સ્નેહસૃષ્ટિ/સ્વપ્ન
← યુવાન મધુકર | સ્નેહસૃષ્ટિ સ્વપ્ન રમણલાલ દેસાઈ |
સ્વપ્નને માર્ગે → |
સ્વપ્નમાં મધુકર બંદરમાં ગોઠવાયેલી સ્ટીમર ઉપર ચડતો હતો. પરદેશગમનનું સ્વપ્ન અંતે ફળ્યું ખરું. સ્ટીમર આછી આછી ડોલતી હતી. કેટલાક લોકો સ્ટીમરના છજામાં ઊભા રહીને હસતા હતા. તેને જોતા હતા અને તેને બોલાવતા હતા. નીચેથી પણ એ જ પ્રમાણે તેને ઉત્તેજક વિદાય મળતી હતી, રૂમાલ ફરફરતા હતા, અને ગળામાં અને હાથમાં હારકલગી ભરચક ભરાયલા દેખાતા હતા.
પણ અનાચક તેને સમજાયું કે તે એકલો જ સ્ટીમર ઉપર ચડતો ન હતો. તેની પહેલાં શ્રીલતા ક્યારનીય ઉપર પહોંચી ગઈ હતી. અને યશોધરા પણ શ્રીલતાની પાછળથી તેને જોયા કરતી હતી. અરે એટલું જ નહિ, તેની પાછળ સુરેન્દ્ર, પરાશર અને નીતીન સરખા તેના મિત્રો અર્ધમિત્રો પણ ચાલ્યા આવતા હતા. અને તેમના હાથમાં પણ ફૂલહારના ઢગલા ફરકતા હતા તે તે જોઈ શક્યો. પરદેશ એકલા જવાને બદલે આખું ટોળું શા માટે સ્ટીમરમાં જતું હતું ?
અને સ્ટીમર પણ કેવી ! આમ કોઈ કોઈને ઓળખવાનો પ્રયત્ન નહિ છતાં કેટલીક સાફ, સ્વચ્છ અને શૃંગારિત ! બહારથી ખોખા જેવી લાગતી આ સ્ટીમરની અંદર નાના મોટા ઓરડાઓ, આંખે ઊડીને વળગે એવાં પાથરણાં, બિછાનાં, ટેબલ, ખુરશીઓ અને રમતગમતનાં સાધનો પણ હતાં. પુસ્તકવાચન અને પત્રલેખન માટે તો એક વિશાળ ખંડ… અને તેમાં બેસતાં બરોબર તેની પાસે એક રૂપાળી મડમ આવી, હસી. જીવનભર ન જોયેલાં એવાં ચા-બિસ્કિટ તેની પાસે મૂકી ગઈ. જયોત્સ્ના અને સુરેન્દ્ર તો બેઠાં બેઠાં ચા પીતાં જ હતાં !
‘એ બેની દોસ્તી હવે અટકાવવી જોઈએ.’ મધુકરે મનમાં વિચાર્યું અને ચાનો પ્યાલો લઈ હસતો હસતો સુરેન્દ્ર તથા જ્યોત્સ્ના બેઠાં હતાં તે તરફ જવા લાગ્યો. વચમાં શ્રીલતા અને પરાશર પણ ચા પીતાં દેખાયાં હતાં. તેમણે મધુકરને ચામાં સાથ આપવા બોલાવ્યો પણ ખરો, પરંતુ તેમને ન ગણકારતાં તે સુરેન્દ્ર અને જ્યોત્સ્નાની પાસે ખાલી પડેલી ખુરશી લઈ બેઠો.
‘હું હરકત તો નથી કરતો ને ?’ હસીને મધુકરે કહ્યું.
‘તું અમારો નેતા; તું હરકત કરે જ નહિ. તારે લીધે તો આપણે આટલી પરદેશની મુસાફરી થઈ.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘હું શું કહેતો હતો ? પરદેશગમન વગર માનવીનું પૂર્ણ સર્જન થાય જ નહિ.’ મધુકરે કહ્યું.
‘એટલે કે ઈંગ્લાંડ, ફ્રાન્સ કે અમેરિકાના અણુઓ તમારા દેહમાં પ્રવેશે નહિ ત્યાં સુધી આપણે પૂરા માનવ ન જ ગણાઈએ. એમ જ ને ?’ સુરેન્દ્રે જરા મોટાઈભર્યો પ્રશ્ન કર્યો.
‘આ મનુષ્ય જેમ જેમ વધારે ભણતો જાય છે તેમ તેમ એના વિચાર અને વર્તનમાં પીછેહઠ થતી જાય છે. સુરેન્દ્રને કેમ સુધારવો ?’ મધુકરે કપાળે બે આંગળી લગાડી નિરાશાજનક અભિનય કર્યો.
‘એ હવે સુધરે એમ જ નથી. જો કે, સુએઝની નહેર મૂક્યા પછી પુરુષોએ પશ્ચિમી પોશાક પહેરવો જ જોઈએ, છતાં આ સુરેન્દ્રે વહાણના અધિકારીઓ જોડે લડીને આ હિંદી પોશાક ચાલુ રાખ્યો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘અને એ હિંદી પોશાકને લઈને વહાણમાં એને કોઈ ગણતું પણ નથી અને ગુડમોર્નિંગ પણ કરતું નથી !’ મધુકરે કહ્યું.
ગુજરાતી ભાષામાં થતી વાતચીત જરા મોટેથી થવા લાગી એટલે આસપાસ વાંચતા અને ચા પીતાં જોડકાં આ ત્રિપુટી તરફ જરા તાકીને જોવા લાગ્યાં. હિંદુસ્તાનની માફક સુધરેલા દેશોમાં બહુ જોરથી વાત ન થઈ શકે. ત્રાહિતનું ધ્યાન દોરાય એમ વાત કરવી એને પશ્ચિમમાં અસભ્ય વર્તન કહે છે. જોકે આખી દુનિયાને હલાવી નાખે એવા સંદેશાઓ સમાચારો અને ખબરો દુનિયાભરમાં મોકલી માનવજાતની શાંતિનો ભંગ કરવાની તેમની પ્રચારકલા તો વળી સુઘડકલા મનાય છે ! મધુકર ચા પીતે પીતે ઊભો થયો. પ્યાલો તેણે મૂકી દીધો અને ડેક ઉપર જઈ તેણે લટાર મારવા માંડી. વિશાળ દરિયો ઊછળી રહ્યો હતો અને દરિયાના મોજા ઉપર માર્ગ કાપતી સ્ટીમર પુરુષાર્થી માનવીના પ્રતીક સરખી આગળ અને આગળ વધતી જતી હતી. સુએઝ પસાર થઈ ગયું. બીજાં કેટલાંય બંદરો પાર થઈ ગયાં, છતાં મધુકરે વાંચેલી બંદરોની સહેલગાહ તેના અનુભવમાં કેમ ન આવી ? સહેલગાહમાં સહેલી અને સરળ નીતિવાળી સ્ત્રીઓ ઠામઠામ મળે છે એ અનુભવ તેને કેમ ન થયો ? પરદેશ જવામાં અનેકાનેક હેતુઓ હતા એ વાત ખરી; પરંતુ બંદરગાહો ઉપરનાં નગ્ન સ્ત્રીનૃત્યો નિહાળવાના ઉદ્દેશ ફળીભૂત થયા વગરના રહી જતા હતા એમ તેને લાગ્યું. જીવ્યા કરતાં જોયું ભલું એ કહેવત તેને વારંવાર યાદ આવ્યા કરી. રાત્રિનો અંધકાર ફરી વળ્યો, અને એકાએક મધુકરને લાગ્યું કે તે તો એક મોટા વિમાનની નિસરણીમાંથી નીચે ઊતરે છે. એટલું જ નહિ પણ શ્રીલતા અને યશોધરા તેના બન્ને હાથ પકડી તેની સાથે સાથે ઊતરે છે. જ્યોત્સ્નાએ પોતાનો હાથ કેમ પકડ્યો નથી એવો વિચાર આવતાં મધુકરે પાછળ જોયું તો તેને દેખાયું કે દેશી પોશાકમાં અતિ ઠંડી વેઠતો સુરેન્દ્ર અદબવાળી ધીમો ધીમો વિમાનની સીડી ઊતરતો હતો અને જ્યોત્સ્ના તેની પાછળ આવતી હતી. ધીમે ધીમે સહુ નીચે ઊતરી ગયાં અને એક સુંદર વિમાનગૃહનું દૃશ્ય મધુકરની નજરે પડ્યું. સીડી ઊતરીને આગળ ચાલતાં શ્રીલતાએ પાછળ જોઈ કહ્યું :
‘જ્યોત્સ્ના ! તું તો પાછળની પાછળ.’
‘સુધરેલી દુનિયામાં સ્ત્રીઓને આગળ રાખવી જોઈએ.’ પરાશરે કહ્યું.
‘એટલું જ નહિ, પરંતુ અહીં તો સ્ત્રીપુરુષે હાથમાં હાથ મિલાવીને જ ચાલવું જોઈએ.’ મધુકરે કહ્યું.
‘નહિ તો ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘નહિ તો આખી સ્ત્રી જાતનું અપમાન ગણાય !’ મધુકરે કહ્યું અને શ્રીલતાનો હાથ તોડાવી જ્યોત્સ્નાનો હાથ પકડવાનો અભિનય કર્યો. પરંતુ જ્યોત્સ્નાએ પોતાના રૂપાળા રૂવાંવાળા ઓવરકોટના ખિસ્સામાં પોતાના બન્ને હાથ નાખી દીધા અને પાછળ આવતા સુરેન્દ્રનો પ્રશ્ન સહુને સંભળાવ્યો :
‘પણ… આપણે અહીં કેમ આવ્યાં ? શા ઉદ્દેશથી ?’
જ્યોત્સ્ના સિવાય સહુ કોઈ ખડખડાટ હસી પડ્યું અને મધુકરે કહ્યું :
‘સુરેન્દ્ર ! તું હજી ઊંઘમાં છે કે શું ?’
‘વાહ, વાહ ! આ ઊંઘણશી અગસ્ત્યને ખબર જ નથી કે આપણે અહીં શા માટે આવ્યાં !’ હસતે હસતે પરાશરે કહ્યું.
‘જ્યોત્સ્ના ! જરા સુરેન્દ્રના કાનમાં કહે કે આપણે અહીં શા માટે આવ્યાં છીએ.’ શ્રીલતાએ પણ હસતે હસતે સાદ કર્યો.
‘શું સુરેન્દ્ર ! તુંયે ? ભારતીય કલાનું પશ્ચિમને ભાન આપવા તો આપણે અહીં આવીએ છીએ… આટલી મુસાફરી ખેડીને… અને એ વાત જ ભૂલી ગયો ?’ જ્યોત્નાએ કહ્યું.
‘ભૂલ્યો તો નથી. પરંતુ મને ખબર નહિ કે પૂર્વની કલા સમજાવનાર અભિયાનકાર સ્ત્રીપુરુષોએ પશ્ચિમને અનુસરી પરસ્પરના હાથે કેમ પકડવા પડતા હશે !’ સુરેન્દ્રે કહ્યું.
‘હાથ ? અરે. પૌર્વાત્ય કલામાં તો હાથ જ નહિ, પરંતુ કમર અને કંઠ પણ પરસ્પરના સ્પર્શ માગે છે. જો.’ મધુકરે કહ્યું અને એકાએક વાતાવરણ બદલાઈ ગયું અને મધુકરની દૃષ્ટિ સમીપ એક મોટું નાટ્યગૃહ યુરોપિયન સ્ત્રી-પુરુષોથી ભરચક ભરેલું પ્રગટ થયું. રંગભૂમિ ઉપર સુંદર વાદ્ય વાગી રહ્યાં છે… હિંદી સંગીતના સૂર ફેલાઈ રહ્યા છે… કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરેલ મધુકર ત્રિભંગી અભિનયમાં મુરલી વગાડતો ગોપીઓને બોલાવે છે… શ્રીલતા, યશોધરા અને જ્યોત્સ્ના મટુકીઓ લઈ નૃત્ય કરતી આગળ આવે છે… સુંદર નૃત્યવિધાન થઈ રહ્યું છે… યુરોપિયન શ્રોતાગણ આનંદિત ચહેરે, મુગ્ધ બની તાળીઓથી ધન્યવાદ વરસાવે છે… અને પાસે ન આવતી. રિસાતી. ગોપીનો અભિનય કરતી જ્યોત્સ્ના દૂર રહી રહી અનાદર દર્શાવતું રીસનૃત્ય કરી રહી છે… અને એનો અનાદર મુકાવવા કૃષ્ણ સ્વરૂપે મધુકર આગળ વધી રહ્યો છે… અને સુરેન્દ્ર દૂર રહ્યો રહ્યો આખા દૃશ્યને રંગભૂમિ ઉપર જોયા કરતો હોય છે…’
ફરી વાર તાળીઓના ગડગડાટ થાય છે અને મધુકરને લાગે છે કે તેના દૃશ્યમાં કંઈ હળવાશ આવતી જાય છે. એકાએક દૃશ્ય ઓસરી જાય છે અને તેને આછું આછું ભાન થાય છે કે આ આખું દૃશ્ય કદાચ સ્વપ્ન જ હતું…!
નિદ્રાને ખંખેરી નાખતા ટકોરા પણ તેણે ધીમે ધીમે બારણા ઉપર વાગતા સાંભળ્યાં અને તેની આંખ ઊઘડી ગઈ. મધુકર સ્ટીમરમાં ન હતો. વિમાનમાં ન હતો, રંગભૂમિ ઉપર પણ ન હતો. તે તો પોતાના શયનખંડમાં પોતાની સફાઈભરી પથારીમાં સૂતો હતો. તેની ઉઘાડેલી આંખે તેના ખંડને બરાબર ઓળખ્યો અને તેના મનમાં થયું :
‘આ તો સ્વપ્ન આવ્યું ! કાલની ઉજાણીની અસર !’