સુભાષિતો:સ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
 1. સજ્જન વનવેલી ભલી, કરે ઝાડ-શું પ્રીત,
  સૂકે પણ મૂકે નહિ, એ સજ્જનની રીત

 2. સબળાથી સૌ કોઈ બીએ, નબળાને જ નડાય,
  વાઘ તણો માગે નહિ ભોગ ભવાની માય.

 3. સભા વિશે જઈ બેસવું, જ્યાં જેનો અધિકાર,
  ઝાંઝર શોભે ચરણમાં, હૈયા ઉપર હાર.

 4. સર્વ દિવસ સરખા નથી, દુ:ખદાયક પણ કોઈ,
  સુખ ભોગવીએ સર્વ તો દુ:ખ પણ લઈએ જોઈ.

 5. સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ
  ન હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

 6. સાચી પ્રીત શેવાળની જળ સૂકે સૂકાય રે
  માંયલો હંસલો સ્વાર્થી જળ સૂકે ઊડી જાય

 7. સુખ-સમયમાં છકી નવ જવું; દુ:ખમાં ન હિંમત હારવી;
  સુખ-દુ:ખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.

 8. સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
  જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.

 9. સૂતેલ હોય તો બેઠો થઈ જજે, બેઠો ઊઠજે અધીર,
  દૂરને મારગ પાંખ્યું વીંઝજે, છૂટ્યું આવે જેમ તીર.

 10. સૂર્ય-રશ્મિ-પંથમાં વાદળ ભલે વચ્ચે પડે,
  ખીલતા ફૂલને કદીયે મ્લાન મેં દીઠું નથી.

 11. સેણ સગાયું કીજીએ, જેવી કુળની રીત,
  સરખેસરખાં ગોતીએ, વેર, વેવાઈ ને પ્રીત

 12. સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
  રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.