સ્નેહસૃષ્ટિ/અવેતન રંગભૂમિ
← પ્રેમનમન | સ્નેહસૃષ્ટિ અવેતન રંગભૂમિ રમણલાલ દેસાઈ |
સમજદારી → |
‘મધુકરને તું કસરત શીખવે છે શું ?’ શ્રીલતાએ કહ્યું.
‘આજના પ્રેમપાગલો કસરત કરતા થાય તો ખોટું નહિ.’ જ્યોત્સ્નાએ કહ્યું. મધુકરના મુખ પર અવનવી ફિક્કાશ ફરી વળી. પ્રેમી પુરુષ પોતાની પ્રેમપાત્ર સ્ત્રી આગળ સૂર્યનમસ્કાર કરે, યુરોપીય ઢબની ઊઠબેસ કરે. અગર ગુલાંટો પણ ખાય તેની હરકત નહિ; સહુ કોઈ એમ કરે જ છે. પરંતુ એ ચાર આંખનો પ્રયોગ છે. એમાં બે આંખ વધી જાય તો એ પ્રેમદર્શન મૂર્ખાઈની ટોચ બની રહે છે. મધુકરની મૂંઝવણ જ્યોત્સ્ના પરખી ગઈ અને શ્રીલતા બીજાં કથનો કરે તે પહેલાં તેનો હાથ ઝાલી તે બોલી ઊઠી :
‘તારી જ રાહ જોવાય છે. ચાલ, મધુકરનો પીછો પકડવાની તારે જરૂર નથી.’ આટલું કહી જ્યોત્સ્નાએ શ્રીલતાને ખેંચી - જેમ કરતાં આજ સુધી તેને કોઈએ જોઈ ન હતી.
મધુકરને છોડી આમ બંને સખીઓ એકાએક મકાનના બીજા ભાગમાં ચાલી ગઈ. એ બીજા ભાગમાં હમણાં હમણાં બહુ જાગૃતિ આવી ગઈ હતી. જ્યોત્સ્ના, શ્રીલતા અને બીજી સખીઓએ ગોઠવેલા દૃશ્યને સફળ કરવાની Practice મહાવરો - અભ્યાસશ્રેણી ત્યાં ચાલતી હતી. હોંશભરી કિશોરીઓ, યુવતીઓ અને વિશેષતઃ તેમની માતાઓ એ વિભાગને પોતાનો બનાવી રહી હતી. સંગીતકાર, વાદ્યકારો, નર્તકો ભેગાં થઈ કેળવાયલી કિશોરીઓને વધારે ચોકસાઈભર્યું કલાશિક્ષણ આપતાં હતાં - જેની એ કિશોરીઓને બહુ જરૂર લાગતી ન હતી. રાગ ભલે ન સમજાય. વાદ્ય ભલે પકડતાં ન આવડે, નૃત્યની મુદ્રા શું એનો ખ્યાલ ભલે ન હોય, છતાં આજની ભણેલી કિશોરીઓ અને યુવતીઓ એમ જ માને છે કે સંગીત રત્નાકર તેમના જ કંઠે રચી આપ્યો, વીણાની મીંડ કે સિતારના તોડ એમની વાણીમાંથી જ ઊપજ્યા. નૃત્યશાસ્ત્ર તેમનાં હલનચલનમાંથી જીવંત બન્યું અને આખી અભિનયકલા તેમના હાથ, પગ, કમર અને ભ્રૂકુટીની લટક ઉપર વળગીને જ રચાયું છે. આજની યુવતીને કલાનું શિક્ષણ આપી શકાય જ નહિ... કારણ એ જાતે જ જન્મસિદ્ધ કલાવતાર હોય છે. તેને શિક્ષણ કે સૂચનો આપનાર અપમાનને નોતરે છે.
આ સદ્ગણ સ્ત્રીઓની જ - યુવતીઓની જ - વિશિષ્ટતા નથી, એ યૌવનનો જ મહાગુણ છે. યુવતીઓની માફક યુવકો અને કિશોરો પણ કલાની બાબતમાં કોઈનાં સૂચન શિક્ષણની પરવા કરતો જ નથી. પરવા તો ઠીક, પરંતુ એ વર્ગ સૂચનો સહન પણ કરી શકતો નથી.
‘કાન્તા ! આટલું બધું આગળ માથે ન ઓઢીશ... તારું મુખસૌન્દર્ય વધારે ખુલ્લું દેખાવું જોઈએ.’ કોઈ કાન્તા નામની અભિનેત્રીને કહેતું.
‘પણ મારે તો ગ્રામસુંદરીનો અભિનય કરવાનો છે. આગળ ઓઢ્યા વગર ન ચાલે.’ કાન્તા જવાબ આપતી. અને જોકે એ માનતી હતી કે એના મુખસૌન્દર્યનો લાભ જનતાને મળવો જોઈએ ખરો, છતાં અભિનયમાં તો એણે કોઈને નમતું ન જ આપવું જોઈએ.
સૂચન કોઈ ન સાંભળે તેથી સૂચન આપવાનો અધિકાર ખોવાઈ જતો નથી. સુશમા નામની યુવતીને શિખામણ મળી :
‘અરે સુશમા ! તું બધી રીતે સરસ અભિનય કરે છે, પરંતુ જરા વધારે પડતો લટકો થઈ જાય છે... અને તું તો ગામડિયણનો સ્વાંગ ભજવે છે.... એમાં આવો લટકો શોભે ખરો ? આ શિખામણ સુશમાની જ હરીફ યુવતીની માતા સુશમાને સુધારવા આપતી. સુશમા સમજી જતી કે પોતાની પુત્રી સરસાઈ દર્શાવવા એક માતા આ સૂચના આપે છે. એટલે સુશમા જવાબ આપતી ! ‘ત્યારે તમે ગામડિયણના લટકા જોયા નથી.... ગામડિયણ તો વળી એવી લટકાળી હોય છે કે ન પૂછો વાત... અને મારો અભિનય એ કાંઈ ટાઢા પથરાનો અભિનય નથી... જીવતી સ્ત્રીનો અભિનય છે...’
સૂચન આપનાર વડીલ સ્ત્રીને આ જવાબ ઝટકા જેવો વાગતો હતો. સુશમાની જ માતાએ એ અન્ય માતાને તેની જ દીકરીના અભિનય માટે એક વખત. કહ્યું હતું કે એની દીકરીએ જડપથરાનો સ્વાંગ ભજવાનો નથી ! આમ અભિનેત્રીઓ અને તેમની માતાઓ વચ્ચે આપલે ચાલ્યા જ કરતી હોય છે.
નાટ્યપ્રયોગોમાં મિત્રો અને સખીઓ પણ દુશમનાવટમાં પ્રવેશી જાય છે... સ્વ વિના અન્ય સર્વ વ્યક્તિઓ આ દુનિયામાં ટીકાપાત્ર હોય છે... કદાચ એ સ્વની મહત્તાને સંતોષવા ખાતર જ अगंब्रह्मास्मि નું સૂત્ર રચાયું હોય હોય ! અને ભારતના પ્રધાનોનું સર્વજ્ઞપણું પણ એ જ સ્વમહત્ત્વને તૂંબડે તરતું હોય ત્યાં નાટ્યપ્રયોગો કરતાં યુવક-યુવતીઓમાં પણ એ લક્ષણ આગળ તરી આવે એમાં નવાઈ પામવું ન જ જોઈએ. છતાં નાટ્યપ્રયોગ થયે જાય છે અને આપણે કલાભાવનાને - અને સાથે સાથે આપણી ઈષ્યાર્ને - જીવંત રાખીએ છીએ, એ માનવજાતને માથે નાનોસૂનો આશીર્વાદ નથી જ. ઈષ્યાર્ને સહુ કોઈ વગોવે છે, પરંતુ એ ભાવે માનવજીવનમાં જે જે રંગ પૂર્યા છે એ પ્રેમે પણ નહિ પૂર્યા હોય એમ સાબિત કરી શકાય એમ છે.
ધંધાદારી રંગભૂમિની પાછળ જેમ એક દુનિયા રહેલી છે તેમ અવેતન રંગભૂમિની પાછળ પણ એક ચમકતી દુનિયા રહેલી છે. જેમાં સ્વાંગ ભજવનાર પાત્રો તો ભાગ લે છે જ; છતાં એ પાત્રોની માતાઓ અને કંઈક અંશે પિતાઓ અને ભાઈબહેનો - જે દોરીસંચાલન કરે છે એની બરોબરી મુત્સદ્દીઓ પણ કરી શકે એમ લાગતું નથી. સુંદર અને પ્રેરણાદાયી સ્ત્રીજાત અવેતન રંગભૂમિ પાછળની દુનિયામાં જે સ્વાભાવિક ચેષ્ટા કરે છે એમાં ખાસ કરીને જેવો વાત્સલ્ય ભાવ તરી આવે છે એવો બીજા કોઈ પણ સંજોગોમાં તરી આવતો નથી.
એક કિશોરીએ નૃત્ય કર્યું. એ કિશોરીને અને એની માતાને એ નૃત્યમાં એવી અલૌકિક ખૂબીઓ દેખાઈ કે જેવી ઈન્દ્રે ઉર્વશીરંભાના નૃત્યમાં પણ જોઈએ નહિ હોય. દૃશ્ય નિહાળનાર સહુ કોઈ તેના ઉપર ધન્યવાદ અને તાળીઓ વરસાવશે એવી આશામાં ચારે તરફ નિહાળી રહેલી માતાએ સહજ દૂરથી પણ સ્પષ્ટ સંભળાય એમ લાલિત્યભર્યા સ્ત્રીકંઠમાંથી ધીમે ઉદ્ગાર આવતો સાંભળ્યો :
‘ડાન્સ એ કાંઈ મોં ઉપરથી મચ્છર-માખી ઉડાડવાનો પ્રયોગ નથી.’
‘તે, બહેન ! તમારા મનમાં એમ હશે કે છોકરીને તાણ આવે ત્યારે જ સાચું નૃત્ય થાય, નહિ ?’ નૃત્ય કરતી યુવતીની માતાએ ઠાવકાશપૂર્વક જવાબ વાળ્યો.
‘મેં કાંઈ તમારી દીકરી માટે કશું કહ્યું નથી… હું તો નૃત્યની કલા વિષે સામાન્ય વાત કરું છું.’ પ્રથમ અભિપ્રાય આપનાર સન્નારીએ જવાબ આપ્યો. તેમની સુપુત્રીએ એક વખત નૃત્યમાં એવા હાથપગ વીંઝ્યા હતા કે કોઈએ તેને તાણ આવ્યાની ઉપમા આપી સંતોષ લીધો હતો.
‘તે તમે નાનપણમાં બહુ નાચેલાં ખરાં ને, એટલે બધું જાણો જ ને ?’
‘આપણાં નાનપણને જરા બાજુએ જ રાખો ને બહેન ! નાનપણમાં કોણ નાચ્યું હતું એના રાસડા હજી મને યાદ છે…’
સ્ત્રીઓની આંખમાં તો કટાક્ષ હોય; પરંતુ આંખ કરતાંય જીભમાં વધારે તીવ્ર કટાક્ષ હોય છે. કોઈ કિશોરીના અભિયનમાં ધીમો હાથ ફરતો હોય તો એને એ કટાક્ષ મચ્છર-માખી ઉરાડવાનો પ્રયોગ પણ કહી શકે અને જોરથી હાથ ફરતો હોય તો એ જ કટાક્ષ એને હિસ્ટીરિયા કે તાણ જોડે બેસાડી દે. નાનપણમાં સારા ગરબા ગાનારને વધારે આમંત્રણ મળ્યાં હોય ત્યારે એને કટાક્ષમાં નાચેણ સાથે પણ સરખાવી શકાય, અને કોઈની કિશોરાવસ્થામાં પ્રેમની પંચાત કે ખેંચતાણ અંગે કોઈએ જોડકણું જોડ્યું હોય તો તેને રાસડાનું મહત્ત્વ પણ સ્ત્રીનો કટાક્ષ આપી શકે. જાહેર રંજનસમારંભો તો જોવાલાયક હોય છે જ ! પરંતુ સમારંભની તૈયારીનો યુગ એથી વધારે જોયામણો હોય છે ! સમારંભમાં પાત્રો તો શ્રોતાઓનું સારી રીતે મનોરંજન કરે જ છે પરંતુ એ પાત્રોની માતાઓના અન્યની પુત્રીઓ માટેના મત, અભિપ્રાય તેમ જ કટાક્ષ એથી પણ વધારે મનોરંજક હોય છે. એક પણ જાહેર રંજનકાર્યક્રમ પાત્રોનાં રિસામણાં-મનામણાં, માબાપ - અને ખાસ કરી માના કટાક્ષ અને થોડાં અશ્રુવહન અને યુવકોના અબીભત્સ ગાલિપ્રદાન સિવાય સફળ થયો હોય તો તેની નોંધ રાખવા સરખી છે. ઇતિહાસ તો કહે છે કે રંજન કાર્યક્રમનો એ જ મહત્ત્વનો ક્રમ હોય છે, અને એ ઇતિહાસ એકલા મુંબઈ કે અમદાવાદમાં જ રચાય છે એમ માનવાની જરૂર નથી; સુરત, વડોદરા અને રાજકોટ-ભાવનગર… અરે જ્યાં જ્યાં રંજનકાર્યક્રમ ત્યાં ત્યાં આવું ઉત્તેજક મનોરંજક વાતાવરણ તો ખરું જ !
જ્યોત્સ્નાએ તથા શ્રીલતાએ મળીને કિશોરીઓને સમજાવી, કિશોરીઓની માતાઓને મનાવી, સહુને એક અગર બીજી રીતે મહત્ત્વ આપી અપાવી, પોતાની ગાડીઓમાં સહુને લાવી લેઈ જઈ ચા-નાસ્તો પિવરાવી-ખવરાવી એક પ્રયોગ ઊભો તો કર્યો, અને એ પ્રયોગનો ‘ગ્રેન્ડ રીહર્સલ’નો દિવસ પણ આવી પહોંચ્યો. બગીચાના ચોગાનમાં સ્ટેજ-રંગભૂમિની રચના કરવામાં આવી. અત્યંત સુશોભિતપણે એ વિભાગને શણગારવામાં આવ્યો. વીજળીની રંગબેરંગી ચમક પણ ચીતરાઈ ચૂકી. ખુલ્લામાં પ્રેક્ષકોને બેસવા માટે પણ સફાઈ અને સગવડભરી ગોઠવણ થઈ ચૂકી હતી. પાત્રોનાં સગાંવહાલાં, ભાઈભાંડુ, માતાપિતા તથા આડોશીપાડોશી માટે પણ ‘ગ્રેડ રીહર્સલ’ વખતે પૂરતી સગવડ રાખવામાં આવી, અને આખી દૃશ્યવ્યવસ્થા શ્રીલતા તથા જ્યોત્સ્નાએ માથે લઈ લીધી હતી. મિત્ર તરીકે સુરેન્દ્રને સહાય માટે બોલાવવામાં આવ્યો હતો - અને મધુકરને પણ. પરંતુ સુરેન્દ્ર કોઈ વૃદ્ધ ગરીબ બાઈના મોતિયા કઢાવવા દવાખાને ગયો હોવાથી એણે પૂરતી સહાય આપી નહિ. પરંતુ મધુકરે તો રીહર્સલને દિવસે આઘુંપાછું ન જોતાં સવારથી રાત સુધી ભગીરથ પરિશ્રમ કરી જ્યોત્સ્ના અને શ્રીલતાને સર્વ કાર્યમાં સહાય એવી આપી કે રાત્રે દૃશ્ય શરૂ થયું ત્યારે બન્નેએ તેનો આભાર માની તેને પડદા પાસે એક ખુરશી ઉપર આરામ લેવા આગ્રહ કર્યો.
સુંદર સ્ત્રીઓના આગ્રહને મધુકર નકારી શકતો નહિ. સર્વ વ્યવસ્થા સંપૂર્ણ બની ગઈ. પડદો પાડનાર, ઉઘાડનાર, સીટી વગાડનાર, દૃશ્યોને રંગ અને છાયાતેજ આપનાર, પાત્રોને તેમના મુખપાઠ સંભારી આપનાર, એ સર્વની વ્યવસ્થા કરી મધુકર ‘વિંગ’માં બહારથી કોઈ દેખે નહિ એમ એક ખુરશી ઉપર બેસી ગયો. અને સામી વિંગમાંથી શ્રીલતા તથા મધુકરવાળી વિંગમાંથી જ્યોત્સ્ના બેઠાં બેઠાં અગર ઊભા રહીને પાત્રોને સૂચન આપતાં હતાં.
સિસોટી વાગી; વાદ્યો વાગ્યાં અને વાદ્યસૂર સહ પડદો ઊપડ્યો. આખું વાતાવરણ જાદુઈ શાંતિ ધારણ કરી રહ્યું. વાદ્ય સાથે એક સાખીના સૂર પણ સંભળાયા :
નગર તણા નિર્માણમાં ભલે રાખીએ પ્રીત !
સાચું ભારત ઊઘડતું ગ્રામજનોને સ્મિત !
શહેરના - નગરના પ્રતીક સરખા ભારેમાં ભારે પ્રતિષ્ઠિત રાવબહાદુરના બંગલામાં ગ્રામ્યભારતના ગુણ ગવાયા અને શિક્ષણ તથા સંસ્કારના પ્રતીક સરખી નગરમાં ભણેલી કિશોરીઓ અને યુવતીઓએ ગ્રામજીવનનું એક દૃશ્ય અહીં રજૂ કર્યું.
એ દૃશ્યમાં એક બાજુએ સોહામણા નગરનો ખ્યાલ આપતો પડદો હતો અને બીજી બાજુએ ગ્રામજીવનના પ્રતીક સરખો પડદો કૃષિક્ષેત્રો, ઝૂંપડી, ગોધન, કૂવા અને ખળાંનું દૃશ્ય ખીલવી રહ્યો હતો. ઘડીમાં પ્રકાશ નગરના પડદા ઉપર પડી નગરની ભવ્યતાનો ખ્યાલ આપી બીજી ક્ષણે ગ્રામજીવન ઉપર રંગબેરંગી તેજછાયાઓ નાખી ગ્રામજીવનમાં રહેલા સ્વર્ગને વ્યક્ત કરતો હતો. ચમકભર્યા દૃશ્યને પ્રેક્ષકો જોઈ રહે તે પહેલાં એક માનવટહુકો થયો :
‘સાચું હિંદ શાત લાખ ગામડાંમાં છે.’
ગામડાંમાં કદી પણ ન વસનારે આ મહાવાક્ય ઉપર તાળી પાડવી જ જોઈએ ! અને અહીં પણ ટેવાયેલા પ્રેક્ષકોએ તાળી પાડી.
એકાએક ગામડિયો પોશાક પહેરેલો યુવક રંગભૂમિ ઉપર નીકળી આવ્યો અને એના ઉપર દૃષ્ટિસંક્રાન્ત થાય તે પહેલાં ગામડિયા વેશ ધારણ કરેલી ગ્રામયુવતી બીજી પાસથી રંગભૂમિ ઉપર દૃષ્ટિગોચર થઈ યુવક કરતાં યુવતી તરફ જતી સહુનું લક્ષ્ય વધારે કેન્દ્રિત થાય છે - પછી એ યુવતી ગામડાની હોય કે શહેરની હોય ! સહુએ તેને ધ્યાનપૂર્વક નિહાળી અને વાદ્યે એક ઝડપી તાલવાળા સૂર ઊભા કર્યા.
પ્રેક્ષકોના ધ્યાનમાંથી સહજ દૂર થયેલા યુવકે પગને થનગનાટ આપ્યો. એટલે સહુએ યુવક તરફ ધ્યાન પરોવ્યું.
યુવકે - એટલે કે યુવકનો સ્વાંગ ધારણ કરનાર યુવતીએ - નૃત્ય આરંભ્યું. નૃત્ય સુંદર હતું. નૃત્ય કરનાર યુવક પાત્ર ઉપર વિધવિધ રંગના પ્રકાશ પણ છવાયા, નૃત્યને નામ આપી શકાય એમ ન હતું. કથ્થક, મણિપુરી, કથ્થકલી કે ભરતનાટ્યમ્માંથી એને વિશિષ્ટ એક પણ નામે ઓળખાય એમ ન હતું. છતાં એ નૃત્ય તો હતું જ ! અને નવીન યુગ એ જૂના નૃત્યને માત્ર વળગી રહે એ પણ શક્ય ન જ હોય. એમાં મેળવણી થાય, ભેળવળી થાય. વિકાસ થાય, સંકોચ થાય અને નૂતન રચના પણ થઈ શકે.
નૃત્યને ભલે નામ ન અપાય. જૂની ઢબનાં, પ્રેમ કે આશ્ચર્યનાં વસ્તુઓ હવે નવી દુનિયામાં બદલાવાં પણ જોઈએ. એ ધોરણે આ નૃત્ય નવીન હતું. ગામડાની સામે શહેરના પડદાનું પ્રલોભન હતું. ગામડિયો યુવક એ નગર પડદાને ધારી ધારીને જોઈ રહેતો અને વળી પાછો ગ્રામ પડદાને નિહાળતો. એ બન્ને આકર્ષણની વચ્ચે ઘૂમરી ખાતા. ગામડિયા યુવકનું માનસ દૃશ્યમાન કરતું એ નૃત્ય હતું. શહેર તરફ જવું ? ના, ના, ગ્રામજીવન તરફ જ સત્ય રહેલું છે ! પરંતુ નગરનો વૈભવ, નગરનો શૃંગાર એ બધું ગામડે ક્યાંથી લાવવું ?
આવા કોઈ ભાવનું એ નૃત્ય નિરૂપણ કરતું હતું - પ્રેક્ષકોએ એ ઢબે નૃત્યને સમજવાનું હતું.
એકાએક મૂક નૃત્યની પાછળ સંગીતનું બળ ઉમેરાયું. યુવક જે નૃત્ય કરી રહ્યો હતો તેમાં કેવા ભાવ રહેલા છે એની સ્પષ્ટતા કરતું એક લોકગીત પડદા પાછળથી કોઈ કિન્નરી ગાઈ રહી હતી. યુવકના નૃત્યભાવ એથી બહુ સ્પષ્ટ થયા.
આમ જશું છે તેમ જશું ?
પગ ડગમગ ડગમગ થાય !
ભર્યાં ભર્યાં આ ખેતરવાડી
કેમ કરીને છોડાય ?
હું તો હાલ્યો કૂવેહવાડે ?
રખે રાણી વાર લગાડે !
શહેરના પડદા તરફ રસપૂર્વક નિહાળી રહેલી યુવતીને આ ગીતનૃત્ય સંબોધનરૂપ હતું. યુવતી પણ અર્ધ નૃત્ય કરતી પડદો નિહાળતી હતી. યુવકે ગ્રામ તરફ યુવતીને ખેંચવા માટે ધમકભર્યું નૃત્ય કર્યું.
ગ્રામ્યયુવકના નૃત્યની ધમક અને શ્રોતાજનોની તાળીઓ વચ્ચે ગ્રામ્યયુવતીના દેહમાં આવેશ આવ્યો અને તેણે પોતાના નૃત્યની ધમકી વધારી દીધી. નૃત્યનો વેગ વધારતું સંગીત પણ નેપથ્યમાંથી શરૂ થયું, જેમાં ગ્રામ્યયુવકની વિનંતીને નકારતો ભાવ આગળ તરી આવતો હતો :
ચકમકતી મેં સડકો દેખી,
દીઠા મોટેરા મહેલ;
વીજ ઝબૂકે, ને રાત દી’ લખલૂટ
લખમીની રેલમ છેલ.
કોણ ભરે કૂવે પાણી ?
હું તો બનું શહેરી શેઠાણી !
સારી વસ્તુ જરૂર તાળીઓ માગે જ. એમાં તરફેણ વિરુદ્ધનો પ્રશ્ન હોઈ શકે જ નહિ. કલા અંગે સહુ કોઈ પ્રશંસા જ માગે. યુવકના નૃત્ય ઉપર પડેલી તાળીઓ કરતાં યુવતીના નૃત્ય ઉપર વળી વધારે તાળીઓ પડી. નશાની માફક કલા પણ ચઢે છે ! શ્રોતાઓ અને પ્રેક્ષકો પણ નટ-નર્તકની સાથે જ ઝોલે ચડ્યાં. એમાં વળી નટવર્ગનાં સગાંવહાલાં પ્રેક્ષકમાં હોય, એટલે તાળીઓમાં કંજૂસાઈ હોઈ શકે જ નહિ.
પરંતુ નૃત્યને વધારે ઊંચકી લે એવી બીજી યોજના પણ દૃશ્યમાં કરવામાં આવી હતી. યુવતીની જોડે જ શહેરશોખીન ગ્રામયુવતીઓનો એક સમૂહ સામેલ થઈ ગયો અને નૃત્યમાંથી સમૂહનૃત્ય અને ગરબાની રમઝટ જમાવતું એક ગીત ગાજી રહ્યું - કહો કે ગુંજી રહ્યું :
માવડી !
સાસરું ગામડે ન શોધશો ?
હૈયામાં હેલ ભરી,
આંખોમાં પ્રીતભરી,
દીકરીને દીન કેમ જોશો ! - માવડી૦
મેલી પિછોડી ને લાંબાંશાં મોળિયાં;
બાવરીશી આંખ ને વાળનાં સિસોળિયાં;
એવો ગમાર નવ ગોતશો - માવડી૦
ચંદાશું મુખડું ને વીજભરી આંખડી;
રણકે રૂપાળા હાથ, ભમ્મરો વાંકડી;
લાજ ને ઘૂમટડે ન ઢાંકશો – માવડી૦
અંધારા ગામડામાં માનવીને આંખ નહિ;
મહેનત મજૂરિયાને ઊડવાની પાંખ નહિ;
ગોરીને ગામડે ન રોકશો - માવડી૦
શ્રોતાવર્ગ એકદમ તાળી પાડી ઊઠ્યો. શ્રોતાઓ સુખપૂર્વક બેઠા હોવાથી તેમને શહેરનાં વખાણ કે ગામડાંનાં વખાણમાં પક્ષપાત હોતો નથી; કલાદૃશ્ય ઉત્તેજક હોય એટલે બસ ! અને રંગભૂમિ ઉપર ગ્રામગોરીઓનું દૃશ્ય પણ રૂપાળું લાગ્યા વગર રહેતું જ નથી. ભાવ ગમે તે હોય; છતાં પગની ઠમક, તાળીઓના તાલ અને દાંડિયાના ખટકાર કોઈ પણ ગીતને ઉત્તેજક બનાવી શકે છે, અને શ્રોતાઓને જાગૃત રાખી શકે છે. સભ્ય સમાજમાં ‘વન્સમોર’ની મના હોવાથી ફરી ગરબાનૃત્યનું આમંત્રણ તો ન અપાયું. પરંતુ એમાં ભાગ લેનારને સંતોષ થાય એટલી તાળીઓ જરૂર પડી. એક દૃશ્ય અને બીજા દૃશ્ય વચ્ચે એક નૃત્ય અને બીજા નૃત્ય વચ્ચે, પ્રકાશ-અંધારાની કલામય રમત યોજકોએ એવી સુંદર રીતે યોજી હતી કે પ્રેક્ષકો વાહ વાહ કહી ઊઠતા. અંધારાં અજવાળાંની ચમક પણ અવેતન રંગભૂમિની ભારે મદદગાર કહી શકાય.
અંધારું જાણે બોલી ઊઠ્યું હોય તેમ એક બાજુએથી ગ્રામયુવકોનો સમૂહ પ્રકાશના વર્તુલમાંથી નીકળી આવ્યો અને પ્રકાશ એ યુવકસમૂહ ઉપર કેન્દ્રિત થયો યુવકોનું ટોળું - એટલે યુવકોના પહેરવેશથી સજ્જ થયેલું કિશોરીઓનું ટોળું - પણ પુરુષશોભન નૃત્ય કરવા લાગ્યું અને તેમની સહાયમાં એક સમૂહસંગીત પણ ફૂટી નીકળ્યું.
બહેનબા !
શહેરની સામે ન જોઈએ.
રૂપાળા મ્હેલ ન્હોય, પંખીનાં પાંજરાં;
આંખમાં ન ઓળખાણ, હૈયાં તો છીછરાં;
શહેરમાં દિલડું ન ખોઈએ - બહેનબા૦
ગામડે ગમાર, પણ શહેરીઓ બીમાર છે;
રૂપાળી સાડીઓમાં રોગતણો ભાર છે;
ડૉક્ટર ડાકુથી શું મોહીએ ? - બહેનબા૦
પેટ પર પાટો, ને ગાલે લપાટો;
રેશનમાં દાળ નહિ ચોખા કે આટો;
દૂધલડાં શહેરમાં ક્યાં દોહીએ ? - બહેનબા૦
ચાંદાની ચાંદાની રંગે ઝબોળતી;
સૂરજની આંખડી સંજીવની ઢોળતી;
એ ગામડે આપણે સોહીએ - બહેનબા૦
તાળીઓનો વરસાદ વરસ્યો એમ કહીએ તો ચાલે. ટીકા શહેરની થાય કે ગામડાની થાય : એ બંનેને માટે તાળીઓ પાડવાની શ્રોતાજનોની સતત તૈયારી હોય જ. દૃશ્ય એક પછી એક વધારે અસરકારક થયે જતું હતું. નૃત્ય નાટિકાની-નૃત્ય-સંગીત-નાટિકાની આ ખિલાવટ ક્યાં જઈને અટકશે એ કહી શકાય એમ ન હતું. આગળ બેઠેલા રાવબહાદુર અને યશોદાબહેન પોતાની પુત્રીની આવડત ઉપર વારી જતાં હતાં - જોકે એણે અને શ્રીલતાએ રંગભૂમિ ઉપર કાંઈ પણ સ્વાંગ ભજવ્યો ન હતો. તેમણે તો કલા - હોંશીલી યુવતીઓ અને કિશોરીઓને પૂર્ણ માર્ગદર્શન કર્યું હતું. અને તેમને જેટલી જોઈએ તેટલી સગવડ આપી હતી.
દૃશ્ય બદલાવાને માટે જરૂરી અંધારું જોઈતું હતું તે અંધારું રંગભૂમિ ઉપર પ્રગટી નીકળ્યું. પ્રકાશની માફક અંધકાર પણ રંગભૂમિ ઉપર પ્રગટે છે. પરંતુ કોણ જાણે કેમ એ અંધારું ધાર્યા કરતાં વધારે સમય સુધી ચાલ્યું અને માત્ર રંગભૂમિ ઉપર જ નહિ પરંતુ શ્રોત્રભૂમિ પ્રેક્ષકગૃહમાં પણ એકાએક અંધારું ફેલાઈ ગયું, સહુને પ્રથમ તો એમ લાગ્યું કે આ અંધકાર કોઈ ભવ્ય દૃશ્યને પ્રગટાવી અલોપ થઈ જશે. પરંતુ નાટ્યગૃહો સહી શકે એના કરતાં વધારે ગાઢ અને લાંબા વખત સુધી અંધારું ચાલ્યું અને શ્રોતાજનોમાંથી ધીમે ધીમે વાતોના ઉદ્ગાર અને પછીથી ભયના ઉદ્ગાર આવવા લાગ્યા, અને બાળકોએ જરા રોવા માંડ્યું. હજી ભારતનાં માતાપિતા પોતાની પ્રજાને સાથે લીધા સિવાય નાટક-સિનેમાં જોઈ શકતાં નથી. અગર સભા, ગાર્ડનપાર્ટી કે ભોજનવ્યવસ્થામાં જઈ શકતાં નથી. બાળકોએ રડવામાં અને માતાપિતાએ બાળકોને છાનાં રાખવામાં ધીમે ધીમે ઠીક ઠીક કોલાહલ મચાવ્યો.
રંગભૂમિ ઉપર પણ ઠીકઠીક ધાંધળ મચી રહ્યું. અંધારું હતું એટલે કોણે ક્યાં જવું, શું કરવું એની કાંઈ સમજ પડતી નહિ. સિસોટીઓ વાગી, શાંત રહેવાની વિનંતીઓ કરાઈ અને દીપવિધાયકને ચારે બાજુએથી આજ્ઞાઓ મળવા માંડી - જોકે કોઈને પ્રકાશની વ્યવસ્થા કરનાર ગૃહસ્થ ક્યાં હતા તેનો ખ્યાલ ન હતો. તેઓ તો પોતે અંધકાર-પ્રકાશના સ્વરૂપને ઓળખી શક્યા હતા એટલે કયે સ્થળે પ્રકાશની મુશ્કેલી ઊભી થઈ છે તે સમજી લઈ પોતાની ટૉર્ચ સળગાવી પ્રકાશ બંધ થતાં જ ચાલ્યા ગયા હતા. અવ્યવસ્થા મચી રહી. મધુકરે સ્વસ્થતાપૂર્વક બેસી પોતાની નજીક ખુરશી ઉપર બેઠેલી જ્યોત્સ્નાને કહ્યું :
‘તું જતી નહિ; ગભરાટની જરૂર નથી. હમણાં પ્રકાશ થશે.’
જ્યોત્સ્નાએ જવાબ આપ્યો નહિ એટલે મધુકરે પોતાનો હાથ લંબાવી જ્યોત્સ્નાનો હાથ શોધ્યો. જે તેને બહુ ઝડપથી જડી ગયો. એ હાથ તેણે પકડીને પોતાના હાથમાં જ રહેવા દીધો; એટલું જ નહિ પણ તેણે પોતાના અંગૂઠા વડે હથેલી ઉપર મુલાયમ માલિશ પણ શરૂ કરી દીધો.
સિનેમા-નાટકમાં અંધારાં ઘણાં ઘણાં પ્રેમીઓને અનુકૂળ થઈ પડે છે. તેઓ ઈચ્છે છે કે એવાં અંધારાં વધારે વાર થાય અને વધારે વાર લંબાય. હજી સુધી જ્યોત્સ્નાએ મધુકરનો સ્પર્શ થવા દીધો ન હતો. પરંતુ અત્યારે તેણે સ્પર્શનો કાંઈ પણ વિરોધ ન કરતાં મધુકરને સ્પર્શનો સંપૂર્ણ લાભ આપવો હોય એવો જાણે નિશ્ચય કર્યો હોય એવું મધુકરને લાગ્યું. ઈશ્વર અંધારું વધારે લંબાવે એમ મધુકરે પ્રાર્થના કરી. અંધારામાં સહુ કોઈ જ્યાં અને ત્યાં સ્થિર થઈ ગયાં હતાં. મધુકરની ઈચ્છા હતી કે તે હથેલીમાંથી પોતાનો હાથ ખસેડી જ્યોત્સ્નાના ખભા અને વાંસા ઉપર ફેરવે; પરંતુ કોણ જાણે કેમ, આજે જ્યોત્સ્ના સરખી મર્યાદાશીલ, સંયમી, શરમાળ છતાં માની છોકરીએ મધુકરનો જ હાથ પકડી રાખ્યો હતો !
ભલે ! જ્યોત્સ્નાની એમ ઈચ્છા હોય તો તેમ થવા દેવામાં મધુકરને વાંધો ન હતો.
એકાએક આખા સભાગૃહમાં અને રંગભૂમિ ઉપર અજવાળું થયું. કોઈ કારણસર આડાઈ કરતાં યંત્રે હઠ છોડી દીધી અને વીજળીને સર્વ માર્ગે વહેવા દીધી.
‘હા !…’ એવો ભાવ સર્વના હૃદયમાં થઈ આવ્યો. પરંતુ મધુકરના હૃદયમાં એ પ્રકાશ થતાં બરોબર અરેકારો ફૂટી નીકળ્યો.
‘જ્યોત્સ્ના ક્યાં ગઈ ?’ મધુકરથી પુછાઈ ગયું; અને હજી મધુકરના પકડી રાખેલા હાથમાં પોતાના નખ અત્યંત જોરથી ખોસી દઈ શ્રીલતાએ કહ્યું :
‘શો આજનો ભાગ્યશાળી દિવસ… મારે માટે !’
પાસે બેઠેલી જ્યોત્સ્ના ક્યારે ખસી ગઈ અને શ્રીલતા ક્યારે આવી અને ખુરશી ઉપર બેઠી એની ખબર મધુકરને પડી ન હતી. એણે જાણ્યું હોત કે તે શ્રીલતાનો હાથ છે તો તે કદી આમ પકડત નહિ. તેનાથી બોલાઈ ગયું :
‘શ્રીલતા ! બહુ નખ વાગ્યા. લોહી નીકળશે. છોડી દે કોઈ જોશે.’ અને ખરેખર શ્રીલતા અને મધુકરના હસ્તસ્પર્શ નૂતન પ્રકાશમાં કેટલીક કિશોરીઓએ જોઈ પણ લીધા હતા !
સંગીત શરૂ થયું. જ્યોત્સ્ના ફરતી ફરતી મધુકર અને શ્રીલતા પાસે આવીને ઊભી રહી. શ્રીલતાએ જ્યોત્સ્નાને બેસવા માટે ખુરશી ખાલી કરી આપી અને જ્યોત્સ્નાએ તેને કહ્યું :
‘શ્રીલતા ! તું ક્યારની અહીં ભરાઈ બેઠી ?’
‘તું ખસી કે તરત… મધુકર ! આજની અંધકારની ક્ષણ હું કદી ભૂલીશ નહિ. આભાર !’ એટલું કહી તે ખસી ગઈ ને બીજા કામે લાગી.
મધુકરની હથેળીમાંથી ખરેખર એકબે જગાએ આછું આછું લોહી નીકળતું હતું ખરું. રૂમાલ વડે તેને સાફ કરતાં રૂમાલને લાલ ડાઘા પણ પડ્યા. જ્યોત્સ્નાએ પૂછ્યું :
‘મધુકર ! કંઈ વાગ્યું શું ?’
‘અંધકારમાં સહજ !’ મધુકરે જવાબ આપ્યો અને તે પણ ઊઠીને ચાલતો થયો.