સ્નેહસૃષ્ટિ/મધ્યમ વર્ગનાં ગૃહ
← સમજની શરૂઆત | સ્નેહસૃષ્ટિ મધ્યમ વર્ગનાં ગૃહ રમણલાલ દેસાઈ |
યુવાન મધુકર → |
સુરેન્દ્ર આવ્યો કારમાં. પણ કોની કાર ? જ્યોત્સ્નાની ?… અરે નહિ, જ્યોત્સ્નાના પિતાની એ કાર ! ધનિકોનાં બાળકોને નિર્ધન બાળકો કરતાં વધારે મોટા હક્ક ! અને સરખા હક્ક તથા સરખી તકની મિથ્યા વાતો જગતભરના રાજદ્વારીઓ કર્યે જાય છે. અને પોતાના હક્ક અને પોતાની તક નિશ્ચિત કરી લાવે છે ! હક્ક એટલે ? સુખ વેચાતાં લેવાનાં સાધન ! માબાપ ધનિક હોય તેથી તેમનાં બાળકોને સુખસાધન વધારે શા માટે હોવાં જોઈએ ? ધનનો અસમાન વિસ્તાર માનવહૃદયમાં વિષભર્યા નાગને જન્માવે છે - ગરીબોનાં હૃદયમાં તેમ જ ધનિકોના હૃદયમાં ગરીબોનાં હૃદય અસંતોષ અને અસૂયાથી ઊભરાય; ધનિકોનાં હૃદય ગર્વ અને ઘમંડથી ઊભરાય… એ ઝેરભર્યા જગતમાં સુખ ક્યાંથી હોય ?
સ્વચ્છ કારને અંદર બેસનારના હૃદયની શી પરવા ? પગે ચાલતી માનવતાની મશ્કરી કરતી કાર સુરેન્દ્રને એના ઘર તરફ ઘસડી જતી હતી. એના ઘર ભણી બહુ કાર આવતી જતી પણ નહિ. જે કાર આવતી તે સહુ પાસેથી આશ્ચર્ય અને માનની ખંડણી ઉઘરાવતી ચક્રવર્તી સરખી ચાલી જતી હતી. એના ચક્રને સહુએ માન આપવું જ પડે અને એને માર્ગ આપવો જ પડે. નહિ તો ?
ઊંઘમાંથી ચમકાવીને જાગૃત કરતું હૉર્ન વિશ્વના કર્કશ અને કઠોર સૂરનો એક અજબ નમૂનો જન્માવી પગે ચાલતી જનતાને ચોંકાવે અને ચેતાવે ! સુરેન્દ્ર પણ એવા જ કોઈ હૉર્નના અવાજથી ચોંકી ઊઠ્યો. કારના માલિકથી ચોંકી શકાય નહિ. પરંતુ સુરેન્દ્ર મિલમાલિક ન હતો. માલિકની મહેરબાની અનુભવતો એ ભિક્ષુક હતો ! કોઈની પણ કૃપા ઉપર જીવવું એનું જ નામ ભિક્ષુકવૃત્તિ. શા માટે એ જ્યોત્નાની કારમાં બેસીને આવતો હતો ? ફરીને હૉનર્નો કર્કશ અવાજ તેને કાને પડ્યો અને ડ્રાઇવરની ક્રોધભરી ભાષા પણ તેણે સાંભળી : ‘લોકોને ચાલવાનું ભાન જ નથી !’
પગે ચાલવાની ટેવવાળી અસંખ્ય જનતાને ચાલવાનું ભાન ક્યાંથી હોય ? કારમાં બેસનારની સગવડ સચવાય એવી રીતે ચાલતાં જનતાને શીખવવાની જરૂર પણ ખરી ! અને શિક્ષણમાં ચમકાવવાનો કાર્યક્રમ પણ યોજી શકાય ! ચમચમાટની શિક્ષણયોજના બહુ જૂની અને અનુભવમાં મુકાઈ ચૂકેલી છે. માત્ર સુરેન્દ્રને આવાં કર્કશ વાદ્યો સાંભળતાં એક જ વિચાર આવતો : ‘આવી સારી દેખાતી ગાડીને આવાં બિહામણાં ચમકાવનારાં ભૂંગળાં શોભે ખરાં ?’
કોઈ પૌર્વાત્ય સંસ્કૃતિના કલાધરે કાર ઉપજાવી હોત તો એના ભૂંગળામાં જલતરંગના સૂર કદાચ ઉપજાયા હોત !
એકાએક ગાડી અટકી. રાત્રિના સમયે પણ કારની મહત્તા પિછાનવા લોકો આસપાસથી કાર તરફ નજર નાખવા લાગ્યા. કારમાં બેસનારના મહત્વ પ્રમાણે જ શૉફર પણ પોતાનો અભિનય ઉપજાવે છે. સુરેન્દ્રને માટે નીચે ઊતરી બારણું ઉઘાડી સફાઈથી ઊભા રહી સલામ કરવાની જરૂર શૉફરને લાગી નહિ. સુરેન્દ્રનું ઘર આવ્યું; ગાડી ઊભી રહી; પોતાની મેળે બારણું ખોલી સુરેન્દ્ર નીચે ઊતર્યો; બારણું બંધ કર્યું અને આભાર માનવાની સુરેન્દ્રને તક મળે તે પહેલાં શૉફરે ગાડી ઉપાડી લીધી. ક્ષુધા, તૃષા અને પ્રેમ જેવાં ત્રણે માનવલક્ષણો શૉફરને હોય જ ને ? મફત બેસનારનું આભારદર્શન જોવા સાંભળવાની ફુરસદ મેળવવી શૉફરોને ન જ પાલવે ! ક્ષણ માટે સુરેન્દ્રને એમ થયું કે કારને એ સળગાવી દે ! બીજી જ ક્ષણે તેણે વિચાર કર્યો : કારને નહિ, સુરેન્દ્રે પોતાની જાતને સળગાવી મૂકવી જોઈએ !
સુરેન્દ્રે ધીમે રહીને પોતાના ઘરનું બારણું ખોલ્યું. માથે છત્ર આપે એનું નામ ઘર ! અંદર સાંકળ વાસેલી ન હતી. ચોરી અને લૂંટનો ભય ગરીબોને નહિ જેવો જ હોય છે એટલે તેમનાં મકાનોને બંધ કરવાની ચીવટાઈ ભરી યોજના ગરીબો અમલમાં મૂકતાં નથી. નાનકડી ઓરડીમાં નાનકડો દીવો બળતો હતો, ફર્નિચરનો એ ઓરડીમાં બિલકુલ અભાવ હતો. બેત્રણ ચટાઈઓ પાથરેલી હતી; એને ફર્નિચર કહી શકાય નહિ. ચકચકતાં સ્વચ્છ થોડાં વાસણો ઓરડીનો શૃંગાર બની રહ્યાં હતાં. ચટાઈ ઉપર બે ગોળ તકિયા પણ હતા, કેટલાંક પુસ્તકો એક પેટી ઉપર પડેલાં હતાં. સ્વચ્છતા પૂરી હતી; પરંતુ એ સ્થળને ધનિકપણાની કે શોખની કોઈ નિશાનીથી વિભૂષિત કરવામાં આવ્યું ન હતું.
એક ચટાઈ ઉપર બેઠેલી સુરેન્દ્રની માતા તે જ ક્ષણે દીવા પાસે એક વાટવો ખાલી કરી રહી હતી. વાટવામાંથી થોડા પૈસા,આના અને બેત્રણ રૂપિયા નીકળી બહાર પડ્યાં. સુરેન્દ્રે ધીમે રહી બારણું બંધ કર્યું. પરંતુ માતાને ખબર ન હતી કે સુરેન્દ્ર ઘરમાં આવી તેની પાછળ શાંતિથી ઊભો રહ્યો હતો.
માતાએ એકાએક માથે હાથ મૂક્યો અને તેનાથી બોલાઈ ગયું :
‘હવે આ છેલ્લી મિલકત !… છોકરાના બાપ અદૃશ્ય થયા… છોકરાને ભણાવ્યો… એ ભણ્યો… પણ એને કમાવું નથી… સેવા…’
‘મા ! એટલું જરૂર કમાઈશ કે જેમાંથી તારી સેવા તો થઈ જ શકે !’ પાછળ ઊભેલા સુરેન્દ્રે માને વાક્ય પૂરું કરવા ન દેતાં કહ્યું.
પુત્રનો અણધાર્યો પ્રવેશ અને માતાના ઉચ્ચારણનું શ્રવણ માને ચમકાવી રહ્યું. પુત્ર હજી સુધી આવ્યો નહોતો. એની ચિંતા તો હતી જ; તેમાં એ માતાનું દુઃખ સાંભળી ગયો ! હજી સુધી માતાએ પોતાની આર્થિક વિટંબણા અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો - પુત્રના દેખતાં. પુત્ર પોતાની ગરીબી ન સમજે એવો પણ ન હતો. પુત્રના ભણતર પાછળ માતાએ પોતાનાં ઘરેણાં કેમ કાઢી નાખ્યાં હતાં તેની પુત્રને ખબર હતી જ. સમજ પડવા માંડી ત્યારથી પુત્રે પોતાનો અભ્યાસ સુધારી દીધો હતો અને એને આર્થિક દૃષ્ટિએ લાભકારક બનાવ્યો હતો. પરીક્ષામાં ઊંચે સ્થાને આવી શિષ્યવૃત્તિઓ મેળવવી; હળવા વર્ગના વિદ્યાર્થીઓને ભણાવી તેમાંથી નાની નાની રકમો પ્રાપ્ત કરવી; જરૂર પડ્યે કોઈ કારખાનામાં જઈ રજાના દિવસોમાં કામ કરવું; એવી એવી યોજનાઓમાંથી તેને આછી રકમ મળી રહેતી અને તેવી રકમમાં જ પોતાનો શોખ પૂર્ણ કરવાની તેને ટેવ પડી હતી . જોકે શોખ કહી શકાય એવી એકે ટેવ હજી સુધી સુરેન્દ્રને પડી ન હતી. સારા ભણતરની પૂર્ણાહુતિ પછી ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતામાં સુરેન્દ્ર હવે પડ્યો હતો. એને સરકારી નોકરી કરવી ન હતી; જે પગાર પોતાની જરૂરિયાત કરતાં વધારે પડતો હોય એવો પગાર આપતી નોકરી પણ તેને કરવી ન હતી. છતાં કાંઈ પણ કર્યા વગર પોષણ થાય એવી સ્થિતિ તેની રહી ન હતી એ સુરેન્દ્ર જાણતો હતો. અને માતાના કથનથી તેની એ ખાતરી પણ અત્યારે થઈ ચૂકી ! આજે જ તેને જ્યોત્સ્નાના શિક્ષકનું સ્થાન મળ્યું હતું એટલે એણે માતાની ચિંતાનો જવાબ આપ્યો. અણધાર્યા જવાબથી ચમકી ઊઠેલી માતાએ કહ્યું :
‘હાય,હું તો ચમકી ગઈ !… દીકરા ! બધું કરજે. પણ રાત્રે મોડો ન આવીશ ! મારી આંખ… મારો જીવ તું જ છે… ક્યાં આટલી વાર કરી ? બેસ પાસે… તારે ચિંતા કરવાની ન હોય, હું બેઠી છું ત્યાં લગી.’ માતાએ કહ્યું.
‘મા ! કમાણીનો એક માર્ગ હું શોધી લાવ્યો.’
‘એમ ? શો માર્ગ છે એ ? ભણ્યો છે તો સારું… કાંઈ સારી અમલદારી…’
‘મા ! અમલદારી તો લેવી જ નથી.’
‘તારા બાપે પણ ન લીધી અને તું પણ નથી લેતો. શું કર્યું એ તો કહે ?’
‘હું શિક્ષક બન્યો.’
‘જાણું છું હું કે તમને કોઈને સાહેબી આવડે જ નહિ. અંતે મહેતાજી થયો ને ? આટલું ભણીને ? છોકરાઓ સલામ કરશે કે પછી ટોપી ઉછાળશે…’
‘છોકરાઓ પણ નહિ. એક છોકરીને ભણાવવાનું છે.’
‘છોકરી ? અને તે એક જ ?’
‘હા, મા ! નિશાળમાં નહિ. કૉલેજમાં એ ભણે છે… એને ઘેર જઈ શીખવવાનું છે.’
‘હશે કોઈ પૈસાપાત્રની દીકરી.’
‘ઘણા પૈસાદાર લાગે છે. રહે છે બંગલામાં. મને મૂકવા પણ કાર મોકલી.’
‘એમ ? ધનિકોની ચિબાવલી છોકરીઓ જોડે ફાવશે તને ?’
માતાની પાસે બેસી સુરેન્દ્ર જરા હસ્યો અને બોલ્યો :
‘ચિબાવલી તો નથી - ધનિક છે તોય !’
‘કોણ હશે એ ?’
એક રાવબહાદુર છે… ગિરિજાપ્રસાદ કરીને. એમની દીકરીને ભણાવવાનું કામ માથે લીધું છે.’
‘ગિરિજપ્રસાદ ?… હં… તારા પિતાને એ ઓળખતા હતા... ભલે !’ વિચાર કરતી માતાએ કહ્યું.
પિતાના ઓળખાણનો ઉપયોગ કરવાની સુરેન્દ્રની જરાય ઈચ્છા ન હતી. એણે વાત બદલી. માતાએ તેને જમાડવાની તજવીજ કરવા માંડી; પરંતુ આજની ઉજાણીએ અને જરા વિચિત્ર અનુભવે તેની ભૂખને અદૃશ્ય કરી દીધી હતી. તે જમ્યો નહિ. સૂવાનો સમય થયો હતો એટલે એક ચટાઈ ઉપર જ સૂતો. પથારીમાં એક કદી સૂતો નહિ; તેને વહેલી નિદ્રા પણ આવતી નહિ. વાચન વગર તે કદી ઊંઘી શકતો જ નહિ. સૂતે સૂતે એક મોટું પુસ્તક હાથમાં લઈ તેણે વાંચવા માંડ્યું.
એ જ સમયે સુરેન્દ્રના નાનકડા મકાનથી થોડે દૂર આવેલા જરા વધારે સારા પરંતુ મધ્યમ સ્થિતિના મકાનમાં સુરેન્દ્રના મિત્ર મધુકરના પિતા એક હિંચકે ઝૂલતા ઝૂલતા વિદ્યુત દીપકને અજવાળે કેટલાક કાગળો જોઈ રહ્યા હતા, અને મધુકરની માતા એક તકિયો અઢેલી પાન ચાવતાં બેઠાં હતાં. ધનિકનું એ ઘર ન હતું, છતાં થોડી ખુરશીઓ પણ એ ખંડમાં પડી હતી, એકાદ મેજ પણ હતું અને વર્ષો પહેલાં સારું હોવું જોઈએ એવું દેખાતું પાથરણું પણ પાથરેલું હતું. જેને જમીન ઉપર બેસવું હોય તે જમીન ઉપર બેસી શકે, જેને ખુરશી ફાવતી હોય તે ખુરશીનો ઉપયોગ કરી શકે, અને જેને હીંચકાનો ઝોલો ફાવતો હોય તે હીંચકા ઉપર પણ બેસી શકે. એવી વિવિધ મિશ્રણવાળી સગવડ એ સ્થળમાં હતી. પિતાના મુખ ઉપર અસ્વસ્થતા હતી એટલે માતા કાંઈ પણ વાતચીતનો પ્રયોગ કરતાં ન હતાં, એ મધુકરે ઘરમાં પ્રવેશ કરતાં જ જોઈ લીધું.
મોડી રાત્રે મધુકર ઘેર આવ્યો એ પિતાએ જોયું; પરંતુ પુત્ર સામે નજર નાખવાની તેમને જરાય ઇચ્છા અત્યારે ન હતી. જીવનમાં સતત બાહોશી બતાવતા મધુકરે વાતાવરણ પરખી લીધું અને માતાને જ સંબોધન કર્યું :
‘મમ્મી ! બહુ મોડું થયું, નહિ ?’
એટલું કહી પહેરેલાં કપડાં સાથે જ તેણે માતાના ખોળામાં મસ્તક મૂક્યું અને જાણે ઘણો થાક્યો હોય તેમ તે લાંબો થઈ સૂતો. માતાનો અને પિતાનો એ લાડકવાયો પુત્ર હતો એ સાચું; પરંતુ કમાણીની કાળજીને કોરે મૂકતાં પુત્રો પિતાના લાડને પાત્ર લાંબો સમય સુધી રહેતા નથી. માતાની દૃષ્ટિ જ જુદી હોય છે. એના લાડમાં પુત્રના સર્વ દોષ ગુણરૂપ બની રહે છે; અને ગુણરૂપ ન બને તોય પૂર્ણ ક્ષમાને પાત્ર બની રહી માતાની સહાનુભૂતિને વધારે ખેંચે છે. થોડા સમયથી મધુકરનાં માતાપિતા વચ્ચે મધુકર સંબંધમાં ઠીકઠીક મતભેદ રહ્યા કરતો… અને તેનો લાભ મધુકરને લેતા સારી રીતે આવડતું. કેટલાક પુત્રોની એવી જ માન્યતા હોય છે કે તેમના પિતાએ ધનવાન હોવું જ જોઈએ. અને ન હોય તો પુત્રને ખાતર થવું જ જોઈએ. સારામાં સારી સગવડ ન આપી શકતા પિતાઓએ પિતૃત્વ ધારણ કરવું જ ન જોઈએ, અને છતાં ભૂલથી તેઓ પિતા બની જાય તો તેમની એ ભૂલ બદલ સંતાનો જે શિક્ષા કરે તે તેમણે સહન કરવી જ જોઈએ એવી સ્પષ્ટ; અસ્પષ્ટ કે અર્ધ સ્પષ્ટ માન્યતા સેવતાં બાળકોનાં માતાપિતા - અને ખાસ કરીને પિતા - પોતાના માતૃત્વ અને પિતૃત્વની ભૂલ માટે પશ્ચાત્તાપ પણ કરતાં હોય છે. પરંતુ સંતાન ઉપજાવવાની મહાભૂલ માતાપિતાના પશ્ચાત્તાપથી સુધરતી નથી !
માતાએ મધુકરના મસ્તક ઉપર હાથ મૂક્યો અને મધુકરના હૃદયમાં હિંમત આવી. તેણે ફરી લાડથી પૂછ્યું :
‘બહુ બેસી રહેવું પડ્યું, મમી ?… મારે લીધે ?’ હજી મમીનું પૂર્ણ વાત્સલ્ય ઊભરાયું ન હતું. કદાચ સાચા વાત્સલ્ય અંગે જ તેમનાથી ઠપકો પુત્રને અપાઈ ગયો. ઠપકાભરી આંખ કરી તેમણે પુત્રને કહ્યું :
‘ક્યાં આજનું જ છે… તારું મોડા આવવાનું ?’
‘જો, મમી ! કાલે હું ક્યાં મોડો આવ્યો હતો ?… પરમ દિવસનો વિચાર કર… તમારો બધાંનો જીવ જ અધીરો છે !… કોઈ દિવસ મોડું થાય છે એટલે તમને એમ જ લાગે છે કે હું નિત્ય મોડો આવું છું…’
‘ક્યાં ભટકવા ગયો હતો આજે ?’ માતાએ પુત્રને મસ્તકે હાથ ફેરવતાં પૂછ્યું. માતાની શીતળતા વધતી જતી હતી એ અનુભવી મધુકર સમજી શક્યો.
‘ભટકવા ? મેં તને નહોતું કહ્યું કે અમારી કૉલેજના મિત્રો બગીચામાં ભેગા થઈ જરા મજા કરતા હતા વાતોમાં સહજ વાર થઈ ગઈ.’
‘તમારી ટોળીઓમાં તો પાછી છોકરીઓ હોય છે ને ?’ માએ પુત્રની નીતિ વિશે ચિંતા કરી પૂછ્યું. પચાસ વર્ષ ઉપર ગુજરાત છોડી ગયેલી ગુજરાતણ ગુજરાતમાં પાછી આવે તો એને ગુજરાતનું યુવતીજીવન અદ્ભુત પલટો લેઈ રહેલું જરૂર લાગે.
‘કૉલેજમાં બધાંને ભેગાં ભણવાનું એટલે બીજું શું થાય, મમી ?’ મધુકર કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકતો હતો.
‘બળી તમારી કૉલેજ !… લાજશરમ વગરનાં બધાંય… મારા ઘરમાં તો હું જરૂર વહુને ઘૂમટો કઢાવીશ… પણ દીકરા ! હવે જરા ભટકવાનું ઓછું કરો… અને કાંઈ ધંધે લાગો !’ માતાએ કહ્યું.
માતા અને પુત્ર વચ્ચેની વાત સાંભળી રહેલા પિતા અત્યાર સુધી તટસ્થ રહેલા દેખાતા હતા. હવે તેમનાથી વધારે વાર તટસ્થતા જળવાઈ નહિ. તેમનાથી બોલાઈ ગયું :
‘ભટકવાનું એ ઓછું કરે તો આટલાં બિલ ચૂકવવાનો લાભ મને ક્યાંથી મળે ?’
‘બિલ?… બહુ થઈ ગયાં છે. આ વખત ?’
‘હું એ જ જોતો બેઠો છું… જો, દરજીના વળી પાછા દોઢસો !… આ કોઈ ઝવેરીએ વીંટીનું બિલ મોકલ્યું છે… કોણ જાણે શાની વીંટી હશે !… હૅર ઑઈલ, સૅન્ટ, સિગરેટ…’
પિતાએ ગણાવવા માંડેલી બિલની યાદી વધતી જતી સાંભળી મધુકર માના ખોળામાંથી મસ્તક ઉપાડી બેઠો થયો અને અત્યંત વિનમ્ર ભાવે બોલવાની શરૂઆત કરી :
‘પપા ! માફ કરજો. હું જાણું છું હજી સુધી હું આપના ઉપર ભારણ રૂ૫ છું તે !… મેં ક્યારનીયે નાની નોકરી લેઈ લીધી હોત અને મારા પગ ઉપર ઊભો રહેતો બની ગયો હતો… પણ મારે વિલાયત-અમેરિકા જવું છે. ઊંચી પરીક્ષા પસાર કરવી છે. અને સારી કમાણી કરી તમને શોભા આપવી… કપડાં સારાં ન પહેરું, આજની ઢબે રહું નહિ, તો મને ઊભો પણ કોણ રાખે ?… મારે કાંઈ કારકુન કે શિક્ષક બનવું નથી. પછી તો…’
પુત્રના અસરકારક ભાષણને માતા સાંભળી રહી હતી તે વચમાં જ બોલી ઊઠી :
‘ના રે દીકરા ! તારું બહેતર થતું હોય તે બધું જ કરજે. અમે વળી થોડા દિવસ દુઃખ વેઠી લઈશું. એમાં શું ?’
પરંતુ પિતાના હૃદય ઉપર પુત્રના ભાષણની જુદી જ અસર થઈ. તેમણે તો કહ્યું :
‘હું તો હવે પૈસાની બાબતમાં છેલ્લે કિનારે આવી ગયો છું. વિલાયત જ્યારે તું જાય ત્યારે ખરું. પરંતુ આ ખર્ચ હવે મારાથી ન ઊપડે. મારો ધંધો અને મારું શરીર હવે ચાલતાં નથી.’
‘લો ! છોકરાને આવું સારું ભણાવ્યા પછી હવે થાકો છો ? એને માટે કહો તો હું એક ઘરેણું વેગળું કરું… આ રહી સાંકળી ! દીકરા કરતાં શું વધારે છે ? માતાએ પુત્રની તરફેણમાં જવાબ આપ્યો, એટલું જ નહિ પોતાના ગળાની સાંકળી પણ કાઢવા માંડી. પ્રહારવ્યૂહ પુત્ર સામેથી ખસી માતાપિતા વચ્ચે રચાયો. એમાં જ સલામતી નિહાળી મધુકર ત્યાંથી ખસી પોતાના ખંડ તરફ ચાલ્યો ગયો. જતે જતે એણે પિતાનું વાક્ય સાંભળ્યું ખરું :
‘બાળકને બગાડનાર કોઈ પણ હોય તો તે તેની મા જ !’
મધકુરના પિતાની સ્થિતિ નીચે જતી હતી. કાર તો તેમને હતી જ નહિ; પરંતુ ગાડીઘોડો પણ કાઢી નાખવાં પડ્યાં હતાં. અને એ ઊતરતી સ્થિતિને લઈને જ એકબે ધનવાનોની પુત્રીઓ સાથે પોતાના પુત્રના લગ્નની ગોઠવણ કરેલી તૂટી પડી હતી એનું ભાન મધુકરને ન હતું. પરંતુ માતાપિતાને તો હતું જ. અને દીકરો વળી અવનવી છોકરીઓ ભેગો જ ફરતો હતો !
પરંતુ એ જ પિતાના પુત્રની પ્રેમગણતરીમાં પૈસો છેક ન હતો એમ નહિ.