સ્ત્રીસંભાષણ/પ્રકરણ પહેલું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પાત્રો સ્ત્રીસંભાષણ
પ્રકરણ પહેલું
દલપતરામ
પ્રકરણ બીજું →


મંછીવહુ : (માણકચંદ શેઠને કહે છે) સાંભળો છો ?

(ધણીધણિયાણીએ એકબીજાનું નામ લેવાનો ચાલ નથી, માટે સાંભળો છો? એમ કહીને બોલાવે છે.)

માણકચંદ : શું કહો છો ?

મંછી : હીરાચંદશેઠની હવેલીમાં હાલ ચિત્ર ઘણાં સારાં બનાવ્યાં છે, એમ લોકો કહે છે માટે અમારે જોવા જવાની મરજી છે, તે તમે કહો તો જઈએ.

(બાયડિયોને કોઈને ઘેર જવાની મરજી હોય, તો ધણીની રજા વિના જવાય નહિ.)

માણકચંદ : ઠીક છે, પણ આજ તો હીરાચંદ શેઠ પોતાને ઘેર હશે, ને કાલે શાહીબાગમાં જનાર છે, માટે તે ગયા પછી તમે શેઠાણી પાસે જવું હોય તો જજો, કેમકે શેઠ બેઠા હશે, ત્યારે તમારાથી શી રીતે ચિત્ર જોવાશે?

(જે સ્ત્રીની ધણીથી બીજો પુરુષ મોટી ઉમરનો હોય, ત્યારે તેની લાજ કાઢવી પડે છે, માટે તેવો પુરૂષ બેઠો હોય, ત્યાં એ સ્ત્રીએ ઊંચે સાદે બોલાય ચલાય નહિ.)

મંછી : (બીજે દહાડે કહે છે) તમે કાલે કહ્યું હતું, કે કાલે જજો તે હવે આજ જઈએ ?

માણકચંદ : કોણ કોણ જશો ?

(ઘણું કરીને સ્ત્રીએ કોઈને ઘેર એકલાં જવાય નહિ.)

મંછી : હરકોર બા, તારાચંદ, ને હું એ ત્રણે જઈશું.

(નણંદને બા કહેવાનો ચાલ છે)

માણકચંદ : ઠીક છે. પણ પહેલું કોઈને મોકલો, તે હીરાચંદની વહુને પુછી આવે કે, અમારે મળવા આવવું છે, તે કયે વખતે આવીએ ?

(પહેલી ખબર આપવાનું કારણ, કે ઘરમાં બેઠાં હોય ત્યારે ગમે એવા લૂગડાં પહેર્યાં હોય, તેથી કોઈ આવનાર હોય ત્યારે સારાં લૂગડાં ઘરાણાં પહેરવાનો ચાલ છે.)

પછી ચાકરને પૂછવા મોકલ્યો, તે પૂછી આવ્યો કે, દિવસના બાર ઉપર ત્રણ વાગતે આવવું. (એ વખત ફુરસદની હોય છે. પછી તૈયાર થતાં વાર થઈ, ને બાર ઉપર પાંચ વાગતા હીરાચંદ શેઠને ઘેર પહોંચ્યા.)

(મુકરર કરેલા વખતે બાઇડિયો કોઈ દિવસ તે કામ કરે નહિ, કારણ કે તેમનામાં ઘણી સુસ્તી હોય છે.)

ઘરબહાર ઊભાં રહીને ચાકરને કહેવા મોકલ્યો, તેણે જઈને હીરાચંદની વહુને કહ્યું.

ચાકર : માણેકચંદ શેઠના ઘરનાં મળવા સારૂ આવ્યાં છે.

પ્રેમકોર : ઓ નવલવહુ, ઊઠો ઊઠો, તમે તો હજુ સુધી ચોટલો ગુંથો છો, ને માણેકચંદના ઘરનાં તો આવ્યાં.

(અહીં પણ સુસ્તી ઘણી એમ જાણવું)

પ્રેમકોર : (ચાકરને કહે છે) જા, કહીએ કે આવો. પછી પેલાં આવ્યાં; ને જોયું તો હીરાચંદ ઘરમાં બેઠા હતા; એટલે શરમ પામીને બહાર ઊભાં રહ્યાં; એટાલે પ્રમકોર શેઠાણીએ શેઠને કહ્યું કે,

(હીરાચંદની વહુમાં એટલી અકલ ના આવી કે શેઠ ઘરમાં બેઠા છે ને પેલાં શી રીતે આવશે.)

પ્રેમકોર : સાંભળો છો ?

શેઠ : શું કહે છે ?

(ઘણું કરીને પોતાની સ્ત્રીને માન આપીને બોલાવવાનો ચાલ નથી, માટે શું કહે છે એમ કહે છે પણ શું કહો છો, એમ નથી કહેતા)

પ્રેમકોર : ઊઠો ઊઠો,દોકાનમાં જઈને બેસો. માણકચંદના ઘરનાં મળવા આવ્યાં છે. તે બહાર ઊભાં થઈ રહ્યાં છે.

(શેઠ ઊઠીને બહાર ચાલતાં વળી પાછા વળીને બોલ્યા)

શેઠ : ઝવેરચંદ !

( દીકરાનું નામ લઈને પોતાની સ્ત્રીને બોલાવવાનો ચાલ છે)

પ્રેમકોર : શું કહો છો ?

શેઠ : માણકચંદ શેઠનો દીકરો સાથે આવ્યો હોય તો તેના હાથમાં શેર મિઠાઈ આપવી જોઈયે.

પ્રેમકોર : સારૂં આપીશું.

પછી શેઠ ગયા એટલે પેલાં ઘરમાં આવ્યાં

પ્રેમકોર : (પોતાના ચાકરને કહે છે) અલ્યા ચાલ્ય ઝટ, અહીં એક નાની જાજમ લાવીને પાથર.

ચાકર : પાથરું છું.

માણકચંદની વહુએ પ્રેમકોરબાઈને પગે પડાવા માંડ્યું ( વહુ હોય તે વૃદ્ધ અથવા પોતાથી મોટી હોય તેને પગે પડે છે)

પ્રેમકોર : નાના, રહેવા દો; તમે હવે શું મારે પગે પડશો. તમે મારાં જેવડાં કહેવાઓ.

પ્રેમકોર : ઓ નવલવહુ, તમે શેઠાણીને પગે પડો.

પછી નવલવહુ પગે પડી. એટલે મંછીવહુ કહે છે કે લ્યો રાખો, ટાઢાંપેટ, વસ્તાંપેટ, દીકરા જણજો, ને ઘર ભરજો!!

પ્રેમકોર : આવો આપણે મળીએ, કેમકે ઘણે દહાડે ભેળાં થયાં છીએ.

(એકબીજાને બાથ ભરીને મળવાનો ચાલ છે. તે બારબરીયાંને મળે છે.)

મંછી : હા, ઠીક, લ્યો મળીએ. પછી મળ્યાં.

પ્રેમકોર : (પોતાના ચાકરને કહે છે) અલ્યા ઊઠને, ત્યારનો શું કરે છે ? જાજમ લાવીને પાથર, સઊ ઊભાં થઈ રહ્યાં છે.) (ચાકર સુસ્ત, ઘણું કરીને ચાકર કણબી હોય છે.)

ચાકર : આવું છું તો ખરો; હું તે એકલો ચેટલુંક કામ કરૂં ? આ થાળીઓ માંજીને આવું છું. (ચાકરની બેઅદબી)

પ્રેમકોર : ઊઠીને પીટ્યા, બળી તારી થાળીયો માંજવી; બપોરનું કહ્યું હતું, કે આ ઠેકાણે જાજમ પાથરી રાખજે, માણકચંદના ઘરનાં મળવા અવનાર છે.

(ગેરહોશિયાર, કારણ કે પગાર રૂ. ૩)નો હોય છે.)

ચાકર : (ગુસ્સામાં ઊભો થયો ને આવી બોલ્યો) આ ઠેકાણે જાજમ હતી તે કુણ લેઈ જ્યું ?

પ્રેમકોર : અહીં મેલી હોય ત્યારે કોણ લેઈ જાય તારો બાપ ?

ચાકર : હું શું કરૂં, જાજમ તો જડતી નથી, મહીને રૂ ૩) નો પગાર ખાવો, ને કનડાઈને મરી જૈએ છીએ, હું તો મારે ઘેર જઈશ. નથી મારે ચાકરી કરવી.

(ચાકરનો પણ વાંક નહીં કેમકે હમાલનું કામ, ભીસ્તીનું કામ, તથા અરધું બબરચીનું કામ, તે ઉપરાંત પટાવાળાનું કામ પણ તે એકલાને કરવું પડે છે.)

મંછી : શું કરવા બીચારા ચાકરને એમ કરો છો ? પાથર્યાનું શું કામ છે ? અહીંયાં હેઠાં બેશીશું.

(કોઈ વખત હેઠળ પાથર્યા વગર બેસવાનો પણ ચાલ છે ખરો.)

પ્રેમકોર : હેઠાં તે બેસાય ? લાવને પીટ્યા, જે હોય તે લાવીને પાથર.

ચાકર : આ ગાડીનો પડદો છે તે કહો તો પાથરૂં.

નવલવહુ : આ જો, આ ઘંટી હેઠે નાની જાજમ પડી, લે પાથર.

પ્રેમકોર : ઘંટી હેઠળ કોણે જાજમ મેલી હતી ?

ચાકર : મેં મેલી હશે, પણ ભૂલી જ્યો.

( પછી જાજમ પાથરી, તે ઉપર સૌ બેઠાં; ચાકર થાળીયો માંજવા બેઠો.)

પ્રેમકોર : બાર ઉપર ત્રણ વાગતે આવવાનું હતું, ને કેમ મોડાં આવ્યાં ?

મંછી : માથા ગુંથવા રહ્યાં ત્યાં વાર લાગી, ને વળી અમારે બા[૧] બહુ થાંથાં છે.

હરકોર : હું તો તમારા પહેલી પરવારી હતી; પણ તમે મારા ભાઈને પૂછવા જ્યાં, ત્યાં પોરની પોર વાર થૈ જૈ ને શું ?

પ્રેમકોર : જુઓ નણંદ વિના એટલું કોણ કહે ?

(નણંદનો મશકરી કરવાનો હક છે)

અંબા : ઓ મોટીમા.

(મોટીમા એટલે બાપની મા)
હું માણકચંદ કાકને ઘેર ગઈ હતી, તે માણકચંદ કાકા ને મંછી કાકી બંને ખુરશીઓ ઉપર જોડા જોડ બેઠાં હતાં
(એ રીતે જાહેરાંત બેસવાનો ચાલ નથી. છાની રીતે બેઠાં હશે, તે અંબાએ દીઠાં હશે.)

મંછી : (હશીને બોલ્યાં) મરો તમે અંબાબહેન, બહુ ચાવળાં દેખાઓ છો ને શું ? તમે મરવા અવ્યા છો કે જીવવા ?

(દીકરીને મરો એમ કહેવાય, દીકરાને ન કહેવાય. લોકો કહે છે, કે બહુ ચાવળું એટલે હોશિયાર છોકરૂં, હોય તે ઝાજું જીવે નહિ.)

પ્રેમકોર : રસોઈઓ રાખ્યો છે કે તમે રાંધો છો ?

(બાયડીયોની વાતોમાં મુખ્ય તો રસોઈની વતા હોય છે. ને પછી છોકરાંની, તે પછી ઘરેણું પહેરવાની, શિવાય કામણ ટુમણની, ભૂત વગેરેની તથા લડાઈની.)

મંછી : એક બ્રાહ્મણને રાખ્યો હતો પણ બ્રાહ્મણનું રાંધ્યું તો બ્રાહ્મણ ખાય, કે ભેંશ ખાય; તમારા દીયરને પણ કાંઈ ઠીક પડ્યું નહિ. માટે તેને કહાડે મેલીને એક વાણીઆને હમણાં રાખ્યો છે.

પ્રેમકોર : અમારે પણ નેમાના બાપને કોઈની કરેલી રસોઈ ભાવતી નથી, મને કહે છે કે મને તો તારા હાથની જ રસોઈ ભાવે છે.

(પોતાને સારી રસોઈ કરતાંઆવડે છે એવી મગરૂરી બતાવી.)

મંછી : મારા જેઠે હવે ઘડપણનો રોટલો કે રોટલી તો નહી ચવાતું હોય ?

પ્રેમકોર :શેનું ચવાય દાંત બધાય હલે છે, માટે શીરો ખવાય, અથવા બાજરીના રોટલાનો ગરભલો નાના છોકરાંને ખવરાવીએ એવો ખાઈ શકે.

મંછી : મારા પીયરના ગામમાં એક વાણીયાની દીકરી નવ વર્ષની આ વર્ષમાં પરણી, તેનો વર એવડો હતો.

પ્રેમકોર : તૈં શું છે ? મારે છોકરાં ન થયાં હોય તો તમારા જેઠ આજ પરણે કે નહિ?

મંછી : ત્યારે આ તમારા પર સોક્ય આવેલી, તે તમારે છોકરાંની ખોટ હતી ?

પ્રેમકોર : છોકરાં તો મારે થતાં, પણ જીવતાં નહિ; માટે છોકરાંની ખોટ ખરી, ને નાનપણમાં મારે એમની સાથે ઝાઝું બનતું નહિ, એટલે મારા ઉપર સોક્ય લાવ્યા.

(સોક્ય એટલે ધણીની બીજી ઓરત)

મંછી : તમારી સોક્યને ને તમારે બને છે ?

પ્રેમકોર : બને તો એવું જ તો; સોક્યોને કોઈને બન્યું છે તે બને ?

હરકોર : તમારે સોક્ય આવ્યા પછી ઝવેરચંદ આવ્યા કે ?

પ્રેમકોર : અરે મા, પથરા એટલા દેવ કર્યા, ત્યારે ઝવેરચંદનું મોં દીઠું છે.

(મતલબ કે દુનિયામાં જેટલા પથરાનો હિસાબ છે એટાલા દેવોની માનતા કરી હતી.)

મંછી : હા બાઈ હા, દીકરા તો દેવને દુર્લભ છે, દીકરા કેને ઘેર છે?

હરકોર : એવું છે કે જ્યાં ખાવા પીવા નહિ હોય , ત્યાં નરાં છોકરાં હશે. ને ખાવાપીવાનું સુખ હશે, ત્યાં એક દીકરીયે નહિ હોય.

(ગૂજરાતમાં એવું બહુ છે કે મજૂર લોકોને છોકરાં પણ ઘણાં હોય છે. ને પૈસાદાર નથી હોતાં)

મંછી : મારે આ એક દીકરો તારાચંદ છે, તે સારૂ કેટલીક બાધાઓ રાખેલી છે. અંબાજીએ જઈને માથાના વાઅ ઉતરાવ્યા, તાબુતની વખતમાં ફકીર કરીએ છીએ, જમીયલાશાપીરને મલીદો કર્યો, એવી એવી હજાર બાધાઓ રાખી પણ હરરોજ માંદો ને માંદો રહે છે.

હરકોર : બાઈ, કાકાબળિયાનો માલ છે.

નવલવહુ : ત્યાર પછી તમારે કાંઈ છોકરાં નથી થયાં ?

મંછી : ત્યાર પછી બે કસુવાવડો થઈ.

(કસુવાવડ એટલે ગર્ભના મહિના પૂરા ન થતાં જનમીને મરી જાય તે)

પ્રેમકોર : હમણાં કાંઈ આશા છે ?

(ફરજન થવાનો સંભવ છે)

મંછી : હા, છે.

પ્રેમકોર : ભલે બાઈ ભલે, નાહ્યાં કેટલું થયું ? (રૂતુસ્નાન ક્યારે કર્યું છે?)

મંછી : આવતી પાંચમે ચોથો મહિનો અધવારશે.

હરકોર : ઝવેરચંદ શેઠની વહુને કાંઈ આશા છે કે?

પ્રેમકોર : અરે બાઈ, એમને પણ આ મલુકચંદ અવતર્યા પછી બે કસુવાવડો થઈ, એક બે વાર વાએ ગયું, ને ત્યાર પછી બીજો દીકરો છ મહિનાનો થયો છે.

(વાએ ગયું એટલે બે ત્રણ મહિનાનો ગરભ પડી જાય તે)

નવલવહુ : હરકોરબાઈ તમારે શાં છોકરાં છે?

હરકોર : મારે દીકરિયો પથરા ચાર છે.

::(એ દીકરીને પથરો કહે છે)

પ્રેમકોર : દીકરો એકે નથી થયો ?

હરકોર : એક દીકરો છ મહિનાનો થઈને પછો વળી ગયો છે . (મરી ગયો)

મંછી : (નવલને પૂછે છે) મલુકચંદ કેટલા વરાસનો થયો?

નવલવહુ : વરસ તો મને ગણતાં આવડતાં નથી, પણ એટલું સાંભરે છે કે ટીડ આવ્યાં હતાં, એ વરસે મલુકચંદ પેટમાં હતો.

પ્રેમકોર : ત્યારે દશ વરસનો થયો હશે.

નવલ : (હરકોરને પૂછે છે) તમારો દીકરો જીવતો હોય તો આજ કેવડો હોય?

હરકોર : અરે બાઈ, મોટો બધો હોય, મારી કાકી મરી ગયાં ત્યારે તે છ મહિનાનો હતો.

પ્રેમકોર : અરે મા, કાંઈ દીકરા આવે રાચ્યાં ? શીળી, તાવ, ઓરી , અછબડા હજાર હજાર રોગ છે, તેમાંથી ઉગરે ત્યારે ખરૂં.

(એટલે ભરૂંસાથી ખુશી ન થવું)

મંછી : નવલ વહુનું શરીર કેમ પીળું લાગે છે ?

પ્રેમકોર : એમનું શરીર કસુવાવડને રોગે એવું થઈ ગયું છે.

મંછી : અરરર, કસુવાવડ તો બહુ વસમી; કહેવત છે કે " સો સુવાવડ, ને એક કસુવાવડ."

પ્રેમકોર : તમારી આંખ્યો કેમ રાતી છે ?

મંછી : મારી આંખ્યો દુખવા આવી છે.

પ્રેમકોર : આંખ્યોનું દરદ તો બહુ વસમું છે.

પ્રેમકોર : ઝવેરચંદ છ વરસ થઆં આંખ્યો દુખે છે, કંઈ કંઈ ઓસડ કર્યો પણ ફેર પડતો નથી.

હરકોર : કાંઈ ઘરનું બાહરનું હોય, માટે કોઈ જાણતું હોય તેને પૂછાવીએ નહિ ?

(ઘરનું ભૂત અથવા બહારનું ભૂત પીડા કરતું હોય)

પ્રેમકોર : એક દહાડો શાસ્ત્રી પાઠ બેસાર્યો હતો, તે અમારી કાકીજી અવગતીયાં થયા છે, તે નવલવહુના શરીરમાં આવીને ધુણ્યાં હતાં, ને કહ્યું, કે મારો ગોખલો ઘરમાં કરીને મને બેસારો, તે બેસાર્યો છે, રોજ ધૂપ દીવો કરીયે છીયે, પણ આંખ્યોએ તો કાંઈ ફેર પડતો નથી. (એટલી વાત થઈ ત્યાં પાનાચંદ ઘોડીયામાં સુતો હતો, તે રોવા લાગ્યો)

નવલ : ઓ અંબા, ઉઠ ઘુમણી ઘાલ્ય, ભાઈ જાગ્યો.

અંબા : (ઊઠી ઘુમણી ઘાલવા ગઈ, પણ પાનાચંદ છાનો રહ્યો નહીં, એટલે બોલી કે) આ તો નથી ઊંઘી જતો હું શું કરૂં?

પ્રેમકોર : હાલરડાં ગાતી જા ને હીંચોળતી જા, એટલે ઊંઘી જશે.

 

અંબા હાલરડાં ગાય છે.
હાલોને વાલો, ભાઈને ઘુમણીયો ઘાલો;
ભાઈ મારો અટારો, ઘીને ખીચડી ચટાડો;
ભાઈ મારો હેવૈયો, ભાઈને ભાવે શેવૈયો;
શેવ પડી છે શેરીમાં, ભઈ રમે છે દેરીમાં;
દેરીયે દેરીયે દીવા કરૂં, ભાઈ મારાનો વિવા કરૂં;
ભાઈ મારો છે વણઝારો, શેરસોનેથી શણગારો;
ભાઈને કોઈયે દીઠો, ફુલવાડીમાં પેઠો;
ફુલની વાડીયો વેડાવો, ભાઈને ઘેર તેડાવો;
ભાઈ મારો છે ડાહ્યો, પાટલે બેશી નાહ્યો.
પાટલો ગયો ખશીને, ભાઈ ઉઠ્યો હશીને;
કુતરાં જાજો કમાડ, ભાઈને રોતો રમાડ;
સુઈ રે , હાલ્ય હાલ્ય.

(છોડી હોય તો બેનને ઘુમણીયો ઘાલો, બેન મારી અટારી, ઘીને ખીચડી ચટાડી. એ વગેરે રીતે ગાય છે.)

અંબા : એ માડી, આ તો નથી ઉંઘતો.

નવલ : ઊતાવળા હીંચકા નાંખ, ને હાલો ગાતી જા, એટલે ઊંઘી જશે.

 

વળી અંબા ગાવા લાગી
હાલ્યવાલ્યને હુવા, લાડવા લાવશે ભાઈના ફુવા;
ફુવાના શા આંકા, લાડવા લાવશે ભાઈના કાકા;
કાકાના શા મામા, લાડવા લાવશે ભાઈના મામા;
મામાની શી ઓક, લાડવા લાવશે ગામના લોક;
લોકની શી પેર, લઆડવા કરશું આપણે ઘેર;
ઘરમાં નથી ઘી ને ગોળ, લાડવા કરશું આપણે પોર;
અલો લો લો લો હાલ્ય હાલ્ય.

અંબા : સુઈ રહે, નહિ તો બાઘડો બોલે છે, તે હમણાં આવીને લઈ જશે.

પ્રેમકોર : ઝાઝી વારથી સુતો છે, તે હવે નહીં ઊંઘે. લ્યો નવલ વહુ ધવરાવો.

નવલવહુ : ઓ અંબા, અહીંયાં લાવ્ય, એને ધવરાવું.

(અંબાએ લાવીને આપ્યો.)

મંછી : આવો ભાઈ હું તેડું કે ?

નવલવહુ : જાઓ ભા, કાકી પાસે જશો ? ને ફઈને પગે લાગો.

હરકોર: (છોકરાને માથે હાથ ફેરવીને આશીષ આપે છે) જીવતો રહેજે, ને સો વરસનો ઘરડો ડોસો થજે, ને તારાં માબાપની ચાકરી કરજે ભાઈ એમ કહીને મીઠડાં લીધાં.

મંછી : ચીકાને અફીણ કરાવો છોકે ?

(નાના છોકરાને ચીકો, અથવા કીકો, હલ્યો, ને છોડીને હલી અથવા કીકી કહે છે)

પ્રેમકોર : ના અફીણ નથી કરાવતાં; બત્રીશ વાનાની બાળા ગોળીયો કરી છે, તે એક સવારે ને એક સાંજે, કરાવીયે છીએ. (બાળકને તેજાનાની ગોળી ખવરાવે છે, સુખાકારીથી સુઈ રહેવાને વાસ્તે.)

(નવલવહુએ ધવરાવવા માંડ્યો)

હરકોર : છોકરાના મ્હો ઉપર સૈડાકાનો છેડો ઓઢાડો બાપા, ઊઘાડે મ્હોડે ધવરાવીએ નહિ. કોઈની નજર કેવી હોય ને કોઈની કેવી હોય; બાળકને નજર લાગતાં વાર ન લાગે.

(સાડીનો છેડો જે માથા ઉપરથી આવેલો નીચે કમરમાં ખોસે છે, તેને સૈડકો કહે છે.)

પ્રેમકોર : આપણે તો કહી કહીને થાક્યાં મા; આપણું કહ્યું માનતી નથી, એટલે મેં તો હવે કહેવું પડતું મેલ્યું. વેળાકવેળા નેવાં તળે બેશીને ધવરાવે છે, ઊંબરા ઉપર આતવાર મંગળવારે બેશીને ધવરાવે છે, કાંઇ કહેવાની જ વાત નહિ.

હરકોર : અરર, એમ કરીએ નહિ; બાઈ એ તો ફૂલ કહેવાય; એનાં તો ઘણાં રખોપાં કરવાં જોઇયે. છોકરાં ઉછરેવાં તો મુશ્કેલ છે. અને વળી છાણા ઉપર છાણું ભાગીએ નહિ; દીવે દીવો કરીએ નહિ, આડી સળી રાખીએ; હાથો હાથ મીઠું લઇએ દઇએ નહિ; આતવારે કે મંગળવારે માથાબોળ ન્હાઈએ નહિ; અને પગે પગ ધોઈએ નહિ; કેમકે એ તો અપશુકન કહેવાય.

મંછી : એક માદળીયું, ને વજરગોટા, ચીકાની કોટમાં રાખ્યા હોય, નહિ તો વાઘનો નખ મઢાવીને રાખ્યો હોય તો નજર લાગે નહિ.

હરકોર : ઝાઝું છોકરાને બહાર ન લેઈ જવા દેઈએ, ને દેરે અપાસરે લેઈ જઈએ તો કાને મેશનું ટપકું કરીયે.

(કોઈ ગાલે પણ ટપકું કરે છે.)

મંછી : લાવો લાવો હું તેડું, મને બહુ વહાલો લાગે છે. (પછી તેણે તેડ્યો; એટલે છોકરો તેના ખોળામાં હગ્યો.)

નવલ : અરે અરે તમારી સાડી બગડી.

મંછી : કાંઈ ફિકર નહિ, મારે શુકન થયા; હાઇ તારી વાણી ફળજો.

(મતલબ કે મારે પણ દીકરો આવજો ને આ રીતે લૂગડાં બગાડજો.)
(નવલવહુએ છોકરાને લીધો, ને ચાકર ને કહે છે.)

નવલવહુ : અલ્યા પાણી લાવ્ય, ભાઈને પખાળીએ.

(ધોઈએ)

ચાકર : લાવું છું.

(પછી પાણી લાવ્યો, ચાકર રેડે છે, ને નવલવહુ ધુએ છે.)

નવલવહુ : અરર, ટાઢું પાણી છે, ઊંનું પાણી નથી ?

ચાકર : ઊંનું નથી.

નવલવહુ : શા વાસ્તે ઊંનું નથી રાખતો ? રોજરોજ કહીએ છિયે, કે ઊંનું પાણી રાખજે, પણ રાખતો નથી.

ચાકર: રાછ્યુંતું પણ ઠરી જ્યું.

નવલવહુ : તો પીટ્યા, ઈનામણિયા હેઠે બે લાકડાં હમેશાં સળગતાં રાખીએ નહિ ?

ચાકર : હવેથી રાછીશ.

નવલવહુ : બળ્યું તારૂં રાખવું, રોજ કહેવું ને રોજ એનું એ છે.

પ્રેમકોર : મંછીવહુ, ઊઠો એ સાડી કહાડી નાંખો, ને બીજી સાડી નવલવહુની પહેરો, તમારી સાડી ધોવરાવીને ઘેર પહોંચાડીશું.

મંછી : કાંઈ બીજી સાડીનું કામ નથી. થોડોક છેડો બગડ્યો છે, તે ધોઈ નાંખી એટલે થયું. (પછી ધોઈ નાંખ્યો) પાછાં બેશીને વાતો કરે છે.

પ્રેમકોર : તમારે શું શું ઘરાણું છે ?

મંછી : સાંકળાં છે, કલ્લાં છે, પાટિયાં છે, ને હમણાં અમારે ઘેર વીવા હતા ત્યારે મેં રોઈને હઠ લીધો, ત્યારે બસેં રૂપિયાની એક જવમાળા કરાવી.

(ગરીબ અથવા તવંગર સ્ત્રી વીવાહની વખતે ઘણું કરીને ઘરાણાં લૂગડાં સારૂં ટંટો લઈ બેસે છે.)

હરકોર : નવલવહુને શું શું ઘરાણું છે ?

પ્રેમકોર : એમને પણ મોરલ્યું છે તે છે, ને હમણાં વળી એક ચંદનહાર સારૂ છ મહિના થયાં લડાઈ કરતી હતી, તે કરાવ્યો છે.


મંછી : જોઈએ કેવો ચંદનહાર છે?

નવલવહુ : જુઓ આવો.

મંછી : વાહ વાહ, બહુ સારો ઘાટા છે. કેટલા રૂપિઆનો થયો ?

પ્રેમકોર : કેટલા રૂપિઆમાં તો આપણે શું સમજીએ? ભાયડા જાણે; પણ કાંઈક કહે છે કે તો ખરા કે રૂ. ૫૦૦નો થયો છે.

મંછી : આજ વાત; હવે હું રાત્યે વાળુટાણે કહીશ કે આવો ચંદનહાર મારે વાસ્તે કરાવો.

નવલવહુ : હા, ઠીક છે, મારા કાકાજીને રૂપિઆ ઘણાય છે, એક દહાડો, અબોલા લેશો એટલે જખમારીને કરાવશે.

(ધણીનો કાકો તે કાકોજી કહેવાય. અબોલા એટાલે બોલવું નહિ.)

હરકોર : અરે અબોલાની શી વાત કહો છો; હમણાં પંદર દહાડા સુધી અબોલા રહ્યા હતા, તે ઘણી મુશ્કેલીથી એક સોનાની સાંકળી કરાવી આપી, ને અબોલા ભાગ્યા છે.

તારાચંદ : મા. ચાલોને હવે આપણે ઘેર જઈયે.

મંછી : હમણાં જઈયે છિયે. "વળી ઘડીએક થઈ એટલે."

તારાચંદ : ઉઠોને હવે તો ઘેર જઇયે.

(બાઇડિયોની વાતો ખૂટે નહિ, વાસ્તે તેનો ઘણી વિચાર કરીને નાનું છોકરૂં હોય તેને સાથે મોકલે છે, મતલબ કે ઝાઝીવાર થશે એટલે છોકરૂં રોવા લાગશે, એટલે ઊઠીને ઘેર આવશે.)

મંછી : ઓ મલુકચંદ, આ તારાચંદને રમવા તેડી જા.

મલુકચંદ : ચાલ્ય ચાલ્ય આપણે રમિયે, ને મારે ભણવાની પાટી તને દેખાડું. પછી બંને જણ આઘા ગયા.

તારચંદ : આ લેખણ કેની છે ?

મલુકચંદ : અડીશ નહિ, અડીશ નહિ, એ તો ભાગી જાય. મારી લેખણ છે.

તારાચંદ : આ તો મારી લેખણ.

મલુકચંદ : લાવ ગધાડીના મારી છે.

(ગધાડીના દીકરા)

તારાચંદ : તું ગધાડીનો.

મલુકચંદ : તારો બાપ ગધાડીનો

તારાચંદ : તારી માનું નાતરૂં.

મલુકચંદ : તારી માનું નાતરૂં, રાંડના જો તું આ જઈને મારી મોટી માને કહી દેઊં છું.

તારાચંદ : જા, કહી દે ને, તારી મોટી મા શું કરશે ?

મલુકચંદ : ઓ મોટી મા, આ તારિયો મને ગાળો દે છે.

(બેઅદબીથી બોલતાં હેમચંદનો હીમલો, પ્રેમચંદનો પ્રેમલો, તારાચંદનો તારિયો, એ તીતે બોલાય છે. જ્યારે કોઈ ઉપસ્થનું નામ લે છે ત્યારે એમ કહેવાય છે કે એભૂંડું બોલે છે.)

તારાચંદ : મને ગધાડીનો કહ્યો, ને વળી.

મલુકચંદ : મને મા સામી ભુંડાબોલી ગાળ દીધી.

તારાચંદ : તેં મને મા સામી ભૂંડાબોલી ગાળ દીધી કે?

પ્રેમકોર : (મલુકચંદને કહે છે) તારી મા તો એની ભાભી થાય, તે ભૂંડબોલી ગાળ એ તો દે, પણ એની મા તો તારે કાકીમા થાય, તેને તેં ભુંડાબોલી ગાળ દેવાય નહિ.

(દીયરનો તથા ભાણેજનો મશકરી કરવાનો તથા ગાળ દેવાનો , હસવા બોલવાનો ચાલ છે, પણ એ ચાલ ખરાબ છે.)

મલુકચંદ : એ મારી મા સામી ગાળ દેશે તો હું એની મા સામી ગાળ દેઈશ.

મંછી : લ્યો હવે તો ઊઠીશું. ઘેર વાટ જોતા હશે.

પ્રેમકોર : હમણાં જવાય છે. બેઠાં છો, શી ઉતાવળ છે ? તમે અહીંયા ક્યારે આવો છો ?

હરકોર : પેલા સામા ઘરમાં બેઠાં છે તે કોણ છે ?

પ્રેમકોર : એ અમારે બેન.

(સોક્યને બેન કહે છે.)

નવલ : તમારી સોક્ય ?

(ઘણું કરીને સોક્યની સાથે બોલવાનો વહેવાર ન હોય. કારણ કે લડાઈ હોય છે)

પ્રેમકોર : હા, એ.

હરકોર : તમે એની સાથે બોલો છો કે નહિ ?

પ્રેમકોર : હું તો મારે બોલું છું, પણ એ તો અમારા ઉપર બહુ ઝેર રાખે છે, ને એને કામણટુમણ પણ બહુ આવડે છે. એક દહાડો ઝવેરચંદે એને ઘેર જઈને પાણી પીધું હશે, તે દહાડાથી ઝવેરચંદની આંખ્યો દુખવા આવી છે, તે પાંચ વર્ષ થયાં પણ મટતી જ નથી. કોણ જાણે રાંડે શું કર્યું છે.

( છોકરૂં માંદુ થાય અથવા ધણીને કાંઈ રોગ થાય ત્યારે અણમાનીતી સ્ત્રીને માથે કામણ કર્યાની અફવાઈ લોકમાં ચાલે છે.)

નવલ : એમનું પીયર કીયે ગામ છે?

પ્રેમકોર : વડોદરામાં બળ્યું છે.

હરકોર : ત્યારે તો, હોય જ તો, વડોદરૂં તો કામરૂપ દેશ જેવું છે. અમારી પડોશણ એક વડોદરાની છે, તેણે પોતાના ધણીને વશ કરવા સારૂ કામણ કર્યાં હતાં, તે કામણ અવળાં પડ્યાં , તેથી ધણીનો જીવ ફરી ગયો છે, ને તે નરગ ચુંથતો થયો છે.

(ગામડાની બાઈડિયો કરતાં શહેરની બાઈડિયો કામણ વધુ જાણે એવું લોકો કહે છે, કારણકે શહેરમાં જતિ વીગેરે જાદુખોર ઘણાં હોય છે.)

પ્રેમકોર : હા બાઈ હા, આણે પણ નાનપણમાં ઘણુંએ કર્યું હતું, તમને શું કહું ?

હરકોર : એ તમારી સોક્યે અમને દીઠાં ને તે અહીં આવે છે.

પ્રેમકોર : (પોતાને સોક્યને આવતી દેખીને કહે છે) આવોને.

નવી : હા આવ્યાં. આજ તો માણેકચંદ શેઠની વહુ, ને હરકોરબાઈ મળવા આવ્યાં છે કે શું?

હરકોર : હા આજ તો કહ્યું કે મળી આવીએ, ઘરમાં બેશી રહે દહાડો શે ખૂટતો નથી.

નવલ : કેમ કોટમાં ઘરાણું કાંઈ પહેર્યું નથી.

(ઘરેણું ઘરમાં તો હોય પણ જેનું મન ધણીથી ઊદાશ હોય, તે સ્ત્રી પેહેરતી નથી.)

નવી : ઠીક છે, જેને ધણીનું માન હોય, તેને ઘરાણું જોઈએ, અમારે તો વાહ વાહ.

(મતલબ કે પ્રેમકોર માનીતી છે, વાસ્તે તેને ઘરાણું કરાવે છે, ને મારે વાસ્તે નથી કરાવતા.)

હીરાચંદ શેઠે જ્યારે એ ટોળીમાં નવીને જતી દીઠી ત્યારે વિચાર કર્યો, કે હવે તરત ઉઠીને સઉ સઉને ઠેકાણે જાય તો સારૂં, નહિ તો માંહોમાંહી લડીને ઉઠશે.

(બાઈડિયો ઝાઝી વાર સુધી ભેળી થઈને બેસે, તો ઘણું કરીને માંહોમાંહી લડીને ઉઠે, ને વળી બે સોક્યો તો જરૂર લડે.)

શેઠ : ઓ ઝવેરચંદ.

ઝવેરચંદ : જી.

(મોટું માણસ બોલાવે ત્યારે જવાબ દેતાં જી કહેવાનો ચાલ છે.)

શેઠ : તારી માને જઈને કહે, કે હવે વાળુની વખત થઈ છે માટે માણકચંદ શેઠની વહુને એમને ઘેર જવા દ્યો.

ઝવેરચંદ : મા, ઓ મા.

પ્રેમકોર : શું છે ?

ઝવેરચંદ : મારો બાપો કહે છે કે, હવે વાળુની વખત થઈ છે. માટે માણેકચંદ શેઠની વહુને એમને ઘેર જવા દ્યો.

પ્રેમકોર : હમણાં જાય છે.

ઝવેરચંદ : (શેઠને કહે છે) કહ્યું.

શેઠ : કહ્યું પણ એમ નહિ ઊઠે, બાઈડિયોની વાતો ખૂટે નહીં, ને ઝાઝીવાર બેસવા દેવામાં કાંઈ માલ નથી. મરદ પાંચ ભેળા થઈને બેસે તો કોઈનું ઘર મંડાવીને ઉઠે, ને રાંડો પાંચ ભેળી થઈને બેસે તો કોઈનું ઘર ભગાવીને ઉઠે.

(મતલબ કે કોઈ કુંવારો હોય, તેના વીવાહની વાત ચલાવે, ને સ્ત્રીઓ ઘરાણાં વીગેરેની વાતો ચલાવીને, કોઈ સ્ત્રી પાસે થોડું ઘરેણું હોય, તે પોતાના ધણી સાથે ઘેર જઈને ટંટો લઈ બેસે.)

ઝવેરચંદ : હા એ વાત સાચી છે.

શેઠ : જા જઈને કહે કે ચોવીઆરની વખત થઈ જાય છે.

ઝવેરચંદ : ઓ મા, મારા બાપાને ચોવીઆરની વખત વહી જાય છે. (શ્રાવક લોકો દિવસ આથમ્યા પછી ખાવું-પીવું વિગેરે ૨૪ પ્રકારના આહાર બંધ કરે છે તેનું નામ ચોવીસ આહાર)

પ્રેમકોર : ઊઠે છે, એટલી વારમાં શું આકળા થાય છે ?

હરકોર : લ્યો હવેતો ઊઠીશું. અમારે પણ વાળુનું અસુર થાય છે.

પ્રેમકોર : બેસોબેસો એ તો છોને કહેતા, કાંઈ અસુર થતું નથી. હજી તો ઘણીએ વેળા છે.

તારાચંદ : ના, ના, માડી, હવે તો ઘેર ચાલો, મને નથી ગમતું. (એમ કહીને રોવા માંડ્યું.)

નવલવહુ : હવે તો તારાચંદ રૂએ છે માટે જઈશું.

પ્રેમકોર : ઓ ઝવેરચંદ.

ઝવેરચંદ : શું કહો છો?

પ્રેમકોર : તારા બાપને કહે કે માણકચંદના દીકરાના હાથમાં મીઠાઈ શેર આપવી છે, તે મગાવી આપો.

ઝવેરચંદ : બાપા, મીઠાઈ શેર મગાવે છે.

શેઠ : રહી રહીને અત્યારે કેમ કહ્યું ? જાજા, કંદોઈની દુકાનેથી મગાવી આપ.

(ઝવેરચંદે મીઠાઈ લાવીને પોતાની માને આપી.)

પ્રેમકોર : લે તારાચંદ.

મંછીવહુ : ના ના, મીઠાઈની શી જરૂર છે ?

પ્રેમકોર : એમ તો હોય ? તારાચંદ અહિયાં ક્યારે આવે છે.

નવલવહુ : હરકોર બા, હવેલીમાં ચિત્ર જોઈશું કે નહિ.

હરકોર : હવે અત્યારે ચિત્ર જોવા ક્યાં રહીયે ? રાત્ય પડવા આવી છે.

(બાઈડીઓ વાતો કરવા બેસે ત્યારે જે કામે આવ્યાં હોય તે કામ ભૂલી જાય.)

પ્રેમકોર : ચિત્ર જોવાનું હોય, ત્યારે તો વેળા છતાં આવવું હતું.

નવલવહુ : લ્યો ચાલો હવે, વળી કોઈ દહાડો આવીશું.

હરકોર : પ્રેમકોરબાઈ, બેસો હવે અમે જઈશું.

પ્રેમકોર : ચાલો તો ખરાં, અમારી ખડકી સુધી તો આવીએ. (ખડકી સુધી ગયા.)

પ્રેમકોર : હરકોરબાઈ, માણેકચંદ શેઠને મારી આશીશ કહેજો.

હરકોર : હો, કહીશું.

મંછી : બેસો.

(ચૌટા વિગેરે રસ્તામાં ચાલતાં બાઈડિયો જુદી પડે ત્યારે એક બીજીને બેસો એમ કહેવાનો ચાલ છે.)

પ્રેમકોર : તમે આવજો.

મંછી : હો, આવીશું, તમે આવજો.

હરકોર : આવજો, બેસો.

શેઠ : આટલી બધી શી વાતો કરી ?

પ્રેમકોર : આવ્યાં હોય, તેને ઉઠાડી મુકિયે કે શું?

માણકચંદ : ચીતર જોઈ આવ્યાં કે?

મંછી : શું ચીતર જુએ, ત્યાં જઈને બેઠાં, ત્યાં તો સાંજ પડી ગઈ.

માણકચંદ : વાતો કરવા બેઠાં હશો, તે બાઈડિયોની વાતનો શે પાર આવે ?

  • * *
  1. નણંદ