લખાણ પર જાઓ

સ્નેહસૃષ્ટિ/ફૂલમાં કંટક

વિકિસ્રોતમાંથી
← કોણ જીત્યું ? સ્નેહસૃષ્ટિ
ફૂલમાં કંટક
રમણલાલ દેસાઈ
વીંટીનો ઘા →



૧૬
 
ફૂલમાં કંટક
 

છેલ્લો પ્રસંગ બની ગયા પછી, હમણાંના રાવબહાદુર તથા યશોદાબહેન ખસૂસ ફરવા જતાં હતાં અને સાથે જ્યોત્સ્ના અને મધુકરને લઈ જતાં હતાં. સંધ્યાકાળે જ્યોત્સ્ના વાંચી લેતી અને સુરેન્દ્ર સાથેનો તેનો અભ્યાસ પૂરો ન થયો હોય તોપણ તે મુલતવી રખાવી જ્યોત્સ્નાને આગ્રહપૂર્વક પોતાની સાથે જ ફરવા લઈ જવાનો શિરસ્તો તેમણે પાડ્યો હતો. શરૂઆતમાં કોઈક વાર મધુકર સાથે આવતો અને કોઈ વાર નહિ, પરંતુ એક અઠવાડિયામાં તો જ્યોત્સ્નાની સાથે મધુકર ફરવા આવે એવો આગ્રહ રાવબહાદુરે રાખ્યો અને રાવબહાદુરના આગ્રહ કરતાં પણ તેમની પત્ની યશોદાબહેન એ આગ્રહને ચીવટાઈપૂર્વક વળગી રહેલાં લાગ્યાં.

એ નિયમ પ્રમાણે રોજની માફક જાહેર બગીચામાં રાવબહાદુરની કાર આવીને ઊભી રહી. જ્યોત્સ્ના, મધુકર, રાવબહાદુર અને યશોદા ચારેય જણ કારમાંથી ઊતર્યાં અને સહજ ટહેલવા લાગ્યાં. વિશાળ બગીચામાં અનેક એકાંત સ્થળો હતાં, એટલે જુગાર રમવાથી માંડી પ્રેમ કરવા સુધીની ક્રિયાઓ માટે બગીચાના એકાંતમાં તક મળતી હતી. સહજ ફરતાં રાવબહાદુરે એક એકાંત બેઠક જોઈ અને યશોદાબહેને પણ ઈચ્છ્યું કે તેઓ વધારે ફરવાને બદલે એ બેઠક ઉપર પોતાના પતિની સાથે બેસી જાય. મધુકર અને જ્યોત્સ્નાને યશોદાબહેને કહ્યું પણ ખરું :

‘અમે તો હવે અહીં બેસીશું. તમારે છોકરાંને ફરવું હોય તો ભલે ઘડીક ફરી લો; હજી અજવાળું છે.’ એમ કહી બેઠક ઉપર યશોદાબહેન બેસી ગયાં, અને વયના વધારા સાથે પત્નીના પડછાયા રૂપ બની જતા અનેક પતિઓની માફક રાવબહાદુર ગિરિજાપ્રસાદ પણ પત્ની સાથે પત્નીને અડકીને બેસી ગયા.

માતાએ ફરવાની આજ્ઞા આપી હોવાથી જ્યોત્સ્ના ઝડપથી ફરવા માટે ચાલી નીકળી અને મધુકરને સાથે આવવાનો ઈશારો પણ ન કર્યો. એટલે જ્યોત્સ્ના ગયા પછી મધુકર તેની પાછળ ધીમે ધીમે આગળ વધ્યો. યશોદાબહેને પતિને કહ્યું :

‘જોયું ? બંને કેવાં સમજુ છે તે ?’

‘શા ઉપરથી કહ્યું ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘આપણે આ બંનેને ભેગાં ફરવાની આટલી તક આપીએ છીએ તોય બંને છોકરાં આપણી કેવી માઝા રાખે છે ?’

‘એમ ? મને તો લાગ્યું કે જ્યોત્સ્નાને મધુકરની કંઈ પરવા નહિ હોય.’

‘અરે તમે શું જાણો છો. આજનાં છોકરાંને ? દેખાવ તો ગમે તેવો કરે. છતાં… માણસ જાત છે… ભણેલાગણેલા અને સંસ્કારી છે. મારી આંખે તો જ્યોત્સ્ના અને મધુકરની જોડી ઠીક ખૂંપી ગઈ છે.’ યશોદાબહેને કહ્યું.

‘પરંતુ સાંભળ્યા પ્રમાણે મધુકરના બાપની સ્થિતિ બહુ સાધારણ છે.’

‘પરંતુ આપણે મધુકરને જોવો છે કે મધુકરના બાપને ? અને આપણી આસપાસ એવો કયો છોકરો દેખાય છે જે મધુકર કરતાં રૂપે, રંગે અને ભણતરે વધારે સારો હોય ?’ યશોદાબહેને કહ્યું.

‘હા, એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. અને આપણો પૈસો, આપણો વૈભવ અને આપણી સંપત્તિ બધું જ્યોત્સ્નાનાં જ છે ને ?… પણ જ્યોત્સ્નાનો સ્પષ્ટ મત આપણે જાણવો પડશે ને ?’

‘એ તો જાણેલો જ છે. જરા વધારે ભેગાં ફરશે એટલે અરસપરસ માયા થઈ જશે.’ યશોદાબહેને કહ્યું. ઘણી બાબતમાં વય વધતાં પત્નીની રબરછાપ બની જતા રાવબહાદુરે સહજ આસપાસ જોયું અને કહ્યું.

‘હા. એ પણ ખરું, યશોદા ! આપણે નાનપણમાં જરા ભેગાં મળ્યાં તો આટલી માયા થઈ ગઈ… હમણાં જ તેં મને પરણતા પહેલાં લખેલો પત્ર મારા વાંચવામાં આવ્યો.’ કહી રાવબહાદુરે પોતાની જુગજૂની છતાં નવી લાગતી સ્નેહસૃષ્ટિ ઊભી કરી.

પાસે બેઠેલાં યશોદાબહેન જરા શરમાઈને રાવબહાદુરને વધારે સ્પષ્ટતાથી અડક્યાં અને છણકાઈને તેમણે જવાબ પણ આપ્યો :

‘શું તમેય નાનપણની વાત કરો છો ? કોઈ સાંભળે તો લાજી મરીએ !’

રાવબહાદુર અને યશોદાની આ વાત કોઈએ સાંભળી નહિ. વયે પહોંચેલાં પતિ-પત્ની અને પ્રેમીઓ પ્રેમવાત બિલકુલ કરતાં જ નથી એમ માનવાની ભૂલ રખે કોઈ કરે. એટલું સાચું કે તેમનું અનુભવી જીવન તેમની પ્રેમવાત કોઈને સાંભળવા દેતું નથી.

એટલામાં જ બેત્રણ પુરુષો અને બેત્રણ સ્ત્રીઓ હસતાં હસતાં રાવબહાદુરની બેઠક આગળથી પસાર થયાં. ફરવા નીકળેલાં સ્ત્રીપુરુષને મુક્ત હાસ્ય હસવાનો અધિકાર છે. હસતાં સ્ત્રીપુરુષોએ હસતે હસતે રાવબહાદુર અને યશોદાબહેન તરફ દૂરથી નજર પણ નાખી. કોઈની દૃષ્ટિ પડે ત્યારે એકદમ યોગાભ્યાસમાં લીન હોઈએ એવું મુખ કેમ કરી દેવું તેની આવડત અનુભવી પ્રગલ્ભ સ્ત્રીપુરુષોમાં હોય છે ખરી; અને તેથી જ. કદાચ, આપણા રસમીમાંસકોએ પ્રૌઢાઓ અને પ્રગલ્ભાઓને પણ નાયિકાભેદમાં સ્થાન આપ્યું હશે ! પુરુષને તો વયનો ભેદ લાગતો નહિ જ હોય એ જાણીને જ નાયકભેદમાં વયની નહિ પણ ગુણની જ આવશ્યકતા રાખી છે ! પ્રૌઢ પુરુષો પ્રૌઢાઓની માફક પ્રેમ કરી પણ શકે છે અને પ્રેમ છુપાવી પણ શકે છે !

પરંતુ રાવબહાદુર બેઠા હતા એ એકાંત ખૂણો એ એકલું એકાંત બગીચામાં ન હતું. બગીચાના બીજા ભાગમાં લોકો ફરતાં ફરતાં, હસતાં અને બાળકો રમતાં દેખાતાં હતાં. બાળકોની ચીસો અને હસાહસ સંભળાય છતાં કોઈની નજર ન પડે એટલે દૂર બગીચાના એક એકાંત તરફ જ્યોત્સ્ના ચાલી જતી હતી. તેને આસપાસ નજર કરવાની જાણે જરૂર ન હોય તેમ તે નીચું જોઈને આગળ વધતી હતી. એની પાછળ પાછળ મધુકર આવતો હતો. તેણે ઝડપ વધારીને જ્યોત્સ્નાનું સાનિધ્ય મેળવ્યું. છતાં જાણે જ્યોત્સ્ના કંઈ જાણતી ન હોય તેમ આગળ પાછળ જોયા વગર પગલાં માંડ્યે જતી હતી. મધુકરને લાગ્યું પણ ખરું કે તે જ્યોત્સ્ના સમજી શકે એટલો નજીક તો આવી ચૂક્યો હતો છતાં જ્યોત્સ્નાએ મધુકરની હાજરીને નકારવાની વૃત્તિ ચાલુ રાખી, ત્યારે મધુકરથી એક આછી સુંવાળી, મીઠી બૂમ પડાઈ ગઈ : ‘જ્યોત્સ્ના !’

હવે જ્યોત્સ્ના ઊભી રહી અને તેની ગતિમાં અણગમતું વિઘ્ન આવ્યું હોય તેમ પાછળ ફરી તેણે નજર કરી. આજ એ જાણતી જ હતી કે મધુકર તેની પાછળ પાછળ આવ્યા વિના રહેશે નહિ. આજે જ પહેલો દિવસ હતો કે જ્યારે માતાપિતાએ બગીચામાં ફરવાનું કાર્ય જ્યોત્સ્નાને અને મધુકરને સ્વતંત્ર રીતે સોંપી દીધું હતું. એની પાછળ રહેલો માતાપિતાનો ભાવ તે છેક ન સમજે એમ ન હતું, અને મધુકરને તો દોઢબે વર્ષથી એ એટલી સારી રીતે ઓળખી ગઈ હતી કે તે તેને એકાંતમાં શોધતા ન આવ્યો હોત તો જ્યોત્સ્નાને નવાઈ લાગત.

જ્યોત્સ્નાએ ઊભા રહી પાછળ ફરી જોયું. એટલે હતી તે ઝડપ વધારી મધુકર પાસે આવી ગયો અને તેણે કહ્યું :

‘કેમ, જ્યોત્સ્ના ! એકલી જ ચાલી આવી ?’

‘તું જાણે જ છે કે મને એકાંત જ પ્રિય છે.’ એટલું કહીને જ્યોત્સ્નાએ આગળ ચાલવા માંડ્યું. જાણે મધુકરના સાથને તે ઈચ્છતી ન હોય.

‘તને શું પ્રિય છે અને શું નથી તેની તું યાદી કર અને તેમાં મારું સ્થાન નક્કી કર.’ મધુકરે ચબરાકી બતાવી જવાબ આપ્યો અને તેની સાથે સાથે લગભગ પાસે ચાલવા માંડ્યું. યુવાનો અને યૌવનાઓની મૈત્રી પરસ્પરનો સ્પર્શ ન થાય એવા જૂના વહેમને આજ સ્વીકારતી નથી. પતિપત્ની ન હોય એવાં મિત્રો પણ સાથે ચાલતાં ધાર્યા અણધાર્યા સ્પર્શને જરાય લેખવતાં નથી. મધુકર જ્યોત્સ્નાનો સ્પર્શ થઈ શકે એટલો પાસે ચાલતો હતો.

‘મેં તારું સ્થાન નક્કી નહિ કર્યું હોય એમ તું માને છે ?’ જ્યોત્સ્નાએ તેની સામે જોયા વગર કહ્યું અને ડગલાં ભરવાં ચાલુ રાખ્યાં.

‘જો ને, જ્યોત્સ્ના ! તેં આજ સુધી મારું જે સ્થાન રાખ્યું હોય તે ખરું. સમય અને સંજોગ બદલાતાં સ્થાનની યાદીમાં ફેરફાર પણ કરવો પડે છે એ મારે તને કહેવું પડશે ?’ મધુકરે કહ્યું.

‘મારું મગજ શ્રીલતા જેવું તીવ્ર નથી. ઘણી વાતોમાં સ્પષ્ટ કહ્યા વગર મને સમજ પડતી નથી. તું જોતો નથી. એટલા માટે કૉલેજના અભ્યાસમાં મારે સુરેન્દ્રનું શિક્ષણ લેવું પડે છે તે ?’

‘શ્રીલતાનું નામ ન દઈશ !’ કહી મધુકરે એકાએક જ્યોત્સ્નાનો હાથ પકડી લીધો. પરંતુ જ્યોત્સ્નાએ એ હાથને બળપૂર્વક ખસેડી નાખ્યો અને સાડી સંકોરી તે એકાએક મધુકરની સામે ઊભી રહી. જ્યોત્સ્ના કાંઈ પણ કહે તે પહેલાં મધુકરે જ તેને કહ્યું :

‘હું તારો હાથ પકડું છું તે તને નથી ગમતું ?’

‘ના, અને તે તું જાણે છે. મેં હજી “શેકહૅન્ડ”ને પણ ઉત્તેજન આપ્યું નથી.’ જ્યોત્સ્નાએ સહજ કડકાઈથી કહ્યું.

‘એમ ? હું તારો હાથ પકડું તે તને નથી ગમતું ?… તો તું મારો હાથ પકડી લે.’ ચબરાકીથી મુશ્કેલ પરિસ્થિતિ ટાળવા તેણે બાજી પલટી સામો જ્યોત્સ્નાનો હાથ માગ્યો. કેટલાક ચબરાક યુવાનોના મનમાં એવો ખ્યાલ વિકસેલો હોય છે કે તેઓ પોતાને સ્ત્રીદુનિયાના ચક્રવર્તી તરીકે જ ગણે છે, ને તેમના દિગ્વિજયનો સ્વીકાર યુવતીઓ કરે છે પણ ખરી. મધુકર આવો એક સ્ત્રીવિજયી ચક્રવર્તી હતો, નિદાન એની માન્યતા તો એવી હતી જ અને આવી ચબરાકી એ આવા યુવકોનું મહાશસ્ત્ર હોય છે. પરંતુ જ્યોત્સ્નામાં તેણે પોતાના દિગ્વિજયનો અસ્વીકાર નિહાળ્યો. જ્યોત્સ્નાએ તેને જવાબ આપ્યો :

‘ગમે તે પુરુષનો, ગમે ત્યારે હાથ પકડવો… એ રીત મને ગમતી નથી.’

‘રાવબહાદુરે અને યશોદાબહેને આપણને સાથે ફરવાની છૂટ આપી એનો અર્થ તું સમજે છે ?’ મધુકરે કહ્યું.

‘એનો અર્થ એટલો જ કે એ તને સારો માણસ માને છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એટલે તારી સાથે ફરવાની મારામાં પાત્રતા છે એટલું તો તારાં માતાપિતાના મનમાં નક્કી થઈ ગયું, ખરું જ ને ?’

‘હા; અને એ માન્યતા સાચી પાડવી એ તારા હાથમાં છે.’

‘જે હાથને તું તરછોડી કાઢે છે… જ્યોત્સ્ના ! હવે સમજ કે મને તારી સાથે આવવા દેવામાં તારાં માતાપિતાનો કયો ગૂઢ ઉદ્દેશ રહેલો હશે તે.’

‘મને ગમે ત્યાં સુધી તું મારી સાથે ફરે એ ઉદ્દેશ; બીજું શું ?’

‘એથી વધારે બીજું કાંઈ જ નહિ ?’ મધુકરે આશ્ચર્ય દર્શાવતાં પૂછ્યું.

‘એથી વધારે તું જાણતો હોય તો કહે.’ જ્યોત્સ્નાએ વાત ટૂંકાવવા કહ્યું.

‘એનો અર્થ તને ગમે એવો છે. તારાં માતાપિતા ઇચ્છે છે કે તું જલદી યોગ્ય યુવાનને પરણી જા.’ યોગ્ય શબ્દો ઉપર યોગ્ય ભાર મૂકી મધુકરે કહ્યું.

‘દીકરીનાં માબાપની એ સતત ઈચ્છા હોય છે.’ જાણે એ અર્થમાં કંઈ મહત્ત્વ ન હોય એમ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘અને તે કોની સાથે તે કહું ?’ ઊર્મિલતા દર્શાવી મધુકરે કહ્યું.

‘જરૂર.’ જ્યોત્સ્ના નમ્ર બનતી લાગી.

પોતાનો હુમલો આ મોરચે સફળ થશે એમ ધારી જરા નાટકી ઢબે જ્યોત્સ્નાનો હાથ ખેંચી, પકડી, હલાવી મધુકરે કહ્યું :

‘તો હાથ મિલાવ, જ્યોત્સ્ના ! તારાં માબાપ ઇચ્છે છે કે તારાં લગ્ન મારી સાથે થાય.’

જ્યોત્સ્ના મધુકરના હાથમાં હાથ રહેવા દઈ જરા હસી અને મધુકરની પાછળ નજર નાખી તેણે હસતે હસતે કહ્યું :

‘હલો, શ્રીલતા ! તું ક્યાંથી ?’