સ્નેહસૃષ્ટિ/લગ્ન તરફ પગલાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સમજદારી સ્નેહસૃષ્ટિ
લગ્ન તરફ પગલાં
રમણલાલ દેસાઈ
મધુકરનાં લગ્ન →૩૯
 
લગ્ન તરફ પગલાં
 

મધુકરના પિતા મધુકરના કરતાં પણ વધારે વ્યવહારકુશળ હતા એની ખબર આવા અજોડ પુરાવા સહ મધુકરને અત્યારે જ થઈ. ધનિક સ્ત્રીને પરણવું એ સારું છે. પરંતુ એ ધનિક યુવતી રખેને અણધાર્યું સ્વર્ગારોહણ કરે અને તેનું ધન પરણેલા પતિના હાથમાંથી છટકી જાય એ સંભવ જેમ બને તેમ સાચવી લેવો વધારે સારો ! એના વ્યવહારે એના પિતાના ડહાપણને ઓળખાવ્યું તો ખરું જ; પરંતુ મધુકર હમણાં જ જયોત્સ્નાને વચન આપી આવ્યો હતો કે તે જ્યોત્સ્ના સિવાય બીજી એક પણ ભેટ સ્વીકારશે નહિ. પ્રેમવીરત્વ દર્શાવવામાં તેણે ભૂલ કરી હતી એમ તેને લાગ્યું. પરંતુ વધારે ખેંચ કરવામાં આ વિચિત્ર છોકરી સમૂળી હાથમાંથી ખસી જાય એવો પણ તેને ભય હતો જ. અઠવાડિયામાં તો તેનું લગ્ન થવાનું હતું. એ લગ્નની જાહેરાત થઈ જાય એટલે પોતાના પિતાની માફક જો કાંઈ રકમ ખેંચી શકાતી હોય તો ખેંચી કાઢવા માટે થોડીઘણી સગવડ તો હતી જ. વરનાં માતાપિતાને રાવબહાદુર જેવા ધનાઢ્ય પુરુષ લાખ રૂપિયા જેવી નજીવી રકમ માટે નારાજ કરે અને તેમની હાજરી વગર મધુકર સરખા સુયોગ્ય યુવકનું લગ્ન થવા દે એ તેને અશક્ય લાગ્યું.

પરંતુ અશક્ય વસ્તુઓ શક્ય બને છે એ તે જાણતો હતો. માતાપિતા પણ મમતે ચઢે અને સાસુસસરો પણ મમતે ચઢે અને વરરાજા માટેની ખંડણી ન આપે, તોય લગ્ન તો થવા દેવું જ જોઈએ. એવે પ્રસંગે તે પ્રેમવીરત્વ અને પ્રેમભોગની વાત આગળ કરી શકે ! વળી… પરણતાં બરોબર… પત્ની મરી જ જાય એમ થવું એ લગ્નની આંકડાશાસ્ત્રીની તપાસ અંગે શક્ય બનતું નથી. અઠવાડિયું, એક માસ, બે માસ તો પરિણીતા મોટે ભાગે જીવતી રહે જ. અને એ મુદ્દત દરમિયાન પત્નીની આખી મિલકત પોતાને કબજે લેવામાં બાહોશ પતિને કોઈ પણ જાતની હરકત ન આવે તેવી મધુકરની ખાતરી હતી.

ઝડપથી તેણે વિચાર કરી લીધો. લગ્નની તારીખ મુકરર થવા દેવી; એ મુકરર થયા પછી પિતાની લાખ રૂપિયાની માગણીનો વેગ વધારવો. એ માગણી સફળ થાય તો ઠીક, અને ન સફળ થાય તો પિતામાતાને હડસેલીને પણ જ્યોત્સ્નાના પ્રેમ ખાતર લગ્ન કરી નાખ્યું એવું વાતાવરણ જરૂર ફેલાવવું, અને લગ્ન થયા પછી જ જ્યોત્સ્નાને રમાડી, જ્યોત્સ્નાનાં માતાપિતાને રીઝવી; લાખ કરતાં પણ વધારે રૂપિયાની મિલકત રાવબહાદુરના અવ્યવસ્થિત વ્યવહારમાંથી ઉઠાવવી એમાં મધુકરને જરાય મુશ્કેલી પડે એમ ન હતું. પિતાની ચમકાવનારી સૂચનામાંથી એનો માર્ગ હવે વધારે સ્પષ્ટ થયો, અને માતાપિતાને તેમની માગણી સંબંધમાં બને એટલું કરવા સમજાવી તે આરામથી બેઠો. દિવાનિદ્રામાં તેને જ્યોત્સ્ના સાથેનાં લગ્નનાં શમણાં પણ આવી ચૂક્યાં અને જ્યોત્સ્નાના બે લાખના અલંકારો પણ તેના હાથમાં આવી ચૂક્યાં !

સમય થતાં મધુકર રાવબહાદુરને ત્યાં પોતાની ફરજ બજાવવા માટે સજ્જ થઈ ચાલી નીકળ્યો. લગ્ન સુધી તો તે નોકર જ હતો ને ? રાવબહાદુરને ત્યાં આવતાં બરોબર તેણે જોયું કે રાવબહાદુર અને યશોદાબહેન બંનેનાં મોં ચઢેલાં હતાં - જોકે જ્યોત્સ્નાનું મુખ અને એનું હલનચલન અણધાર્યો આનંદ વ્યક્ત કરતાં હતાં. પોતાના કામમાં મશગૂલ રહ્યાનો દેખાવ કરી શકતા મધુકરે જોયું કે તેની ખુરશી પાસે રાવબહાદુર આવી ઊભા છે. મધુકર એકાએક ઊભો થયો અને તેણે પૂછ્યું :

‘આપ કેમ પધાર્યા ? મને બોલાવવો હતો ને ?’

‘આટલો આ નમૂનો વાંચી લો.’ રાવબહાદુરે તેના હાથમાં લખેલો કાગળ મૂકી દીધો. ધબકતે હૃદયે તેણે એ લખાણ વાંચ્યું. એમાં મધુકર સાથે જ્યોત્સ્નાના લગ્નની જાહેરાત તથા લગ્નમાં આમંત્રણ આપતી કુમકુમ પત્રિકા હતી. મધુકર આનંદિત થયો અને રાવબહાદુરના હાથમાં એ લખાણ પાછું મૂકી તેણે કહ્યું :

‘જી, આભાર માનું છું !’

‘મારી સામે જુઓ. એકલો આભાર માનવાનો નથી. હું જ્યોત્સ્નાને કે તમને વેચાણમાં મૂકવા માગતો નથી. એ શરત કબૂલ હોય તો આ કંકોતરી તમને યોગ્ય લાગે એ રીતે તમે છપાવો. એમ કબૂલ ન હોય અને તમારા પિતાની ઈચ્છા પ્રમાણે તમારે ચાલવું હોય, તો આ કાગળ હું ફાડી નાખું છું.’ રાવબહાદુરે કહ્યું.

‘સાહેબ ! એને ફાડી નાખવાની જરાય જરૂર નથી. આપ મને ઓળખો છો; યશોદાબહેન મને ઓળખે છે અને જ્યોત્સ્ના પણ મને ઓળખે છે. આપની સંમતિ પામેલું લખાણ કદી ફાટી શકે નહિ. એ હવે છપાશે જ.’ કહી મધુકરે રાવબહાદુરના હાથમાંથી કુમકુમપત્રિકાનો નમૂનો લઈ લીધો.

‘મધુકર ! એટલું ધ્યાનમાં રાખજો કે તમારા પિતાશ્રી એમની માગણી બાબતમાં જીદ કરશે તો હું તેમનું સાંભળીશ નહિ.’ રાવબહાદુરે કહ્યું.

‘આપ એમના કાગળો આવે તે વાંચશો જ નહિ અને મને સોંપી દેશો.’ મધુકરે કહ્યું.

‘છેલ્લે દિવસે આવીને કંઈ તોફાન ન કરે.’ રાવબહાદુરે કહ્યું.

‘વારુ.’

‘લગ્નને દિવસે બધા આવ્યા હોય અને તે ક્ષણે મને નીચું જોયા સરખું કંઈ પણ થાય એ હું જરા પણ ચલાવી લઈશ નહિ.’

‘હું આપની મૂંઝવણ સમજી શકું છું. બનતાં સુધી લગ્નને દિવસે મારાં માતા અગર પિતા કોઈ હાજરી ન આપે એમ હું જરૂર કરીશ.’ મધુકરે કહ્યું.

‘હું તમને એટલે બધે સુધી સખત થવા કહેતો નથી. પરંતુ લગ્નનો દેખાવ જરા પણ બગડે એવું હું ન જ ઇચ્છું… અને હવે તમે પણ જોઈ શક્યા હશો કે આ લગ્નનો સમારંભ કેવો હોઈ શકે !’

‘હા, જી. અને જેમ એમાં આપને પણ શરમાવું ન પડે તેમ મારે પણ શરમાવું ન પડે એમ જોવાની મને પણ ઈચ્છા રહે છે.’ મધુકરે કહ્યું.

‘મને ઘણી વાર તમારે માટે ઊંડું દર્દ થાય છે ! તમે બહુ ખોટી જગાએ જન્મ્યા’

‘હું જાણું છું. એમાં મારો ઈલાજ નથી. આપના સંબંધથી ઘણું ઘણું સુધરી જશે એવી મને ખાતરી છે… અને લગ્ન પછી મારાં માતાપિતા તરફથી જ્યોત્સ્નાને તલપૂર પણ દુઃખ ન પડે એવી બાંયધરી હું આપને આપું છું. અને યશોદાબહેનને પણ આપું છું. જ્યોત્સ્નાને તો આ બાબતની… કદાચ… ખબર નહિ જ હોય !’ મધુકરે પોતાની દીર્ઘદૃષ્ટિનું દર્શન કરાવ્યું.

‘જ્યોત્સ્ના જાણે છે. મારે જ એને કહેવું પડ્યું. હું ઉદાર મતવાદી છું એટલે દીકરીને સંપૂર્ણ ખ્યાલ આપ્યા વગર લગ્ન કરાવવા ઈચ્છતો નથી.’

‘જ્યોત્સ્નાએ કંઈ કહ્યું ? એનો શો મત છે ?’ મધુકરે પૂછ્યું.

‘છોકરીની જાત ! ભણેલી અને અભણ બધી જ સરખી. એણે તો મને એમ જ કહ્યું કે એ બાબત એ પોતે જ તમારી સાથે સમજી લેશે.’ રાવબહાદુરે કહ્યું. અને તેમણે પગ જરા પાછા ફેરવ્યા. તે તકનો લાભ લઈ મધુકરે કહ્યું :

‘ત્યારે હું આ પત્રિકા છાપવાની આપની અંતિમ પરવાનગી માની લઉ છું.’

‘ભલે.’ કહી રાવબહાદુરે ત્યાંથી વિદાય લીધી.

મધુકર થોડી વારે જ્યોત્સ્નાના ખંડ તરફ ગયો. જ્યોત્સ્ના કંઈ વાંચતી બેઠી હતી. સુરેન્દ્રના ગયા પછી અને જ્યોત્સ્ના સાથેના લગ્નની વાત વધતી જવાથી હવે મધુકરને જ્યોત્સ્નાના ખંડમાં જવાનો હક્ક મળી ચૂક્યો હતો. વાંચતે વાંચતે આડી નજર જ્યોત્સ્ના કરતી જ ન હતી - જોકે મધુકર તેની પાસે આવીને ઊભો હતો એમ તેણે જાણ્યું હતું છતાં ! વાંચવામાં મશગૂલ હોવાનો દેખાવ કરનાર જ્યોત્સ્નાને થોડો સમય જોઈ રહી મધુકરે કહ્યું :

‘જ્યોત્સ્ના ! આ વાંચી જો’ કહી તેણે કુમકુમપત્રિકા તેની સામે ધરી. જ્યોત્સ્નાએ પત્રિકા તરફ નજર કરી કહ્યું :

‘એ મેં જ લખેલી છે. મારા અક્ષર તને ઓળખાયા નહિ ?’

‘અક્ષરના અર્થમાં હું એટલો મશગૂલ હતો કે અક્ષરનો મરોડ કોનો છે એ જોવાની મને ફુરસદ જ મળી નહિ.’ મધુકરે ચાતુર્યપૂર્વક કહ્યું.

‘હું સમજી.’

‘એમાં કંઈ ફેરફાર કરવો છે ?’

‘તને યોગ્ય લાગે તે ફેરફાર કર.’

‘મારે તો કાંઈ જ ફેરફાર કરવો નથી. પરંતુ જ્યોત્સ્ના ! તું આમ સતત ઉમળકા વિહોણી કેમ રહે છે ?’

‘સ્વભાવને હું ક્યાં બદલું ? ઉમળકો જોઈતો હોય તો હજી આ પત્રિકા બદલી નાખ.’

‘બદલી નાખીને કોનું નામ લખું ?’

‘શ્રીલતાનું. એનામાં તને ઉમળકો ઘણો મળશે.’

’હજી એની એ વાત ? શ્રીલતાનું નામ છોડી દે.’

‘વારુ.’

‘તો પછી આ કંકોતરી હું છાપવાને આપી દઉં છું.’

‘છાપવા માટે જ લખાઈ છે.’

‘તારો અને મારો “ફોટોગ્રાફ" એમાં આપીશું ?’

‘ના ના; એ તો બહુ હલકું લાગે છે.’

‘એમાં હલકું શું ?’

‘લગ્ન પહેલાં નહિ. લગ્ન પછી તારી ઈચ્છા હોય તો કોઈ ચિત્રપત્રમાં છબીઓ આપજે. પુરુષોને પોતાનાં લગ્ન દિગ્વિજય સરખાં લાગે છે એ હું જાણું છું.’

‘અને સ્ત્રીઓને પોતાનાં લગ્ન જાણે ગમતાં નહિ હોય ! એમ ?’

‘ગમે જરૂર. પરંતુ હજી સ્ત્રીઓ પતિ સાથે છબી પડાવતી વખતે શરમાતી, દબાતી પરાશ્રયી જેવી જ મને દેખાયા કરે છે.’

‘મને ડર લાગે છે કે લગ્ન પછી તું મારી સાષ્ટાંગ પ્રમાણ કરતી છબી પડાવ્યા વિના રહેવાની નથી !’

‘એમ પણ બને. તારી એ પણ તૈયારી છે એ હું ક્યાં નથી જાણતી ?’ હસીને જ્યોત્સ્ના બોલી.

‘હવે ચાલ. મારી સાથે આવવું છે ? આપણે બન્ને સરસ કાર્ડઝ પસંદ કરી કોઈ અવનવા છાપખાનામાં આ પત્રિકા છપાવીએ.’

‘ભલે, ચાલ, હું સાથે આવું.’ કહી જ્યોત્સ્નાએ વાંચન પડતું મૂકી મધુકરની સાથે જવાની તૈયારી કરી. જ્યોત્સ્નાની સ્વભાવશીતળતા અને સ્વભાવવિચિત્રતાનાં વિધવિધ સ્વરૂપો જોઈ, કદી કદી નારાજ અને નિરાશ થતો મધુકર જ્યોત્સ્નાની આવી ઝડપી સંમતિ સાંભળી આનંદમાં આવી ગયો.

પત્રિકાનાં કાગળ અને પરબીડિયાં સુંદરમાં સુંદર - એટલે કે મોંઘામાં મોંઘા મધુકરે પસંદ કર્યા અને એક સારામાં સારા છાપખાનામાં તેનું સફાઈદાર છાપકામ કરવાનો પણ તેણે હુકમ આપ્યો. રાવબહાદુરના ભાવિ જમાઈના હુકમો ઝડપથી પળાયા, અને રાવબહાદુરની દીકરી જ્યોત્સ્નાની તેની ઉપર મહોરછાપ પણ વાગી. એ જ દિવસે ગામમાં વાતો પણ ચાલી કે રાવબહાદુરે મધુકર સાથે પોતાની પુત્રીનું લગ્ન નક્કી પણ કરી દીધું છે. ઘણા લોકો રાજી થયા નહિ. રાવબહાદુરની કક્ષાના કેટલાય ધનિકો પોતાના પુત્રો માટે રાવબહાદુરની પુત્રીની આશા રાખી રહ્યા હતા; તે સર્વને એમ લાગ્યું કે રાવબહાદુરે મોટી ભૂલ કરી છે. માનવીની સમાનતાનો સિદ્ધાંત ભલે ખરો હોય; છતાં એ સિદ્ધાંતના અમલમાં બહુ જ ડહાપણભરી રીતે વિચાર કરવો પડે છે. આપણા નેતાઓ અને પ્રધાનો માનવી માનવી વચ્ચેની એકતા સંબંધમાં કેટલો ભાર મૂકીને વાત કરે છે ! છતાં તેઓ ફરે છે વિમાનમાં રહે છે મહેલોમાં અને પોતાના સંરક્ષણ માટે પોશાકવાળા અને બિનપોશાકી રક્ષકોથી ક્યાં વીંટળાયેલા હોતા નથી ?

કેટલાકને નૈતિક દૃષ્ટિએ આવાં લગ્ન ગમ્યાં નહિ. ચબરાક જુવાનોને શિક્ષકો તરીકે, મિત્રો તરીકે અગર મંત્રી તરીકે રાખવામાં ધનિકોની દીકરીઓને માથે ઘણું જોખમ તોળાય છે એમ એ વર્ગનો મત હતો. પલટાતી દુનિયામાં યુવાનોનાં સ્થાન માટે આ વર્ગને સારા પ્રમાણમાં ચિંતા થઈ.

જ્યોત્ત્સ્નાના ભણેલાગણેલા જે મિત્રો મૈત્રીમાંથી પતિપદ મેળવવાની ઊંડે ઊંડે વાસના સેવી રહ્યા હતા તેમને પણ મધુકર સાથેનું જ્યોત્સ્નાનું લગ્ન રુચ્યું નહિ... મધુકર કરતા પોતાની લાયકાત વધારે માનીને !

છતાં રાવબહાદુરને સાંજ સુધીમાં તો ઘણા ટેલિફોન-સંદેશા મળ્યા. આછી પાતળી શિખામણ પણ મળી અને અભિનંદન પણ અપાયાં. શિખામણ આપનારને તો રાવબહાદુરનો એક જ જવાબ હતો :

‘જ્યોત્સ્નાની પસંદગી હોય ત્યાં મારાથી કેમ કરીને વચ્ચે પડાય ?’

‘પરંતુ મને તો કહેવામાં આવ્યું કે એમાં તો તમારો વિશેષ આગ્રહ હતો. રાવબહાદુર !’ કોઈ મિત્રે વાતચીત લંબાવી.

‘શી વાત કરો છો ? એવું કહેનાર મારા ઉદાર મતને પારખી શકતાં નથી.’

આમ સાંજ પહેલાં આખા નગરે વાત જાણી કે પાંચ-સાત દિવસમાં મધુકર અને જ્યોત્સ્નાનું લગ્ન થઈ જવાનું છે. મધુકરને પણ અનેક અભિનંદનો મળ્યાં અને જ્યોત્સ્નાને પણ મળ્યાં. સાંજે તો જ્યોત્સ્ના તેની બહેનપણીઓના ફોનમાંથી બિલકુલ નવરી પડી નહિ. રાત્રે ઘેર જતી વખતે મધુકર તેને મળવા આવ્યો ત્યારે પણ જ્યોત્સ્ના કોઈ સખીની સાથે ફોનમાં અણધારી ઉત્સુકતાથી વાત કરતી હતી અને હસતી હતી !

‘કોને ફોન કરે છે ?’ મધુકરે પૂછ્યું.

‘શ્રીલતાને.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘શ્રીલતાને ? એણે પણ સમાચાર સાંભળ્યા કે શું?’

‘હા.'

‘શું કહે છે એ ?’

‘એ મને મુબારકબાદી આપે છે, અને હું એને પૂછું છું કે તે મને સાચી મુબારકબાદી આપે છે કે ખોટી.’

‘શો જવાબ તેણે આપ્યો ?’

‘જવાબ માટે એમ કહે છે કે મારે સુરેન્દ્રને પૂછી જોવું.’

‘જ્યોત્સ્ના ! આપણાં લગ્ન સાથે સાથે સુરેન્દ્ર અને શ્રીલતાનાં લગ્ન થઈ જાય તો કેવું સારું ?’ મધુકરે કહ્યું.

‘તું પ્રયત્ન કેમ કરી જોતો નથી ?’

‘હમણાંનો તો સુરેન્દ્ર કદી દેખાતો નથી.’

‘તું જાણે છે, હમણાં એ ક્યાં રહે છે તે ?’

‘ના. એને ઘેર રહેતો હશે ને ? એની આટલી બધી સેવામાં વળી એની માતાની સેવા એને માથે પડી જ છે ને !’

‘હું જાણું છું હમણાંનો એ ક્યાં રહે છે તે !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘ક્યાં રહે છે એ ?’

‘એક સાધુના અખાડામાં !’

‘પછી તો શ્રીલતા પણ એની સામે નહિ જુએ !’ મધુકરે કહ્યું.

‘આમ મિત્રોના ભાવિનો વિચાર કરતાં લગ્નતત્પર મધુકર અને જ્યોત્સ્ના છૂટાં પડ્યાં. બીજે દિવસે કુમકુમપત્રિકાઓ આવી ગઈ અને તે હજારોની સંખ્યામાં ટપાલે ઝીલી પણ લીધી. હવે વર્તમાનપત્રોમાં પણ ત્રીજે દિવસે સમાચાર આવ્યા. ચોથે પાંચમે દિવસે લગ્નની અને લગ્નસમારંભની તૈયારીઓ શરૂ થઈ ગઈ. અને સાતમે દિવસે તો રાવબહાદુરના બંગલામાં શરણાઈઓના શૂરથી પ્રભાત ઊગી ચૂક્યો; અવરજવર વધી પડી. ચોરી બંધાઈ, મોઢ મંડપો બંધાયા, ખુરશીઓ નંખાઈ ગઈ. ફૂલહારના ઢગ વળી ગયા અને અત્તરગુલાબના ગુબ્બારા ઊડવા લાગ્યા. પાનબીડાનો તો પાર હોય જ નહિ.