લખાણ પર જાઓ

સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/બહાવરવટીઆની મીમાંસા/સૌરાષ્ટ્રના બહારવટીઆ

વિકિસ્રોતમાંથી
← ઉત્તર હિન્દના બહારવટીઆ સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
બહાવરવટીઆની મીમાંસા - સૌરાષ્ટ્રના બહારવટીઆ
ઝવેરચંદ મેઘાણી
વીરપૂજા →


સૈારાષ્ટ્રના બહારવટીઆ

ઘે આઘે છેક રા' માંડલિકના અમલ સુધી આ દેશનાં બહારવટાંના ઇતિહાસની આંખો પહોંચી શકે છે. મોટા રાજ્યનો માલેતુજાર સ્વામી કાં તો પોતાના પાડોશના નાના ગરાસદારને એક સ્વતંત્ર પાડોશી તરીકે જીવવા દેવામાં ભવિષ્યનું જોખમ સમજે, કાં તો પોતાના કાઈ ભાયાતને કે મૂળ ગરાસીઆને પોતાનાં કાયદા–કાનૂનોનો અનાદર આચરતો દેખે, અથવા તો એ રાજા પોતાની કોઈ મલીન મતલબને વશ બની પોતાના તાબાના ગરાસદાર પાસેથી કોઈ એની પ્રિય વસ્તુ કે વ્યકિતની માગણી કરે, ત્યારે ત્યારે એ રાજા ને એ પ્રજાજન વચ્ચે વેરની આગ ઝરતી. એ એક સંજોગ. બીજો સંજોગ હતો પરદેશી સત્તાનાં આક્રમણોનો : અમદાવાદની મુસ્લીમ સૂબાગીરીની જુનાગઢ પર કિલ્લેબંદી : વડોદરાથી ગાયકવાડના પગપેસારા : અને એ તમામના કરતા અધિક ઉશકેરણીનું મનાએલું તત્વ અંગ્રેજી રાજસત્તાના દરમ્યાનગીર આગમનનું. સહુ રાજ્યોને પોતાની રૈયાસતના સીમાડા પોળા કરવા હતા. પરસ્પર એ રાહુ જમીનોની ખેંચતાણ કરતા હતા. અને એ સહૂને દળબળ પૂરાં પાડનારી ઇસ્ટ ઈન્ડિઆ કંપની આવી પહોંચી હતી. એના પ્રતિનિધિઓની, મોટાં રાજ્યો પ્રતિની પક્ષકારનીતિ નાના ગરાસદારોના દિલમાં વધુ આક્રોશનું નિમિત્ત બનતી હતી.

મી. કીનકેઈડ આ મુદ્દાને વધુ સપાટ બનાવે છે : એ ખાસ તો કાઠી બહારવટીઆ વિષે લખે છે :

At first mere robbers, they after many struggles established themselves at the break- up of the mogul empire firmly in the Centre of the province. They were, however, like sikhs before the time of Ranjitsing, a loosly knit confederacy, and they were unable in the 18th century to make headway against the growing power of Junagadh. Thus it was that many of the smaller landholders wrote over part of their lands to the surrounding administration in order to secure protection for the remainder. But this promised protection was not always obtained. It always happened that when the protecting state had acquired part of the Kathi's land, it hungered for the remainder. It would then provoke quarrels, and on some protext or other violate its agreement. It was useless for the Kathi to seek redress in the State's own courts; so, calling together his servants and relatives, and placing his wife and children in some friendly shelter, he would turn his back on the homestead where his family had lived for centuries, and making Gir his Sherwood forest proceed to rob and murder in every direction until death. treachery or redress closed his picturesque but baneful career .

[Outlaws of Kathiawar : page 8-9]
બહારવટાંના પ્રકારો

એ સંજોગોમાંથી ત્રણ ચાર પ્રકારના બહારવટીઆ જનમ્યા.

પહેલો પ્રકાર : પોતાના ગરાસ ઉ૫ર થયલા અન્યાયી આક્રમણ સામે મરવા મારવાના નિરધાર કરીને ઉઠેલા :

૧ જેસોજી વેજોજી : જુનાગઢ-અમદાવાદની મુગલ સુબાગીરી સામે : ઈ. સ. ૧૪૭૨-૯૨નાં વીસ વર્ષ: બહારવટુ પાર પડ્યું. [સો. બ. ભા. ૨]

૨ ભીમો જત : ગોંડલની સામે : ઇ. સ. ૧૮૨૯થી ૧૮૫૦ સુધીમા : બાર વર્ષ : ધીંગાણે કતલ થઇ ગયો. [સો. બ. ભા. ૧]

૩ હીપો ખુમાણ : પાલીતાણા સામે : ૭પ વર્ષની અંદર : મરાયો : [સો. બ. ભા. ૨ ]

૪ જોગીદાસ ખુમાણ : ભાવનગર સામે : ૧૮૧૬ થી ૧૮૨૯ સુધી પાર પડ્યું. [સેા. બ. ભા. ૨]

૫ બાવાવાળો : જેતપુર દરબાર દેવાવાળા સામે : ઈ. સ. ૧૮૨૦ની આસપાસ : ધીંગાણે કતલ થયો. [સો. બ. ભા. ૧]

૬ વરજાંગ ધાધલ : જેતપૂર દરબાર દેવા વાળા સામે: ૧૮૦૦ પછી: ધીંગાણે મર્યો : પણ બહારવટું પાર પડ્યું. [સૌ. ર. ભા. ૪]

૭ જોધો ને મૂળુ : ગાયકવાડની સામે : ઈ. સ. ૧૮૫૯ થી ૧૮૬૭ (વોટસન પ્રમાણે ૧૮૬૯) : ધીંગાણે કામ આવી ગયા. [સો. બ. ૨] ૮. કાદુ મકરાણી : જુનાગઢ રાજ સામે : ઈ. સ. ૧૮૮૪-૮૭: ફાંસી દેવાઈ. [સો. બ. ભા. ૩]

૯. રવોજી કલોજી : ગોંડળ રાજ સામે : પાર પડ્યું.

૧૦. રામવાળો : ગાયકવાડ સરકાર સામે : ઈ. સ. ૧૯૧૬ થી ૧૯૧૭ : ધીંગાણે ઠાર થયો. [સો. બ. ભા. ૩]

તે સિવાય નાના નાના, જેનો ઇતિહાસ જનસમૂદાયમાં નીતર્યો નથી, તેવા ઘણા હોવા જોઈએ.

બીજો વિભાગ : પરોપકાર કરવા જતાં, અન્યને ખાતર મારફોડ કરીને પછી બહારવટે નીકળેલા.

૧. સંગજી કાવેઠીઓ : સાણંદ રાજ સામે : સફળ થયો. [રસધાર : ભા. ૪]

૨. અભો સોરઠીઓ : ભાવનગર રાજ સામે : ઈ. સ. ૧૮૦૦ લગભગ : ધીંગાણે કતલ થઈ ગયો. [ રસધાર ભા. ૩ ]

૩. ચાંપરાજ વાળો : ગાયકવાડ તેમજ એજન્સીની સામે : ઈ.સ. ૧૮૩પ : કેદની શિક્ષા પામ્યો ને પછી છુટ્યો. [ સો. બ. ભા. ૧ ]

૪. નાથો મોઢવાડીઓ મેર : જામનગર સામે : આશરે ઈ. સ. ૧૮૩૦ : કામ આવ્યો. [ સો. બ. ભા. ૧ ]

ત્રીજો વિભાગ : અંગત વેરને કારણ બહાર નીકળી જઈ કાયદા વિરૂદ્ધ, પરંતુ બહારવટાંના નિયમ મુજબ જીવન ગાળનારા :

૧. ગીગો મહીયો : જુનાગઢ સામે : ઈ. સ. ૧૮૫૧-૬૦ : કતલ થયો.

૨. મીયાણો વાલો નામોરી : ૧૮૯૦ : કતલ થયો : [ સો. બ. ભા. ૧ ]

૩. સાલોલીનો ચારણ નાગરવ ગીયડ.

૪. રાયદે બુચડ ચારણ

ચોથો વિભાગ : કેવળ ચોરીલુંટને જ માટે નીકળેલા : પણ બહારવટાના નિયમો પાળનારા.

૧. મોવર સંધવાણી : માળીયાનો મીયાણો : ઈ. સ. ૧૮૮૦-૮૬ : વર્ષ છ : બહારવટું પાર પડ્યું. [સો. બ. ભા. ૩ ]

૨ એકલીયો ( પુનરવ ) : મોવર સંધવાણીનો સમકાલિન.

પ્રથમ કોટિના બહારવટીઆ વિષે કીનકેઈડ યથાર્થ લખે છે કે “પહેલા વિભાગના બહારવટીઆ વધુમાં વધુ રસભરપૂર છે, અને તેઓ ઈગ્લાંડના વ્હેલા કાળના બહારવટીઆને સારી પેઠે મળતા આવે છે. એ તો યાદ હશે કે જ્યારે હન્ટીંગ્ટનના અમીરની જાગીર રાજા જ્હોનના સગીર-કારોબારમાં ઝૂંટવી લેવામાં આવી, ત્યારે એ અમીર પોતાનાં માણસો એકઠાં કરીને શેરવુડ વનમાં ચાલ્યો ગયો. અને આજ સુધી પણ 'રોબીનહૂડ' નામથી એ ધરોધર સુપ્રસિદ્ધ છે, એનો મુખ્ય હેતુ ગુન્હા કરવાનો નહોતો, - જો કે સાચેસાચ તો એણે એ જ કામ કર્યા કર્યું હતું. એની ઇચ્છા એ રાજ્યનું શાસન અટકાવી પાડવાની હતી. એ ફાવ્યો અને મધ્યસ્થ સત્તા પાસેથી પોતાની જાગીર તથા પદવી એણે પાછાં મળવ્યાં.*[]

"સૌરાષ્ટ્રના ગરાસીઆ બહારવટીઆ પણ અચૂક એ જ ધોરણે વર્તન ચલાવતા. તેઓમાંના ઘણાખરા તો કાઠી જાગીરદારો જ હતા, કે જેનાં માલમિલકત વધુ બળીઆ પાડોશીઓએ ઝૂંટવી લીધેલાં. (બધા જ કાઠી નહોતા. કેમકે હજુ ૧૯૦૨માં જ જ્યુડીશીઅલ આસીસ્ટંટે જુનાગઢ ઉપર બહારવટે નીકળનાર એક મુસલમાની ટોળીને ગુન્હેગાર ઠરાવેલી).

“આ રીતે રઝળી પડેલા કાઠીઓ પોતાના નોકરોને ને સંબંધીઓને એકઠા કરી લુંટફાટ તથા ખુનખરાબી ચલાવતા, કે જેથી છેવટે કાં તો તેઓ નાબૂદ થઈ જાતા, અથવા તો અન્યાય કરનારને એમ સમજાતું કે પોતાના તાલુકાનું શાસન ચલાવવા ચાહે તે ભોગે સુલેહ કરવી એ જ એક માર્ગ છે. અને જેથી તે બહારવટીઆને એની જાગીર પાછી સુપ્રત કરતા. આ દ્વીપકલ્પમાં સંખ્યાબંધ જુદા જુદાં રાજ્યો હતાં અને એ દરેક રાજ્ય હમેંશા પોતાના તાબાના જાગીરદારને હોઈયાં કરી જવાનો ડર દેખાડતું હોવાને કારણે આ બહારવટીઆને ઘણી સગવડ પડતી. એને લીધે તમામ જાગીરદારો પોતાના પાડોશીને એના ન્યાય મેળવવાના પ્રયાસમાં સહાયભુત થવા વધુ આતૂર રહેતા.

“ઉપરાંત, તેઓનાં કૃત્યો ગુન્હારૂપ તેમ જ ક્રૂર હોવા છતાં પણ તેએાની નેમ તો દેશની ચાલુ સ્થિતિ વચ્ચે પોતાના અન્યાય સામે વ્યાજબી દાદ મેળવવાની જ હતી, એ વાતને લીધે પ્રજામત ઘણે ભાગે તેએાના પક્ષમાં ઢળતો અને પ્રજા એ લોકોની માગણી સંતોષાતી જોવા રાજી હતી.”


સંતાવાનાં સ્થાન

આમાંનાં કોઈ બહારવટાં બાર બાર વરસ સુધી ટક્યા, તો કોઈનો એક જ વર્ષે અંત આવ્યો. બહારવટાં ટકવાની અનુકૂલતા પૂરી પાડનાર


  1. * રોબીનહૂડના ધર્માચરણની લગાર પણ નોંધ કેઈનકેડ નથી લેતો

એક તો સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ છે: ગિરનાં ડુંગરા અને ઝાડી એટલાં વિશાલ તેમ જ વિકટ છે, કે “ગિર તો માનું પેટ છે એવી કહેણી ચાલે છે. પોરબંદર ને જામનગર રાજ્યોમાં બરડો ને આભપરો ડુંગર પણ એવા જ વાંકા છે. પાંચાળમાં ઠાગાની ખીણો તેમ જ માંડવની ભયાનક ખોપો પડી છે. ઉંડી ઉંડી ભાદર એાઝત જેવી નદીઓના કોતરો પણ બહારવટીઆના અભેદ્ય કિલ્લા જેવાં બની રહેલાં. ઓખામંડળની કાંટ્ય પણ આજથી પચીસ વર્ષ ઉપર ધોળે દિવસે ડરાવે તેવા કારમી હતી. એ બધી જગ્યાઓમાં દીપડાઝર, વેજલ કાંઠો, ભાણગાળો, રાવણો ડુંગર, નાદીવેલોલ ડુંગર, પોલો પાણો, બોરીઓ ગાળો, વગેરે નિવાસસ્થાનો તો કાવ્યમાં પણ ઉતરી ગયા છે જુએા:

“રામવાળાનાં લગન આવ્યાં;
લગનીયાંનો ઠાઠ ગોઝારો, બોરીઓ ગાળો,
ક્યાં રોકાણો રામવાળો !”

બીજો આશરો નાના મોટા તાલુકદારોનો હતો. અનેક દ્રવ્યલાલચુઓ, અંગત અદાવતની તૃપ્તિ શોધનારાઓ, ને કેટલાક શુદ્ધદિલે દિલાસો ધરાવનારાઓ બહારવટીઆને સંધરતા હતા.

ઈષ્ટ દેવતાની પ્રતિષ્ઠા

હારવટીઓ એટલે-બેશક એની વિલક્ષણ રીતે-વ્રતધારી ને વ્હેમી. કોઇક દેવસ્થાનને આરાધે: લગભગ તમામ બહારવટીઆ પોતાના ઇષ્ટદેવની પ્રાણપ્રતિષ્ઠા કરીને જ બહાર નીકળતા અને અમૂક જાતની શારીરિક પવિત્રતાના લોપમાથી એ ઈષ્ટદેવતાનો કોપ નીપજવાનું સમજતા. ભીમો જત રોજ સવાર સાંજ જમીઅલશા પીરની દરગાહ પર લોબાન પ્રગટાવી તરબી ફેરવી પોતાની તલવારને પણ ધૂપ દેતો. બાવાવાળો રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત વેળા, ઘીનો દીવો પેટાવીને સૂરજ સન્મુખ માળા ફેરવતો : ચાહે તેવે સ્થળે હોય, પાછળ શત્રુની ફોજ ચાલી આવે, છતાં ૫ણ એ આ નિત્યનિયમ ન ચૂકે. કહેવાય છે કે એની પૂજાની જ્યોત આપોઆપ પ્રગટ થતી. પરંતુ આખરે જ્યારે એ બહારવટીઓ પાપ ને અન્યાયમાં ડૂબી ગયો ત્યારે એનો કાળ આવ્યાની સાક્ષી રૂપે ઝીંદગીના છેલ્લા ત્રણ દિવસ સુધી એ 'રેઢી જયોત' પ્રગટ નહોતી થઈ. વાલો નામોરી પાતાની સાથે પીરનો કીનખાપી વાવટો ફેરવતો અને રામવાળો સૂરજદેવળનો પંજો રાખતો. વાધેરો દ્વારિકાનાથના સેવક હોઇ 'જે રણછોડ !' એ એની રણહાક હતી; જોધા વાઘેરનો ભત્રીજો મુળુ માણેક પણ એવો જ વ્હેમી અને વિચિત્ર પ્રકારનો પ્રભુભક્ત હતો. એણે તો માધવપૂર લૂંટવાની મધરાતે જ મંદિરના પૂજારીને પકડી મંગાવી, મંદિર ઉધડાવી, માધવરાયની પ્રતિમાને બાઝી પડી ચોધાર આંસુડે રૂદન કર્યું હતું ! અને મોવર સંધવાણી સરખા ચોરને પણ 'કોઠાવાળો પીર' સ્વપ્ને આવી સંદેશા દેતો હોવાની માન્યતા હતી. પ્રાચીન બહારવટીઆ જેસાવેજા તો દેવી માતાએ આપેલાં બે ધોળાં રોઝ પર ઘોડાને બદલે અસવારી કરી વિષમ નદીઓ ઠેકી જતા હોવાનું બોલાય છે. બહારવટીઆ એટલે શુકન અપશુકનના મોટા વ્હેમી : જુના કાળમાં સંગાથે અક્કેક શુકનાવળી રાખેઃ ગધેડાનુ ભૂંકણ, ભૈરવ પક્ષીની બોલી, સામે પવને ધજાનું ઉડવું, વગેરે ચિન્હોમાંથી આ શુકન જોનારા શુભાશુભ પરિણામ ઉકેલવા ગામ ભાંગતા પહેલાં કોઈ બહારવટીઓ સીમાડે સૂઈને અમૂક સ્ફૂરણા અનુભવતા તેને ઇષ્ટદેવની અનુમતિ સમજી લેતો, તો કોઈ રામવાળા જેવો પેાતાની ટોળીની સંખ્યા–ગણતી કરીને નવ જણને બદલે દસ દેખાય તો 'દસમો સૂરજ ભેરે છે ' એમ ગણી ચાલતો. સંખ્યા ન વધે તો વળી જતો. ઈષ્ટદેવોની આરાધનામાં બેશક આત્મ-રક્ષાનો જ આશય ઉભો હતો.

દેહદમન

આવી રીતે દેવદેવીઓની સહાય મેળવવી એટલે પવિત્રતાના, દેહદમનનાં, એવાં બિરુદોનું પણ પાલન કરવું. ઘણી વાર તો એ પાલન અજબ બની જતું. એક બાજુ મનુષ્યોનો સંહાર અને બીજી બાજુ નાનાં જંતુની પણ જીવન-રક્ષા ! જેસોવેજો તો પોતાના અંગ પરની જુ પણ ન નાખી દેતા ડગલામાં જ સાચવી જીવાડતા. કહેવાય છે કે એ ડગલાએામાં એટલી તો જુઓ ખદબદતી કે પોતે બાન પકડેલા માણસ પાસેથી પૈસા કઢાવવા માટે તેઓ તેને એ ડગલા પહેરાવી જુઓના ચટકાથી તોબાહ પોકરાવતા. છતાં એટલી બધી જુઓ એ જોગી જેવા ભાઈઓ કાયમ પાતાના શરીર પર ધારણ કરી રહેતા. એટલું જ બસ નથી. એના કાકા ગંગાદાસને તો પીઠ પર પાઠું પડેલુ: એ પાંઠામાં ગંગદાસજી લોટનો પીંડો ભરીને કીડાને એ ખવરાવી જીવાડતા. કીડા નીચે પડી જાય તો ઉપાડી પાછા પાઠામા નાખતા.

યતિધર્મ

સારા બહારવટીઆ તો ગૃહસ્થાશ્રમને પણ ત્યજી દેતા હતા. જોગીદાસનાં સ્ત્રીબાલકો ભાવનગર ઠાકોરના દરબારગઢમાં અટકાયતે પડ્યા હોવાથી એણે કૈં કૈં વર્ષો સુધી ગૃહસ્થાશ્રમનાં દર્શન પણ નહોતાં લીધા. જેસાજીવેજાજીનાં બાળબચ્ચાં પણ વિખૂટા પડીને ગુપ્ત વેશે નટોના પંખા (ટોળા) સાથે ભમતાં હતાં. એથી યે વધુ રોમાંચકારી કથા તો છે ચાંપા ખુમાણ નામના જુવાન કાઠીની, પાલીતાણા રાજ્ય સામે બહારવટે નીકળનાર કાઠી હીપા ખુમાણનો એ નાનેરો દીકરો પિતાની આજ્ઞા થતાં પોતાને ગામ માતાને રાતે ખરચી આપવા જાય છે: મા રાત રહેવા વિનવે છે પણ એને તો બહારવટું પાર પડ્યા પહેલાં ઘરનું પાણી પીવું ય હરામ છે : માતાએ માન્યું કે ઓરડામા ઉભેલી એની સ્ત્રી સાથે ચાર આંખ એક થશે તો દીકરો રોકાઈ જશે, એટલે બહાનુ બતાવીને અંદર મોકલ્યો: ચાંપો અંદર ચાલ્યો : આશાભરી કાઠીઆણીએ ઢોલીઓ ઢાળ્યો : જુવાન ચાંપાની અાંખ બદલી : બોલ્યો : “કાઠીઆાણી છો ? અટાણે ઢોલીઓ ! હું બહારવટે છું એટલી ય ખબર ન રહી !” એમ કહી ચાંપો ગયો : અને બીજી જ રાતે ગારીઆધારના દરબારગઢને ઉંબરે મેરજી સંધીની ગેાળીથી વીંધાઈ મરણ પામ્યો.

બાકી ઉતરતી ભૂમિકાના મેાવર સંધવાણી જેવા બહારવટીઆ છુપી- ચેારીથી પોતાને ઘેર જતા અને રાત્રિઓ ગાળી આવતા.

દયાદાન

વાલો ઠુંઠીઓ જે વેળા રણમાં ઉંટનું કુંડાળું કરીને સામે આવતા શત્રુઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે કહેવાય છે કે શત્રુઓએ ગાયોનું ધણ આડે ઉભું રાખ્યું, અને વાલાએ, પાતે મુસલમાન હોવા છતાં પણ, ગાયો ઉપર ગોળીબાર ન કરવાની આજ્ઞા દઈ, કેવળ ગાયોને નસાડવા પૂરતા જ પગ તરફ ભડાકા કરી પોતાનો બચાવ કરેલો.

જોધા માણેકે કોડીનાર લૂંટીને ત્રણ દિવસ સુધી કોડીનાર પર રીતસર રાજ કરી, ન્યાય ચુકાવી, ગોંદરે ગાયોને કપાસીઆ નીર્યા હતા અને બ્રાહ્મણોની ચોરાશી જમાડી હતી. બ્રાહ્મણા, બાવા, સાધુઓ વગેરેને ખવરાવવાનો આગ્રહ તો લગભગ દરેક બહારવટીઆઓએ બતાવ્યો હતો. અલબત એમાં તો ધર્માદાની રૂઢિગત ભાવના જ હતી, પરંતુ બહારવટીઆના મનમાં એની ભાવના તો હતી જ. (શીવાજીએ પણ પોતાના શરીર ભારોભારનું સૂવર્ણ બ્રાહ્મણોને જ વહેંચ્યું હતું.)

સ્ત્રીજાતિનું સન્માન

લોકસમૂહ તો આ સર્વથી ઉંચા–અતિ ઊંચા એવા એક યતિ- ધર્મ ઉપર ફીદા થાય છે : એ હતો સ્ત્રીજાતિ પ્રત્યેના સન્માનનો બહારવટાં–ધર્મ : જોગીદાસ ખુમાણે અને કાદુ મકરાણીએ પોતાના પર મુગ્ધ બની પરણવા આવનારી સુંદરીઓનો તિરસ્કાર કરેલો. જોગીદાસ તો પોતે સ્ત્રીજાતિ પ્રતિના સન્માન રૂપે જીવ્યો ત્યાં સુધી હમેશાં હાલચાલના રસ્તા તરફ પોતાની પીઠ દઈને જ બેસતો હતો. કોઈ દિવસ રસ્તા સન્મુખ મ્હોં રાખીને તે નથી બેઠો. સ્ત્રીને દેખતાંની વાર જ એ પોતાના મ્હોં પર પછેડીનો ઘુમટો તાણી જતો. એટલું જ બસ નથી એણે તો પોતાના માનમાં ભાવનગરની કચેરીની અંદર અધમ વારાંગનાને પણ નૃત્ય કરતી અટકાવીને “મારી માબોન્યુ.” કહેલી.

બહારવટીઆની એ સ્ત્રી-સન્માનની ભાવનાએ બીજી સર્વ ભાવનાઓ કરતાં વધુ સચોટ અસર જનતા ઉપર છાંટેલી છે, અને તે કારણે જ ચારણોએ પણ સહુથી વધુ મૂલ્યવતી કવિતાનાં અર્ધ્ય એ શિયળને જ ચડાવ્યા છે. એના જ દુહાસોરઠા વધુ જોરદાર, વધુ પ્રચલિત ને વધુ બાંકા છે :

ઠણકો ના૨ થીયે, ચત ખૂમા ! ચળ્યું નહિ,
ભાખર ભીલડીએ, જડધર મોયો જોગડા !

[ ઓ ખુમાણ ! નારીના પગનો ઠમકારો થવાથી તારૂં ચિત્ત કદિ ન ચળ્યું; જ્યારે બીજી બાજુ તો ઓ જોગીદાસ ! મેાટા જટાધારી શંકર પણ ક્ષુદ્ર એક ભીલડી ઉપર મોહી પડેલા ! ]

પ૨નારી પેખી નહિ, મીટે માણારા !
શીંગી રખ ચળિયા, જુવણ જોગીદાસીઆ !

[ ઓ માણા (કાઠી) ના પુત્ર ! ઓ જુવાન જોગીદાસ ! તેં તો પરનારી તરફ આંખની મીટ પણ નથી માંડી; જ્યારે પેલા વૃદ્ધ શ્રૃંગી ઋષિ જેવા પણ ચલાયમાન થઈ ગયા હતા. ]

કાદુ મકરાણી પણ કાછનો એવો જ સાબૂત: ધરની ઓરતને તો એણે મકરાણમા મોકલી દીધેલી : બે ભાઈએાને લઈને ગામડાં ભાંગે છે : એક દિવસ મોડી રાતે લોઢવા ગામના એક કારડીઆ રજપૂતનાં ઘરમાં પેસતાં એ ઘરની સૂતેલી સ્ત્રી અર્ધ નગ્નાવસ્થામાં જ ઉઠીને નાઠી : કાદુ પીઠ દઈ ઉભો રહ્યો : કહ્યું કે બેન ! તારાં કપડાં સંભાળી લે : પણ એ અબળા ધાકની મારી હલી ચલી ન શકી: બેન ! તારી ખડકી દઈ દે ! એટલું કહીને કાદુ બહાર નીકળી ગયો. એ ઘર ન લૂંટ્યું. લાલશાને ખાતર તો શું, ચોકખી લુટને ખાતર પણ સ્ત્રીના શરીર પર હાથ નાખવાનું ઘણાખરા બહારવટીઆઓાની નીતિમાં નામંજૂર હતું. વાધેરો લૂંટતી વેળા દુર ઉભા રહી સ્ત્રીઓને આટલું જ સંબેાધન કરતા કે : “ઘરેણાં ઉતારી દે બેન : તારી ભોજાઇઓને પહેરવા લુગડાં નથી. ખબર છે ને ?” મેાવર સંધવાણીએ પણ એજ વર્તાવ રાખેલો.

એથી યે અધિક સ્ત્રીસન્માન કાદુએ પોતાના જ કટ્ટા શત્રુ કર્નલ હંફ્રીની ઓરત તરફ બતાવેલું હોવાની સાક્ષી સ્વ. જસ્ટીસ બીમને સુધ્ધા આપેલ છે. અંતરિયાળ એ જુનાગઢના નવા અંગ્રેજ પોલીસ ઉપરીની ઓરત ને બાળકનો ટપ્પો મળે છે. જો એને ઝાલીને બાન તરીકે રાખે તો પણ એની આખી બાજી સુધરી જાય તેવા સંજોગો છે. પણ કાદરબક્ષે સાથીઓની એ વાત કબૂલ ન જ કરી. એના મ્હોમાં એક જ વેણ હતું કે “તો તો આપણી ઓરતો આપણા ઉપર થૂ થૂ કરશે !”

મોવરે પણ ડીસા અને પાલનપુર વચ્ચે મુસાફરી કરતી એક મડમ પ્રત્યે, તેમજ બીજી અનેક સ્ત્રીઓ પ્રત્યે સંપૂર્ણ સન્માન સાચવ્યું હતું. છેલ્લા બહારવટીઆ રામવાળાએ ભરયૌવન છતા અને સાથીઓ સહજમા લપટી પડે તેવા હોવા છતાં સ્ત્રીજાતિ પ્રાંતિ જે સંપૂર્ણ અદબ જાળવી છે તેના સાચેસાચા પ્રસંગો એની કથામા નોંધાયા છે. બહારવટીઆ વાલાએ તો અમૂક બાઇની સાથે પરણવાનું સાથીઓ તરફનું સૂચન થતાની વાર તૂર્ત જ કહેલુ કે “એ બાઈની ઈચ્છા જાણ્યા વિના આવી વાત પણ ન કરો. કેમકે કદાચ એ બાઈના મનમાં એમ હોય કે વાલો, મારો મારો ભાઈ છે, તો પછી હુ દોષે ભરાઉ !” તદન conventional - રૂઢિગત સ્ત્રીસન્માન આટલી હદે ન ચડી શકે.

શ્રી ધૂમકેતુએ પેાતાની 'તારણહાર' નામની ' ટૂંકી 'વાર્તામાં સામત ખાચર નામના એક સોરઠી બહારવટીઓ કલ્પેલો છે એક ચારણ કન્યાના શરીર પર લાલસાનો હુમલો કરનાર પોતાના સગા દીકરાને એ બહારવટીઆએ તત્કાળ બંદૂકથી વીંધી નાખ્યો એવું સુંદર ચિત્ર એણે આલેખ્યું છે. આ કલ્પનાને વાસ્તવિકતાનો આધાર બહારવટીઆની કથાઓમાંથી સાંપડે છે. વાલા નામોરીનો જ એક પ્રસંગ છે. કકલ બોદલા નામના એના એક સાથીએ મોરબી તાબાના ઝીકીઆળી ગામની કોઈ કણબણ પર નીચતા ગુજારી; એ વાતની જાણ થતાની વાર જ વાલાએ કકલ બોદલા ઉપર બંદૂક છોડી. પરંતુ પાસે બેઠેલા કોઈ બીજા સાથીએ બંદૂકની નાળ લગાર જ ઉંચી કરી નાખી: ગોળી ગુન્હેગારના શિર પર થઈને ચાલી ગઈ: વાલાએ બીજો ઘા ન કર્યો: 'પણ ભાવિષ્ય ભાખ્યું કે “બેલીઓ ! આની નીચવા આપણને નહિ છોડે. આપણું બહારવટું ખતમ થયું ! આજથી આઠમે દિવસે આપણને હડકવા હાલશે.”

બરાબર આઠમે દિવસે બહારવટીઆની આખી મંડળીને એજન્સી પોલીસ ઉપરી ગોર્ડન સાહેબે પેથાપગી નામના, બહારવટીઆના કોળી આશ્રયદાતાની મારફત કેફી લાડવા મોકલી ખાનારને બેહોશ બનાવે તેવું ઝેર ખવરાવ્યું અને બેશુદ્ધ બહારવટીઆ મરાયા. લોકો માને છે કે વાલાની ઘોર ભવિષ્ય-વાણી સાચી પડી.

બહારવટીઆનાં શરીરબળ

અનોધા કૌવત આ સૈારાષ્ટ્રીય લડાયક જાતિઓમાં ભરેલાં હતાં. વિકટ ડુંગરાઓ ઉપર અને નદીઓનાં પૂરમાં પણ એ લોકો પોતાનાં જોરાવર ઘોડાને દોટાવી જતાં. એની સાક્ષી એમનાં સંતાવાનાં સ્થળો આપશે. પગપાળા, બંદુકો તથા દારૂગેાળો વગેરે ત્રણ ત્રણ મણનો બોજો શરીર પર લગાવી તેએા રાતોરાત ત્રીસ ત્રીસ ગાઉ નીકળી જતા. પેાતાના સાથીએાનાં શબને ઉઠાવી લઈને નાસી જતા. પાણીમાં તરવું ને પૃર વીંધવાં તો એને સહજ હતુ : અધરાતે, બી. બી. સી. આઈ. ની દોડતી ગાડીમાંથી પોલીસને મારી. હાથમાં હથીઆર ને પગમાં બેડીઓ સહિત નર્મદાના પૂલ પરથી છલંગ મારી નદીનાં પાણી તરવાનો જે પ્રસંગ મામદજામ નામના મીયાણાને નામે બોલાય છે તે તો જૂનો પણ નથી. સરકારી રાજમાં બનેલો છે. અને આજ પણ ભરચોમાસે જ્યારે મચ્છુ નદી, દરિયા તથા રણ પાણીમાં એકાકાર બની જાય છે, ગાંડાતૂર પાણી ઉમટે છે, ત્યારે માળીઆના મીયાણાઓને હાથપગ બાંધીને તમે ફેંકી દો, તો પણ એ ગાઉના ગાઉ સુધી તરી જાણે છે. એ જ મામદજામે ધીંગાણામાં પોતાનાં બહાર નીકળી પડેલા અાંતરડાં પાછાં પેટમાં નાખી, ભેટમાં બાંધી લઇ મૃત્યુને પોતાની કબર તૈયાર થતાં સુધી થંભાવી રાખ્યું હતું. પાલીતાણાના બહારવટીઆ હીપા ખુમાણના દીકરા ચાંપા ખુમાણે, મધરાતે પોતાનાં બંને પડખાં વીંધીને ગોળી ચાળી ગયલી તો યે જરા યે સીસકારા ન કરતાં, ધીંગાણે ભંગાણ ન પડે તે ખાતર, ઘોડી પર બેઠાં બેઠાં જ નેવાંનું નળીયુ લઈ, બે ટુકડા કરી કમરની બને બાજુએ ચાપી દઈ, ઉપર પાટો કસકસાવી લેાહીને રોકી રાખ્યું હતું. કોઈને જાણ પણ થવા દીધી નહોતી. ઓખામંડળના દરિયામાંથી સરકારી અાગબોટ જ્યારે શંખોદ્વાર બેટનાં મંદિરોનાં ચોગાનોમાં ગ્રુપચાટ ગોળાઓ (એટલે કે નીચે પડીને ફાટનારા ગોળાઓ) વરસાવી રહી હતી, તે વેળા વાઘેર બહારવટીઆએ ગોદડાંના ભીના ગાભા લઈને ગોળા સામે દોટ મૂકી એ ગોળાને ફાટતા પહેલાં તો દબાવી બુઝાવી નાખતા. વાલા નામોરીના સાથીઓ, ગોર્ડન સાહેબે માકલાવેલા કેફી લાડવાનો નશો નસોમાં ચડી ગયા પછી પણ નાસીને રણમાં રેતીના ઓડા કરી યુદ્ધ લડેલા હતા. જીવલેણ જખ્મો થયા પછી પણ પડીને, સૂઈને, ધુળ ચાટતા ન મરવું, પણ બેઠા બેઠા, 'નથી મર્યા, જીવતા છીએ,' એવો મોરો રાખીને શ્વાસ છોડવા, શ્વાસ નીકળી ગયા પછી પણ શબનું બેઠા રહેવું: એ તેઓનુ અભિમાન હતું. મોતની સજા પામેલા મેર બહારવટીઆ હરભમ રાતડીઆએ પારબદરની તોપ સાથે બંધાવાની ના પાડી, પોતાની મેળે જ તોપના મુખને બાથ ભરીને ઉડી જવું પસંદ કર્યું હતું.

શત્રુતાનો પ્રકાર

રાજસત્તાઓની પરિભાષામાં આ સર્વ લોકોને 'હરામખોરો' અથવા 'બદમાશેા' શબ્દથી ઓળખાવવામાં આવે છે. પરંતુ કેટલાએકનો શત્રુઓ પ્રતિનો વર્તાવ ઘણી ખાનદાનીથી ભરેલો હતા. હરામખોરો એવી ખાનદાની બતાવી શકે જ નહિ. જોગીદાસ ખુમાણ પોતાના શત્રુ ઠાકોર વજેસંગજીના પુત્ર કેસરીસિંગનું મૃત્યુ થતાં ગુપ્ત વેશે શિહોરમાં લૌકિક જાય, ઠાકોરનાં રાણી નાનીબાને વગડામાં રાત્રિયે રાઘા ચાવડા નામના લુંટારાના હાથમાથી ઉગારી છેક ભાવનગરના સીમાડામાં મૂકી જાય, ઠાકોરની દીકરી - તે પણ રાણીની નહિ, રખાતની દીકરીના ગામ બોડકીને પાદર નીકળી, પોતાની દીકરીનું ગામ સમજી ન લૂંટે. એ બદમાશના લક્ષણ ન હોય. વાઘેર બહારવટીઆ, હાથમાં ભરી બંદૂકો છે છતાં “લાખુંના પાળનારને ન મરાય” એ બિરદ રાખી રાજા બહાદૂર જાલમસંગને મારતા નથી, પણ “રાજા બહાદૂર ! તારી ભેંટનો જમૈયો સંભાલજે !” એટલું કહી ગોળી છોડે : જમૈયો ઉડાવી નાખે : એ શત્રુધર્મ. બીજો પ્રસંગ : સરકારી સૈન્યથી હારીને વાઘેરો દ્વારિકા છોડી નાઠા જ ત્યારે મકનપુર ગામના વાઘેર સૂમણા કુંભાણીએ રાત્રિના અંધારામાં રસ્તે એક આદમીને પડેલો દીઠો. પડકાર્યો કે “કોણ તું ?” પડેલા માણસે જવાબ દીધો: “હું તારો શત્રુઃ તારી સેવેલી સ્ત્રીને ઉપાડી જનાર.” : “કોણ વસઈવાળો વેરસી ?” “હા, અટાણે તારો વેર વાળવાનો સમો છે, મને ઝટ ટુંકો કર.” “વેર અટાણે ન વાળું , અટાણે તો તું મારો ભાઈ થા. વેર તો હું પછી વાળીશ.” એમ કહી તે જખ્મી શત્રુને પીઠ પર ઉપાડી, વસઈ ગામે મૂકી આવ્યો. વાલો બહારવટીઓ પોતાના એક મીયાણા દુશ્મનને સામે ચાલ્યો આવતો દેખે છે : ગોળી ચલાવે છે: એક પછી એક સાત ગોળી મારી પણ શત્રુને એક પણ ન આંટી : બંદૂક મેલીને વાલો સામે ચાલી : “આવ બેલી આવ, તારી બાજરી હજી બાકી છે. ખુદાની ઉપરવટ મારે નથી થાવું. આવ, કસુંબો પીએ.” એમ કહીને આદર આપે છે. બીજા એક દુશ્મનને છેક કચ્છના દેપળા ગામ સુધી મારવા ગયેલા: એ સંધી શત્રુએ આવીને પોકાર કર્યો કે “એ વાલા ! તારી ગા.” વાલે કહ્યું. “ ગા થાછ ? દે ભાંભરડા !” શત્રુએ ત્રણ વાર ભાંભરડા દીધા, અને એને ગાય ગણી વાલાએ છોડી દીધો. વાઘેરોને માટે તો સત્તાવાર બોલાય છે કે નાસતા શત્રુને તેઓ “પે મ ભજો ! બાપ ન ભાગો ! માનું દૂધ ન લજાવો !” એવા શુરાતનના પડકારા કરતા, બનતા સુધી ભાગતા શત્રુ ઉપર ઘા ન કરતા.

ખુન્નસભર્યો કાદુ, પોતાનાં કુળ પર કારમાં વીતકો વીતાવનાર પોલીટીકલ એજન્ટ સ્કૉટને ઠાર મારવા જતાં, ઘોડાગાડી ચુકે, બીજી ગાડીમા બેઠેલ અન્ય ગોરાને કે સ્કૉટની મડમને ન મારે, જેક્સન સાહેબ એને નિરાશાજનક જવાબ દેવા જંગલમાં એકલો મળે ત્યારે પણ જેકસનને બાન ન ઝાલે, એ સ્વાર્થત્યાગમાં ખરો શત્રુ-ધર્મ રહેલો છે.

ભીમો જત બબીઅારાના ડુંગર પર એક જ સાથીના સાથમાં ગાફલ બનીને બેઠો છેઃ ઓચીંતો શત્રુની ફોજે ઘેરી લીધો: શત્રુના મીરે સામેથી પડકાર્યો કે “હવે ભીમો ભાગે નહિ. જણનારી લાજે !” ભીમો ઉભો રહ્યો: શત્રુઓને હાકલ દીધી કે “તમે મને મારી નાખશો એમાં તો શક નથી. પણ મર્દની રમત જોવી હોય તો આડ હથિયારે આવી જાઓ !” તલવારની રમત મંડાય : ભીમાએ ઠેકી ઠેકીને દુશ્મનોને વાંસાના ઘા કર્યાઃ ને પછી દગાથી એનો દેહ પડે: એ કથામાં પણ શૌર્યની ખાનદાની છે. આવો શત્રુધર્મ જે ન બતાવી શક્યા તેણે પાતાના સાથીઓની ને પ્રજાની દિલસોજી ગુમાવી હતી. બાવાવાળાએ મદાંધ બની પોતાના શત્રુ હરસુરવાળાને સાંતી હાંકતો કર્યોઃ મિત્રો કહે 'બાવાવાળા ! એને બે ઝાળાં તો દે !' બાવાની છાતીએથી ન છુટ્યું: સાથી રીસાઈને ચાલ્યો ગયો: શત્રુધર્મ સમજવાની ના પાડનાર બાવાવાળાનો એણે થોડે દિવસે નાશ કર્યો.