સ્નેહસૃષ્ટિ/યુવાન મધુકર

વિકિસ્રોતમાંથી
← મધ્યમ વર્ગનાં ગૃહ સ્નેહસૃષ્ટિ
યુવાન મધુકર
રમણલાલ દેસાઈ
સ્વપ્ન →





યુવાન મધુકર


યૌવન એટલે ? મધુકરે આયનામાં પોતાનું મુખ જોઈ વિચાર કર્યો.

આકર્ષણની ભુલભુલામણીમાં ભરાયેલું બિનઅનુભવી માનસ ! દેહની અને મનની જબરજસ્ત ખેંચાણ – ઘાંટીઓમાં ચક્રાવે ચડેલું માનસ એ માન્યતા શું સાચી હશે ?

આજનું યૌવન અઢારથી ત્રીસ વર્ષ સુધી ભુલભુલામણીમાં ભટકે છે અગર વેગભર્યા વહેણમાં ખેંચાય છે. એને એ ભ્રમણ ગમે છે, ખેંચાણમાં તરવું એમાં આનંદ પણ આવે છે. અંતે એકાદ પ્રવાહપાટા ઉપર એ ચડી જાય છે અને સામાન્ય વ્યવસાયી જીવનમાં ગોઠવાઈ જઈ આયુષ્ય વ્યતીત કરે છે. યૌવન કાળમાં સામાન્યતાનો સ્પર્શ માનવીને ગમતો નથી. એને એનું ભાવિ અસામાન્ય જ લાગે છે, અને વિશિષ્ટતા પ્રાપ્ત કરવા તે ચારેપાસ ઝૂઝે છે. ઝૂઝવું એ પણ યૌવનનું જ લક્ષણ. એને માટે કશું જ અશક્ય ન હોય.

એમાંથી વિશિષ્ટતા વરે છે કોઈ વીરલાને જ; યૌવન એ જાણે છે. પરંતુ પ્રત્યેક યુવાન માને છે કે વિશિષ્ટતાના સ્વયંવરમાં વરમાળા તેને જ મળવાની છે ! મધુકરને તો ખાતરી જ હતી કે તેના ભાવિને દ્વારે તેને જ ચાંદલો કરવા માટે લક્ષ્મી જ નહિ, પરંતુ લાવણ્યદેવી રતિ અને તેજવર્તુલ દોરતી દેવી કીર્તિ રાહ જોઈ ઊભી જ રહેલી છે. યૌવનની વિશિષ્ટતામાં મોટે ભાગે પહેલું સ્થાન લક્ષ્મીને જ હોય એ સ્વાભાવિક છે. લક્ષ્મીની પાછળ રૂપ અને કીર્તિ તણાતાં આવે છે એ સહુનો અનુભવ છે. પ્રત્યેક યુવકની સાથે મધુકરને પણ એ જ અનુભવ સાચો લાગે એમાં નવાઈ નહિ.

મધુકર બાહોશ હતો. બાહોશીમાંથી એ વિશ્વવ્યવહાર સમજી શક્યો હતો, અને વિશ્વવ્યવહારની ટોચ જોવી હોય તો લક્ષ્મીની નિસરણીએ ચડવું જ જોઈએ એવી પણ તેની ખાતરી થઈ ચૂકી હતી, એ જાતે ધનિકપુત્ર ન હતો; છતાં પિતાની સ્થિતિ એટલી સારી તો હતી જ કે તે ભણી શકે અને ભણતરની કહેવાતી મોજ માણી શકે. પરંતુ જીવનનાં બેપાંચ વર્ષ ગાડીઘોડે ફરનાર ધનિક તો ન જ કહેવાય અને વ્યાપારની ભરતી-ઓટ મધુકરને સંપત્તિની ટોચે કદી રાખી શકતી ન હતી. કેટલાક ભાગ્યશાળી પુત્રો અંગ્રેજી કહેવત પ્રમાણે સોનાચાંદીનો ચમચો મુખમાં લઈને જ અવતરે છે; પરંતુ મધુકરને એ સુભાગ્ય પ્રાપ્ત થયું કહેવાય એમ ન હતું.

માબાપની પસંદગી કરવામાં મધુકરે ભયંકર ભૂલ કરી હતી. માબાપના વ્યક્તિત્વ પ્રત્યે એ નિર્લેપ હતો. તેને બીજાં માબાપ મળ્યાં હોત તો તેને જરાય હરકત ન હતી. માબાપ અમુક જ મળે એવો એને મોહ ન હતો, અને મળેલાં માબાપમાં ખાસ આશ્વાસન પણ તે લઈ શકતો નહિ. ઊલટ ઘણીવાર તેનું હૃદય સ્પષ્ટ કહેતું પણ ખરું કે આવાં કંજૂસ, પૈસા કમાઈ છલકાવી ન દે એવાં માબાપ તેને ન જ મળ્યાં હોત તો વધારે સારુ થાત ! એને મોહ હતો ધનિક માબાપનો. પરંતુ ન માતાયે ધનિક નીકળી. ન પિતાયે ધનિક નીકળ્યા. જન્મસિદ્ધ રોગની માફક જન્મસિદ્ધ માબાપ પણ માનવીને માથે એક અનિવાર્ય આફત રૂપ હોય છે. માનવી જન્મે, છતાં માબાપની પસંદગીનો અધિકાર જ નહિ !

દત્તકની પ્રથા માનવીએ શરૂ કરી છે છતાં હજી મધુકરને દત્તક લેનાર કોઈ ધનિક સગો જડી આવ્યો ન હતો ! પશ્ચિમની માફક કોઈ ઓળખીતો, માબાપનો મિત્ર કે ધર્મિષ્ઠ ધનિક પણ ભારતમાં હજી મળતો નથી કે જે ગમે તે ચબરાક છોકરાને પોતાનો દીકરો બનાવી ધનના ઢગલા ઉપર બેસાડી દે ! બાળક તરીકે પણ મધુકર ક્યાં ચબરાક ન હતો ? એની માં એનાં બાલ્યપરાક્રમોની કેટલીયે વાતો કહેતી હતી !

ધનિક થવાના બાકી રહ્યા બે માર્ગ : ધનવાનના જમાઈ બનવું કે જાતે મહેનત કરી ધનવાન બનવું. બન્ને કઠણ માર્ગ - જાતે જ મહેનત કરવાના માર્ગ ! અને તે બંને માર્ગ સ્વીકારવાની એની તૈયારી હતી. પરંતુ એ ઝડપી માર્ગ નહિ, એ સરળ માર્ગ નહિ… અને પાછા એ માર્ગ ખર્ચાળ પણ ખરા ! યુવતીને આકર્ષવી હોય તો પ્રથમ આંખ ખેંચે એવાં કપડાં તો જોઈએ જ. વસ્ત્રછટા એ પહેલી આવશ્યકતા; પછી કેશછટા, કેશરચનામાં ઘુંઘરવાળા વાળ તો બનાવવા જ જોઈએ. એને માટે તેલ, સુગંધિત પદાર્થો, ચકચકાટ પૂરનારાં દ્રવ્યો તો જોઈએ જ ! એ બધાં ક્યાંથી આવે પૈસા વગર ? મિત્રોમાં અને ખાસ કરી સ્ત્રીમિત્રોમાં ભેટ વગર કોઈને આવકાર મળે જ શાનો ? અત્યારની કૉલેજોમાં ભણતી લુચ્ચી યુવતીઓ સરખા હક્ક માગવા છતાં ભેટમાં પોતાનો જ હક્ક માનીને ચાલે છે ! ભેટ સ્ત્રીઓને જ માત્ર મળે. યુવતીમિત્રને ચિત્ર બતાવવું હોય, ચા માટે વિશ્રાંતિગૃહમાં લઈ જવી હોય. બસમાં કે ગાડીમાં બેસાડવાની હોય તોય પૈસા ખર્ચવાના પુરુષમિત્રે !… અને સદ્‌ભાગ્ય હોય તો યુવતીમિત્ર પાછું કાંઈ પુરુષમિત્રની પાસે ન મંગાવે ! છતાં સ્ત્રીમંડળમાં ભળવું હોય તો આ બધો જ વિધિ કર્યે છૂટકો. અને એ બધો જ વિધિ પૈસા માગે ! હવે ધર્મવિધિની જરૂર રહી નથી એટલે દુષ્ટ બ્રાહ્મણે અને એથી વધારે દુષ્ટ દેવો કે પિતૃઓની પાછળ પૈસા ખર્ચવાની જરૂર રહી નથી ! પરંતુ વધતા જતા વ્યવહારવિધિ કરતાં ઓછા ખર્ચાળ હોતા નથી.

અને મધુકરનાં કમબખ્ત માબાપ એ માગે એટલાં ધનિક ન હતાં !

આટલું કબૂલ કરવું જોઈએ કે એક સુપાત્ર પુત્ર તરીકે, મધુકર આમ બોલતો હતો કે માબાપને પોતાના સરખા પુત્રને જન્મ આપવાની અપાત્રતા વિષે વારંવાર મહેણાં મારતો હતો, એમ કહી શકાય નહિ. માતાપિતાનું મન એણે બાળપણથી જ જીતી લીધું હતું, અભ્યાસમાં તે ઠીક ઠીક આગળ રહેતો. અભ્યાસ કરતાં પણ વધારે નેતૃત્વ તે મેળવી શક્યો હતો રમતગમતમાં, નાટ્ય અભિનયમાં, વાક્યાતુર્યમાં અને શિક્ષકો તથા પ્રોફેસરો ઉપર પોતાની છાપ પાડવામાં. એથી એના સામાન્ય જીવનમાં ખર્ચાળપણાએ બહુ પ્રવેશ કર્યો. જીવનમાં બિનજરૂરી ખર્ચ કેમ વધારી શકાય એનાં દૃષ્ટાંતો ધનવાન માતાપિતાનાં સંતાનો ઠીકઠીક પ્રમાણમાં પૂરાં પાડે છે, અને તેમની વચ્ચેની સરસાઈ ખર્ચના આંકને વર્ષોવર્ષ ઊંચે ચડાવ્યે જ જાય છે. મધુકર કોઈ પણ ધનિકના પુત્રને ટક્કર મારે એવાં કપડાં પહેરતો. ખાણાં અને પીણાંના જ્ઞાનમાં ધનિક સંતાનોને હરાવતો, અને પરદેશગમનની સગવડ શોધવા આકાશપાતાળ એક કરતો. કારણ તેનાં વત્સલ માતાપિતાનું હેત પરદેશગમનની રકમ ખેંચી લાવવા હજી સુધી અશક્ત નીવડ્યું હતું.

હમણાં હમણાં પુત્રના વધતા જતા ખર્ચને લીધે મધુકરના પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. મધ્યમ પરિસ્થિતિ ધનિકતાને ન જ પહોંચી શકે. શ્રીલતા નામની એક યુવતી સાથે કૉલેજમાં મધુકરને પરિચય થયો. એનાં માતાપિતા ધનિક હતાં અને મધુકરને લાગ્યું કે તેની સાથેનો પરિચય પ્રેમનું સ્વરૂપ ધારણ કરે તો તેનાથી શ્રીલતાની પ્રેમછાયામાં પણ પરદેશ જઈ શકાય. શ્રીલતાને પરદેશગમનનો શોખ હતો. કૉલેજનું શિક્ષણ પૂરું કરી તે અમેરિકા જવાની જ હતી. જ્યાં વર્તમાન હિંદનો ઉદ્ધાર કરનાર યુવકયુવતીઓ જઈ અનેક અનુકૂળ શિક્ષણ વિભાગમાંથી એકમાં પ્રાવિણ્ય મેળવી હિંદ પધારે છે અને હિંદના ઉદ્ધાર અર્થે કોઈ સારી નોકરી પસંદ કરી તેમાં પેસી જાય છે. શ્રીલતા સાથેનો પરિચય પ્રેમનું સ્વરૂપ ધારણ કરતો હતો, એટલામાં જ શ્રીલતાનાં માતાપિતાની સ્થિતિ એવી હળવી બની ગઈ કે તેમને પોતાની કાર કાઢી નાખવી પડી ! અને એ જ ક્ષણે કોઈ અકસ્માતથી શ્રીલતાની સખી જ્યોત્સ્ના સાથે મધુકરને પરિચય થયો; ને મધુકરને લાગ્યું કે જ્યોત્સ્ના શ્રીલતા કરતાં વધારે ધનિક પિતાની પુત્રી છે અને વધારામાં તે માતાપિતાને એકનું એક સંતાન છે !

પરંતુ જ્યોત્સ્ના સહજ ચબરાકીથી પ્રસન્ન થાય એવી યુવતી ન હતી. એ પણ મધુકરે જોઈ લીધું. મધુકરના એક ધૂની મિત્ર સુરેન્દ્રની સાથે જ્યોત્સ્ના જેટલી વાત કરતી એટલી તે બીજા કોઈની સાથે વાત કરતી નહિ. પરંતુ એ ધૂની સુરેન્દ્રનો એને જરાય ભય ન હતો. ગરીબ માતાનો પુત્ર સુરેન્દ્ર ગરીબીને જ પસંદ કરતો અને વસ્ત્રોમાં, વ્યસનોમાં અને શોખમાં તે મધુકરથી ગાઉના ગાઉ પાછળ રહી જતો હતો. મિત્રોના વર્તુલમાં ચર્ચાઓ પણ જામતી અને પરસ્પરના વિચારો સમજવા માટે સહુને અવકાશ પણ મળતો. સુરેન્દ્રનો સિદ્ધાંત હતો કે જ્યાં સુધી એક પણ માનવી ગરીબ હોય ત્યાં બીજા કોઈપણ માનવીને ધનિક બનવાનો અધિકાર હોય જ નહિ. મધુકરનો સિદ્ધાંત એ હતો કે જ્યાં સુધી માનવી પોતાની જરૂરિયાત વધારતો ન જાય ત્યાં સુધી તે ગરીબ, અસંસ્કૃત અને પછાત જ રહેવાનો ! જરૂરિયાત વધારવી એટલે જ માનવતાને ઊંચી લાવવી ! મધુકરના મતને ભારે ટેકો મળતો; છતાં સુરેન્દ્ર જ્યારે દલીલ કરતો ત્યારે સહુને એમ લાગતું જ કે જો બધા જ પોતાની જરૂરિયાત વધારે તો માનવી સંસ્કૃતિમાં નાદાર બની જવાનો !

પરંતુ સુરેન્દ્ર બનતાં સુધી દલીલો કરતો જ નહિ, અને મોજશોખના જલસાઓમાં ભાગ લેતો જ નહિ. કદી મિત્રોના આગ્રહને વશ થઈ તેને ટોળીમાં જવું પડે તો તેનો સંકોચ અને તેની મર્યાદાઓ આગળ પડી આવતાં; અને તેની રૂબરૂમાં એને હસી કાઢવો અગર તિરસ્કારવો એ બહુ સંભવિત ન હતું, છતાં સુરેન્દ્રની ગેરહાજરીમાં પછીથી મધુકર તેની વિચિત્રતાઓને હાસ્યપાત્ર ઢબે રજૂ કરી સહુને હસાવતો ખરો. ડંબેલ્સ વગર મધુકરથી કસરત થાય જ નહિ; જ્યારે સુરેન્દ્ર ભારતની આર્થિક પરિસ્થિતિને ઓળખી કહેતો કે કશાય સાધન વગરનાં દંડ-બેઠકની જ કસરત નિર્ધન ભારતવાસીઓને શોભે. ટેનિસ, બેડમિન્ટન અને ક્રિકેટ સિવાય મધુકરની માન્યતા પ્રમાણે કોઈથી ખેલાડી થવાય જ નહિ; જ્યારે સુરેન્દ્ર માનતો હતો કે ભારતવાસીઓને એ પરદેશી ખર્ચાળ રમતો કરતા લાઠી લાકડીની રમત જ વધારે શોભે.

આમ સુરેન્દ્ર ઘણી વાર પછાત લાગતી પરિસ્થિતિને ટેકો આપતો. જયારે મધુકરનો ટેકો પરદેશી વિકાસને અપનાવવા મથતો લાગતો. છતાં ઘણી વાર સુરેન્દ્રની દલીલ તેને ભયંકર ક્રાન્તિકારને સ્વરૂપે પ્રગટ કરતી ત્યારે મિત્રોમાં મતભેદ ઊપજતો. સામ્યવાદની વિચારસરણી યૌવનને બહુ પ્રગતિશીલ લાગે છે અને સુરેન્દ્ર લગભગ એની નજીક આવી જતો ત્યારે સહુને વિચાર પણ થતો કે સુરેન્દ્ર ધાર્યા જેટલો પ્રત્યાઘાતી તો નથી જ. તેમાંયે ધનિક જ્યોત્સ્ના કદી કદી સુરેન્દ્રના મતને ટેકો આપતી ત્યારે મધુકરને સુરેન્દ્રનો ભય લાગતો અને યૌવનના આકર્ષણની વિચિત્રતાથી તે ચોંકી ઊઠી સુરેન્દ્રને બનાવી ઉતારી પાડી જ્યોત્સ્નાની આકર્ષણ-સીમામાંથી હડસેલવા પ્રયત્ન કરતો. એના જ એક સાધન તરીકે મધુકરે ઉજાણી ગોઠવી હતી. અંતે જ્યોત્સ્ના સુરેન્દ્રને કારમાં સાથે બેસાડી લઈ ગઈ એ અસહ્ય પરિસ્થિતિ તેની દક્ષતાને ધારદાર બનાવી રહી - જોકે શ્રીલતાની ચેતવણી મધુકરને જરા વાગી ખરી. શ્રીલતાને પ્રેમપ્રદર્શનમાં મધુકરે વીંટી આપવાની કરેલી ભૂલ મધુકરને સાલતી હતી ખરી. પરંતુ શ્રીલતા અને જ્યોત્સ્ના એ બંનેની મૈત્રીમાંથી જ્યોત્સ્નાની મૈત્રી તેને વહેલું પરદેશગમન કરાવે એમ લાગતું હોવાથી જ્યોત્સ્નાની મૈત્રી તે વધારે શોધતો રહેતો હતો.

આજ એ ઘેર આવ્યો - મોડો આવ્યો ત્યારે પિતાએ તેના ખર્ચાળપણાની ટીકા કરી. જોકે માતાએ પિતાની ટીકાને હળવી કરી નાખી હતી. મધુકર પિતા-માતાને વાદ કરતાં મૂકી પોતાના સૂવાના ખંડમાં આવ્યો. ધનિકોના દૃષ્ટાંતો નિહાળી ગરીબો તેમ જ મધ્યમ સ્થિતિના માનવીઓ પણ જુદાં જુદાં જીવનકાર્ય અર્થે જુદા જુદા ઓરડાઓની અભિલાષ રાખતા બની ગયા છે. કિશોર અને યુવાન ભણેશ્રીઓને ભણવાના અને સૂવાનાં જુદા જ ખંડ જોઈએ. મધુકરે નાનકડા ઘરમાંથી એક ખંડ ઉપર પોતાની માલિકી સ્થાપના કરી હતી, એ ખંડને એણે બહુ સફાઈપૂર્વક શણગાર્યો હતો. થોડું પણ સરસ ફર્નિચર એમાં હતું. ગાંધીજીની છબી વગર તો કોઈને ચાલે જ નહિ ! પરંતુ ગાંધીજીની સાથે જ ભારતીય યૌવનના હૈયાના હાર સમી બની ગયેલી નટી અશરફીબેગમ - જેણે પોતાના નામને રત્નકણી તરીકે જગ જાહેર કર્યું હતું, તે પણ છબીમાં બિરાજી ગાંધીજીની અહિંસામાં સૌંદર્યનો પ્રકાશ રેડતી હતી. ટાગોર અને અરવિંદ વગર પણ આજના ભારતને ન જ ચાલે. એટલે દૂર દૂર તેઓ પણ હતા. પરંતુ ખંડનો વિરાગભાવ વધી ન જાય એ અર્થ ગ્રીસની કલામાંથી ઊતરી આવેલી એક નગ્ન સ્ત્રીઆકૃતિ અને અર્ધનગ્ન ભારતીય આકૃતિની પૂતળીઓ પણ કેટલાક ખૂણા શોભાવતી હતી. પુસ્તક વગર વર્તમાન યુવક જીવી શકતો નથી - એ પુસ્તકો વંચાય કે ન વંચાય એ જુદી વાત ! યુરોપ-અમેરિકામાં છેલ્લામાં છેલ્લા ગણાતા લેખકોનાં પુસ્તકો ફરતાં બુકકેસ ઉપર ખડકેલાં હોવાં જ જોઈએ. અને પુસ્તક તથા લેખકનાં નામ જીભને ટેરવે હોવાં જ જોઈએ - જેથી વાચનની ચબરાકીમાં હરીફને હેઠો પાડી શકાય. પલંગ તો હતો જ મધુકરને સૂવા માટે; અને ભારત જેવા મચ્છરિયા પ્રદેશમાં મચ્છરદાની વગર મધુકર સરખા ભારતીય આશાદીપને તો રખાય જ કેમ ? ચટાપટાવાળા લેંઘા અને કબજા સિવાય હવે કોઈ પણ ભારતીય બાળકથી સૂઈ શકાય જ નહિ એવો કોઈ કાયદો થયો લાગે છે, જેનું પાલન મધુકર ન કરે એમ બને જ નહિ.

છટાભર્યાં વસ્ત્રો બદલી મધુકરે કાબરચીતરો લેંઘો અને કબજો પહેરી લીધાં. જમવું તો હતું જ નહિ, કારણ ઉજાણીએ ઠીકઠીક જમણ તેને આપ્યું હતું. છતાં માતાએ દૂધનો એક પ્યાલો એક ‘ટીપાઈ’ ઉપર મૂકી રાખ્યો હતો. માતાપિતાની જે સ્થિતિ હોય તે ખરી ! ભણતા અને ભણી રહેલા યુવાન પુત્રોનાં મગજ તર રાખવાની માતાપિતાને માથે ફરજ હોવી જ જોઈએ. મધુકરે દૂધ પી લીધું, અને પછી એક આરામખુરશી ઉપર બેસી વાંચવા માટે એક પુસ્તક ઉપાડ્યું.

પુસ્તકો પણ વિવિધતાભર્યો હોવાં જ જોઈએ. ગાંધીજીની આત્મકથાથી માંડી રૂસો અને કાસાનોવાનાં આત્મકથનો પણ એમાં હોય. આવતી કાલ માટે છોકરીઓને હસાવવા તથા ચમકાવવા માટેની કેટલીક મશ્કરીઓ તથા રમૂજી કિસ્સાઓ પણ તૈયાર કરવા જ પડે. જે યુરોપ અમેરિકાના વિદૂષકો પાસેથી સારા પ્રમાણમાં આવે છે. જુદી જુદી પ્રજાઓમાં લગ્નના કે પુરુષ સ્ત્રીની મૈત્રીના રીતરિવાજની ચમકાવનારી માહિતી પણ વિદ્વત્તાનો એક સફાઈદાર વિભાગ ગણાય. જેની જરૂર મધુકરે ક્યારનીયે સ્વીકારી લીધી હતી. જાતીય વિગતો આપતાં પુસ્તકો તો પાસે હોવાં જ જોઈએ, એ વગર વર્તમાન સ્ત્રીપુરુષથી જાતીય જીવન કેમ ગાળી શકાય ? ચિત્રોનાં પુસ્તકો તો હોય જ !

મધુકરે વર્તમાન કલાનાં ચિત્રોનું પુસ્તક હાથમાં લીધું હતું. એક મિત્રે તેને ગઈ જન્મતિથિએ ભેટમાં આપેલું એ ચિત્રપુસ્તક હતું. તેણે સ્ત્રીદેહનો અભ્યાસ કરવા માંડ્યો. નિરીક્ષણ એ અભ્યાસનું પ્રથમ લક્ષણ. સૌંદર્ય પણ અતિનિરીક્ષણે સામાન્ય બની જાય છે. ઉત્તેજક સૌંદર્યરેષાઓ પણ ઓસરતી કેમ ચાલી ? મધુકરને ખરેખર નિદ્રા આવતી હતી. પુસ્તકોના કીર્તિવંત લેખકોએ જાણવું જરૂરી છે કે તેમનાં બહુ વંચાતાં-મનાતાં પુસ્તકો નિદ્રા લાવવાના અસરકારક ઇલાજ તરીકે પણ વપરાય છે !

રંગરેષાનું પુસ્તક મૂકી દઈ મધુકરે શબ્દાર્થનો ઉપયોગ સમજાતું પુસ્તક લીધું. પુસ્તકે ધારી અસર ઉપજાવી. તેની ખાતરી થઈ કે તેને નિદ્રા જ આવતી હતી. ખુરશી છોડી મધુકર પોતાના પલંગમાં સૂતો. સૂતા પહેલાં દીવો હોલવી નાખ્યો હતો. પરંતુ અંધકાર જેમ નિદ્રાપ્રેરક બને છે તેમ વિચારપ્રેરક પણ બને છે.

શા માટે જ્યોત્સ્નાએ સુરેન્દ્રને પોતાની સાથે કારમાં લીધો ? નથી એનામાં છટા, નથી વાતચીતની આવડત, નથી રમતગમતમાં પ્રાવિણ્ય કે નથી કલાસૌંદર્યનો શોખ !… જ્યોત્સ્ના કદી કદી સુરેન્દ્ર પાસેથી પુસ્તકો લેતી. એની નોંધ માગતી, અને કોઈ વાર મુશ્કેલીઓનો ઉકેલ માગતી એ ખરું… પરંતુ ન સુરેન્દ્રની આંખ કે ન તો જ્યોત્સ્નાની આંખ પરસ્પરનાં આકર્ષણને ઓળખતી… આખી મિત્ર મંડળીમાં કોઈને કશો જ વહેમ પડ્યો ન હતો કે જ્યોત્સ્ના આમ ખુલ્લી રીતે સુરેન્દ્રને આમંત્રણ આપી શકશે… કેટલાય દિવસથી મધુકરનો પ્રયત્ન ચાલતો હતો કે જેથી જ્યોત્સ્ના તેને જ આમંત્રણ આપે… અને એ માનતો જ હતો કે આજ તો જરૂર જ્યોત્સ્ના એની સાથે વધારે સરળતાથી વાત કરી તેને માનીતો બનાવશે… પરંતુ શ્રીલતા પાછી વચમાં હતી ને ?… શા માટે એણે ભૂલ કરીને વીંટીની ભેટ શ્રીલતાને આપી ?… એણે થોભવું જોઈતું હતું… શ્રીલતા જ્યોત્સ્ના સરખી સુંદર તો જરૂર છે. પરંતુ જ્યોત્સ્નાની પરિસ્થિતિ શ્રીલતા કરતાં પણ વધારે સારી ! જ્યોત્સ્નાને ખેંચતાં એ જરૂર પરદેશગમનનું મહત્ત્વ મેળવી શકે… અને પરદેશગમન એટલે ? ઝડપી ડિગ્રી, પરદેશની મોજ, હોટેલનું વિલાસી જીવન અને પાછા ફરતાં સત્તા તથા ધનમિશ્રિત હોદ્દો !… સ્ટીમરની મુસાફરીથી શરૂઆત…

અને મધુકરને વિચારમાંથી ચિત્રમાળા દેખાવી શરૂ થઈ ! નિદ્રાના દ્વારમાં પ્રવેશ પામી રમતો, નાચતો, અનેક ગુંલાટો ખાતો વિચાર એટલે સ્વપ્ન !

અને મધુકરને એક સ્વપ્ન આવ્યું.