સાહિત્ય અને ચિંતન/કવિતા

વિકિસ્રોતમાંથી
← નવલકથા સાહિત્ય અને ચિંતન
કવિતા
રમણલાલ દેસાઈ
ગુજરાતી સાહિત્યની ઉણપો →




કવિતા

સાહિત્યની વાત આવે છે ત્યારે જનવર્ગના મોટા ભાગને ન સમજાય એવી અણગમતી વિદ્વત્તાનો ભાસ થાય છે. ખરું જોતાં આખું સાહિત્ય જનતા માટે છે અને જનતામાંથી જ તે ઉદભવે છે. માટે ભાગે એવી માન્યતા તરફ આપણે વળીએ એ વધારે સાચું તત્ત્વ છે. જનતા છેક ન સમજે એવી સાહિત્યચર્ચા પણ ન હોવી જોઈએ.

આમ તો કવિતા અને સંગીત બને મોટા અને ભારે વિષયો લાગે. એનાં શાસ્ત્ર ખરેખર જુદાં અને બહુ ગંભીર છે, અને બધાં જ શાસ્ત્ર ભારે અભ્યાસ માગે છે. પરંતુ સાહિત્ય જાતે જ એવું સાધન છે કે જે શાસ્ત્રીને સામાન્ય જનતા આગળ એવી ઢબે મૂકી શકે કે શાસ્ત્રોનું હાર્દ–રહસ્ય આપોઆપ સમજાઈ જાય અને શાસ્ત્રીય અભ્યાસની ગૂંચવણી ઊભી ન થાય.

કવિતા શું એ તો સહુ કોઈ જાણી શકે. એની વ્યાખ્યા બધાંથી અપાય નહિ. પંડિતો અને વિદ્વાનો પણ એવી વ્યાખ્યા આપી શક્યા નથી, કે જે સહુનો સ્વીકાર પામે. જેમ વિદ્વતા વધારે તેમ વ્યાખ્યા ટૂંકી પડે. વળી એક યુગના પંડિતે આપેલી વ્યાખ્યા બીજા યુગના પંડિતને ફાવે નહિ. મમ્મટ સાહિત્યદર્પણમાં એક વ્યાખ્યા આપે, તો જગન્નાથ 'રસગંગાધર’માં બીજી આપે. કોઈ કવિતાના એક લક્ષણ પર ભાર મૂકે, કોઈ બીજા લક્ષણ ઉપર. એક વિદ્વાન કહેશે કે કવિતા એટલે કુદરતની નકલ. કુદરત ઘણી વિશાળ છે, અને માનવી તો કુદરતનો એક નાનકડો ભાગ છે. વળી કુદરત નકલ કરી શકાય એવું નાનું અને સહેલું તત્ત્વ નથી, એ આ વ્યાખ્યાનો વિચાર કરતી વખતે સહુ ધ્યાનમાં રાખે.

બીજો વિદ્વાન કહેશેઃશબ્દ અને અર્થ ચમત્કૃતિવાળી ભાવના એટલે કવિતા. ત્રીજો વિદ્વાન વાંધો કાઢે છે કે એમાં ચમત્કારની શી જરૂર ? સાદી સરળ ભાષામાં શું કવિતા લખાય જ નહિ? વર્ડ્ઝવર્થની we are seven નામની કવિતા અત્યંત સાદી છે; છતાં તે ઉત્તમ કવિતા છે. આપણું ધ્રુવાખ્યાન ઘણું સાદું છતાં હૃદયને હલાવી શકે એવું છે. ચોથો પંડિત કહે છે કવિતા એટલે કાન્તાની માફક માધુર્ય પૂર્વક, આપણને ગમી જાય એવો બાધ કરનારી રચના. બધી કાન્તાઓ માધુર્ય પૂર્વક બોધ આપે છે કે કેમ એ વિવાદગ્રસ્ત વિષય છે–અને રામાયણ-મહાભારત કે ઈલિયડ અથવા પેરેડાઈઝ લોસ્ટનાં વર્ણનો કાંઈ સુંવાળી કવિતામાં લેખાય નહિ. કવિતા એટલે માત્ર સુંવાળાશ નહિ.

કોઈ વિદ્વાત કહેશે કે સીધો બોધ કરે એ કવિતા જ નહિ. આપણે ત્યાં વિરાગપ્રેરક કૈંક કવિતા છે જે માત્ર બોધ નહિ પણ ગાળ દઈને બોધ કરે છે. શંકરાચાર્ય ચર્પટપંજરિકામાં भज गोविंद मूढमते થી જ કવિતાની શરૂઆત કરે છે.

કવિદલપરામ કહે છે:

‘કવિતા કહીએ ક૯પના જનમન રંજન જાણુ’ રંજનનો જ એમાં ગુણ હોય તો આખો કરુણ, રડાવી શકતો કવિતાનો વિભાગ જ અદશ્ય થાય. તેમના જ પુત્ર ન્હાનાલાલને આ વ્યાખ્યા માન્ય નથી. એ તો વળી કહે છે. કવિતા કરતાં આત્મા ગુંજે છે ; ગાતો નથી. પાછા ગુંજન અને ગાયનના ભેદમાં કયાં ઉતરવું ? ગુંજન એ શું ગીતને પ્રાથમિક ધીમો, દબાયેલો પ્રકાર નથી? ગુંજન અને ગીત એ બન્ને એક જ સંગીતની જુદી જુદી ભૂમિકાઓ છે. કોઈ કહેશે : પિંગળના અક્ષર મેળ માત્રામેળ છંદના ચોકઠામાં જ કવિતા ગોઠવાય. કોઈ કહેશે છંદ, પ્રાસ અલંકારનાં ચોકઠાં કવિતાસુંદરીને હવે ટૂંકા પડે છે.'

આમ કવિતાની વ્યાખ્યાનું ઠેકાણુ જ પડતું નથી. સાચી, સર્વકાલીન વ્યાખ્યા સાહિત્ય કે કવિતાની હોઈ શકે જ નહિ. માનવી સતત ગતિમાન છે. એ ગતિ પછી ભલે પ્રગતિ હોય કે અવગતિ હોય. એટલે એ વ્યાખ્યા બધે લાગુ પડે જ નહિ, પાડવાની જરૂર પણ નથી. આપણે કવિતા ઓળખવા માટે વ્યાખ્યા બાજુએ મુકીએ. સામાન્ય સમજથી કવિતા ઓળખાય એટલું બસ થશે.

સામાન્યસમજ તો જરૂર કહે કે નરસિંહ મહેતા કવિ અને એમનાં પ્રભાતિયાં એ કવિતા. મીરાંબાઈ કવિ અને એનાં ભજન એ પણ કવિતા. પ્રેમાનન્દનાં ઓખાહરણ અને નળાખ્યાન જેવાં આખ્યાનો, શામળ ભટની મદનમોહના તથા પંચદંડની વાર્તા, અખાનું તત્ત્વજ્ઞાન અને દયારામની ગરબીઓ એ સર્વ કવિતા. દલપતરામ પણ કવિ અને નર્મદ પણ કવિ. આપણા યુગની પાસે આવીએ તો 'કુસુમમાળા'ને પણ કવિના કહેવાય અને 'કલાપીનો કેકારવ'ને પણ કવિતા કહેવાય. ન્હાનાલાલે પણ કવિતા લખી અને સુંદરમ્-ઉમાશંકર પણ કવિતા રચે છે. ભગવાનનું નામ પણ કવિતામાં આવે અને પ્રેમની પીડા પણ કવિતામાં વણાય. બાગબગીચા કે વનઉપવન અને ચંદ્ર, સૂરજ, તારા અને નક્ષત્રનાં વર્ણનો પણ તેમાં આવે. સ્ત્રીપુરુષના દેહનું પણ વિગતવાર વર્ણન એમાં થાય અને પશુપક્ષીનાં પણ વર્ણન એમાં આવે. એમાં લાંબી કથા પણ કહેવાય અને નાનકડો ભાવ પણ એમાં આલેખાય. કવિતા યુદ્ધને પણ આવકારે છે અને હાસ્યને પણ આવકારે છે. કવિતામાં તત્ત્વજ્ઞાન પણ આવે અને ડીંગ પણ તેમાં મારી શકાય.

આ ઉપરથી આપણે જોઈ શકીશું કે કવિતાનો વિસ્તાર કેટલો મોટો છે. કેટલાક વિદ્વાને તો કહે છે કે જીવનનો જેટલો વિસ્તાર એટલે વિસ્તાર કવિતાનો. કવિતામાં ગણિત પણ લખાયું છે અને વૈદકના ગ્રંથ પણ લખાયા છે. લીલાવતી ગણિતનું નામ તો ઘણાએ સાંભળ્યું હશે. એ કવિતામાં લખાયેલું ગણિતગ્રંથ છે. 'લોલિંંબરાજ' નામનો ગ્રંથ કવિતામાં વૈદકને અને શૃંગારને સાથે જ ઊતારે છે. એટલું તો ચોકકસ કે કવિતા જીવનના મોટા ભાગ ઉપર વિસ્તાર પામી ચૂકી છે.

વળી એક નવાઈ જેવી બીજી વિગત પણ કવિતાની ચર્ચામાંથી આપણને જડી આવશે. આપણે જૂનામાં જૂનો સચવાયેલો શબ્દસમૂહ તે કવિતા. વેદ એ આપણું પુરાતનમાં પુરાતન સાહિત્ય. ગ્રીસનો હોમર પણ બોલ્યો કવિતામાં. લેટીનનો જુવેનલ પણ બોલ્યો કવિતામાં. કુરાન પણ કવિતામાં અને બાઈબલનાં સ્તોત્ર પણ કવિતામાં.

આજના વિજ્ઞાનની દૃષ્ટિએ માનવીની ઉત્પત્તિને હજારો વર્ષ થયાં. બીજી સજીવ સૃષ્ટિથી માનવીને જુદો પાડનાર કેટલાંક મુખ્ય લક્ષણો છે તેમાં માનવીની વાચા એક છે. માનવીને વસ્તુ ઓળખતાં આવડે છે. ઓળખીને તેના નામ પાડતાં આવડે છે, તેની ક્રિયા પણ સમજી સમજાવી શકે છે અને નામ ને ક્રિયા સાથે જોડતા સંબંધો પણ એ સાંકળી શકે છે, એટલું જ નહિ, એનું ઉચ્ચારણ કરી એ આખો સંબંધ સ્પષ્ટ કરી શકે છે. ઉચ્ચારણ કરી આખા નામ સાથે જોડાયેલા ગુણધર્મની ક્રિયા ગોઠવવાની યોજનાને આપણે ભાષા કહીએ છીએ, જેનું પાછું શાસ્ત્ર ઉકેલીએ તો આપણે વ્યાકરણમાં ઊતરવું પડે. વ્યાકરણમાં આપણે અત્યારે નહિ ઉતરીએ. પરંતુ એના એક વિભાગ તરીકે આપણે કવિતાને ઓળખાવી તો પડશે જ,

આપણી ભાષાનો નિત્ય વ્યવહાર–વળાટ અને કવિતાનો વળાટ સહેજ જુદાં પડે છે. દયારામની એક સુપ્રસિદ્ધ કાવ્યલીટી આપણે લઈએ;

કામણું દીસે છે અલબેલા તારી આંખમાં રે
ભોળું ભાખ મા રે !

કવિતામાં આ પંક્તિ ન હોત તો આપણે સાદી વાતચીતની ભાષામાં એ પંક્તિને જુદી જ રીતે કદાચ નીચે પ્રમાણે ગોઠવત :
'રે અલબેલા ! ત્હારી આંખમાં કામણ દીસે છે ને ! ભોળુ મા ભાખ !”

ખરું જોતાં સાદી ભાષામાં “રે !” ની જરૂર ન પડત. “ મા ભાખ” ને બદલે આપણે કહ્યું હેત : “ભોળું ના બોલીશ.”

સાદી વાક્યરચના આમ કવિતાની રચનાથી જુદી પડી ગઈ. કેટલાક બીનજરૂરી ઉદ્ ગારો કવિતામાં વપરાયા અને ચલણી નહિં એવા “મા” અને “ભાખ” જેવા શબ્દો પણ ઉપયોગમાં આવ્યા.

કવિતાની રચનામાં અને સામાન્ય વાતચીતની વાક્યરચનામાં કેટલો બધો તફાવત પડે છે ! -

આમ કવિતા ભાષાનો એક એવો વળોટ છે કે જેમાં સામાન્ય વાતચીતની ભાષા કરતાં જુદી શબ્દ–ગોઠવણી ચલાવી લેવાય છે. સામાન્ય વ્યાકરણના નિયમો પ્રમાણે ગોઠવાતા વાકયને આપણે ગદ્ય કહીએ છીએ. સામાન્ય ગોઠવણીનો ભંગ થયા છતાં શુદ્ધ ગણાઈને ઘડાતી શબ્દરચનાને આપણે કવિતા, કાવ્ય કે પદ્ય કહીએ છીએ.

આમ કવિતા વ્યાકરણની દષ્ટિએ ભાષાનો એક વિશિષ્ટ પ્રકાર છે, સામાન્ય વાતચીતના કમથી જુદો ક્રમ તેમાં આવી શકે છે, સામાન્ય ક્રમમાં નિરુપયોગી બનતા શબ્દો કદી તેમાં આવે પણ ખરા, અને તેમાં જરૂરી લાગતા શબ્દો અધ્યાહાર પણ રહે.

વળી એક બીજી વિલક્ષણતા આપણે કવિતામાં જોઈ શકીએ છીએ. કવિતાની ગોઠવણી કોઈ વજન-માપ ઉપર આધાર રાખીને થાય છે, કર્તા, ક્રિયાપદ, કર્મની અવ્યવસ્થા કરી નાખતી કવિતા પાછી કોઈ નિયમિત ગોઠવણી. નિયમિત તાલ, અને નિયમિત આવર્તનનો અંકુશ સ્વીકારે છે. એના એક બે નમૂના જોઈએ. નરસિંહરાવ ગાયું છે :

રમતાં ભમતાં કદી દિવ્ય વને
ફૂલડાં રૂડલાં જડિયાં મુજને.

બાર બાર અક્ષર આ બને લીટીઓમાં છે.

રાસેશ્વરને પદ ઝમે ઝીણાં ઝીણાં ગીત
નિર્મળ તજ ઉઘાડમાં પાન કરીશું નિત્ય

એ કડીઓ બોલતાં તે બરાબર માપમાં બેસી જાય છે, પરંતુ એક ચરણમાં પંદર અક્ષર છે જયારે બીજામાં સોળ છે; છતાં વધારાનો અક્ષર ખટકતો નથી.

કારણ? "

હવે જરા શાસ્ત્રીય ભાષાનો ઉપયોગ કરીએ. નરસિંહરાવની પ્રથમ બે લીટીઓ તોટક છંદમાં છે; બીજી બે લીટીઓ નાનાલાલની દોહરામાં છે. તોટક છંદ અક્ષરમેળ છંદ કહેવાય. એમાં લઘુગુરુ ઉચ્ચારણ કરેલા ધોરણે અમુક સંખ્યાના અક્ષરોમાં જ આવવું જોઈએ, દોહરો માત્રામેળ છંદ છે. એમાં લધુગુરુની માત્રાઓ અક્ષરની સંખ્યાને આધીન રહેતી નથી. આ રીતે કવિતાની માપબંધી-અનાજની માપબંધીની માફક–ચોસાઈભરેલી બની જાય છે. આ રીતે વ્યાકરણ શિથિલતાનો બદલો વળી જાય છે. અને સામેથી ચરણ, માત્રા, ગણ, પ્રાસ, યતિ અને છંદનું એક ભવ્ય શાસ્ત્ર ઊભું થાય છે. જેને આપણે 'પિંંગળ' નામ આપીએ છીએ,

આમ લાખેક વર્ષ ઉપર જ-મેલી માનવજાતને વસ્તુ ઓળખતાં આવડ્યું, ઓળખીને ઓળખાવાતાં આવડ્યું. જે આવડતમાં એનો કંઠ, એની જીભ કે એની ઉચ્ચારણશકિત એને બહુ જ કામ લાગી. ઉચ્ચારણશક્તિએ એને ભાષા આપી, અને ભાષા બે પ્રકારના પ્રવાહમાં ગોઠવાઈ, એક સામાન્ય વાતચીતના નિયમ પ્રમાણે સંકળાતી શબ્દવાકયરચના-જેને આપણે ગદ્ય કહીએ છીએ; અને સામાન્ય નિયમને બાજુએ મૂકી ગોઠવાતી શબ્દવાક્યરચના જેને આપણે પદ્ય કહીએ છીએ.

જુદા જુદા દેશમાં, જુદી જુદી પ્રજાઓમાં, જુદા જુદા સમયે, જુદી જુદી ભાષાઓ કેમ ચાલે છે. એ રસમય પ્રશ્નને આપણે અહીં જતો કરીએ. એટલું જાણવું જરૂરી છે કે પ્રત્યેક સંસ્કારી ભાષામાં કવિતા હોય જ હોય. જે ભાષામાં કવિતા ન હોય એ ભાષા ખીલી જ નથી, એમ કહેવાય. પ્રાથમિક ભૂમિકામાં જીવન ગુજારતી જંગલી જાતોમાં પણ કવિતા હોય છે જ. કવિતાની કક્ષા જેટલી ઊંચી એટલી ભાષાની ખીલાવટ ઊંચી. ભાષાની કિંમત આંકવાનું માપ કવિતામાં મળે છે.

અત્રે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે :

શા માટે આવી અસામાન્ય, વિલક્ષણ, વિચિત્ર ભાષારચનાને માનવીએ આવકાર આપ્યો ? શા માટે એને મહત્વ આપ્યું ? શા માટે એનાં શાસ્ત્રો રચવાની મહેનત કરી ? દાખલો આપીને આપણે આ પ્રશ્ને વધારે સમજીએ.

ન્હાનાલાલનું આ કાવ્ય જાણીતું છે.

ઝીણા ઝરમર વરસે મેહ !
ભીંજે મારી ચુંદડલી
એવો નીતરે કૌમારનો નેહ,
હો! ભીંજે મારી ચુંદડલી.

ઝીણા મેહ ઝરમર વરસે છે! એ તો સામાન્ય વાત છે ! એને વિકૃત કરીને કવિતામાં લખવાની શી જરૂર ? કોઈપણ સ્ત્રી વરસાદમાં ફરે તો તેની ચુંદડી ભીંજાય એ સહજ છે. એમાં જાહેરાત કરવાની જરૂર શી? વરસાદમાં ફરે એ જાતે પણ ભીંજાય અને એનાં કપડાં પણ ભીંજાય પછી તે ચુંદડલી હોય કે જભ્ભો હોય. વળી ચુંદડી જેવા સીધા શબ્દને “ચુંદડલી'માં ફેરવી નાખવાનો કોઈ અર્થ ? જરૂર એમાં કાંઈ અર્થ છે, નહિ તો કંજૂસ માનવ જાત વાણીને વિકૃત કરવાની, વાણીને બહેલાવવાની વાણીને ઝુલાવવાની, વાણીને લડાવવાની, ચુંદડીને ચુંદડલીમાં ફેરવી નાખવાની, મેહ સાથે નેહને મેળવવાની અને આવર્તનથી “ભીંજે મારી ચુંદડલી ” બે વાર બોલવાની મહેનત શા માટે કરે?

સામાન્ય દષ્ટિએ વરસાદમાં ફરતી સ્ત્રીની ચુંદડી ભીંજાય એ સામાન્ય પ્રસંગ છે. પરંતુ માનવીની ઊર્મિ એ સામાન્ય પ્રસંગને રંગરંગથી ભરી દે છે. કૌમારના નેહથી ઉભરાતી પ્રેયસીને ઝરમર વરસતા ઝીણા મેહ અસામાન્ય સૃષ્ટિમાં લાવી મૂકે છે. જ્યાં સૃષ્ટિની સામાન્યતા માત્ર કોઈ અકથ્ય ચમકભરી રંગતમાં બદલાઈ જાય છે, જ્યાં મેહનાં બુંદ કોઈ પુષ્પવૃષ્ટિની યાદ આપે છે, જ્યાં ચુંદડી ભીંજાય છે; એ સામાન્ય પ્રસંગ આખા જીવનને ભીંજવી રહેલા કોઈ ભાવનું પ્રતિબિંબ બની રહે છે, જ્યાં ચુંદડીને ચુંદડલી કહ્યા વગર મન માનતું નથી અને એનું વારંવાર થતું ભાન એમાં વારંવાર આવર્તન કર્યા વગર સંતોષાતું નથી. ઊર્મિ આખા જીવનને, વાતાવરણને, સૃષ્ટિને કાંઈ એવો અજબ પલટા આપી રહે છે કે તેનું ઉચ્ચારણ, વિલક્ષણ ભાષા, વિલક્ષણ લ્હેક–ઝોક, વિલક્ષણ શબ્દલાડ, વિલક્ષણ ઉદ્ ગાર. વિલક્ષણ આવર્તન વગર થઈ જ શકતું નથી. એ જીવંત-જલવંત ઉર્મિ ને અક્ષર દેહમાં–શબ્દદેહમાં ઉતારવાની ક્રિયા એનું નામ કવિતા.

આપણે કવિતાને ઘણે ઘણે પ્રકારે ઓળખાવીઃ એમાં સાચું ઓળખાણ અત્યારે આપણને મળ્યું. ઊર્મિને અક્ષરાકારમાં ઉતારનાર સાધન એ કવિતા ! દેહ અક્ષરનો-શબ્દમનો. પરંતુ એનો આત્માં ઊર્મિનો. ઊર્મિ સાચી હોય તો જ કવિતા સાચી. ઊર્મિ જલવંત હોય તોજ કવિતા જલવંત. ઊર્મિ ઉંડાણભરી હોય તો જ કવિતા ઉંડાણભરી–સામર્થ્યભરી. લાગણી ન હોય તો શબ્દો જુઠા પડી જાય છે. ઊર્મિ અને શબ્દાવલિ એકસરખી સપાટીએ મળે ત્યાં સાચી, કવિતા જન્મે છે. માટે કવિતા અસામાન્ય ભાષામાં ઉતરે છે. માટે જ કવિતાને યાદ રખાય છે. માટે જ એની ઘેલછા અને વિચિત્રતા ગમે છે. ઊર્મિનો ઉછાળો જેમ દેહને હલાવી નાખે છે તેમ શબ્દરચનાને પણ હલાવી નાખે છે.

ઊર્મિ એટલે માત્ર પ્રેમ નહીં. સ્ત્રી-પુરુષના સ્નેહમાંથી ઉપજતી ઊર્મિ એક પ્રકાર જ છે, જેમાંથી શૃંગારરસ ઉપજે છે. પરંતુ દેશપ્રેમ, ન્યાય, પ્રેમને અંગે ઉપજતી ઊર્મિ આપણામાં વીરત્વ પ્રેરે છે, જેમાંથી વીરરસ ઉદ્દભવે છે. જીવનમાં આંસુપ્રેરક પ્રસંગ બને છે અને આપણા હૈયાને આદ્ર બનાવે છે એ કરુણ રસ. નદીતટ, વન ઉપવન કે દેવ દેવાલય નિહાળતાં આપણી ઊર્મિ પરમ શાન્તિ પામે છે જેમાંથી શાન્ત રસ જન્મે છે. બાળક પ્રત્યે ઊપજતા ભાવને આપણે વાત્સલ્ય કહીએ છીએ, જે વત્સલરસને ઉપજાવે છે. કોઈ વિચિત્રતા નિહાળતાં આપણને વિસ્મય ઉપજે, ભય લાગે, કે કંટાળો આવે ત્યારે અદ્દભુત, ભયાનક અને બીભત્સ રસ જાણે છે. ઊર્મિની તીવ્રતા એટલે રસ. ઉપજાવે એવી શબ્દરચના તે કવિતા. નવ કે દસ પ્રકારની ઊર્મિઓનું વગીકરણ કરી આપણા પંડિતાએ નવ કે દસ–રસને કવિતાના ઉદ્દેશ તરીકે આગળ કર્યા છે. હવે કવિતા શું એ સહજ સમજાયું?

આ કવિતા ગવાય કે કેમ? પંડિતોને પ્રશ્ન થયો છે. આજથી નહિ, કૈંક સમયથી. કવિતાને અને સંગીતને શો સંબંધ ? આવો પ્રશ્ન ઘણાને મુંઝવી રહ્યો છે અને લગભગ એવું માનસ પણ વિકસી આવ્યું છે કે જે ગવાય એ કવિતા જ નહિ એ સિદ્ધાન્ત સામાન્ય થતો જાય છે સંગીતને અને કવિતાને જાણે વેર ન હોય એવો ખ્યાલ ઉપજવા માંડયો છે. પરંતુ એ કવિતા ગવાતી હોય તો તે ગાવામાં જરાય હરક્ત નથી; માત્ર એટલું જ કે ન ગાનાર જગતમાં પણ કવિતા હોઈ શકે ખરી. એ કવિતા નાની હોય, મોટી હોય; એમાં વાર્તા હોય, પ્રસંગ હોય કે માત્ર ભાવનિરૂપણ હોય. એ સાદી પણ હોય અને અલંકારથી ભરેલી પણ હોય. એમાં વાસ્તવતા પણ હોય અને કલ્પનાનાં ઉડ્ડયન પણ હોય. પૂર્વ પક્ષ કે આગ્રહ દુરાગ્રહુ સાથે કવિતા પાસે ન જવું. સદ્દભાવથી કવિતા પાસે આપણે જઈશું તો શબ્દની કુંચીઓ વડે ઊઘડતાં કલ્પનાઊર્મિનાં અનેક રંગીન સ્વર્ગ કવિતા આપણી સામે ખુલ્લાં મૂકી દેશે. કવિતા એ માનવજાતની એક મહાન વાણી–સંસિદ્ધિ.