સ્નેહસૃષ્ટિ/આશાની મીટ

વિકિસ્રોતમાંથી
← પ્રેમની સ્પષ્ટતા સ્નેહસૃષ્ટિ
આશાની મીટ
રમણલાલ દેસાઈ
રાજકુમારીની વાર્તા →



૨૩
 
આશાની મીટ
 

શ્રીલતા ગઈ અને મધુકર જ્યોત્સ્નાની પાસે જઈ ઊભો રહ્યો... શ્રીલતાની છટાને જોતો જોતો.

‘શ્રીલતા તારા ઉપર બહુ નારાજ છે, મધુકર !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘Impossible girl અશક્ય છોકરી ! એની સાથેની મૈત્રી કોઈનીયે લાંબી ન જ ચાલે.’ મધુકરે કહ્યું.

‘પણ... એ તો હજી તને જ ચાહે છે... તું એને અન્યાય ન કરી બેસે એટલું ધ્યાનમાં રાખજે.’

‘જ્યોત્સ્ના ! હજી પણ તું મને આમ કહીશ? એમાં તો તું મને અન્યાય કરી રહી છું !’

‘કેવી રીતે ?’

‘મારે હજી સ્પષ્ટતા કરવી પડશે શું?’

‘શાની ?’

‘મારા હૃદયની.’

‘હૃદય તો શરીરનું એક યંત્ર માત્ર છે, હૃદય ઉપર બહુ ભારે ભરોંસો ન રાખવો.’

‘પરંતુ એ મહત્ત્વનું યત્ર છે.. એ ન હાલે તો માનવી મરી જાય’

‘તો... એ હૃદય આમ સતત ચાલ્યા જ કરે... ધડક્યા જ કરે... એમ ? એને બીજું કાંઈ કામ ન સોંપાય? મેં શ્રીલતાને બહુ સમજાવી કે એણે હવે તને છોડી દેવો !’ જ્યોત્સ્ના બોલી.

‘જ્યોત્સ્ના ! સાચેસાચ એને ચાહવાનો મેં બહુ પ્રયત્ન કર્યો. પરંતુ પ્રેમને એ કેદખાનું માને છે. હું પ્રેમને મુક્તિનો વ્યવહાર ગણું છું... અને જો, જ્યોત્સ્ના ! મને લાગે છે કે શ્રીલતા આપણી વચ્ચેના આકર્ષણને સમજી ગઈ છે...’

‘આપણી વચ્ચે ?... આકર્ષણ ?... મધુકર ! શ્રીલતા ઘણી ભૂંડી છે. એ શું કરે એ કહેવાય નહિ. હું તો એનાથી ચેતતી જ રહું છું. પરંતુ તુંયે ચેતીને ચાલજે.’

‘અરે, જા હવે ! એ છોકરી વળી શું કરવાની છે ? બે ધમકીના બોલ બોલશે અને... મને છોડી કોઈ અણધાર્યા પુરુષને પરણી બેસશે... હું એને બરાબર ઓળખું છું... માટે એને...’

‘તું જતી કરે છે !... સુરેન્દ્રને હું પણ જતો કરું તો ?’ જરા ગંભીરતાપૂર્વક વિચાર કરી જ્યોત્સ્ના બોલી.

‘અને નવાઈ એ લાગે છે કે તેં હજી સુધી એને જતો કર્યો કેમ નથી ! ભાવનાનો ભ્રમ ઊભો કર્યો જીવન ન જિતાય !... તું જો સુરેન્દ્રને આંગળી આપીશ તો તારો પોંચો જરૂર પકડશે. અને તારી આખી મિલકતને... તારા આખા જીવનને એ નષ્ટ કરી નાખશે.’ મધુકરે કહ્યું.

‘કારણ ?’

‘એ સામ્યવાદી છે.’

‘સામ્યવાદીની તરફેણમાં તો મેં અને તેં પણ વ્યાખ્યાન આપ્યું હતું ! યાદ છે?’

‘એનાં સારાં તત્ત્વો ભલે આપણે સમજી લઈએ. પરંતુ એમાંથી ઊપસતી અંતિમ સરમુખત્યારી લૂંટારાઓની લૂંટ કરતાં પણ વધારે ભયંકર છે... તું રખડતી બની જઈશ...’

‘તને ખબર છે ?... મારી અને મારા દાદાની વચ્ચે પિતાજી કમાયા ન હોત તો હું અત્યારે પણ રખડતી જ હોત !’

‘ફરી રખડતાં થવું હોય તો સુરેન્દ્રને શોધજે.’

‘કહે છે કે સુરેન્દ્ર આમ રખડેલ થયો તેનું કારણ એનો પિતા જ હતો ! એના દાદાની મિલકત એના પિતાએ ગુમાવી દીધી...’

‘અને સુરેન્દ્ર વધારામાં બુદ્ધિ પણ ગુમાવી બેઠો છે.’ મધુકરે કહ્યું.

‘સુરેન્દ્રને બુદ્ધિ વગરનો કહેવો એ વધારે પડતું નથી. મધુકર ? જ્યોત્સ્નાએ જરા ગંભીર મુખ કરી કહ્યું.

‘સંયોગને, વાતાવરણને, ચાલુ પ્રવાહને જે અનુકૂળ ન થાય કે બુદ્ધિમાન કેમ કહેવાય ?’

‘સંયોગને બદલવાની. વાતાવરણને ફેરવવાની. ચાલુ પ્રવાહને જ વાળવાની જરૂર હોય તો ?’

‘પાંચસો કે હજાર વર્ષ સુરેન્દ્ર જીવે તો એ પોતાની શક્તિનો પરચો કદાચ જુએ. બુદ્ધ, ક્રાઇસ્ટ અને ગાંધીની સુરેન્દ્ર વાતો કર્યા કરે છે... વચમાં માર્ક્સને લાવે છે... એમાંથી કોણે સંયોગ બદલ્યા ? કોણે વાતાવરણ ફેરવ્યું? કોણે પ્રવાહને વાળ્યો ?... પોતાની જિંદગીમાં ?...’ જરા અસરકારક છટાથી મધુકર બોલ્યો અને જ્યોત્સ્નાએ ‘Hear! Hear !’નો ઉચ્ચાર કરી તાળી પાડી !

મધુકર સહેજ ઝંખવાયો ! જ્યોત્સ્ના જરા હસી અને બોલી :

‘આમ જ તું અસરકારક નીવડે છે ! તારી અને તારી જીત વચ્ચે માત્ર પાંચ જ મિનિટનો ગાળો !’

‘તું મને હસી શકે છે, જ્યોત્સ્ના ! પરંતુ... ઇતિહાસ જો ! બુદ્ધે કે ક્રાઈસ્ટે કેટલાં વહેણ બદલ્યાં?... આજ એ બંને જીવતા બની પાછા આવે તો એમની કેટલી મહેનત સફળ થયેલી એ માને ? એક ટકો ?... બે ટકા? પછી આ જૂઠી ઘટમાળ શી? સેવાના તુક્કા શા ?... એ બધાય ફુગ્ગા ઊડી ઊડી... સુંદર દેખાઈને... ફટ્ટ ફૂટી જવાના !’ મધુકરે વધારે છટા ઉમેરી કહ્યું.

જ્યોત્સ્ના ક્ષણભર મધુકર સામે જોઈ રહી. આ ક્ષણે તેનું મુખ ગંભીર હતું. જરા રહી તેણે કહ્યું :

‘તારું કહેવું વિચારવા સરખું ખરું... મધુકર ! તેં સુરેન્દ્ર સાથે આ દલીલ કરી છે ?’

‘કંઈક વાર. પરંતુ હવે એ મારી સામેથી નાસતો ફરે છે... થોડા દિવસમાં એ કીડી-મંકોડીને લોટ નાખતો ન બની જાય તો મને કહેજે !’

‘મધુકર ! તને એક વચન આપું ?’

‘મને? શું વચન તું આપે છે?... મારા હૃદયને તે ઓળખ્યું શું?’

‘હૃદય તો યંત્ર છે ! ઝટ ઓળખાય. હું ક્યારની વિચાર કરી રહી છું. જો સુરેન્દ્ર થોડા દિવસમાં અહીંથી જાય તો ધારી લેજે કે મેં તારી ફિલસૂફી સ્વીકારી લીધી છે. હું કીડીઓને લોટ નાખતી નહિ કરું

‘શાબાશ ! તું એ જ માર્ગે વહી રહી છો એ હું હવે જોઈ શક્યો છું.’

‘શા ઉપરથી ?’

‘હમણાંની તું... સુરેન્દ્રને બહુ મળતી લાગતી નથી....’

‘સાચું !’

‘આજ પણ... એને જતો કરજે... આપણો ફરવાનો ક્રમ બદલાય નહિ !’

‘આજ તો એને મળવું જ પડશે... એ ચિઠ્ઠી મૂકી ગયો છે... કદાચ આજ એને છેલ્લી વાત કહી દઈશ... અને પછી એને જતો કરીશ. બસ ?’ જ્યોત્સ્નાએ મધુકર સામે આંખ માંડીને કહ્યું.

સ્ત્રી-યુવતી આંખ માંડે ત્યારે આખા વિશ્વની ગહનતા એમાં ઊતરી આવે છે. અને એ ગહનતામાં પુરુષને જે રંગ જોવા હોય તે રંગ પણ ખીલી આવે છે. મધુકરે જ્યોત્સ્નાની આંખ સામે આંખ માંડી પણ ખરી. એને આંખ જ નહિ, પરંતુ જ્યોત્સ્નાનું આખું મુખ ગમ્યું... કે આખો દેહ ? અને સમગ્ર છટા ? મધુકર જીત મેળવ્યે જતો હતો. જ્યોત્સ્નાની આંખમાં માન હતું? સન્માન હતું? સત્કાર હતો ? સ્વાગત હતું? પ્રેમ હતો ?

અને પ્રેમ એટલે ?

એની ચર્ચા નિરર્થક છે. એની સમજનો નકશો દોરાય એમ નથી, પ્રેમનાં પડ કોઈ ઉકેલી શક્યું નથી. ઉકેલવાની જરૂર નથી. એ ઉકેલનાર દોઢડાહ્યાઓને પ્રેમ મળતો હોતો જ નથી... એ પ્રેમના કૂચા ચાવતા હોય છે !

એ પ્રેમ જીવનભર પહોંચે પણ ખરો અને ન પણ પહોંચે. એને માટે ઊંચો જીવ રાખવાની જરૂર નથી. નદીનાં પાણી વહેતાં હોય તેમાં કયી ક્ષણનું પાણી આપણે પીવું એ પ્રશ્ન ઊપજતો જ નથી. નદી વહેતી હોય અને આપણને તૃષા લાગી હોય તો પાણી પી લેવું પછી એ ઘડામાં ઝીલવું. પ્યાલામાં ભરવું કે ખોબે ખોબે પી લેવું, એ સાધનાનો પ્રશ્ન છે !

સાધન મહત્ત્વનું નથી.... ઉપભોગ મહત્ત્વનો છે. રાજરાણીના પ્રેમ છપ્પરપલંગ ઉપર થાય, સામાન્ય જનતાના પ્રેમને ભોંય પાથરેલી પથારી બસ છે; અને સાહસિકોના પ્રેમને પથ્થર કે પહાડ પણ વાગતો નથી. મધુકરના મનમાં ક્ષણ બે ક્ષણ આટઆટલા વિચારો આવી ગયા અને યોગ્ય સમયે જ વિજયપ્રહાર કરવામાં માનતા મધુકરે મુખ અને કંઠમાં અદ્ભુત માર્દવ લાવી જ્યોત્સ્નાને કહ્યું :

‘જ્યોત્સ્ના ! હું એક અંગત વાત કહું?’

‘જરૂર કહે.’

‘ખોટું તો નહિ લગાડે ને ?’

‘ખોટું લાગ્યું એમ માની લે... તોય તને મનાવતાં મને આવડશે કે નહિ ? મારી શક્તિમાં વિશ્વાસ રાખ.’

‘મનાવવાનું જોખમ વહોરવાની મારી ગુંજાયશ નથી. ખોટું ન લાગે તો જ હું હિંમત કરી શકું એમ છું!’

‘પૈસા ખૂટ્યા છે?’ સહજ હસી જ્યોત્સ્ના બોલી.

’શું તુંયે, જ્યોત્સ્ના ! બનાવે છે ? આ ક્ષણ જરા ગંભીર બનવાની છે.’

‘હું પ્રત્યેક ક્ષણે ગંભીર જ રહું છું. કહે, શી અંગત વાત છે ? પ્રેમમાં તો નથી પડ્યો ને ?’

‘એ જ અંગત વાત... તેં સમજી લીધું એટલે મારે કહેવું ન પડ્યું.’

‘પણ એમાં તે મને નવી વાત શી કહી ? સહુ યુવાનો અને યુવતીઓનું એ આદ્ય લક્ષણ ગણાય.’

‘યુવતીઓને સંભારી તું મારો માર્ગ સરલ કરી રહી છો. જ્યોત્સ્ના !’

‘એમ કેમ ?’

‘કારણ કે... એ યુવતી..’

‘ને હું ઓળખું છું નહિ ?’ અચકાતા મધુકરના વાક્યને અધવચથી પકડી જ્યોત્સ્ના બોલી.

‘એકલું ઓળખે જ એમ નહિ...’

‘ત્યારે ?’

‘એ તું જ છો !’ મધુકરે બળપૂર્વક કહ્યું.

‘મને ન સમજાયું... એ તો મેં કહ્યું જ ને યુવક અને યુવતી સહુ પ્રેમમાં હોય જ. તું કોની સાથે પ્રેમમાં છે?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘જ્યોત્સ્ના ! હજી તું સમજી શકી નથી કે... અંતે મારી જીભે તારે વાત સાંભળવી છે?’ મધુકરે મુખ ઉપર પ્રેમની છાયા લાવી કહ્યું.

‘એ વળી વધારે સારું. તારી અંગત વાત તું સ્પષ્ટતાથી કહે... બીજું કોણ એટલી સારી રીતે કહી શકે?’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘બીજું કોઈ છે તે મારા કરતાં વધારે સારી રીતે એ વાત કહી શકે.’ કહી આંખમાં પ્રેમ નચાવી સહજ હસી મધુકર બોલ્યો.

‘તો હું તેને પૂછી જોઉં. શું એનું નામ ?’ જ્યોત્સ્નાએ મુખ ઉપર ભયંકર ભોળપણ લાવી કહ્યું.

‘એનું નામ ?... કહું એનું નામ ?... બહુ જ સરસ નામ છે. માધુર્યભર્યું.’ પ્રેમરમત ચાલુ રાખી મધુકરે કહ્યું.

‘આમ દીર્ઘસૂત્રી ન થા. પ્રેમીઓ વધારે સ્પષ્ટ હોય છે. વધારે ઝડપી હોય છે. તારા પ્રેમની હકીકત કહે, અને તે તારા કરતાં પણ વધારે સારી રીતે કહે. એવું બીજું કોણ છે?’ જ્યોત્સાએ પૂછ્યું અને તેણે દેહને સહજ સંકોચ્યો.

‘એ જાણકારનું નામ જ્યોત્સ્ના છે.’ કહી મધુકર ફરીને જ્યોત્સાની સામે આંખ માંડી રહ્યો.

‘મારી વાત કરે છે ? હું તારા પ્રેમની વાત જાણું છું? તું શ્રીલતાને ચાહતો હતો અને હવે તેને નથી ચાહતો એટલી જ વાત હું જાણું છું. એથી આગળની વાત તો મને ખબર નથી. તું કોને ચાહે છે ? ક્યી યુવતીને ? કહી દે મને. બને તો હું ઉપયોગી થઈ પડું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘જેને હું ચાહું છું એનું નામ પણ જ્યોત્સ્ના જ છે; અને એ વાત જાણે છે એનું નામ... પણ જ્યોત્સ્ના જ છે... અને એ બંને એ તું જ જ્યોત્સ્ના ! તને જોયા પછી તને વધારે વધારે જોયા પછી હું આખા જગતને ભૂલી ગયો છું.’ મધુકરે પ્રેમીને પ્રેમ લાગે ને અપ્રેમી જોનારને અતિશય દેહ , લાલચુડામણું લાગે એવી ઢબે કહ્યું.

એક ક્ષણભર આખા ઓરડામાં વીજળી ચમકી હોય એમ મધુકરને લાગ્યું જ્યોત્સ્નાની આંખનું તેજ જાણે વીજળી બની ગયું ન હોય ? વીજળી પણ તોરણમાળા બની શકે, નહિ ? સ્વાગતને માટે સતત ધીમા, ઠંડા મેઘધનુષ્યની તોરણમાળા જ જોઈએ એમ કાંઈ કહી શકાય નહિ. વીજળી પણ તોરણમાળા જ નહિ, પરંતુ વરમાળા સુધ્ધાં બની રહે. જેટલો એનો ઝબકાર એટલો જ પ્રેમ સાચો !

જ્યોત્સ્નાની આંખચમક જરા ઠંડી પડી. વાતચીત દરમિયાન જ્યોત્સ્ના મસ્તક ઉપરની સાડી ખભા ઉપર આવીને વેરાઈ પડી હતી. વસ્ત્રભાન ભૂલવાની નવીન સ્ત્રીકલા સાડીનો છેડો ક્યાં સુધી ઊતરી જાય છે તેનું અભાન રાખવામાં સમાયેલી છે... કદાચ ખભેથી અર્ધવક્ષે પણ એ છેડો ઊતરી પડે ! એ છેડો હજી પણ નીચે ઊતરી પડે એવો સંભવ વિચારી રહેલા મધુકરે જોયું કે જ્યોત્સ્ના સાડીનો છેડો ઊંચકી માથે ઓઢી રહી છે. એ પણ સુંદર હાવભાવ ગણાય... કવિતાપ્રેરક. એમાં મર્યાદાશીલ હકાર પણ સમાયો હોય ! અને જ્યોત્સ્ના એની મર્યાદા માટે તો ખરેખર પ્રસિદ્ધ જ હતી ! અત્યારનું આખું વક્ષસૂચન એ જ્યોસ્નાઅની પહેલી જ અમર્યાદા કહી શકાય - મધુકરને ગમતી અમર્યાદા કદાચ મધુકર માટે જ રચાઈ હોય !

‘મધુકર ! તેં મને આ પહેલી વાર વાત કહી કે બીજી વાર ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘કોણ જાણે ! મને તો લાગ્યા કરે છે કે હું ક્ષણે ક્ષણે તને આ વાત કહી રહ્યો છું. હવે કહેવાનું તારે છે.’

‘મધુકર ! હું કહીશ… હવે પછી. તને મારા ઉપર પ્રેમ છે એ હું જોઈ શકી છું. હવે જવાબ જ આપવો બાકી છે ને ?… મારે ?’ જ્યોત્સ્નાએ કહ્યું

‘હકારને હોઠે ઊતરવા દે એટલે હું જાઉં.' મધુકરે કહ્યું.

‘મધુકર ! તું જા. તારા પ્રશ્નનો જવાબ... તારા પ્રેમનો જવાબ... તને તારા કે મારા લગ્નમાં જરૂર મળી જશે.’ કહી જ્યોત્સ્ના ઊભી થઈ. વસ્ત્રને તેણે વધુ સંકોચ આપ્યો અને મધુકર સામેથી આંખ ખસેડી તેણે સામે પડેલા એક ફૂલને ઊંચકી ઉછાળવા માંડ્યું.

મધુકરને લાગ્યું કે આ ક્ષણે જ તેણે જ્યોત્સ્નાનો હાથ પકડી લેવો જોઈએ.