સ્નેહસૃષ્ટિ/નાગચૂડ
← સ્વપ્નમાં સત્ય | સ્નેહસૃષ્ટિ નાગચૂડ રમણલાલ દેસાઈ |
પ્રેમવૈચિત્ર્ય → |
પ્રતિમા ખરેખર તેને જ બોલાવતી હતી અને તે સુરેન્દ્રની પોતાની જ પ્રતિમા ! કેટલી એ વિશાળકાય પ્રતિમા હતી ! પાંચ સુરેન્દ્રોને ભેગા કરે તો આ પ્રતિમા બરોબર કદાચ થઈ શકે. પરંતુ તે પોતે તો એકલો જ – એક જ સુરેન્દ્ર હતો. પાંચ સુરેન્દ્રો મળે તો માનવજાતનું પરિવર્તન ન થાય ? સુરેન્દ્ર ઘણી વાર વિચારતો હતો કે પાંચ ગાંધી, પાંચ લેનીન અને પાંચ માઓત્સેતુંગ મળે તો માનવ બદલાય અને આજના કરતાં વધારે સુખી થાય ખરી. એણે કદી એવો ઘમંડ સેવ્યો ન હતો કે પાંચ સુરેન્દ્રો મળે તો જગત બદલાઈ જાય… છતાં દુનિયા તો બદલાઈ ગઈ છે ! અને તેની પોતાની પ્રતિમા તો તેની સામે ઊભી ઊભી તેના નામ સાથે તે પોકારી રહી છે !
તેની સાથે આવેલી સ્ત્રી-સંચાલિકાને તેણે પૂછ્યું :
‘શું, આ પ્રતિમા બોલે છે ખરી ?’
‘ના જી. આજે જ એ ચમત્કાર થયો ! અને અમારી નવી દુનિયા ચમત્કારમાં કદી માનતી જ નથી. હું હમણાં જ અમારા વિજ્ઞાનવિદોને ફોન કરી અહીં બોલાવું છું અને પ્રતિમાએ ઉપજાવેલા ચમત્કારનાં હું શાસ્ત્રીય ઢબે કારણ શોધી કઢાવું છું.’
મૂર્તિ હતી અને ફરી તેણે બૂમ પાડી: ‘સુરેન્દ્ર !’ એટલું જ નહિ પરંતુ તેને કાને ખખડાટ પણ સંભળાયો અને એકાએક તેનો હાથ તેની આંખ ઉપર દબાયો. ખખડાટ હજી ચાલુ જ હતો અને ‘સુરેન્દ્ર’ એવાં સંબોધનો સંભળાયા જ કરતાં હતાં. આંખ ઉપરથી તેણે હાથ હઠાવી લીધો. તેની આંખ ખૂલી ગઈ અને તેણે એક બીજો ચમત્કાર જોયો. તેનું પોતાનું જૂનું વીસમી સદીનું નાનકડું મકાન અને તેની સાધનહીન પરંતુ માતૃત્વભરેલી માતા તેની સામે ઊભેલી દેખાઈ.
તો શું એકવીસમી સદીની નવી દુનિયા પાછી ખસી ગઈ ? કે વીસમી અને એકવીસમી સદીની વચમાં તે પછડાયા કરતો હતો ? ફરી તેણે અવાજ સાંભળ્યો : ‘સુરેન્દ્ર ! એ અવાજ પ્રતિમાનો ન હતો; પ્રતિમા અદૃશ્ય થઈ ગઈ હતી. એ સાદ તેની માતાનો હતો. માતા એટલે જ પાંચ સુરેન્દ્ર ! નહિ ? આ માતા ન હોત તો સુરેન્દ્ર સુરેન્દ્ર બની શક્યો ન હોત. એ જ માતા એને પાંચ સુરેન્દ્રનું બળ આપી રહી હતી !
‘હજી સૂઈ રહેવું છે ભાઈ ?’ માતાએ આગળ પૂછ્યું.
‘ના મા ! હું હવે બેઠો થાઉં છું.’
‘તબિયત કેવી છે તારી ? હું તો ચિંતાથી મરી ગઈ. કોઈ દિવસ નહિ અને આજે આટલું ક્યાંથી સૂતો ?’ માએ કહ્યું. અને સુરેન્દ્રના કપાળ ઉપર માતાએ હાથ મૂક્યો, અને તેની આંખમાં એકાએક ચિંતા વ્યક્ત થઈ :
‘દીકરા ! તાવ છે.’ માએ કહ્યું.
‘હોય નહિ, મા ! મને કદી તાવ આવે જ નહિ. મને તાવ નહિ પણ સ્વપ્ન આવ્યું લાગે છે.’ કહી સુરેન્દ્ર પથારીમાં બેઠો થઈ ગયો. ખરેખર તેને ખાતરી થઈ ગઈ કે તેણે જે એકવીસમી સદીનું દૃશ્ય જોયું તો માત્ર સ્વપ્ન જ હતું. એ સ્વપ્નની ગૂંચવણે તેના દેહની ઉષ્મા વધારી દીધી હતી. તેનો એક બીજો પણ સિદ્ધાંત હતો કે તેણે કદી દુર્બલ દેહી ન બનવું, અને માંદા તો કદી પડવું જ નહિ ! સ્વયંવરમાં ગરીબીને વરનાર માનવીથી માંદગીની મોજ કદી મેળવી શકાય નહિ.
ધીમે ધીમે તેને સમજાયું કે તે રોજ પાંચ વાગે ઊઠતો. આજ તે બે કલાક વધારે સૂઈ ગયો હતો. બહાર અજવાળાં થઈ ગયાં હતાં. એકવીસમી સદીનું દૃશ્ય દેખાડનાર રાત્રિએ તેને જાગૃત કરી એટલું જ દેખાડ્યું કે આજ સવારમાં તેની પાસે એક પૈસો પણ હતો નહિ. પાછું કોઈ ‘ટ્યૂશન’ શોધી કાઢવું પડશે એવો વિચાર કરી રહેલો સુરેન્દ્ર જાણતો હતો કે બેત્રણ સઘન કુટુંબોએ તેને થોડા દિવસ પહેલાં બાળકોના શિક્ષણનું કાર્ય કરવા જણાવ્યું હતું. એ બેત્રણ કુટુંબોમાં જઈ પોતાને શિક્ષણકાર્ય કરવાની જરૂરિયાત છે એમ કહેવું એ તેને માટે હવે એકનો એક માર્ગ રહ્યો દેખાયો. કોણ જાણે કેમ, તેને હાથમાં પૈસો રાખવો ગમતો જ નહિ. જેની પાસેથી કોઈ પણ પૈસો મળે એવું સાધન હતું તે સહુના પૈસા તેના મત પ્રમાણે કલંકિત હતા; અને કલંકિત પૈસામાંથી તેણે પોતે ભાગ મેળવીને ગુજરાન ચલાવવાનું હતું ! તેને કેટલીય વાર વિચાર આવતા અને તેના કેટલાય મિત્રો તેનામાં એ વિચાર પ્રેરતા કે એક વાર સારી રીતે ધન મેળવી લઈ, ધનની જરૂરિયાતથી પર બની, તેણે સેવાકાર્ય આદરવું - જો એ સેવાકાર્ય તેણે સફળ કરવું હોય તો ! પરંતુ ધન ભેગું કરવા જતાં અને ધન ભેગું થઈ ગયા પછી તેના હાથમાંથી સેવાનો આખો પ્રદેશ ઊડી જાય એવો તેને સતત ભય રહેતો. એટલે તેણે કદી એ માર્ગને પોતાનો માર્ગ ગણ્યો જ નહિ. બાકી રહ્યો એક જ માર્ગ, કે કલંકિત પૈસા પણ જેટલા બને એટલા ઓછા લઈ પોતાનું ગુજરાન કર્યે જવું અને સમય તથા શક્તિનો મોટો ભાગ પોતાનાં નહિ પરંતુ પારકાનાં ગુજરાન સાધનો વધારવામાં ગાળવો.
તેણે ઘરમાં માતાને પૂછી જોયું. આજના દિવસ પૂરતું ઘરમાં સાધન હતું. સુરેન્દ્ર આસ્તિક હોત તો તે આવતી કાલની ચિંતા પ્રભુ ઉપર છોડી દેત. પરંતુ આળસુ ભક્તોની - અનુત્પાદક સાધુઓની ચિંતા કરતા અશાસ્ત્રીય ઈશ્વરની કલ્પનામાં સુરેન્દ્ર રાચે એમ ન હતું. તેણે હવે ઈશ્વરને બાજુએ મૂકી આવતી કાલના પોતાના ગુજરાન માટે પ્રયત્ન કરવો રહ્યો. જે કુટુંબોએ તેને શિક્ષણ આપવા આમંત્રણ આપ્યું હતું તે કુટુંબો તરફ જવાનો તેણે નિશ્ચય કર્યો. પરંતુ ત્રણે જગાએથી તેને કહેવામાં આવ્યું કે જે તે કુટુંબે. શિક્ષકો રાખી લીધા હોવાથી હવે તેમને સુરેન્દ્રની શિક્ષક તરીકે જરૂર ન હતી.
તે એક સહજ ઓળખીતા પત્રકારની કચેરીમાં ગયો. સરકારી નોકરી ન સ્વીકારનાર અગર ન મેળવી શકનારને શિક્ષક કે પત્રકારનો પ્રદેશ કદાચ સંગ્રહી શકે. સુરેન્દ્રને પત્રના અધિપતિએ બોલાવ્યો તો બહુ માનસહ, પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે સુરેન્દ્ર રાવબહાદુરના ઘરની કે જીવનની કોઈ જાહેરાત લીધા વગર આવ્યો છે અને ઉપરથી વળી નોકરી માગી રહ્યો છે, ત્યારે તેમનું સુરેન્દ્ર માટેનું માન એકાએક ઘટી ગયું, અને પત્રની કચેરીમાં તેને માટે જગા હતી નહિ અને સુરેન્દ્ર સાથે વધારે લાંબો સમય ગાળવાનો સમય અધિપતિને હતો નહિ એવું સૂચન તેમણે અર્ધ સ્પષ્ટ વાણી અને પૂર્ણ સ્પષ્ટ અભિનયથી કરી દીધું.
સુરેન્દ્ર એ સૂચન ગ્રહણ કરીને પાછો ફર્યો. એક ક્ષણ માટે તેને એમ પણ વિચાર આવ્યો કે તે પહેલી રાત્રે મળેલા સાધુ પાસે જઈ વગર કમાણીએ જીવવાના પ્રયોગની કૂંચી તેમની પાસેથી શીખી લે ! હિંદુસ્તાનના સાધુઓએ જે કાંઈ સેવા કરી હોય, કે ધર્મ સાચવ્યો હોય કે બોળ્યો હોય, તેની સુરેન્દ્રને ચિંતા ન હતી. તે માત્ર તેમની તરફેણમાં એટલું તો શીખી શક્યો હતો કે વગર પૈસે ચરિતાર્થ ચલાવવાની કળા કોઈને પણ સાધ્ય હોય તો તે હિંદુસ્તાનના સાધુઓ પાસે છે ! જે યુગને ધર્મ સાચવી રાખવો હતો. તે યુગને માટે એ સઘળું શક્ય હતું જ. હવે નવીનતાભરી સૃષ્ટિમાં નવીન ફેરફાર કરવા હોય તો નવીન સાધુઓએ પણ આ કળા શોધી કાઢવી રહી. છતાં એ સાધુ પાસે ન ગયો અને ઘેર પાછો આવ્યો. ઘર આગળ ચિઠ્ઠી લઈ એક માણસ તેની રાહ જોતો ઊભો જ હતો. તેણે સુરેન્દ્રના હાથમાં ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીમાં તેને એક આમંત્રણ મળ્યું હતું. એ આમંત્રણ શહેરના બીજા વિખ્યાત ધનિકનું હતું. અર્થશાસ્ત્રના એક પણ સિદ્ધાંતનો અભ્યાસ કર્યા વગર ધનિક થઈ ચૂકેલા આ ગૃહસ્થને એવી ઈચ્છા હતી કે તેઓ અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે અને તે પણ ચાણક્યના નીતિશાસ્ત્રથી માંડી માર્ક્સવાદ સુધીની બધી જ આર્થિક સંભાવનાઓ ટૂંકામાં સમજી જાય ! એ સમજાવવા માટે તેમને સુરેન્દ્રના નામનું સૂચન થયું હતું એટલે સુરેન્દ્રે જઈ તેમને મળવાની સૂચના એ ચિઠ્ઠીમાં હતી.
સુરેન્દ્રને એક પ્રકારનો આનંદ તો થયો જ. કદાચ આમાંથી તાત્કાલિક પોષણનું સાધન મળી જાય એમ પણ એને લાગ્યું - અને તે સાથે જ એનો આનંદ ઓસરી ગયો. જે ધનિકતા આજની દુનિયામાં નાગચૂડ બનીને બેસી ગઈ છે એ ધનિકતાને ધનનું શાસ્ત્ર સમજાવવા નાગચૂડનો સામનો કરનાર સુરેન્દ્રને જ જવાનું શું ? સુરેન્દ્રને બૌધ ધર્મ તોડનાર મહામીમાંસક આચાર્ય કુમારિલ ભટ્ટનું દૃષ્ટાંત યાદ આવ્યું. બૌધ ગુરુની પાસેથી બૌદ્ધ માર્ગના સિદ્ધાંતો શીખી કુમારિલ ભટ્ટે બૌધ માર્ગનું ખંડન કર્યું - સાથે સાથે ગુરુદ્રોહનું પાપ કર્યા બદલ ડાંગેરનાં છાલાંને સળગાવી કુમારિલ ભટ્ટ એમાં બળી મરી પ્રાયશ્ચિત્ત કરતા હતા ! સુરેન્દ્રને એક જ આ આશ્વાસન લેવાનું હતું. દુનિયાનું ધન ઉજાળવા તે ઇચ્છતો ન હતો. પરંતુ ધન એકહથ્થુ કરી લેનાર - ધનને કેદમાં પૂરનાર - માનવ લક્ષ્મીને પોતાના કિલ્લામાં ગુલામ બનાવનાર થોડા ધનિકોનાં કદનાં તાળાં એ ખોલી નાખવા માગતો હતો - અને તે પણ સામ્યવાદીઓની હિંસક ઢબે નહિ જ. હિંસા કરીને જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત થાય એની સાથે હિંસા ચોંટીને જ આવવાની, અને એ હિંસા જીવવાની જ. ધનનો એકમાર્ગી ઢગલો પણ એક પ્રકારની હિંસા જ છે ! તે નિરુપયોગી ઢગલાને ઉપયોગમાં આવે એવી ઢબે વેરવાની યોજના એ વિચારી રહ્યો હતો – જે યોજનાનો પ્રથમ પાયો તો એ જ હતો કે તેણે અંગત રીતે ધનસંચય કરવો જ નહિ ! છતાં દેહને સજીવન રાખવા માટે જેટલું આવશ્યક પોષણ જોઈએ તેટલું પોષણ મેળવવા તેણે પ્રયત્ન કરવાનો હતો જ. પાપના ઢગલામાંથી પણ જીવવા માટે તેણે ચપટી ભરીને માપ તો લેવું જ પડવાનું ! કુમારિલ ભટ્ટની માફક તે જીવનભર ડાંગરનાં છોડાંમાં પોતાના દેહને બાળ્યા જ કરશે - સમગ્ર ઈદ્રિયસુખનો ભોગ આપીને ! આ વિચારમાં અને વિચારમાં તેણે માતાની સાથે શી વાતચીત કરી. તે શું જમ્યો, એણે બહાર નીકળીને પોતાની બેકારીના નિવારણ માટે પગલાં ભરવાનાં હતાં, એ બધી વિગતો તે અત્યારે ભૂલી ગયો અને તેની નજર સામે ધનની નાગચૂડ જ સતત આવ્યા કરી. ધનની નાગચૂડ ક્યાં ક્યાં ન હતી ?
એ જમતો હતો એ અનાજ ઉપર ધન ફણા માંડી બેઠું હતું.
તે જે મકાનમાં રહેતો હતો તે મકાનનું ભાડું નાગની જીભ બનીને સળક્યા કરતું હતું !
પ્રેમ ઉપર પણ નાગની આંખો હીરાની માફક ચમક્યા કરતી હતી ! શ્રીલતા જેવી અદ્ભુત આકર્ષક યુવતીને બાજુ ઉપર મૂકી મધુકર ઠંડી જ્યોત્સ્ના તરફ ઉષ્મા પ્રગટાવવા મથતો હતો એમાં પણ પ્રેમ કરતાં ધનનું જ આકર્ષણ વિશેષ હતું ને ! નાગને માથે મણિ હોવાની કલ્પના ધનને જોતાં જ આવવી જોઈએ !
પરંતુ ધન છોડી, ઝૂંપડીમાં આવી વસવાની તૈયારી બતાવતી જ્યોત્સ્નાના પ્રેમને સુરેન્દ્ર પોતે જ હડસેલતો હતો એમાં પણ ધનની નાગચૂડનો જ એને ભય હતો ને ? જ્યોત્સ્ના ધનિકની દીકરી ન હોત તો સુરેન્દ્ર એને જરૂર ચાહી શક્યો હોત. આમ ધન સામી બાજુએથી ભય ઉપજાવીને પણ પ્રેમને શોષી લે છે; એનું નામસ્વરૂપ તો જરાય હસતું છે જ નહિ.
પરંતુ ખરેખર સુરેન્દ્રનો પ્રેમ જ્યોત્સ્ના પ્રત્યેથી ખેંચાઈ-શોષાઈ ગયો છે ખરો ? જ્યોત્સ્ના ધનિક છે છતાં તે જ્યોત્સ્નાને ચાહતો નથી એમ એ ખરેખર કબૂલ કરી શકે ખરું ?
ના; તે જ્યોત્સ્નાને જરૂર ચાહતો હતો - માટે જ તે જ્યોત્સ્નાને પોતાના સરખા એક કૃતનિશ્ચયી અધનિક સાથે પ્રેમ કરતાં અને એ પ્રેમના પરિણામરૂપી લગ્નમાં ખેંચાતાં અટકાવતો હતો !
જ્યોત્સ્ના મધુકરને પરણી જાય તો ! સુરેન્દ્ર એક રીતે જરૂર રાજી થાય - જેને ચાહે છે તેનું સુખ તે એથી સાચવી આપતો હતો.
પરંતુ એને એક વાત જરૂર ખૂંચતી હતી ખરી જ કે મધુકર જેવો ચબરાક, છતાં માત્ર પ્રેમને પણ પોતાની કારકિર્દીનું પગથિયું બનાવનાર મધુકર સાથે જ્યોત્સ્ના - અગર કોઈપણ સ્વમાની સ્ત્રી ભાગ્યે જ સુખી થઈ શકે! અને પ્રેમને ખાતર ધનને જતું કરવા તૈયાર થયેલી જ્યોત્સ્નાની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો એમ ન કહી શકાય કે ધનની નાગચૂડ પ્રેમને ગૂંગળાવી શકતા નથી ? નહિ તો જ્યોત્સ્ના તેની માતા પાસે જઈ શા માટે સો રૂપિયા આપવાની વૃત્તિ ઉપજાવે ? કેટલાંક જૂઠાણાંની પાછળ પુષ્પ સરખી સ્વચ્છ સુવાસ હોય છે ! નહિ ?
કદાચ પ્રેમ એ ઘેલછા હોય તો ? પ્રેમ એ માત્ર ભૌતિક આકર્ષણ હોય તો ? સાચો પ્રેમ જેને કહેવામાં આવે છે એ જરૂર ઘેલછા તો છે જ; પરંતુ એ જ પ્રમાણે પ્રેમને પણ બાજુએ ખસેડી આદર્શસિદ્ધિ માટે સર્વાર્પણ કરવા મથતા સુરેન્દ્રની ભાવના એ પણ એક પ્રકારની ઘેલછા જ કહી શકાય ને ? પરંતુ એ ઘેલછા સુરેન્દ્ર પોતાની બનાવી ન લીધી હોત તો ભારતના સેંકડો શિક્ષિત યુવાનોની માફક એ પણ ટેબલખુરશી ઉપર બેસી કચેરીનો કારકુન કે સાહેબ બની શક્યો હોત; સાચજૂઠના ભેળમાંથી ધનના ફુવારા પોતાની આસપાસ ઉરાડતો, અદાલતો ધ્રુજાવતો એ વકીલ પણ બની શક્યો હોત. અગર જનતાના રોગરાઈમાંથી રંગીન બંગલાઓ અને આરોગ્યધામો બનાવતો ડૉક્ટર બની શક્યો હોત. - જેના આરોગ્યધામના દરવાજા ગરીબો સામે બંધ જ હોય છે ! અગર તે લવારે ચઢેલો નેતા, આંગળી ઊંચી કરતો ધારાસભ્ય કે સીસાના પાયા ઉપર ગોઠવાયેલી, કદી પણ હાલી ન શકે એવી ખુરશીની બનાવટમાં મશગૂલ બનેલો કોઈ પ્રધાન બની શક્યો હોત.
પરંતુ એથી ધનનો ઢગલો જરાય વેરાયો હોત ખરો ? આજની આર્થિક નાગચૂડ જરાય ઓછી સખત થઈ હોત ખરી ?
ના. કદાચ એણે પોતે જ ચાલતા પ્રવાહોમાં તરીને એ નાગચૂડને એક વધારે વળ આપ્યો હોત. તેના આદર્શે તેને એક સંતોષ તો આપ્યો જ : ધનની નાગચૂડ વધારવામાં તેનો જરાય ફાળો આજની દુનિયાને મળતો નથી - અને મળશે નહિ !
આમ પ્રેમ એ નાગચૂડથી પર છે, ભાવના અને સાધના પણ નાગચૂડથી પર છે. એ નાગચૂડથી પર રહેલાં તત્ત્વો એકત્રિત થાય તો ?
એ કયાં કયાં તત્ત્વો હશે કે જે ધનની નાગચૂડથી પર રહી શકે છે ?
તે પોતે ચોપડી હાથમાં લઈ સાદડી પર બેઠો બેઠો આ વિચારો કરી રહ્યો હતો તેનો તેને ખ્યાલ પણ રહ્યો નહિ અને તેની માતાએ તેનું અર્ધ ખુલ્લું બારણું સહજ ખટખટાવી અને પછી ઉઘાડી સ્મિત સહ કહ્યું :
‘સુરેન્દ્ર ! પછી… તારે બહાર જવું નથી ? તું કહેતો હતો ને કે તને કાંઈ બીજી નોકરી મળવાની છે ? અને તારે એ માટે કોઈક સ્થળે જવું છે ?’
‘હા, મા ! એ તો વાત જ હું ભૂલી ગયો !’ કહી સુરેન્દ્ર ઊભો થયો. બપોરના ત્રણ વાગી ગયા હતા અને ચાર વાગે તેને શેઠસાહેબે બોલાવ્યો હતો - અને તે પણ અર્થશાસ્ત્ર સમજવા માટે ! અર્થશાસ્ત્રનો પહેલો સિદ્ધાંત એ કે સામાન્ય જનતાથી જેટલા બને એટલા દૂર રહી સામાન્ય જનતાને અડચણમાં નાખવાના બધા જ ઈલાજો લેવા ! ધનિકતાની એ પ્રથમ શિખામણ ! એક કલાક તો એને ચાલીને જતાં થાય એમ હતું. ગાડી અને બસભાડાના પૈસા આજ એની પાસે ન હતા. તે બહાર નીકળ્યો. કોણ જાણે કેમ, તેણે ઘર તરફ પાછળ નજર નાખી. તેની માતા હજી બારણામાં ઊભી ઊભી તડકે બહાર નીકળી ચૂકેલા પોતાના પુત્રને એકીટસે નિહાળી રહી હતી.
સુરેન્દ્રે વિચાર કર્યો :
પ્રેમ એટલે ?
માતૃપ્રેમ પણ એ પ્રેમ જ ને ? એને પણ નાગચૂડ ક્યાં અડકી શકી છે ?