણપતિ, વાઘ, અગર કમળનાં રંગિત ચિત્ર પડાવતા. છોકરાદીઠ બે ત્રણ પૈસા લઈને ધનતેરસને દહાડે પાટી પાછી આપતા. નિશાળો નિશાળોમાં સ્પર્ધા હતી. એક નિશાળના નિશાળીઆ બીજીનાને મળતા ત્યારે સામા મહેતાજીનું નામ દઈને મશ્કરી ભરી જોડકણાં જેવી કવિતા બોલતા, પોતપોતાના મહેતાજીની વિદ્યા વખાણતા અને વખતે મારામારીએ કરતા. પોતાની નિશાળને માટે બધાના મનમાં મમત્વ હતું. પિતા પુત્ર અને પૌત્ર પણ એની એ જ નિશાળે ભણેલા મળી આવતા. હાલ જેમ સ્હેજ કારણસર વલોણા વારે નિશાળો બદલાય છે તેમ તે વખતે નહોતું બનતું. હાલ જેમ ગુરૂભાવ પચ્ચીસ અથવા એથીએ વધારે શિક્ષકોમાં વહેંચાઈ જવાથી સમુળગો રહેતો નથી તેમ તે વખતે નહોતું. મારી નિશાળ, અને મારા મહેતાજી એવી લાગણી સાધારણ રીતે સર્વત્ર હતી. અથડાતે કુટાતે અમુક વર્ષે આંક, નામું, ગણિતનાં મૂળતત્વો જેવી બાબતોમાં પાવરધા થઈને નિશાળેથી ઉઠતા. ગામઠી નિશાળોમાં લેખનકળા ઉપર વિશેષ ધ્યાન અપાતું. છોકરાઓ શિયાળામાં સવારના પહોરમાં ઉઠીને દોપિસ્તાં ઘુંટતા, શિયાળાની ટાઢ, વહેલું ઉઠવું ને તેમાંએ વળી કેટલીક વખત તો ટહાડા પાણીમાં હાથ બોળીને પછી લખવું. આથી હાથ ઘણો ઠરતો અને અક્ષર સારા મરોડદાર થતા. હાલ અક્ષરના મરોડવાર ભાગ પાડી નાંખીને જૂદી જૂદી જાતની લેખનકળાની ચોપડીઓ–કોપીઓ–લખ્યા છતાં પણ ઘણાના અક્ષર મંકોડાના પગ જેવા હોય છે તેમ પહેલાં ઘણે ભાગે નહોતું. છેક પચ્ચીસ ત્રીશ વર્ષ પહેલાં અમદાવાદની પહેલા નંબરની–તૂલજારામ મહેતાજીની–સરકારી ગૂજરાતી નિશાળના એક શિક્ષક રામશંકર એમના છાપેલા જેવા અને મરોડદાર અક્ષરને માટે પ્રસિદ્ધ હતા. પ્રથમ આ આપણો કેળવણીનો ક્રમ હતો. નિશાળેથી ઉઠ્યા પછી અમુક ધંધે લાગવાની જ જરૂર હતી.

કેળવણીની બાબત ઉપર ધોરણ રાખીને લોકોના (૧) પંડિત અને વિદ્વાન, (૨) બહુશ્રુત, (૩) સાધારણ અને (૪) તે સિવાયના, એવા મનસ્વી વર્ગ પાડીશું. પંડિત અને વિદ્વાનના વર્ગમાં અમે જેઓ સંસ્કૃત, ફારસી કે અરબ્બીનો સારો અભ્યાસ કરતા તેને ગણીશું. એઓ શાસ્ત્રીઓની પાસે વ્યાકરણ, કૌમુદી અગર સારસ્વત, વગેરે ભણીને પંચકાવ્યનો અભ્યાસ કરતાં. બ્રાહ્મણો પોતાની ઉપજીવિકા સારૂ ભાગવત, પુરાણ વગેરે શીખતા. તેઓ પરદેશ અભ્યાસ કરવા જતા. વધારે ઉમેદવાળા કાશી જતા. બીજાઓ નજીકનાં શહેરોમાં પ્રખ્યાત પંડિત પાસે જતા. માધુકરી માગી લાવીને ખાતા અને ગુરૂની સેવા કરીને વિદ્યા સંપાદન કરતા. તે કાળમાં મુસાફરીની અગવડ, વિટંબણા અને ગુરૂને ત્યાંની રહેણી કરણી વગેરેનું તાદૃશ્ય ચિત્ર મહાકવિ પ્રેમાનંદના પુત્ર વલ્લભે પોતાના 'મિત્રધર્માખ્યાન' યાને ‘ઇંદુમિંદુ આખ્યાન' માં આપ્યું છે તે વાંચવાથી જીજ્ઞાસુઓને આનંદ થશે. મુસદ્દી વર્ગના દિકરાઓ સાધારણ સામાન્ય કેળવણી ઉપરાંત ફારસી અને અરબ્બી શીખતા. મુનશીઓ અને આખુંદજીઓ શીખનારને ઘેર જઈને અગર તેમને પોતાને ઘેર બોલાવીને શીખવતા. 'અલેફ–બે–અગારા, આખુંદજીકા પેટ નગારા, અલેફ–બે હુવા, આખુંદજીકા મર ગયા બુવા’ આવી લીંટીઓ છાની છાની મશ્કરીમાં બોલાતી. આમદન નામું શીખીને ગુલસ્તાન બોસ્તાન વંચાતાં. આમ છતાં પણ મુસલમાની રાજ્યને અંતે અને પેશ્વાઈ અને ગાયકવાડી એ હિંદુ રાજ્યોના થયા પછી સંસ્કૃત અભ્યાસ તરફ લોકોની રૂચિ વળી હતી. ફારસી અને અરબ્બી અભ્યાસનું પ્રાબલ્ય ધીરે ધીરે ઘટવા માંડ્યું હતું. સાંકડી ગલીમાં થઈને જતા હોઈએ અને ગાંડો હાથી પછવાડી પડ્યો હોય તોપણ नगच्छेज्जैन मंदिरे એ જેમ કહેવામાં આવતું તેમ नवदेद्यावनीं भाषाम् એ વાક્ય આ સમયમાં થયું હોય એમ લાગે છે. અમારા નાનપણની વાત અમને સાંભરે છે કે જમવા નાહ્યા પછી જો ભૂલે ચૂકે 'બસ' કે એવો શબ્દ બોલાઈ જાય તો ફરી નહાવું પડતું. ફારસીના અભ્યાસે કૃષ્ણરામ મહારાજને ભડકાવ્યા હોય એમ જણાય છે. તેઓ ફરીઆદ કરે છે કે:—

“ફારસીઓના હરફ વશ્યા વિપ્રની વાણે
"ગઝલ રેખતા તરફ ગમતા દીઠા ગાણે.”

આમ છતાં પણ રાજદ્વારમાં પોસાવાને લીધે એ અભ્યાસ ફેલાતો. નાગર, કાયસ્થ, ક્ષત્રિ વગેરે જાતોમાં અરબ્બી અને ફારસીના અભ્યાસિયો ઘણા મળતા. સ્વ. ભોળાનાથ સારાભાઈ ફારસીના સમર્થ વિદ્વાન હતા એ જાહેર વાત છે. છેક પચ્ચીસ–ત્રીસ વર્ષ ઉપર નાગરોમાં ફારસી અને ઉર્દુનો સારો અભ્યાસ કરેલી સન્નારીઓ ધરાધરી હતી.

બહુશ્રૂત માણસો ખસુસ કરીને વૃજભાષાનો અભ્યાસ કરતા. શ્રીમદ્ વલ્લભાચાર્યનાં નવરત્નોમાંના મહા કવિ નંદદાસજીની માનમંજરી અને અનેકાર્થમંજરી વાંચીને સુંદરશૃંગાર, કવિપ્રિયા, રસિકપ્રિયા, છંદશ્રંગાર, ભાષાભૂષણ, બિહારી સતસાઈ, વૃંદસતસાઇ, જશુરામ રાજનીતિ વગેરે ગ્રંથો શીખતા. વયોવૃદ્ધ થતાં સુંદરવિલાસ, તુલસીકૃત રામાયણ, યોગવાશીષ્ટ વગેરે વાંચતા. રાજકોટના આગળના ઠાકોર સાહેબ મહેરામણસિંહ અને મિત્રોએ લખેલો પ્રવિણસાગર ઘણો માનનીય ગ્રંથ ગણાતો. ભરૂચના વાણીઆ ગૃહસ્થે પોતાની મરણ પામેલી બહેનની યાદગીરી સારૂ લખેલી કિસન બાવની ઘણા મોંઢે કરતા. ગુજરાતી વાણીઆ ગૃહસ્થનો લખેલો પ્રેમસાગર અદ્યાપિ પણ વૃજ ભાષાનો શિષ્ટ ગ્રંથ ગણાય છે. થોડું સંસ્કૃત શીખીને વાતચીતમાં સંસ્કૃત શ્લોક અને સુભાષિત કવિતા બોલવાનો રિવાજ હતો. મુત્સદ્દી વર્ગના જે માણસમાં આવું અને આટલું જ્ઞાન ન હોય તે ગમાર ગણાતો.

સાધારણ માણસો ગામઠી નિશાળની કેળવણથી જ સંતુષ્ટ થઈને પોતપોતાના ધંધામાં પડી તેનું ખાસ જ્ઞાન સંપાદન કરતા. નિશાળેથી ઉઠી વગર પગારે સરાફીની દુકાને બેસતા. ત્યાં તેમને નામાનું અને વહીવટનું સચોટ જ્ઞાન ઉપલબ્ધ થતું અને 'સાડાસાતના પા’ની તરવારે વ્યાજ વગેરેમાં કીટ થઈ પોતાના ધંધામાં જોડાતા.

ઉપર કહ્યા તે સિવાયના બીજા લગભગ નિરક્ષર જેવા હતા. તેમને લેખનશુદ્ધિનું ભાન ધરાધરી નહોતું. હિંગ, મરી ને ટોપરૂં એ શબ્દોને સાટે 'હગ મર ટપર' લખતા. 'કાકા અજમેર ગયા છે અને કાકી કોટે છે' જણાવવાને બોડીઆ અક્ષરે લખતાં 'કાકા આજ મરી ગઆ છે અને કાકી કુટે છે' એવું એ વંચાતું ! કાનામાત્ર વગરના બોડીઆ અક્ષર લખવાથી વખતે અર્થનો અનર્થ થઈ જાય છે એવું બતાવવા છેક કવિ દલપતરામના કાળ સુધી કહેવામાં આવ્યું છે. આ હેતુસર કેટલીક ચમત્કૃતિ અને ચાતુર્યવાળી*[] કવિતા એમણે પણ કરી છે. જનસમાજનો મોટો ભાગ ધોળકામાં ખાંડ લઈ, ખડ લખી, ખડી વાંચનારો હતો ! બાકીના તો છેકજ અભણ હતા.

પાછળના વખતમાં દેશી રાજ્યોમાં પંડિતો વગેરેને વર્ષાસન મળતાં. વર્ષાસન મેળવનાર મૂળ પુરુષો તો ઘણું કરીને યોગ્ય હતા પણ તેમના વંશજો દિવસે દિવસે છેક નિરક્ષર અને નમાલા થઈ ગયા હતા. અમલદાર વર્ગને ત્યાં ધક્કા ખાઈ ખાઈને તેમની મરજી સંપાદન કરીને વર્ષાસનો ટકાવી રાખતા. તે કાળના બ્રાહ્મણોનું વર્ણન કરતાં કૃષ્ણરામ મહારાજ કકળીને ચાબકા મારે છે. તે કહે છે કેઃ—

“રડતા રાજદ્વાર પંડિત થઇને પક્કા; દેવડીએ છડીદાર સહી લે તેના ધક્કા.
“તોપણ નાવે લાજ કિંકર મુકે કાઢી; વર્ષાસનને કાજ દરબારે જાય દહાડી !”

આવા ભણાવનારા પાસે અને મહેતાજીઓ પાસે અભ્યાસ કરી શકાય એવું હતું. માત્ર આવી કેળવણી લીધેલી પ્રજામાં પુસ્તકો ક્યાંથી લખાય ?

લોકોનાં મનરંજન કરવાના સાહિત્યમાં સામળભટની ચમત્કારભરી વાતો જ હતી. વાંચવાનો ખાસ શોખ હોય તો 'કાષ્ટના ઘોડા' ની, 'મદનમોહના' ની, 'બત્રીસપુતળી' ની, 'સુડા બહોતેરી' ની અને 'વૈતાલ પચ્ચીસી' ની વાતો વગેરેની પ્રતો ખોળીને લખી અગર લખાવી લેવી પડતી હતી. સામળ વેંગણપુર (હાલના રાજપુરની પાછળના ભાગ) માં રહેનારો અને મહેમદાવાદની પાસેના સુંજ ગામમાં પોશાયલો હોવાથી તેની કવિતાનું પ્રાબલ્ય અમદાવાદમાં જરા વિશેષ હતું. સ્વ. નવલરામ વ્યંગમાં કહે છે એમ અમદાવાદમાં ‘રસમાં તો અહિં છપ્પા સામળ' એવું હતું. સુરતમાં પ્રેમાનંદનું માન ઘણું હતું. તેમાંએ એ કવિરાજના મામેરાએ તો સહૃદય સુરતીઓને વશવર્ત્તી કરી લઈ સર્વત્ર વિજય પ્રાપ્ત કર્યો હતો. સિમંત વખતે મામેરૂં કહેવડાવવાનો રિવાજ સાધારણ હતો અને હાલ પણ છે. ઘરને હાંડી તકતાથી શણગારી, રાત્રે સગાંવહાલાં અને નાતની સ્ત્રીઓ એકઠી થાય છે. સારી ઉંચી ગાદી ઉપર ધોળી દૂધ જેવી ચાદર બિછાવી તેના ઉપર ધેણને ઘરેણેગાંઠે શણગારી, માંડણ કરી, હાર કલગી આપીને બેસારવામાં આવે છે. નાતનાત પરત્વે મામેરૂં ગાનારીઓ ગવરાવે અને બધી સ્ત્રીઓ ઝીલે છે. આ પ્રમાણે અક્ષરે અક્ષર છૂટો પાડીને ગાતી નાગરાણીઓથી માંડીને, અડધું ગામડીઆ જેવું હુંહાં બોલતી બ્રાહ્મણીઓ, કાલું કાલું બોલતી વાણીઅણો અને અશુદ્ધ મગ અડદ ભરડતી બોલતી ઘાંચણો તેમજ બીજી એવી જાતો “સુણી સીરંગ મેતો આઈવા ધાઇ” કરીને મામેરૂં ગાય છે. મા વગરની દિકરીની સ્થિતિ, ગરીબ બાપની મુંઝવણ, સાસરીઆંના આક્ષેપો અને નાતજાતનાં વ્યંગ બોલવાં સાંભળતાં પ્રેમાનંદના કાવ્યરસમાં ઝીલે છે. એના રસે અસંખ્યાત ઘેણોને ધ્રૂસકે ધ્રૂસકે રડાવી તેમનાં ગાલ પરનાં માંડણો આંસુવડે ધોવરાવ્યાં હશે. નરસૈં મહેતાનાં પ્રભાતિયાં અને ઉપદેશનાં પદોના લલકાર સવારમાં સંભળાતા. ભાલણ કવિના દશમમાંથી દાણલીલાનાં પદ ‘ગોવાળીઆ’ને નામે સુરત તરફ ઘણાં ગવાતાં, સ્ત્રીઓ મીરાંબાઈની ગરબીઓ અને પદો ગાતી અને પાછલા કાળમાં ચાણોદ કરનાળી, વડોદરા અને બીજાં શહેરોમાં દયા પ્રિતમના કા’નની બંશી વાગી રહી હતી. દયારામની ગરબીઓ ગરબે ઘણી ગવાતી. નવરાત્રિના દિવસોમાં જ્યાં જ્યાં પુરૂષોએ માંડવીએ ગાવાનો રીવાજ હતો ત્યાં વલ્લભના મરદાની ગરબાના પડઘા પડી રહેતા. પુરુષોનો અવાજ, જુસ્સાભર્યા થેકડા અને તાલની જમાવટથી ઠીક ઠાઠ થતો. ઇ. સ. નો અઢારમો સૈકો ભગત કવિયોથી ઉભરાઈ ગયો હતો. ફલાણા ભગત અને ફલાણા ભગત એમના રાગડાથી ગુજરાત ગાજી રહ્યું હતું. ડાકોરના રણછોડજીની મંડળીઓ, જાત્રાના સંઘ અને ભગતનાં મંદિરની મંડળીઓની બેઠકો આવી કવિતાના બજાર હતાં. શ્રદ્ધાળુ લોકો એક બીજા પાસેથી હગમરટપર અક્ષરોમાં આવી કવિતા લખી લેતા. ભજનો પણ શ્રોતા વક્તાની જાત અને વિદ્વતા જેવાં જ લખાતાં. એક કણબી ભગતનું “મનખા સરખું મલાર ખેતર સાચવી ના જાણ્યું રે” એ ભજન અને કોળીઓનું “ઝાડે ચઢીને કાકો રામજી બેઠા ને હેઠે બેઠાં તે ફઈ સીતા” જેવાં હાસ્યાસ્પદ ભજનો ગાનારાના મનની ઉંડાઇ બતાવી આપે છે ! કેટલાક વેદાંતી કવિયોની કવિતા પણ ઘણી પ્રસરેલી હતી. વિષય એક જ છતાં ધીરો, ગોપાળ, રણછોડ અને અખો એ વેદાંતી કવિયોની બાનીની તુલના લોકોએ એક જોડકણામાં ઠીક આંકી છે.

“અખે કર્યો ડખો, ગોપાળે કરી ઘેંશ;
રણછોડે રાંધી રાબડી, ધીરા તું શીરાવા બેશ.”

નાટક જેવું કશું હતું નહિ. લોકોના આનંદને માટે ભવાઈ હતી. ભવાઈઆ પોળમાં કે રસ્તામાં એક બાજુએ પડદો બાંધી દીવા અને મશાલને અજવાળે રમતા. વેશ પહેરવાની, મોંપર રંગ લગાવાની જગો પડદાની પાછળ જ હતી. મહોડે સફેતો ચોપડતા, મેં'શનાં ગાડાં આવ્યાં હોય એટલી મેંશ આંજતા અને જુગુપ્સા ઉત્પન્ન થાય એટલા અને એવા ચાળા ચશ્કા કરતા. એમના ધોયકણા જેવા પગ પડદા નીચેથી બીજી બાજુએ જોનારને જણાતા. તેઓ સર્વદા 'ગણપતી’નો વેશ કાઢી પછીથી 'કંસારા' નો , 'મીયાંબીબી' નો, જુઠણનો, 'સુરાસામળા’નો, વગેરે વેશ લાવતા. 'કજોડા'ના હાનિકારક રિવાજને વગોવવામાં બાકી ન રાખતા. તેમની ભવાઇઓમાં બિભત્સ અને ફટાણું એટલું હતું કે તેની સારી અસર બરબાદ જતી. આ સિવાય વખતે વખતે રાસધારીઓ આવીને કૃષ્ણલીલા અને રામલીલા ભજવતા. એઓમાં પણ કાંઈ વિશેષતા હતી નહિ.

બ્રિટિશ રાજ્ય થયું તે અરસામાં વસ્તુસ્થિતિ આવી હતી; તે થયા બાદ પણ રૈયતની કેળવણીને સારૂ કશું કરાયું નહોતું.

કાશીમાં એક સંસ્કૃત પાઠશાળા હતી. તેમજ પુનામાં પણ એક સ્થપાઈ હતી. પુનાની પાઠશાળાના મુખ્ય અધ્યાપક તરીકે મેજર કેનડીને નીમ્યા તે વખત ખળભળાટ થયો હતો. પરંતુ એ વિદ્વાને ઘણી દીર્ધ દૃષ્ટિ અને સભ્યતા વાપરીને પોતાનું કામ બજાવ્યું તેથી યૂરોપિયન પંડિતો તરફ લોકોનો આદર વધીને પ્રેમ ચોંટી ગયો હતો. એ પાઠશાળા ઘણા સારા પાયા પર ચાલતી હતી. આ પાઠશાળા ધર્મશાસ્ત્રીઓ તૈયાર કરતી અને તેઓ સરકારની અદાલતોમાં હિંદુ ધર્મશાસ્ત્રમાં શું છે અને અમુક સવાલનો નિર્ણય હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે કેમ થાય વગેરે અભિપ્રાય આપી દિવાની બાબતોનો નિકાલ કરવામાં સહાયભૂત થતા. પરંતુ આવી એકદેશી અને દૂર પડેલી સંસ્થાનો લાભ થોડાક જ લઈ શકતા. સાર્વજનિક શિક્ષણને માટે કશું કરવામાં આવ્યું નહોતું. ફારસી, અને સંસ્કૃત શીખવતી પાઠશાળાઓ ઉપર થતો ખર્ચ કમી કરીને પ્રજાને ઇંગ્રેજી અને દેશીભાષામાં જ્ઞાન આપવું એ વિચાર પ્રબળ થયો. આવી ‘નેટીવ સ્કુલ બુક સોસાઇટી’ સ્થાપવાની સૂચના ઈ. સ. ૧૮૧૭ માં કલકત્તામાં રેવરંડ રોબર્ટ મે નામના ખ્રીસ્તી ધર્મગુરૂએ પ્રથમ કરી હતી. આ પગલું પ્રથમ બંગાળામાં ભરવામાં આવ્યું. બાદ બંગાળાની સંસ્થાની સૂચના ઉપરથી મુંબાઇમાં એ તરફ લક્ષ ગયું. કેટલાક ઇંગ્રેજ અમલદારોની સલાહથી મુંબાઈના ધનવાન ગૃહસ્થોએ એક ફંડ ઉભું કર્યું. ઈ. સ. ૧૮૨૦ના ઓગષ્ટ માસમાં ‘નેટીવ સ્કુલ બુક એન્ડ નેટીવ સ્કુલ સોસાઈટી’ એ નામની સંસ્થાની સ્થાપના થઈ. સાત વર્ષ પછી એ સંસ્થાએ પોતાનું નામ બદલીને 'ધી બોંબે નેટીવ એજ્યુકેશનલ સોસાઈટી' એવું નવું નામ ધારણ કર્યું. દેશીઓને માત્ર ઇંગ્રેજી કેળવણી આપી બધા દેશની સામાન્ય ભાષા ઇંગ્રેજી કરવી એવો કેટલાક મોટા રાજકીય પુરુષોનો અભિપ્રાય હતો. કેટલાક દેશીભાષા દ્વારા કેળવણીના હિમાયતી હતા. મુંબાઇના તે વખતના ઉદારચરિત્ રાજનીતિનિપુણ ગવરનર માઉન્સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન દેશી ભાષા ખીલવવાના પક્ષમાં હતા. તેમણે ઈ. સ. ૧૮૨૨ માં આ સંસ્થાને નાણાની મદદ કરવા માંડી, અને એના કારભારમાં કેટલાક સરકારી અમલદારોને ભેળ્યા. સંસ્થાનું નામ ‘હિંદ નિશાળ અને પુસ્તક મંડળી’ એવું પાડ્યું.

ગુજરાતી સાહિત્યને અંગે લખતા હોવાથી ગુજરાતી સિવાય બીજી એતદ્દેશીય ભાષાના સંબંધમાં અમે બોલીશું નહિ. મુંબાઈવાળી મંડળીએ એતદ્દેશીય ભાષામાં પુસ્તકો લખાવવા માંડ્યાં. ઈ. સ. ૧૮૨૪ માં લિપિધારા, ગણિત, બોધવચન અને ડૉડસ્લીનો વૃત્તાંત નામનાં પુસ્તક તૈયાર થયાં. તે ઉપરાંત બાળમિત્ર, મરાઠાની બખર, બીજગણિત, ભૂગોળ, ઈસપનીતિ વગેરે પુસ્તકો બહાર પડ્યાં. અમારી ગોઠવણ પ્રમાણે આગળ ઉપર યોગ્ય સ્થળે આ પુસ્તકો વિષે બોલવાનું રાખી ગુજરાતની તે કાળની હાલતનું વર્ણન કરીશું.


  1. *જૂઓ જૂનાં બુદ્ધિપ્રકાશ અને દલપતકાવ્ય.