સિંધુડો/સ્વતંત્રતાની મીઠાશ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  કવિ તને કેમ ગમે સિંધુડો
સ્વતંત્રતાની મીઠાશ
ઝવેરચંદ મેઘાણી
યજ્ઞ-ધૂપ →
[ઢાળ: ઊડી જા તું, ગાફિલ ભમરા ! તારે અંતરે શી આંટી પડી.]


તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી !

મુરદાં મસાણેથી જાગતાં - એવી શબ્દમાં શી સુધા ભરી !

પૂછી જોજો કોઈ ગુલામને-
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને :

એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન!’ - શી ઓ હો સુખની ઘડી !
એની આંખ લાલમલાલ : છાતીમાં છોળો છલકાઈ પડી !
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦

એને ભાન મુક્તિ તણું થયું :
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું ?
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું :

એના મસ્તકે નમવાનું ભૂલી આભ શું માંડી આંખડી,
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦

પડું કેદખાનાને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપ તણી ગડે:

તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦

કાળી રાત ચોગમ ઘૂઘવે,
લાખો શાપ બંધુજનો લવે,
વા'લા વેરી થૈ રોવે-મૂંઝવે :

છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી;
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી.
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦

મારા દેશનાં સહુ શોષિતો,
દુનિયાનાં પીડિતો-તાપિતો
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો :

એનાં ભૂખ્યાં પેટ છતાં એને, કેવી મોંઘી તું, કેવી મીઠડી !
એનાં બેડી બંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી !
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦

-૦- [૧૯૩૦]