સ્નેહસૃષ્ટિ/ખતપત્ર
← વૃન્દાવનની કુંજગલી | સ્નેહસૃષ્ટિ ખતપત્ર રમણલાલ દેસાઈ |
કોણ જીત્યું ? → |
હીરાજડિત સુવર્ણ બંગડીઓ નિહાળી ગુંડાઓની આંખ ચમકી ઊઠી. સાચુંખોટું ઝવેરાત તથા સોનુંરૂપું ગુંડાઓ પારખી શકે એમ હતું. સુરેન્દ્ર તરફ તેમણે નજર નાખી. જ્યોત્સ્નાને ગુંડાઓની આંખ ઉપરથી લાગ્યું કે તેમને મન સુરેન્દ્ર એક ગણતરીલાયક વ્યક્તિ હોવો જોઈએ. છરો કાઢવાનો પ્રયત્ન કર્યો છતાં એ પ્રયત્નને અધૂરા રાખનાર ગુંડાઓમાં સુરેન્દ્રના બળની કિંમત થતી હોવી જોઈએ, નહિ તો છરો ખેંચનાર ગુંડાને છરો ભોંકી દેતાં જરાયે વાર લાગે નહિ. એ છરાની બીકથી જ જ્યોત્સ્નાએ ઝડપથી પોતાની બંગડીઓ કાઢી આખા પ્રશ્નનો ઉકેલ લાવવાની યોજના કરી હતી. એટલે જ્યોત્સ્નાની એક ખાતરી તો થઈ જ કે સુરેન્દ્રની હાજરી આ સ્થળે અસરકારક નીવડી હતી.
ગુંડાએ એકાએક કહ્યું :
‘પણ આ તમારું ઘરેણું લઈને હું શું કરું ?’
‘કેમ, એમ ? તમારે રોકડા પૈસા જોઈતા હોય તો આ રહ્યું મારું સરનામું, કાલે આવીને પૈસા લઈ જજો.’ જ્યોત્સ્નાએ એને સમજાય એ રીતે આ પ્રશ્નનો નિકાલ લાવવા પ્રયત્ન કર્યો.
‘તમારા જેવા લોકોનો ભાગ્યે જ વિશ્વાસ થાય ! અહીં મને બંગડી આપી તમે પોલીસને ખબર આપો એટલે અમારે નવું ધાંધળ !’
‘પણ મને તમારું નામ કે રહેઠાણ કંઈ જ ખબર નથી. પછી પોલીસને હું ક્યાંથી ખબર આપીશ ?’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘આ સુરેન્દ્ર છે ને એને અમારાં નામ અને રહેઠાણ એ બન્નેની ખબર છે.’ એક ગુંડાએ કહ્યું.
‘તે તમે એમ માનો છો કે હું તમને ચોટલાખત કરવા દઈશ… આ ગરીબ લોકોને માર મારવા દઈને ? સાચા પૈસા તમારે મેળવવા હોય તો આ ઘરેણાં લઈને મારી પાસે જ આવજો. ત્યાં સુધી હું તમને અડચણ પણ નહિ કરું અને પોલીસને ખબર પણ નહિ કરું. તમે જાણો છો કે હું પોલીસને ભાગ્યે જ તમારી ખબર આપું છું.’ સુરેન્દ્રે કહ્યું.
ક્ષણ, બે ક્ષણ ગુંડાઓએ અરસપરસ સામે જોયું અને કંઈક સંતલસ આંખની ભાષામાં કરી લીધી. આ દરમિયાન ગુંડાઓએ પકડેલો પુરુષ અને તેને માટે હોડમાં મંગાતી તેની પત્ની બન્ને ગુંડાઓના હાથમાંથી છૂટાં પડી સુરેન્દ્રની બાજુમાં આવી ઊભાં રહ્યાં હતાં. એકાએક ગુંડાએ કહ્યું :
‘બહુ સારું. બંગડીઓ પાસે રાખીએ છીએ. મંગાને અત્યારે તો જતો કરીએ છીએ, પણ કાલે રોકડ રકમ ન મળી… તો આખો આ વાસ ક્યારે ભડકે બળશે કહેવાય નહિ… આ ભાઈ ગમે એટલાં ફાંફાં મારશે તોય.’ કહી ગુંડાએ સુરેન્દ્ર સામે જોયું અને ત્યાંથી ચાલવા માંડ્યું. તેમને સંભળાય એ રીતે સુરેન્દ્ર કહ્યું :
‘જગપત ! પૈસા પણ જે વાજબી હશે તે મળશે ભૂલતો નહિ.’
તેને સાંભળ્યો ન સાંભળ્યો કરી ગુંડાઓ મેદાન છોડી ચાલ્યા ગયા. મારવા લીધેલો મંગો અને તેની પત્ની બંને જ્યોત્સ્ના અને સુરેન્દ્રને પગે પડ્યાં. મંગાએ તો કહ્યું પણ ખરું :
‘ભાઈ ! તમે વખતસર આવી ન પહોંચ્યા હોત તો આજ અમારો મરો જ હતો.’
‘શું મંગા ! તુંયે વાત કરે છે ? આટઆટલા ટોળામાં તમે ભેગા થાઓ છો અને બે જ ગુંડા તમને મારી જાય છે ? તમારે શરમાવું જોઈએ.’ સુરેન્દ્રે કહ્યું. અને તેણે આગળ ચાલવા માંડ્યું.
‘શું કરીએ, બાપુજી ? અમને ગરીબીએ મારી મૂકેલા છે. નહિ તો મગદૂર છે…’ મંગાએ કહ્યું; અને ટોળામાં વાતચીતો ચાલી અને ઘોંઘાટ વધી ગયો. સુરેન્દ્રને તો લોકો ઓળખતા હોય એમ લાગ્યું; પણ સુરેન્દ્ર સાથે આવેલી જ્યોત્સ્નાનો શ્રીમંતાઈભર્યો પહેરવેશ અને તેનું ઉદાર વર્તન સહુની વાતચીતનો વિષય બની ગયાં. એ રહેઠાણનાં છોકરાં તો એકાએક દોડીને જ્યોત્સ્નાની કારની આગળ પાછળ વીંટળાઈ વળ્યાં અને કલબલાટ કરવા મંડી ગયાં અને સુરેન્દ્ર અને જયોત્સ્ના બંને ઝડપથી ગાડીમાં બેસી ગયાં અને જયોત્સ્નાએ કારને ઝડપથી આગળ લીધી. ટોળું સહજ દૂર થયું અને મેદાનનું સહજ એકાંત મળ્યું એટલે જ્યોત્સ્નાએ પૂછ્યું :
‘સુરેન્દ્ર ! ચોટલાખત એટલે શું ?’
‘કહીશ કોઈ દિવસ’ સુરેન્દ્રે વાત ટાળવા માટે ટૂંકો જવાબ આપ્યો.
‘એવાં ખત કાયદેસર ગણાય ખરાં ?’
જ્યોત્સ્ના એનો અર્થ ન સમજી હોય એમ લાગ્યું નહિ.
‘ના પરંતુ આપણા કાયદા ઘડનારાઓએ એટલા કાયદા ઘડ્યા છે કે આપણાથી કાંઈ પણ કાયદેસર થઈ શકતું નથી.’
‘પેલાં બે જણ પતિપત્ની હતાં ?’
‘હા, જો એવા બહુ સંસ્કારી શબ્દો એમને માટે વાપરીએ તો.’
‘પતિથી દેવાના પૈસા ન અપાય તો પત્ની લેણદારને સોંપવી પડે એનું નામ ચોટલાખત ને ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘જ્યોત્સ્ના ! તું હવે એ વિચારમાંથી બીજા વિચારમાં આવ.’ સુરેન્દ્રે સલાહ આપી.
‘આવું કદી આપણે ત્યાં ઈતિહાસમાં બન્યું છે ખરું ?’
‘હા, હરિશ્ચન્દ્રે તારામતીને વેચી હતી. પાંડવો દ્રૌપદીને હોડમાં મૂકી હારી ગયા હતા…
‘પણ પરિણામે તો મહાભારત રચાયું ને ?’
‘એવાં તો કંઈક મહાભારતો આપણા જીવનમાં રચાયે જાય છે. સત્યનો જય થતો નથી અને પાપનો ક્ષય થતો નથી. એ મહાભારતને આપણે ભૂલી જઈએ. અને તું એ વાત ભૂલી જઈ મને મારે ઘેર ઉતારી દે અને બંગલે ચાલી જા તારી રાહ જોવાતી હશે.’ સુરેન્દ્રે કહ્યું.
‘હરકત નહિ, પરંતુ સુરેન્દ્ર ! તને આ લોકો બધા ઓળખતા લાગ્યા.’
‘હા. હું આ “સોસાયટી” માં જ ફરું છું. કહેવાતી ઉચ્ચ “સોસાયટી” મને ગમતી નથી અને ફાવતી નથી.’
‘કારણ ?’
‘એ ઉચ્ચ “સોસાયટી” - એ ઉપલો થર આ નીચલો થર સર્જે છે અને તેમના થરમાં સ્મશાન ઉપજાવી પોતાની આસપાસ બંગલાઓ, મહેલો અને બાગબગીચાઓ રચે છે.’
‘હું પણ એમ જ રહું છું !’
‘હવે આ વાત આપણે બાજુએ મૂકીએ. મારું ઘર પણ આવી ગયું છે અને હવે મારી જોડે આવવાનો છે આગ્રહ ન કરીશ.’
‘મારી તો ઇચ્છા છે કે હું તને ક્ષણભર પણ એકલો ન મૂકું અને તું જ્યાં જાય ત્યાં હું તારી સાથે જ રહું.’ જ્યોત્સ્નાએ કહ્યું.
સુરેન્દ્ર આછું હસ્યો અને કાંઈ પણ જવાબ આપ્યા સિવાય બેસી રહ્યો. ગાડી જોતજોતામાં સુરેન્દ્રના ઘર પાસે આવી ગઈ. સુરેન્દ્ર ત્યાં ઊતરી પડ્યો. અંધારું થઈ ગયું હતું, દીવા ચારે બાજુએ ચમક ચમક થતા હતા અને જ્યોત્સ્ના પણ પ્રકાશમાં પોતાને બંગલે આવી ગઈ. માતાપિતાએ તેને સહજ ટોકી પણ ખરી કે આજ તે જરા મોડી થઈ હતી. સામાન્ય શિષ્ટતા માગે છે કે રાતના સ્ત્રીપુરુષોએ જેમ બને તેમ બહાર ઓછું ફરવું - સ્ત્રીઓએ તો ખાસ કરીને નહિ જ. પરંતુ એ જૂની શિષ્ટતા ઘણી ઘસાઈ ગઈ છે અને નવીન ભણતરે, નાટકસિનેમાએ, હવા ખાવાની નવી આરોગ્યપદ્ધતિએ અને વધતી જતી સ્વતંત્ર ભાવનાએ રાત્રે ફરવા ન જવાની રૂઢિને છિન્નભિન્ન કરી નાખવા માંડી છે.
એમાં રાવબહાદુરનો તેમ જ યશોદાબહેનનો છેક ફાળો ન હતો એમ કહી શકાય નહિ. તેમના યૌવનકાળે તેઓ પણ સંધ્યાકાળે અને રાત્રિએ ઠીકઠીક ફરતાં હતાં, પરંતુ એક પેઢી બીજી પેઢીના બંડનો વિચાર કરતાં પોતાનાં બંડ સઘળાં ભૂલી જાય છે.
અલબત્ત, લાડકી દીકરીને તેઓ વધારે કહી શકતાં જ નહિ, અને જમવા માટે તેની રાહ જોઈને જ તેઓ બેસી રહ્યાં હતાં. એટલે તેમનું વાત્સલ્ય જ્યોત્સ્નાના અનેક દોષને માફ કરી શકે એવું હતું. અને આજ સુધી જ્યોત્સ્નાનું વર્તન પણ એવું હતું કે તેના વર્તનમાં માતાપિતાને કદી દોષ લાગ્યો જ ન હતો. જ્યોત્સ્નાને મોડું આવવાનું હોય ત્યારે તે સ્પષ્ટ કહીને જતી અને પોતાને ક્યાં જવું છે એ સ્થળ બતાવીને જતી હતી. આજ એ બન્ને મર્યાદાઓ સચવાઈ નહિ એટલા પૂરતો જ માતાપિતાએ જ્યોત્સ્નાના વિલંબ માટે ઉલ્લેખ કર્યો.
જ્યોત્સ્ના સમજી તો ખરી, પરંતુ તેને પોતાનો બચાવ કરવાની ઈચ્છા ન હતી અને જરૂર પણ ન હતી. તેના મગજમાં તેણે આજની સાંજે જોયેલાં દૃશ્યો રમી રહ્યાં હતાં. રાત્રે સ્વપ્નમાં પણ તે વારંવાર કઢંગા દૃશ્યોનાં સ્વપ્ન નિહાળતી હતી. પ્રભાત થયું, તે જાગી, તેણે વર્તમાનપત્રો વાંચ્યાં, ચા પીધી, માતાપિતા સાથે વાતચીત કરી, વાંચ્યું. જમી, છતાં હજી તેના હૃદયમાંથી ગઈ રાતનાં દૃશ્યોની છાપ ખસતી ન હતી. ત્રીજા પહોરે તેવા વાંચનને માટે સુરેન્દ્ર આવ્યો ત્યારે પણ જ્યોત્સ્ના ચોપડીમાં નજર નાખવા છતાં ચોટલાખતમાં સપડાઈ જતી ગરીબ પત્નીનું જ દૃશ્ય જોતી હતી. તે વખતે તેને એક ભયંકર વિચાર પણ આવ્યો :
‘પતિને બચાવવા માટે એ પત્નીએ પોતાની જાતને વેચવાનું કબૂલ કર્યું હોત તો ?’
એને ક્યાંથી ખબર પડે કે પતિને જ નહિ પરંતુ માતાપિતાને તેમ જ સંતાનોને ગરીબીના ઘામાંથી બચાવવા કેટલીયે સ્ત્રીઓ પોતાની જાતને વેચાતી આપવા તૈયાર થાય છે !
સુરેન્દ્રને તે આમ તો દરરોજ આવકાર આપતી. આજ સુરેન્દ્રને ‘આવો’ કે ‘આવ’ પણ ન કહ્યું. જ્યોત્સ્નાનું મુખ ગંભીર હતું. સુરેન્દ્ર તેને પૂછ્યું :
‘કેમ જ્યોત્સ્ના ! શા વિચારમાં છે ?’
હવે જ્યોત્સ્ના વિચારમાંથી જાગી અને સુરેન્દ્રનું આગમન તેને સ્વપ્ન નહિ પણ સત્ય લાગ્યું.
‘હા, સુરેન્દ્ર ! હું વિચારમાં જ હતી… ગઈ કાલના. આવ, બેસ.’
‘જ્યોત્સ્ના ! એ જ મારું વૃંદાવન - કાલે તેં જોયું તે.’ બેસતે બેસતે સુરેન્દ્રે જવાબ આપ્યો.
‘આખું વૃંદાવન જોયું નહિ, ટુકડા જ જોયા. માત્ર ડોકિયું જ કર્યું ’ જ્યોત્સ્નાએ ગંભીરતાપૂર્વક કહ્યું.
છતાં એટલામાં તારી ખાતરી તો થઈ જ હશે કે તારા જેવી નિર્દોષ નિષ્પાપ, સુખનાં સ્વપ્ન જોતી યુવતીએ મારા એ જીવનથી - મારા એ વૃંદાવનથી દૂર દૂર રહેવું જોઈએ.
‘મને તો એમાં વધારે રસ પડ્યો, સુરેન્દ્ર !’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘જ્યોત્સ્ના ! એમાં રસ પડ્યો હોય તો એને એક વાર્તાની માફક વાંચી દૂર ફેંકી દે.’ સુરેન્દ્રે જરા વધારે ગાંભીર્યથી કહ્યું.
‘હું તો એવી વાર્તાઓને મારા તકિયા નીચે મૂકી રાખું છું. મને બહુ ગમી એ વાર્તા.’
‘ગમવાનો એ પ્રશ્ન નથી, જ્યોત્સ્ના ! એમાં ભયંકર જોખમનો પ્રશ્ન છે.’
‘ત્યારે તો એ વાર્તા કહેનારના જીવનને પણ મારે વધારે સ્પર્શ કરવો જોઈએ… કાંઈ નહિ તો એ વાત કહેનારની સંભાળ રાખવા.’ જ્યોત્સ્નાએ સહજ હસીને કહ્યું.
‘હું તો વાર્તા કહેતો નથી, વાર્તા દેખાડું છે. તને મારા કરતાં વધારે સરસ રીતે વાર્તા કહે એવો મિત્ર બતાવું !’
‘જાણી લઉ તો ખરી !’
‘મારા કરતાં મધુકર તને વધારે સરસ વાત કહેશે.’ બહુ જ સંભાળપૂર્વક શબ્દ તોળીને સુરેન્દ્રે કહ્યું. પરંતુ એના જવાબમાં જ્યોત્સ્નાએ એક મક્કમ અને ઝડપી ધમકી આપી :
‘સુરેન્દ્ર ! ચૂપ રહે.’
અને એકાએક બંનેની દૃષ્ટિ સામે મધુકર આવીને ઊભો રહેલો જણાયો.