સ્નેહસૃષ્ટિ/સમજદારી

વિકિસ્રોતમાંથી
← અવેતન રંગભૂમિ સ્નેહસૃષ્ટિ
સમજદારી
રમણલાલ દેસાઈ
લગ્ન તરફ પગલાં →


૩૮
 
સમજદારી
 

‘તેં અને શ્રીલતાએ મેળ કરી લીધો, શું ?’ ગંભીર મુખાકૃતિ કરી જ્યોત્સ્નાએ મધુકરને પૂછ્યું. મધુકરને ભય હતો જ કે એને આ પ્રશ્ન પુછાશે જ. નાટકના અંતિમ ‘રીહર્સલ’ પ્રસંગે અંધકારનો લાભ લઈ મધુકરે શ્રીલતાનો હાથ ભૂલમાં પકડી લીધો હતો. અને શ્રીલતાના નખ - અને મધુકરે આપેલી વીંટી - મધુકરની હથેલીમાં પેસી ગયાં હતાં એ હકીકત જ્યોત્સ્નાએ જોઈ હતી અને જાણી પણ હતી. એ ભૂલ હતી એમ જાહેર કરવાને મધુકરનો સમય મળે તે પહેલાં તો મધુકરના ખંડમાં જ્યોત્સ્નાએ પ્રવેશ કરી પૂછ્યું.

મધુકર હવે માત્ર રાવબહાદુરનો નોકરિયાત ‘સેક્રેટરી’ રહ્યો ન હતો; અને રાવબહાદુરનો ભાવિ જમાઈ હતો, મિલકતનો દક્ષ વહીવટદાર હતો અને સંબંધ બંધાયા પછી ઝડપથી નગરના આગેવાનનું સ્થાન લેવાની લાયકાતવાળો એ તેજસ્વી નાગરિક હતો. એટલે હવે રાવબહાદુરના મકાનમાં અર્ધમાલિક સરખી એની પ્રતિષ્ઠા જામી ગઈ હતી. એની ‘ઑફિસરૂમ’ તો હતી જ; પરંતુ વખત બેવખત આરામ લેવા માટે એને પણ એક સરસ ખંડ સોંપવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ તે સફાઈપૂર્વક કરતો. એ ખંડમાંથી જ્યોત્સ્નાના ખંડ તરફ નજર નાખી શકાતી હતી. પરંતુ વિચિત્ર જ્યોત્સ્ના ઘડીમાં પ્રાચીન આર્યમર્યાદાને બાજુએ મૂકી મધુકર સાથે વાત પણ કરતી હતી, અને ઘડીમાં મર્યાદાનો ઊભરો આવતાં આંખ અને જીભ ઉપર મધુકર સામે પડદો પણ પાડી દેતી હતી. આજે રીહર્સલ પૂરું થતાં સહુને વિદાય કરી રાત્રિના સમયે જ્યોત્સ્ના પોતે જ મધુકરના ખંડમાં આવી એ નવાઈ જેવું હતું… છતાં મધુકરે ધારી જ લીધું હતું કે એક અગર બીજી રીતે જ્યોત્સ્ના એને પહેલી રાતના શ્રીલતા સાથેના હસ્તમેળાપની હકીકત પૂછ્યા વગર રહેશે નહિ !

‘ના તને કોણે કહ્યું ?’ મધુકરે જ્યોત્સ્નાને જવાબ આપ્યો.

'મેં જોયું અને શ્રીલતાએ મને કહ્યું… અને હું રાજી થવા આવી કે… તું તારું જૂનું પણ પાળવા તત્પર થયો…’

‘જ્યોત્સ્ના ! આવી માન્યતામાં જેમ તારી ભૂલ થાય છે તેમ મારી પણ ભૂલ થઈ હતી એમ મારે કબૂલ કરી દેવું જોઈએ.’ મધુકરે બહુ જ શાંતિપૂર્વક સમજ પાડવાનો પ્રયત્ન કર્યો. અત્યારે એ સાચું બોલતો હતો.

‘આ કાંઈ પહેલી વાર મેં તને શ્રીલતાનો હાથ ઝાલતાં જોયો નથી, તો પછી… મનને હાલતું ડોલતું ન રાખ… નિશ્ચય કરી દે કે તું શ્રીલતા સાથે જ હસ્તમેળાપ કરવા માગે છે…’ જ્યોત્સ્નાએ તેની સામે બેસીને કહ્યું.

‘તું હમણાંની બરાબર બોલતી પણ નથી મારી સાથે… તારી શરમ અને મર્યાદાની ભાવના મને છેક અણગમતી તો નથી જ… એ સંજોગોમાં તું મારી સામે ચાહીને આવે અને બેસે એ ખરેખર ઈચ્છનીય છે… સાંભળ. હું તને પૂરી હકીકત સમજાવું.’ મધુકરે એક રાજકીય પ્રતિનિધિની કુનેહથી જ્યોત્સ્ના પાસે આવી ખુરશીના પહોળા હાથ ઉપર બિરાજી વાત શરૂ કરી.

‘મને ? શું સમજાવવું છે ?’

‘તારા મનમાં એક ગેરસમજ ઊભી થઈ છે, જ્યોત્સ્ના… અને એમાં તારો દોષ પણ હું કાઢતો નથી.’

‘એક યુવાન યુવતીનો હાથ ચપસીને પકડે એમાં ગેરસમજનો ક્યાં અવકાશ રહે ? મારા દોષની તો મને કશી જ ખબર નથી.’

‘હાથ કોણે કોનો ચપસીને ઝાલ્યો હતો એ તો હું તને હમણાં જ બતાવું છું… પરંતુ તું એટલું તો કબૂલ કરીશ ને કે અંધારું થતાં પહેલાં તું મારી બાજુમાં જ બેઠી હતી ?’

‘હા… પણ… અંધારું થાય એટલે પ્રકાશવ્યવસ્થા તો મારે જ જોવી પડે ને ? એટલે હું ઝટ ત્યાંથી ચાલી ગઈ હતી.’

‘કામની વહેંચણી થઈ ગઈ હતી એટલે તું ત્યાંથી એકાએક ચાલી જાય એમ મને લાગ્યું નહિ… અને પુરુષપ્રેમની ઉગ્રતા તો તું જાણે જ છે… તું બેઠી જ હોઈશ એમ માની મેં હાથ પકડ્યો.’

‘પરંતુ હું કદી કોઈને હાથ પકડવા દેતી નથી એ તો તું જાણે જ છે ને ?’

‘બદલાયેલા સંજોગોમાં… તારું વર્તન… તું સતત કડક ન રાખે એમ શું ન બને ?… મેં ધાર્યું કે તું મારા પ્રત્યે ભાવિનો વિચાર કરી કુમળી બનતી જાય છે… અને, જો ને જ્યોત્સ્ના ! આજની દુનિયામાં…’

‘કેમ; વાક્ય પૂરું થવા દે, એટલે મને પૂરી સમજ પડે.’

‘હું એમ કહેતો હતો કે… કે જ્યોત્સ્ના ! બધાંય મિલન કાંઈ સ્નેહમિલન ન હોય…’

‘પણ આ તો હસ્તમેળાપ હતો !’

‘કબૂલ… પણ આજની દુનિયાના બધાય હસ્તમેળાપ કાંઈ લગ્ન ન બની શકે’

‘હું એવા હળવા માનસમાં, હળવા મિલનમાં અને હળવા હસ્તમેળાપમાં માનતી જ નથી… માટે જ હું કોઈને મારો હસ્ત આપતી પણ નથી… હું તો હસ્તમેળાપને જ લગ્ન માનું !’

‘એમ ? હું સમજ્યો. પરંતુ મારી ધીરજને તારે ધન્યવાદ આપવો જોઈએ… તારો અણગમો સમજીને જ હું હસ્તમેળાપનો આગ્રહ પણ રાખતો નથી… બાકી આજ હાથ મિલાવવામાં આટલી બધી સંકુચિત વૃત્તિ ન જ રાખવી ઘટે… છતાં હું તને વચન આપું છું કે મારો હવે પછીનો હસ્તમેળાપ લગ્ન જ હશે… બસ ? ભૂલ ક્યાં થઈ, તે તું સમજી શકી ને?… અંધારું… તારો સંગાથ… મારો પ્રેમ…’ મધુકરે કહ્યું અને જ્યોત્સ્નાના મુખ ઉપર એક સ્મિત રમી રહ્યું.

મધુકરને પણ જ્યોત્સ્નાના ગંભીર મુખ ઉપર સ્મિત રમતું નિહાળી આનંદ થયો. મધુકરની દલીલ જ્યોત્સ્નાના હૃદયમાં અનુકૂળતાભર્યો ભાવ ઉપજાવી શકી એનો આનંદ મધુકરને સહજ થાય જ; સહુ પ્રેમીઓને થાય.

‘બોલ હવે શું પૂછવું છે ?… હવે તો જ્યોત્સ્ના ! તારા હાથને અડક્યા વગર વાતચીત કરવી પણ મને મુશ્કેલ થઈ પડે છે.’ મધુકરે કહ્યું.

‘હું એ સમજી શકું છું… પરંતુ એ તારી મુશ્કેલી લાંબો વખત ન ચાલે એમ હું ઇચ્છું છું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એટલે ?’ જરા ચમકીને મધુકરે પૂછ્યું.

‘એટલે એમ કે હવે હાથ પકડવામાં તું ભૂલ ન કરી બેસે એ મારે જોવું રહ્યું.’

‘એટલે તું વધારે ચોકીપહેરા મૂકવાની છો ?’ હસતે હસતે મધુકર બોલ્યો.

‘ચોકીપહેરા મૂકવાની જરૂર ન રહે, અને ફાવે ત્યારે હાથ મસળવાની તને તક મળે એમ હું જોવા માગું છું.’

‘તારી વ્યાખ્યા પ્રમાણે હસ્તમેળાપનો અર્થ કરવાની મારી તૈયારી આજની નથી… એ પ્રસંગ તો… તું લાવે ત્યારે ! એ મારું સ્વર્ગારોહણ હશે… સાચા અર્થમાં… પાંડવોના અર્થમાં નહિ.’ મધુકરે કહ્યું.

કેટલાક સરસ શબ્દો સુધારો માગે છે !

‘એ પ્રસંગ આંખ મીંચીને ઉઘાડતાં આવ્યો એમ માનજે.’

‘એમ ?… પરંતુ… મેં તો આંખ મીંચી અને ઉઘાડી પણ ખરી.’ રાત્રિના પ્રકાશમય અંધકારમાં મધુકરે આંખની સહજ ઉઘાડમીંચ કરી પણ ખરી.

‘તો આંખની ઉઘાડમીંચ એક અઠવાડિયા સુધી કર્યા કર. અઠવાડિયું વીત્યે તને હસ્તમેળાપનો અધિકાર મળી ચૂક્યો હશે.’

મધુકર જરા ચમક્યો… પરંતુ એ ચમક આનંદની જ હતી… એક અઠવાડિયામાં જ તેનું લગ્ન થાય એ વિચાર તેને ચોંકાવી રહ્યો… ગમે તે માનવીને એ વિચાર ચોંકાવ્યા વગર ન જ રહે ! એ સમય આટલો વહેલો આવવાનો છે એનો મધુકરને સ્વપ્ન પણ ખ્યાલ ન હતો - જોકે જ્યોત્સ્નાનાં માતાપિતાએ લગ્ન તો નિરધાર્યું જ હતું અને જ્યોત્સ્નાની ના ન હોવાથી માત્ર દિવસની પસંદગી તેની ઉતાવળ ઉપર છોડવામાં આવી હતી. મધુકર એ જાણતો હતો. એનાથી પુછાઈ ગયું :

‘રાવબહાદુરે નક્કી કર્યું કે યશોદાબહેને ?’

‘કોઈએ નહિ… મેં જ નક્કી કર્યું.’ જ્યોત્સ્ના બોલી.

‘ક્યારે નક્કી કર્યું ?’

‘કહું ? ખોટું ન લગાડે તો કહું.’

‘તું કહે એનું મને કદી ખોટું લાગે નહિ.’

‘લેખી લખી આપીશ ?’

‘એમાં વાર કેટલી ? આ કાગળ… આ મારી પેન… અને આ લખી આપું… ડિયર… જ્યોત્સ્ના…’

‘ “ડિયર” શબ્દ અત્યારે કાઢી નાખ. અઠવાડિયું વીત્યે એ શબ્દ હું જાતે આવીને લખાવી જઈશ.’

‘બધી વખત હું તારું કહેવું માન્ય જ કરીશ એમ તું માને છે ?… સત્ય લખ્યું છે એને હું છેકીશ નહિ… જો હું આમ લખું છું… ડિયર જ્યોત્સ્ના મારા નિઃસ્વાર્થ પ્રેમની બાંયધરી તરીકે આટલું લખાણ બસ થશે. તું જે કહીશ… અરે, તું જે કરીશ, એનું કદી મને ખોટું લાગવાનું નથી… એની ખાતરી સહજીવન જીવતાં જ થાય ને ?… બસ ? લે આ કાગળ… કદાચ આ મારો પ્રથમ પ્રેમપત્ર !’

‘આ રાખું કે ફાડી નાખું ?… ના; ના ! હું એ રાખીશ.’ કાગળ હાથમાં લેઈ જ્યોત્સ્નાએ કહ્યું અને તેણે ચાલવા માંડ્યું. એને જતી રોકી મધુકરે કહ્યું :

‘હજી મારા પ્રશ્નનો ઉત્તર મળ્યો નથી… જોકે ખોટું ન લગાડવાની બાંયધરી તો તેં લેઈ જ લીધી… સ્ત્રીઓમાં લુચ્ચાઈ હોય છે ?’

‘અરે હા, એ તો હું ભૂલી ગઈ ! તેં શું પૂછ્યું હતું ?’

‘મેં એમ પૂછ્યું હતું કે તેં આ લગ્નનો ઝડપી નિશ્ચય ક્યારે કર્યો ?’

‘હા… કહું ?’ …આ તેં લખી આપ્યું છે છતાં ફરી કહું છું કે ખોટું ન લગાડીશ…’

‘તું કહી નાખ એક વાર.’

‘પહેલી રાત્રે જ… અંધારું મટતાં તારો અને શ્રીલતાનો હાથ… એકબીજાને પકડી રહ્યો હતો ત્યારે…’

‘હજી વહેમ ન ગયો, ખરું ?’

‘વહેમનો પ્રશ્ન જ નથી. મારે તને સલામતી આપવી છે… અને તને સલામત બનાવવો છે…’

‘તારાં માતાપિતા શું કહે છે ?’

‘એ તારા લગ્ન માટે તારા જેટલાં જ ઉત્સાહી છે… એમણે હા કહી દીધી… અને મુહૂર્ત જોવડાવ્યું પણ ખરું. એ પછી જ હું તને ખબર આપવા આવી…’

‘એમ ?… હવે મારે મારાં માતાપિતાને સમજાવવાં રહ્યાં… તું એક ધનિકની પુત્રી છો એમ માની કોણ જાણે કેમ એ વિચિત્ર વાતો આગળ કર્યા કરે છે ! વરકન્યા તે કાંઈ વેચાતી લેવાની વસ્તુ છે ?’ મધુકરે પોતાનાં માતાપિતાની દૃષ્ટિ વખોડતાં છતાં આગળ કરી.

‘પછી… તારાં માતાપિતા કબૂલ ન થાય તો ?’ જ્યોત્સ્નાએ જરા ચિંતા વ્યક્ત કરી.

‘તો… માતાપિતાની હાજરી વગર લગ્ન થશે… પછી કાંઈ ?’ મધુકરે પ્રેમવીરત્વ બતાવ્યું.

‘અને… ધ્યાનમાં રાખજે… મારાં માતાપિતા માત્ર કન્યાદાન જ કરશે… બીજા કશાનું દાન નહિ. કબૂલ છે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘શું તુંયે જ્યોત્સ્ના ? હું રાવબહાદુરની મિલકતને, પૈસાને કે પ્રતિષ્ઠાને પરણતો નથી… તું ઈચ્છે તો જ્યોત્સ્ના ! લગ્નની બીજી જ ક્ષણથી હું અને તું રાવબહાદુરથી સ્વતંત્ર ! રાવબહાદુરની મિલકતથી સ્વતંત્ર ! હું તેમનો આભારી ખરો, પરંતુ આશ્રિત નહિ જ !’ મધુકરે કહ્યું. વીરનું વીરત્વ સહુને ગમે… વીરને પોતાને તો ગમે ઘણું જ… અને વીરને પસંદ કરતી યુવતીને એ કેટલું ગમે એ તો કહેવાય જ નહિ !

‘ત્યારે આઠમે દિવસે લગ્નની જાહેરાત થાય છે. મધુકર, હોં !’ કહી જ્યોત્સ્ના મધુકરને એકલો મૂકી એના ખંડમાંથી બહાર નીકળી.

તેજઅંધકારની થોડી ક્ષણ ચાલેલી રમત સિવાય આખું નાટ્ય - આખું રીહર્સલ સંપૂર્ણ રીતે ફતેહમંદ થયું, અને બીજા દિવસની સફળતાની પૂરી આગાહી આપી રહ્યું. સમાપ્તિ પછી જ્યોત્સ્ના અને મધુકર મળ્યાં - અને સહજ એકાંતમાં - ત્યારે જ્યોત્સ્નાએ મધુકરને લગ્ન માટે તૈયાર રહેવાનું કહ્યું એ ચમકાવતી હકીકત તેના ધ્યાનમાં રહી જ જાય ને ?

અને સાચેસાચ મધુકર તો કોઈ પણ ક્ષણે જ્યોત્સ્ના સાથેના લગ્ન માટે તૈયાર જ હતો ! જ્યોત્સ્નાનું છેલ્લું વાક્ય સાંભળીને તેને હર્ષ ઊપજ્યો.

અંધકારનો લાભ લઈ શ્રીલતાએ તેના હાથમાં કરેલાં વીંટીના અને નખના જખમ હજી ચચરતા હતા ખરા. સ્ત્રી પણ જખમ કરી શકે છે ખરી ! હવે ખાતરી કર્યા વગર કોઈ પણ યુવતીના હાથ સાથે હાથ મેળવવાની રમત જતી કરવી જોઈએ ખરી !

જુદો ખંડ તેને રાવબહાદુરના ઘરમાં મળ્યો હતો ખરો તથાપિ તે ખંડનો ઉપયોગ દિવસ માટે જ હતો. રાત્રિ માટે નહિ, એમ તે અને સહુ કોઈ સમજી લેતાં હતાં. રીહર્સલને અંગે અગર એવા કોઈ ખાસ કામને અંગે, કદાચ રાત્રિના દસ અગિયાર બાર વાગતા સુધી એ ખંડનો ઉપયોગ મધુકર કદી કદી કરતો પણ ખરો. પરંતુ સમયસૂચક બનીને એ રાત્રિએ તો સૂવા માટે પોતાને ઘેર જ ચાલ્યો જતો હતો.

મધુકર કારમાં ઘેર આવ્યો; સૂતો, સુખમય સ્વપ્નમાં મશગૂલ રહ્યો અને મોડી સવારે જાગ્યો. એણે જૂનું નાનું ઘર બદલી નાખ્યું હતું. રાવબહાદુરના સેક્રેટરી કરતાં રાવબહાદુરના જમાઈને શોભે એવો બંગલો તેણે થોડા દિવસથી ભાડે લીધો હતો. જીવનનાં પગથિયાં તે ઝડપથી ચડતો જતો હતો. માતાનો તો એ મોંઘો પુત્ર હતો જ, પરંતુ પિતાએ પણ તેને હવે કૈંક માનીતો બનાવ્યો હતો. દેવાનો ચોવીસે કલાક વિચાર કરતા પિતાને હવે બિલ પતાવવાની પંચાત પડતી જ નહિ. પગે ચાલવાને બદલે માતાપિતા કદી કદી કાર પણ વાપરી શકતાં. ઘરને બદલે બંગલો વાપરવાનો હતો. દીકરો ધનિક અને પ્રતિષ્ઠિત સસરાનો જમાઈ થવાનો હતો એટલું જ નહિ, પરંતુ લગ્ન થતા બરોબર લાખેક રૂપિયા માતાપિતાના હાથમાં આવી પડવાના હતા એની માતાપિતાને ખાતરી હતી - મધુકરે ખાતરી આપી હતી.

જાગતા બરોબર મધુકર પાસે માતાએ લાવીને નવી ઢબના રકાબીપ્યાલામાં ચાનાસ્તો મૂક્યાં અને પિતાએ પણ સામે બેસી આનંદથી વાતો કરવા માંડી.

‘આ તારા રાવબહાદુર ભારે કંજૂસ લાગે છે.’ પિતાએ કહ્યું.

મોટે ભાગે બન્ને પક્ષના સાસુસસરા અને સગાંવહાલાં ટીકાપાત્ર અવગુણ જ ધરાવતાં હોય છે !

‘શા ઉપરથી ? એમને લીધે તો આપણે આ સાહેબી ભોગવીએ છીએ.’ મધુકરે જવાબ આપ્યો. પિતાના કરતાં પુત્રની ભાવના શ્વસુરપક્ષ માટે વધારે કુમળી રહે છે - વહુ ગમતી હોય ત્યાં સુધી.

‘આવો રાજાના કુંવર જેવો છોકરો જમાઈ તરીકે મળે અને એટલી સગવડ પણ એ ન કરી આપે તો એની મોટાઈને શું દીવાસળી ચાંપવી છે ?’ માતાએ સામા પક્ષની મોટાઈને બાળવાની ઊંચી મોટાઈ દર્શાવી !

સ્ત્રીપુરુષની સમાનતાના આ યુગમાં હજી પણ વરપક્ષ-વહુપક્ષ ઉપર સરસાઈ ભોગવવા ખૂબ મથે છે - વરપક્ષનો સ્ત્રીવર્ગ પણ ! કોઈ પણ પક્ષને ન ગણકારતાં વરકન્યા સ્વયંવર કરી લે છે ત્યારે પણ કન્યા પક્ષ જાણે પોતાનો પરાજય થયો હોય એમ માની જ્વાલામુખી સરખો ધૂંધવાઈ ઊઠે છે - અને વરપક્ષ ફતેહના ડંકા વગાડે છે ! જોકે વરપક્ષની વરે જરાય પરવા ન કરી હોય ! આમ સ્ત્રી કરતાં પુરુષની શ્રેષ્ઠતાનો ભાવ હજી જીવંત છે. ચિત્રોને મહત્ત્વ આપતાં પત્રોના ચિત્રવિભાગ તરફ નજર કરનાર જ્યારે લગ્નમંડપનાં પાન ઉથલાવે છે ત્યારે પૈસા ખર્ચી પત્ની સાથે છબી છપાવ્યાનો લહાવો માણનાર પુરુષની છબી ઉપર ઈડરિયો ગઢ જીત્યાનું ગીત ગુંજી રહ્યું હોય એમ એને સંભળાય છે !

‘આપણે તો નક્કી કર્યું છે ! લાખ રૂપિયા તારા નામના જુદા ન કાઢે અને એ ઠસ્સાદાર રાવબહાદુર અને એમના એથીયે વધારે ઠસ્સાદાર પત્ની અમારે બંનેને પગે પડી આમંત્રણ ન આપે ત્યાં સુધી અમે તારા લગ્નમાં આવનાર નથી.’ પિતાએ પોતાની શરત આગળ કરી. માંગ અને ખપતનો આર્થિક સિદ્ધાંત લગ્નમાં પ્રવર્તતો નથી એમ માનનાર મોટામાં મોટી ભૂલ કરે છે. મધુકર જેવો છોકરો હોય તો પછી લગ્નના બજારમાં એની જેટલી ઊપજે એટલી કિંમત ન મેળવે તો માતાપિતા અવ્યવહારુ જ ગણાવાં જોઈએ. અને લગ્નની ભાવના પરણનાર યુગલ માટે ગમે એટલા રંગીન પ્રેમપરપોટા ઉરાડે, છતાં ધીર, અનુભવી, કુશળ માતાપિતાને માટે તો એ સીધો વ્યવહાર જ ગણાય.

‘પિતાજી ! એવી તેવી જીદ ન પકડશો અને જેમ થાય છે એમ થવા દો. લગ્ન પછી રાવબહાદુરની બધી જ મિલકત આપણી જ છે ને ?’ મધુકરે પિતાને સમજાવ્યા.

‘એ તો કાંઈ કહેવાય નહિ ! મોટા ઘરની છોકરી. અમારી સાથે ન બન્યું તો ? જો ને ! એનાં માબાપ લગ્નની વાત કરી જાય છે, પરંતુ એ છોકરી અમને મુખ સરખું પણ દેખાડતી નથી…’ માતાએ આ વખતે પતિનો પક્ષ લીધો.

‘અરે, પણ હું છું ને ?’ મધુકરે આશ્વાસન આપ્યું.

‘તારોયે શો ભરોંસો ? કૈંક વહુઘેલા છોકરાઓ માબાપની સેવા છોડી વહુને લેઈ માબાપને ખસતાં મૂકે છે ! અમે તો દુનિયા જોઈ નાખી છે.’ માતાએ જવાબ આપ્યો. લગ્ન સુધી પહોંચેલા પુત્રની સેવા માગવાનો હક્ક માબાપ હજી કર્યે જાય છે ખરાં !

લગ્ન એટલે ? માતાપિતા તથા પત્ની વચ્ચે પુરુષની ખેંચતાણની કોઈ રમત તો નહિ હોય ?

અગર પુરુષની ગરદન ઉપર જતાં અને આવતાં વહેરતી કરવત પણ લગ્ન કેમ ન હોય ? કરવતની એક બાજુ પુરુષનાં માતાપિતાએ પણ ઝાલી હોય છે.

‘મારો આટલો જ ભરોંસો કે ? તમને સુખી કરવા હું આટલું ભણ્યો. હવે કમાઉ છું. તમારી ઈચ્છા વિરુદ્ધ આજ દિન સુધી મેં મારું લગ્ન મુલતવી રાખ્યું. એ બધાનો આવો જ અર્થ કરશો ?’ મધુકરે માતાપિતાની વિનવણી કરી. માતાપિતાની ઇચ્છાને મધુકરે માન્ય કરી હોત તો ભણતાં ભણતાં જ તેનું લગ્ન થઈ ચૂક્યું હોત. પરંતુ મધુકર માતાપિતા કરતાં પણ પોતાની કિંમત વધારે જુદી રીતે આંકતો હતો. તેનું રૂ૫, તેની સફાઈ, તેની ચબરાકી અને તેનું ભણતર માતાપિતાની હડફેટે ચઢેલી ગમે તે છોકરી સાથેના લગ્નમાં વેડફી નાખવા માટે હતાં જ નહિ. એ સર્વ સફાઈની કિંમત મળે એવી હતી - અને તે તેને લેવી પણ હતી ! શા માટે નહિ ! પ્રેમની આસપાસ ઊર્મિનાં રંગબેરંગી વાદળાં ભલે ચિતરાય; અંતે તો એ ચોખ્ખું જાતીય આકર્ષણ જ છે ને ? આંખને ગમે એવી સ્ત્રી પુરુષ શોધે, અને આંખને ગમે એવો પુરુષ સ્ત્રી શોધે; કોઈ પણ સનાતન સત્ય હોય તો તે જ ! આંખને એક જ સ્ત્રી કે એક જ પુરુષ ગમે એ વાત સદંતર ગલત ! તો પછી ગમતી સ્ત્રીઓમાંથી વધારે ઉપયોગી સ્ત્રી શા માટે પસંદ ન કરવી ?

મધુકરને શ્રીલતા ગમી જ હતી ને ? એ પહેલાં મીનાક્ષી પણ ક્યાં નહોતી ગમી ? બીજી યુવતીઓને ન સંભારે તોપણ ! પરંતુ એ બેમાંથી મધુકરને વિલાયત મોકલી એની કિંમત વધારવાની સગવડ શ્રીલતામાં મળે એમ હતું; એકલી રૂપાળી મીનાક્ષી કરતાં રૂપાળી અને ઉપયોગી શ્રીલતા વધારે જ પસંદ કરવા પાત્ર ગણાય ! અને એ દૃષ્ટિએ તેણે મીનાક્ષી પ્રત્યેનો પ્રેમ ખસેડી શ્રીલતા ઉપર નાખ્યો હતો. એ બની શકે એમ હતું ! લયલા-મજનૂ કે રામ-સીતા સરખાં પ્રેમગૂંદરિયાં તો કવિતા ગાવા માટેના અપવાદો હતા. કૈંકના વિવાહ મળેલા ફોક થાય છે, કૈંકનાં લગ્ન નિર્થક બને છે, અને છતાં એમ માનવું કે પ્રેમ એ વજ્રગ્રંથિ છે, એના સરખું અવાસ્તવિક કથન બીજું હોઈ શકે જ નહિ – મધુકરના મત અનુસાર.

અને તે શ્રીલતા સાથેના સંબંધમાં સિદ્ધ થયું ! શ્રીલતા તેને એક વાર ઘણી ગમી ગઈ હતી; શ્રીલતા ઉપર તેણે કવિતાઓ પણ લખી મોકલી હતી ! એટલું જ નહિ, પ્રેમની અતૂટ છાપ તરીકે મધુકરે શ્રીલતાની અંગુલીએ એક મુદ્રિકા પણ પહેરાવી દીધી હતી ! શ્રીલતા સાથે લગ્ન કરી પરદેશ સાથે જવાની પણ બંનેની તૈયારી હતી. શ્રીલતાનાં માતાપિતાની પણ એમાં સંમતિ હતી.

પરંતુ શ્રીલતાના પિતાને કોઈ મૂર્ખાઈભર્યા વ્યાપારમાં ખોટ આવી એટલે શ્રીલતાની કાર પણ અદૃશ્ય થઈ ગઈ અને વિલાયત સાથે જવાનું લંબાયું… કહો કે અશક્ય બન્યું ! સાથે જવાનું તો ઠીક, પરંતુ મધુકરને એકલાને મોકલવા જેવું સાધન પણ શ્રીલતાના પિતા પાસે રહ્યું નહિ. મધુકર જાતે ધનિક હતો જ નહિ. એ ગરીબ હતો એમ દેખાડવું અગર કહેવડાવવું તેને કદી ગમ્યું ન હતું. છતાં તે ગરીબ માતાપિતાનો પુત્ર હતો. ગરીબી તેને કદી ગમી ન હતી; કુરૂપ, બદસૂરત ગરીબીનો તેને તિરસ્કાર હતો. માનવીની આશા, અભિલાષા, ઈચ્છાને હિમથી બાળી મૂકતી ગરીબી ટાળવા એ ભણ્યો; ભણતે ભણતે ગરીબીને જેટલી દૂર કરી શકાય એટલી એણે દૂર કરી; એનું રૂપ, ચબરાકી તથા ભણતર સરખા ગરીબી સામેના કુદરતી મોરચા તેની તરફેણમાં હતા. પ્રેમને બહાને શ્રીલતાને પરણી ગરીબી વહોરવાની તેની તૈયારી હતી જ નહિ, એને પ્રેમ પણ એવો જોઈતો હતો કે જે તેને ગરીબીમાંથી ઊંચો લાવે. ગરીબીનાં ગલિચ ખાબોચિયાં ઉલેચાવતા પ્રેમની તેને જરાય જરૂર ન હતી. એણે શ્રીલતાને ખસેડી નાખી - અગર એ શ્રીલતાથી ખસતો રહ્યો.

એના જ વર્તુળમાં જ્યોત્સ્ના સરખી એક યુવતી હતી. રૂપમાં શ્રીલતા અને મીનાક્ષીની જાણે જોડ ! મીનાક્ષી તો સહજ નીચી પણ ખરી; પરંતુ શ્રીલતાની દેહઘટામાં ઊંચાઈનું તત્ત્વ હતું ! જ્યોત્સ્ના પણ એવી જ ઊંચી અને ભણવામાં પણ એટલી જ આગળ. દૂરથી શ્રીલતા અને જ્યોત્સ્ના સાથે આવતાં હોય તો ક્ષણભર કોણ જ્યોત્સ્ના અને કોણ શ્રીલતા હશે એ કહેવું મુશ્કેલ થઈ પડતું. અને એવી જ મુશ્કેલીમાંથી એને જ્યોસ્ત્ના જડી હતી. સિનેમામાં ઘણું ઘણું બને છે તેમ એક વખત એમ બન્યું કે ઝાંખા પ્રકાશમાં જ્યોત્સ્ના એકલી ઊભી હતી; એનું મુખ બીજી પાસ હતું. મધુકરે તેને અચૂક શ્રીલતા ધારી ધીમેથી તેની પાછળ જઈને તેને ખભે હાથ મૂક્યો ! જ્યોત્સ્નાએ મુખ ફેરવ્યું અને મધુકર દેખાયો !

‘બહુ દિલગીર છું જ્યોત્સ્ના ! હું જાણું છું તને કોઈ અડકે તે ગમતું નથી. પરંતુ મેં તને શ્રીલતા ધારી… આબેહૂબ શ્રીલતાનો જ જાણે દેહ ! માફ કરજે.’ મધુકરે માફી માગી હતી અને જ્યોત્સ્નાએ સહેજ સ્મિતપૂર્વક માફી આપી પણ હતી ! પ્રેમીઓની ઘણી ઘણી ઘેલછા માફીને પાત્ર હોય છે.

‘કાંઈ નહિ… હું પણ શ્રીલતાની જ અહીં રાહ જોઉ છું… આ… પેલી શ્રીલતા આવે… તું કહેજે, મેં સહુની ટિકિટ લીધી છે…’ કહી જ્યોત્સ્ના ત્યાંથી ચાલી ગઈ હતી.

ત્યારથી ઘણીવાર સરખી દેખાતી શ્રીલતા અને જ્યોત્સ્નાની તે સરખામણી પણ મનમાં કરતો. પરંતુ કેટલાય સમય સુધી એનાં હૃદયે શ્રીલતામાં વધારે આવકારદાયક લક્ષણો નિહાળ્યાં. જ્યોત્સ્ના બિલકુલ ઠંડી, મીંઢી પાર ન પામવા દે એવી, ઊર્મિને આકર્ષી ન શકે એવી, જબરી અરૂપાળી પૂતળી સરખી બની રહેતી; જ્યારે શ્રીલતા સતત હસતી, બોલતી, વસ્ત્રવૈવિધ્ય પ્રવીણ, ઊર્મિને સતત ઉછાળે ચઢાવતી જીવતી જાગતી રૂપપૂતળી હતી. પ્રથમ દર્શને શ્રીલતા જ આકર્ષી શકે. જ્યાં સુધી શ્રીલતાની કૌટુંબિક ઉન્નતિ જાજ્વલ્ય હતી ત્યાં સુધી મધુકરનો પ્રેમ શ્રીલતાને જ પકડી રહ્યો. પરંતુ શ્રીલતાનાં લક્ષણોમાંથી તેની મોહક ‘કાર’ અદૃશ્ય થતી લાગી ત્યારથી શ્રીલતામાં નવાં અનાકર્ષક વલણો મધુકરને દેખાવા લાગ્યાં હતું. એની હાસ્યવૃત્તિમાં અછકલાપણું તેને દેખાયું; એના બોલકણા સ્વભાવમાં મધુકરને ચિબાવલાશ નજરે પડતી ચાલી; એની રંગીત વસ્ત્રપ્રિયતામાં ઊડતાં પતંગિયાં તેને દૃષ્ટિગોચર થયાં અને એના રૂપમાં પ્રદર્શન-પ્રચાર સમજાવા લાગ્યાં. એણે શ્રીલતાને એકાંતમાં મળવાનું ઘટાડી દીધું, અને ઊર્મિના આવેગ ઉપર સંયમ મૂકી દીધો.

જ્યોત્સ્ના તરફ તેની નજર ઠરવા લાગી. જ્યોત્સ્નાના પિતાએ હજી પૈસા ગુમાવ્યા ન હતા એ મુખ્ય ધ્યાન ખેંચનારી હકીકત બની રહી. બાકી જ્યોત્સ્ના શ્રીલતા કરતાં ઓછી રૂપાળી તો હતી જ નહિ ! રૂપમાં, દેહાકૃતિના પ્રમાણમાં બન્ને આકર્ષક હતાં જ - સરખાં જ - ભૂલ થઈ જાય એટલાં સરખાં હતાં. જ્યોત્સ્ના ભલે ઠંડી લાગતી હોય છતાં એનું ગાંભીર્ય તો એના રૂપમાં વધારો જ કરતું હતું ! ચિબાવલાશ કરતાં ગાંભીર્ય વધારે જ રૂપાળું ! અને ચોવીસે કલાક કાનમાં લાગ્યા કરતા શબ્દોને સ્થાને કદી કદી સંભળાતા શબ્દો જરૂર મીઠા વધારે લાગે. જ્યોત્સ્ના એને ગમવા લાગી હતી - શ્રીલતા કરતાં પણ વધારે.

પરંતુ જ્યોત્સ્ના પોતાની આસપાસ કોટકિલ્લા રચી બેસી ગઈ હતી. એણે સ્પષ્ટ રીતે શરૂઆતમાં સુરેન્દ્ર તરફ પક્ષપાત પણ બતાવ્યો હતો… અને સુરેન્દ્રના વેદિયાપણાએ મધુકરને સાથમાં લીધો ન હોત તો જ્યોત્સ્નાને જીતી લેવાની તેની જીવનભરની તક હાથમાંથી ચાલી ગઈ હોત ! સુરેન્દ્રની સેવાભાવનાનો એક ઉપકાર ખરો જ કે એણે રાવબહાદુરને ત્યાં મધુકરને સ્થાન અપાવ્યું. પરંતુ એમ કરીને એણે પોતાની રાવબહાદુરને માટે તેમ જ જ્યોત્સ્નાના પ્રેમ માટેની નાલાયકી જ સ્પષ્ટ કરી આપી હતી. ન લાયક હોય અને એને રુખસદ મળે એમાં ઉપકારવશ ત્રાહિત સરખો મધુકર પણ શું કરે ? બેવકૂફ સુરેન્દ્રમાં જ્યોત્સ્નાને સમજવાની શક્તિ જ ન હતી. સેવાભાવનાં તેનાં ધતિંગ જ્યોત્સ્નાને કદી સુખી કરી શકે એમ લાગતું નહિ. સુરેન્દ્ર તરફથી પાછી વળી જ્યોત્સ્ના તેના તરફ આકર્ષાય, અને એ આકર્ષણનો તે જવાબ આપે એમાં એનો - મધુકરનો –દોષ પણ શો ? જ્યોત્સ્નાનાં માતાપિતાને પણ તે ગમી ગયો હતો ! પોતાના આગ્રહ કરતાં રાવબહાદુર અને યશોદાબહેનનો આગ્રહ વિશેષ હતો…અને ઠંડી જ્યોત્સ્નાએ પોતાની ઠંડી, ડાહી, ઠાવકી ઢબે લગ્ન માટેની અનુકૂળતા કરી આપી હતી જ. એટલે જ્યોત્સ્ના સાથે થનાર ભાવિ લગ્નમાં મધુકરનો કાંઈ સક્રિય ફાળો કે ખટપટ હતાં નહિ એમ મધુકરને સ્પષ્ટ લાગ્યું. સ્વાભાવિક રીતે જ દુનિયા તેની બાજુએ વળતી હતી. લોહચુંબક અને લોખંડની માફક. રાવબહાદુરની મિલકત અને રાવબહાદુરની પુત્રી તેને લાયકાતના ધોરણે મળતાં હોય તો હરકત પણ શી ?

માત્ર તેનાં માતાપિતા એક નિરર્થક શરત મૂક્યાં કરતાં હતાં : લાખ રૂપિયાની રકમ મધુકર અને તેનાં માતાપિતાના સ્વતંત્ર ઉપયોગ માટે જુદી મુકાય તો જ લગ્ન થાય ! એ શરત રાવબહાદુર મંજૂર ન જ કરે… એવી મંજૂરીની મધુકરની દૃષ્ટિએ જરૂર પણ ન હતી. લગ્ન પછી પણ એટલી રકમ ક્યાં ઉપાડી શકાતી નથી ? એટલે માતાપિતાને આવી શરત વચમાં ન લાવવા મધુકર વારંવાર વિનંતી કરતો હતો. અને એ વાતચીતને અંતે માતાપિતા અને મધુકર વચ્ચે ભારે કડવાશ ઊપજતી. આજે ચા પીતે પીતે પણ એની એ જ વાત થઈ અને મધુકરે પોતાનો ભરોસો રાખવા આગ્રહપૂર્વક માતાપિતાને કહ્યું ત્યારે માતાએ કહ્યું :

‘તારો તો અમને ભરોસો ખરો જ ! પરંતુ મોટા ઘરની છોકરી આવે એનો શો ભરોસો ?’

‘પરણ્યા પછી એ મારે જ વશ રહેશે ને ?’ મધુકરે કહ્યું.

‘ન રહી તો ?’ માતાએ કહ્યું.

‘અને હવે તો ઝટપટ છૂટાછેડા પણ છોકરીઓ લઈ લે છે !’ પિતાએ કહ્યું. વયે વધેલા પિતાનો લગ્નવ્યવહારમાં હજી ચીવટાઈ ભર્યો રસ હતો.

મધુકરને અંશતઃ માતાપિતાનું વ્યવહારજ્ઞાન સમજાયું ખરું. લગ્ન પછીના સંભવિત છૂટાછેડા સામે લાખ રૂપિયાનો વીમો છેક ખોટો તો નહિ જ !

‘પરંતુ એ શરત મૂકતાં લગ્ન જ બંધ રહે તો ?’ મધુકરે પૂછ્યું.

‘એ બને જ નહિ… આટલે સુધી વાત આવ્યા પછી… લગભગ દિવસ પણ નક્કી કર્યા પછી… લગ્ન બંધ ન જ રહે… આમંત્રણ નીકળી ગયા પછી જોર કરીશું… પછી કાંઈ ?’ માતાએ કહ્યું.

‘એ તો બધું ઠીક છે… પણ ઓ મૂર્ખ ! તું નાની વાત પણ સમજતો નથી.’ પિતાએ કહ્યું.

‘શી વાત ?’

‘બધું સમજ્યા લગ્ન થાય; તારા ઉપર મિલકત ન્યોછાવર થાય ભલે. પરંતુ એક સંભવ તેં વિચાર્યો જ નથી…’ પિતાએ કહ્યું. અને ધીમે રહીને વાત આગળ વધારી : ‘કદાચ… ન કરે નારાયણ… અને લગ્ન થઈ ગયા પછી કન્યાને કાંઈ રાજકદૈવક થાય …તો ?’ પિતાએ ધીમે રહીને પૂછ્યું.

‘એટલે ?’ રાજક શું અને દૈવક શું એ આજની દુનિયા સમજતી ન હોવાથી મધુકરે પૂછ્યું. આસમાની સુલતાની શબ્દ પણ હવે નવી પેઢી ભૂલતી જાય છે.

‘એટલે… પ્રભુ એમ ન કરે… છતાં… ધારો કે તારી સાથે પરણનારીનો આવરદા જ ટૂંકો હોય તો ?… પછી તને કોણ પૂછે ? રાવબહાદુર તો નહિ જ ને ?’ પિતાએ કહ્યું. અને મધુકર સરખો કદી ન ચમકે એવો ધીર હૃદયી યુવાન પણ પિતાની દીર્ઘદૃષ્ટિથી ચમકી ઊઠ્યો.