લખાણ પર જાઓ

સ્નેહસૃષ્ટિ/ચાર આંખો

વિકિસ્રોતમાંથી
← ચાર આંખ સ્નેહસૃષ્ટિ
ચાર આંખો
રમણલાલ દેસાઈ
વૃન્દાવન →



૧૧
 
ચાર આંખો
 

હાથમાંથી પુસ્તક પડી જાય એટલો કંપ પુરુષના હૃદયની કોઈ ઉષ્માને ઓળખાવે ખરો. સુરેન્દ્રના હૃદયમાં ક્યો ભાવ જાગ્યો હશે ?… જેણે એનાં મજબૂત આંગળાંને હલાવી નાખ્યાં ? પ્રેમ ન હતો ? ભય હતો ? જ્યોત્સ્નાનો ?

‘સરસ સૂચન ! આંખ પણ ચાર અને હાથ પણ ચાર ! એકાદ ચિત્ર કાઢી જોજે - ઘણાં ઠઠ્ઠાચિત્રમાં કામ લાગશે.’ સુરેન્દ્રે પુસ્તક પડી ગયાનો પ્રસંગ સાચવી લેવા હસીને કહ્યું.

‘ચિત્ર તો કોણ જાણે !… પરંતુ કહે તો તારી છબી પાડી લઉં.’ જ્યોત્સ્નાએ કહ્યું અને તે ઊઠીને ઊભી થઈ - જાણે કબાટમાંથી ‘કૅમેરા’ કાઢવા જતી હતી.

‘તો… જ્યોત્સ્ના ! વાંચવાની તારી ઈચ્છા નથી… હું હવે જાઉં !’

‘જજે. જવાય છે હવે… જરા બેસ.’ કહી જ્યોત્સ્ના ખરેખર એક સુંદર કબાટ પાસે ગઈ અને કૅમેરાને બદલે એક સુંદર સીસામાંથી ‘ટમાટા’નો વિશિષ્ટ સ્વાદવાળો ‘સૂપ’ એક પ્યાલીમાં કાઢી લઈ આવી અને એ સુરેન્દ્રની સામે મૂકી તેણે કહ્યું :

‘લે, આટલું પી જા. કેવો નબળો પડી ગયો છે તું ? દોરવા લાયક !’

સુરેન્દ્રે જરા વ્યગ્રતા અનુભવી કહ્યું :

‘તું જાણે છે. જ્યોત્સ્ના ! કે હું કાંઈ જ પીતો નથી. ગળી ચીજ તો નહિ જ. અને…’

‘અને બને કાંઈ નહિ, આટલું ચાખી જજો.’ કહી જ્યોત્સ્નાએ પ્યાલી ઉઠાવી બળજબરીથી સુરેન્દ્રના હાથમાં મૂકી દીધી અને પોતે પણ એક પ્યાલી ભરી સીસા સાથે આવી સુરેન્દ્રની સામે બેસી ‘સૂપ’ ચાખવા લાગી.

સુરેન્દ્ર પ્યાલી હાથમાં લઈ જરા વાર બેસી રહ્યો. જ્યોત્સ્ના એને વાંકી આંખે જોયા કરતી હતી. એણે બેસી રહેલા સુરેન્દ્રના પગને પોતાના પગ સહજ અડકાડી કહ્યું :

‘હવે જાગી જા. આ ગળી ચીજ નથી. નથી એ શરબત કે નથી એ આસવ, ચોખ્ખા ટમાટાનો રસ છે - ગળ્યો નહિ… ખારો ખાટો… પીવા માંડ.’

સુરેન્દ્રે આકાશમાં સ્થિર કરેલી દ્રષ્ટિ ફેરવી જ્યોત્સ્ના ઉપર સ્થિર કરી અને કહ્યું :

‘જ્યોત્સ્ના ! કાંઈ ભૂલ તો થતી નથી ને ?’

‘જરા નવીનતાને ઓળખતો થા હવે. મારા ઉપર વિશ્વાસ રાખ. હું સાચું જ કહું છું, એ ટોમેટો સૂપ જ છે.’

‘એ તો હું જાણું છું.’ કહી સુરેન્દ્રે પણ પ્યાલીમાંથી નાનકડો ઘૂંટડો લીધો.

‘ત્યારે તું બીજી કયી વાત કરે છે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારે સ્પષ્ટતા કરવી પડશે ?’

‘હાસ્તો. તે સિવાય મારી ભૂલ સમજી શકાય કેમ ?’

‘તો હું એમ કહું છું…’

‘કહે તો ખરો ? અટકી કેમ જાય છે ?’ અટકી ગયેલા સુરેન્દ્રની વાણીને વળ આપતાં જ્યોત્સ્ના બોલી.

‘ખોટું ન લગાડીશ… પણ હું એમ પૂછું છું… તારું હૃદય તો… કાંઈ ભૂલ નથી કરતું ને ?’ સહજ અચકાતે અચકાતે સુરેન્દ્રે પૂછ્યું.

જ્યોત્સ્ના એકાએક ઊભી થઈ ગઈ, અડધો રસ - પીધેલી પ્યાલી. એણે ટીપોઈ ઉપર મૂકી દીધી અને સુરેન્દ્ર સામે જોઈ ઠપકો આપતાં તેણે કહ્યું :

‘તને જોઈ કોઈનાં હૃદય વાંચતાં આવડ્યાં હોત તો…’

‘તો શું થાત ?’

‘તું તારી આસપાસ વૃન્દાવન રચી શક્યો હોત !’ જ્યોત્સ્ના બોલી અને સુરેન્દ્રની સામેથી એણે દૃષ્ટિ ખસેડી લીધી. સુરેન્દ્ર પણ દૃષ્ટિ ફેરવી રહ્યો હતો. થોડી ક્ષણ એને પણ શો જવાબ આપવો તેની સમજ પડી નહિ. પછી જવાબ આપતાં સુરેન્દ્રે કહ્યું :

‘વૃન્દાવન કોણ રચી શકે એ તું જાણે છે, જ્યોત્સ્ના ?’

‘મેં તો તારું નામ દીધું… તને એ નામ ન ગમતું હોય તો બીજું નામ દે… માત્ર મધુકરને સંભારીશ નહિ.’

‘વૃન્દાવનની રચના તો મધુકરે નહિ, હુંયે નહિ અને કોઈએ કરી શકે નહિ, એ કરી શકે માત્ર કૃષ્ણ… બાલબ્રહ્મચારી… યોગેશ્વર.’

‘તું કૃષ્ણ છે કે નહિ એની મને ખબર નથી… ઘણું કરીને તું નથી જ.’

જ્યોત્સ્ના હસતે હસતે બોલી.

‘ખરું ને ? મારી મર્યાદાઓ જોતી ચાલ.’

‘બીજી તો કયી મર્યાદા ? તું કૃષ્ણ ભલે ન હોઉં પણ તું… બાલબ્રહ્મચારી તો જરૂર છે… યોગેશ્વર નહિ તો યોગી તું જરૂર છે.’

‘તને જે લાગે તે ખરું. છતાં… મારા વૃન્દાવનમાં દૂધદહીંની મટુકીઓ અને ગૌરસ નથી, સહુની છત્રછાયા બને એવો ગિરિરાજ ગોવર્ધન નથી, રાસની રમઝટ નથી, કૃષ્ણની બંસરી નથી… સમજી જ્યોત્સ્ના ?’

‘તો તારા વૃન્દાવનમાં છે શું ?’

‘મારા વૃન્દાવનમાં તો ગરીબી છે, આંસુ છે, ભૂખ છે, નિશ્વાસ છે. કરાલ રુદન છે.’ સુરેન્દ્ર જરા જુસ્સાથી બોલી ઊઠ્યો અને પછી ઊભો થયો. જ્યોત્સ્ના પણ સાથે જ ઊભી થઈ અને એણે પૂછ્યું :

‘સુરેન્દ્ર ! મને બતાવીશ તારું એ વૃન્દાવન ? મારે એ બધુંય જોવું છે અને સાંભળવું છે.’ જ્યોત્સ્નાએ પણ ઊભા થઈ કહ્યું.

સુરેન્દ્રના મુખ ઉપર અશ્રદ્ધા, અવિશ્વાસ અને અણભરોંસો સ્પષ્ટ તરી આવ્યાં. એણે કહ્યું :

‘જ્યોત્સ્ના ! માફ કરજે… પણ તને હું બતાવીશ તોય એ વૃન્દાવન તને ભાગ્યે જ દેખાય. તારી દુનિયા જ જુદી છે.'

‘ભલે જુદી રહી, તું એ બંને દુનિયા જોઈ શકે તો હું કેમ ન જોઈ શકું? મારે પણ આંખ નથી શું ?’

‘હવે… હું તને કહી શકું કે એ દુનિયા જોવા માટે ચાર આંખની જરૂર છે ?’ સહજ હસીને સુરેન્દ્ર જ્યોત્સ્નાના શબ્દો જ એને પાછા આપ્યા.

‘થઈ જશે ચાર આંખ. બે મારી તો છે જ; તારી બે આંખ મને જરા ઉછીની આપજે.’ જ્યોત્સ્નાએ પણ સામે હસીને કહ્યું.

‘કોઈની ઉછીની આંખે એ ન દેખાય, જ્યોત્સ્ના !’

‘તોય હું આવીશ તારી સાથે. મારે એ દુનિયા જરૂર જોવી છે.’

‘મારી સાથે ? ઘેલી ! હું તો પગે ચાલતો માણસ !’

‘પગ તો મારેયે છે… અને હુંયે ચાલું છું પગથી જ. ચાલ, હું તને મૂકી જાઉં… જ્યાં જવું હોય ત્યાં…’ કહી પ્યાલી બાજુએ મૂકી જ્યોત્સ્ના સુરેન્દ્ર સાથે જવા તૈયાર થઈ. ધનિકોનાં ગૃહવસ્ત્રો જ એવાં હોય છે કે જે ગરીબ લગ્નવસ્ત્રો કરતાં વધારે સારાં હોય. આમ નિત્ય તો એક કલાકે તૈયાર થનાર જ્યોત્સ્નાને અત્યારે તૈયાર થવાની જરૂર જ લાગી નહિ. દિવસનો ત્રીજો પ્રહર વીતી ગયો હતો. સુરેન્દ્રની જરાય ઈચ્છા ન હતી કે જ્યોત્સ્ના એની સાથે આવે. અને એની આંખમાં એ નામરજી સ્પષ્ટ દેખાઈ આવી.

‘મારા ઘરની હદ સુધી તો મને આવવા દઈશ ને ?’ હસીને જ્યોત્સ્નાએ પૂછ્યું. અને બન્ને જણ અભ્યાસખંડમાંથી બહાર આવ્યાં.

એકાએક સામે મધુકર ઊભેલો દેખાયો. જાણે આશ્ચર્ય પામ્યો હોય એમ એણે પૂછ્યું : ‘ક્યાં જાઓ છો બન્ને જણ ?’

‘મધુકર ! તું કેમ મારા ઉપર હમણાંનો પહેરો રાખે છે ?’ જ્યોત્સ્નાએ અણગમતું હસીને પૂછ્યું.

‘પહેરો ? તારા ઉપર ?… તું સુરેન્દ્ર સિવાય કોઈને તારા ખંડમાં આવવા જ ક્યાં દે છે ?’

‘આ તું અત્યારે જ આવી શક્યો ને ? કોણે તને રોક્યો ? બોલ, કેમ આવવું થયું… મારે જરા કામ છે…’

‘રાવબહાદુરે આ બધી છબીઓ અને લેખ તારે માટે મોકલ્યાં છે. મારે તને બતાવવા પડશે.’ મધુકરે કહ્યું.

‘મૂકી જા. હું આવીને જોઈ લઈશ.’

‘પણ… તારે તો અમારી બધાંની સાથે આવવાનું છે.’ એ કહેવા મને મોકલ્યો છે.

‘આજ નહિ.’

‘મારે સુરેન્દ્રની સાથે જવું છે.’

‘ક્યાં ?’

‘એ ન પૂછે તો નહિ ચાલે ?’

‘મારે રાવબહાદુરને કહેવું પડશે ને ? યશોદાબહેન પણ તારી રાહ જુએ છે.’

‘કહેજે ને કે મારી કાર લઈ હું ફરવા નીકળી ગઈ છું.’

‘પણ તું તો સુરેન્દ્ર સાથે જાય છે ને ?’

‘સાચું કહું?… માને કે પિતાજીને ન કહેતો… પણ હું જાઉં છું તો સુરેન્દ્રની સાથે જ.’ કહી મધુકરને મૂકી જ્યોત્સ્ના આગળ ચાલી. સુરેન્દ્ર બન્નેને એકલા મૂકી ક્યારનો ધીમે પગે આગળ વધી રહ્યો હતો, તેને જ્યોત્સ્નાએ પકડી પાડ્યો, અને જ્યોત્સ્નાએ પોતાની કાર કઢાવી તેમાં બેસી સુરેન્દ્રને સાથે બેસાડ્યો, શૉફરની એને જરૂર ન હતી. ધનિક માતાપિતાની પુત્રીઓને કાર ચલાવતાં આવડવું જ જોઈએ.

બંનેને સાથે જતાં નિહાળી રહેલા મધુકરને દૂર ઊભેલો જોઈ તેને હાથ હલાવી ‘આવજો’નો હાથ ઇશારો કરી જ્યોત્સ્નાએ ‘કાર’ ઝડપથી બહાર લીધી.

‘કહે ક્યી બાજુએ તારું વૃન્દાવન આવે છે ?’

‘આમ તો… એ ચારે પાસ ફેલાયેલું છે, જ્યોત્સ્ના !’ સુરેન્દ્રે કહ્યું.

‘મારા ઘરમાં પણ ?’

‘હા… કદાચ કોઈ દિવસ તને દેખાય પણ ખરું.’

‘તો… કાર પાછી લઉ ?’

‘ના. હવે આગળ જ લે… હું ક્યાં માર્ગ બદલવો એ તને બતાવીશ.’

જ્યોત્સ્નાએ કાર આગળ લીધી. લોકોની અવરજવર ચાલુ જ હતી. રસ્તામાં કોઈ વિશેષ પ્રસંગ બનતો દેખાયો નહિ. રસ્તાની બંને બાજુએ મોટાં મોટાં મકાનો હતાં, અને રસ્તાની માફક વસ્તીથી પણ ભરચક લાગતાં હતાં.

‘સુરેન્દ્ર ! તારું વૃન્દાવન કેટલે દૂર છે ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘એ તો બધે જ વ્યાપક છે… તારા બંગલાથી જ શરૂ થઈ ગયું છે.’ સુરેન્દ્રે કહ્યું.

‘મને કાંઈ દેખાયું નહિ !’

‘પેલી ચાર આંખોની વાત મેં કરી હતી ને !… એ જોવા ચાર આંખની જરૂર છે.’

‘તારી અને મારી બંનેની આંખોએ બબ્બે ચશ્માં ચડાવીએ તોય આ રસ્તે તું કહે છે એવો નિશ્વાસ અને એનું રુદન મને દેખાયા નહિ… જો… પેલા કેવા હસતા હસતા બે જણ ચાલે છે ?’

‘પરંતુ જ્યોત્સ્ના ! તેં જોયું નહિ કે તારી ‘કાર’ને ભટકાતાં સહજમાં રહી ગયેલા પેલા વૃદ્ધે આપણી બાજુ કેવી આંખ કરી તે ?’

‘લોકોને “રોડ સેન્સ” જ ક્યાં છે !’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘રોડ સેન્સ પગે ચાલનારને જોઈએ કે કાર ચલાવનારને ?’

‘બન્નેને જોઈએ… રસ્તો બન્નેનો છે.’

‘કારમાં બેસનાર એમ જ માને છે કે રસ્તાનો માલિક એ જ છે.’

‘ખોટી ઊર્મિલતાને બહેકાવવાથી લોકોમાં વધારે સમાનતા આવે ખરી ?’

‘જ્યોત્સના ! એક વાર તું પગે ચાલી જો… પછી તારી ખાતરી થશે કે કારમાં બેસી ફરનારને તું કેટકેટલા શાપ આપે છે !… જો, પેલી બિચારી બાઈનો આખો ટોપલો પડી વેરાઈ ગયો… તારી કારમાં કચરાવવાના ભયથી… કાં તો સહુને કાર મળે કે કાં સહુ પગે ચાલે, એ બે જ ભૂમિકામાં નિશ્વાસ કે શાપ ન હોય.’ સુરેન્દ્રે લાંબું વ્યાખ્યાન કર્યું જેનો કેટલોક ભાગ કાર ચલાવવામાં મશગૂલ બનેલી જ્યોત્સ્નાએ ધ્યાનથી સાંભળ્યો નહિ

થોડી વાર વગર બોલ્યે બન્ને જણ આગળ વધ્યાં. સુરેન્દ્રે એક આડો રસ્તો બતાવી કાર ત્યાં લેવરાવી. કાર એક ડૉક્ટરના દવાખાના આગળ ઊભી રાખી.