સિંધુડો/શિવાજીનું હાલરડું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← મોતનાં કંકુ-ઘોળણ સિંધુડો
શિવાજીનું હાલરડું
ઝવેરચંદ મેઘાણી
ઊઠો →
[ઢાળ : 'પ્રભાતે સૂરજ ઊગ્યો રે સીતા રામની જોવે વાટ' - એ લોકગીતનો.]


આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઇને આવ્યાં બાળ -

બાળુડાને માત હિંચોળે:
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજીબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી.- શિવાજીને૦

પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રે'શે.-શિવાજીને૦

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રે'શે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા.-શિવાજીને૦

પે'રી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ના'શે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે.-શિવાજીને૦

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રે'વાની
રાતી બંબોળ ભવાની.-શિવાજીને૦

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !-શિવાજીને૦

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધુંવાધાર તોપ મંડાશે.-શિવાજીને૦

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પો'ર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે.-શિવાજીને૦

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી.-શિવાજીને૦

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર-બંધૂકા.-શિવાજીને૦

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વે'લો આવ, બાળુડા !
માને હાથ ભેટ બંધાવા.-શિવાજીને૦

જાગી વે'લો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે:
ધણણણ ડુંગરા બોલે.
[૧૯૨૭]

-૦-