સુભાષિતો:ન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
 1. નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય,
  ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.

 2. નહીં આદર નહીં આવકાર નહીં નૈનોમાં નેહ
  ન એવા ઘેર કદી જવું ભલે કંચન વરસે મેઘ

 3. નામ રહંતા ઠક્કરાં નાણાં નવ રહંત
  કીર્તિ કેરા કોટડાં પાડ્યા નવ પડંત

 4. નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય,
  જુઓ, ત્રાજવું તોલતાં નમતું ભારી હોય.

 5. નિચોવી અંગ એ નિજનું જીવનરસ અર્પતી આવી,
  સહનશીલતા ધરાની એ, જીવનમાં નિત શીખું છું.

 6. નિજ ઘરનું, પરનું વરે, ત્યાં તેવો મન-રંગ,
  દરજી પહોળું વેતરે, મોચી વેતરે તંગ.

 7. નિત્ય જવું નિશાળમાં, ભણવું રાખી ચિત્ત
  ગુરુની શિક્ષા માનવી, એવી રૂડી રાખો રીત.

 8. નિર્લજ્જ નર લાજે નહિ, કરો કોટિ ધિક્કાર,
  નાક કપાયું તો કહે : ‘અંગે ઓછો ભાર !’

 9. નિશા-નિરાશા ટળશે કાળી, ઉષા ઊજળી ઝગશે,
  આજ ડૂબ્યો સવિતા તે શું નહિ કાલ પ્રભાતે ઊગશે ?

 10. નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય
  શત લાંઘણ જો સિંહ કરે તો ય તૃણ નવ ખાય