સિંધુડો/તરુણોનું મનોરાજ્ય

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← યજ્ઞ-ધૂપ સિંધુડો
તરુણોનું મનોરાજ્ય
ઝવેરચંદ મેઘાણી
વીર જતીન્દ્રનાં સંભારણા →
[ઢાળ : ચારણી કુંડળિયાનો]


ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે;
રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે ?

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ !
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ !
કેસરી વીરના કોડ હરશો નહિ !
મત્ત યૌવન તણી ગોત કરશો નહિ !

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય
લાતો ખાધી, લથડિયાં - એ દિન ચાલ્યા જાય:

લાત ખાવા તણાં દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં;
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :

લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું;
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું :
આજ યૌવન ચહે એહ વિધ જીવવું
[૧૯૨૯]

-૦-