સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/ક્રૂર આચરણો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બહારવટીઆનાં કાવ્યો સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
બહાવરવટીઆની મીમાંસા - ક્રૂર આચરણો
ઝવેરચંદ મેઘાણી
માનવ હૃદયનો મહાપ્રશ્ન →


ક્રૂર આાચરણો

હારવટીઆઓનાં ઉચ્ચ તત્ત્વો બતાવી દીધા પછી આ હકીકત તો ઉભી જ રહે છે : ગામ બાળવાં, ખેડુતોનાં માથાં વાઢી ધીંસરાં કરવાં, વેપારીઓના ચોપડા બાળવા, નિર્દોષોને લૂંટવા, ન આપે તેને મારવા : એ બધું પ્રત્યેક બહારવટીઆના જીવનમાં વત્તાઓછા પ્રમાણમાં થયા જ કર્યું છે. પરંતુ તેનો એક જવાબ છે. બહારવટું એટલે શું ? પેાતાનો ગરાસ ઝુંટવનાર પ્રબલ રાજસત્તા સામે શત્રુતા જાહેર કરવી : લડાઇ જાહેર કરવી : અને લડાઈ એટલે શું તે આજના સરકારી યુગમાં પણ આપણાથી અજાણ્યું નથી. એક સત્તા સામી સત્તા ઉપર હરકોઈ ઈલાજે એવું દબાણ લાવે કે સુલેહ કરવાની એને ફરજ પડે : એ લડાઈની નેમ છે, એ નેમને અનુસરનારાં યુદ્ધગામી રાજ્યો આજ પણ સદોષનિર્દોષનો વિચાર નથી કરતા. એ તો શત્રુના સમગ્ર રાજને, એટલે કે રાજા તેમજ પ્રજા બન્નેને શત્રુ ગણે છે. શત્રુ રાજ્યના તમામ પ્રજાજનોને પોતાને ઘેર નજરકેદ રાખે છે, એની સંપત્તિ કબ્જે કરે છે, વગેરે બધુ આજના યુગે પણ આવશ્યક ગણેલું યુદ્ધનું નીતિતત્ત્વ છે. હવે આપણે બહારવટીઆના આચરણ તપાસીએ : એમનામાં સ્વયંભૂ કામ કરી રહેલી મનોવૃત્તિને પકડીએ : એ યુદ્દે ચડ્યા, તો પોતાના બરાબરીઆની સામે નહિ, પણ સોગણા પ્રબુદ્ધ શત્રુઓની સામે. પોતાની પાસે લાવ-લશ્કર તો નહોતું. છતાં શત્રુ પેાતાના અન્યાયનો પ્રતિકાર કરે એવું ઉગ્ર દબાણ તો તેઓને શત્રુની ઉપર આણવું જ હતું. એને મન કેવળ રાજ જ નહિ, પણ એ રાજશાસનમાં શામિલ રહેતી, આધીન રહેતી, એના રક્ષણ થકી આબાદાની ભોગવતી તથા એ રાજશાસનને કરવેરા ભરી નિભાવી રાખતી સમગ્ર પ્રજા સુદ્ધા શત્રુ હતી. માટે તેના પર પણ ભીંસ લાવવી એ તેઓની યુદ્ધનીતિને મંજૂર હતું. જેમ રાજસત્તાઓ બહારવટીઆનાં સગાંવહાલાને પરહેજ કરી તેના ગીરાગરાસ ખાલસા કરે, તેના મળતીઆઓને રીબાવે, તેમ બહારવટીઆ પણ રાજસત્તાની જમીન વાવવા લણવા ન દે અને બીજી હજાર રીતે સત્તાને ગુંગળાવી મૂકે, કે જેને પરિણામે રાજને સુલેહનાં નોતરાં આપવા સિવાય અન્ય રસ્તો જ ન રહેવો જોઈએ. જોગીદાસ ખુમાણે પેાતાની જ આંચકી લેવાએલી જમીન એ આંચકનાર રાજ્ય તરફથી ખેડૂતોને ખેતી માટે અપાતી જોઈ, ખેડાતી જોઈ, એટલું જ નહિ પણ કુંડલા ઉપર છેક રાજુલાથી દરબારી તોપખાનું ઢસડી લાવનાર પણ એ ખેડૂતોને જ દીઠા. જોગીદાસે કહ્યું કે આ ખેડુને હું કેમ ખેડવા આપું ? પોતાની જમીન પર બહારવટીઓ શત્રુરાજને કેમ નભવા આપે ? રાણા પ્રતાપે શું કર્યું હતું ? મેવાડની ધરતીમાંથી મેાગલના ખજાનામાં એક પૈસા પણ ન જવા દઉં : કોઈ ખેડી તો ન શકે, પણ બકરાં યે ચારી ન શકે : એક ગોવાળે બકરાં ચાર્યાં : રાણાએ એનું માથું ઉતારી રાહદારી રસ્તા પર લટકાવ્યું : આ નીતિ તે બહારવટાની યુદ્ધ-નીતિ. Everything is fair in love and war, એ એનો સિદ્ધાંત : અધર્મ આચરનાર રાજસત્તાનું એકેએક અંગ પીંખી નાખવું એ યુદ્ધધર્મ : બેહોશ બની, તોબાહ પેાકારી ખુદ વસ્તી જ રાજા પર દબાણ લાવે, ને રાજા બહારવટીઆ પ્રત્યે આચરેલો પોતાનો અનર્થ નિવારે. એ એનો અંત.

આજે પણ યુદ્ધ-નીતિ તો એ જ છે. જે યુદ્ધમાં હિંસા મંજુર છે તેની યુદ્ધનીતિ તો એ જ છે : એટલે કે સામી હિંસા ચલાવવી : ને બીજા કેટલાક જે યુદ્ધ અહિંસાના પાયા પર મંડાય છે તેની પણ યુદ્ધનીતિ તો એ જ છે : બળવે ચડેલા ખેડુની ખાલસા જમીનો ખરીદ કરીને તે પર ખેડવા આવનારની સાથે ઉગ્ર અસહકાર : વિના માર્યે, વિના તલવાર એ માણસ મરે : એને મારવાની તલવારો જૂદી : એટલું જ બસ નથી. એ રાજતંત્રમાં સહાય કરનારા તટસ્થ લોકોએ પણ રાજીનામાં આપી રાજસત્તા પર દબાણ લાવવાં જ જોઈએ. નહિતર તેઓના ઉપર સામાજીક બદનામી ઉતરે. ને સામાજીક બદનામી એટલે ? civic death! બહારવટીઆ આવી સંસ્કારી, અહિંસાત્મક અને સૂક્ષ્મ રીતિઓ જાણતા નહોતા. કોઈ જ તે દિવસે નહોતું જાગતું. એટલે તે દિવસ Physical death, physical disabilities, શારીરિક મોત ને નિરાધારી ઉપજાવવાં, એ જ અંતિમ સાધન હતું. શત્રુની સાથે સહકાર દેનારા તમામ સંજોગોને રદ કર્યા વિના આરોવારો નહોતો.

ભીમા જતે એક સંધીની દગલબાજીનો કિનો લેવા તમામ સંધીની કતલ કરી : જોગીદાસે કુંડલાની ચોરાસીમાં ખેડવા આવનાર કણબીઓનાં ધીંસરાં કર્યાં : વાધેરોએ પોતે પચાઉગીર માનેલા ગાયકવાડ સાથે સહકાર કરનારાં તમામ સોરઠી રાજ્યોમાં લૂંટો ચલાવી : એ બધાંની પાછળ અવ્યક્તપણે આનો આ જ યુદ્ધ-નિયમ ઉભો છે.

અને ફ્રાંસ તથા રશીઆના વિપ્લવવાદીઓએ એનાં રાજારાણી, અથવા અમુક ઉમરાવો ને પુરોહિતોના જુલમને કારણે સમગ્ર રાજકુલો, ઉમરાવકુલો તેમજ પુરોહિત-સંઘો કાપી નાખ્યા, તેની પાછળ પણ સિદ્ધાંત તો એ જ છે. ભેદ એટલો જ છે કે આંહી બહારવટીઆનાં એકાદ ઘર અથવા એકાદ વંશ પર અધર્મ ગુજરેલો, ને ત્યાં સમસ્ત પ્રજા ઉપર વૈર વાળવાની વૃત્તિ તો એક હતી. રાજતંત્રને અશક્ય બનાવવાની જ એ રીતિ હતી.

હવે વિચારીએ સંજોગોની વાત : લૂંટ એ અધર્મ છે, અમાનુષીપણું છે, એ ભાવનાનું ભાન એ યુગમાં જીવન્ત નહોતું. કોઈ મોટો વિપ્લવ આવે, અને પ્રત્યેક જણ પોતાને ભાગે વધુમાં વધુ લઈને બેસી જાય, તેવો સમય આવી ગયો હતો. કોઈ મોટું રાજ્ય પણ પોતાની ઈશ્વરદત્ત જમીન લઈને આંહી નહોતું આવ્યું. તમામે આવી આવીને શક્તિ અનુસાર જીતી લીધું. કોઈને કળવકળ વધુ આવડ્યાં તો અન્યને એાછાં સૂઝ્યાં. પણ વિજેતા મોટો લુટારો હતો ને બહારવટીઓ નાનો લુટારો. એટલે Sanctity of possession માલીકીહક્કની પવિત્રતા-એ ભાવ અણખીલ્યો જ હતો, નહોતી કોઈ પ્રબલ ધર્મશક્તિ, કે નહોતી કોઈ સબલ સામાજીક ભાવના. અહિંસાનું વાતાવરણ તો શુન્યવત જ હતું. અહિંસાની લડત હોઈ શકે કે કેમ, તેની છાયા ય કોઈની કલ્પનામાં નહોતી. નહોતી રાષ્ટ્રભાવના. હતાં કેવલ કુલભાવના ને કુલધર્મ. કવિ ન્હાનાલાલ કહે છે તેમ સહુ એકલવિહારી વનરાજો હતા. કોઈ અન્ય રાજયસત્તાને પેાતાના પર ધર્મ રાજય અથવા ન્યાયશાસન ચલાવવા આવેલી ચક્રવર્તી સંસ્થા તરીકે સ્વીકારવા તેઓ તૈયાર નહોતા. એટલે નિરંતર એક જ વૃત્તિ તેઓને ઉચિત તથા ધર્મ્ય લાગી : કે બળીઆ થવું. બેશક, બથાવી પાડવું : Self aggrandisement : એ વૃત્તિ હતી માટાં રાજ્યોની. તેની સામે બહારવટીઆનો બોલ એ હતો કે Live and let live : તું તારૂં ખા, મને મારૂં ખાવા દે.

આ બોલ જ્યા જ્યાં ન ઝીલાયા, ત્યા ત્યાં યુદ્ધનો અગ્નિ ઝર્યો. જે ફાવ્યો તે આજે વિજેતા ગણાયો, ન ફાવ્યો તેના લલાટમાં 'લુંટારો' શબ્દ લખાયો. વિજેતાનાં વિરાટ સૈન્યોએ તેમજ બહારવટીઆએ, બન્નેએ કરી તો કતલ જ. પણ બન્નેના કૃત્યો વિષે ભાષા-પ્રયોગ ભિન્ન થયા. ઉલટું લોકવાયકા બહારવટીઆના આચરણનો જે ચિતાર આપે છે, તેમા તો પેલા વિજયી સૈન્યના સંહારચિત્ર જેટલા લાલ રંગો નથી જ દેખાતા. બહારવટીઓ પોતાની લુંટફાટમાથી મૂડી ભરીભરી બીજે હાથે દેતો જતો, પરમાર્થે વાપરતો, ગજાસ પત જ એ ઉપાડી જતો. અને અન્યના કાયદા ઉથાપતો પણ પોતે પોતાને કાજે કરેલા નેકીના નિયમો તો જીવ સાટે પણ ન ઉલ્લંઘતો. બીજી બાજુ વિજેતાનાં દળકટક જ્યાં થઈને હાલતા યાં ધરતીનું પડ ઉજ્જડ વેરાન બનાવી દેતાં; સ્ત્રીઓ, બાલકો કે ધર્મસ્થાનકો પ્રત્યનો વિવેક ન રાખતાં. આજે યુગ બદલાયો છે. શાંતિ, સ્વસ્થતા, સત્તા, કાયદો, અહિંસા, ભાતૃભાવ, અને નિ:શસ્ત્રીદશા : એ તમામનું વાતાવરણ આપણી ચોપાસ ઘનિષ્ટ બની છવાઈ ગયુ છે. આજે એકાદ માણસને એક જ જખ્મ જોતાં આપણને અરેરાટી છૂટે છે, એકાદ માણસ ધીંગાણે મરતાં આપણે કોચવાઈએ છીએ. પણ યુગેયુગની હિંસા તો ચાલુ જ છે. માત્ર ચાલુ હિંસા પ્રત્યે આપણી દૃષ્ટિ ટેવાય છે; એટલે જ ખાણોમાં ને કારખાનાંમાં ચાલી રહેલા લાખો નિર્દોષોનો સંહાર અત્યાર સુધી આપણી નજર પણ ખેંચતો નહોતો. આપણે એજ ખાણના કોલસા કે સોનારૂપા, ને એજ કારખાનાનાં મલમલ ઇત્યાદિ સેંકડો પદાર્થો પ્રેમથી પહેરીએ એાઢીએ છીએ. એજ મૂડીદાર સંહારકો આ યુગના ઉદ્યોગવીરો બની આપણું સન્માન પામે છે. બહારવટીઆઓએ આટલી કતલ કે લુંટફાટ તો કદાપિ કરી જ નથી. ને જેટલી કરતા તેટલી પ્રગટપણે દિલનો સંકલ્પ છુપાવ્યા વગર કરતા. તેમજ તેઓની સામે થવાનું પડ પણ સહુને માટે ખુલ્લું હતું. કોઈ કાયદો એને ઓથ નહોતો દેતો. એ નિખાલસપણું અને સાફદિલી હતા તે કારણે જ તેમાંથી અન્ય નેકીના સંસ્કારો આપોઆપ કોળ્યા હતા. લુંટફાટ હતું એ યુગનું યુગપૂરતું લક્ષણ, અને આ બહારવટીઆ બનનાર વ્યક્તિ એનું ચિરંજીવી લક્ષણ તો હતું chivalry–પ્રેમશૈાર્ય : એ ચિરંજીવી હતું અને બલવાન હતું. વળી હતું સ્વયંભૂ. એમ ન હોત તે કાઈ ધાર્મિક સંસ્કારના અભાવે, કોઈ ઉચ્ચ રાજનીતિશાસ્ત્રના અધ્યયન વગર, અને કોઈ નીતિશાસ્ત્રના સંસર્ગ સિવાય એ શી રીતે પ્રગટ થાત ? ને પ્રગટ થયા પછી આવા વિઘાતક જીવનપ્રવાહ વચ્ચે શી રીતે એની ડાળીઓ મ્હોરી હોત? પરનારી પ્રત્યેનું અદ્દભૂત સન્માન, બ્રાહ્મણ,સાધુ પ્રત્યે દાનવૃત્તિ, શત્રુ પ્રત્યે વીરધર્મ, વગેરે વસ્તુઓ પ્રકૃતિગત બદમાશીમાંથી ન નીપજે. ક્ષારભૂમિમાં સુગંધી ફુલો ન ફૂટે.

આપણે એની મનોદશાનો વિચાર કરીએ.

૧. બીનગુન્હે પોતાની જમીન ઝુંટવી લેનાર બળીઆ રાજની અદાલતને બારણે ધક્કા ખાધા પછી પણ એને ઈન્સાફ ન મળ્યો ત્યારે એનો આત્મા ઉકળી ઉઠ્યો.

૨. ચારે દિશામાં નજર કરતાં કોઈ એને ઈન્સાફ અપાવે તેવું ન દેખાયું. ઉલટું રાજકોટની એજન્સી સત્તાએ તો હમેશાં મોટા રાજ્યોનો જ પક્ષ લઈ એ નાનાને પાયમાલીને છેલ્લે પાટલે મૂકી દીધો. ૩. અન્યાયનો ઘુંટડો એ ખુન્નસભર્યો, ખમીરભર્યો, સ્વમાની અને ટેકીલો ગરાસીઓ કેમ કરીને ગળી જાય ? ગળી: જાય તો એની મર્દાનગી શા ખપની ?

૪. એ ઉઠ્યો : મરવા મારવાનો નિશ્ચય કરીને ઉઠ્યો : એણે પોતાનાં પ્યારા બાળબચ્ચાં કોઈ પરાયાં ઘરને ભરોંસે ભળાવ્યાં. એણે પોતાના વહાલા ઘર તરફ પીઠ વાળી : 'turned his back on the homestead where his families lived for centuries.' અને વેરાનમાં ઘર: કર્યું.

૫. એ શા કારણે ? શા પરિણામની આશા કરીને ! જીતવાની કે જીવવાની નહિ, પણ મૃત્યુ વડે, પોતાના શોણિતાક્ષરે અન્યાય સામે અવાજ દેવાની. યાદ કરો હીપા ખુમાણનું વચન : “મારે તો પાલીતાણાના દરબારગઢમાં મારો રણસંગો ખોડાવવો છે !” બહારવટીઓ વૈભવ માણતો નહોતો. સાત સાત લાંઘણો સહેતો. રાત- દિવસ ૫હાડો ને નદીઓમાં ભાગતો ને સંતાતો. ઘાયલ થતો. પીડાતો. અનોધા કષ્ટ સહેતો. બાળબચ્ચાંના લાંબા વિજોગ સહેતો, અને ક્યાં ક્યાં સુધી ? બાર બાર. ચૈાદ ચૈાદ વર્ષના અથવા સદાના એ વસમા દેશવટા હતા. અને છેવટે એના મિત્રો દ્વારા જ રાજસત્તાની કુટિલ દગલબાજી, વિષથી, કતલથી કે આગ વડે એના જીવનનો કરૂણ અંત આણતી.

૬. અને પેાતાના અન્યાયનો પ્રતિકાર કરાવવા અથવા તો બદલો લેવા માટે સૈન્યની જરૂર હતી. એની પાસે રાતી પાઈ નહોતી. લોકોએ એ સૈન્ય નભાવવું જ પડે એ એની વિચારણા હતી. શિવાજીએ પોતાની ફોજ સુરતની લૂંટ ઉપર, એક નહિ પણ સાત સાત વારની લુંટ પર નભાવી. એ છત્રપતિ, ક્રાંતદશ, શાસક, નિયામક અને મરાઠી મહારાજ્યનો સ્થાપક તો લુંટફાટમાંથી સાધનો મેળવ્યા પછી થએલો.

૭. એણે લૂંટો કરીને ધન સંઘર્યું નહિ. પોતાનાં સ્નેહી સંબંધીઓને નિહાલ કરી ન દીધાં. [ રામવાળાએ પોતાની બહેનોને કહેવરાવ્યું મનાય છે કે “રગતનો પૈસો તમને નહિ ઝરે. માટે હું તમારા સારુ લુંટ નહિ કરૂં. ] માત્ર પોતાનો ટકાવ કરી, બાકીનું ખરાતમાં દીધું.

૮. એનાં બાળબચ્ચાં ને સગાંવહાલા પર જુલ્મ અને અપમાન ગુજરતા. એની પોતાની સામે પણ શત્રુરાજ્ય એકલું જ નહોતું, પણ અન્ય મિત્રરાજ્યો, બહારની સત્તાઓ વગેરેનાં જૂથ જામતાં. એથી બહારવટીઆની અકળામણ વધતી, ખુન્નસ વધુ તપતું, ઘાતકી મનસૂબા ઉ૫ડતા.

૯. શત્રુ પ્રત્યેની દાઝ જેમ વખતોવખત ક્ષમા અને ખેલાડી- નીતિની કક્ષાએ ચડી વંદનીય બનતી. તેમ કોઈ વખત કિન્નાનું સ્વરૂપ ધરી ભીમાજતની માફક, એક જ સંધીની દગલબાજીનો બદલો લેવા આખી સંધી કોમની કતલનું કરુણાજનક સ્વરૂપ ધરતી. એ બલિષ્ટ માનવીનું આ બધું વિલક્ષણ અને વ્યક્તિગત સારૂંમાઠું માનસ હતું.

૧૦. વેપારીના ચોપડાઓને આગ લગાડવામાં રહેલી એની વિવેક- ભૂલી દાઝની પાછળ ગામડાંના વેપારી સમૂદાયની મૂડીદાર-નીતિ ઉભી હતી. ગામડાંનો વેપારી કેવળ 'બમણાં ત્રમણાં નાણા' કરીને જ જીવતો. અજ્ઞાન અને ભોળી ગ્રામ્ય કોમોને બુદ્ધીની જળો મૂકી એ ચૂસી લેતો. ઘણી વાર રાજસત્તાની સાથે લાંચરુશવતથી લાગવગ લગાડી વિચિત્ર સંજોગોમાં ગરાસીઆ ઉપર જપ્તી લાવતો. આજ પણ ખેડુ તથા ગીરાસીઆની બરબાદીની તવારીખમાં મોટો કુ–યશ વેપારીને નામ જમા થાય છે. એ આખો ઇતિહાસ અત્યંત ત્રાસજનક છે. એ કુટિલતાની સામે કણબી ખેડુનું ઠંડુ લોહી ઉકળી શકતું નહિ, જ્યારે લડાયક સંસ્કાકારવાળા ગરાસીઆની અડબૂત આખો વિફરીને આ રીતે વૈર વાળતી : “લાવો ચોપડા બાળી દઇએ, એટલે બિચારા કૈંકને સુખ થઈ જાય !” એ એનું બથ્થડ સૂત્ર હતું.

૧૧. પરંતુ જ્યાં પ્રબલ અને પ્રમત્ત ઊર્મિઓનાં ધમસાણ બોલતાં, જ્યાં વીરત્વનું સ્વરૂપ રૌદ્ર બની જતું. જ્યાં જીંદગીને બાજીમાં હારી જવાનો તોતાર જાગતો, જ્યાં વેદનાના પછાડા ચાલતા, ત્યાં પ્રત્યેક પગલે જૈન વીતરાગના જેવી અહિંસાની દૃષ્ટિ જાળવવી અશક્ય હતી, ત્યાં, ખાસ કરીને મારફાડના યુગમાં, પ્રત્યેક માનવ-જીવનનું મૂલ્ય અાંકવા બેસવું અસંભવિત હતું. પગલે પગલે જો આ પુરુષો આવી કોઈ અસાધારણ વિવેકબુદ્ધિ વાપરીને જ ચાલ્યા હોત, તો આપણે એને પરિપૂર્ણ વીરત્વના આદર્શ પદે સ્થાપી શકત, પરંતુ આદર્શ વીરત્વ, પરિપૂર્ણ અને પરિશુદ્ધ વીરત્વ તો આપણે નત્ય જેને રટીએ છીએ તે રામાયણ મહાભારતમા ય મળવાં દુષ્કર છે, માટે જ આપણે બધી પરિમિતતા લક્ષ્યમાં લઈ એટલું જ ઉચ્ચારી શકીએ કે તેઓ-બહારવટીઆઓ બહાદુર હતા; પણ “Heroes in making ” હતા.

Heroes in making : હા, શિવાજીને રામદાસ ગુરુ ને જીજાબાઈ માતા મળ્યાં, માટે એ રાજા બન્યો, શાસક બન્યો, જોગીદાસને રામ દાસ નહિ પણ મુરાદશા મળ્યો. જોધા માણેકને કોઇ ન મળ્યું. જેસા- વેજાને માગડો ભૂત મળ્યો, બાવાવાળાને દાનો ભગત મળ્યા. કોઈને રામદાસનો મણિસ્પર્શ ન થયો. નહિ તો એમાંના કોઇમાંથી પણ શિવાજીનું સ્વલ્પાશ સોનું સૈારાષ્ટ્રને સાંપડ્યું હોત. મહાનુભાવતાની ભારેલી ચીનગારીઓ કોઈ કોઈ વાર ઝબૂકી ગઈ. પણ એની સાથે લોક-સેવાની ભાવનાનાં ઇંધણનો સંપર્ક કરાવી, દિક્ષાની ફૂંક દેનાર કોઈ પરમ પુરુષ નહોતો. સૈારાષ્ટ્રમાં રામદાસ નહોતા, ગુરૂ ગોવિંદસિંહ નહોતા. વીરત્વની સોનાખાણના આ સુવર્ણને ઓગાળી માટીથી વિખૂટું પાડનાર કોઈ ભઠ્ઠીઓ નહોતી, એરણ ને ધણ નહોતાં. કારીગર કે કામીઆગર નહોતો. એની ક્રુર બહારવટા–નીતિમા સંસ્કાર ન આવ્યા તે માટે તો જગત સમસ્તના વીરત્વનો ઇતિહાસ જવાબદાર છે. અને આજે નિર્મલ વિવેકદૃષ્ટિને નામે છાપરે ચડીને બોલતો યુગ પોતે શું આચરે છે ? વાણિજ્ય, ઉદ્યોગ, રાજકારણ, વગેરેનાં ષડ્‍યંત્રોમાં લાખો સ્ત્રીપુરૂષો અને બાલકોનો દિવસરાત સંહાર બોલાવી, એનાં શોણિતને પૈસે કલા, ધર્મ, કેળવણી, સમાજસુધારો, સ્વાતંત્ર્ય ઈત્યાદિના ધુરંધર મુરબ્બી બની, દેશવીર બની અનેક લોકો પૂજાય છે. એની લંપટતા અને રક્ત ચૂસવાની કુનેહ આજે વીરત્વમાં ખપે છે. બહારવટીઆ હરગીઝ એ બધું જોઈને આજે પોતાને પૂણ્યશાળી માનત.

હવે કરીએ બીજી કોટિના બહારવટીઆની વાત : એમાં આવે છે વાલો નામોરી, મોવર સંધવાણી એકલીઓ વગેરે : જેને કાઈ રાજસત્તા સામે રોષ ફરીઆદ-grievance નહોતા. તેઓનાં બહારવટાં unprovoked-બીનઉશકેરાયલાં હતાં; અથવા કુટુંબકલહમાંથી, એકાદ કોઈ ગુન્હામાથી, કે પરસ્પપરના તંતમાથી પરિણમ્યાં હતાં. આની પાછળ શી મનોદશા હતી ? એ મનોદશા માત્ર ચોરીની અથવા લૂંટફાટની નહતી. ચોરીલુંટથી બહારવટું જૂદી જ વસ્તુ છે. બહારવટું એ જીવ- સટ્ટોસટ્ટની વાત છે. એમાં મૃત્યુ સિવાય અન્ય પરિણામ નથી. એમાં દેહદમન, પીડન, વિપત્તિઓ વગેરે બહુ હોય છે, વળી જ્યારે આવો લુંટારો પોતાના જીવનમાં નિજરચ્યા કેટલાક વસમા નેકી-નિયમો સ્વીકારી બેસે છે, ત્યારે એનાં કષ્ટો દુઃસહ બને છે. છતાં સત્તાને ચરણે પડી શાંત પ્રજાજન થવા કરતા તોફાને ચડી મૃત્યુની વાટ લેવી એને શીદ પાલવે છે? પોતે લુંટતો છતાં બીજી બાજુ ખેરાત કરી ફકીર રહેવું શીદ પસંદ કરે છે ? એનું કારણ છે Love for Romance: અદ્ભુતતાનાં તત્ત્વો સાથે ખેલવું એ એની ખુમારી હોય છે. પહાડો અને નદીઓ ૫ર જાતવંત ઘોડાં ઠેકવવાં : ગુફાઓ ને ગાળાઓમાં નિવાસ કરવો : ગામો ભાંગીને ગાયોને કપાસીઆ નીરવા, ચોરાસીઓ જમાડવી, ખેરાત ઉડાવવી : મૃત્યુના ઓછાયા આવરી રહ્યા હોય ત્યારે પણ દાંડીઆરાસ, રાસડા, જીંડારી, ઈત્યાદિના જલ્સા માણવા : સત્તાધીશોને સામેથી કહેણ મોકલવા : પોતાના નેજા ફરકાવવા : અરણ્યોની ઝાડીમાંથી કે નદીની ભેખડમાંથી ઓચીંતા બોકાની બાંધી દેખાવ દેવો : કોઈ અબળાને રક્ષણ આપવું : કોઈ ગરીબ બાપની દીકરીને કન્યાદાન દેવા ઓચીંતા લગ્ન-ચોરીમાં પ્રગટ થવું : કોઈ ગરીબ માણસની સવેલી કન્યાને પરણવા જનારા હરામીની જાન રોકી તેજ જાનમા એ સાચા ગરીબ વરને બેસારી પરણવા લઈ જવો : કોઇ રોટલા આપવા આવનાર બાઈને બ્‍હેનદીકરી કહીને નવાજેશ દેવી : કોઈ સાહેબની મડમને અંતરિયાળ રોકી, લુંટવાને બદલે ઉલટું બ્‍હેન કહી કાપડાના રૂપીઆ આપવા : કોઇ શુરવીર વાણીઓ પણ જો સામો થાય તો તેને બહાદૂર કહી જવા દેવો : બહારવટે છતાં બેધડક રાજસત્તાના ચોકીપહેરા ભેદી કરીને પોતાને ઘેર જઈ કુટુંબને મળવું : વરજાંગ ધાધલની માફક પોતાની વાટ જોતી ઘરની સ્ત્રીને કહેણ મોકલાવ્યા મુજબ જ મળવા જવા નીકળવું : નીકળતી વેળા અપશુકન થાય તેને ન ગણકારી અને પાદરમાં જ શત્રુઓ મળ્યા તેની સાથે ધીંગાણે રમી દેહ પાડવો : શત્રુને પેાતાને જ ગોળી ન મારતાં તેના ઘોડાના ડાબલા પર અથવા કમરના જમૈયા પર બંદુક આંટીને એને ચેતાવવો : સરકારી દફતરો બાળી નાખવા : આ બધુ Romance નું બલવાન તત્ત્વ છે. પુનીઓ ચારણ બસ એકલવિહારી બહારવટીઓ બનીને ચાલી નીકળ્યો, કોઈ સંગાથી જ એણે ન રાખ્યો, અને એકલવાયા ઘુમતા ઝુમતાં જ એણે ધીંગાણાં કર્યા, એ પરથી એને લોકોએ “એકલીઆ” ની પદવી દીધી. એ બધું જીવનની મસ્તી દાખવે છે. બેશક એમાં જંગલી તત્વ ઘણું ઘણું ભર્યું હોય છે. આવા તોરીલા, મોજીલા, વજ્ર શી છાતીવાળા. અડબૂત છતા ઉદાર, ઘાતકી છતાં દયાવંત, લહેરી છતાં ચારિત્રવંત, એવા અનેક બહારવટીઆની જીવન-કથાઓ યુરોપઅમેરિકામાં ય લખાઈ છે. સીનેમાના ચિત્રપટ પણ આકર્ષક રીતે ઉતરી છે. સ્પેનનો Goncho જાતનો લુંટારો એનું સુરેખ દૃષ્ટાંત પૂરૂ પાડે છે. Picturesque but baneful carrier : એ શબ્દો એને માટે સુયોગ્ય જ છે. પચરંગી પીડાકારી જીવનને કારણે જ એ માનવ–ધૂમકેતુઓ મૃત્યુની વાટે નીકળી પડે છે. એ લુંટારાપણું એની પ્રકૃતિ નથી. લુંટો કરીને એ પોતાનું ઘર ભરતા નથી. લુંટ એની લાલસા નથી. એ એની પ્રકૃતિ પરનું જાડુ પાતળું ઢાંકણ છે, નીચે હોય છે નેકીદાર હૃદય. એને ગમે છે સંધ્યાના રંગો. એની વાટને અંતે અંધારી મધરાત આવે છે. ત્યાં પેસવાના એને કોડ છે.