સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/પ્રથમ ખંડ/પ્રકરણ ૨

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૨.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૩. →


પ્રકરણ ૨ જું.

કેળવણીની શરૂવાત અને સ્થિતિ.

આપણી તરફ ગુજરાતમાં ઇ. સ. ૧૮૨૬ માં પ્રથમ નિશાળો સ્થાપન થઈ. સુરતમાં ત્રણ, અમદાવાદ અને ભરૂચમાં બબ્બે અને ખેડા, ધોળકા અને નડિયાદમાં અક્કેક એ પ્રમાણે પ્રથમ દશ નિશાળો ઉઘાડવામાં આવી હતી. કેટલાક માણસોને મુંબાઇ તેડાવીને નિશાળોનું કામ ખાસ શીખવવામાં આવ્યું હતું. તેઓમાંના દશને આ નવી સ્થપાયલી નિશાળોના મહેતાજીઓ નીમવામાં આવ્યા હતા. એ દશમાંનાં થોડા, ભણેલા અને ઉદ્યોગી હતા. બાકીના તો ઠીક જ હતા. અમદાવાદની પહેલા નંબરની નિશાળના મહેતાજી તૂળજારામ સુખરામ, વિસલનગરા નાગર, પોતાના સારા સ્વભાવ, ભણાવવામાં ખંત, હોંસ, મહેનત અને કાબેલીઅતને માટે વખણાઇ ગયા છે. હજી પણ લોકો તેમને માનપૂર્વક સંભારે છે. આજ એ વાતને લગભગ સૈકું થવા આવ્યું છતાં પહેલા નંબરની નિશાળ છેક થોડાં વર્ષ પહેલાં તૂળજારામ મહેતાજીની નિશાળ તરીકે ઓળખાતી. આ દશ ગૃહસ્થોમાંથી એવાજ બિજા વિરલનર સુરતના વડનગરા નાગર બ્રાહ્મણ દુરગારામ મંછારામ મહેતાજી હતા. કાઠીઆવાડમાં કેળવણીનાં પ્રથમ બીજ રોપનારને સહાય આપીને, પાછળથી કેળવણીને ખીલવીને અને વહેમ અને જૂલમની સામે થવામાં નિડરતા બતાવીને એ સ્વર્ગવાસી મહેતાજી નામાંકિત થયા છે. વિજ્ઞાનનું પુસ્તક લખીને એમણે ગુજરાતીમાં એવાં પુસ્તકોનો આરંભ કર્યો હતો; અને જાદુગરાની જોડે ટક્કર લઈ તેમનું ખોટારૂં ઉઘાડું પાડવામાં તેમણે બહાદૂરી બતાવી હતી.

કેળવણીનો ઇતિહાસ અમારો પ્રસ્તુત વિષય ન હોવાથી આ સ્થળે આ મનોરંજક વિષય સંબંધે આટલુંજ કહીને અટકીએ છઈએ. ગુજરાતીમાં પ્રથમ લખાયલા ગ્રંથો કિયા અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા હતા એ જાણવાને આ દિગ્દર્શનની જરૂર જણાવાથી અમે આટલી છૂટ લીધી છે.

મુંબાઈના ગવરનરની જગોએ સર જોન માલ્કમ નિમાયા; તેમનો અભિપ્રાય એવો હતો કે ઇંગ્રેજી તો થોડાક જ જાણે; તેઓ તે ભાષામાંથી ઉપયોગી પુસ્તકોનાં ભાષાન્તર કરી જનસમૂહના લાભને માટે પ્રકટ કરે અને સાર્વજનિક કેળવણી માત્ર દેશીભાષામાં જ અપાય. આમ હોવાથી ભાષાન્તર કરવાનો વા ચાલ્યો.

“નવી નિશાળોની સ્થાપના થવાથી તેમાં ચલાવવાને નવી ચોપડીઓની જરૂર જણાઈ અને મુંબઈમાં થયેલી મંડળીએ એતદ્દેશીય ભાષામાં પુસ્તકો લખાવવા માંડ્યાં એ અમે આગળ કહી ગયા છઇએ. આપણા પશ્ચિમ હિંદુસ્તાનની રાજધાની મુંબાઇ તેથી ત્યાં જ કેળવણી ખાતાનું મથક થયું, અને સરકારી નિશાળોમાં ભણાવવાની ચોપડીઓ ત્યાં થઇઓ. મરાઠી ભાષામાં જે ચોપડીઓ હતી તેઓના તરજુમા પહેલા થયા, ને એ તરજુમા કરનારામાં મરાઠી શાસ્ત્રીઓ મુખ્ય હતા. વધારે નવાઇ જેવું એ છે જે ગુજરાતી ભાષાનું વ્યાકરણ જોઇએ માટે મરાઠી વ્યાકરણનો મરાઠી શાસ્ત્રીઓએ ગુજરાતીમાં તરજુમો કર્યો. ગુજરાતી બોલીના નિયમોથી તેઓ અજાણ્યા હતા એવું જણાય છે. વ્યાકરણનો અર્થ જેઓ જાણતા હશે તેઓ સહેલથી કહી શકે કે આવા વ્યાકરણથી કેટલો ફાયદો થયો છે. મને તો લાગે છે કે એથી ઘણું જ નુકસાન થયું છે. આજ દીન સુધી જે જે ચોપડીઓ સરકારી તથા ખાનગી, ચોપાનીયાં તથા વરતમાનપત્રો મુંબાઇમાં છપાય છે તેમાંના ઘણા ખરા વ્યાકરણદોષ એથી થયા છે. ભરૂચથી ઠેઠ મુંબઈ સુધીના લોકોના ઉચ્ચાર તથા કેટલાએક શબ્દોમાં ભેદ છે પણ એમનું વ્યાકરણ ગુજરાતના બીજા ભાગોમાં રહેનારાના જેવું જ છે. જે સરકારી નિશાળમાં નથી ભણ્યા તેમની વાતચીત તથા લખાણ ઉપરથી એ સાબીત થાય છે. ઘોડાઓ, હાથીઓ વગેરે અનેક વ્યાકરણદોષ ત્યાંના જુવાન પુરુષોના લખાણમાં આવે છે તેઓ વ્યાકરણથી દાખલ થયા છે.”

“મેં કહ્યું કે નિશાળોમાં શિખવવાને મરાઠીમાંથી કેટલાએક તરજુમા કર્યા. એ ગ્રંથ કરનારા એમ જાણતા કે નાનાં છોકરાંને લાયક ગ્રંથ કરવાને ગુજરાતી ભાષામાં બોલ નથી. એમને ગુજરાતી ભાષા જંગલી ભીલોની બોલી જેવી લાગી. ને એ વિચારથી સંસ્કૃત શબ્દો જેમ ખોસી ઘલાયા તેમ ખોસ્યા. ત્યાર પછી આજ સુધી જે જે ચોપડીઓ થઈ તેમાં તે જ પ્રમાણે થયું. એટલે સુધી કે સરકારી નિશાળમાં ભણેલા છોકરા ગુજરાતી ભૂલવા લાગ્યા. જેણે એ પુસ્તકો વાંચ્યાં હશે તેમના જોવામાં સર્વ આવ્યું હશે.” “જેને સંધે પડે તેણે એ ગ્રંથ વાંચવા.”

"ગુજરાતી બોલી મૂળે ગુંચવાએલી તો હતી ને આ વ્યાકરણ તથા પુસ્તકોથી ગુંચ પડીને ઘભરાટ થયો. એટલી અડચણો જાણે બસ નહોય તેમ અધુરામાં પુરો એક બીજો માર પડ્યો. આપણા ચંચળ અને હીંમતવાન દેશીભાઈ પારસીઓ હરેક સારા કામમાં આગળ પડે છે. તેથી કેળવણીના કામનો જેવો આરંભ થયો તેવો જ તેનો પહેલો લાભ તેમણે લીધો. વરતમાનપત્રો ને ચોપાનીઆં પ્રગટ કરવા લાગ્યા; ને આજે પણ એવાં સારાં કામો ઘણી હોંસ ને જોરથી ચલાવે છે. બીજા ગુજરાતી લોકો એવી વાતો આજસુધી થોડી જ સમજતા હતા, ને હજીએ તેની દરકાર રાખતા નથી. એ કારણથી પારસી ગુજરાતી ઘણી ફેલાઈ ગઈ. પારસીઓ અસલ ઇરાનના રહેવાશી ને તેમની અસલ બોલી ફારસી એ બોલી મુકી દઇને ગુજરાતી બોલી શિખ્યા. પરદેશીઓ આપણી બોલી બોલે છે તેમાં ઘણી ભૂલો પડે છે એ તમે સર્વે જોયું હશે. તે ઘણા વરસ સુધી આપણામાં રહે છે ને શિખે તોપણ તેમની ખોડ જતી નથી. દખણી ગોક ગુજરાતી બેસે છે અથવા મુસલમાનો બોલે છે ત્યારે ઘણી રમુજ પડે છે. એક મરાઠો ચાકર રહેવા આવ્યો ત્યારે પગાર વગેરે માગ્યો તેમાં એક એ માગ્યું કે મારી હજામત શેઠ તમારે કરવી. તે સાંભળતાં જ અજાણ્યા શેઠે ધક્કો મારી બહાર કાઢયો. તેની કહેવાની મતલબ એ હતી કે હજામતનો ખરચ તમારે માથે ***** તેઓ પહેલા આવી નવસારી, ગણદેવી, વલસાડ તથા બીજાં પરગણાં દરીઆ કિનારે છે તેમાં આવી વસ્યા ને ત્યાંના લોકની ભાષા શિખ્યા. આએ ને એવી, જોવસ ને આવસ, વાયમરૂંરે વગેરે પારસી બોલીમાંથી કેટલાક બોલ મેં ઘણા ખારવાને બોલતાં સાંભળ્યા છે. તેથી હું અનુમાન કરું છું કે એવા લોકો પાસેથી પારસીઓ ગુજરાતી શિખ્યા હશે.”......“એવી હાલતમાં પારસીઓ હતા. એવામાં બાળ ને ગંગાધર વ્યાકરણ નીકળ્યાં. એ શિખી નવી ભૂલો કરવા લાગ્યા.” હું ગુજરાતી ભણ્યો છું કહેવાને, હમો બિ ગુજરાટી ભનેઆચ કહે છે. સાહેબ લોકો જે એ વ્યાકરણ ને એ ચોપડીઓ પરથી ગુજરાતી શિખે છે તે કેવું છે તે જુવો.” “સુરત, ઘોઘા ને રાજકોટના પાદરી સાહેબોનું લખાણ જેણે વાંચ્યું હશે તે સાક્ષી આપશે. તેમાં પણ તરે તરેની ભૂલો આવે છે. સુરતમાં જ્ઞાનદિપક નામે ચોપાનિયું મહિને મહિને છપાય છે, તેમાંથી એ તમને ખોટા ગુજરાતીના ઘણા દાખલા જડશે. હું વડોદરાને ગયો હતો, વગેરે વાંચી ઘણું હસવું આવશે. એ વ્યાકરણને એ પુસ્તકો તથા પારસી વરતમાનપત્રો ને ચોપાનિયાં વાંચીને ગુજરાતી લોકોની ભાષા બીગડે છે. તેના દાખલા તમને મુંબાઇના બુદ્ધિવર્ધક ગ્રંથમાંથી ઘણા મળશે. સરકારી લખાણમાં જે ગુજરાતી ચાલે છે તે પણ હસવા જોગ છે.”

ઉપરનાં અવતરણોની અંદરનાં લખાણ અમે જૂનાં બુદ્ધિપ્રકાશમાં છપાયલા સ્વ. મહીપતરામજીએ હિમાભાઈની લાયબ્રેરીમાં ગુજરાતી ભાષા વિષે ઈ. સ. ૧૮૫૮ માં આપેલા ભાષણમાંથી લીધાં છે. ગંગાધર શાસ્ત્રીનાં કરેલાં વ્યાકરણોનો એમાં ઇશારો છે.

એમાંનાં કેટલાંક પુસ્તકોમાંથી અમે નીચે ઉતારા આપીએ છઇએ કે તે વાંચવાથી સ્વ. મહીપતરામજીના કહેવાની યથાર્થતા ઠીક સમજાય.


( ૧ )
“ વાત–૧૬૦.

મધમાખ્યો માખ્યો અને ભમરી.

કેટલી એક માખ્યો મધમાખ્યોના મધપૂડામાં આવીને કહેવા લાગીયો જે, આ મધ અમ્હારૂં છે, પછી બે જણીઓનેં અરસ્પરસ લડાઇ થઈને બે પક્ષનીયો, ભમરીપાસે ન્યાય કરાવા ગઈયો. ત્યારે ભમરીયે કહ્યું જો તમે અદાલતની રીતે વાદ કરશો તો તમને ખરચ ઘણું થશે; અને ફડચો પણ વહેલો થશે નહીં, માટે, તમે ઉભયતાં મ્હારાં સ્નેહી છો, હું તમારું સારું ઇચ્છું છું, માટે તમને કહું છું કે તમે બે મળીને મ્હને તમારી હકીગત લખી આપો; એટલે હું તમારું સઘળું મનમાં આણીને જે નીતિ હશે તે કહીશ. તે સાંભળીને બે પક્ષનીયો રાજી થયીયો; અને હકીગત લખી આપી. પછી તે ભમરીયે તેમની લડાઈનો વાદ મનમાં આણીને તેમને કહ્યું સાંભળો છો, તમે બે બરાબર જણાઓ છો માટે, ખરાખોટાનો ન્યાય કરવો મ્હને લગાર કઠિણ દીસે છે, માટે માખ્યો તમે એવું કરો કે એક ખાલી ઠેકાણું લ્યો, અને મધમાખ્યો તમે પણ લ્યો, અને ત્યાં મધ કરીને બે જણીયો મ્હારી પાસે લાવો, પછી હું તે બે મધનો સ્વાદ રંગ જોઈને આ મધપૂડાનું મધ કોનું તે કહીશ, મધમાખ્યોયે તે વાતની તરતજ હા કહી અને માખ્યોયે આંઉ કરવા માંડ્યું તે જોઈને ભમરીયે માખ્યોને કહ્યું જે તમે જુઠીયો છો અને મધમાખ્યો સાચીઓ છે.

ઇસપનીતિ કથા—બાપુશાસ્ત્રી પંડ્યા. ઈ. સ. ૧૮૨૮.”
 
( ૨ )

ઈ. સ. ૧૮૨૮ ના જ અરસામાં એટલે ઈ. સ. ૧૮૩૦ માં અમદાવાદમાં લખાએલા એક દસ્તાવેજમાંથી ટુંકો ઉતારો ઉપરની ભાષાની જોડે સરખાવવાને ઉપયોગી થઈ પડશે એમ ધારી આપીએ છઇએ:— “ નરભેરાંમ શેવકરાંમ બીન માંડણજી પારશાત એક શહેર વાસ્તે વંમ પણ હાલ બંદર સુરત વાસ્તે વંમ બાઈ. દીવાલી ત્રવાડી. નરભેરાંમ અંબારાંમની ભારજા હરતાખરાંણ દતવાજત વીકરીત ઘર ૧ શહેર અમદાવાદમાં ચકલે ખાડીઆની હદમાં ધોબીની પોળમાં ઓઝા નરભેરાંમ સુખરાંમ વીગેરેના ઘરની જોડનું અમારા ધણીની મીલકતનું તે ઘરના ખંડની વીગત......”

......સેહેર ચલણી લેઇને એ ઘર આકાશથી તે પાતાલપરજંત કુલ અભરાંમ નદાવે આપ્યું છે તે ઘર જાવો ચંદર દીવા કરા ચાંદો સુરજ તપે તાંહાં પરજંત તમો તથા તમારા પુત્ર પુત્રાદીક સુખેથી ભોગવો વશો વાશો તમારી ઈચ્છા ઉપજે તે કરો તેમાં કોઈનો દરદાવો અલાખો નહી. ”

૧૮૩૦
 

( ૩ )
"પ્રકરણ ૮

વિભકત્યર્થ વિચાર.

શિ—સાત વિભક્તિના અર્થ કિયા તે કહો ?

ગુ—કહૂં છઉં.

વિભક્તિ યોગ્ય સઘળા શબ્દ ઉપરથી કર્ત્તાને અર્થે અથવા કર્મને અર્થે પ્રથમા થાય છે. ઉ. તે જાય છે એ ઠેકાણે પ્રથમ કર્ત્તાને અર્થે થઈ. તેણે કામ કર્યૂં એ ઠેકાણે કામ આ પ્રથમા કર્મને અર્થે થઈ. ગણવાનૂં જે માપ તરાજૂ ઈત્યાદિ. તે ઉપરથી પરિમાણાર્થે પ્રથમા થાય છે. ઉ. મણ ઘી, ફરો બાજરી, શેર ઘઉં ઇત્યાદિ. તે વાઘ મારે છે અહીયાં વાઘ એ પણ પ્રથમા કર્મને અર્થે થઈ. શંબોધન અર્થમાં પ્રથમા થાય છે. ઓકારાંત તથા ઉકારાંત શબ્દોના એક વચનને અંત્યસ્વરનેં આં તથા આ ક્રમે કરીને નિવર્તક થાય છે. ઉ. હે લાકડાં, હે ઘોડા ઇત્યાદિ.
દ્વિતીયા.

ધાતુનો અર્થ વ્યાપાર તેથી થાય જે ફળનો સંબંધ કરવાને કરતા જે ઉપર ઇછે છે તે કર્મ થયું તે ઉપરથી દ્વિતીયા થાય છે. ઉ. દેવને ભજે છે. એ ઠેકાણે ભજ ધાતુનો અર્થ સેવા તેથી પ્રીતિરૂપ ફલ થાય છે. તેને સંબંધ કર્તા દેવને ઉપર કરવા ચાહે છે. વાસ્તે દેવ શબ્દ કર્મ થયૂં તે ઉપર દ્વિતીયા થાય છે. કેટલાએક ઠેકાણે દ્વિતીયાને અર્થે પ્રથમા થાય છે. અથવા દ્વિતીયાનો લોપ થઈને પ્રથમાંતવત્ રૂપ રહે છે. ઉ. તે કામ કરે છે. ઈત્યાદિ. માગ–વિચાર−કેહે−બોલ–ડંડ–દે–આપ. ઇત્યાદિ ધાતૂનૂં જે કર્મ તેણે કરીને યુક્ત જે શબ્દ તે કર્મ થાય. તે ઉપરથી દ્વિતીયા થાય છે. ઉ. ડાહાઓને કલ્પનાને પૂછે છે. બિજા કર્મ ઉપરથી જે દ્વિતીયા થાય તેનો લોપ પણ થાય છે. જેમ ડાહાને કલ્પના પુછે છે. છોકરાંને શ્લોક ભણાવે છે. બ્રાહ્મણનેં ગાય આપે છે. રાજાને છોકરો થયો. એ ઠેકાણે ષષ્ઠીને અર્થે દ્વિતીયા છે.”

“ગુજરાતી ભાષાનૂં વ્યાકરણ–ગંગાધર શાસ્ત્રી ફડકે કૃત. આવૃત્તિ પહેલી. ઈ. સ. ૧૮૪૦.”

૧૮૪૦
 
( ૪ )

“ઓતર દીસાએ એ ઘરનું મોઢાચાલનું બારનું છે તા. તે ઉપર એક બારી છે તા. બારણા આગળ એ ઘરનો ઓટલો છે તે ઓટલા નજીક છાપરાનાં નેવ પડે છે ને એ બારણા સામી ખુલી જમીન છે તે અમારી છે તે જમીન તમને વેચાણ આપી નથી ફક્ત આ બારણુ પડે ને તમારે જવા આવવાનો રસ્તો.”

"સંવત્ ૧૮૯૩ ઈ. સ. ૧૮૩૭ માહે મારચનું ખત.

૧૮૩૭
 
( ૫ )

“શ્રી ગણેશાઅ નમઃ | પંચોપાખઆંન પ્રારંભ |”

“સરવે શાસ્ત્રઓનો તતવ લેઈનેં વીશનુશરમા મહા પંડીત જે તેણેં પંચોપાખઆન નીતીશાસ્ત્ર કરી જગતમાં પ્રવરતાવું તેહેનો ગુજરાતી ભાશામાં આરંભ કરીએ છીએ. ”

"પેહેલાં એ ગરંથની ઉપજનું કારણ કેહે છે."

"હવે તે વનનો રાજા પીંગલ એવે નામે સીંહ એક વેળાએ પાણી પીવા શારૂ પોતાનો પરીવાર તેડી જમુનાનેં કાંઠે જાય છે. એહવામાં શંજીવક તડુકો. તે આવાજથી ડુંગર શઘલો ગાજી ઉઠો. તે ભઅંકર શબ્દ શાંભલી શીંહ કચવાઓ. અનેં થાકાનું મીશ કરી પાછો વલી એક વડ હેઠલ બેઠો મનમાં ચીંતા કરે છે. તાંહા પોતીકા પ્રધાનના પુત્ર બે શીઆલ હતા. એકનું નામ કરટક બીજો દમનક તેઓને પરધાનપણા ઉપરથી કાડા હતા તોય પણ તે પેટ સારૂ રાજાની પછવાડે ફરે.”

"જેહનો વીશવાશ નહીં તે નબલો હોઅ તોઅપણ તેથી બીએ ને જેહનો વીશવાશ છે તે માહા બલવંત છે તોયપણ તે થકી બીક નહીં.”

"ઉંટ જેને દુરજનોએ મરાવો." “કાચબો જે લાકડીથી છુટો.” "હંશનું ટોલું જે પાશામાં પડ્યું હતું,” “ગધેડો જે જીભ હલાવેથી મુવો."

"ગુજરાતી પંચોપાખ્યાન-મુંબાઇની એજ્યુકેશનલ સોસાઈટી સારૂ એ. વિઘાસ એમણે શિલા પ્રેસ માટે તૈયાર કર્યૂં–મુંબાઈ ૧૮૪૦"

૧૮૪૦
 
( ૬ )

"તેહેની કીમતના રૂ. ૭૦૧) અંકે શાતશેહેને એક પુરા રોકડા શકાઈ શહેર ચલણી લેઈને એ ઘર તમને વેચાંણ આપુ છે. તે રૂપૈઆ લીધાની વીગત પ્રથંમ એ ઘરનુ હેઠળ દલ તમને રૂ. ૨૮૫) માટે ઘરાંણે આપુ હતુ ને વાલી તાર પછી રૂ. ૩૦૧) તમારી પાસેથી વાજુકા લૈઈ તેનું ખત લખી આપુ હતુ તે તા. તેના વાજના રૂ. ૮૯) મલી જુમલે રૂ. ૩૯૦) વાલા એકુન રૂ ૬૭૫) તમારા દેવા હતા તે કાપતાં બાકી રૂ. ૨૬) હાલ અમો તમારી પાશેથી રોકડા લીધા છે."

વિ. સં. ઇ. ૧૯૦૦ ઇ. સ. ૧૮૪૪ ફેવરવાંરીનું ખત.

૧૮૪૪
 
( ૭ )

“ વિષુવવૃત્ત ઊપર લંબરૂપ એવા બેઊ ધ્રુવો થકી જનારાં જે વર્ત્તુલો તેઓને યામ્યોત્તર અથવા રેશાવૃતો એવું નામ છે. જે સ્થળોમાંથી જે યામ્યોત્તર જાય છે તે તે ઠેકાણાનું યામ્યોત્તર જાણવું. એક યામ્યોત્તર ઉપર જેટલાં ઠેકાણાં હોય છે તેઓને એકજ વખતે મધ્યાન્હ થાય છે. માટે તેઓને કોઈ વખત મધ્યાન્હ વૃત્તો પણ કેહે છે. ”

“ ભૂગોળવિદ્યા પ્રથમ પુસ્તક—બાળગંગાધર શાસ્ત્રીના મરાઠી પરથી ભાષાંતર કર્તા ખેમજી હરજીવન જોશી. ઈ. સ. ૧૮૪૭ ”

૧૮૪૭
 
( ૮ )

“ એક શહીંએ ઘણાએક પશુઓને મારીને ખાધાં તેહનાં અજીરણે કરીનેં તેહને મોટો એક રોગ થયો, તારે તે જંગલના શરવે પશુ ઝુંડેઝુડને ટોલેટોલાં તેહના સમાચારનેં આવીઆં. એક શીઆલ માત્ર નોહતો આવીઓ. તે શંધી જોઈને વરૂએ શહીં રાજા આગલ શીઆલની ચુગલી ખાધી કે, મહારાજ શીઆલ તમ વીશે દુશટબુધી, ને હેંકારી તથા કરતઘન જણાએ છે. એહની નીંદાની ચરચા ચાલતી હુતી એટલામાં શીઆલ આવી પહોંચો, તેણે પણ તે થોડીએક વાત શાંભલીને શહીંની આંખ કરોધથી ચઢેલી દીઠી. તે શમે તેણે ચતુરાઈથી પોતાને બચાવીનેં વરૂના જીવ ઉપર વાત ઉલટાવી; તે શહીંને બોલીઓ કે મહારાજ આ ઘણાએક પશુ આહાં આવી મલીઆ છે, નેં બનાવટની વાતોથી જ દેખાડે છે કે, અમે મહારાજનું ભલું માગતા છઈએ, પણ જે માહારી હકીકત પુછો તો એ છે કે, જે ઘડી મહારાજના મંદવાડનું વરતમાન શાંભલીઉં, તે જ શમેં, જુઠો શીશટાચાર જેવો આ બીજા કરતા આવીઆ છે તેવો પડતો મુકીને હું મોટા મોટા વીદવાન શમરથ વૈદોને ઘેરઘેર ફરીઓ, શા સારું કે એહવું કોઈ રામબાણ જેહવું ઓશડ મલે છે કે તે સ્વામીને લાગુ થઆ વીના રેહેજ નહીં. તો છેલે તે મને જડીઉં તારે હુ સ્વામીની પાસે આવીઓ છઉં તે ઓશડ એ છે જે કોઈ જીવતા વરૂની પીઠ પરની ઉની ઉની ખાલ કાઢીનેં રાજાજીના કાળજાપર વહેલા મુકીને પાટાથી બાંધીએ તો તરત કરાર થાસે એમ શીઆલે કહેતા જ વારમાં શરવ શભાના મનમાં વાત ઉતરીનેં કરીઉં કે તે તરત કરવું જોઈએ પછે તે વરૂને પકડીને તેહની પીઠ પરનું ચામડું કાઢવા લાગીઆ, તે શમે શીઆલે આ શીખામણની વાત વરૂના કાનમાં શંભલાવી કે જે બીજા શારૂ ખાડો ખોદે છે તેમાં તે પોતે જ પડે છે. ”

"કેટલીએક ડાડસ્લીની વાતોનું ભાષાન્તર.એ. ને. ઈડુકેશન ઇનષ્ટિત્યૂશનને શારૂ છાપ્યું. આવૃતિ ચૌથી. ૧૮૫૦

૧૮૫૦
 
( ૯ )

"જો તહ્મે ન્યાય સભાની રીત પ્રમાણે તકરાર ચલાવશો તો તહ્મને ખરચ ઘણો થશે, અને ચૂકાદો પણ ઉતાવળો થશે નહી, અને તહ્મે બેઉયે મ્હારાં મિત્રો, હું તહ્મારું કલ્યાણ ઈચ્છું છું, માટે તહ્મને કહું છું કે તહ્મે બેઉ મળીને મ્હને પંચાતનામું લખી આપો એટલે હું તહ્મારો મુકદૃમો મનમાં ધારીને નીતિ હશે તે કહીશ. તે વાતથી બેઉ પક્ષવાળિયો રાજી થઈયો. પછી તે ભમરીયે તેનો કજીયો મન સાથે ધારીને કહ્યું, સાંભળો છો ? તહ્મે બેઉ જણિયો એક સરખી દેખાઓ છો, તેથી ખરા ખોટાનો ચૂકાદો કરવો મ્હને જરા કઠણ લાગે છે એટલા માટે મધમાખિયો તહ્મે એમ કરો કે, એક ખાલી પૂડો લો, અને માખિયો, તહ્મે પણ તેવો જ એક લો અને તેમાં મધ કરીને બેઉ જણાં મ્હારી પાસે લાવો. ”

“ ઈસાપ નીતિની વાતો. નામદાર બોર્ડ આવ એડ્યુકેશનના હુકમથી રણછોડદાસ ગિરધરભાઈયે ગુજરાતીમાં કર્યો. ૧૮૫૪. ”

૧૮૫૪
 
( ૧૦ )
" પ્રાર્થના.

ઓ દયાળુ પરમેશ્વર છે તુંજ ખુબી અપારં
ધ્યાન કરીએ રોજ જો તું છે જીવ દાતાર

મોટા દરિઆ, ડુંગરો જહાડને જાનવર
એ સર્વ તારી * * * એવો તું દાદગર.

ગુરૂજી.

પ્રણામ કરીએ ગુરૂજી તમ આભાર અમ શીશ
સિખવ્યું શંધુ ભણતાં ન રાખ્યું કાંઇ પણ મીશ,
બદચાલ કહડાવી દઈ રોપો છ સદગુણ
ગુન્હાથી છોડાવીને ભણાવી કરો નિપુણ.

“જ્ઞાન બોધક, આંક ૧ લો. સ્ટુડેંટ્સ લિટરરી એંડ સાયનટીફિક સોસ્ટાએટી એ નામની મંડળિએ બનાવીને મુંબઇ દફતર આશકારા છાપખાનામાં છપાવ્યો. સને ૧૮૫૫.૧૮૫૫

( ૧૧ )

पेहेलाં घर १ तलीयानी पोलनु महेता दादाभाइना पासानु महेता कालीदासने विक्रित वेचांण आपुतु साहा मकनदासे वेच्युतु तेह साहा मकनदासना भत्रीजा साहा नीरभेराम तथा शोभाराम एक परदेश हता तेहना वारसाना रुपैआ १०) अंके दस राष्याता तेह ए भाइ बे परदेशथी केटलेक दीवसे नाव्या तिवारे तेहना वारसाना रुपैआ दस एह साहा मोटे लिधा छे.

વિ. સં. ૧૮૨૪ જ્યેષ્ટ વદી પ ને રવૌનું ખત. ૧૭૬૮.