લખાણ પર જાઓ

સાહિત્ય અને ચિંતન/સાહિત્યનું સ્થાન

વિકિસ્રોતમાંથી
← નવતર સાહિત્યનાં પ્રેરક બળો સાહિત્ય અને ચિંતન
સાહિત્યનું સ્થાન
રમણલાલ દેસાઈ
હિંદુ ધર્મ →




સાહિત્યનું સ્થાન

તમને સાહિત્ય ગમે છે?

કદાચ તમે સામો પ્રશ્ન કરશો કે સાહિત્ય શું એ સમજ્યા વગર ઉત્તર કેમ અપાય ?

અને અમને વળી સાહિત્ય સમજવાની ફુરસદ ક્યાં છે ? એવો બીજો પણ પ્રશ્ન કદાચ નીકળી આવે.

જેને ફુરસદ ન જ હોય અને સાહિત્ય સમજાવવાનો આગ્રહ ન જ થઈ શકે. એને એટલું જ કહેવાય કે ફુરસદ હોય કે ન હોય તોય પ્રત્યેક માનવીના જીવનમાં પ્રવેશ કરવાની, પ્રત્યેક માનવીના જીવનને ધડવાની સાહિત્યને વિશાળ ફુરસદ યુગ યુગથી મળી છે. સાહિત્ય સમજાય કે ન સમજાય. માનવીની આસપાસ હવા જેવું વ્યાપક બની રહે છે.

હાલરડામાં સાહિત્ય

હાલરડાં તો સાંભળ્યાં જ હશે. હાલરડાં વગર ઉછરેલું કોઈપણ બાળક કલ્પી શકાય એમ નથી. એ હાલરડાંમાં ઘણું સાહિત્ય સમાયલું છે. મેઘાણીએ રચેલું શિવાજીનું હાલરડું તમે જરૂર સાંભળજો. એમાં – અરે ગમે તે હાલરડામાં–તમને સાહિત્ય મળી આવશે.

વડોદરા રાજ્યમાં તો લગભગ ગામેગામ શાળાઓ હતી. પ્રાથમિક કેળવણી ફરજિયાત હતી. આપણે સહુએ તે મેળવી છે. આપણી વાચન- માળાઓમાં પાઠ અને કવિતા બન્ને આપેલાં હેાય છે. એમાં પણ સાહિત્ય મળી રહે એમ છે.

એથી આગળ જઈએ તે આપણા ભણતરમાં સાહિત્ય વિસ્તરેલું પડવું જ હોય.

પરંતુ ભણતર બહાર પણ સાહિત્યનો વ્યાપક પડઘો આપણે સાંભળ્યા જ કરીએ છીએ. તમે ભાવિક હો તો મંદિરમાં કે શેરીમાં કથા સાંભળો છો. ભાગવતની કથા હોય કે મહાભારતની; શાસ્ત્રી કહેતા હોય કે ગાગરભટ્ટ; તમે જાણો છો કે એ બન્ને આપણા અદ્ભુત સાહિત્યગ્રંથો છે.

કોઈ ગઢવી કે ચારણના મુખે ઉચ્ચારાતા દુહા, સેારઠા અને છપ્પા સવૈયા પણ તમે જરૂર સાંભળ્યા હશે. મેરૂભા કે દુલા કાગના જલસાઓ તમે જોયા જ હશે. આપણા રાયચુરા અને મેઘાણી પણ જનતાની મેદની વચ્ચે આકર્ષક દુહાઓ આપણને વર્ષોથી સંભળાવી રહ્યા હતા. એ બીજુ કાંઈ નથી; એ સાહિત્ય છે.

વાર્તા અને વાચનમાં

અને વાર્તા ? વાર્તા સાભળી ન હોય એવો કોઈ માનવી પૃથ્વી ઉપર ખેાળ્યો જડે ? આપણી દાદીમાઓ વાર્તા કહેતી આપણે સહુએ સાંભળી પણ હશે. તે આપણને એકચિત્ત કરી દેતી હતી એ સહુનો અનુભવ છે. આપણા ગુજરાતમાં તો એક એવી કોમ જ છે કે જેની વાર્તાશૈલી આપણને કલાકોના કલાકો સુધી તલ્લીન બનાવે છે. એ આપણા ભાટચારણો.

હવે છાપકામ વધી ગયું છે, એટલે વાર્તાઓ સાંભળવા ઉપરાંત વાંચવાની પણ આપણને સગવડ મળી ગઈ છે. નવરાશમાં આપણે ગમે તે સ્થાને, રેલગાડીમાં કે ઘેર વાર્તાની ચાપડી વાંચી આપણો વખત ઠીકઠીક ગાળી શકીએ છીએ.

આ વાર્તા શું એ જાણો છે ? એ પણ સાહિત્ય, એ વાર્તામાં પછી પરી આવે કે જીન, રાજકુમાર આવે કે રાજકુમારી, સૈનિક આવે કે સાધુ, યુદ્ધ આવે કે તપ, આંસુ આવે કે હાસ્ય; મિલન આવે કે વિયોગ… એ સઘળું સાહિત્ય કહેવાય.

સંગીતમાં સાહિત્ય

જરા થોભો. એક અંગત પ્રશ્ન પૂછું? તમે પરણ્યા છો? પ્રભુ તમને સુખી રાખે ! તમે નથી પરણ્યા? એ શુભ પ્રસંગ હવે આવશે. અકળાવાની જરૂર નથી. પરંતુ તમે કોઈના એ લગ્નમાં હાજરી ન આપી હોય એમ હં માનતો નથી. અને તમારા કે અન્યના લગ્નમંડપમાં હાજરી આપો એટલે લગ્નનાં મંગળ ગીતનો ટહુકો તમારા કર્ણે ન પડ્યો હોય એમ બને જ નહિ. તમે ખાતરી રાખજો એ લગ્નગીતોમાં સાહિત્યનો સંભાર ભર્યો હોય છે.

અને ભજનની ધૂનમાં તમે કદી ડોલી રહ્યા છો ? પ્રભુની કૃપાયાચના, પ્રભુનાં સ્મરણ, પ્રભુની મહત્તા કે એકતાનાં ગીત ઢોલક, મંજીરાં કે એકતારા સાથે ગવાતાં હોય, એ ભજનના ભાવ સાથે તમે એકરૂપ બની ગયા હો ત્યારે ભજન પણ એક ભવ્ય સાહિત્ય બની ગયું હોય છે એ જાણો છો ?

ચલચિત્રો

હું જોઇ શકું છું કે સાહિત્ય સમજવાની તમને કુરસદ ન હોય અને વૃત્તિ પણ ન હોય; હશે. પણ તમે નાટક કે સિનેમા–ચલચત્રો કદી જોયા જ નથી ? પણ એ તે કેમ મનાય ? ગાંધીજીએ પણ છેલ્લે છેલ્લે સિનેમાનાં કેટલાંક દૃશ્યો જોઈ લીધાં હતાં, એમ યાદ આવે છે. એ નાટક કે ચલચિત્રોના કેટલાય પ્રસંગો તમને હસાવે છે, રડાવે છે, ભયભીત કરે છે, શૃંગાર અભિમુખ કરે છે, આશ્વર્ય ઉપજાવે છે, જોમ અર્પે છે, ગુસ્સે કરે છે, કંટાળો ઉપજાવે છે. તમે જાણો છો આવા આવા ભાવ ઉપજાવતાં પ્રસંગો, ગીતો અને સંવાદો સાહિત્યને જ સર્જે છે? આંખમાં આંસુ લાવતાં કરુણ મૃત્યુગીતો કે પ્રસંગો પણ સાહિત્ય બની રહે છે એમ આપ જાણશો એટલે આપને સાનંદાશ્ચર્ય સમજાશે કે હાલરડાંથી માંડી મૃત્યુનાં શોકગીત–મરશિયા સુધી—એટલે બાલજન્મથી માંડી જીવનના અંત સુધી સાહિત્યનું વાતવરણ વ્યાપી રહેલું છે. આપણે સમજીએ કે ન સમજીએ;સાહિત્ય સમજવાની આપણને કુરસદ હોય કે ન હોય; સાહિત્ય પોતે જ ડગલે અને પગલે સામે આવી આપણા શ્વાસ સરખું જીવંત તત્ત્વ બની આપણને વીંટળાઈ વળે છે. સાહિત્ય આમ આપણું જાણીતું સંચલન છે. એ નિત્ય વ્યાપક બળ છે. એ આપણા જીવનને ઘડે છે. એથી મુંઝાવાની જરૂર નથી, એને તિરસ્કારવાની જરૂર નથી. હાલરડાં, વાર્તા, નાટક, ભજન, પ્રેમ—ગીતો, વીરકથા, દેવકથા, એ બધાં સાહિત્યનાં સ્વરૂપો છે. સાહિત્યને સાદામાં સારી રીતે ઓળખવું હોય તો આપણે એટલું જ જાણીએ કે એક સારો, આપણને ગમતો પ્રસંગ, એક સારો, આપણને ગમે તેવો વિચાર કે એક સારી, આપણને ગમે એવી ઊર્મિ સારા શબ્દોનો આકાર લે એટલે સાહિત્ય સર્જાય.

સાહિત્ય અને સાહિત્યકાર

સાહિત્ય એટલે સારો શબ્દ કે શબ્દસમૂહ-શબ્દગુચ્છમાં ગુંથેલી સારી ઊર્મિ કે સારી પ્રસંગપરંપરા.

સાહિત્ય હવે અઘરું તો નહિ જ લાગે, ખરું?

સારા શબ્દમાં પ્રસંગોને, ઊર્મિને, વિચારને, કલ્પનાને ઉતારવાની જેનામાં શક્તિ હોય એ સાહિત્યકાર, એ આપણા સરખો જ માનવી છે, એનામાં આપણા સરખા જ ગુણ હોય છે અને દોષ હોય છે. સામાન્ય માનવીને લાગણીઓ થાય છે, એ જ લાગણીઓ એને પણ થાય છે. સામાન્ય માનવી બોલે છે એ જ ભાષા સાહિત્યકાર પણ બોલે છે. એટલે સાહિત્યકારની આસપાસ આપણે વાણીની ચાંપલાશ, ન સમજાય એવા વિચારો કે કલ્પનાનું ધુમ્મસ, લાકડી મારીને સમજાવવી પડે એવી કષ્ટપ્રદ ઊર્મિ કે ચિંતન જોવા પ્રેરાઈએ તો તે બરાબર નથી. આપણી સામાન્ય વાણી અને સાહિત્યકારની વાણીમાં માત્ર એટલો જ ફેર કે સાહિત્યકાર અભ્યાસથી કે પ્રેરણાથી એવી વાણી વાપરે છે કે જેમાં બળ હેાય, તેજ હોય, નવી નવી કલ્પનાઓ ઉઘડે એવી વિશાળતા હોય, અને પુષ્પ જેવી સુકુમારતા હોય. સામાન્ય વાણી બોલાઈને ભૂલી જવાય છે. સાહિત્યકારની વાણી સંગ્રહી રખાય છે. આપણા હૃદયમાં ભક્તિભાવ ઉભરાય ત્યારે આપણે કહીએ :

હે પ્રભુ, તું વ્યાપક છે, તારી લીલા અપાર છે, તારી કળા કળાતી નથી.

જ્યારે નરસિંહ મહેતા સરખા સાહિત્યકારની વાણી છંદમાં ઊતરી આજ પાંચસો પાંચસો વર્ષથી સંભાળી સાચવી રાખવા જેવી શબ્દાંજલિ અર્પે છે કે

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
જૂજવે રૂપે અનન્ત ભાસે,

ચિત્ત ચૈતન્ય વિલાસ તદરુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.

આમ સાહિત્ય સહુને સમજાય એવી છતાં આપણા કરતાં વધારે સારી શબ્દરચના કરે છે; આપણે ઊડી શકીએ એટલે ઊડવા દઈ પછી આપણો હાથ ઝાલી કોઈ નવી કલ્પનાસૃષ્ટિ આપને બતાવે છે: આપણી લાગણીઓને હોય એના કરતાં વધાર તીવ્ર અને વિશુદ્ધ કરે છે અને આમ આપણી માણસાઈને વધારે ઓપ આપી આપણને વધારે સારા માનવી બનાવવાનું સાધન રચી આપે છે.

સાહિત્યનું ધનઃ સર્વોત્તમ

પ્રજાએ અનેક પ્રકારનાં ધન ઓળખ્યાં છે. અર્થ ઉપર–ધન ઉપર આબાદી રચી શકાય એમ અર્થશાસ્ત્ર કહે છે. હજી માનવપ્રજા આબાદીને, ધનને, મિકલતને માલિકીના સકંજામાંથી છોડાવી શકી નથી એટલે સહુ કોઈ પોતપોતાની મિલકત સાચવવા અને વધારવાની જંજાળમાં પડી કલેશ અને ઘર્ષણો ઊભાં કરે છે. મિલકત ઉપર માલિકી રહેશે ત્યાં સુધી આ ઘર્ષણો ચાલ્યા કરવાનાં છે. પરંતુ સાહિત્ય તો સહુની મઝિયારી મિલકત બની રહે છે. એમાં કોઈનો ભાગ લાગ નથી. વાપર્યે વધ્યે જ જાય એવી એ આબાદી છે. સાહિત્ય એટલે સંસ્કારધન. એ ધન લગભગ ચિરંજીવી છે. માનવીની માણસાઈ એનું પોષણ પામી જીવી રહે છે. માટે જ સ્થૂળ ધન કરતાં સંસ્કારધન વધારે ચડિયાતું. પાંચસો વર્ષ ઉપર કયા ધનિકનો ધનભંડાર કેટલો મોટો હતો એની આપણને ખબર નથી, એની આપણને જરૂર પણ નથી; પરંતુ આપણે એ તો નોંધી રાખ્યું છે કે ચારસો પાંચસો વર્ષ ઉપર નરસિંહ અને મીરાં જેવી બે સાહિત્યવ્યક્તિઓ ગુજરાતમાં એવું સંસ્કારધન વેર્યે જતી હતી કે જે આજ પણ આપણને વાપરવા મળે છે.

અભિમાન ખાતર નહિ, પરંતુ એક હકીકત તરીકે આપણને એમ તપાસવાનુ મન તો જરૂર થાય છે કે પ્રગતિશીલ કહેવાતું વડોદરા આ સંસ્કારધનમાં સમૃદ્ધ છે કે કેમ ? રાજ્યનું વિલીનીકરણ થવાથી એ તપાસ અને તેનું પરિણામ નોંધવું બહુ જરૂરી છે. સમૃદ્ધિ તપાસવાનું એક માપ એના સાહિત્યકારોમાં આપણને જડી આવશે, અને આશ્ચર્યની વાત એ છે કે વડોદરાનું સાહિત્યધન વડોદરાને ગૌરવ આપે એવું જ છે.

ગયા દસકાનું વડોદરા સાલ્હેર સહ્યાદ્રિથી દ્વારકા સુધી લંબાયેલું હતું એ તો સહુ જાણે છે. એમાં પાટણ, જે એક સમયે સોલંકીઓની યશનગરી હતું, એનો જ વિચાર કરીએ તો વડોદરાનું સાહિત્યગૌરવ, હૈમવ્યાકરણના સુપ્રસિદ્ધ કર્તા યતિ હેમચંદ્રનું સ્મરણ કરાવે છે. આ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર માટે જરૂર પાટણ—અને પાટણ દ્વારા વડોદરા ગર્વ લઈ શકે. ગુજરાતી ભાષા સહુથી પહેલો સ્પષ્ટ ઉલ્લેખ હેમચંદ્રના વ્યાકરણમાં આજથી લગભગ ૯૦૦ વર્ષ ઉપર મેળવે છે. હેમચંદે સંગ્રહેલાં વ્યાકરણ નિયમનાં દૃષ્ટાંતો તે સમયના સાહિત્ય ટુકડાઓ હતા. અને આજ પણ એમાંથી કેટલીક લોકકથાઓ કે લોકોક્તિએનાં મૂળ જડી આવે છે.

પછી તો પાટણની આસપાસ સરસ્વતીના ભક્તોનું એક જૂથ જામ્યું હતું. વડનગર અને સિદ્ધપુર પણ વિદ્યાનાં—એટલે સાહિત્યનાં ધામ હતાં. જૂની ગુજરાતીમાં મહત્ત્વનું સ્થાન ભોગવતા ભાલણ અને ભીમ પણ વડોદરા રાજ્યને ફાળે જાય એમ છે.

પ્રેમાનંદ અને દયારામ

ગુજરાતી સાહિત્યમાં એ ઊંચામાં ઊંચાં શિખર : એક પ્રેમાનંદ અને બીજો દયારામ. પ્રેમાનંદ તો તળ વડોદરાનો: વાડીમાં જેમનો નિવાસ હતો. આજ પણ એની ખડકી એને નામે ઓળખાવાઈ છે. દયારામ ડભોઈના. એક પ્રાચીન ગુજરાતીનું ગૌરીશંકર—એવરેસ્ટ, ભવ્ય, અણમાપ, વ્યાપક–જેણે કરુણ, હાસ્ય, શૃંગાર અને વાત્સલ્ય રસની ગંગા સાહિત્યમાં ઉતારી છે. એ પ્રેમાનંદ : ઉષાહરણ, નળાખ્યાન, સુદામાચરિત્ર, મામેરું, જેવા લોકજીવનમાં જડાઈ ગયેલાં શિષ્ટ આખ્યાનો લખ્યાં છે. બીજી કાંચનજઘા સરખી નાજુક, રૂપાળી, રસમય, ઊર્મિમય ગરબીઓના ગાનાર અને ગુજરાતી સ્ત્રીઓને કંઠે ઉતારનાર દયારામ. આ એ જ કવિઓને ઉપજાવી વડોદરાએ ગુર્જર સાહિત્યમાં સર્વોત્તમ ફાળો આપ્યો છે.

વડોદરાનો સાહિત્ય–ફાલ

બધાનાં નામ લેવાં તો અશક્ય છે; પરંતુ ઉપરછલી દૃષ્ટિ ફેરવીશું તોય આપણને વડોદરાના સાહિત્યકારો ચારેપાસ વેરાયેલા નજરે પડશે સાવલી બાજુએ નજર નાખીશું તો વેદાન્ત અને યોગના અભ્યાસી ધીરો દેખાઈ આવશે. બાપુ સાહેબ ગાયકવાડે પણ ગુજરાતી કવિતા શોભાવી છે, એ ગુજરાત મહારાષ્ટ્રના સંપર્ક સમજનારે જાણવા જેવું છે. અમરેલી પાસેના ફતેપુરમાં આજ પણ એક જીર્ણ સ્થળે ભોજા ભક્તની ધર્મગાદી છે. ભેાજા કવિએ અખાની માફક ચાબચા જેવી તીખી કવિતા લખી ગુર્જર માનસને ઘડ્યું છે.

આપણી ઓગણીસમી સદીના વર્તમાન વાતાવરણનો વિચાર કરીશું તો આપણને સદ્‌ગત શ્રીમંત ખંડેરાવ અને આપણા કવિ દલપતરામના સંપર્કમાંથી મળેલી કવિતા યાદ આવશે. ગુજરાતી વાણી લુંટાઈ અને એ લુંટનું પગેરૂં ચાલતાં મુંબઈ સુધી શોધખોળ થઈ જેમાં ગુજરાતી વાણીને લૂંટી લેનાર પારસીઓ પકડાયા એવી એક રમુજી કલ્પના દલપતરામે શ્રીમંત ખંડેરાવને ઉદ્દેશીને કરેલી છે.

અને પછી તો વર્તમાન યુગમાં આવતાં વર્તમાન ગુર્જર ગિરાના અનેક ઘડવૈયાઓ સાથેના વડોદરાનો સંપર્ક ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. હરિ હર્ષદ ધ્રુવ જેવા અગ્રકવિ વડોદરાના ન્યાય ખાતાને શોભાવતાં સ્ટાકહોમની ઓરીએન્ટલ કોન્ફરન્સમાં વડોદરાના પ્રતિનિધિ તરીકે ગયા હતા. અભેદમાર્ગ પ્રવાસીની પદવી પામેલા કાન્તા નાટકના લેખક સુદર્શનકાર અને ગઝલના આદ્યલેખક મણિલાલ નભુભાઈનું સ્થાન વડોદરામાં હતું. પ્રખર ગઝલકાર અને હરિપ્રેમ પંચદશીના મસ્ત કવિ બાલાશંકરે કંથારિયા પણ વડોદરામાં ખરા. ખંડ કાવ્યોના આદ્યકર્તા કવિ કાન્તે તો વડોદરામાં અનેક શિષ્યો મુક્યા છે. શિક્ષણનો ઇતિહાસ એમણે વડોદરા માટે લખ્યો હતો. હરગોવિંદદાસ કાંટાવાળા વડોદરા રાજ્યના વિદ્યાધિકારી! સર રમણભાઈ આપણા શંકરાચાર્ય ના કાર્યમાં વડોદરા તરફે વકીલ હતા. બળવંતરાય ઠાકાર–બલિષ્ઠ બ. ક. ઠા. પણ આપણી બરોડા કાલેજના પ્રોફેસર હતા. છગનલાલ મેાદી–ઇરાવદીના કર્તા પણ આપણા એક સાહિત્કાર છોટાલાલ નરભેરામ ભટ્ટ, છોટાલાલ જીવનલાલ માસ્તર, નૃસિંહાચાર્ય, ઉપેન્દ્રાચાર્ય, જગજીવનદાસ મોદી, ભાનુસુખરામ મહેતા વગેરે એક બે પેઢી આગળના સાહિત્યકારો વડોદરાના જ નિવાસી એમણે સાહિત્ય–ઘડતરમાં સારો ભાગ ભજવ્યો છે મટુભાઈ કાંટાવાળાને પણ ન જ ભુલાય લલિતજી પણ વડોદરાને વડલે વસી ગયા છે. કનૈયાલાલ મુનશી બરોડા કાલેજનો પરિપાક છે. “સ્વપ્નદ્રષ્ટા”માં બરોડા કોલેજના સ્કવેર બ્લોક અને આજ સયાજીગંજ છે તે સ્થાને તેમના સમયનું ભીમનાથનું તળાવ તેમણે વર્ણવ્યાં છે. મેઘાણી અમરેલી હાઈસ્કૂલમાં ભણતા હતા એની કદાચ ઘણાને ખબર નહિ હેાય, વિજયરાય કૌમુદીકાર પણ કેટલાંક વર્ષો વડોદરાવાસી બન્યા હતા—મગનલાલ વિશ્વનાથ ભટ્ટની માફક શ્રી.રાયચુરા અને તારાચંદ અડાલજાએ તો અહીં ઘર જ કર્યાં છે એમ કહેવામાં હરકત નથી. મૂળજીભાઈ શાહ–એક દુકાનદાર આપણા સરસ રાસ અને નાટક લેખક છે. એ હવે સાહિત્યકારો જાણતા જ હશે, સંસ્કારના પડ ઉકેલી ઈતિહાસ રચનાર મંજુલાલ મજમુદાર પણ વડોદરાવાસી છે. સાહિત્ય અને સંગીતના સમન્વયકાર ઓમકારનાથજી વડોદરા રાજ્યના રહીશ છે એ કોઈ ન જાણતું હોય તો જાણી લે.

પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આમ વડોદરાનો ફાળો નજીવો તો નથી જ. હજી ઘણાં નામ રહી ગયાં છે. નવસારીના પારસી ઇસ્લામી તેમ જ મહારાષ્ટ્રી સાહિત્યકારો તો ગણાવ્યા જ નથી. છતાં જેટલાં નામ ગણાવ્યાં છે તે ઉપરથી એટલું તો સ્પષ્ટ થશે જ કે જેમ–વડોદરા બીજી બધી રીતે પ્રગતિશીલ હતું તેમ સાહિત્યમાં પણ પ્રગતિશીલ હતું.

આવી સંસ્કારસમૃદ્ધિ ઉપજાવતા સાહિત્યને અણમાનીતું—અણગમતું ન રાખીએ. એને ઓળખવાની સહજ ફુરસદ લઈએ, એ સાહિત્ય આપણે ધારીએ એ કરતાં વધારે વ્યાપક છે; વધારે સમર્થ છે અને વધારે સહેલું છે. વડોદરાનું દૃષ્ટાંત સાહિત્યને બીજા ભૂમિવિભાગોમાં પણ શોધવા આપણને પ્રેરશે.