સિંધુડો/ભીરુ
Appearance
< સિંધુડો
← તરુણોનું મનોરાજ્ય | સિંધુડો ભીરુ ઝવેરચંદ મેઘાણી |
વીર જતીન્દ્રનાં સંભારણાં → |
ભીરુ
‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’
કાયરો એ અહંકાર ધરતા;
મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં
લાખ શત્રુને રક્તે નિતરતા.
તું રિપુહીન હોવાની શેખી મ કર !
બંધુ ! નિર્વીર્ય એ દર્પ ગાવે ;
બ્હાદુરો સત્યને કાજ નિર્મમ બની,
મિત્રની શત્રુતાયે વધાવે.
દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી,
તેં નથી, મિત્ર, શું ઘાવ કીધા ?
જૂઠડી જીભ પરથી શપથ-શબ્દને
તેં નથી, મિત્ર, શું ધૂળ કીધા ?
ધર્મને વેશ પાખંડ પૂજાય ત્યાં
બંધુ ! શું ખડગ લૈ તું ન ધાયો ?
સત્યનાં સ્વાંગ પે'રી ઊભું જૂઠ ત્યાં
ઝૂઝીને, મિત્ર, શું નવ ઘવાયો ?
સૌમ્ય તું ! ભલો તું ! સંત ભદ્રિક તું !
-ભાઈ, એ છે બધી તારી ભ્રમણા !
રંક તું, દીન તું, ભીરૂ કંગાલ તું -
સ્વાદ ચાખ્યા નથી તેં જખમના.