સિંધુડો/ઊઠો
Appearance
< સિંધુડો
← શિવાજીનું હાલરડું | સિંધુડો ઊઠો ઝવેરચંદ મેઘાણી |
ઝંડાવંદન → |
ઊઠો
ઊઠો, સાવજશૂરાની બેટડી ! બાંધો કેશ, લૂછો અશ્રુધાર;
જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર.
સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન,
મૃત્યુના સિંધુ વલોવીને અમૃત કરવા સિધાવ્યા મેદાન રે :
બે’ની ! બંકા આપણ ભરથાર. - ઊઠો૦.
દુશ્મન કેરાં નોતરાં, બે’ની ! બથ ભરી મળવા કાજ;
રક્તનાં કેસરછાંટણાં છંટાશે, ખેલાશે રસબસ રાસ રે:
કંઠે પે’રી આંતરડાંની માળ. - ઊઠો૦.
કાળ તણી એ કચેરીઓમાં બેઠા પછી ન ઉઠાય;
કંથ કોડીલાનાં કાળાં કવચ ત્યાં તો રાતે શોણિતે રંગાય રે:
બાજે રણરંભાના ઠમકાર. - ઊઠો૦.
અંતરની કાળી ઝાળો ઓલવવા કાળગંગાને ઘાટ,
નણદલવીર એ નીરમાં ન્હાતા ત્યાં સામસામી દૈ થપાટ રે:
ગાંડાતૂર જેવા ગજરાજ. - ઊઠો૦.
જીતીને વળશે તો રંગે રમાડશું : મરશે તોયે શા ઉચાટ !
ખોળે પોઢીને ચડશું ચિતા માથે : હસતાં જાશું સુરવાટ રે:
એવા ઉગ્રભાગી અવતાર. - ઊઠો૦.
[૧૯૨૫]