સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/મહીયાનાં બહારવટાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← માનવ હૃદયનો મહાપ્રશ્ન સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો
મહીયાનાં બહારવટાં
ઝવેરચંદ મેઘાણી
(૧) કનડાને રીસામણે →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


મહીયાના બહારવટાં
સંવત ૧૯૦૯ : ૧૯૩૯
ઐતિહાસિક માહિતી

કીનકેઈડ કે બીમન મહીયાઓ વિષે કશું જ લખતા નથી. કેપ્ટન બેલ પેાતાના 'હિસ્ટરી ઑફ કાઠીઆવાડ'માં (પાનું ૨૩૯) આટલું એકપક્ષી લખાણ કરે છે:

“મહીયા નામની નાની શાખાએ જુનાગઢ પ્રદેશમાં હેરાનગતી કરવા માંડી. જુનાગઢ રાજ્યમાં ૧૨ ગામ ખાતા આ લોકોએ ઈ. સ. ૧૮૭૨માં જુનાગઢ પર ચૂડાસમા રા'ના વંશને ફરીવાર આણવા શહેર પર હલ્લો કરેલો. આ કારણે તેએાનાં હથીઆર આંચકી લેવાયાં, એટલે તેઓ બહારવટે નીકળેલા, અને ઘણી મુશીબતે તેઓને ફોસલાવી પાછા વાળેલા. તે પછી તેએાની જાગીરોના સીમાડા દોરાયા, તેઓના હક્કો નક્કી થયા, અને હવે તેઓ રાજની જે લશ્કરી ચાકરી નહોતા ઉઠાવતા તેના બદલામાં તેઓની ઉપર એક હળવો કર નખાયો. તેઓની અપીલ સરકારે કાઢી નાખી. પરિણામે તેઓ ૧૮૮૨ના ડીસેમ્બરમાં ગામડાં છોડી એક તટસ્થ પ્રદેશના એક ડુંગરા પર ચડી ગયા, વાટાઘાટના બધા પ્રયત્નોની તેઓએ અભિમાનભરી અવગણના કરી.

“આ દ્વીપકલ્પની બીજી અસંતુષ્ટ અને ગુન્હો કરનાર કોમો પણ તેના દાખલાને કદાચ અનુસરશે એવા ભયથી મહીયાઓને, જો તેઓ શાંતિથી ન વિખરાય તો હથીઆર ઝુંટવી કબ્જે કરવાના હુકમ અપાયો. પરિણામે ધીંગાણું થયું. તેમાં મહીયા ને પોલીસ બન્ને પક્ષમાંથી ઘણાના જાન ગયા. મી. એસ. હેમીક (આઈ. સી. એસ.)ને પ્રમુખપદે એક મીશન, મહીયાઓની ફરીઆદો તપાસવા નીમાયું. મુખ્ય ફરીયાદો જુનાગઢ રાજ્ય અને એની પોલીસ સામેની હતી. છ વર્ષ સુધી તકરાર લંબાઈ, સંતોષકારક ફેસલો થયો. અને રોકડ જમાબંદીને બદલે જમીનની બદલીના ધેારણે સુલેહ થઈ શક્યો.”

કૅ. બેલનું અર્ધ સત્ય ખુલ્લુ કરનારી પ્રચૂર હકીકતો “The Brutal Massacres of the Mahiyas of Junagadh” નામના, એક કાઠીઆવાડી ભાઈએ લખેલ પુસ્તકમાં ભરી હોવાનુ ચોક્કસપણે જાણ્યું છે. પણ એ ચોપડી દુષ્પ્રાપ્ય હોઈ એનો ઉપયોગ અત્રે થઈ શક્યો નથી. કૅપ્ટન બેલ એ કમીશનના ફેસલામાંથી પણ કશું અવતરણ કરવાની હીંમત બતાવી શક્યો નથી. પેાલીટીકલ એજન્ટના ઉચ્ચ પદ પર વિરાજમાન રહીને એણે માત્ર રાજસત્તાઓના પોપટ બનવું જ પસંદ કર્યું છે. એ રાજપક્ષીએ પ્રજાપક્ષને તો લક્ષ્યમાં જ લીધો નથી .