સુભાષિતો:જ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
 1. જનની જણ તો ભક્તજન કાં દાતા કાં શૂર
  નહિ તો રહેજે વાંઝણી રખે ગુમાવે નૂર

 2. જગતની ભુલભુલામણીમાં રખે, બાપુ ! ભૂલો પડતો,
  જજે શેર-શો જીવનપંથે, સીધો ઈતિહાસને ઘડતો (ન્હાનાલાલ)

 3. જાનમાં કોઈ જાણે નહિ કે હું વરની ફુઈ
  ગાડે કોઈ બેસાડે નહિ ને દોડી દોડી મૂઈ

 4. જીત્યે વધતું વેર, હાર્યાને નિદ્રા નહિ,
  સદાય એને લે’ર, (જે) હારે કે જીતે નહિ (ધમ્મપદ)

 5. જીવનના ચોપડે સઘળા હિસાબો થઈ જશે સરભર,
  જમા રાખો ‘તું હી તું’, ને બીજી બાજુ ઉધારો ‘હું.’

 6. જુઠું કદીન બોલવું, ત્યજવું આળશ અંત,
  હળી મળીને ચાલવું, રાખવો સારો સંગ.

 7. જે ઊગ્યું તે આથમે જે ફૂલ્યું તે કરમાય
  એહ નિયમ અવિનાશનો જે જાયું તે જાય

 8. જે જાય જાવે તે કદી ન પાછો આવે
  જો પાછો આવે તો પોયરાનાં પોયરા ખાવે

 9. જે તુજથી ના થઈ શકે, પ્રભુને એ જ ભળાવ,,
  પાણિયારું નહિ પ્રભુ ભરે, ભરશે નદી-તળાવ (દલપતરામ)

 10. જેને જેનું કામ નહિ તે ખરચે નહિ દામ,
  જો હાથી સસ્તો મળે, ગરીબને શું કામ ?

 11. જોઈ વહોરિયે જાત મરતાં લગ મેલે નહિ
  પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહિ


 12. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ
  જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી