સિંધુડો/કસુંબીનો રંગ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ચારણ-કન્યા સિંધુડો
કસુંબીનો રંગ
ઝવેરચંદ મેઘાણી
સિંધુડો/છેલ્લી પ્રાર્થના →


કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ !
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. - રાજ૦

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ૦

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. - રાજ૦


ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ૦

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. - રાજ૦

પિડિતની આંસુડાધારે - હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. - રાજ૦

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. - રાજ૦

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો !
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા હો!
લેજો કસુંબીનો રંગ! - રાજ૦

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ.
[૧૯૩૪]

સોરઠમાં ને ગુજરાતમાં નવવધૂની કસુંબલ ચુંદડી, શૌર્ય પ્રેમીની કસુંબલ આંખ, બહારવટિયાનાં ‘લાલ કસુંબલ લૂગડાં’ અને ‘ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી પ્રેમશૌર્ય-અંકિત’ એ કવિ નર્મદની ગીતપંક્તિ પ્રચલિત છે. સુગંધે મહેકતો, ન ભડકા જેવો કે ન આછો, પણ લાલપમાં કાળાશ ઘૂંટી કરેલો હોય તેવો આ કસુંબલ રંગ ઉત્તમ ગણાય છે. જીવનનો પણ એવો જ કસુંબલ રંગઃ હ્રદયના સર્વ ભાવો જેમાં નિચોવાયા હોય તેવો રંગ જીવનકસુંબીનો. એવી સકલ ઊર્મિઓના રંગે રંગાયેલા કોઈ વિરલાને નિર્દેશી રહ્યું છે. ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં સૌ પીજો કસુંબીનો રંગ