લખાણ પર જાઓ

સિંધુડો/કાલ જાગે

વિકિસ્રોતમાંથી
← બીક કોની, મા તને? સિંધુડો
કાલ જાગે
ઝવેરચંદ મેઘાણી
કવિ તને કેમ ગમે →


​

કાલ જાગે!

જાગો જાત ક્ષુધાર્ત ! જાગો દુર્બલ અશક્ત
⁠ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે;
ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ!
⁠નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે.
પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય.
⁠રક્તે ધોવાય, જાલિમોનાં દળ ભાગે;
જાગો, જુગના ગુલામ! દેખાયે દિવ્ય ધામ :
⁠ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે-
⁠દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે.

નવ જોઇએ ધર્મપાલ, સ્વર્ગાસનધર કૃપાલ,
⁠પશુના ગોવાલ સમનિયંતા નવ જોઇએ;
માનવસંતાન સર્વ, મોડી ગર્વીના ગર્વ,
⁠મુક્તિને પર્વ મેળ મનના મેળાવીએ.
લૂંટણહારાની લૂંટ, લેશું આ વાર ઝૂંટ,
⁠કૂટ કૂટ બેડી લોક-પ્રાણ કેદ ત્યાગે;
જાગો, રે જનસમાજ, અરિને કરવા અવાજ;
⁠ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે-
⁠દેવા પાપીને દંડ ઘોર કાલ જાગે.

સત્તા-નિયમોની જાલ, ધારા કેરી ચુંગાલ,
⁠ભોળા કંગાલ કાજ ફાંસલા પસારે;
ધનિકો મ્હાલંત મુક્ત, ગરીબોનાં લાલ રક્ત
⁠સત્તાના ભક્ત આજ શોષે કરભારે.
બહુ દિન દાસત્વ સહ્યાં, જીવન નિર્વીર્ય થયાં,
⁠બંધુત્વે વહ્યા પ્રાણ નવરચના માગે;
જાગો, જાગો, ગુલામ ! આવી પહોંચ્યાં મુકામ
⁠ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે-
⁠દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે.

પૃથ્વી પર રાજ કોનાં ? સાચાં શ્રમજીવીઓનાં,
⁠ખેડૂનાં, ખાણિયાનાં ઉદ્યમવંતોનાં;
રંકોનું રક્તપાન પી પીને પે'લવાન
⁠બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના:

​

ગર્વોન્નત ગરુડ-બાજ ભક્ષક ઓ પંખીરાજ !
⁠તમ વ્હોણો સૂર્યકાલ તપવું નહિ ત્યાગે;
જાગો, શ્રમજીવી લોકો, ત્યાગો તંદ્રા ને શોક:
⁠પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે.

[૧૯૨૯]