સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/પ્રથમ ખંડ/પ્રકરણ ૩

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૨. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૩.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૪. →


પ્રકરણ ૩.

અમદાવાદમાં સાહિત્યને અઙ્‌ગે ચળવિકળ–ગુજરાત
વર્નાક્યુલર સોસાયટી–ફોર્બ્સ જીવનચરિત્ર.

છેક ઇ. સ. ૧૮૪૮ સુધી અને ત્યાર પછીનાં કેટલાંક વર્ષ સુધી પણ ગુજરાતી ભાષાની સ્થિતિ કેવી કઢંગી હતી, તે ભાષાની કેળવણી આપવામાં કેવાં પુસ્તકો શિખવાતાં, તે અરસામાં કેવાં પુસ્તક પ્રગટ થતાં અને તેમની ભાષા કેવી હતી તે અમે કહી ગયા. ઘણાં ઘરડાં માણસોને મોઢે અમે એમના વખતમાં ઈસ પનીતિ ચાલતી હતી એવું સાંભળ્યું છે ! તે વખતની સામાન્ય સ્થિતિ આવી આવી જૂજ બાબતો ઉપરથી આપણે અટકળી શકીએ. ઈ. સ. ૧૮૫૮ ની સાલમાં સ્વ. મહીપતરામજીએ આપેલા ભાષણમાંથી અમે ગયા પ્રકરણમાં છૂટથી ઉતારા લીધા છે. આવા વિષયમાં અમુક જ વર્ષથી શું શું થયું એવી નિર્વિવાદિત હદ બાંધી શકાય નહિ. છતાં અમારે ઈ. સ. ૧૯૦૮ ની પૂર્વની સાઠીની હકીકત કહેવાની હોવાથી ઈ. સ. ૧૮૪૮ ની સાલ ખાસ હદ તરીકે રાખવી પડે છે. ગુજરાતી સાહિત્યને અંગે જોતાં એ વર્ષ અમુક કારણથી એ પ્રમાણે પ્રથમ પગથીયું ગણવાને યોગ્ય જણાય પણ છે.

ગુજરાતની રાજધાની અમદાવાદમાં તે વર્ષના છેક પાછલા ભાગમાં એક વિરલ બનાવ બન્યો હતો. ગુજરાતી સાહિત્યની ખિલવણી,−વધારો−અને ફેલાવો કરવાના સ્તુત્ય ઉદેશથી એક નવી સંસ્થાનો જન્મ થયો. ઈ. સ. ૧૮૪૮ ના ડિસેંબર મહિનાની ૨૬ મી તારીખે એ સંસ્થા સ્થાપવામાં આવી હતી. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખતાં આ સંસ્થા સંબંધી અને જે મહાન્ પુરુષને લીધે એ સંસ્થાએ જન્મ લીધો હતો અને જેની ખાસ સંભાળથી ઉછરી આવી હતી એના સંબંધી કાંઈ ન બોલીએ એ અશક્ય છે. આપણા દેશનો ઉદય બ્રિટિશ લોકને હાથે જ નિર્માણ થયો છે. તેમજ ગુજરાતી સાહિત્યના ઉદયનાં બીજ પણ એક અંગ્રેજ ગૃહસ્થને હાથે જ રોપાયાં છે. પરજાતિ, પરધર્મી અને પરદેશી છતાં પણ એ મહાન્ નર ગુજરાત અને ગુજરાતીને ખરેખરી દાઝથી, કોઈ પણ દેશભક્ત ગુજરાતી કરતાં ઓછું ચહાતો નહિ. ક. દલપતરામ એને માટે કહે છે કે:—

“ જન્મ જુદી જમિમાં ધરિને પણ તું મુજ જન્મભૂ તર્ફ જણાયો” એ શબ્દશઃ યથાર્થ છે.

અલેક્ષાંડર કિન્લોક ફોર્બ્સનું માનવંતું નામ કોઈનેજ અજાણ્યું હશે. માતા અને પિતા બંને તરફથી ઉચ્ચ કુળમાં સ્કોટલંડમાં એઓ જન્મ્યા હતા. ઓનરેબલ ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીની સિવિલ સર્વિસમાં દાખલ થઇને તારીખ ૩૦ મી ડીસેમ્બર ૧૮૪ર ને દિવસે મુંબાઈ પ્રાન્તમાં નિમાયા. સન ૧૮૪૩ માં પ્રથમ મુંબાઈ પધાર્યા. અહમદનગર, ખાનદેશ અને મુંબાઈમાં થોડો થોડો કાળ નોકરી કરીને તેઓ અમદાબાદના એસિસ્ટંટ જજ્જ નિમાયા.

“સન ૧૮૪૬ ના નોવેમ્બર માસમાં ફોર્બ્સ્‌નાં અમદાવાદમાં ચરણ થયાં, ગુજરાતના ભાગ્યોદયનો અવતાર થયો તે એજ સમયમાં એમ કહિયે તો ચાલે”

“ગાયકવાડ અને પેશવાની વારાફરતી ચડતી પડતી ગુજરાતમાં થતી, તેમ તેમ તેઓ ગુજરાતને પોતાના વારામાં ચુસતાઃ ગુજરાત એક અને તેને ચુસનાર જમ જેવા બે. એટલે ગુજરાતની દુર્દશામાં શી બાકી ? સન ૧૮૧૮ સુધી ગુજરાતવાસીથી નિર્મલ વસ્ત્ર પહેરાતાં નહિ......કોઈને ઉજલો દીઠો તો ચાડિયા તૈયાર હતા. તેઓ ચાડી ખાય અને તે પ્રમાણે મૂર્ખ રાજાના મૂર્ખ સરદારો તેને લુંટે. ધન નામ ધરનારા સર્વે પદાર્થોને પૃથિવીમાં દટાઈ રહેવું પડતું હતું.”

“એવા અંધકારમાં સન ૧૮૦૦ ની સાલથી કહિં કહિં કીરણ પડવા માંડ્યાં અને સન ૧૮૧૮ માં આપણું ઇંગ્રેજી રાજ્ય થયું, અને અંધકાર ખસવા માંડ્યો. એજ સંધીમાં ફોર્બ્સ સાહેબ ત્યાં આવ્યા.”

“ગુજરાતનાં ભવ્ય શિલ્પ કામ જોઈ તેમને લાગ્યું કે કોઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકના મહિમાનાં આ અવાચક ચિન્હ છે. પોતે કુલીન તેથી કુલીનચિન્હવાન પણ દીન થઈ ગયેલા ગુજરાતની તેને અંતઃકરણથી દયા આવી.” પરિણામ એ થયો કે ગુજરાતનો અનુગ્રહ કરવાને પોતે તૈયાર થયા. પ્રીતિભાવથી ગુજરાતની આગલી જાહોજલાલીનાં વર્ણન ભર્યો ઇતિહાસનો ગ્રંથ 'રાસમાળા' લખવાનો ઉપકાર કર્યો.

કરનલ ટૉડ કુલીન વિણ ક્ષત્રિય યશ ક્ષય થાત;
ફાર્બસ સમ સાધન વિના નવ ઉધરત ગુજરાત.

રા. સા. ભોગીલાલ પાસે અભ્યાસ કર્યા પછી સ્વ. ભોળાનાથની ભલામણપરથી કવીશ્વર દલપતરામને સને ૧૮૪૮ માં પોતાની પાસે તેડાવ્યા.

કવિ દલપતરામ મૂળ વઢવાણના “સામવેદી બ્રાહ્મણ શ્રીમાળી” હતા, ભૂજની પોશાળ વગેરે જગાએ જૂના સાહિત્યનો અભ્યાસ કરીને પોતાની પ્રાસાદિક શક્તિ કવિ તરીકે અજમાવતા હતા. એમનાજ બોલમાં કહીએ તો: —

"કાવ્ય અલંકાર તણા ગ્રંથનો અભ્યાસ કરી
જીવ જોડી રાખ્યો તો મેં કવિતાની જકમાં;
શોધતો હતો હું કોઈ શાણો સરદાર નર
બોધતો હતો હું મહીનાથને મુલકમાં;
કોઈ દીલદાર ને ઉદાર દરબારમાં હું
રહેવાની રૂચી અતિ રાખતો ઇશકમાં;
દીલમાં વિચારતો હું હતો દલપત કહે
ફારબસ તણું તેડું આવ્યું તેવી તકમાં. 
ખાનપરે દ્વારે જ્યારે નદિને કિનારે સારે
મેળો થયો મારે ચાંદા સૂર્યના મહેલમાં;
ઇસ્વિસો અઢારે અડતાળીશમી સાલ ત્યારે
પ્યાર કીધો પ્યારે પરિપૂરણ પહેલમાં.”
ક૦ દ૦ ડા૦

ગુજરાતનો પૂર્વ મહિમા જેમ જેમ એમના જાણવામાં આવ્યો તેમ તેમ ગુજરાત ઉપર એમને અધિક અધિક પ્રીતિ થતી ગઈ અને પોતાનું તન મન અને ધન એને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. જૂની કવિતા, હસ્તલિખિત ગ્રંથોની ખોળ કરવા માંડી અને ઠેકાણે ઠેકાણેથી કવિ અને જૂની વાત જાણનારાઓને બોલાવી બોલાવી સત્કાર કરી શોધનું કામ કરવા માંડ્યું. કવીશ્વર દલપતરામના શબ્દમાં બોલતાં

"કવિતાનો કોઈ ભૂપ ભાવ પુછનાર નથી,
બીજે ધંધે ધાયા કવિ ધારી એવાં કારણો;
એવામાં કવિનો મેળે કિન્લાક સાહેબે કીધો,
સાંભળી કવિતા આપ્યાં ઈનામ સંભારણો;
દીલનો ઉદાર દીઠો, દેવાંશી દાતાર દીઠો
દાખે દલપત દીઠો દારીદ્ર વિદારણો;

અભણ પસ્તાવા લાગ્યા, ભણેલા ફૂલાવા લાગ્યા
પુત્રોને પઢાવા લાગ્યા ભટ ભાટ ચારણો. ૪૭"

દેશી રાજ્યમાં કવિયોની કદર રહી નહોતી તેથી એ વર્ગ અધમ થઈ નાશ થવાની તૈયારીમાં હતો. કોઈ કોઈ રહી ગયા હતા તે ખુશ થઈને ગાજી ઉઠયા અને ફોર્બ્સને ભોજની ઉપમા આપવા લાગ્યા.

"કરેલ કીર્ત્તિમેર દુનિયાંમાં તે દેખવા
ફાર્બસરૂપે ફેર, ભોજ પધાર્યો ભૂમિમાં.”

આનંદ પામેલા કવિયોએ કવ્યું કે

 

“કુથ્થા પુસ્તક કાપિને એનો ન કરિશ અસ્ત
ફરતો ફરતો ફાર્બસ ગ્રાહક મળ્યો ગૃહસ્થ.”

એ પ્રકારે ગુજરાતમાં થઈ રહ્યું. માજી રાજ્યના ત્રાસદાયક બળાત્કાર દૂર થયા હતા. લોકો જંપીને નિરાંતે બેઠા હતા. બધાને નવું નવું લાગવા માંડ્યું હતું. ફોર્બ્સ જેવા વિદ્વાન, ચતુર, ન્યાયી, પ્રજાહિતૈષી અને વિવેકી અધિકારીઓનો સત્કાર, માયા, અને મમતાએ લોકોનાં ચિત્ત શાંત કર્યાં હતાં, અને શાંતિને અંગે ઉત્પન્ન થતી કળા, કૌશલ્ય, વિદ્યા, સાંસારિક સુખ વગેરે વધવા માંડ્યાં હતાં. ફોર્બ્સ સાહેબ એ બધું વધારવામાં સાધન થઈ રહ્યા. જે સાધનથી પોતાના સ્વદેશનો ઉત્કર્ષ થયો હતો તે સાધનનાં બીજ અહિંયાં વાવવાનો પોતે આરંભ કર્યો. કર્નલ ફુલ્જેમ્સ, કર્નલ વાલેસ, અને રૈવરંડ પીરી આદિ ગૃહસ્થોને સામીલ રાખી પ્રથમ સન ૧૮૪૮ માં 'ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી’ સ્થાપી. *[૧] તેણે ગુજરાતમાં વિદ્યાવૃદ્ધિ સારૂ આજ સુધીમાં કેટલું બધું કર્યું છે તે આ દેશમાં અજાણ્યું નથી.   ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ઈ. સ. ૧૮૪૮ ના ડિસેંબર મહિનાની તારીખ ૨૬ મીએ ફોર્બ્સ સાહેબે યૂરોપિયન અને દેશી ગૃહસ્થોની એક સભા મેળવી. તેમાં ગુજરાતના સાહિત્યની ખીલવણીના ઉદ્દેશથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની સ્થાપના થઈ. વિનિત અને દંભરહિત મહાન્ નર ફોર્બ્સ પોતે એ સભાના ઓનરરી સેક્રેટરી બન્યા. એમની વિનતી ઉપરથી તે વખતના મુંબાઈના ગવરનર સાહેબ લોર્ડ ફોકલંડ તેના પેટ્રન− મુરબ્બી બન્યા. ત્યાર પછીની સભાની બેઠકમાં એમ ઠર્યૂં હતું કે સોસાઈટીએ તે વખતમાં મળી શકે એવાં સઘળાં ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ કરવો, અને જરૂર જણાય તો ઈનામ અને મહેનતાણું આપીને નવાં ભાષાન્તર તેમજ મૂળ ગ્રંથો લખાવવા. સ્વ. ફોર્બ્સ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના પોતાના પ્રથમ વર્ષના રિપોર્ટમાં લખે છે કે “નિશાળોને માટે પુસ્તકો પૂરાં પાડવાં એ આપણા કર્તવ્યનો કોઈ પણ અંશે ઓછો અગત્યનો ભાગ નથી. સન ૧૮૪૫ માં દિલ્લીની આવી એક સોસાઈટીએ પોતાના રિપોર્ટમાં જે કહ્યું છે તે આપણને ઓછું લાગુ પડે છે એમ નથી. તેમાં કહ્યું છે કે આપણા કામનું ખરેખરું ક્ષેત્ર તે સરકારી નિશાળો છે. હવે પછીની થનારી પ્રજા ઉપરજ આપણે આશા રાખી શકીએ. પુખ્ત થએલા ઝાડને ગમે તેમ વાળી શકાય નહિ. સતત સુધારા કરીને નિશાળોના શિક્ષણ સારૂ સારાં પુસ્તકો કરી આપવાં એ આપણું પ્રથમ અને અગત્યનું કર્તવ્ય છે.”

આ જ સભામાં દેશી લાયબ્રેરી–પુસ્તકાલય–સ્થાપવાની યોજના થઈ હતી. એ સંસ્થા વિષે તેઓ સાહેબ કહે છે કે, “ગુજરાતી પુસ્તકોની સંખ્યા બેશક ઘણી થોડી છે અને એ સઘળાંની શૈલી ઘણી જ ખરાબ છે. ગુજરાતી વાંચનારા વિક્રમની વાતો અને ચાર દરવેશની વાતો એ પુસ્તકો વધારે વાંચે છે. રફતે રફતે સારાં પુસ્તકો મળી શકશે અને વાંચનારનો શોખ પણ ધીરે ધીરે સુધારશે એવી આશા રાખવામાં આવે છે.”

દેશીઓને પોતાના સાહિત્યમાં અભ્યાસ વધે અને તેઓને એતદ્દેશીય ભાષામાં લખતાં આવડે માટે એક પરીક્ષા ઠેરવવામાં આવી હતી. ઈંગ્રેજી અને ગુજરાતી નિશાળના નિશાળીઆ આ પરીક્ષા આપવા બેશી શકતા. તેમને કમિટિએ પ્રથમથી નિર્માણ કરેલા કોઈ ગુજરાતી પુસ્તકનો અભ્યાસ કરીને તેની પરીક્ષા આપવી પડતી. તેમજ આપેલા વિષય ઉપર ગુજરાતીમાં નિબંધ લખવાનો હતો. ઉમેદવારોને ખાસ સૂચના આપવામાં આવતી કે તેમણે પોતાના નિબંધમાં પરભાષાના શબ્દો, જોડણી અને પરભાષાના રૂઢ અર્થવાચક શબ્દો વાપરવા નહિ. પોતાના તેજ સાલના રિપોર્ટમાં ફોર્બ્સ સાહેબ કહે છે કે 'આપણે એક બીજી બાબતમાં મહેનત કરીએ છઈએ અને એને હું ઘણી જ મહત્વની સમજું છઉં. જે માણસ આપણી લાયબ્રેરી સંભાળે છે તે જૂનાં પુસ્તકોની નક્કલ ઉતારવાનું કામ પણ કરે છે. ખરેખરી ગુજરાતી ભાષા એ જૂનાં પુસ્તકમાં જ રહેલી છે, અને હું આશા રાખું છઉં કે આગળ જતાં જ્યારે આપણે ગુજરાતી ભાષાનો કોષ તૈયાર કરાવરાવીશું ત્યારે એ પુસ્તકો ઘણાં જ કિંમતી થઈ પડશે. સામળ ભટ, વડોદરાના પ્રેમાનંદ ભટ, અમદાવાદના વલ્લભ ભટ, જૂનાગઢના નરસૈ મહેતાનાં બનાવેલાં પુસ્તકો, તેમ જ મહાભારતનાં ભાષાન્તરો, બીજા જૂના પુસ્તકો, રાસાઓ અને વાર્તાઓ જે માત્ર લખેલાં પુસ્તક રૂપેજ મળી આવે છે તેને માટે જ મારું કહેવું છે. આ સઘળા ગ્રંથોની પૂરેપૂરી નક્કલો આપણી લાયબ્રેરીમાં હોય એ જોવાની મને ઘણી આશા છે. મૂળ પુસ્તક જેવી રીતે લખાએલું હોય તેવીજ તેની નક્કલ કરવી જોઈએ. માત્ર તેમાં એક બાજુએ સુધારા વધારા સારૂ માટે હાંસીઓ રાખવો જોઈએ. છેવટે તેઓ સાહેબ આપણી સંસ્થાને કીયા ધોરણ પર ચલાવવી એ વિશે તેમના પોતાના તેમજ કેટલાક મિત્રોના વિચાર દર્શાવે છે. એ મિત્રામાંનો એક તો આપણી પડોસમાં આવેલા સિંધ પ્રાન્તમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી ગુજરાતમાં કરે છે તેવાજ ઉમંગ અને દીર્ઘ દૃષ્ટિથી તે કાળે તેવું જ કામ કરી રહ્યો હતો.

ભાષાન્તર કરવાનો વા ચાલ્યો હતો એ અમે આગળ કહી ગયા છઈએ સ્વ. ફોર્બ્સ કહે છે કે 'સોસાઈટીનું કામ માત્ર ભાષાન્તરો કરાવવાં એ છે એવી સમજણ કેટલાક વખત ઉપર ઉત્પન્ન થઈ છે એ યથાર્થ નથી. ગુજરાતી સાહિત્યની ખીલવણી એ જ સોસાઈટીનો ઉદ્દેશ આપણે ઠરાવ્યો છે. આ પ્રાન્તના દેશીઓને જાતે કામ કરવામાં પ્રવર્ત્ત કરવા, તેઓ કીયાં કામ બહુ સારી રીતે કરી શકશે તે બતાવવું અને તેમને કામ કરવાનાં સાધનો પૂરાં પાડવાં એ આપણે કરવાનું છે. આ સમયે તો ભાષાન્તર કરાવવા એજ આપણો ઉદ્દેશ ન હોવો જોઈએ, એટલું જ નહિ પણ ભાષાન્તર કરાવવાં તે આપણો મુખ્ય ઉદ્દેશ પણ ન હોવો જોઈએ. જૂનાં અને લોકોના સ્મરણમાંથી જતાં રહેલાં પુસ્તકો જેને માટે આપણે પ્રથમ કહી ગયા તેને ન લેખીએ તો હાલની ગુજરાતી એ શિષ્ટ ભાષા નથી એમ કહીએ તો તે ખોટું ન કહેવાય. ગુજરાતીમાં સઘળી તરેહના વિચાર દર્શાવવામાં સાધન ન સતાં તે માત્ર બજારૂ ભાષા છે. માટે હાલમાં તો જે જે લખાય તે થોડા કાળ ટકે એવું જ બનશે, એમ હોવાથી મોટાં અને કિંમતી ભાષાન્તરોમાં ખરચેલા પૈસા આપણે એવા કામમાં ખરચ્યા લેખાશે કે જે અગાડી જતાં આપણને ફરી અને વધારે સારું કરાવવું પડશે. તેમજ આવાં ભાષાન્તરોથી આપણને હાલ તાત્કાલિક લાભ પણ બહુ મળે એમ મારું ધારવું નથી. હું ધારું છઉં કે સાંપ્રત કાળમાં આપણાં ભાષાન્તરો વાંચનાર પણ મળવા દુર્લભ છે. મારા કહેવાનો અર્થ એવો કરવાનો નથી કે આપણે ભાષાન્તરોની કદર પીછાણતા નથી. યોગ્ય કાળે એવાં પુસ્તકો હયાતીમાં આવે એવી આપણને કાળજી છે. જો કોઈ ખેડુત અગર ખાણ ખોદનાર વાવતાં પહેલાં અગર ખોદતાં પહેલાં તે કામમાં પોતાના પૈસા રોકવા અને મહેનત કરવી તે લાભકારક છે કે નહિ તેનો નિર્ણય કરવા સારૂ ખંત અને સાવધાનીથી ખેતર અગર ખાણની બરાબર તપાસ કરે અને તે જગાની બધી હકીકતથી માહિત થવાનો પ્રયત્ન કરે તેને એમ કહીએ કે તે ધાન વાવવાની અગર કિંમતી ધાતુઓની કદર જાણતો નથી તો તે વાજબી નથી. તેજ પ્રમાણે જ્યાં સુધી આપણી ખાત્રી થાય કે આવાં ભાષાન્તર સારૂ આપણી ભાષા યોગ્ય થઈ છે, ભાષાન્તર કરનારા યોગ્ય માણસો આપણામાં છે અને છેલ્લે વાંચનારી આલમ પણ તૈયાર છે ત્યાં સુધી આવાં મોટાં અને કિંમતી ભાષાન્તરોની વાત પડતી મુકીને નાનાં લખાણો કરાવવા ઉપરજ લક્ષ રાખવું ઘટે છે. હું માનું છું કે હાલ તો આપણામાં આમાંનું કશું એ નથી. જો આપણે દૃઢતાથી કામ કર્યે જઈશું તો મને બીલકુલ શક નથી કે આપણને આગળ ઉપર આ બધું પ્રાપ્ત થશેજ, પરંતુ હાલ તરત તો દેખીતો વધારો બતાવવાના હેતુથી ભવિષ્યમાં થનારા સંગીન લાભનો આપણે ભોગ આપવો ન જોઈએ.' ફોર્બ્સ સાહેબના એક મિત્રે સોસાઈટી સંબંધી લખ્યું હતું કે સોસાઈટી આવું સારૂં કામ કરે છે તે જાણીને પોતે ખુશી થયા છે. અને 'સોસાઇટી અગાડી જતાં ઘણોજ ફાયદો કરશે તે નિર્વિવાદિત છે. પણ તેનાં ફળ આવતાં ઘણાં વર્ષ લાગશે. અઠવાડીએ અઠવાડીએ પત્ર કાઢવાનો વિચાર ઘણો સારો છે. પોતાની આજુબાજુ દુનિયામાં શું શું થાય છે તે જે લોકો જાણે અને પોતે જ્યાં જન્મ્યા ને ઉછર્યા છે તે સ્થળની બહાર શું છે તે જોવાની ટેવ માત્ર પડે તે ઘણો લાભ થયો ગણાય. બીજા જ્ઞાનની જીજ્ઞાસા સાનુકુળ સમયે ઉત્પન્ન થશે. ગુજરાતી પ્રજાના જુના અને કવિતાના ગ્રંથો એકઠા કરવા અને તેમનું સંશોધન કરવું એવો તમારો ઠરાવ મને બહુ ગમે છે. બેશક એ પુસ્તકોની શૈલી અને વખતે શબ્દો ધરાધરી હાલ વપરાતી શૈલી અને શબ્દો કરતાં જૂદાં હશે અને જેમણે ખાસ અભ્યાસ નહિ કર્યો હોય એવા દેશીને તો સમજાશેએ નહિ, તથાપિ આવાં પુસ્તકોનો નાશ થવો યોગ્ય નથી. પ્રાચીનપણાને લીધે જ હું આવાં પુસ્તકોને કિંમતી ગણું છઉં એમ નહિ પણ હાલના લખનારાઓ અર્વાચીન શેળભેળ શૈલીમાં પોતાના ગ્રંથો લખે તેના કરતાં, પોતાના દેશની જૂની શિષ્ટ શૈલી અને ભાષામાં લખે એ મને વધારે સારૂં લાગે છે.

ભાષાન્તર કરાવવામાં હાલ લોકોને ખરેખાત રૂચિકર થઈ પડે એવો ગ્રંથ મળવાની મહા મુશ્કેલી છે અને મૂળ ગ્રંથ ડહાપણ અને જ્ઞાનના ભંડાર જેવો હોવા છતાં પણ હાલના લોકોને રૂચિકર થઈ પડે એવો ન હોય તો તેનું ભાષાન્તર નકામું જ છે. હાલના દેશી જનમંડળની સમજશક્તિ, લાગણીઓ અને તેમની રૂચિ જાણવાની પહેલી જરૂર છે. ત્યારપછી તેમને યોગ્ય સાહિત્ય પૂરૂં પાડવું જોઈએ. ઘણી વાર જનમંડળને ગમશે અગર નહિ ગમે તેનો ખ્યાલ કર્યા વગર જે આપણને સારૂં લાગતું હોય અથવા આપણે જેને સારું માનતા હોઈએ તે આપણે તેમને આરંભમાંજ આપીએ છીએ. પરંતુ દવા ભલેને રામબાણ જેવી હોય છતાં દરદી તે ખાય નહિ તેને મન નકામીજ છે.'

બીજે ફોર્બ્સ સાહેબનો મિત્ર કહે છે કે, 'આપણી જાત, આપણું બુદ્ધિબળ અને આપણને મળેલાં સાધનો કેટલે અંશે પણ હિંદુસ્થાનનું ભલું કરવામાં અને તેથી કરીને આપણા પ્રભુ ઈસુખ્રિસ્તનો મહિમા વધારવામાં વાપરવાની આપણી ધાર્મિક ફરજ છે. કેટલે દરજ્જે તેમ કરવું એ દરેક વ્યક્તિએ પોતાના સંબંધમાં નક્કી કરવું જોઈએ.’

‘આપણે જેઓ હાલ અમદાવાદમાં છઇએ તેમની માન્યતા છે કે જ્યારે આપણે બધાએ મળીને કોઈ સાંસારિક બાબતમાં કશો સુધારો આદરીએ છઈએ ત્યારે આપણે આપણી એ પવિત્ર ધાર્મિક ફરજ અદા કરીએ છઈએ. તે જ પ્રમાણે આ પ્રાંતની ભાષાને તેની હાલની અધમ અવસ્થામાંથી ઉન્નત કરવાનો પ્રયત્ન આદરીએ, અને એ ભાષા જેમની જન્મભાષા છે તેઓમાંના જેઓ પ્રાસાદિક કલ્પનાશક્તિવાળા હોય તેમને તે અજમાવવાને ઉત્તેજન આપી જુદી જુદી રીતે કામે લગાડીને તેને સુધારી નિયમિત કરી, તેવાઓને માંહોમાંહી અને હવે પછીની પ્રજાને સત્ય અને સુંદર હોય તે કહેવાને સમર્થ કરીએ છઈએ ત્યારે પણ જે લોકોમાં આપણે થોડા કાળ વસ્યા છઈએ તે લોકોનું હિત કરવાની આપણી એવીજ ધાર્મિક ફરજ બજાવીએ છઈએ.’

શુદ્ધ અંત:કરણપૂર્વક, કેવળ ધર્મ અને ફરજ સમજીને ગુજરાત, ગુજરાતી અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાને આ વિદેશી જનોએ કરેલો ભગીરથ પ્રયત્ન સદા સર્વદા આનંદદાયક છે.

સ્વ. ફોર્બ્સે વિ. સં. ૧૯૦૮ (સન ૧૮૫ર)ની દીવાળીમાં ઈડર મુકામે કવિયોનો મેળો કર્યો હતો. આખી ગુજરાત અને કાઠીઆવાડ વગેરેના કવિ, વિદ્વાન્ વગેરેને ત્યાં બોલાવી તેમની જોડે વાતચીત કરી કાવ્યાનંદ માણી તેમને પોતાની યથાશક્તિ સારાં ઈનામ અકરામ આપ્યાં હતાં. આ બનાવની યાદગીરી જાળવવા ક. દલપતરામે 'ફાર્બસ વિલાસ' નામે કાવ્ય લખ્યું છે. ને એમનાં કાવ્યોમાં સુંદર અને માત્ર 'ફાર્બસ વિરહ' અને 'વેનચરિત્ર' થીજ ઉતરતું છે. ખસુસ કરીને જૂની ઢપનું કાવ્યચાતુર્ય અને ચમત્કૃતિ આ કાવ્યમાં આપણું ધ્યાન ખેંચે છે. એમાં છંદે છંદે, લીંટીએ લીંટીએ, અરે શબ્દે શબ્દે ફોર્બ્સનું ઉદાર ચરિત્ર આપણી નજરે પડે છે. ક. દલપતરામ કહે છે કે:—

"મળ્યાં હશે બીજાંઓને મોટાં મોટાં માનપત્ર
ચીંથરાં થઇ જશે તે ચુંથાઈ ચુંથાઇને;
બનાવી બનાવીને બેસાર્યાં હશે બાવલાં તે
પાવલાંની કિંમતે કદી જશે વેચાઇને;
મસીદો મિનારા કે કરાવેલા કિરતીસ્થંભ
ઘણે દા’ડે તે તો જશે સમૂળા ઘસાઇને;
કવિતાથી ઠામ ઠામ કહે દલપતરામ
ફારબસ તણા ગુણ રહેશે ફેલાઇને. ૩૪"
ક૦ દ૦ ડા૦

ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સિવાય અમદાવાદમાં નિશાળ, કન્યાશાળા, સાપ્તાહિક પત્ર અને છેવટે છાપખાનું ધરાધરી સ્વ. ફાર્બ્સે કાઢ્યું હતું

સુરતમાં તેમની બદલી થવાથી ત્યાં પણ એ પરોપકારી ગૃહસ્થે 'સુરત અઠાવીસી સોસાઈટી' ઉભી કરી પોતે તેના મંત્રી થયા હતાં. આ સભાને અંગે વિચાર અને સ્વતંત્રતાનું વાહન એક 'સુરત સમાચાર' નામનું વર્ત્તમાન પત્ર કાઢ્યું હતું. હિતેચ્છુ માબાપો જેમ પોતાનાં છોકરાંને ઢીંગલાં પુતળાં આપી રમત સાથે સંસારની રીતભાતમાં પલોટાવા શિખવે છે તેમ ફોર્બ્સે અમદાવાદ અને સુરતમાં કર્યું.

ફોર્બ્સ કોઇ પુસ્તકનું નામ સાંભળે અને તે ઉપયોગી છે એવું તેમને લાગે, એટલે તેના સંગ્રહ સારૂ અનેક યુક્તિઓ અને પ્રયત્ન કરતા, વગ લગાડતા, ધન આપતા, અને પોતે જાતે સામાને ઘેર જઇને યાચના કરતા; પણ ધારેલું પુસ્તક મેળવતા. પૃથ્વિરાજ રાસાનું પુસ્તક મેળવ્યું ત્યારે તેના ટપાલ ખર્ચના રૂ. ૧૫૦ થયા હતા. એમણે પાટણ, ખંભાત, વડોદરા વગેરે જગાના જૈનભંડારો જોઈને ઐતિહાસિક પુસ્તકોનો પોતે સારો સંગ્રહ કર્યો હતો. સિદ્ધપુર, અણહિલપુર, પાલીટાણા, આબુ આદિ જગાએ જઈને ત્યાંના ભવ્ય ખંડેરો, કીર્ત્તિસ્થંભો, દેવાલયો, જળાશયો આદિ નિરખી જોયાં હતાં. પોતે ચિત્રકળામાં નિપુણ હતા. પોતાને હાથે કેટલાંક ચમત્કારિક સ્થાનોનાં ચિત્ર આલેખી પોતાની રાસમાળામાં મૂકેલાં છે.

એવાં રમણીય સ્થાનો જોવા જતા ત્યાં કોઈનું મન દુભવતા નહિ. ત્યાં પોતાનાં બૂટ કહાડી જ્યાં સુધી જવાનો બાધ નહોય ત્યાં સુધી જ જતા અને તે પણ સામાની આજ્ઞા લઈને. એવી જગાએ ખુરશીપર ન બેસતાં ચાકળાપર લાંબા પગ કરીને બેસતા.

એ. કે. ફોર્બ્સ છેવટે સદર અદાલતના જજ્જ નિમાયા હતા. અપરોક્ષ અને પરોક્ષ બન્ને રીતે એમણે ગુજરાતના લોક અને તેમના સાહિત્યની સેવા, ઉન્નતિ કરી છે. જડતામાં પડી રહેલી પ્રજાને, તેના સાહિત્યને અને સુધારાને પ્રથમ ગતિ આપી છે.

બળવાના વખતમાં ઘણા ધૈર્યવાન અને સમજુ લોકોનાં મગજ પણ ઠેકાણે રહ્યાં નહોતાં. તેવા વખતમાં તેમણે પોતે આ દેશની કેવી સેવા બજાવી હતી તે તેમજ તેઓ પોતે અને સ્વ. રોબર્ટ નાઈટ— જેને માટે આપણો સુરતી કવિ ગાઇ ગયો છે કે

'જન જશ ગાઓજી નાઇટે ખૂબ કરીજી.'

એ બન્ને કેવા નિડરતાથી અડગ રહ્યા હતા તે કહેવાનો આ પ્રસંગ નથી. કવિ દલપતરામ જેવા તોળી તોળીને બોલનારના મુખાર્વિંદમાંથી નીકળેલી ઉક્તિ શબ્દશઃ ખરી છે. તેઓ કહે છે કે:—

'કૈક કલેકટર જજ્જ ગયા ને નવા વળિ આવિ જુના વિસરાવે,
શી ગણતી રશિડેંટ તણી ગત કૈક ગવરનર કોણ ગણાવે;
લંદનમાં નવ લાખ ભર્યા અહિં આવિ જહાંગિરિ જોર જણાવે,
દેશ હિતેચ્છુ કહે દલપત સુબો ફરિ ફાર્બસ તો નહિ આવે. ૩૩'
ક. દ. ડા.

ગુજરાતી સાહિત્યને અંગે બોલતાં અમે આ યશસ્વી પુરૂષને આટલીજ માત્ર અંજળી આપી શકીએ છઇએ. એ મહાપુરૂષનું જીવન જાણવાને પાછલાં બુદ્ધિપ્રકાશ અને ફાર્બસ જીવનચરિત્ર વાંચવાથી સાનંદાશ્ચર્ય ઉત્પન્ન થશે. ગમે તેમ પણ જ્યાં સુધી ગુજરાતી ભાષા છે ત્યાં સુધી સ્વ. અલેક્ષાંડર કિન્લોક ફોર્બ્સનું પવિત્ર નામ આપણા લોકોમાં નિશ્ચળ રહેશે.

  1. *પ્રથમ સ્થાપના થઈતે વખત સોસાઈટીનું કારભાર મંડળ નીચે મુજબ હતું:–

    પેટ્રન

    લોર્ડ ફોકલંડ
     

    કમિટિ.

    એ. જી. ફોસેટ ઈસ્કવાયર
    કેપ્ટન જી. ફુલ્જેમ્સ.
    ,, આર. વોલેસ.
    ડબલ્યુ. એફ. કોર્મેક

    રેવરંડ. જી. ડબલ્યુ. પિરિ.
    એ. કે. ફોર્બ્સ ઇસ્કવાયર.

    ઓ. સેક્રટરી.

    એ. કે. ફોર્બ્સ.