સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/બહારવટીઆનાં કાવ્યો

વિકિસ્રોતમાંથી
← અંગ્રેજો પર દાઝ સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
બહાવરવટીઆની મીમાંસા - બહારવટીઆનાં કાવ્યો
ઝવેરચંદ મેઘાણી
ક્રૂર આચરણો →


બહારવટીઆનાં કાવ્યો

જ્યાં જ્યાં વીરતા અને દિલાવરી ગઈ, ત્યાં ત્યાં લોકોની કવિતા પણ યશ ગાતી પાછળ ચાલી. બહારવટીઆનાં પ્રેમશૌર્યે કવિતાને આકર્ષી છે : યુરોપમાં પણ પ્રો. ગમીઅર લખે છે તેમ- "The outlaw, now as an humble poacher and now as an ideal champion of the rights of man against church and state, is a natural favourite of the ballad muse”- એ રીતે બહારવટીઓ કાવ્યનું પ્રિય પાત્ર બન્યો છે. (એક નમૂનો પાછળ આવી ગયો છે.) સોરઠી બહારવટીઆનાં પ્રશસ્તિ–ગીતોના પ્રકાર આટલા છે.

૧. ગ્રામ્ય નારીઓએ રચ્યાગાયા રાસડા : સ્ત્રીહૃદયને મૃત્યુની કરુણતા વિશેષ સ્પર્શતી નથી એને કાંઠેથી આવા મરશીઆ નીતર્યા :

આડે ડુંગરથી ઉતર્યો નાથો, માઠાં શૂકન થાય,
ડાબી ભેરવ કળકળે નાથ ! જમણાં જાંગર જાય,
મોઢાને મારવો નોતો રે ભગત તો સાગનો સોટો.

એવું જ બાવાવાળાનું ગીત. એવું જ “છેતરીને છેલને નોતો મારવો"

ર. રાવણહથ્થાવાળા નાથબાવાઓ, અથવા કાફીઓ રચીને ગાનારા ફકીરોદસ્તગીરોના ગીતો : પેાતાના તંતુ-વાદ્યોના તાર પર ચડી શકે તેવા ઢાળો પસંદ કરીને તેઓએ રચના કરી. એમા વૈવિધ્ય મૂક્યું. એની શબ્દ-રચનાથી સંગ્રામ-સૂર (trumpetlike sound) સર્જ્યો. વધુ પડતા વખાણો લેપ્યા, છતાં ઇતિહાસનું આછેરૂં નિરૂપણ કર્યું. જુઓ :

ભુજવાળાનું ગામ ભાંગ્યું ને ફોજું ચડિયું હજાર,
ઉંટ ઘોડાં તે આડાં દીધાં રે, ધીંગાણું કીધું ધરાર
નામોરીનો નર છે વંકો રે વાલા ! તારો દેશમાં ડંકો !

આ ઢાળ સરલ ને વેગીલો હોવાથી વારંવાર વપરાયો. વળી વાઘેરો વિષેની કાફીઓ એક નવો જ ચીલો પાડે :

કોડીનાર મારીને જાય
ઓખેજો રાજા કોડીનાર મારીને જાય.
ગોમતીજો રાજા કોડીનાર મારીને જાય.

આને માટે કીનકૅઈડ કહે છે : “... is written in gay jingling metre, and affords relief after the somewhat wearisome quatrains of the Kathi bards.”

એટલે કે આ કાફીઓ એકતાનતાનો કંટાળો તોડે છે, અને રણગીતની અસર બેવડી વધારે છે. વળી માત્ર પ્રશસ્તિથી જ ન અટકતાં કાફીના કવિઓએ તે અક્કેક કડીમાં અક્કેક ઘટના મૂકી છે : કોડીનાર ભાંગ્યાની ઠીક ઠીક કથા એ ગીતમાં વર્ણવી દીધી છે. [સેા. બ. ૨ : પા. ૧૪૪] વાઘેરોની બીજી ત્રણે મશહૂર કાફીઓ પણ એજ બંધારણને અનુસરે છે :

ના રે છડિયાં હથીઆર અલા લા !
પાંજે મરણુંજો હકડી વાર, દેવોભા ચેતો,
મુરૂભા વંકડા ! ના છડિયાં હથીઆર !

આ છે Burden of the song : ગીતનો ટેક : માછરડાની ધાર પરના મશહૂર ધીંગાણામાં દેવાની દૃઢતા ને હથીઆર છોડવા કરતાં મરી ફીટવાની તત્પરતા બતાવતું, રણવાદ્યની માફક રોમાંચ ખડાં કરતું આ ગીત એ એક ઘટનાને આધારે વાધેરોના બીજા જાણીતાં ધીંગાણાની પણ ટીપ નોંધે છે. જુઓ : [સો. બ. ૨ : પા. ૧૮૬ ]

પેલો ધીંગાણો પીપરડી જો કીયો ઉ તે
કિને ન ખાધી માર દેવોભા ચેતે,
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર

પરંતુ રણગીતની રોમાંચક અસર છાંટનારી, ધીરવીરનું જીવન્ત સ્વરૂપ આલેખનારી અને શબ્દ-રચનાની શ્રેષ્ઠ રુચિ બતાવનારી કાફી તો છે જોધા વિષેની : જોધો કેવે રુપે બહારવટે ચડ્યો? [સો. બ. ૨ પા. ૧૩૩]

મનડો મોલાસેં લગાયો
જોધો માણેક રૂપમેં આયો.

કેસર કપડાં અલા ! લા ! માણેકે રંગીઆં ને
તરવારેસેં રમાયો-જોધો૦

જોધા માણેકજી ચડી અસવારી લા ! લા
સતીયેંકે સીસ નમાયો - જોધો૦

ઉપલા બન્ને પ્રકારોમાં કાવ્યત્વ એાછું : રસાલંકાર નજીવો : શબ્દો છેક જ સાદા : શબ્દ-રચના શિથિલ : એની કર્કશતા ઘસીને લાલિત્યના લીસા પાસા પાડવાનો યત્ન નથી : પ્રસંગોનું ઝીણું વિવરણ પણ નહિ : એટલે કેવળ રાવણહથ્થાના વાદનની સાથે જ આ ગીતો ગમતાં થાય : “Combining narrative system with a lyric form” : "The verse is often crude, the tune is often coarse, but not seldom they have a genuine music.” આ શબ્દો બરાબર આ વિભાગને લાગુ પડે છે.

૩. ચારણી દોહાગીતો. આ દોહાઓ જૂની પ્રેમકથાઓમાં છે તેવા, બહારવટાની સાંગોપાંગ ઘટનાઓના સાંકળેલા નહિ, પણ કાં કોઈ કોઈ પ્રસંગમાંથી પ્રેરિત, કાં બહારવટીઆના કોઈ ખાસ લક્ષણના દ્યોતક, કાં માત્ર શૈાર્ય પ્રેરક, અથવા તો કેવળ વધુ પડતી સ્તુતિના વાહક બને છે. જુએા પ્રસંગ વર્ણન : રામવાળાએ એક પાટીદાર ફોજદારને ઈંગારાળામાં ઠાર કર્યા : એને સૂચક દોહો રચાયો :

કણબી આવશે તે કાઠ્યમાં, એ લેવા ઈનામ
 ગરવાળાને ગામ રફલે ધબ્યો રામડા !

આ પ્રકારના અનેક દુહાઓમાં ઘટનાનું વર્ણન નથી. ફકત ઉલ્લેખ છે. રામવાળાની પ્રશસ્તિ છે. આમ ઘટનાવર્ણનો Balladના માત્ર અંકુરો જ બનીને અટકી ગયા. રચનારાઓનું ધ્યાન સ્તુતિ પર જ રહ્યું. જુઓ:

જમૈયો જાલમસંગરો, ભાંજ્યો તેં ભોપાળ!
દેવે જંજાળ્યું છોડિયું, ગો ઉડે એંધાણ.

એમાં રાજાબહાદુર જાલમસંગની કમરનો જમૈયો કેવા સંજોગોમાં વાઘેરોએ ઉડાવી મૂક્યો, તેનું બયાન નથી. એટલે આ દુહાઓ યુરોપી 'Ballad'ના પદે ન બેસી શકે, છતાં એમાં રણગાનની નાદપ્રતિભા જામેલ છે. હવે બહારવટીઆનાં વિશિષ્ટ લક્ષણ દાખવતા દુહા વધુ બલવંત છે. જુઓ જોગીદાસના દુહા :

પરનારી પેખી નહિ, મીટે માણારા !
શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસીઆ!

એ બહારવટીઆનું ઉગ્ર શિયળવ્રત સચોટ શૈલીએ દાખવે છે. પછી

ફુંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ
નાવે કંડીએ નાગ, ઝાંઝડ જોગીદાસીઓ !

એ એનું અજેયપણું બતાવે છે. એ રીતે વાઘેરોના બહારવટાંનો મુખ્ય સૂર અંગ્રેજો સામે 'અણનમ મસ્તક'નો હોવાથી કવિઓએ એ ભાવ વધુ જોરથી પકડ્યો :

મૂળુ મૂછે હાથ, બીજો તરવારે તવાં,

હત જો ત્રીજો હાથ, (તો)નર અંગ્રેજ આગળ નમત.

કોઈકોઈ વાર કવિએ કાવ્યની વિલક્ષણ ચમત્કૃતિ પણ મૂકી દીધી:

ચાવ્યો ચવાય નહિ, રાંધ્યો નો રંધાય,
મામદના મુખમાંય થીયો, કાંકરો કવટાઉત.

કવાટજીનો પુત્ર જેસોજી બહારવટીઓ તો મામદશાહ સૂબાના મ્હોમાં જમતાં જમતાં કાંકરો આવી ગયો હોય તેવો જાગ્યો : મુખમાનો કોળીઓ બહાર કઢાવ્યા વિના રહે જ નહિ.

જે સંકલનાબદ્ધ સમગ્ર કથા ચારણ અા દુહામાં ન કથી શક્યો, તે તેણે એક બીજી જ રચના વાટે કથવાનો યત્ન કર્યો છે : એને કહેવાય છે 'ગીત.' એનું 'ગીત' એવું નામ જ જુઠું છે. એ ગવાતું નથી. કેવલ એકધારા સૂરે બોલાય છે, એનો લલકાર લડાયક છે. એનાં વૃત્તો જાંગડું. રાપાખરૂં, સાવઝડુ, સિહચલૂં હરણફાળ આદિ નિરનિરાળાં નામે ઓળખાય છે. જુઓ જોગીદાસના કથા-ગીતનો નમૂનો : [બહારવટીઆ ભા. ૨ : પા. ૭૯]

પડ ચડિયો જે દિ' જોગડો પીઠો
અાકડિયા ખાગે અરડીંગ;
જરદ કસી મરદે અંગ જડિયાં
સમવડિયા અડિયા તરસીંગ.

જુધ કરવા કારણ રણ ઝૂટા
સાંકળ તોડ બછૂટા સિંહ;
માંડે બેધ ખેપ ખુમાણા,
લોહ તણે સર જાણે લીંહ.

એવી ત્રીસ કડીએાનું ગીત : પરંતુ વિષય એક જ : જોગીદાસ રણે ચડ્યો : બીજા કાઠીઓએ દગાથી એને સોપી દીધો : ને વજેસંગજી ઠાકોરે એને માફી દીધી : બસ. બહારવટીઆના બહુરંગી જીવન-પ્રસંગો ક્યાંયે ન આવ્યા, કારણ, ચારણી રચનાનો એ હેતુ વિગતો આપવાનો નહોતો, પણ એક જ ભાવના ઉઠાવી શબ્દગૂંથણી વડે સ્તુતિની, શૈાર્યની, કરુણતાની અસર નીપજાવવાનો જ હતો. હવે લઈએ વાઘેરોનુ ચારણી ગીત : [એ અપ્રસિદ્ધ છે: 'રણ-ગીતો' નામે સંગ્રહમાં છપાશે.]

મેળે ભોમીયા હેથાટ, જોધે દ્વારકા લહેવા મારે
સલાહેક કીધી સોડ સાંગાણી સકાજ;
ગાયકવાડકા, થાણા મારી લીજે ગઢ ગ્રાસ,
રાહો રાણા જાણે એમ ઘરે કીજેં રાજ.

[સંખ્યાબંધ ભોમીઆ ભેળા કરી, મારી ઝૂડીને દ્વારકા જીતવા માટે જોધાએ મસ્લતો કરી. ગાયકવાડનું થાણું નષ્ટ કરીને ગઢગરાસ લઈ લેશું, ને મેાટા રાયરાણી જાણે તેમ આપણું રાજ ઘેર કરશું. (એવા મનસૂબા બાધ્યા.)]

જોધા એસા વીધા, મૂળુ, સમૈયા ને ૨વા જકે
ભાંજણા મેંગળા જૂથ શાદુળ ભુજાળઃ
માણેક માપહિંહરા, કોપીઆ દખ્ખણી માથે
લડન્તા ભારથે માંડે ફાળસું લાંકાળ.

[જોધો, વીઘો, મૂળુ. સમૈયો ને રવો વગેરે હાથીના જૂથને ભાગે તેવા ભુજાળા શાર્દુલો. માપ માણેકના વંશજો. દક્ષિણીઓ પર કોપી ઉઠ્યા. ]

હલકારે સેન ભારે પડક્કારે કીધી હલ્લાં,
સીડિયાં માંડિયાં કિલ્લે ચડી આયા સૂર;
પ્રોળવાળાં ત્રોડ તાળાં, દરવાજા ખોલે પરા
પટાળા જોધાકા, અાયા લોહ વાળા પૂર.

[ભારી સૈન્ય હલકારાપડકારા કરીને હલ્લો કર્યો. સીડીઓ માંડીને શૂરા કિલ્લે ચડી આવ્યા. પરોળના તાળા તોડ્યાં. દરવાજા ખોલ્યા. પટાધર જોધાનું સૈન્ય લોઢાના રસના પૂર જેવું આવી પહોંચ્યું.]

પછી યુદ્ધનું નિત્યના વપરાતા શબ્દોમાં વર્ણન થયું . અને ઘટના આગળ ચાલી:

કોટ છોડી ભાગા એમ દખણીકા કારકૂન,

સાહેબ અબૂલા આગે ફર્યાદી સુણાય;

અરજી સુણતાં મુખે સાહેબ બોલીઆ, એમ,

જમીં આસમાન બીચે કાબા કહાં જાય !

[કોટ છોડીને દક્ષિણીનો કારકૂન (વહીવટદાર) ભાગ્યો, સાહેબ પાસે ફરીઆદી સંભળાવી. સાંભળતા જ સાહેબ બોલ્યો કે જમીન ને આસમાનની વચ્ચે કાબાઓ (વાઘેરો) ક્યાં જશે ?]

એ ઢબે રણ-ગીત લંબાયું. ઘણું લખાયું. પરંતુ વિષય રહ્યો કેવળ વિષ્ટિ અને યુદ્ધનો જ. અન્ય પ્રસંગો ન આવ્યા. લોકગીતોમાં રહેલા details ના તત્વને ચારણી ગીતોમાં અવકાશ ન મળ્યો. રચનારની દ્દષ્ટિમાં ઝીણવટથી આખો ઇતિહાસ આલેખવાનું નિશાન જ નહોતું. કેવળ નાદની ને અમૂક પ્રસંગની જમાવટ કરી શૂરાતન ચડાવવું હતું.

પ્રશ્ન ઉઠે છે : શું આ કવિતા અત:કરણની પ્રેરણામાંથી ઉઠેલી ? કે ફક્ત દ્રવ્યલાલસામાંથી ? બહારવટીઆનાં નિર્બલ તત્વોને ન સ્પર્શતા માત્ર શુરાતન ને ટેક પર શબ્દના વારિધિ ઢોળનારા ચારણો, રાવળો નાથબાવાઓ કે કાફીગીરો - એ સર્વની વાસના ક્ષુદ્ર ને એની કવિતા હીન જ હોવી જોઇએ : આવો મત ઘણાનો છે. ઘણીવાર અત્યુક્તિઓના ઓધ ઠલવીને અનેકે કવિતાઓ વેચી છે, ને આજે એ વેચાણ ચાલુ છે તે વાત સાચી. ભોજને દરબારે સંસ્કૃત કવિઓની પણ એજ વલે થએલી. અકબર ને શિવાજીની રાજસભા પણ એ કવિતાના વિક્રયથી મુક્ત નહોતી. છેલ્લાં સાતસો વર્ષથી મનુષ્યનાં ગુણગાન કરતી કવિતાઓ એક જ પંથ પર પગલા દીધાં છે. એમાંથી ચારણો મુક્ત હોઈ શકે નહિ.

છતાં એ મનોદશાને બીજી બાજુ છે. સર્વ ગ્રામ્ય કવિએાને એવી વૃત્તિ નહોતી. અનેક હૈયા આ લોકોની મરદાનગી, ટેક અને મૃત્યુંજય ઝીંદગી નિહાળી ઉછાળા દેતાં. એ ઉછળાનું ઝીણું પૃથક્કરણ એક અંગ્રેજ વિદ્વાન આ રીતે કરી ગયો છે :

Treachery, then, the ballad-makers hated; cruelty they regretted; and to hurt a woman, to turn away from a fight, or to give in before the blood gave out, was to them dishonour. They did not think it necessary to keep the law, but then the law was not of their own making: it was either the bondage: of convention or the rule of the rich, They cared little for comfort. Love and wine and gold they loved, but these are not comfort- The sleek sensual abbot with his ambling pad and his fat money-bags. was their abhorrence. The social order which the ballad-makers imagined for themselves, was a chaotic order, a wild and blood-stained life, but as they saw it and sang of it, it was a noble choice between two sets of evils. There are grave possibilities no doubt in the life of peace and comfort, and we must hope they may some day be realized; but perhaps there is something to be said yet for the ballad-life as an ideal. With all its crimes and sorrows, it was a life of the spirit. It was full of generosity, and sincerity and courage, and above all its sad Death in his right place :

" It is but giving over of a game
" That all must lose. ”
[Sir Henry Nawbolt }

“વીરનરની મોજ મેળવવા માટે અથવા એ કશી વાચ્છના વિના, ગમે તે રીતે રચાએલાં આ ગીતોના કર્તાઓએ દગલબાજીને ધિ:કાર દીધો છે; ક્રૂરતા પ્રતિ શોચ દાખવ્યો છે, કોઈ સ્ત્રીને સંતાપવી, ધીંગાણેથી ભાગવું, માથું પડે તે પહેલાં માથું નમાવવું, એ તો અા ગીતકર્તાઓને મન બદનામી સમાન હતું. ભલે તેઓએ કાયદાનું પાલન જરૂરી ન ગણ્યું. પણ કાયદા ક્યાં તેઓના પોતાના કરેલા હતા ? જે કાયદાનો ભંગ તેએાએ વખાણ્યો તે કાયદા તો શ્રીમંતોએ ને સત્તાધારીઓએ કરેલા ને કાં પરાપૂર્વથી ચાલ્યા આવતા એ રૂઢિબંધો હતા.

“ઉપરાંત મોજમજાહને તેઓએ નથી ઉપાસી. બેશક બહારવટીઆનાં પ્રણયભુવન, સૂરાપાન, કે સોનાની પ્રાપ્તિ તઓને ગમતી. પણ એ કાંઈ મોજમજાહ નહોતાં. કવિઓએ તો ચરબીભર્યા શરીરોવાળા મહંતોની ફાંદો તરફ અને રૂપીઆની થેલીઓ તરફ તિરસ્કાર દાખવ્યો છે. ત્યારે આ સંહારકોની સ્તુતિ કરનારા કવિઓને કેવી તરેહની સમાજ-વ્યવસ્થાની કલ્પનાઓ હતી ? બેશક, અંધાધુધી અને મસ્તીખોર, લોહીથી ખરડાએલી જીવન-પ્રણાલી જ તેઓને પસંદ હતી. અને એ જીવન–ક્રમને જોઈ જોઈ એના ગાન ગાનારાઓએ એ રીતે બેમાંથી એાછા અનિષ્ટવાળી સ્થિતિ જ પસંદ કરી લીધી હતી. શાંતિ અને આરામવાળી જીવન-દશામાં અનેક ઈષ્ટ ફલો શક્ય છે. જગત કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ તેમાં ખીલી શકે તેવું છે, અને કોઇ દિવસ એ ખીલે તેવી આપણે આશા રાખીએ. પરંતુ આ યુદ્ધલીલા જીવન-દશાને પણ આદર્શ હતો, એવું થોડુંક બોલી શકાય તેમ એની ચાહે તેટલી ક્રુરતા અને શોક-વેદના વચ્ચે પણ એ જીવનદશા તે આત્માની-spiritની જીવનદશા હતી. એ દિલાવરી, સચ્ચાઈ અને હીંમતથી ભરપૂર હતી. એથી ય વધુ આકર્ષક તો તેમાં મૃત્યુ ઉચિત સ્થાન હતું. તેઓ માનતા કે મૃત્યુ તો એક બાજી છે. બાજીમાં આખરે તો સહુએ હારવું જ સરજાયું છે, રમી રમીને ભાઇ છેવટે હારીએ. પણ પાસા તો ફેંકી લઇએ. એ હારમાં પણ મસ્તી જ છે.” [ સર હેન્રી ન્યુબોલ્ટ ]

માટે જ બહારવટીઆનાં કાવ્યોની મીઠામાં મીઠી પંક્તિઓ તેઓના મૃત્યુ વિષેની છે. મૃત્યુ પર એ કવિતાએ સુંદર અશ્રુઓ સાર્યા છે. એ રુદન-સ્વરો પશ્ચાત્તાપના નથી, નિરાશાના કે સંતાપના નથી. એમાંથી તો ગુંજે છે કોઈ અગાધ મમતાના સ્વરો. એમાંથી તો વીરની મહત્તાનો ઘોષ ગાજે છે :

નારીયું નત્ય રંડાય, નર કેદિ રંડાય નહિ
એાખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો!


ગોમતીએ ઘુંઘટ તાણીઆ, રોયા રણછોડરાય,
મોતી હૂતું તે રોળાઈ ગીયું, માણેક ડુંગરમાંય.


ઈંદ્રલોકથી ઉતરીયું, રંભાઉં બોળે રૂપ
માણેક પરણે મૂળવો, જ્યાં ભેળા થીયા ભૂપ.

એ શબ્દોમાં નુકશાનીના વિલાપ નથી : મુળુ માણેક પાયમાલ થઈને ભુંડે હાલે મુવો તેનો કટાક્ષ નથી. એણે આમ કર્યું માટે એની આ વલે થઈ, તે જાતનો ફેંસલો નથી. મૃત્યુમાં પણ મુળુ તો 'મોતી' જ રહે છે. ઓખાભૂમિનો ભરથાર જ રહે છે. ગોમતીજીનો પણ પુત્ર જ રહે છે. રણછોડરાયને પણ રોવરાવે છે. એજ ધ્વનિ આ રહ્યો :

રામવાળાનાં લગન આવ્યાં,
લગનીયાંનો ઠાઠ ગોઝારો, બોરીયો ગાળો, કયાં રોકાણો
રામવાળો !

અથવા તો

ફાંસીએ ચડતાં કંથડજી બોલીઆ,
આમાંથી મુને એકવાર છુટો મેલ્ય બાલુભા ભુજના રાજા !
છેતરીને છેલને નોતો મારવો !
ભોળવીને એનાં માથડાં નોતાં વાઢવાં !

એ તમામ મૃત્યુ-ગીતોમાંથી એના એ જ સ્વરો ઉઠે છે : કે

૧. They hated treachery.
૨. It (Death) is but giving over of a game that all must lose.

ફરીફરીને એના એ સૂર ગુંજે છે : ફરી ફરી એનું એ ચિત્ર ઉઠે છે : મરશીઆના એ સ્વરોની અંદરથી મૃત્યુની બાજીમાં માનવજીવનની અનિવાર્ય હારના પાસા ખખડતા સંભળાય છે. સાંભળો :

સંધા શેત્રુંજા તણાં, ગ્યાં ગરવે ગ્રીંધાણ,
માંસનો ધ્રવતલ મેરાણ, ગઢવી નાગરવડો ગીયો.

[શેત્રુંજા ડુંગર ઉપરથી ઉઠીને બધાં ગીધડાં ગિરનાર ચાલ્યાં ગયાં. કેમકે અંહી ગોહિલવાડમાં તો શત્રુઓનુ માંસ ખવરાવી ધરવ કરાવનાર નાગરવ મરી ગયો.]

ટંક ટંક રોતી તેગ પટાળી છુટે પટે,
અણતમ નાગરવ એક, ગઢવી ભ્રખ દેતલ ગીયો.

[કોઈ સુંદરી પોતાનો સ્વામી મરતાં, માથાના વાળની ડાબી જમણી બન્ને પાટી છૂટી મૂકીને રડે, તેમ તારી તલવાર પણ પોતાના પટ્ટા મોકળા મેલીને ટંકે ટંકે રડે છે. કેમકે દુશ્મનને કદિ ન નમનારો

સ્વામી નાગરવ ગીધડ નામે ભક્ષને દેનારો બહારવટીઓ તો ગયો !)

તોળી જે કરમણ તણા ! વાળા જેવાં વાટ,
થોભા મોરાનો થાટ, નાગરવાડા ! ભાળાં નહિ.

[હે કરમણના પુત્ર ! તારી તો બહુ રાહ જોઉં છુ, પણ એ થોભા ને એ મુખમુદ્રાનો ઠાઠ હવે હું નહિ ભાળું. ]