સ્નેહસૃષ્ટિ/વૃન્દાવનની કુંજગલી

વિકિસ્રોતમાંથી
← વૃન્દાવન સ્નેહસૃષ્ટિ
વૃન્દાવનની કુંજગલી
રમણલાલ દેસાઈ
ખતપત્ર →



૧૩
 
વૃન્દાવનની કુંજગલી
 

જયપ્રસાદે આ સ્થળને શોભે નહિ એવા સંસ્કારોભર્યા ઉચ્ચારોથી કેટલીક વાતચીત કરી. આંખે ન દેખતા માનવીઓને પણ સ્ત્રીપુરુષના સંબંધમાં રસભરી જિજ્ઞાસા ઊભી થયા વિના રહેતી નથી. વર્તમાનપત્રો વંચાઈ ગયાં હતાં. જયપ્રસાદનો પુત્ર પણ દિવસભરનું કામ કરી આવી ગયો હતો. જયપ્રસાદે સહજ પૂછ્યું :

‘સુરેન્દ્રભાઈ ! તમે તો કાંઈ લેતા નથી. પરંતુ તમારી સાથે આવેલાં બહેનને હું ચા આપી શકું ?’

‘ના જી. આપ જરાયે તસ્દી ન લેશો.’ જ્યોત્સ્નાએ પોતે જ જવાબ આપ્યો.

‘એમ કેમ બહેન ? ચા તમે પણ પીતાં નથી શું ?’

‘એવું નથી. ચા તો હું પીઉં પરંતુ તે ઘર બહાર નહિ.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એમ ?… વાત સાચી. અમારા ગરીબ ઘરની ચા…’

જયપ્રસાદને બોલતા અટકાવી દઈ તેમનું વાક્ય પૂરું કરવા ન દેતાં જ્યોત્સ્નાએ કહ્યું :

‘નહિ જી, એમ નથી. જરૂર ચા પીશ, આપને ત્યાં.’

અને થાકેલા યુવાને ચાની તૈયારી કરવા માંડી. ઘરમાં - એટલે નાનકડી ચાલની ઓરડીમાં બે જ પ્યાલારકાબી હતાં. મિલની મજૂરીએ જતો આ સંસ્કારી પુરુષનો પુત્ર ઉતાવળમાં બંને પ્યાલા ધોયા વગર મૂકીને ચાલ્યો ગયો હતો. તે તેણે અત્યારે ધોયા એ જ્યોત્સ્નાએ જોયું. સુરેન્દ્રે ઊઠીને તેને સહાય કરવા માંડી. મહેલમાં નિવાસ કરતી જ્યોત્સ્નાને ઘણીયે ઇચ્છા થઈ કે તે તેની સ્વાભાવિક સ્ત્રીદક્ષતા વડે અણઘડ યુવાનોને ચા કરી આપે. પરંતુ મોટા ઓરડાઓ, મોટી છતો અને મોટી બારીઓથી ટેવાયેલી જ્યોત્સ્નાને આટલી નાનકડી ઓરડીમાં કેમ ઊભાં થવું અને બેસવું એની જ પૂરી સમજ પડી નહિ, એટલે તે બેસી જ રહી. ચા તૈયાર થતાં યુવાને એક પ્યાલો જ્યોત્સ્નાની સામે મૂક્યો અને બીજો પ્યાલો પોતાના પિતાની સામે મૂકી આંખ રહિત જયપ્રસાદને તેણે પાવા માંડ્યો. જ્યોત્સ્નાના પ્યાલાને દાંડી હતી. જ્યારે જયપ્રસાદવાળો પ્યાલો દાંડી વગરનો હતો એ પણ જ્યોત્સ્નાએ નિહાળી લીધું. ચાનો સ્વાદ જ્યોત્સ્નાને સારો લાગ્યો કે નહિ એનું તેને ભાન રહ્યું નહિ. ખુલ્લી દેખાતી ગરીબીમાં એક પુત્ર પિતાને કેટલી કાળજી અને કેટલા ભાવથી કેટલી અગવડ વેઠીને ચા પાઈ રહ્યો હતો. એ દૃશ્ય જ્યોત્સ્નાના હૃદયમાં ચોંટી ગયું. પરસ્પર આભાર માની જ્યોત્સ્ના અને સુરેન્દ્ર જયપ્રસાદની ઓરડીમાંથી બહાર નીકળ્યાં. જયપ્રસાદના પુત્રે તો ક્યારનું જોઈ લીધું હતું કે એક અત્યંત ધનિક યુવતી તેની ઓરડીમાં આવી હતી, અને તે ખરેખર કેટલી ધનિક હશે તેનો ખ્યાલ તો બારીએથી તેણે જ્યોત્સ્નાને મોટરકારમાં બેસતી જોઈ ત્યારે સ્પષ્ટ થયો. ગાડી ચાલતાં જ્યોત્સ્નાએ પૂછ્યું :

‘તે તું, સુરેન્દ્ર ! તારી સંધ્યાકાળ આમ જ ગાળે છે શું ?’

‘કેમ એમ પૂછ્યું ! આ બધી તો મારા વૃન્દાવનની કુંજગલીઓ છે. તેં તો બે જ જોઈ. કૃષ્ણ સરખો હું અવતારી પુરુષ નથી, એટલે વૃન્દાવનની બધી જ કુંજગલીમાં હું જિંદગીભર પણ ફરી શકું એમ નથી.’ સુરેન્દ્ર કહ્યું.

‘આ જયપ્રસાદ કોણ ?’

‘એ જયપ્રસાદ એટલે… જેમની આંખ જીવતી રહી હોત તો આજ મહેલોમાં ફરતા હોત એવા એક કમનસીબ સંસ્કારી સજ્જન. આઈ. સી. એસ. ની પરીક્ષા માટે વિલાયત જવાની તૈયારી કરી રહેલા એ ગૃહસ્થની આંખે દગો દીધો, અને આજ તેં જોઈ એવી ઓરડીમાં નિવાસ કરે છે.’

‘તે આવી આંખવિહીન દશામાં પરણ્યા કેમ ?’

‘એ પરણ્યા પછી એમની આંખ ગઈ. તેમનાં માબાપે ધાર્યું કે વિલાયત જતા પુત્રની સલામતી પરણીને જવામાં જ છે. પત્ની તો ગુજરી ગયાં; આટલો પુત્ર છે તો તેમની સંભાળ લે છે.’

‘પુત્ર શું કરે છે ?’

‘મિલમાં મજૂરી. સવારે જાય છે… પિતાને માટે આછુંપાતળું જમવાનું બનાવીને. હવે અત્યારે આવીને તે સંપૂર્ણ જમણ તૈયાર કરશે અને પિતાને જમાડશે.’

‘આટલી મહેનત કરીને પાછી એને રસોઈ કરવી પડશે ?…જમણમાં શું શું બનાવશે ?’

‘તે દાંડી ભાંગેલા પ્યાલા તો જોયા, એ ઉપરથી તું સમજી લે કે જમણમાં શું શું બનાવશે. જમવાનું આમંત્રણ મને તો ઘણી વાર આપે છે… કહે તો તને અપાવું.’ કહી સુરેન્દ્ર જરા હસ્યો.

સહજ સંધ્યાકાળનો અંધકાર વધવા માંડ્યો હતો. અનિયમિત રસ્તામાં થઈને જ્યોત્સ્નાની કાર એક બીજા જ ઝૂંપડાના સમૂહ પાસે આવી. ઝૂંપડાની આસપાસ જમીન તો ખુલ્લી હતી અને સુંદર ચોગાન પણ ત્યાં બની શકે એમ હતું. પરંતુ એ સ્થળે ગંદકીનો પાર ન હતો. દૂર તૂટેલી ચકલીવાળા નળમાંથી પાણી પડ્યા કરતું હતું અને આસપાસ રેલાયા કરતું હતું. પાણી આમ તો સ્વચ્છ કરનારું દ્રવ્ય ગણાય. છતાં સ્વચ્છ કરનારું દ્રવ્ય પણ અણઆવડતથી કેટલી અસ્વચ્છતા વધારી દે છે તેનો અહીં પ્રત્યક્ષ પુરાવો મળતો હતો. એકાદ બે વૃક્ષ ઉપર સંધ્યાકાળે સૂવાની તૈયારી કરતા કાગડા, કાબરો, ચકલીઓ ઊડાઊડ કરી કલબલાટ કરતાં કરતાં પોતાનું સ્થાન શોધ્યે જતાં હતાં. ખોરાકની શોધમાં સંખ્યાબંધ કૂતરાં અનિશ્ચિત દોડાદોડી પણ કરી રહ્યાં હતાં; કેટલાંક ભસી અને રડી પણ રહ્યાં હતાં, અને કેટલાંક બાદશાહી અદાથી આસપાસ ચાલતા તુચ્છ વ્યવહારને નિહાળી રહ્યાં હતાં. પરંતુ તે સર્વ દૃશ્યને ભુલાવતું એક ટોળું ઝૂંપડાની બાજુમાં જામ્યું હતું તે તરફ સુરેન્દ્ર જ્યોત્સ્નાની કારને દોરી. ટોળામાં સ્ત્રીઓ અને પુરુષો બંને હતાં, જેમાંનો મોટો ભાગ અર્ધવસ્ત્રોથી જ ઢાંકેલો હોય એમ લાગતું હતું. નવસ્ત્રાં બાળકો આસપાસ દોડતાં પણ હતાં અને જેમનાથી ટોળામાં ઘુસાય તે ઘૂસતાં પણ હતાં. ચિત્રકારો પોતાનાં ચિત્રો માટે નવસ્ત્રા દેહના નમૂના પૈસા આપીને શોધે છે. આ કંગાલિયત ભર્યા સ્થળે ચિત્રકારો માગે એ ઢબના નમૂના મેળવી શકે એમ હતું. કોઈના પગ, કોઈના પીઠ, કોઈના હાથ અને કોઈની છાતી ચિત્રકારને જરૂર નમૂના પૂરા પાડે. ધનિકોના શયનખંડ, મિલનખંડ કે પુસ્તક ખંડોમાં દેખાતાં સૌષ્ઠવભર્યાં, વસ્ત્રહીન અંગવાળાં ચિત્રોની રચના આવા સ્થાનેથી જ મળતી હોય એ સહજ છે. ટોળાની પાછળ સહજ દૂર ગાડી ઊભી રાખી સુરેન્દ્ર અને જ્યોત્સ્ના નીચે ઊતરી ગયાં.

‘જ્યોત્સ્ના ! અહીં કંઈ તોફાન હોય એમ લાગે છે. તું કારમાં ન બેસી રહે ?’ સુરેન્દ્રે કહ્યું.

‘અને તને હું તોફાનમાં એકલો જવા દઉં, નહિ ? મારે પણ તોફાન જોવું છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘જ્યોત્સ્ના ! એ પ્રદર્શન નથી કે શોખથી જોઈ શકાય. એ તોફાન તો આપણને પણ વીંટળાઈ વળે !’

‘ભલે, પણ હું તારી સાથે જ આવીશ. તમે પુરુષોએ સ્ત્રીઓને એવી સુંવાળી કરી મૂકી છે કે…’

અને સુરેન્દ્ર તથા જ્યોત્સ્ના બન્ને ટોળામાં ઘૂસ્યાં. ટોળાએ બન્નેને માર્ગ પણ કરી આપ્યો. અને જ્યોત્સ્ના નિહાળી શકે કે આસપાસ વીંટળાયેલા ટોળાની વચ્ચે બે ગુંડાઓ જબરદસ્ત લાકડીઓ લઈને ઊભા છે અને તેમાંનો એક ગુંડો એક ગરીબ, સુકાયલા, દરિદ્રી પુરુષને બોચીએથી ઝાલી ઊભો રહ્યો છે. જોતજોતામાં એ ગુંડાએ બોચીએથી પકડેલા માણસને ધક્કો મારી નીચે પછાડ્યો અને તેના દેહ ઉપર જરાય દયા વગર જોરભેર લાત મારી. એ ગરીબ માણસ ગોઠીમડું ખાઈ ગયો. તેના વાળ લાંબા હતા; એ લાંબા વાળ પકડી એ ગુંડાએ કહ્યું :

‘કેમ, અંગૂઠો પાડી આપે છે કે નહિ ? આજ હવે તને જીવતો મૂકવાનો નથી… જો તેં ના પાડી છે તો !’

આટલું મોટું ટોળું હતું છતાં એ ટોળાનાં સર્વ સ્ત્રીપુરુષો સમસમીને શાંત ઊભાં રહ્યાં હતાં. માર ખાતા પુરુષને બચાવવાની કોઈનામાં હિંમત હોય કે કોઈનામાં વૃત્તિ હોય એવું દેખાયું નહિ. જુલમગારના જુલમને સહુ કોઈ ભયપૂર્વક નિહાળી રહ્યું હતું.

એકાએક કોઈ રૂપાળી, પરંતુ ગરીબી સ્પષ્ટ કરતાં વસ્ત્ર ધારણ કરેલી એક મજૂર-સ્ત્રી ટોળાની બહાર નીકળી આવી. તેના મુખ ઉપર ભયભીતપણું વાંચી શકાય એટલું સ્પષ્ટ પુરાયેલું હતું. પુરુષને ગુંડાઓ મારી નાખશે એવો ભય તેણે નિહાળ્યો, અને ગુંડાના હાથમાં નિર્બળતાપૂર્વક ધ્રૂજી રહેલા એ ગરીબ પુરુષનો હાથ પકડી તે આખા ટોળા તરફ લાચારીથી નજર ફેરવી ગઈ. ગરીબ મજૂરે એ સ્ત્રીમાં પોતાની આંખને ઠારતી, રૂપાળી અને વહાલી પત્ની નિહાળી - જેને પરણવા માટે તેણે પૂર્વજીવનમાં ઘણી મહેનત વેઠી હતી. એ મજૂરે પોતાની પત્ની તરફ જોયું એમ બંને ગુંડાઓએ પણ તેની પત્ની તરફ ભૂખાળવી નજર નાખી; ને એમાંના એકે મજૂરને ફરી ઝંઝેડી પૂછ્યું :

‘કેમ ? હજી જવાબ નથી આપવો કે ? આટલો માર તારે માટે બસ લાગતો નથી. ખરું ?’

‘પણ… ભાઈ ! એવું ચોટલાખત તો કેમ થાય મારાથી ?’ ગભરાતે ગભરાતે પેલા મજૂરે વિનંતી કરી. પરંતુ લેણદાર ગુંડાઓ વિનંતીની સીમા ઓળંગી ગયા હતા. તેમને વિનંતી અસર કરે એમ હતું જ નહિ. તેમને અસર કરતી હતી પેલી મજૂરણની દેહયષ્ટિ ! ગુંડાએ હાથથી ફરી એક ઝાપટ લગાવી અને કહ્યું :

‘ખત કરવું નથી અને પૈસા પણ આપવા નથી ખરું ને?’

‘પૈસા તો કેટલાય આપ્યા, બાપુજી ! પણ હજી ક્યાં દેવાનો પાર આવે છે.’

‘એ દેવાનો પાર તો તારી અને તારી બૈરીની જિંદગી સુધી આવવાનો જ નથી. બોલ, પૈસા આપે છે ? કે ખત ઉપર અંગૂઠો કરી આપે છે… નહિ તો…’ એટલું બોલતામાં વધારે બળથી મજૂરને ભોંય ઉપર પટકવાની ગુંડાએ તૈયારી કરી અને સુરેન્દ્ર મેળામાંથી બહાર કૂદી પડ્યો તથા બળપૂર્વક ગુંડાનો હાથ ખસેડી નાખી મજૂરને ગુંડાની પકડમાંથી છૂટો કર્યો.

બન્ને છૂટા પાડતે પાડતે સુરેન્દ્ર કહ્યું :

‘ચાલ, આઘો ખસ. એને અડક્યો છે તો યાદ રાખજે.’

બન્ને ગુંડા જરા ઝાંખા પડ્યા. એક ગુંડો સહજ ખસ્યો, પરંતુ બીજા ગુંડાએ ત્યાં ને ત્યાં ઊભા રહી સુરેન્દ્રની સામે ખૂનભરી આંખો કરી કહ્યું :

‘પાછો તું આવ્યો ?’

‘હા. અને તમને બન્નેને અહીંથી ખસેડીને જ હું ખસીશ.’

આવેશમાં આવીને એક ગુંડાએ કમરેથી છરો કાઢવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ પ્રયત્ન તેણે અધૂરો જ રાખ્યો અને કહ્યું :

‘તારા મનથી તું તને બહુ જોરદાર માને છે. ખરું ? યાદ રાખ એકાદવાર તારું ખૂન થવાનું છે.’

‘જ્યોત્સ્ના ક્યારની ગભરાઈ ઊઠી હતી. તેના જીવનમાં આ દૃશ્ય તદ્દન નવું હતું. આવું ગરીબ સ્થળ, આવી ગરીબ વસ્તી, આવો ઝઘડો અને આવી સહેલાઈથી થતી મારફાડ અને ખૂની વાત તેની કલ્પના બહારનું જ દૃશ્ય હતું. તેણે વચ્ચે આવી એકાએક ગુંડાને પૂછ્યું :

‘પણ, ભાઈ ! તમારી વાત શી છે ? પૈસા જોઈએ, એ જ ને ?’

ગુંડાએ અચાનક ટોળા બહાર આવેલી સભ્ય અને સુવસ્ત્રસજ્જ યુવતી જોઈ. સુવસ્ત્ર કે નિર્વસ્ત્ર કોઈ પણ યુવતીને જોતાં ગુંડાગીરીની આંખ ચમકી ઊઠે છે. સભ્યતાની ત્રણ મર્યાદા : વાણી, આંખ અને વર્તનને શિષ્ટતાની બહાર જવા ન દેવાં. ત્રણેમાંથી એકે મર્યાદા ન પાળનાર ઝડપથી ગુંડાગીરીની દુનિયામાં પ્રવેશે છે. અજાણી રૂપાળી યુવતીને નિહાળી ગુંડાએ ટટાર બની જવાબ આપ્યો :

‘હા, હા, આપેલા પૈસા જોઈએ છે, મફતના નહિ !’

‘અને પૈસા ન મળે તો એની બૈરી…’ બીજા ગુંડાએ પહેલા ગુંડાની પૂર્તિમાં કહ્યું,

‘કેટલા પૈસા જોઈએ ?’ એકાએક જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘સાતસો રૂપિયા.’ એક ગુંડાએ કહ્યું.

‘એટલા રૂપિયા તો અત્યારે અમારી પાસે ન હોય. કહો તો આ મારી બે બંગડીઓ કાઢી આપું, અને એના પૈસા માંડી વાળી બન્નેને જતાં કરો.’ એટલું કહી જ્યોત્સ્નાએ પોતાની હીરાજડિત બંગડીઓ કાઢી ગુંડાઓ સામે ધરી. આપત્તિમાં ન પડવાની સુરેન્દ્રેજ્યોત્સ્નાને સલાહ આપે તે પહેલાં તો જ્યોત્સ્નાએ એ બંગડીઓ કાઢી ગુંડાઓ સામે ધરી દીધી હતી. આખું ટોળું અત્યારે જીવનભરમાં કદી ન જોયેલું દૃશ્ય જોતું હતું. મેળામાંના ઘણાય ગરીબ માણસો આ અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા હતા. સહુ કોઈ જાણતા હતા કે ગરીબની સૃષ્ટિમાં પૈસા ન અપાય તો ચોટલાખત કરી આપવું પડે.