લખાણ પર જાઓ

સાઠીના સાહિત્યનું દિગ્દર્શન/પ્રથમ ખંડ/પ્રકરણ ૫

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૪. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
પ્રકરણ ૫.
ડાહ્યાભાઈ દેરાસરી
૧૯૧૧
પ્રકરણ ૧ →


પ્રકરણ ૫.

મુંબાઈ–સુરત–કાઠીઆવાડ વગેરેના કામ કરનારા ગૃહસ્થો.

સાહિત્યને વિશે બોલતાં કેળવણી, સુધારો–એટલે જૂના કુચાલોને નાબુદ કરવાને થતું મંથન તેમજ લોકોમાં જ્ઞાન ફેલાવવાને માટે કરવામાં આવેલા પ્રયત્નોને માટે બોલવું જ પડે છે. એ બધા વિષયેનાં વર્ણનો વચ્ચે મર્યાદા નક્કી કરવી બહુ સહેલ નથી. એક વિષય માટે કહેતાં બીજા માટે સહેજ પણ કહેવું પડે છે.

જે કાળની હકીકત અમે કહીએ છઈએ તે કાળનો ઉત્સાહ કાંઇ વિલક્ષણ પ્રકારનો હતો. નવું ચાલવા શિખેલું બાળક જેમ વધારે ચાલવાને ભાંખડીએ પડીને વધારેને વધારે યત્ન કરે તેમ આખી પ્રજા કરી રહી હતી. નવી મળેલી શક્તિ વાપરવાને બધાંના મનમાં ઉત્સાહ રમી રહ્યો હતો. માબાપો જેમ નવા ચાલતાં શીખેલાં બચ્ચાને પોતે સામ સામાં બેશીને કાંઇ લેવા લાયક રમકડું બતાવીને એક બીજાની પાસે મોકલી ચાલવાનો પ્રયત્ન કરાવે તેમ ઠેર ઠેર વધારે ભણેલા−નવું ઇંગ્રેજી ભણેલા–સુધરેલા જૂવાનો કરી રહ્યા હતા. અમદાવાદની પ્રવૃત્તિ સંબંધી અમે કહી ગયા છઇએ. ગુજરાતના સુંદર શહેર સુરતની પ્રવૃત્તિનું સહજ વર્ણન કરીશું. મહેતાજી દુરગારામ મંછારામના જીવનની થોડી હકીકત આપવાથી એ પ્રવૃત્તિનો ઈતિહાસ મળી જશે. એઓ સન ૧૮૩૦ માં સુરતની પહેલા નંબરની નિશાળના મહેતાજી તરીકે આવ્યા હતા. આ વખતે જ એમણે લોકસુધારણાનો પ્રયાસ હિમ્મતભરી રીતે આદર્યો હતો. એમણે માનવ ધર્મ સભા ઉભી કરી હતી અને તેમાં છચોક ધર્મ બગાડાનું ખંડન કરવાનું શરૂ કર્યું હતું. સુરતમાં એમના સાથીઓ તે વખત પાંચ દદ્દાના નામથી જાણીતા હતા. એ બધા ગૃહસ્થોનાં નામ દદ્દાથી શરૂ થતાં. દુર્ગારામ, દાદોબા, દલપતરામ (માસ્તર. સુરતવાળા), દીનમણિશંકર શાસ્ત્રી અને દામોદરદાસ. કોઈ છેલ્લાને બદલે દોલતરામ પણ કહે છે. દામોદરદાસ કોણ હતા તેની ખબર નથી. દાદોબા તે વખત ઇંગ્રેજી નિશાળના માસ્તર હતા. દોલતરામ નાગર બ્રાહ્મણ હતા. આ પાંચ જણાએ જ સુરતમાં પુસ્તક પ્રસારક મંડળી કાઢી, છાપખાનું આણ્યું, અને પુસ્તકો છાપવાનું શરૂ કર્યું. ગુજરાતમાં પહેલ વહેલું છાપખાનું નીકળ્યું તે એજ. મહેતાજીનાં પુસ્તકોની નોંધ યોગ્ય સ્થળે લઇશું.

હવે આ ઈલાકાના મુખ્ય નગર મુંબઈની હકીકત કહેવી ઈષ્ટ છે ઈશ્વરકૃપા હોય તો સત્કાર્યને સર્વદા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. મુંબાઈમાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુશનના તે કાળના વિદ્યાગુરૂ પ્રોફેસર રીડ ઘણા હોંસીલા હતા. પોતાના શિષ્યોનાં મનમાં તેમણે ખાસ ઠસાવ્યું હતું કે પાઠશાળામાં કેળવણી અને જ્ઞાન સંપાદન કરવાનો પ્રારંભ માત્ર થાય છે. પાઠશાળા છોડ્યા પછી તે જ્ઞાનની નિરંતર વૃદ્ધિ કરવી ઈષ્ટ છે; અને તેથી જુદી જુદી મંડળીઓ સ્થાપવી, જ્ઞાનની એક બીજા જોડે ચર્ચા કરી આપ લે કરવી, અને બીજા જનો જે સારી અને ઉંચી કેળવણીથી બેનશીબ હોય તેમને પોતાના જ્ઞાનનો લાભ આપવો, એ સરવે ભણેલાનું ઉચ્ચ કર્તવ્ય છે.

આવા સદગુરૂની સૂચનાથી સ્ટુડંટ્સ સોસાઇટી નામનું મંડળ સ્થપાયું હતું. આ મંડળની એક શાખાનું નામ ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળી એવું હતું. એ મંડળીમાં ઘણાક શાસ્ત્રીય વિષયો ઉપર ભાષણો અપાતાં, નિબંધો લખાતા અને ચર્ચા થતી. પારસી, ગુજરાતી અને મુસલમાન ધરાધરી આ મંડળીના સભાસદો હતા. પરંતુ આગેવાનો અને મોટો ભાગ પારસી ભાઇઓનો હતો. લોકોમાં જ્ઞાન ફેલાવવાના હેતુથી આ મંડળીએ એક માસિક કાઢ્યું હતું. એ માસિક જોવાથી માલમ પડે છે કે એ સભામાં તે વખત ઉત્સાહથી કામ કરનારા તરૂણો–વિદ્યાર્થીઓ–અગાડી જતાં ઘણા નામાંકિત થયેલા પુરૂષો હતા.

આપણા બૂજર્ગ માનવંતા પ્રો. દાદાભાઇ તેઓમાં મુખ્ય હતા. આ મંડળીએ પોતાના માસિક પત્રને 'ગનેઆન પરસારક એટલે જે એલમ–તથા હોનરોનો–ફેલાવો–કરનાર–ચોપાનીઉં.' એવું નામ આપી સન ૧૮૪૯ માં પ્રથમ પ્રગટ કર્યું હતું. આગળ ઉપર વર્ત્તમાન પત્રો વિશે લખીશું ત્યારે આ ચોપનીઆ વિશે લખવાનું હોવાથી હાલ તરત તો એનું નામ જ માત્ર આપીને સંતોષ પામીએ છઇએ.

આ સભા પોતાનું કામ ધમધોકાર કર્યે જતી હતી; અને આ પારસી ભાઇઓ ઉદાર વૃત્તિના હોવાથી હિન્દુ સુધારા સંબંધી ચર્ચા પણ ત્યાં થતી હતી. તોપણ એવું જણાયું કે જો હિંદુઓની જુદીજ મંડળી હોય તો એમાં આવતી હતી તેના કરતાં પણ હિંદુઓની મોટી સંખ્યા આવે, ભાષણો સાંભળે અને પરિણામે લાભ થાય. આમ હોવાથી સન ૧૮૫૧ માં સ્ટૂડંટ્સ સોસાઈટીની એક[]ત્રીજી શાખા સ્થાપવામાં આવી.

આ શાખા 'બુદ્ધિ વર્ધક હિંદુસભા' નામથી જાણીતી છે. ભરૂચવાળા રણછોડદાસ ગીરધરભાઈ આ સભાના સરનશીન હતા. ગુજરાતમાં કેળવણીનો પ્રારંભ કરનારા આ ગૃહસ્થ હતા. તેમજ તેઓ મુંબાઈમાં ગુજરાતી નિશાળોને માટે ઉઘાડેલા નારમલ ક્લાસમાં શીખવવાનું કામ પણ કરતા. જ્યારે જ્યારે કામ પડે ત્યારે એમને મુંબઈ આવીને પાછું શિક્ષક તૈયાર કરવાનું કામ કરવું પડતું; અને પાછું ગુજરાતમાં આવી ત્યાંની નિશાળોના ઉપરી અને પરીક્ષકનું કામ કરવું પડતું. એમના ખાતાનું સ્થાયી સ્થળ ભરૂચ અગર સુરત રહેતું. પોતે યૂરોપીયન અમલદારની જોડે નિશાળો તપાસવા ફરતા. આ મહાન્‌ પુરૂષનું જીવન ઘણું બોધદાયક છે. નિશાળો ન હોવા છતાં પોતાની જ મહેનત અને ઉદ્યોગથી છૂટા છૂટા માણસો પાસે અભ્યાસ કરીને વિદ્યા સંપાદન કરીને પોતે કેવી પદ્વીએ ચઢ્યા હતા તે જોઇને સાનંદાશ્ચર્ય ઉત્પન્ન થાય છે. સરકારી કામ કરતાં એમણે 'સારસંગ્રહ,’ ‘બ્રિટિશ હિંદુસ્થાનનો ઇતિહાસ, ઈસપ નીતિની વાતો,' 'નીતિબોધકથા’ નામનાં પુસ્તકો એ આરંભકાળમાં લખ્યાં હતાં. વાનપ્રસ્થ થયા પછી એમણે ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી સારૂ ‘મિસર લોકનો ઇતિહાસ,’ ‘મિડિઝ અને ઇરાની લોકોનો ઇતિહાસ,’ એ પુસ્તકો લખ્યાં હતાં. સુરત જીલ્લાના દરેક ગામે ગામ પ્રસિદ્ધ થએલા રા. બા. મોહનલાલ જેમણે કેળવણી ખાતાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટરની નોકરી ઘણા લાંબા કાળ સુધી માનભરેલી રીતે કરી હતી, તેઓ આ રણછોડદાસના પુત્ર. રા. સા. મોહનલાલજીના શીઘરામના બળદ પણ કેળવણી ખાતાના ભોમિયા થઈ ગયા હતા એમ કહેવાતું. સુરત જીલ્લાના દરેક ગામનાં છોકરાં ધરાધરી દિપોટી સાહેબની ગાડી અને બળદને ઓળખતા, અને બળદો પણ ગામે ગામની નિશાળના એવા ભોમિયા થઈ ગયા હતા કે ગામમાં પેઠા કે નિશાળેજ જઈને ઉભા રહે. એમણે પણ 'ઈંગ્લંડનો ઇતિહાસ’ ગુજરાતી સાહિત્યમાં ઉમેર્યો છે.

આજ જાણીતા કુટુંબનો એક સુપુત્ર હાલ મુંબાઇમાં દયારામ અને હાફીઝની બાનીનાં સરખાપણાં ઘટાવી રહેલ છે અને ગુજરાતી સાહિત્યની યથાશક્તિ સેવા કરે છે. પછીના વખતમાં પ્રાણલાલ મથુરાંદાસ–જેમણે આણંદરાવ ચાંપાજીની જોડે મળીને 'કોલંબસનો વૃત્તાંત' નામનું પુસ્તક લખ્યું છે તેઓ એ સભાના સરનશીન હતા. મોહનલાલ રણછોડદાસ મુનશી, અને ગંગાદાસ કિશોરદાસ ખજાનચી હતા. પહેલા બેને નોકરી મળવાથી તેમણે મુંબાઈ છોડ્યું, ત્યારે ગંગાદાસ પ્રમુખ થયા. સન ૧૮૫૧ ની સાલની એ સભાની કારોબાર મંડળીમાં ઉપર ગણાવ્યાં તે સિવાય બીજાં બે નામ નોંધી લેવા જેવાં માલમ પડે છે. મયારામ શંભુનાથ, અગાઉ જતાં પ્રથમ પંક્તિના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર થયા હતા. એમણે ૧૮૬૩ માં ‘ચિપલુનકરના વ્યાકરણ'નું ભાષાન્તર કર્યું હતું, અને 'કન્યાની અછત વિશે નિબંધ' પણ લખ્યો હતો. બીજા ગૃહસ્થ તે શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ જેમણે પોતાની વીશ હજાર રૂપીઆથી પણ વધારે પુંજી ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીને ગુજરાતી સાહિત્યના હિતાર્થે આપી દીધી છે તે છે. પોતાને સંતતિ ન હોય તો છોકરાંને સારૂ ફરી લગ્ન કરવું અને તેમ કરતાં એ આશા ફળીભૂત ન થાય તો દત્તવિધાનથી પુત્ર પેદા કરી લેવો એવું સાધારણ રીતે જોવામાં આવે છે. તેવા કાળમાં અને લોકોમાં પોતાના વંશવિસ્તારની, શ્રાદ્ધના પિંડની દરકાર કર્યા સિવાય પોતાની માતૃભાષાના સાહિત્યની અભિવૃદ્ધિ સારૂ પોતાનું સર્વસ્વ આપી જવાનું માન આપણામાં આ ગૃહસ્થેજ ખાટ્યું છે. તે વખતની કેળવણી વડે અને બુદ્ધિવર્ધક સભાને અંગે થયેલા પોતાના સોબતીઓ વડે આ ગૃહસ્થને કેવા ઉચ્ચ સંસ્કાર થયા હશે તે અમારા વાંચનારને જ વિચારી લેવાનું સોંપીએ છઈએ.

કાળે કરીને આ સભામાં ઘણા સુધારા થયા હતા. ગનેઆન પરસારક મંડળી પરથી ગૃહણ કરેલાં હોદ્દાનાં નામોમાં ફેરફાર કરીને સરનશિનને બદલે પ્રમુખ, ઉપપ્રમુખ, કીલીદાર, વહીવટદારો અને સેક્રટરી એવા હોદ્દા નિર્માણ થયા હતા. ગંગાદાસ પ્રમુખ થયા તે અમે કહ્યું છે. નર્મદાશંકર લાલશંકર ઉપપ્રમુખ; ચીમનલાલ નંદલાલ અને મુરલીઘર ગીરધર કીલીદાર; વહીવટદારોમાં આપણે અગાડી જતાં નામાંકિત થયેલા પુરૂષનાં નામ જોઈએ છઈએ. કરશનદાસ મૂળજી, ઝવેરીલાલ ઉમિયાશંકર, કરસનદાસ માધવદાસ અને ત્રીભોવનદાસ દ્વારકાંદાસનાં નામ આપણું ધ્યાન ખેંચે છે. સેક્રટરી તરીકે આપણા અડગ સૂધારક અને પ્રવૃત્તિના પૂતળા રૂપ સ્વ. મહીપતરામ હતા એમ જણાય છે. પાંચેક વર્ષ અસ્તિત્વ ભોગવ્યા પછી આ મંડળીએ સન ૧૮પ૬ ના માર્ચમાં 'બુદ્ધિવર્ધક ગ્રંથ' નામનું માસિક પત્ર કાઢ્યું હતું. આ માસિક કહાડવાનો વિચાર કરવાની સભા પહેલવહેલી મહીપતરામના ઘરમાંજ મળી હતી.

ઉત્તમ કપોળ કરશનદાસ મૂળજી–મૂળ કાઠીઆવાડના પણ ઘણા કાળથી મુંબાઈમાં વસેલા એક કપોળ વાણીઆના વંશમાં જન્મી માબાપના મરણને લીધે પોતાની માની કાકીને ત્યાં ઉછર્યા હતા. આ વીર પુરૂષના નામથી કોઇ પણ ગુજરાતી અજાણ્યો નહિ હોય. હિંદુ જનસમાજના સુધારા સારૂ અને વૈષ્ણવ ધર્મનો બગાડો અટકાવવા સારૂ એમનો સાહસ અને હિમ્મતભર્યો શ્રમ સરવના લક્ષમાં છે. એમનાં લખાણો ઉપરથી પ્રસિદ્ધ મહારાજ લાયબલ કેસ ઉપસ્થિત થયો હતો. ઘણી મહેનત અને પૈસાના વ્યય પછી મુંબાઇની હાઈકોર્ટના ચુકાદાથી એમના પક્ષની ફતેહ થઈ હતી. સાંસારિક સુધારાનો આ નિડર હિમાયતી પોતાનું નામ અમર કરી ગયો છે. જેમ સાંસારિક સુધારામાં તેમજ સાહિત્યસેવામાં પણ એણે ઘણી મહેનત કરી છે. એમણે ‘નીતિવચન,’ ‘શબ્દકોષ’ , ‘સંસારસુખ,’ ‘કુટુંબ મિત્ર,’ ‘ભેટપોથી,’ ‘નિબંધમાળા,’ ‘પાખંડ ધર્મખંડન નાટક,’ ‘વેદધર્મ,’ ‘મહારાજોનો ઇતિહાસ,’ ‘લાયબલ કેસ–રીપોર્ટ,’ ‘ઈંગ્લંડમાં પ્રવાસ,’ ‘પ્રવેશક’ વગેરે પુસ્તકો લખ્યાં હતાં.

મુંબાઈની આ પ્રવૃત્તિમાં સ્વ. મહીપતરામ રૂપરામ નિલકઠ સામેલ હતા તે આપણે જાણીએ છઈએ. સુરતવાળા દુર્ગારામ મહેતાજીની પાસે એમની કેળવણી શરૂ થઇ હતી. જાદુગરો જોડે એ મહેતાજીને થયેલા ઝઘડા વખતે આ નાના શિષ્ય પોતાના મહેતાજીની સાથે રહેતા અને મહેતાજીની બહાદુરીથી સાનંદાશ્ચર્ય પામતા હતા. દુરઘારામના એમના લખેલા જીવનચરિત્રમાં આ બનાવનું એમણે લખેલું બ્યાન વાંચતાં એમના મન ઉપર મહેતાજીની નિડરતા વગેરે બીજા ગુણોની કેવી છાપ પડી હશે, તેનો ખ્યાલ આવે છે. આવા આવા સંસ્કારોથી જ ઉંત્તેજાઈ વિલાયત ગમનનું મહાપાતક એમણે હિમ્મતથી કર્યું હતું ! સુધારાના અડગ અગ્રણી, કેળવણી ફેલાવનારા મુખ્ય, અને પ્રાર્થના સમાજના ચૂસ્ત અગ્રેસર હોઈ એમણે સાહિત્યસેવા ઠીક બજાવી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના ઓનરરી સેક્રેટરી તરીકે એમણે ઘણાં વર્ષ કામ કર્યું હતું. તેમના ગ્રંથો પૈકી મુખ્ય ‘સાસુ વહુની લડાઈ,’ ‘ભવાઇસંગ્રહ,’ ‘દુર્ગારામ ચરિત્ર,’ ‘કરશનદાસ ચરિત્ર,’ ‘સધરા જેશંગ,’ ‘વનરાજ ચાવડો,’ ‘ઈંગ્લાંડની મુસાફરી’ વગેરે લોકપ્રિય થઈ પડ્યા હતા.





  1. *આ અરસામાં કવિ નર્મદ અને મયારામ શંભુનાથે મળીને એક સભા સ્થાપી હતી. 'જુવાન પુરૂષોની અન્યોન્ય બુધિ વર્ધક' એવું એનું નામ રાખ્યું હતું. નર્મદ પ્રમુખ, અને મયારામ સેક્રટરી થયા હતા. કવિયે 'મંડળી મળવાથી થતા લાભ' વિષે મોઢેથી પહેલું જ ભાષણ આપ્યું હતું, એ સભા રસ્તે પડવા આવી એટલામાં કવિને સુ૨ત જઈને વસવું પડ્યું. એ બનાવ ૫છી દશ પંદર દહાડે આ સભામાં કોલેજના વિદ્યાર્થીઓ ભળવાથી તેની પુનઃ સ્થાપના થઈ.