લખાણ પર જાઓ

સ્નેહસૃષ્ટિ/સ્વપ્નને માર્ગે

વિકિસ્રોતમાંથી
← સ્વપ્ન સ્નેહસૃષ્ટિ
સ્વપ્નને માર્ગે
રમણલાલ દેસાઈ
પ્રવેશનું પહેલું પગથિયું →



 
સ્વપ્નને માર્ગે
 

બારણે ટકોરા વધારે વાગ્યા. પરદેશગમનનું સ્વપ્ન જરૂરી સાચું પડવાનું છે એમ તેણે માન્યું પણ ખરું. વહેલા પ્રભાતનાં સ્વપ્ન મુખ્યત્વે સાચાં જ પડે છે એવી તેણે કદી સાંભળેલી માન્યતા તેના હૃદયમાં સ્થિર થઈ ગઈ. અનુકૂળતાભર્યો વહેમ પણ માનવીને ગમે છે. અજવાળું થઈ ગયું હતું એમ મધુકરને પોતાને લાગ્યું. અને ટકોરા વાગતા બારણા સામે જોઈ તેણે બૂમ પણ પાડી :

‘કોણ હશે ? હું હમણાં જ ખોલું છું.’ એટલું કહી ઊભા થઈ કપડાં ખંખેરી કરચલી ભાંગી તેણે બારણું ખોલ્યું. સામે મધુકરની માતા ઊભેલી દેખાઈ. માતાએ મધુકરના ખંડમાં પગ મૂક્યો અને મધુકરે પૂછ્યું :

‘મમી ! તું ? કેમ ?’

‘શું કેમ ? ક્યાં સુધી સૂઈ રહેવું છે ? દિવસ તો કેટલોય ચડી ગયો છે !’ માતાએ કહ્યું.

જરૂર પડે ત્યારે સહુને પ્રસન્ન રાખવાની શક્તિ ધરાવતા મધુકરે કહ્યું :

‘હા, ખરું. રાત્રે જરા વધારે ઊંઘ આવી ગઈ, નહિ ?’

‘ઊંઘમાંથી તો તને કોઈ ઉઠાડવાનું ન હતું. તારો ભાઈબંધ સુરેન્દ્ર ક્યારનો આવી ગયો અને તું જાગ્યો નહિ એટલે આ ચિઠ્ઠી મૂકતો ગયો છે. તને કહેતો ગયો છે કે કામ બહુ જ જરૂરી છે.’

‘હશે પાછું કાંઈ મહેનત-મજૂરીનું કામ, જેમાં મળતર કાંઈ નહિ અને મહેનત વધારે ! એને એ જ ટેવ પડી છે. જંપીને બેસવું નહિ અને બેસવા દેવું નહિ.’ કહી મધુકરે ચિઠ્ઠી હાથમાં લીધી અને જલદી જ આવવાની આગાહી આપી માતાને ખંડમાંથી વિદાય આપી. ચિઠ્ઠીને એક વાર તો મધુકરે વાળીને ફેંકી દેવાનો નિશ્ચય કર્યો અને તેને હાથમાં વાળવા પણ માંડી. વળી વિચાર બદલી વાળેલી ચિઠ્ઠી તેણે ખોલી અને વાંચતાં બરોબર આનંદભર્યો એક કૂદકો માર્યો. ઘડિયાળ તરફ નજર નાખી અને એકાએક તેના દેહમાં ઝડપ આવી ગઈ. મધુકર ધારતો ત્યારે ઘણી ઝડપ કરી શકતો. જોતજોતામાં હાથમુખ ધોઈ તેણે પોતાનાં સરસમાં સરસ કપડાં પહેરી લીધાં. પોતાના ખંડનું બારણું વાસ્યું અને માતાને કહ્યું :

‘મમી ! ચા તૈયાર છે ?’

‘હા. રાજાનો કુંવર ખરો ને, તે તારે માટે તું માગે તે વખતે તને સહુ કોઈ ચા લાવી આપે !’

‘મમી ! ખાતરી રાખજે કે એ દિવસ હવે આવી ચૂક્યો. તું મને ચા આપ ને જલદી… મહેરબાની કરી !’

‘દીકરા ! વહુ લાવો પછી હુકમ કરજો. હજી કોઈ આપતું નથી.’

‘એ પણ આવશે. જોતજોતામાં.’ કહી મધુકરે ઝડપ સૂચક ચપટી વગાડી અને માતા ચાના બે પ્યાલા લઈ પુત્રની પાસે આવી. વધારે ભણેલો અને તેથી વધારે આશા આપતો પુત્ર એક ચાના પ્યાલાથી સંતોષાતો નહોતો. આજના નવયુવાનને બેથી ઓછા પ્યાલા ચાલતા નથી - ચાના તો નહિ જ.

ચા પીતે કદી ઉતાવળ ન કરતા પુત્રને ચા પીવામાં ઉતાવળ કરતો જોઈ માતાએ પૂછ્યું :

‘જરા સ્વસ્થતાથી ચા તો પી !’

‘આજે સ્વસ્થતા થઈ શકે એમ નથી. આજનો મારો દિવસ ભારે શુકનિયાળ દિવસ છે. મારી હસ્તરેખા જોઈને એક જોશીએ એ વાત કહી હતી.’

‘પણ છે શું? તે તો કહે ! ચિઠ્ઠી તો તારા જેવા બેકાર મિત્રની જ હશે ને ?’

‘ના, મમી ! એમ નથી. સુરેન્દ્રને તો હાથે કરીને બેકાર રહેવું છે, મારે તેમ કરવું નથી.’

‘તે આ ચિઠ્ઠીમાં નોકરી ભરીને મોકલી હશે, નહિ ?’

‘હા, મમી ! અને નોકરી એવી સરસ છે કે આપણે સહુનું આખું જીવન પલટાઈ જાય.’

‘એવું શું છે ?’

‘એક મહાન ધનિક માણસે મને નોકરી આપવા માટે ખાસ બોલાવ્યો છે. અને તે તેમની બહુ અંગત અને સારા પગારની નોકરી છે. હું મળી લઉં. એટલી વાર. ચાલ ત્યારે, મમી ! ચિયરીઓ. પપાને સહેજ કહી દેજે હું શા માટે જાઉ છું તે.’ કહી આશ્ચર્યમુગ્ધ માતાને આશ્ચર્યમાં જ રહેવા દઈ લાંબી ફલાંગે ઘરમાંથી મધુકર બહાર નીકળ્યો. અરધા કલાકમાં તેને પહોંચવાનું હતું. મૂર્ખ સુરેન્દ્રે પૂરી વિગતો જ લખી ન હતી. વખત હોય તો તેને મળીને અને નહિ તો સીધા રાવબહાદુર ગિરિજાપ્રસાદને ત્યાં સાડા દસ વાગે પહોંચી તેમની મુલાકાત લઈ તેમના મંત્રી તરીકે તેણે દાખલ થવાનું છે, એવું ચિઠ્ઠીમાં સૂચન હતું. હજી અરધો કલાક બાકી હતો. સુરેન્દ્રને ઝડપથી મળી તે ગાડી કરીને જાય તો વખતસર જઈ શકાય એમ એને લાગ્યું. ગઈ રાત્રે જ્યોત્સ્ના સુરેન્દ્રને સાથે લઈ ગઈ હતી. કદાચ એમાંથી આવી જાતનું પરિણામ આવ્યું હોય એ સંભવિત ગણાય. ટાપટીપ વગરના સુરેન્દ્રને રાવબહાદુરે નાપસંદ કર્યો હોય અને સુરેન્દ્ર જેવા ભલા માણસે પોતાને બદલે મધુકરનું સૂચન કર્યું હોય અને જ્યોત્સ્નાએ તેને ઉત્તેજન આપ્યું હોય તે સંભવિત હતું. સુરેન્દ્રના ઘર તરફ જવા તેણે પગ લંબાવ્યો અને ઝડપથી તેને ઘેર પહોંચી પણ ગયો. પરંતુ મૂર્ખ સુરેન્દ્ર લાંબી વિગતો કહેવા હાજર રહેવાને બદલે, કહેવાનો સંદેશો એની બબૂચક માને આપી ઘરમાંથી ચાલ્યો ગયો હતો. સુરેન્દ્રની માએ મધુકરને જોતાં બરાબર કહ્યું :

‘ભાઈ ! ઝડપથી રાવબહાદુરને ત્યાં પહોંચી જા, સાડા દસ પહેલાં.’

‘બીજું કાંઈ સુરેન્દ્રે કહ્યું છે ખરું ?’ મધુકરે પૂછ્યું.

‘ના, ભાઈ ! તને રોકવાની પણ મને ના પાડી છે. સાડા દસ થવા આવ્યા છે, એટલે હું તને આગ્રહ પણ કરતી નથી.’ સુરેન્દ્રની માતાએ કહ્યું અને મધુકર સુરેન્દ્રના નાનકડા ઘરમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળતાં મધુકરે એક હથેલી ઉપર પોતાના હાથને પછાડ્યો અને સુરેન્દ્રની આવી નિષ્કાળજી માટે નાપસંદગીનો પણ અભિનય કર્યો.

કમબખ્ત ગાડીવાળાઓ પણ જરૂર પડે ત્યાં હાજર રહેતા નથી. સુરેન્દ્રને ત્યાં જવામાં નિષ્ફળ સમય ગાળ્યો ન હોત તો કદાચ તે ચાલીને પણ અરધા કલાકમાં રાવબહાદુરને ત્યાં પહોંચી ગયો હોત. પરંતુ હવે તો ગાડી વગર સમયસર પહોંચવું અશક્ય હતું. ગાડી ન હોય તો કાર પણ ભાડે કરી લેવાની તેની તૈયારી હતી. પરંતુ થોડીક ક્ષણો સુધી ઝડપથી ચાલતા મધુકરને ગાડી કે ટૅક્સી નજરે પડ્યાં જ નહિ. તેના જેવા સુંદર પોશાકવાળા યુવકને નાસતા ચોર જેવી ઝડપથી ચાલવું રુચે એમ તો ન જ હતું, છતાં ઝડપી ચાલ રાખ્યા વગર છૂટકો જ ન હતો. એણે ગાડીનો, કારનો, સુરેન્દ્રનો, લંબાણભર્યા રસ્તાનો એમ જુદા જુદા પ્રકારના વાંક મનમાં કાઢ્યા કર્યા. માત્ર એને પોતાને પોતાનો એ વાંક ન સૂઝ્યો કે તે જાતે જ અતિશય મોડો ઊઠ્યો હતો ! વાંકને અંગે તેણે પોતાના તરફ નજર કરી હોત તો પણ તેને પોતાનો દોષ દેખાતો નહિ જ. તે જરૂર એમ કહેતા જ કે શા માટે તેનાં માતાપિતાએ વહેલો ન ઉઠાડ્યો ? એથી આગળ વધત તો એ એમ પણ દોષ કાઢત કે શા માટે તેને નિદ્રામાં વણમાગ્યું સ્વપ્ન આવીને ઊભું રહ્યું?

એકાએક ધીમે ધીમે જતી એક ગાડી તેણે જોઈ. મુક્તિવાદની ઈચ્છાવાળાને જાણે સ્વર્ગનું વિમાન મળ્યું હોય તેવો આનંદ મધુકરને થયો. તેણે ગાડી ઊભી રખાવી અને એકદમ ઝડપથી મારતે ઘોડે રાવબહાદુરના બંગલા તરફ જવા ગાડીવાળાને જોરભરી આજ્ઞા કરી.

કપડાં ઉપરથી માણસની કિંમત કરનાર ગાડીવાળાએ મધુકરનો હુકમ માન્ય રાખ્યો. સારી બક્ષિસ મળશે એવી આશામાં ઘોડાને ઠીક ઠીક ગરમી આપ્યે રાખી અને ભાગ્યે જ અંગીકાર કરેલી ઝડપ અત્યારે ઘોડાએ પણ અંગીકાર કરી લીધી. મધુકર ઘડિયાળ જોતો જતો હતો. એક મિનિટ પણ મોડા પડવું એ વર્તમાન દુનિયાને જરા પણ પોસાય એમ નથી એમ મધુકર જાણતો હતો. જોકે ઉતાવળ કરીને, કડીતોડ વખત સાચવીને આજની દુનિયા કોનું સુખ વધારે છે એ પ્રશ્ન દુનિયાને કે સમયને પૂછવાની જરૂર કોઈને દેખાતી નથી ! તેના મનમાં આશા હતી કે તે પાંચસાત મિનિટ વહેલો પહોંચે તો જ્યોત્સ્નાને મળી શકે, તેની પાસેથી પૂર્ણ હકીકત જાણી શકે. અને બની શકે એટલે તેની સહાનુભૂતિ તે જીતી શકે. આમ જ્યોત્સ્ના ભાગ્યે જ પુરુષમિત્રોને પોતાને ઘેર બોલાવતી. કદી ચા ઉપર બોલાવવાની વારાફરતી માથે પડતી મિત્ર ફરજ બજાવવાનો જ્યોત્સ્નાને પ્રસંગ આવતો ત્યારે તે ઘણુંખરું પોતાની કોઈ બહેનપણી મારફત સારા વિશ્રાંતિગૃહમાં આગળ બાગબગીચા જેવા સ્થળમાં ગોઠવણ કરી લેતી. છતાં એકબે વખત મધુકરને જ્યોત્સ્નાના બંગલામાં જવાનો મિત્રો સાથે મોકો મળ્યો જ ન હતો એમ તો ન જ કહેવાય. જ્યોત્સ્ના બહુ જ ઠંડી હતી, ઝડપથી જવાબ આપે એવી હતી જ નહિ અને તેણે રમતગમતમાં કે અભ્યાસમાં મધુકરને સહવાસ કેળવવાનું મન થાય એવું કશું જ ઉત્તેજન આજ સુધી આપ્યું ન હતું. પરંતુ મધુકર માનતો હતો કે આ તો જ્યોત્સ્નાનો સર્વસામાન્ય ગુણ જ હતો - કે દોષ હતો. એની ઊર્મિશિથિલતા માટે એની બહેનપણીઓ પણ ફરિયાદ કરતી જ હતી. કદી કદી તેને અને સુરેન્દ્રને સાથે જોયાં હોય એવો ભાસ મધુકર સરખા યૌવન-પરીક્ષકને ન થાય એમ તો ન જ કહેવાય. પરંતુ એમાં માત્ર સુરેન્દ્રની સારા વિદ્યાર્થી તરીકેની કીર્તિ અને તેની ભલમનસાઈની ઘેલછા જ કારણરૂપ હોય તેમ એ માનતો. એટલે ગઈ કાલે સુરેન્દ્ર તરફ તેણે દેખાડેલું પક્ષપાતભર્યું વલણ કારણ વગરનું જ હશે એમ તેણે માની લીધું. અને કારણ હોય તો મધુકર હવે જાતે જ ક્યાં જ્યોત્સ્નાના બંગલા તરફ જતો ન હતો કે જેથી જરૂર પડે જ્યોત્સ્નાને જીતવાનો માર્ગ મોકળો ન થાય !

તેના હૃદયમાં અત્યારે ઉત્સાહ હતો. એકાએક રાવબહાદુરનો બંગલો આવી પહોંચ્યો અને તેની ઘડિયાળમાં સાડા દસ વાગવામાં એક જ મિનિટની વાર હતી. ગાડી ઊભી રાખી છટાબંધ ઢબે તે યોગ્ય સ્થળે ગયો અને બરાબર દસ અને ત્રીસ મિનિટે તેણે નોકરના હાથમાં પોતાનું સફાઈદાર કાર્ડ મૂકી દીધું અને તેને કહ્યું :

‘રાવબહાદુરે મને બોલાવ્યો છે. આ કાર્ડ તેમને પહોંચાડી દો, હમણાં જ.’