સુભાષિતો:મ
← સુભાષિતો:બ | સુભાષિતો સુભાષિતો:મ - |
સુભાષિતો:શ → |
• મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું માંદુ
• મધ ,આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર
• મન મક્કમ, મજબૂત જેમનાં હૃદય વિશાળ મહાન,
સાચી શ્રદ્ધા સાથ બાવડાં કામગરાં બળવાન.
• મર્યાદા મૂકે નહિ, સજ્જન લડતાં કોઈ,
જ્યમ કુલવંતી નારીનું હસવું હોઠે હોય.
• મહેમાનોને માન દિલ ભરીને દીધાં નહિ
એ તો મેડી નહિ મસાણ સાચું સોરઠિયો ભણે
• મા પડ મારા આધાર ચોસલાં કોણ ચડાવશે
ગયા ચડાવણહાર જીવતા જાતર આવશે
• માગણ છોરું મહીપતિ ચોથી ઘરની નાર
છતઅછત સમજે નહિ કહે લાવ લાવ ને લાવ
• માગ્યા સમી જગતમાં ચીજ એક પ્રીતિ,
માગ્યે કદી નવ મળે ચીજ એય પ્રીતિ.
• ‘મારું, તારું’ કરે તેને લોકો કહે, ‘મારું, મારું.’
‘તારું, મારું’ કહે તેને લોકો કહે, ‘તારું, તારું.’
• માર્ગને મંઝિલ અગર જો હોય તો તે ત્યાં જ છે,
ચાલનારાનાં ચરણ ને પંખીઓના પગ સુધી.
• માહ મહિનાનું માવઠું, જંગલ મંગલ ગીત,
સમય વિનાનું બોલવું, એ ત્રણ સરખી રીત.
• મિત્ર એવો શોધવો, જે ઢાલ સરીખો હોય
સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય
• મુખ મોરો માથે મણિ, ઝેર તજ્યું નહિ નાગ,
સંગત છતાં સુધર્યો નહિ, મોટું તેનું અભાગ.
• મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે તો જ ચમક પરખાય.
• મૂરખને મોભો નહિ, કાસદને નહિ થાક,
નિંદકને લજ્જા નહિ, નકટાને નહિ નાક.
• મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;
ઘોડો ભાંગ્યો ખેડતાં,એને નહીં સાંધો નહીં રેણ
• મૈત્રી કે પ્રીતિને કાજે છે નાલાયક દુર્જન,
અંગારો બાળતો ઊનો, ઠંડો કાળું કરે તન.