સ્નેહસૃષ્ટિ/મધુકરનાં લગ્ન
← લગ્ન તરફ પગલાં | સ્નેહસૃષ્ટિ મધુકરનાં લગ્ન રમણલાલ દેસાઈ |
સ્નેહની અનોખી સૃષ્ટિ → |
આમ લગ્નનો દિવસ પણ આવી ચૂક્યો. વચમાં મધુકરનાં માતા-પિતાએ પુત્રની લગ્નખંડણી પેટે એક લાખ રૂપિયા મેળવવા બહુ ધાંધળ કર્યું હતું - માત્ર કાગળો જ લખીને નહિ, પરંતુ રાવબહાદુર અને યશોદાબહેન પાસે આવી તેમણે કલ્પી ન હોય એવી ધમાલ મચાવીને. પરંતુ મધુકરે આખી બાજી સાચવી લીધી, અને પોતાનાં માતાપિતાને પોતાના લગ્નમાં હાજરી ન આપી શકે એ ઢબે એ પરગામ મોકલી શક્યો હતો. રાવબહાદુરે તેને વપરાશ માટે એક સ્વતંત્ર કાર પણ આપી હતી એટલે એણે એના પોતાના લગ્નની વ્યવસ્થા ઝડપથી કરી લીધી હતી, અને લગ્નમાં માતાપિતાની હાજરીની આવશ્યકતા તેણે ટાળી કાઢી હતી. મિત્રો અને પરિચિતોને તો એ બોલાવે એ સ્વાભાવિક જ હતું. અને ઘસાતા સગપણના આ યુગમાં જે સગાંવહાલાં મિત્રવર્તુળમાં આવી શકતાં નથી તેમને બીજું કશું સ્થાન હોતું નથી એ જાણીતી વાત છે. મધુકરને પોતાનો પક્ષ કે પક્ષગૌરવ હતાં જ નહિ. જ્યોત્સ્ના સાથેનું લગ્ન એ જ એનું ગૌરવ. અને રાવબહાદુર અને યશોદાબહેન એ બે જ એનો પક્ષ ! અને તે પણ પૂરતો હતો. લગ્ન પહેલા એકાદ કલાક આગળથી મિત્રો સાથે આવી તેને ચોરીમાં સ્થાન લેવાનું હતું અને લગ્ન થઈ ગયા પછી પરિચિત વ્યક્તિઓનાં અભિનંદન કે ભેટ તેમણે લેવાનાં હતાં - જે તેના તરફથી લેવા માટે કેટલાય મિત્રો ઠીક ઠીક તૈયાર હતા પણ ખરા.
લગ્નમાં વરપક્ષ કરતાં કન્યાપક્ષ ઉપર વધારે ભારણ હોય છે. રાવબહાદુર સઘન હતા એટલે નવી અને જૂની બન્ને ઢબનાં ખર્ચ કરવાની તેમને સ્વાભાવિક રીતે ઇચ્છા હોય. લગ્નવિધિ જૂની ઢબનો બ્રાહ્મણોના મંત્ર અને શ્લોકોચ્ચાર સાથેનો કરવાનો હતો. લગ્નમાં - આજના લગ્નમાં સગાંવહાલાં કે સખીઓ બહુ ગીત ગાવામાં માનતાં નથી, છતાં યશોદાબહેને જ્યોત્સ્નાની કેટલીય સખીઓને ગીત ગાવા માટે સમજાવી, પટાવી, ધમકાવી તૈયાર કરી રાખી હતી. લગ્નપ્રસંગે જ્યોત્સ્નાએ કયાં કપડાં અને કયાં ઘરેણાં પહેરવાં એ વિષે યશોદાબહેને ચાર દિવસથી દિવસરાત ધાંધલ મચાવી મૂક્યું હતું. ઘરમાં તો સારાં વસ્ત્રો હતાં જ; આંખે ઊડીને વળગે એવાં અલંકારો પણ હતાં જ. છતાં એકની એક મોંઘી દીકરીને માટે એક દુકાન ભરાય એટલાં નવાં કપડાં અને ઘરેણાં ઘડાઈને આવી ચૂક્યાં હતાં. યશોદાબહેને પહેલેથી જ્યોત્સ્નાને પૂછ્યું હતું ?
'જ્યોત્સ્ના ! આ લગ્નમાં તારે જેટલું જોઈએ એટલું લૂગડું-ઘરેણું મંગાવ અને પહેર.’
‘મા! મારે તો નિત્ય લગ્ન હોય એટલાં બધાં લૂગડાં-ઘરેણાં છે, પછી મારે વધારે શું માગવાનું રહ્યું ?’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.
‘તું તો છે જ એવી, છોકરી ! તને તો કશી હોંશ જ નહિ.’ માએ કહ્યું.
‘તો પછી મને જે કાંઈ આપવું હોય, કરાવવું હોય તે બધું હું તમારા ઉપર છોડી દઉ છું.’
‘એમ? કબૂલ છે? પછી તમે નવી ભણેલીઓ સાદાઈનો ઢોંગ જોઈએ. એટલો કરો છો ! એ આ વખતે મારી આગળ નહિ ચાલે.’ માએ હક્ક કર્યો.
‘મા ! આ વખતે કપડાં, ઘરેણાં, શણગાર અને રીતરિવાજને અંગે હું સંપૂર્ણપણે તારે તાબે થઈ જાઉં છું. પછી કાંઈ?’
‘એ તો મને ખૂબ ગમ્યું. તને લૂગડે, ઘરેણે એવી મઢી દઈશ કે જેવી કોઈ માએ પોતાની દીકરીને મઢી નહિ હોય.’
અને માતાએ ખરેખર પુત્રીને ઘરેણાં-લૂગડાંથી મઢી દીધી અને પુત્રીએ પોતાને મઢાવા પણ દીધી. માતા જે જે આભરણ કે આભૂષણ લઈ આવે તે બધાં જ શોખથી જ્યોત્સ્ના પહેરતી, માતાપિતાને દેખાડતી અને સરસમાં સરસ વસ્ત્રાલંકાર પોતાને લાગ્યા હોય તે પહેરીને પોતાની છબી પણ પડાવતી. એટલું જ નહિ, પરંતુ મધુકર છબી માગે તો તે છબી આપતી પણ ખરી. સાત દિવસ આમ તેના વ્યવસાયમાં પસાર થયા. સખીઓ પણ નિત્ય આવતી, કલ્લોલઆનંદ કરતી, કદી કદી લગ્નનાં ગીત શીખવાનો પ્રયત્ન કરી હતી. અને સાંજે છૂટી પડતી. રાવબહાદુરના ઘરમાં આમ પાંચ-સાત દિવસ લગ્નનું જ વાતાવરણ જામી ગયું. માતા અને પિતા બહુ રાજી થઈ વ્યવસ્થા કરવા લાગ્યા અને મધુકરનાં માતાપિતાને ગામમાંથી જ રવાના કરવાની મધુકરે બતાવેલી બહાદુરી ઉપર રાજી થઈ તેને પણ ઘરમાં વધારે વખત રોકવા લાગ્યાં. લગ્નના દિવસની પહેલી રાત્રે તો રાવબહાદુર મધુકર ઉપર એટલા રાજી થઈ ગયા કે તેમણે એક લાખ રૂપિયાનો ચેક પણ લખી રાખ્યો, જે લગ્નપ્રસંગે તેઓ મધુકરને ભેટમાં આપવાના હતા. માત્ર તેની એક જ શરત હતી, અને તે એ જ કે મધુકરનાં માતાપિતાને લગ્ન પૂર્ણ થઈ જતાં સુધી એ સંબંધની ખબર બિલકુલ આપવી જ નહિ. મધુકરને તેની હરકત ન હતી. એની યોજના ઊલટી વધારે સફળ થઈ. માતાપિતા માગતાં હતાં તે જ માતાપિતાને દૂર કરી મધુકર મેળવી શક્યો. એમાંથી અરધી રકમ પણ તે માતાપિતાને મોકલી શકે તો તેઓ બહુ આનંદપૂર્વક દૂર રહી મધુકરને એકલાં એકલાં આનંદ માણવા દે. જ્યોત્સ્નાને વર્ષ-છ માસ સુધી તો નારાજ કરવાની ઇચ્છા ન જ હોય. પછી તો... જ્યોત્સ્ના એને માર્ગે અને મધુકર પોતાના માર્ગે જઈ શકે એમ હતું. સ્ત્રીઓને માટે બેત્રણ વર્ષમાં બેત્રણ બાળકો સાથે મારી શકાય, તો સ્ત્રી લગભગ જીવનભર પતિની દાસી થઈને જ રહે એમાં શક નહિ. અને જ્યોત્સ્નાની મિલકત પણ એવી આરક્ષક હતી કે તેને જીવનભર દાસત્વમાં રખાય એ જ મધુકરને માટે વ્યવહારુ માર્ગ હતો !... આ વિચાર છૂપો છૂપો પણ મધુકરના હૃદયમાં સ્પષ્ટતા ધારણ કરતો હતો.
પ્રેમ, લગ્ન અને સંતાનોત્પત્તિ એ ત્રણે પરસ્પરથી ક્યાં દૂર હોય છે? સંતાનોત્પત્તિ મુશ્કેલ નથી. સહુથી મુશ્કેલ પ્રેમ મનાય છે, તે તો મધુકરને મળી ચૂક્યો હતો. તેમ ન હોત તો જ્યોત્સ્ના ઉતાવળ કરીને સાત-આઠ દિવસમાં આખું લગ્ન યોજી દે અને તેમાં માતાપિતાની સંમતિ મેળવી લે. એ અશક્ય હતું. પ્રેમ કરતાં લગ્ન વધારે મુશ્કેલ હોય છે. સઘળા પ્રેમ લગ્નમાં જ પરિણામ પામતા નથી; એનું પ્રત્યક્ષ દૃષ્ટાંત મધુકર પોતે જ હતો. પ્રેમમાંથી લગ્ન ઉપર સીધું જ ઉડ્ડયન થતું હોત તો એ ક્યારનો શ્રીલતાને પરણીને બેઠો હોત. શ્રીલતાના પ્રેમનો આછો સરખો વહેમ પણ હવે જ્યોત્સ્નાને લગ્નની ઉતાવળ કરાવી રહ્યો હતો, એમ મધુકર માની રહ્યો હતો. મધુકરને માટે જ્યોત્સ્નાનો પ્રેમ અને જ્યોત્સ્નાનું લગ્ન બન્ને સરળ નીવડ્યાં અને સફળ થયાં એમ કહીએ તો પણ ચાલે. એકબે બાળકોની માતા થયા પછી જ્યોત્સ્ના સ્ત્રીસ્વભાવ અનુસાર બાળકોમાં જ મશગૂલ રહેવાની ! અને મધુકરની બાહોશી જયોત્સ્નાને રાજી રાખી પોતાને માટે આનંદના અનેક માર્ગો રચી શકે એવી હતી જ. રાવબહાદુરના ધન સાથે. રાવબહદુરના ધનની વ્યવસ્થા સાથે, આનંદના અનેક દરવાજા તેને માટે ખૂલી જતા હતા એમ એ સ્પષ્ટ જોઈ શક્યો.
અને લગ્નનો દિવસ આવી પહોંચ્યો. મધુકરને તો જાણે કોઈ સુંદર સ્વપ્ન સાચું પડતું હોય એમ લાગ્યું. એ સમજતો થયો ત્યારથી તેની એ તૃષ્ણા તો હતી જ કે એ ચબરાક બને. ચબરાક અને ધનિક યુવતીને પોતાનામાં ઘેલી બનાવે. એમાંથી લગ્ન સરજાય. અને લગ્નમાંથી તેને અખૂટ ધન વાપરવાનું મળે. મધુકર જે માગતો હતો તે મળ્યું. ઈશ્વરનો તેણે જરા આભાર પણ માન્યો. જેના પાસા દુનિયામાં પોબાર પડે છે તેમને ઈશ્વર અને ઈશ્વરની કૃપા વહેલા દેખાય છે. અને જોકે તેણે ઈશ્વરનો કોઈ વાર આભાર માન્યો ખરો, છતાં આભાર માનતી વખતે તે ભૂલી શક્યો નહિ કે એની પોતાની પાત્રતા પણ એના ભાવિને રચી રહી હતી !
ત્રણચાર કાર ભરીને મિત્રો સાથે મધુકર વરરાજા બની રાવબહાદુરને બંગલે આવ્યો. કેટલીક સ્ત્રીઓને લગ્ન પ્રસંગે જૂના રીતરિવાજ પાળવાનો જોરદાર અભરખો થઈ આવે છે. યશોદાબહેને માનીતા વરરાજાને પોંખવાની વિધિ પણ કરી, ઘૂમટો તાણેલી કન્યાની આંખ ઉપર દૂરના બહુ વર્ષે શોધી કાઢેલા મામાની પાસે આંખ મીંચાવી વર પાસે લાવી વરના પગે ચૂંટી પણ ખણાવી. અને હાસ્યની તથા રુદનની છોળો પણ ઉરાડી. વહાલી અને એકની એક દીકરી પરણાવ્યાથી પારકી થાય છે એનું યશોદાબહેનને ધોરણ પ્રમાણે દુઃખ થયું. છતાં એ પતિ રાવબહાદુરનું ઘર મૂકીને જ્યોત્સ્નાને બહુ દૂર લઈ જશે નહિ અને કદાચ તે પોતે પણ રાવબહાદુરના જ ઘરમાં રહી જશે, એવી શક્યતા વિચારી તેણે પોતાના દુઃખને બહુ હળવું બનાવી દીધું હતું. એટલે તે ધારે તે દિવસે હસી પણ શકતાં હતાં.
કહ્યાગરી દીકરીએ પણ તે દિવસે માતાની ઈચ્છા પ્રમાણે વસ્ત્રાલંકારો નખશિખ ધારણ કર્યા હતાં, અને સાદાઈ પૂરતું લગ્નશોભિત પાનેતર પણ કિંમતી અને રેશમી હતું. વળી આવી ભણેલી ગણેલી દીકરીએ પાનેતરનો ઘૂમટો ખેંચી માતાપિતાની આર્યભાવનાને સંતોષવા તત્પર હતી એથી યશોદાબહેનને સંપૂર્ણ માનસિક સુખ પ્રાપ્ત થઈ ગયું. મોતી અને હીરાજડિત મૉડ ધારણ કરી પોતાના મુખને ગૂંગળાવવાની એકબે વખત ના પાડી ચૂકેલી પુત્રી અંતે મૉડ પહેરવાને પણ તત્પર થઈ એમાં યશોદાબહેનને પોતાની પવિત્ર, જુનવાણી રીતનો વિજય થતો દેખાયો.
વરરાજા. આવીને ચૉરીમાં બેસી ગયા. તેમનાથી થોડે દૂર શમિયાણામાં અસંખ્ય મહેમાનો ભેગા થયા હતા, જેમને આઇસક્રીમથી તેમ જ ગીતનૃત્યથી રીઝવવામાં આવતા હતા. રાવબહાદુર આમ તો પોતાને સુધારક કહેવડાવતા હતા, છતાં આનંદના પ્રસંગોએ ગીતનૃત્યનો બાધ લે એવું સુગાળવું સુધારાપણું એમણે કદી ધારણ કર્યું ન હતું. નૃત્ય વખતે નર્તકી કલાની અધિષ્ઠાત્રી બની જાય છે એમ તેઓ માનતા, અને કલાને પોષવા જેટલું ઉદારચિત્ત સુધારામાં ખીલવવું જોઈએ એવી પણ તેમની માન્યતા હતી. એટલે આવે પ્રસંગે બેત્રણ સારા ગવૈયા અને બેત્રણ સારી નર્તકીઓ લગ્નોત્સવમાં આનંદવૃદ્ધિ માટે તેઓ લાવ્યા હતા.
આમ માનવંતા મહેમાનો - સ્ત્રીઓ અને પુરુષો આઇસક્રીમમાં અને નર્તકીની કલામાં મશગૂલ હતાં. લગ્નનું પવિત્ર કાર્ય કરાવનાર બ્રાહ્મણો હોમહવન, મંત્રોચ્ચાર અને મંગલાચરણમાં મશગૂલ હતા; અને સગાંવહાલાંમાં ગણાતી સ્ત્રીઓ અરસપરસના વસ્ત્રાલંકારો જોવામાં અને પોતાના વસ્ત્રાલંકારો સાથે બીજાની સરખામણી કરવામાં રોકાયેલી હતી. કન્યાની સખીઓ કન્યાને લાવી ક્યારની ચોરીમાં બેસાડી ગઈ હતી, પરંતુ તેનો ખ્યાલ બહુ થોડાને રહ્યો હતો. કન્યાના હસ્તમેળાપ પણ થયા. સાવધાનની બ્રાહ્મણબૂમો પણ ઠીક ઠીક પડી; મુખ્ય પુરોહિતે હસ્તમેળાપ થયેલા હાથમાંથી દર્ભ ખેંચી લીધો. તાળીઓ પડી, વાજાં વાગી ઊઠ્યાં. અક્ષત, કુમકુમ અને પુષ્પનો વર-કન્યા ઉપર વરસાદ વરસ્યો. યશોદાબહેને આંખ ઉપર પોતાના અમ્મરનો કસબી છેડો નાખી માતાને યોગ્ય આંસુ આપ્યાં, અને મહેમાનોમાં પણ તાલીનાદ ફેલાઈ ગયો. રાવબહાદુર પણ પુત્રીમાંથી પત્ની બનેલ કન્યાનો વિચાર કરી સહજ વિહ્વલ બન્યા. પરંતુ તેઓ પુરુષ હોવાથી કન્યાદાન આપતી વખતે પોતાના હૃદયને વધારે સખત બનાવી શક્યા.
હાજર રહેલા સર્વે મહેમાનોને હાર પહેરાવવાનો. અત્તરગુલાબ આપવાનો અને ભેટ આપી શકતા મહેમાનોની ભેટ લેવાનો વિધિ શરૂ કરવા માટેની હવે તૈયારી શરૂ થઈ. પરંતુ હાથ પકડી રહેલ વરકન્યામાં કાંઈ આકસ્મિક અસ્થિરતા ઊપજતી હોય એમ દેખાયું. પ્રેમી વરકન્યા હસ્તમેળાપ વખતે ઠીકઠીક સ્પર્શ-રમત કરી શકે છે. જે રમત કન્યાદાન દેનાર માતાપિતા પણ જાણી શકતાં નથી અને લગ્નવિધિ કરાવનાર બ્રાહ્મણો પણ જાણી શકતા નથી ! કદાચ ચૉરીનો અગ્નિ પણ એ રમતથી અજ્ઞાત હોય ! એનું જ્ઞાન પરિણીત યુગલને જ થાય છે. એ રમતની અલૌકિક ક્ષણ જીવનમાં ફરી આવતી નથી.
વરકન્યાની આ હસ્તમેળાપ રમત ઠીકઠીક ચાલી, પરંતુ આ બધા ઘોંઘાટમાં મધુકરથી સિસકારો ઉચ્ચારાઈ ગયો એનું કોઈને ભાન રહ્યું નહિ. સિસકારો તો કદાચ ન સંભળાય ! પરંતુ મધુકરના શબ્દો સાંભળતાં આસપાસના લોકોનું ધ્યાન વરકન્યા તરફ ખેંચાયું ખરું. સિસકારો બોલાવી રહીને મધુકરે એકાએક કહ્યું :
‘જ્યોત્સ્ના ! આ શું કરે છે? મને બહુ લાગે છે.’
‘કન્યા કાંઈ બોલી નહિ. પરંતુ તેણે મધુકરના હાથને વગાડવાનું કામ ચાલુ રાખ્યું હોય એમ લાગ્યું. મધુકરે ફરી કહ્યું :
‘જ્યોત્સ્ના ! હવે બસ. શ્રીલતાનું વેર તારે વાળવાની જરૂર નથી.’
‘આ વેર જ્યોત્સ્ના નહિ પણ શ્રીલતા જ વાળે છે, મધુકર !’ કન્યાના ઘૂમટા પાછળથી એક મીઠો પરંતુ દૃઢ ઉચ્ચાર આવ્યો.
‘એટલે?’ મધુકરે જરા હાથ હલાવી સહજ છંછેડી નાખી કહ્યું.
‘હજી પૂછવું પડે છે? સમજ્યો નહિ?’
‘શું સમજવાનું ?’ મધુકરે સહજ ચમકીને પૂછ્યું.
‘સમજવાનું એટલું જ કે તારાં લગ્ન જ્યોત્સ્ના સાથે નહિ પણ શ્રીલતા સાથે થાય છે !’
મધુકરે એકાએક હાથ ખેંચી લીધો, એટલું જ નહિ પણ ખેંચેલા હાથે તેણે આખી બેઠેલી મંડળીને આશ્ચર્ય ઊપજે એવી ઘેલછા કાઢી ઘૂમટાવાળી કન્યાનો મૉડ અને ઘૂમટો બળપૂર્વક ખસેડી નાખ્યા : જે ખસેડવામાં કન્યાએ પણ તેને હરકત કરવાને બદલે સહાય કરી !
અને લગ્ન થયેલી કન્યા જ્યોત્સ્ના નહિ પણ શ્રીલતા તરીકે આખા સમારંભ સમક્ષ જાહેર થઈ !
‘દગો, દગો ! રાવબહાદુર ! તમે દગો કર્યો છે. યશોદાબહેન ! તમે પણ !’ મધુકર પોકારી ઊઠ્યો. અને રાવબહાદુર તથા યશોદાબહેન પણ પરણી ચૂકેલી યુવતીને શ્રીલતા તરીકે ઓળખી ચમકી ઊઠ્યાં ! મધુકર ઊભો થઈ ગયો.
‘રાવબહાદુરનું નામ ન લઈશ; યશોદાબહેનનું નામ ન લઈશ ! દગો કોઈએ કર્યો નથી, પરંતુ તારા દગાને અટકાવ્યો છે. સાચો દગાબાજ તું જ છે !’ શ્રીલતાએ પણ ઊભાં થઈ જઈ ખુલ્લા મુખે મધુકરને જવાબ આપ્યો. અને જ્યોત્સાને બદલે પોતે મધુકર સાથે પરણી ગઈ તેમાં તેને જરાય સંકોચ લાગ્યો હોય એમ દેખાયું નહિ.
‘એટલે ? તું શું કહેવા માગે છે, અને છેતરીને ?’ મધુકરે સામે ઉશ્કેરાઈને કહ્યું.
મહેમાનોમાં અને સંબંધીઓમાં હોહા થઈ રહી.
‘તને છેતર્યો હોય એમ લાગતું હોય તો હું અત્યારે જ તને છૂટાછેટા આપવા તૈયાર છું. તારા જેવા યુવકોને આવી જ ફજેતીએ પહોંડવા જોઈએ એ તું સમજી લેજે. હું જગતને જાહેર કરી શકીશ કે મેં તો મને છેતરનારને જ છેતર્યો છે.’
છેલ્લે પાટલે જઈ બેઠેલી શ્રીલતાને વધારે શું કહેવું તેની મધુકરને સમજ પડી નહિ. ઊભા થઈ ગયેલા લોકોને ખબર પડી કે મધુકરની સાથે રાવબહાદુરની દીકરી જ્યોત્સ્ના નહિ પણ જ્યોત્સ્નાની કોઈ બહેનપણી શ્રીલતા પરણી ગઈ છે. સહુએ ત્યાંથી ખસવા માંડ્યું અને જોતજોતામાં મંડપ ખાલી થઈ ગયો. મધુકર પણ ત્યાંથી ખસવાની તૈયારી કરતો હતો. તેનો હાથ પકડી શ્રીલતાએ પૂછ્યું :
‘મધુકર ! આમ તો આપણાં લગ્ન થઈ ચૂક્યાં. તારું વચન તેં તો ન જ પાળ્યું. પરંતુ એ પાળવાની ફરજ મેં તને પાડી છે. હવે કહે, શું કરવું છે ? લગ્નનો સ્વીકાર કે અસ્વીકાર ?’
‘શ્રીલતા ! મને આજની રાત વિચાર કરી જોવા દે. મને કાંઈ સમજ પડતી નથી. તેં મને હરાવ્યો. હું સવારે તને મારો નિશ્ચય જણાવીશ !’ મધુકરે કહ્યું.
મધુકરના મુખ ઉપર ખરેખર અત્યારે ગભરાટ લાગતો હતો. ભારે ચબરાકીમાં કદી અસ્વસ્થ ન બનેલો મધુકર આજે અતિશય અસ્વસ્થતા ભોગવી રહ્યો.
‘વારુ, એક રાતની મુદત આપું છું. તારે લગ્ન ન સ્વીકારવું હોય તો તેમ કહી દેજે, હું તેથી આપઘાત કરવાની નથી. તું ના પાડીશ તો અદાલતમાં છૂટાછેડા મેળવતાં મને વધારે અનુકૂળતા મળશે. બાય. બાય ! ટા, ટા!’ કહી શ્રીલતા ચોરી અને લગ્નમંડપમાંથી ખસી રાવબહાદુરના ઘરમાં ચાલી ગઈ.
અને રાવબહાદુર તથા યશોદાબહેન ઘેલાં જેવાં બની પૂછવા લાગ્યાં :
‘પણ જયોત્સ્ના ક્યાં ?’