લખાણ પર જાઓ

સ્નેહસૃષ્ટિ/કોણ જીત્યું ?

વિકિસ્રોતમાંથી
← ખતપત્ર સ્નેહસૃષ્ટિ
કોણ જીત્યું ?
રમણલાલ દેસાઈ
ફૂલમાં કંટક →



૧૫
 
કોણ જીત્યું ?
 


જ્યોત્સ્નાએ ચુપ રહેવાની સુરેન્દ્રને કરેલી આજ્ઞા મધુકરે લગભગ સાંભળી લીધી હતી, અને સુરેન્દ્ર સામે જ્યોત્સ્નાએ માંડેલી રીસભરી આંખ હજી રીસના એક વિભાગને જાળવી રહી હતી એ તો મધુકરે પણ જોયું. એને માત્ર એ ખબર ન પડી કે એ આજ્ઞા અને એ રીસનું કારણ મધુકર પોતે જ હતો. મધુકરનું નામ પણ તેને આટલું અણગમતું બની ગયું હશે એની સુરેન્દ્રને ખબર ન હતી; મધુકરને તો ન જ હોય. એટલે પાછલી વાત ન સાંભળનાર મધુકરને તો લાગ્યું જ કે એને ગમતો ઝઘડો જ્યોત્સ્ના અને સુરેન્દ્ર વચ્ચે શરૂ થઈ ચૂક્યો !

જરા મોટાઈ દર્શાવી મધુકરે પૂછ્યું :

‘કેમ ? શું થયું ? શાનો ઝઘડો છે ?’

‘કાંઈ નહિ, મધુકર ! એ મારી અને સુરેન્દ્ર વચ્ચેની વાત છે.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘તેની હરકત નહિ, પણ મારે સ્પષ્ટતાપૂર્વક કહેવું જોઈએ કે સુરેન્દ્રે એનું વર્તન વધારે સારું રાખવું પડશે - જો એને અહીં ચાલુ રહેવું હોય તો !’ મધુકરે જરા ગંભીરતાપૂર્વક કહ્યું.

‘મધુકર ! તું મને વર્તન વિશે શિખામણ આપે છે ?’ સુરેન્દ્રે જરા હસતાં હસતાં પૂછ્યું.

‘હું ન આપું તો જ્યોત્સ્ના આપે ! તને ચૂપ રહેવાની સૂચના કરવી પડે એટલું બસ નથી ?’ મધુકરે પણ હસતાં હસતાં કહ્યું.

‘મધુકર ! સુરેન્દ્રને કાંઈ પણ કહેવાનો અધિકાર મારી પાસે રહેવા દે. મેં શા માટે એને ચૂપ રહેવા કહ્યું હતું તેનો તને સ્વપ્ન પણ ખ્યાલ આવે એમ નથી.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘મને ખ્યાલ આવી ગયો છે… અને એનો પુરાવો હું હમણાં જ આપું છું… જરા ઝડપથી ચાલ.’ મધુકરે કહ્યું.

‘કેમ ?’

‘તને બોલાવે છે… બંને ! તારાં માતા અને પિતા.’

‘મારે હજી વાંચવું છે… સુરેન્દ્ર સાથે.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘પછી વંચાશે. હમણાં જરૂરી કામ છે.’

‘કામ હોય તો તું કર. પિતાજીનો તું સેક્રેટરી છે. હું હમણાં નથી આવતી.’

‘મારી ઇચ્છા ન હતી કે હું તને કામનું સ્વરૂપ કહી બતાવું. પરંતુ જ્યારે તું ફરજ પાડે છે ત્યારે મારે કહેવું જોઈએ કે…’

‘શા માટે અટકે છે ? કહી નાખ.’

‘કોઈ ગુંડા જેવા બે માણસો આવ્યા છે… તારી જ બંગડીઓ લઈને… એમને પતાવી તું પાછી અહીં આવજે.’ મધુકરે એક વિજયી દૃષ્ટિ સુરેન્દ્ર સામે ફેંકી કહ્યું.

સુરેન્દ્ર સમજી ગયો. જ્યોત્સ્ના પણ સમજી ગઈ કે ગઈ કાલ થયેલા તોફાનમાં મુખ્ય ભાગ ભજવનાર ગુંડાઓ આવી ચૂક્યા છે ! એ તત્કાલ ઊઠી અને ઊભી થઈ. સુરેન્દ્રે પૂછ્યું :

‘મધુકર ! હું પણ ત્યાં આવું તો ?’

‘તને બોલાવ્યો નથી એટલે હું શું કહું ?… હું તો નોકર છું ને ? ચિઠ્ઠીનો ચાકર.’ જ્યોત્સ્નાના બોલનો જવાબ આ ઢબે મધુકરે સુરેન્દ્રને આપ્યો.

‘આ બાબતમાં જેટલું હું જાણું છું એટલું જયોત્સ્ના જાણતી નથી.’ સુરેન્દ્રે દલીલ કરી.

‘તે હશે; હું પૂછી જોઈ તને બોલાવવા મોકલું.’ કહી મધુકર બહાર નીકળ્યો. જ્યોત્સ્ના પણ મધુકર સાથે જ ચાલી ગઈ. સુરેન્દ્ર ચણચણતે દિલે ત્યાં બેસી રહ્યો. શા માટે એણે જ્યોત્સ્નાને પોતાની સાથે ગઈ કાલે આવવા દીધી ? આગ્રહ જ્યોત્સ્નાનો જ હતો છતાં એ આગ્રહને વશ તે શા માટે થયો ? કોઈ પણ માતાપિતા પોતાની પુત્રીના શિક્ષકને ગરીબ તથા ગલીચ વાતાવરણમાં પોતાની પુત્રીને સાથે લઈ જવાની સંમતિ ન જ આપે. સુરેન્દ્રને લાગ્યું કે તેણે એક ભૂલ કરી હતી.

પરંતુ… જ્યોત્સ્ના તો હજીયે તેની સાથે ફરી આવવા માટે તૈયાર હતી ! એની ના પાડી એથી તો એ ગુસ્સે થઈ ગઈ… નહિ, નહિ ! ગુસ્સે થઈ હતી મધુકરના નામથી ! મધુકર પ્રત્યે જ્યોત્સ્નાને એક પ્રકારનો અભાવ હતો, અને જ્યોત્સ્ના તરફ ખેંચાતી જતી મધુકરની વૃત્તિને સુરેન્દ્ર ઓળખી શક્યો હતો. શ્રીલતાની સાથે પ્રેમ કરતો મધુકર પાછો જ્યોત્સ્ના તરફ ઢળતો હતો એ સુરેન્દ્રને જરાય ગમતું નહિ. પતંગિયા-વૃત્તિનો એને ભારે વિરોધ હતો. પરંતુ જે જીવનકાર્ય સુરેન્દ્રે પોતાને માટે નક્કી કર્યું હતું તેમાં પ્રેમને જરાય સ્થાન ન હતું. આ પ્રસંગ સુરેન્દ્રને પ્રેમની ઘાંટીમાંથી કદાચ ઉગારી પણ લે… જો તેને મધુકર આ ઘરમાંથી દૂર કરાવી શકે તો ! જ્યોત્સ્ના સરખી ધનિક માતાપિતાની પુત્રીના પ્રેમને ઝીલવાનું સુરેન્દ્રને માટે શક્ય ન હતું.

સુરેન્દ્રને વિચાર કરતો એકલો છોડી ગયેલાં મધુકરને જ્યોત્સ્ના જેવાં રાવબહાદુરના દીવાનખાનામાં આવ્યાં તેવું જ્યોત્સ્નાએ જોઈ લીધું કે ખંડનું વાતાવરણ અત્યંત તંગ બની રહ્યું હતું. રાવબહાદુર ગિરિજાપ્રસાદ અને તેમનાં પત્ની યશોદા બંનેના મુખ ઉપર એક પ્રકારનો ગુસ્સો હતો. બે હીરાજડિત બંગડીઓ નાના મેજ ઉપર તેમની સામે જ પડી હતી - જે જ્યોત્સ્નાએ ગઈ કાલે બંને ગુંડાઓને આપી હતી. બંને ગુંડાઓ બાજુ ઉપર અદબ વાળી કડક મુખ કરી ઊભા હતા. જ્યોત્સ્ના સમજી ગઈ કે આવું વાતાવરણ એના જ કાર્યે ઊભું કરેલું છે. માતાપિતાના માનસને ધક્કો આપી રહેલી પુત્રી એક ક્ષણભર મૂંઝવાઈ; પરંતુ પોતાની મૂંઝવણને બીજી ક્ષણે સ્મિતમાં ફેરવી અને અંદર જતાં બરોબર કહ્યું :

‘તમે તો પેલા… કાલે મળ્યા હતા એ ભાઈઓ, નહિ ?… જેમને મેં બંગડી આપી હતી તે ! ખરું ને?’

‘હા જી.’ એક ગુંડાએ જવાબ આપ્યો.

‘પૈસા એમાંથી પૂરા ન પડ્યા ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘બંગડીઓ વધારે કિંમતી છે… એમ જ ને ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘જી… આપને પેલા ગરીબોની દયા આવતી હોય તો…’ એક ગુંડાએ જવાબ આપ્યો.

‘ચાલો, હું તમને તમારા પૈસા આપી દઉં.’ કહી જ્યોત્સ્નાએ ખંડમાંથી ગુંડાઓને બહાર લઈ જવાનો અભિનય કર્યો. પરંતુ તેને રોકી રાવબહાદુરે કહ્યું :

‘જ્યોત્સ્ના ! તારે જવાની જરૂર નથી. કેટલા પૈસા માગો છો ?’

‘થયા છે તો… સાતસો… એક વરસ થયું આપ્યે.’ ગુંડાએ કહ્યું.

‘મૂળ કેટલા આપેલા ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘આપેલા તો પચાસ… પણ… પચાસમાંથી સાતસો કેમ થયા ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘દર મહિને પચાસ પચાસ વધ્યા… કાંઈ ન આપ્યું તેથી. અને વર્ષ વિત્યે દંડના બીજા સો… એમ કરીને સાતસો થયા.’ ગુંડાએ હિસાબ બતાવ્યો.

‘આ ખરો હિસાબ !’ રાવબહાદુરથી બોલાઈ ગયું.

‘આપને જે ઠીક લાગે તે આપો.’

‘મધુકર ! આપી દો સાતસો રૂપિયા.’ રાવબહાદુરે કહ્યું.

‘નહિ સાહેબ ! સો આપશો તો બસ છે.’ બીજા ગુંડાએ કહ્યું.

‘કેમ એમ ?’ જ્યોત્સ્ના બોલી.

‘અમારી શરત છે સુરેન્દ્રની સાથે… પેલા કાલે તમારી સાથે હતા ને, તેમની જોડે.’

સુરેન્દ્રના નામ સાથે રાવબહાદુરનાં ભવાં ચઢ્યાં. યશોદાબહેને અર્થભરી આંખે મધુકર સામે જોયું. મધુકરે પણ આશ્ચર્ય અને અણગમાદર્શક અભિનય કર્યો.

‘વારુ, એ જે માગે તે આપી દો.’ ગિરિપ્રસાદે કહ્યું.

‘પરંતુ… તમને અહીં આવતા પહેલાં સુરેન્દ્રે મળવાનું કહ્યું હતું ને ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘હા જી. અમે ગયા હતા… બે વાર. પરંતુ એ ભાઈ મળ્યા નહિ… અને અહીં આવ્યા છે એવી ખબર પડી… એટલે અમે અહીં આવ્યા…’

‘મધુકર ! એ જે હોય તે. સો રૂપરડીનો જ સવાલ છે ને ? આપી દો. અને પંચાત ચુકાવો.’ રાવબહાદુરે વાત બંધ રાખવા કહ્યું.

મધુકરે બન્ને ગુંડાઓને ઇશારત કરી પોતાની સાથે આવવા જણાવ્યું. જતે જતે તેણે યશોદાબહેનની જરા તીખાશભરી વાણી સાંભળી.

‘પણ જ્યોત્સ્ના ! તારે આ બધી પંચાત શી ?’

‘તે… મારા દેખતાં હું એક સ્ત્રીની જાતને વેચવા દઉં, એમ ?’ જ્યોત્સ્નાએ પણ જરા તીખાશથી જવાબ આપ્યો.

મધુકર અને ગુંડાઓ બહાર નીકળતે નીકળતે આટલી મા-દીકરીની વાતચીત સાંભળી ગયા. પરંતુ કદી ન બોલતી જ્યોત્સ્ના આજે આટલો સામો જવાબ આપી રહી હતી એ વાત માતાને જરા ચોંકાવનારી લાગી. એથી એ વધારે ચોંકાવનારી વાત તો એ હતી કે કાંઈ ન સમજતી મનાતી પુત્રી સ્ત્રી જાતના વેચાણ જેવી સજ્જનસમાજમાં કદી ન ઉચ્ચારી શકાય એવી હકીકત કહી રહી હતી. આવો વિચાર પણ આવા સભ્ય ગૃહમાં ઊછરેલી પુત્રીના મનમાં આવે એ વસ્તુ અસહ્ય હતી; એનું ઉચ્ચારણ તો અસભ્યતાની હદ ઓળંગવા સરખું લાગ્યું. કમકમી ખાઈને યશોદાબહેને પુત્રીને કહ્યું :

‘તું બોલીશ નહિ. જ્યોત્સ્ના ! આવું આવું. સારા કુટુંબમાં તો એવી વાત પણ ન થાય… લાજી મરાય, બાપ !’

જ્યોત્સ્ના કોણ જાણે કેમ, આજે જવાબ આપવા તત્પર બની રહી હતી ! સ્ત્રી અને પુરુષ વચ્ચે જાતીય સંબંધ હોઈ શકે એવી કલ્પના આછી સરખી પણ વ્યક્ત કરવી એ ગૃહસ્થ-ઘરમાં ન જ શોભે. એ જ ગૃહમાં એથી આગળ વધી સ્ત્રીવેચાણ જેવી ફાટેલી વાત કરવી એ તો અસભ્યતાની પરાકાષ્ઠા ! ઉપરાંત આવી વાત યુવાન પુત્રી માતા સાથે કરે અને એ વાતને વધારે, એ તો તદ્દન અસહ્ય પરિસ્થિતિ ! વધારામાં માતાની શિખામણનો એણે આ ઉત્તર આપ્યો :

‘મા ! જેની વાત પણ ન થાય એ બનવા દેવાય ખરું ?…’

રાવબહાદુર એકાએક ઊભા થઈ ગયા. યશોદાબહેનનો તો પુત્રીની વાતચીત આગળ વધતી એકદમ અટકી જવી જ જોઈએ એવો ગંભીર નિશ્ચય કરી ઊભા થયેલા રાવબહાદુરે એકાએક કહ્યું :

‘ચાલ જ્યોત્સ્ના ! આપણે બેડમિન્ટન રમીએ… બહુ દિવસથી તું મારી સાથે રમી નથી. જો, તૈયાર કર… અમે આવીએ છીએ.’

જ્યોત્સ્ના ઊભી થઈ. સુરેન્દ્ર એના ખંડમાં જ્યોત્સ્નાની રાહ જોતો બેઠો હતો એનું જ્યોત્સ્નાને ભાન હતું. એનું નામ દઈને જવામાં માતાપિતાની વૃત્તિ વધારે દૂભવવા જેવું થશે એમ તેને લાગ્યું. એને ગમ્યું તો નહિ, છતાં બેડમિન્ટનની રમત માટેની તૈયારી કરવા એ ખંડની બહાર નીકળી હતી.

યશોદાબહેને નીતિમય જીવનની અતિશયતામાં ફરી કમકમી ખાધી. તેમનો હાથ ઝાલી તેમને ઊભાં કરતાં રાવબહાદુરે કહ્યું :

‘હજી દુનિયાનો એને અનુભવ નથી… પોતાની મેળે જ ઠેકાણે આવશે.’

‘એનું ભણતર હવે બંધ કરો, હોં ! નહિ તો વાત હાથથી જશે.’ જીવનમરણનો પ્રશ્ન હોય એવા ગાંભીર્યથી એમણે પુત્રીની ચિંતા વ્યક્ત કરી.

રાવબહાદુર પોતે પણ જરા ચિંતામગ્ન બન્યા હતા. પરંતુ એક પુરુષ તરીકે હિંમત રાખી હતી. તેમણે યશોદાબહેનને બેડમિન્ટનની રમત તરફ દોર્યાં.

ધનિકોની રમત સુલભ અને સરળ બનાવવા માટે જોઈએ એટલા નોકરો હોય છે. નોકરોએ ક્યારનીયે એ રમત માટેની તૈયારી કરી રાખી હતી જ્યોત્સ્નાએ આવી રૅકેટ તથા ફૂલ તપાસ્યાં; રાવબહાદુર તથા યશોદાબહેન પણ ધીમે ધીમે આવી પહોંચ્યાં, અને ગુંડાઓને વિદાય આપી પાછો વળેલો મધુકર પણ ત્યાં આવી ગયો. રાવબહાદુરની સાથે એ ઘણી વાર જુદી જુદી રમતો રમતો. એની રમત ઠીકઠીક હતી; વયે પહોંચેલા રાવબહાદુરને ફાવે એટલી આવડત મધુકરમાં હતી. પરંતુ એની આવડત કરતાંય એની રમત સંબંધી વાત એટલી રંગીન બનતી કે મધુકર બેડમિન્ટનની રમતમાં વિશ્વ વિજયી યોદ્ધો હોય એવી છાપ પાડતો હતો.

રાવબહાદુર અને જ્યોત્સ્ના તથા યશોદાબહેન અને મધુકર એમ ભિલ્લુ બનીને રમત રમી રહ્યાં હતાં. ભિલ્લુ શબ્દ દેશી રમતનો હોવાથી એને અંગ્રેજી રમત સાથે લાગુ કરી શકાય નહિ, એટલે રમનાર યુગલને આપણે ‘પાર્ટનર’ કહેવાં જોઈએ. જ્યોત્સ્ના પણ સરસ રમત રમતી હતી એટલે મધુકર તથા જ્યોત્સ્ના વચ્ચે ફૂલની ફેંકાફેંકી રસભરી બની રહેતી હતી. થોડી વાર રમત ચાલી; પરંતુ મોટા માણસોએ જલદી થાકી જવું જોઈએ એ ધોરણે યશોદાએ કહ્યું :

‘હવે થાક શરૂ થયો. આટલો દાવ રમીને બસ કરીએ. જ્યોત્સ્ના ! ચાલ પછી આપણે જરા ફરવા નીકળીએ.’

‘પણ મા ! મારા ખંડમાં શિક્ષક બેસી રહ્યા છે ને ?’ જ્યોત્સ્નાએ જવાબમાં શિક્ષણ સંબંધી ચિંતા વ્યક્ત કરી.

‘એની ચિંતા શી ? એ નોકર છે. એનો વખત થશે એટલે એ જશે.’ મધુકરે પોતાના મારેલા મહેણાનો જ્યોત્સ્નાને જવાબ આપ્યો. જ્યોત્સ્નાની આંખ જરા ફરી ગઈ. એટલામાં જ સુરેન્દ્ર બગીચાને કિનારે થઈને જતો દેખાયો. એટલે મધુકરે ફરી કહ્યું :

‘લો. આ તમારા શિક્ષક તો જાય છે જ… હું કહી દઉં… અરે… સુરેન્દ્ર ! તું જઈ શકે છે.’ સુરેન્દ્ર સાંભળે એમ રમત રમતે મોટે સ્વરે મધુકરે સુરેન્દ્રને આજ્ઞા આપી દીધી. જ્યોત્સ્નાનાં માતાપિતાની ઇચ્છા એ જાણી ગયો હોવાથી માતાપિતાએ આપવાની આજ્ઞા તેણે જ આપી.

સુરેન્દ્રે ચાલતી રમત તરફ જોયું, અને કાંઈ પણ બોલ્યા વગર કે સલામ નમસ્કાર કર્યા વગર તે ચાલતો હતો તેમ ચાલ્યો ગયો.

‘હં… ગુનામાં આવ્યો છે એટલે એનાથી જવાબ પણ અપાતો નથી.’ મધુકરે કહ્યું. રમતાં રમતાં કેટલીક વાતચીત થઈ શકે છે. એ બોલની અંદર મધુકરે પોતાનું સ્મિત ઉમેર્યું અને જ્યોત્સ્નાની સામે પણ જોયું.

‘સુરેન્દ્રની વાત તું કરે છે ?’ જ્યોત્સ્નાએ પણ રમત રમતે પૂછયું.

‘હા.’

‘કયા ગુનામાં એ વળી આવ્યો છે ?’

‘કેમ? પેલા ગુંડાઓને ગયે હજી બહુ વાર થઈ નથી.’

‘એટલે ? તારો મિત્ર સુરેન્દ્ર ગુંડો છે, એમ?’

‘નહિ હોય તો હવે થશે એમ લાગે છે.’

‘શા ઉપરથી ?’

‘જ્યોત્સ્ના ! તને ગુંડાઓનાં તોફાનો થતાં હોય ત્યાં લઈ જનાર શિક્ષક માટે શું કહેવું ?’ મધુકરે કહ્યું. લાગ મળ્યો જાણી માતાએ પણ મધુકરના વાક્યમાં પોતાનો મત ઉમેર્યો :

‘એવી શોબત શા કામની ?’

અને જ્યોત્સાના હસ્તે બેડમિન્ટનના ફૂલને એક જબરજસ્ત ફટકો માર્યો એ ફટકો એવા બળથી વાગ્યો કે મધુકરનું રેકેટ એને રોકવા અશક્ત નીવડ્યું અને ફૂલ અત્યંત જોરદાર પ્રહારની માફક મધુકરના મુખ ઉપર વાગ્યું. રમતનાં ફૂલ પણ કદી ઘા સરખાં વાગે છે. મધુકરની ભમ્મર ઉપર ચોટેલા એ ફૂલે મધુકરના શરીરને અવનવી ગતિ આપી. તેનું રેકેટ પડી ગયું, તેની આંખ સહજ ફૂટતી બચી ગઈ અને મધુકર ભમ્મર ઉપર બંને હાથ દબાવીને ઊભો રહ્યો.

દાવનો એ છેલ્લો ફટકો હતો. એ છેલ્લો ફટકો વિજયી ફટકો હતો.

‘મા, હું જીતી !’ કહી જ્યોત્સ્ના ત્યાંથી દોડી ગઈ.