લખાણ પર જાઓ

સ્નેહસૃષ્ટિ/વૃન્દાવન

વિકિસ્રોતમાંથી
← ચાર આંખો સ્નેહસૃષ્ટિ
વૃન્દાવન
રમણલાલ દેસાઈ
વૃન્દાવનની કુંજગલી →



૧૨
 
વૃન્દાવન
 

ગાડી ઊભી રખાવી સુરેન્દ્ર નીચે ઊતરવા ગયો. જ્યોત્સ્નાએ તેને પૂછ્યું :

‘ક્યાં જાય છે ?’

‘આ ડૉક્ટરને ત્યાં.’

‘કેમ ?’

‘હવે ધ્યાન રાખજે. તું દેખી શકે એવું મારું વૃન્દાવન અહીંથી શરૂ થાય છે.’

‘મને ન સમજાયું. તારે તારી તબિયત બતાવવી છે ? તું કહે તો અમારા સુપ્રસિદ્ધ કુટુંબ ડૉક્ટર પાસે હું તને લેઈ જાઉં.’

‘મારી તબિયત તદ્દન સારી છે. હું આવીને તને વિગત કહું છું. જરા વાર થાય તો હરકત નથી ને ?’

‘ના, રાત્રિના દસ વાગ્યા સુધી કશી હરકત નથી… અને મારી પાસે એક સુંદર પુસ્તક પણ છે. તું આવીશ ત્યાં સુધી હું વાંચ્યા કરીશ.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘કયું પુસ્તક છે ?’

‘હમણાં જ યુરોપ-અમેરિકાના પ્રવાસે જઈ આવેલા એક લેખકે ચમકાવતી નવલકથા લખી છે… એ જોઈ જાઉં છું.’

‘નામ ?’

‘પ્રેમનો દેહ કે દેહનો પ્રેમ ?’

‘જરા લાંબું નામ છે.’

‘પણ સરસ છે - સ્પષ્ટ છે - પ્રમાણિક છે.’

‘જાતીય પ્રસંગોની ઉત્તેજક પરંપરા એમાં જરૂર હશે… વારુ. હું ઉતાવળે આવું છું.’

‘જાતીય પ્રસંગો શું એ તું જાણે છે ખરો ?’

‘આપણે પછી એ વિશે વાત કરીએ.’ કહી સુરેન્દ્ર ઝડપથી ડૉક્ટરના દવાખાનામાં ગયો. સદ્ભાગ્યે પા કલાકમાં તે પાછો આવી શક્યો. તેના હાથમાં દવાની શીશી હતી, તે તેણે કારમાં મૂકવા માંડી. એને ભય લાગ્યો કે માનવીના દેહને સુધારનારી આ દવા કારના દેહને ડાઘા પાડે એવો સંભવ છે. વાંચનમાં મશગૂલ બનેલી જ્યોત્સ્નાએ શીશી માટે કારમાં સ્થાન શોધતા સુરેન્દ્રને કહ્યું :

‘તું બેસી જા એક વાર, અને હું બતાવું શીશી ક્યાં મૂકવી તે.’

‘હજી બીજી પાંચ મિનિટ મને આપ.’

‘વારુ, શીશી મને સોંપ.’

‘એમાં દેહ છે… પ્રેમ નથી.’

‘જે હશે તે. તારી શીશી સલામત રાખીશ. વિશ્વાસ મૂક મારા ઉપર.’ જ્યોત્સ્નાએ કહ્યું અને સહજ હસતો સુરેન્દ્ર ક્યાંક ચાલ્યો ગયો. પાંચેક મિનિટમાં તે આવ્યો અને તેના હાથમાં છ મોસંબી હતી… માનવજાતના મોટા ભાગ જેવી… ચીમળાયલી… કરચલી પડેલી !

‘આવા ફળ આવે છે ?’ સાથે બેસી જતા સુરેન્દ્રને જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘આવાંયે મળે છે એ ઈશ્વરનો આભાર !’ સુરેન્દ્રે કહ્યું અને જ્યોત્સ્નાએ કાર ચલાવી.

‘માની તબિયત સારી નથી ?’ જ્યોત્સ્નાએ કાર ચલાવતાં પૂછ્યું. એ જાણતી હતી કે સુરેન્દ્રની સંભાળ માટે એક મા હતાં.

‘એ તો ઠીક છે. પણ મારા વૃન્દાવનમાંની એક મા માટે હું આ દવા અને ફળ લઈ જાઉં છું… હવે એ વૃન્દાવન આવી પહોંચ્યું છે.’

‘આ વૃન્દાવન ?’

‘હા. આ જ મારું ભયંકર વૃન્દાવન. મેં કહ્યું હતું એ બધું જ તને અહીં દેખાશે. બીશ તો નહિ ને ?’

‘બીશ તોય હું આવીશ.’

‘તો અહીં જ કારને રોકી લે. બેસીશ કારમાં ?… કે જોડે આવીશ ?’

‘કારમાંથી તારું વૃન્દાવન દેખાશે ખરું ?’

‘ના, જરાય નહિ.’

‘તો હું તારી સાથમાં જ છું… પગે ચાલીને.’ જ્યોત્સ્નાએ કહ્યું અને બંને જણ કારમાંથી ઊતર્યા.

મહોલ્લામાં કાર જઈ શકે એમ હતું નહિ. કારમાંથી ઊતરી અંદર મેલાં ઝૂંપડાં અને ઝૂંપડાં કરતાં પણ વધારે મેલી ચાલોમાં જવાનું હતું. ઊતરતા બરોબર એક બાજુએથી ઝડપી કાર જતી બન્ને જણે જોઈ. એ કારમાં રાવબહાદુર, યશોદા અને મધુકર બેઠેલાં દેખાયાં. કારની ઝડપ ઘણા ઘણા ભ્રમ ઉપજાવે છે. જ્યોત્સ્નાની તો ખાતરી જ હતી કે એ ત્રણે જણ મધુકરની સલાહ અનુસાર જ્યોત્સ્નાની કાર પાછળ જ આવી રહ્યાં હશે ! સુરેન્દ્રે ન કારને ઓળખી ન બેસનારને.

એક ઝૂંપડીનો ઝાંપો સુરેન્દ્રે ખોલી નાખ્યો. ઝૂંપડીમાં ઠીકઠીક અંધારું પણ હતું. વસ્તુઓ વ્યવસ્થિત તો હોય જ શાની ? એક તુટેલો ખાટલો ઊભો કરી મૂક્યો હતો, એના ઉપર એક ચીંથરાની ગોદડી લટકાવી રાખી હતી. જમીન ઉપર એક ગોદડી પાથરી તેના ઉપર એક વૃદ્ધા સુતી હતી; વૃદ્ધાએ એવી જ એક ગોદડી ઓઢી હતી. ઝાંપો ઊઘડતા બરોબર વૃદ્ધાએ આંખો ઉઘાડી. પ્રકાશ આછો થતો જતો હતો. એમાં આકૃતિ શોધવા મથતી વૃદ્ધાએ પૂછ્યું :

‘કોણ હશે ?’

‘એ તો હું છું, મા !’

‘સુરેન્દર છે ?’

‘હા મા ! ઓળખ્યો મને ?’

‘તને ના ઓળખું ?… મને જીવતી રાખી એને ?’

‘હું દવા લાવ્યો છું. પી લેશો ?’

‘આજ તાવ નથી… કાલ પણ ન હતો… શું કરવા લાવ્યો ?’

‘ડૉક્ટરે કહ્યું છે કે બે દિવસ વધારે દવા લો.’

‘દીકરા ! હવે ન લાવીશ.’

‘કેમ ?’

‘મારી તો ખપ વગરની જિંદગી… બધાંયને ભાર રૂપ. હવે મને જિવાડીને કરશો શું ?’

‘અરે મા ! તમે છો તો દીકરો રાત્રે ઘેર આવે છે…’

‘ભલા ભગવાન ! મોહ છૂટતો નથી. ભારણ રૂપ તો છું જ, પણ કોણ જાણે કેમ, હજી… દીકરા ! આ તારી સાથે કોણ છે ?’

‘છે કોઈ, મા ! મોટાં માણસ છે.’

‘દીકરા ! પરણ્યો કે શું ? ભગવાન તમને સદાય સુખી રાખે ! જોડું…'

'મા ! એવું કાંઈ નથી.’

‘આ હસે છે ને બહેન ?’ વૃદ્ધાએ કહ્યું. વૃદ્ધાની કલ્પના ખરેખર જયોત્સ્નાને હસાવી રહી હતી. એ વાંચતી હતી એ નવલકથાનું મધ્યબિંદુ, સ્ત્રીપુરુષના સનાતન આકર્ષણ ઉપર જ રચાયું હતું. વૃદ્ધાવસ્થા પણ એ આકર્ષણ કલ્પનાને જતી કરી શકતી નથી !

‘એ તો હસે જ ને ? એમની દુનિયામાં આપણાથી ન જવાય અને આપણી દુનિયામાં એમનાથી ન અવાય.’

‘તે તું કાંઈ ખોટો છું, દીકરા ?’

સુરેન્દ્રે દવા પાતે પાતે વૃદ્ધાને સમજાવ્યું કે એ તો એક ધનિક પુરુષનાં દીકરી હતાં. કૉલેજમાં સહજ પરિચય થયો. કાર તેમની જતી હતી એટલે તેમણે કૃપા કરી સુરેન્દ્રને કારમાં બેસાડ્યો હતો.

મોસંબીમાંથી ત્રણ મોસંબીનો રસ પણ સુરેન્દ્ર કાઢ્યો અને દૂર મૂકેલા એક ચાના પ્યાલામાં ભરીને પાયો.

એથી આગળ વધી સુરેન્દ્રે વૃદ્ધાની પથારી સાફ કરી તેને સુવાડી અને થોડી વાતચીત કરી ઝૂંપડીમાંથી જવાની તૈયારી કરી. જ્યોત્સ્ના સમજી શકી : આ વૃદ્ધાની સેવા સુરેન્દ્ર ઘણુંખરું બજાવતો હોવો જોઈએ.

જતે જતે વૃદ્ધાએ સુરેન્દ્રને પાસે બોલાવી કહ્યું પણ ખરું :

‘દીકરા ! લક્ષ્મી ચાંદલો કરવા આવે તો ના ન પાડતો !’

‘મા ! લક્ષ્મીને બેસાડવા મારા ઘરમાં જગા પણ નથી.’

‘ભૂંડા ? તને શી ખબર કે લક્ષ્મી અને લલના તો ધારે ત્યાં પોતાની જગા કરી લે !’ કહી વૃદ્ધાએ આરામ લેવા આંખ મીંચી. બંને જણ ઝૂંપડીની બહાર નીકળ્યાં.

જ્યોત્સ્નાએ વૃદ્ધા તથા સુરેન્દ્ર વચ્ચેની શબ્દો શબ્દ વાતચીત સાંભળી હતી. બહાર નીકળી જ્યોત્સ્નાએ હસીને સુરેન્દ્રને કહ્યું :

‘સુરેન્દ્ર તારા વૃન્દાવનમાં હજી લગ્નનો શોખ છે ખરો !’

‘બીજા વૃન્દાવનમાં તો લગ્નનો શોખ પણ ઘટી જાય છે ! લગ્ન તો મર્યાદા ખરી ને ?’ સહજ કરડાકીથી સુરેન્દ્રે કહ્યું.

‘એટલે ? જાતીય આકર્ષણ બધે જ ખરું ને ?’ જ્યોત્સ્ના બોલી.

‘આ સૃષ્ટિમાં હજી લગ્નની મર્યાદામાં આકર્ષણને લવાય છે… બીજી… આપણી ભણેલા અને સંસ્કારી જૂથની સૃષ્ટિમાં તો આકર્ષણને લગ્નની પણ મર્યાદા રહેતી નથી.’ સુરેન્દ્રે કહ્યું.

‘તું શું કહેવા માગે છે એથી ?’

‘કાંઈ જ નહિ, જ્યોત્સ્ના ! હું તો બે સૃષ્ટિનાં વલણને વિચારી રહ્યો છું.’

‘લગ્ન આવશ્યક છે ખરું ?’

‘મને નથી લાગતું… પણ આ વાત જાહેરમાં કરવી એ જોખમ ભરેલું છે… આપણે આ ચાલીમાં પ્રવેશ કરવાનો છે હજી.’

ઓરડીઓની હારમાળા સરખી એક ચાલી સામે જ હતી. એમાં સ્વચ્છતાનું નામનિશાન ન હતું, છતાં સેંકડો માનવીઓ સહકુટુંબ એક એક ઓરડીમાં નિવાસ કરી રહ્યાં હતાં. એમાંની એક ખોલીમાં પ્રવેશ કરી જ્યોત્સ્ના અને સુરેન્દ્રે એક અંધ મધ્યવયી પુરુષનો મેળાપ કર્યો. સુરેન્દ્રનો કંઠ એ પરખી જ ગયો હતો. એ અંધ પુરુષની પાસે આવી ઘણુંખરું સુરેન્દ્ર કાંઈ અને કાંઈ વાંચન કરતો હતો. પુસ્તકનું કે વર્તમાનપત્રનું. આંખ ગુમાવનારની બીજી બધી ઈંદ્રિયો જીવંત બની રહે છે. સુરેન્દ્ર એકલો આજ ન હતો એવો ભાસ ક્યારનોયે મધ્યવયી અંધ પુરુષને થયો હતો ખરો. વાંચનના શોખીન એ માનવીએ મધ્યવય આવતા પહેલાં તો પોતાની આંખ અને નોકરી બંને ખોયાં. આજનો સમાજ કાંઈ સદાવ્રત નથી કે જે અંધોનું મફત પાલનપોષણ કરે ! એના જીવનમાં અંધકાર આવી સામે ઊભો. નોકરી માટે અયોગ્ય બનેલી આંખના ધારણ કરનાર એ પુરુષની પત્ની દુઃખ ભોગવતી ગુજરી ગઈ, બે બાળકો પણ મૃત્યુશરણ થયાં, અને એક જીવંત રહેલા પુત્રે ભણતર છોડી એક કારખાનામાં મજૂરી સ્વીકારી અને એમાંથી પિતાપુત્રનું પોષણ અગર અર્ધપોષણ થતું. સુરેન્દ્ર ઘણુંખરું એકાદ કલાક અહીં આવી આ વાંચનશોખીન પુરુષને વર્તમાનપત્ર વંચાવી જતો હતો. આજ વર્તમાનપત્ર કાઢ્યું અને જયપ્રસાદે સુરેન્દ્રને પૂછ્યું :

‘એકલા નથી, ભાઈ ! ખરું ?’

એ અંધનું નામ જયપ્રસાદ હતું. સરસ નામ સાથે ચાલીમાં રહેવું એ વિચિત્ર જરૂર લાગે. છતાં નામ અને સંજોગનો મેળ આ દુનિયામાં હોતો નથી.

‘ના જી.’

‘કોણ છે સાથમાં ?’

‘એક કૉલેજ-મિત્ર છે.’

‘બહેન લાગે છે.’

‘હા જી.’ કહી સુરેન્દ્રે વર્તમાનપત્રનું વાચન શરૂ કરી દીધું. આખા ચોવીસે કલાકના બનાવોની હકીકત વાંચીને અંધ જયપ્રસાદનું મન બહુ પ્રફુલ્લ થયું. જગતના ક્રમમાં આપણાથી જરાય ફેરફાર થાય એમ ન હોવા છતાં જગતપ્રસંગોનું વાચન એ આપણું નિત્ય વ્યસન બની ગયું હોય છે. સુરેન્દ્રે વિકસિત અને સંસ્કારી જગતના છેલ્લા સમાચાર વાંચ્યા :

‘ઍટમ બૉમ્બનો છેલ્લો અખતરો…’ અને બારણા ઉપર ટકોરા વાગ્યા. બારણું બંધ તો હતું જ નહિ. બારણું ઉઘાડી એક થાકેલો યુવક અંદર આવ્યો. સંધ્યાકાળ સ્થાપન થઈ ચૂક્યો હતો. અને જયપ્રસાદે પૂછ્યું :

‘ભાઈ ! આવ્યો ?’ જયપ્રસાદના કંઠમાં વાત્સલ્ય હાલી રહ્યું હતું. જ્યોત્સ્નાએ જરા નવાઈ અનુભવી. આવી ઝૂંપડીઓ ને ચાલોમાં પ્રેમ અને વાત્સલ્ય વિકસી શકે ખરાં ?

યુવકે જવાબ આપ્યો :

‘હા જી. હું જાણતો હતો કે સુરેન્દ્રભાઈ આવીને કાંઈ વાંચતા જ હશે. હું તો સવારનો જાઉ છું તે અત્યારે થાકીને આવું છું…’ કહી એ યુવકે સુરેન્દ્રની સાથે સ્થાન લીધું. અંધ જયપ્રસાદથી બોલાઈ ગયું :

‘મારી જિંદગી ટકી રહી છે આ સુરેન્દ્રના વાંચન વડે. સુરેન્દ્રનું ભલું થાઓ. એનું ભલું ન થાય તો માનજો કે વિશ્વમાં પ્રભુ નથી.’

જ્યોત્સ્ના સુરેન્દ્ર સામે જોઈ રહી. આ વૃન્દાવન ન હતું - પરંતુ દોજખને પણ વૃન્દાવનમાં ફેરવી નાખવા મથતા એક યોગીની પ્રયોગશાળા હતી !

આ યોગીના હૃદયમાં તો જરૂર વૃન્દાવન વિકસ્યું હતું !