સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/પ્રથમ ખંડ/પ્રકરણ ૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૩. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૪.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૫. →


પ્રકરણ ૪.


તે સમયના અમદાવાદના પ્રથમ કામ કરનારા ગૃહસ્થો.

અલેક્ષાંડર કિન્લોક ફોર્બ્સ જેવા પુરૂષની જોડે ગુજરાતી સાહિત્યનો ઉદ્‌ભવ અને ઉન્નતિ કરવામાં સામીલ રહેનારા કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇ સી. આઈ. ઇ.નું જીવન કોઈ પણ રીતે ઓછી પ્રશંસાને પાત્ર નથી. તેઓનો ફોર્બ્સ સાહેબની સાથે યોગ શી રીતે થયો તે અમે સહજ કહી ગયા છઇએ. પોતાથી બની શકે એટલો મહાભારત શ્રમ કરવામાં એમણે પણ કચાશ રાખી નથી.

ગયા પ્રકરણમાં તે કાળે કેવા સાહિત્યની જરૂર હતી તે સ્વ. ફોર્બ્સનાજ બોલમાં અમે કહી ગયા. લોકોમાં ઘણા કુચાલો જડ ઘાલીને રહ્યા છે હતા. ઠેકાણે ઠેકાણે કુધારો વ્યાપી રહ્યો હતો. આવા કુચાલો–રિવાજોને નાબુદ કરવાનો યત્ન તે સુધારો એમ દલપતરામનું માનવું હતું. લોકોમાં સદ્ધર્મ, સુનીતિ, સારા રિવાજ વગેરે વધે એજ એમની લાલસા હતી. નવા રિવાજોપર એમને આંધળો મોહ નહોતો. જૂના ચાલ ઉપર માત્ર જૂનાપણાના કારણથી જ જેમ તિરસ્કાર તેમ મોહ પણ નહોતો. જન સમાજની દરેક બાબતને અમુક લાગણીથી દૂષિત દૃષ્ટિએ નહિ પણ નિષ્પક્ષપાત નજરે જોતાં જે લાગતું તેજ કુધારો. પોતે 'યાહોમ' કરવાના મતના નહિ પણ 'સજન સંભળાવજો રે ધીરે ધીરે સુધારાનો સાર' એ નીતિના હતા. છતાં તેમને કુધારો લાગેલી એવી ઘણી બાબતો હતી. તેમના પોતાના જ બોલમાં કહીએ તો:—

'ગામમાં કુધારો કૈક નામમાં સુધારો કૈક
કામમાં કુધારો કોટિ કષ્ટ કરનારો છે;
ન્હાવામાં કુધારો ખાવું ખાવામાં કુધારો, ગીત
ગાવામાં કુધારો છે તે કહો કશો સારો છે:
વીવામાં કુધારો પાણી પીવામાં કુધારો દીસે
દીવામાં કુધારો નકી જાણો જે નઠારો છે;
કહે દલપતરામ ઠરી રહ્યો ઠામ ઠામ
ક્યાંથી ક્યાંથી કાઢીએ જ્યાં ધારું ત્યાં કુધારો છે.  ૪૯
ભણી ભણી ભેદ પામી નાસ્તિક ધરાવે નામ
કહો પછી ત્યાં કશો કુધારાને ઉધારો છે;
મળે જો બીજાને માન ઉપજે અરીશ્યા એવો
લાયકીવાળા છે લોક ત્યાંય લાગુ ધારો છે;
કેળવણી નહીં હોય હોય ત્યાં કુધારો પણ
કેળવણીવાળા વીશે શુદ્ધ ક્યાં સુધારો છે;
કહે દલપતરામ કરી રહ્યો ઠામ ઠામ
ક્યાંથી ક્યાંથી કાઢીએ જ્યાં ધારું ત્યાં કુધારો છે.  ૫૦
ક. દ. ડા.

આવા કુધારાને નાબુદ કરવાનું મહાન કાર્ય એમણે અને તે વખતના લખનારાઓએ આરંભ્યું હતું. દલપતરામને ઇંગ્રેજી ભાષાનો બિલકુલ સંસ્કાર નહોતો. છતાં ચાલતા રિવાજોમાં જે જે એમને હાનિકારક લાગ્યા તેને ઉખેડી નાંખવાને એમની કલમે ઘણું કર્યું છે. 'બાળવિવાહ નિબંધ,' 'દૈવજ્ઞ દર્પણ,' 'તાર્કિક બોધ,' 'ભૂતનિબંધ,' 'બાળોઢ્યાભ્યાસ,' અને 'જ્ઞાતિ નિબંધ' વગેરે પુસ્તક લખીને જૂના ચાલની ઝાટકણી કાઢી છે. બેશક એમની કહેવાની બાની જૂદી તરેહની હતી. અર્થાનર્થ સમજાવવા, લાભાલાભ બતાવવા, અને વખતે બેઠી ઠાવકી મશ્કરી કરવી એ એમની ટેવ હતી. 'વિદ્યાબોધ,' 'રાજવિદ્યાભ્યાસ,' ' હુન્નરખાનની ચડાઈ.' 'સંપ લક્ષ્મી સંવાદ' અને 'જાદવાસ્થળી' વગેરે નાનાં નાનાં કાવ્યો તેવખતની સ્થિતિને અનુસરીને લખાયાં હતાં. વિધવા વિવાહના તકરારી વિષય માટે પણ ‘વેનચરિત્ર’ નામનું કાવ્ય લખીને સંમતિ દર્શાવી છે. છોકરીઓની નિશાળમાં શિખવવા સારૂ એમણે ‘ગરબાવળી’ તૈયાર કરી હતી તે છેક સ્વ. નવલરામજીની ગરબાવળી લખાઈ ત્યાં સુધી દરેક નિશાળમાં શિખવવામાં આવતી. એરિસ્ટોફેનીસના પ્લોટ્સનું અનુસરણ કરીને ગુજરાતીમાં પહેલવહેલું–કવિ પ્રેમાનંદના પછીથી પ્રગટ થએલાં નાટકોને ન ગણતાં–‘લક્ષ્મી નાટક’ નામે નાટક એમણે અને ફોર્બ્સ્ સાહેબે લખ્યું હતું. એ હાસ્યરસ ભરેલું નાટક છે. ફોર્બ્સ્ સાહેબને ઘરગતુ શબ્દજ્ઞાન થવા સારૂ અને દેશી સ્ત્રીઓ માંહેમાહ કેવી વાતચીત કરે છે તે બતાવવા સારૂ લખેલું ‘ સ્ત્રી સંભાષણ ’ મઝેહનું નાનકડું પુસ્તક છે. કોઇને લાગે કે વખતે સ્ત્રીઓ વાતો કરતી હોય તે વેળા ખાસ સંતાઈ રહીને તે લખી લીધું છે કે શું ? એ નાના પુસ્તકની ઘણીએ આવૃત્તિયો થઈ છે અને લોકપ્રિય છે.

કવીશ્વરે જૂની ગુજરાતી કવિતા એકઠી કરવાનું કામ પહેલ વહેલું જ ઉપાડ્યું હતું. એમને મળી આવેલી જૂની કવિતાઓ ઘસાઈ ઓપાઇને પ્રગટ થઇ છે એમ કેટલાકનું ધારવું છે. જે કાળે એ કવિતા બનાવાઇ તે કાળની ભાષા નથી એમ અમારૂં માનવું છે; એટલું જ નહિ પણ ઉલટું એ કવિતા ઉપરથી કવીશ્વરે ગુજરાતી ભાષામાં ત્રણસેં ચારસેં વર્ષે પણ કશો ફેર પડ્યો નથી એવો પૂર્વ પક્ષ ઉઠાવવાનો યત્ન કર્યો હતો ! આમ હોવા છતાં પણ એમનાં ‘કાવ્યદોહન’ નાં બે પુસ્તકોની એકથી વધારે આવૃત્તિયો થઈ ને હજારો નકલો ખપી ગઈ એ તેની લોકપ્રિયતા સાબીત કરે છે. એમના હાસ્યરસના નમુના રૂપ અને બેઠી મશ્કરીઓ ભરેલું ‘મિથ્યાભિમાન નાટક’ ગુજરાતી પ્રજાની જાણ બહાર નથી. જાહેર કરેલા ઇનામને સારૂ એ પુસ્તક લખાયું હતું, અને લખાવનારને એ નાટક એવું તો પસંદ પડ્યું કે તેણે છાપેલી ઈનામની રકમ કરતાં બમણી રકમ આપી હતી. પોતાના ઈષ્ટ મિત્ર ફોર્બ્સ્ સાહેબે સને ૧૮૫૨ માં ઇડર મુકામે કવિયોનો મેળો કર્યો હતો તેના સંભારણા માટે લખેલો ‘ફાર્બસ વિલાસ’ જૂના ભાષાના કવિયોની શૈલીનો મનોરંજક ગ્રંથ છે. એ ગ્રંથમાં તેમણે તે વખતના જાણીતા કવિયોનાં નામ દાખલ કરીને તેમને પ્રજાની યાદમાં નોંધી રાખ્યા છે. ફોર્બ્સ સાહેબના મરણથી તેમને કારી ઘા લાગ્યો હતો અને એ પ્રમાણે ઘાયલ થયેલા હૃદયમાંથી ઉભરાયલી તેમની પ્રાસાદિક કવિતા ‘ફાર્બસવિરહ’ છે. ગુજરાતી પ્રજા એ નાનકડા–રસભર્યા–કાવ્યની ખુબી જાણે છેજ. કવીશ્વરે પોતાની વયના પાછલા ભાગમાં પોતાનાં બધાં કાવ્ય એકઠાં કરીને ‘દલપત કાવ્ય’ છપાવ્યું હતું. તે વખત તેમણે ઘણું નવું લખ્યું હતું. કવિ નર્મદ અને એમની વચે સ્પર્ધા ચાલતી એ તો સહુને જાણીતી વાત છે. સામા પક્ષના લોકો ઉપહાસમાં દલપતરામને ‘ ગરબીભટ ’ કહેતા. પરંતુ 'દલપતકાવ્ય' જોતાં એમની સઘળી કવિતામાં ગરબીયોની સંખ્યાનું પ્રમાણ છંદ અને વૃત્તના કરતાં ઓછું છે, એટલું જ નહિ પણ નર્મદની કવિતામાં ગરબીનું પ્રમાણ છે તેનાથી એ ઓછું છે. સામળભટે એક જગાએ પોતાને માટે લખ્યું છે કે, તેમણે ભાષાને ‘પવનને વશ તરણ જ્યમ ત્યમ સામળ કવિયે કરી.’ આ ઉક્તિ સામળ કરતાં પણ દલપતરામને વધારે ઘટે છે એમ અમારૂં ધારવું છે. પોતાની ઉન્નતિ સારૂ જીવન ગાળનાર છે ગણીને ગુજરાતી ભાષા અમને તદ્દન વશવર્તિની જ બની રહી હતી.

આ પ્રમાણે જૂના કુચાલ કાપવામાં, નિંદ્ય રૂઢિયોને નિંદવામાં અને જનમંડળની નીતિ વગેરે સુધારવામાં પોતાની કલમ કસીને એ વૃદ્ધ કવિએ ગુજરાતી સાહિત્યમાં ઘણો વધારો કર્યો છે. એમની કવિતા અને લખાણ કેટલાં બધાં લોકપ્રિય હતાં તે માત્ર એટલાજ ઉપરથી સમજાશે કે એમનાં પુસ્તકોની હજારો નક્કલો વેચાઇ જતી. તેમને માટે તે વખતના ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના ઓનરરી સેક્રેટરી મી. ટી. બી. કર્ટિસ પોતાના સને ૧૮૫૪−૫૫ ના વાર્ષિક રિપોર્ટમાં કહે છે કે, ‘હાલના એસિસ્ટંટ સેક્રેટરી દલપતરામ ડાહ્યાભાઇ ગયા જૂન માસમાં નીમાયા હતા. એમના લખેલા ‘ભૂત નિબંધ’, ‘જ્ઞાતિ વિશે નિબંધ’ અને બીજાં પુસ્તકો ઘણાં જાણીતાં છે. છેલ્લાં પાંચ વર્ષની અંદર તેની ૧૦૦૦૦ દશ હજાર નક્કલો વેચાઇ ગઈ છે. બુદ્ધિપ્રકાશના અધિપતિ તરીકે અને સોસાઈટીના દરેક બાબતના કામદાર મંડળના ઉપરી તરીકે તેમણે ઘણી કિંમતી નોકરી બજાવી છે. પોતે જે કામમાં જોડાયા છે તે ઉપર તેમને તનમનથી પ્રીતિ છે અને મને સંપૂર્ણ ખાત્રી છે કે સોસાઇટીના સ્થાપકોની ધારણા અત્યારસુધી અમલમાં આવી છે તેના કરતાં દલપતરામને લીધે હવે તે વધારે અમલમાં આવશે. હાલની જગાએ આવવામાં એઓએ પોતાની લાભદાયક અને આબરૂ ભરેલી સરકારી નોકરી તજી દીધી છે. જે જે અધિકારીઓના હાથતળે એમણે નોકરી કરી છે તેમનાં સર્ટિફિકેટો એમની ઘણી સ્તુતિ કરે છે. મારી ખાત્રી છે કે આ સ્તુતિ સર્વાંશે યથાર્થ જ છે. ’

તે વખત દફતરદારની નોકરી–આ વખતના કરતાં—ઘણી માનપ્રદ લેખાતી. પોતે એજંસીમાં રહ્યા હોત તો સહજ દફતરદાર થાત. પરંતુ આવો યશસ્વી અને લાભદાયક સરકારી નોકરીને ધંધો મૂકીને, પોતાના ઇષ્ટમીત્ર ફોર્બ્સ સાહેબના આગ્રહથી એમણે સ્વદેશ, સ્વદેશીઓ અને સ્વભાષાની સેવામાં સ્વાર્પણ કર્યું હતું. જો કે સોસાઇટી સને ૧૮૪૮ માં સ્થપાઈ પણ છેક ૧૮૫૪–૫૫ સુધીમાં તેનું જીવન ચિરકાળનું થશે એવી આશા નહોતી. ફોર્બ્સ જેવા તો નહિ પણ ઘણા ખંતી સેક્રેટરી મી. કર્ટિસે સોસાઈટીને દૃઢ કરવા સારૂ દલપતરામની જરૂર જોઈ; અને ગમે તેમ પણ તેઓ સોસાઈટીની નોકરીમાં જોડાઈ તે કામ માથે લે એવી તદબીર કરી. સ્થાયી માનપ્રદ અને લાભ ભરેલી સરકારી નોકરી તજીને અસ્થિર સોસાઈટીની નોકરી ગ્રહણ કરવામાં દલપતરામ જેવા ઠરેલ માણસ ખંચાઇ જરા વિચાર કરે એ સ્વાભાવિક છે. છેવટે ફાર્બ્સ સાહેબના આગ્રહ આગળ બીજા બધા સંકલ્પ વિકલ્પ ગૌણ થયા અને કવીશ્વર સોસાઈટીની નોકરીમાં જોડાયા.

અમને સાંભરે છે કે અમે એક વખત કવીશ્વરને પુછ્યું હતું કે સાહેબ આપ કોઈ દેશી રજવાડાના દરબારમાં કેમ નથી જતા ? તેના જવાબમાં એમણે એક રમુજ ભરેલી વાત કહી હતી. એક કવિ પૈસે ટકે સુખી અને માન આબરૂવાળો હતો. ઘેર હાથીની સાહેબી હતી. એના મનમાં રાજદરબારમાં જવાની ઈચ્છા થઈ. પોતે દરબારમાં ગયો અને પોતાની કવિત્વશક્તિથી રાજાને ઘણો ખુશ કર્યો. કવિને શું ઇનામ આપવું એનો રાજાજીના મનમાં મોટે વિચાર થઇ પડ્યો. કવિ આબરૂદાર, મરતબાવાળો, અને પૈસેટકે ભરપૂર હતો. હાથીએ બેશીને તો ગયો હતો. છેવટે વિચાર કરતાં રાજાજીને સુજી આવ્યું કે કવિને બધુંએ છે પણ કાંઈ સોનાનું નાક છે ? માટે એમનું નાક સોનાનું ઘડાવી આપીએ ધારી નમુનાને માટે ચામડાનું ક્ષુદ્ર નાક કાપી લેવાનો હૂકમ કર્યો ! માટે હું રાજદરબારીમાં રહેવાનો ને યાચવાનો લોભ રાખતો નથી. આમ છતાં પણ સોસાઇટીને સારૂ હું રાજદરબાર અને ગૃહસ્થોને ત્યાં ભિખ્યો છું. એમનું કહેવું ખરું છે. સોસાઇટીમાં જોડાયા પછી વડોદરાના ખંડેરાવ ગાયકવાડ, ભાવનગરના વિજયસિંહજી, અમદાવાદના નગરશેઠ, શેઠ પ્રેમચંદ રાયચંદ અને બીજા પારસી શેઠીઆઓને રીજવી રીજવીને સોસાઇટી સારૂ ભંડોળ ઉપ્તન્ન કરી આપ્યું હતું. આખી જીંદગી સાહિત્યસેવા કરીને મોટી વયે વાનપ્રસ્થ થયા ત્યારે તે વખતની કમિટિએ એમને જીંદગી પર્યત રૂ. ૨૦ ) નું અને એમની બન્ને સ્ત્રીઓને રૂપીઆ ચચ્ચારનું માસિક પેન્શન બાંધી આપ્યું હતું ! ! કેટલાક કાળ ઉપર સ્વ. દલપતરામજીની છબી મુકવાની અમારી દરખાસ્ત વખતે જનરલ મિટિંગમાં એક કદરદાન સભાસદે, દલપતરામે તો પગાર લઇને કામ કર્યું છે, એવો અભિપ્રાય આપ્યો હતો ! ! કદરદાની તે આનું નામ !

આ પ્રમાણે આબરૂ, માન, મરતબો અને પૈસાનો ભોગ આપીને સાહિત્યને પોતાની જીંદગી અર્પણ કરનાર મહાન્ નરની કદર નામદાર ઇંગ્રેજ સરકારે ‘સી. આઈ. ઈ’ નો માનવંતો કિતાબ આપીને કરી હતી, જો કે સ્વાર્પણ કરતી વખતે એ ઈલ્કાબ મને મળે અગર મળશે એવું એમને સ્વપ્નુંએ નહોતું.

સ્વ. ભોગીલાલ પ્રાણવલ્લભ, જેઓ ભોગીલાલ માસ્તરના નામથી મશહૂર છે એઓ પણ આ પ્રયાસમાં ભાગ લેનારા એક મહાન્ નર હતા, મરણ પર્યન્ત કેળવણી ખાતામાં રહી અમદાવાદ, કાઠીઆવાડ અને વડોદરામાં કેળવણી અને તે અંગે સાહિત્ય વધારવા એમણે પુષ્કળ કર્યું છે.

સ્વ. મગનલાલ વખતચંદ પણ શરૂવાતના સમયમાં સાહિત્યને માટે કામ કરનારામાંના એક હતા. તેમણે ‘અમદાવાદનો ઇતિહાસ,’ ‘ગુજરાતનો ઇતિહાસ,’ ‘હોળી વિશે નિબંધ,’ ‘શીળી વિશે નિબંધ,’ ‘કપાસના ઝાડની હકીકત' અને 'કથનાવળિ' નામનાં પુસ્તકો રચ્યાં હતાં. જનરલ ગોડર્ડે અમદાવાદ લીધું તેના વર્ણનનો 'રાસડો' એમણે જોડ્યો છે. એમાં અમદાવાદ શી રીતે પડ્યું, કયાં ક્યાં ઝપાઝપી થઈ, અને નગરશેઠ વખતચંદ વગેરેએ શહેરને લૂટાઇને પાયમાલ થતાં શી રીતે બચાવ્યું વગેરે વર્ણવ્યું છે.

સ્વ. ખુશાલરાય સારાભાઇએ તેવામાં ‘ડાકણ વિષે નિબંધ’ અને બીજાં વ્હેમવિદારણા સારૂ પુસ્તકો લખ્યાં છે.

સ્વ. સાંકળેશ્વર જોષી, ગુજરાતમાં યાંત્રિકળામાં ઘણા નિપુણ ગૃહસ્થ હતા. તેમણે 'કીમીઆગર ચરિત્ર', 'સોની વિષે નિબંધ,' અને ‘બાળવિવાહ નિષેધક’ નામનાં પુસ્તકો તે કાળમાં લખ્યાં હતાં. વિપળ, પળ, સેંકંડ, મિનિટ, કલાક, ઘડી, તિથિ, વાર, પક્ષ, માસ, વર્ષ વગેરે ઘણી ઘણી બાબતો બતાવતું ઘડીઆળ એમણે બનાવ્યું હતું. ધ્રાંગ્ધરામાં મિનારાપર મુકેલું ઘડીઆળ પણ એમણેજ કરેલું છે.

મહુર્મ ખા. બા. એદલજી ડોસાભાઇ અમદાવાદના વતની, એમણે પણ તે શરૂવાતના વખતમાં ઇતિહાસનું પુસ્તક લખીને સાહિત્યસેવા બજાવી હતી. સ્વ. ફોર્બ્સે પોતાના રિપોર્ટમાં એમના પુસ્તકનાં વખાણ કર્યાં છે.

અગાઉ જતાં સોસાઇટીના સંબંધમાં આવેલા અને સાહિત્યસેવા કરનાર વયોવૃદ્ધ અને ભૂજના માજી દીવાન રણછોડભાઇ ઉદયરામનું નામ પણ આ કોટિમાં ગણવા યોગ્ય છે. એ ગૃહસ્થ નાનપણથીજ સાહિત્ય તરફ પોતાની અભિરૂચી બતાવી હતી. ‘આરોગ્યના સૂચક’ અને ‘આરોગ્યતા સુખ’ નામનાં નાનાં પુસ્તકો એમણે લખ્યાં હતાં. ‘જયકુમારી વિજય નાટક ’ લખી તે વખતની પ્રજાને આનંદ આપ્યો હતો. થોડા કાળ પછી ‘લલિતા દુઃખદર્શક નાટક’ એમણે લખ્યું હતું. બાળલગ્ન, કજોડાં, તેમજ હિંદુસંસારમાં અસ્તિત્વ ધરાવતા ઘણા કુચાલોને વગોવવામાં, વખોડવામાં એમણે બાકી રાખી નથી. લલિતા દુઃખદર્શક નજરે જોએલા બનાવનુંજ ચિત્ર છે અને જયકુમારી વિજય નાટક પણ નામ ફેરવેલાં ખરાં મનુષ્યોએ સંસારમાં ભજવેલા બનાવનીજ પ્રતિકૃત્તિ છે એમ તે કાળે કહેવાતું. મહા કવિ કાળીદાસની પ્રસાદી ગુજરાતી પ્રજાને પ્રથમ ચખાડવાનું માન એ વિદ્વાનને ઘટે છે. તેમનાં લખેલાં ‘વિક્રમોર્વશી ત્રોટક' અને 'માલવિકાગ્નિમિત્રે' પ્રજાને તે સમયે આનંદ આપ્યો હતો. તે સિવાય 'બાણાસુર મદમર્દન,’ ‘હરિશ્ચન્દ્ર નાટક,’ ‘મદાલસા અને ઋતુધ્વજ’ અને ‘નળદમયંતી નાટક' એટલી એમની કૃતિ છે. નાટકો તરફ વિશેષ વૃત્તિ હોવા છતાં એમની કલમ ઘણા ઘણા વિષયમાં ઘુમી રહી હતી. ફોર્બ્સ સાહેબની 'રાસમાળાનું' ગુજરાતી ભાષાન્તર, 'શેક્સ્પીઅર કથાસમાજ', સંસ્કૃત વ્યાકરણ 'લઘુ કૌમુદી,’ વગેરે ગુજરાતીમાં એમણે ઉમેર્યાં છે. છેલ્લાં વર્ષોમાં એમણે 'રણપિંગળ' નો મહોટો ગ્રંથ લખવાનો આરંભ કર્યો છે. તેનાં ત્રણ પુસ્તકો તો બહાર પડી ચૂક્યાં છે. આ રીતે આ વયોવૃદ્ધ વિદ્ધાને ગુજરાતી સાહિત્યમાં ચોવીશ પચ્ચીશ સારા ગ્રંથોનો વધારો કર્યો છે.

સ્વ. ભોળાનાથ સારાભાઇનું પવિત્ર નામ પ્રથમથી જ ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના ઉદ્યોગમાં સામીલ રહેનારા ગૃહસ્થોમાં માનપ્રદ સ્થાન ભોગવે છે. નાગર અને ગર્ભશ્રીમન્ત કુટુંબમાં જન્મેલા આ સાહિત્યપ્રેમી ગૃહસ્થ પોતાની સંસ્કૃત અને ફારસી વિદ્વત્તાને માટે જાણીતા હતા. એમની ફારસી વિદ્યા એવી હતી કે ઘણા મૂનશીઓ પણ ફારસીના અટપટા સવાલમાં એમનો અભિપ્રાય લેતા. એમનું ફારસી પુસ્તકખાનું જોવા લાયક છે. કવીશ્વર દલપતરામનો ફોર્બ્સ સાથે યોગ એમનાથીજ થયો હતો, એ અમે કહી ગયા છઇએ. શરૂવાતના વખતમાં એમણે 'મિતાક્ષરા' નું ભાષાન્તર કર્યું હતું. આરંભમાંની મૂર્ત્તિપૂજા અને શ્રી અંબાની દૃઢ ભક્તિ, છેવટે અપ્રતિમ ઈશ્વરારાધનામાં વિરામી હતી. ધર્મ સુધારો એમના વાનપ્રસ્થાશ્રમના ઉદ્યોગનો દેશ હતો. અને નિડરતાથી એમણે ધર્મ બગાડાનો ઉચ્છેદ કરી સદ્ધર્મની ધજા ફરકાવવાનો યત્ન આદર્યો હતો. એમનું કવિત્વ, એમની ઈશ્વરભક્તિ, પ્રેમ અને શ્રદ્ધાના સ્મરણસ્થંભ રૂપ એમની 'ઇશ્વર પ્રાર્થના માળા’ જમાનાના જમાના સુધી પ્રજાનું લક્ષ આકર્ષશે.

તે વખતના ખિલતા જુવાનિયાઓમાં રણછોડભાઈ વગેરેના મિત્રમંડળ માંહીના સ્વ. મન:સુખરામ સૂર્યરામનું નામ પણ ગુજરાતી વાંચનારી આલમથી વિસરાય એવું નથી. 'વિપત્તિ વિશે નિબંધ,' 'અસ્તોદય,’ ‘સુજ્ઞ ગોકુળજી ઝાલા અને વેદાન્ત,' 'કરસનદાસ અને તત્સંબંધી વિચાર,' ‘ફાર્બસજીવન ચરિત્ર,’ ‘વિચારસાગરનું ભાષાન્તર,' 'ઉત્તર જયકુમારી,' અને 'મણિ રત્નમાળા' નું ભાષાન્તર વગેરે એમના ગ્રંથો છે. એઓ, રણછોડભાઈ અને છોટાલાલ સેવકરામે મળીને 'શેક્સપીયર કથા સમાજ' નામનું પુસ્તક લખ્યું હતું. મુંબાઈમાં ફોર્બ્સ ગુજરાતી સભા સ્થાપવામાં એમણે પ્રશંસનીય શ્રમ લીધો હતો. ભાષામાં કોઈ પણ બાહ્ય તત્વને રહેવા ન દેવું એ એમનો સિદ્ધાન્ત; અને એ સિદ્ધાન્તને અનુસરવામાં જ તેમને સર્વ સંપત્તિનું નિદાન જણાતું. એમણે ધારેલા ફળ વિશે એમના શબ્દોમાં જ કહીશું. “રત્નાકર સંસ્કૃતસમા એક જ ખાનિમાંથી આવેલા સાર્થક સરલ શબ્દો શુદ્ધ વપરાઈ એકતા વર્ધમાના થશે. એમ થયે વિભક્તિના રૂપના અને ધાતુના પ્રત્યયોમાં જ માત્ર ભેદ રહેશે. ભગિની ભાષાઓ પરસ્પર સમજાય એવી થશે અને તે દેવનાગરી કિંવા બાલબોધ લિપિમાં મુદ્રાંકિત થશે તેથી ભરતખંડની એકજનતા–ઐક્ય–દેશજનતા થવામાં સુગમ થશે. એવા અનેક અલભ્ય લાભો યથેચ્છ ભાષા રચનાથી થવા સંભવ છે.*"[૧] એમના આ ઈષ્ટ ફેરફાર ને માટે પ્રત્યયાન્તર બોલ એમનો યોજેલો છે. આ પ્રમાણે સંસ્કૃતમયી ગુજરાતી લખીને એમણે ભાષામાં આડંબરી શૈલી ઉભી કરી છે. પરાકાષ્ટાએ પહોંચેલી આડંબરી શૈલીનું ઉદાહરણ અમારે અગાડી આપવાનું છે.

બીજા એક એવા તે કાળે સાહિત્યસેવા કરનાર સ્વ.છોટાલાલ સેવકરામ હતા. 'ભૂગોળનું વર્ણન,' 'હિંદુસ્થાનનો ઈતિહાસ,’ ‘મુસલમાની દિવાની કાયદો,’ ‘રોમના રાજ્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' એ એમનાં પુસ્તકો પ્રકટ થયાં હતાં. પાછલા વખતમાં 'વૃંદસતસાઈ' અને 'તુલસી સતસાઈ’નાં વૃજભાષામાંથી ભાષાન્તર અને પોતાની પુત્રીના મરણ કાળે તેનો શોકોદ્‌ગાર એમની સરસ્વતીએ કાઢ્યો હતો. એ ગૃહસ્થે શબ્દોનાં મૂળ કાઢીને 'ગુજરાતી કોષ' લખવાનું સાહસ પણ કર્યું હતું, જેને માટે અમારે આગળ ઉપર લખવું પડવાનું છે. વરસોડાના રહીશ, થોડો કાળ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની નોકરી કરનાર હરજીવન કુબેરે પણ પ્રારંભ કાળમાં સાહિત્યની કેટલીક સેવા ઉઠાવી હતી. પાછલી વયમાં લોકોએ એમને ઋષિરાજનું બિરુદ આપ્યું છે 'ચાવડા ચરિત્ર' નામે જુની ધાટીનું એક સુંદર કાવ્ય એમણે લખ્યું હતું. આ હરજીવનને ભરૂચવાળા પણ મુંબાઈ નિવાસી મી. ગીરધરલાલ દયાળદાસ કોઠારી સાથે કોઈ વિષયની વર્ત્તમાનપત્રદ્વારા ચર્ચા થઈ હતી; અને મી. કોઠારીને એમણે ઠીક ખંખેર્યા હતા. સન ૧૮૭૫ માં અમે 'સ્વદેશ વત્સલ’ નામનું સાપ્તાહિક પત્ર કાઢતા હતા તે વખત એક દિવસ સ્વ. દલપતરામજી અમારા છાપખાનામાં આવ્યા અને એક *[૨]દ્વિઅર્થી દોહરો અમારા પત્રમાં પ્રગટ કરવા આપી ગયા હતા. બુદ્ધિપ્રકાશમાં કેમ છાપતા નથી, એમ પુછતાં એમણે કહ્યું કે મેં દ્વેષથી છાપ્યું કહેવાય માટે તમારા પત્રમાં છાપજો. અમે તે છાપ્યો હતો. નર્મદ અને મી. કોઠારી મિત્ર હતા અને સુધારાવાળા હતા તે જાણીતી વાત છે. હરજીવનની સાથની તકરાર શેની હતી તે હાલ યાદ નથી પણ હરજીવને ઝાટકણી ઠીક કાઢી હતી એ નિર્વિવાદિત છે.

રેવરંડ જોસફ વાન સોમરેન ટેલરનું પૂજ્ય નામ ગુજરાતી સાહિત્યના ઈતિહાસની નોંધ લેતાં જરૂર સ્મરણ કરવા યોગ્ય છે. ગુજરાતી ભાષાનું સારૂં ‘વ્યાકરણ,’ ‘ધાતુ કોષ’ વગેરે લખીને તેમણે સારી સેવા બજાવી છે. ગુજરાતી ભાષા તરફ એમનાં પ્રેમનાં દૃષ્ટાન્ત તરીકે પોતાના વ્યાકરણમાં લખેલી પ્રસ્તાવના અને પ્રસ્તાવના કરતાં પણ સમાપ્તિ લેખનું આરંભનૂં ખંડક વિશેષ ધ્યાન ખેંચનારું છે. વિશ્વાસીધર્મ પુસ્તકો પણ એમણે ગુજરાતીમાં લખ્યાં છે.

શાસ્ત્રી વૃજલાલ કાળીદાસ જેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની સાથે એક કાળે સંબંધમાં હતા તેમની મહેનતની નોંધ અવશ્ય લેવી જ ઘટે છે. ગુજરાતી ભાષાના કોષના સંબંધમાં તેમણે કેટલોક કાળ કામ કર્યું હતું. એટલું જ નહિ, પણ વિદ્વત્તા ભર્યાં પસ્તકો લખ્યાં છે. 'ઉત્સર્ગમાળા' અને 'ગુજરાતી ભાષાનો ઈતિહાસ' એ બન્ને એ જાતનાં ગ્રંથોમાં પહેલા જ છે. શાસ્ત્રીના ભાઈ છોટમલાલ ધર્મ વિષય પર લખનાર કવિ હતા. ભાષામાં એમણે એ વિષયની કવિતાનો ઉમેરો કર્યો છે. બંને વિદ્વાન ભાઈઓ પહેલાં સાઠોદરા નાગરની નાતના મોટા તડના પણ વિવાહ સંબંધે નાના તડના અને મલાતજના રહીશ હતા.


  1. * વાર્તિક; સ. લો.
  2. *અમારા વાંચનારના કુતુહળને સારૂ અમે એ દોહરો આપીએ છઇએ. નૃસિંહાવતાર ધરીને વિષ્ણુએ–ગીરધરે–હિરણ્કશિપુને મારી નાખ્યો. અને ગર્જના કરવા લાગ્યો. તે વખત મહાદેવે–હરે–શલભ જાતના પક્ષિનું રૂપ ધારણ કરીને એની આંખો ફોડી નાંખીને મારી નાંખીને એ અવતારનો અન્ત આણ્યો હતો. દોહરાનો દેખીતો અર્થ ઉપરની મતલબનો છે. બીજો અર્થ ગીરધરલાલ અને હરજીવન પરત્વે છે તે સ્પષ્ટ છે.

    “ ગિરધર કરતો ગર્જના સિંહરૂપે સહુ ઠાર ”
    "મગરૂરી દેખી મળ્યો હર જીવન હરનાર—”


    આવી આવી ક્ષુલ્લક વાતો પણ કવિ અને કવીશ્વરનો સંબંધ સમજાવવાને ઠીક છે.